૨૦૧૬-૦૧-૦૫
દોસ્ત, મને માફ કરીશ ને ?
પ્રકરણ - ૭
-ઃ લેખક :-
નીલમ દોશી
E-mail : nilamhdoshi@gmail.com
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકરણ - ૭
શણગારેલી ઢીંગલી...
“ચાલે નહી હકૂમત,
સમય સ્વયંમનો જપ્યા કરે છે,
પળપળ પૂરો જપ.”
અમેરિકા પહોંચ્યા પછી અનિકેતના ફોન નિયમિત આવતા રહેતા.તેના મમ્મી,પપ્પા પણ ઈતિ સાથે અને તેના મમ્મી, પપ્પા સાથે વાતો કરતા રહેતા. અનિકેતની કોલેજ ચાલુ થઈ ગઈ હતી. તેને ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડયું હતું. શૈશવથી સતત સાથે રહેલ બે વ્યક્તિ ભૌગોલિક રીતે તો દૂર થઈ હતી. પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું ? જયાં અંતરનો સેતુ રચાયેલ હોય ત્યાં માઈલોના અંતરની શી વિસાત ? જોકે છતાં કયારેક ઈતિ એકલતા જરૂર અનુભવતી. અનિકેતના ગયા પછી થોડાં સમય સુધી તો શું કરવું તેની સમજ જ ઈતિને નહોતી પડતી. અનિકેત સિવાય એકલાં કેમ જી શકાય,કયાં જી શકાય તે પ્રશ્ન દિવસો નહીં મહિનાઓ સુધી ઈતિને મૂંઝવતો રહ્યો. આખો દિવસ હવે કરવું શું ? ભણવાનું પણ હાલ પૂરતું તો પૂરૂં થયું હતું. હવે આગળ શું કરવું તે વિચારવાનું હતું. અને છેલ્લે અનિકેતના જવાની તૈયારીની ધમાલમાં અનિને પૂછવાનું પણ રહી ગયું હતું.
ઠંડીના દિવસો શરૂ થઈ ચૂકયાં હતાં. પક્ષીઓ કામકાજેથી વહેલાં વહેલાં આવીને પોતાના માળામાં ઉષ્મા મેળવવા લપાઈ જતાં હતાં. સાંજના રંગો પૂરા ખીલે ન ખીલે તે પહેલાં જ જાણે ઉતાવળ આવી ગઈ હોય તેમ રાત્રિ જલદી જલદી રૂપેરી ઓઢણી માથે નાખી, ન નાખી અને આવી પહોંચે. ઠંડો વાયરો રાતરાણીની મહેક લઈને ફરતો રહે. ડાળીઓ નવા પર્ણની આશાએ જલદીથી જૂના પર્ણો ખંખેરવા માગતી હોય તેમ આખી રાત પર્ણો ખેરવ્યા કરે. શાંત રાત્રિમાં પર્ણના ખરવાનો ખર ખર અવાજ વાતવરણમાં અથડાયા કરે. ઈતિની આંખો જલદીથી બિડાવાનું નામ ન લે. ઈતિના મનની મોસમ પણ ઠીંગરાઈ ગઈ હતી. હમણાં વાતાવરણ કેવું શુષ્ક, સાવ નિર્જીવ બની ગયું હતું. હકીકતે બધું રાબેતા મુજબ જ હતું. પરંતુ ઈતિ એકલી પડી ગઈ હતી..સાવ એકલી... તેને કશું સુંદર નહોતું લાગતું. સૃષ્ટિનું બધું સૌન્દર્ય જાણે અનિકેત હરી ગયો હતો. બધું વીણીચૂણીને પોતાની સાથે અમેરિકા ઉપાડી ગયો હતો કે શું ?
ઈતિ હવે દરિયે જાય છે તો ત્યાં પણ સમુદ્રનો ઘૂઘવાટ, એનું સંગીત કયાં ? મોજાઓ પણ કેવાં ગમગીન બની ગયાં છે. નાળિયેરીના વૃક્ષો અણોહરા બનીને ચૂપચાપ ઉભા રહે છે. ઈતિ સાથે વાત કરવાની તકલીફ પણ કયાં લે છે ? સૂર્યદાદા પણ પોતાની રંગલીલા જલદીથી સમેટી ઈતિ સામે નજર ન નખાતી હોય તેમ વિદાયના બે બોલ કહ્યા સિવાય પાણીમાં ડૂબકી મારી જાય છે. ઈતિની ગમગીનીમાં બધાં જાણે અનાયાસે સામેલ થતાં રહે છે. હથેળીમાં ભીની રેતી લઈ ઈતિ તેની સામે જોઈ રહે છે. થોડીવારમાં રેતી આપોઆપ સરકી જાય છે. ઈતિની પણ જાણ બહાર. ઈતિ થોડીવાર આમતેમ આંટા મારીને આવતી રહે છે. મજા નથી આવતી. મનોમન અનિકેત સાથે વાતો કરતી રહે છે. અને દિવસ માંડ પૂરો કરે ત્યાં શિયાળાની આ લાંબી લાંબી રાત. બારીમાંથી દેખાતાં તારાઓ ઈતિ ગણ્યા કરે. અમેરિકામાં પણ આ જ તારાઓ દેખાતાં હશે ? પણ ત્યાં તો એ તારાઓ નિહાળવા કયાં મળે ? અનિકેત શું કરતો હશે અત્યારે ? ઈતિના મનમાં પ્રશ્ન પડઘાતો રહેતો.
અનિકેતનો ફોન આવે ત્યારે શું શું પૂછવાનું છે..શું વાતો કરવાની છે બધું ઈતિ નક્કી કરી રાખતી. પરંતુ અનિકેતનો ફોન આવે ત્યારે બધું ભૂલાઈ જવાય. ફોન અનિકેત જ કરતો રહેતો. કેમકે તેની પાસે હજુ મોબાઈલ નહોતો. અને તે કયારે રૂમ ઉપર કે કયારે કોલેજે હોય તે સમય કશો નિશ્વિત નહોતો. ફોન આવે ત્યારે જે પૂછવાનું નક્કી કરી રાખેલ હોય તે બધું ઈતિ ભૂલી જતી. અને અનિ ત્યાં શું કરે છે તે વાતો જ થતી રહે.
અનિકેત ફોનમાં ઈતિને ત્યાંની વાતો કરતો રહેતો. અને ઈતિના પ્રશ્નોનો તો પાર જ કયાં હતો ?
‘ આજે શું બનાવ્યું ? શું ખાધું ? કયાં ગયો ? શું કર્યું ? ‘
ઈતિ અહેવાલ લેતી રહેતી. અને અનિકેત હોંશે હોંશે આપતો રહેતો. કયારેક અનિકેતે કશું બનાવ્યું ન હોય..અને ’ સમય નથી મળ્યો ‘ એવું અનિકેત કહે ત્યારે ઈતિ તેને ખખડાવવાનો પોતાનો અબાધિત અધિકાર ભોગવવાનું ચૂકતી નહીં.
‘ એટલો સમય પણ ન મળે ? ‘ એમ કહી ઈતિ બહુ ખીજાય ત્યારે અનિકેત કહેતો,
‘એ તો તું અહીં આવીશ ત્યારે જ તને સમજાશે.’
‘ઈતિ ત્યાં કેમ આવશે..શા માટે આવશે ? એવા પ્રશ્નોનો કોઈ અર્થ નહોતો. એવો વિચાર તેમના મનમાં કદી ઉગ્યો જ નહીં. એકાદ વરસ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ પછી.....
કાળે ફરી એકવાર કરવટ બદલી હતી. અને કાળ કરવટ બદલે ત્યારે........!
બે વરસની ઉંમરથી અસ્તિત્વ સાથે વણાઈ ગયેલું એક નામ જીવન ક્ષિતિજમાંથી એકદમ અણધારી રીતે કેમ, કયાં અદ્રશ્ય થઈ ગયું. તે સમજાયું નહીં. અચાનક અનિકેત, તેના મમ્મી, પપ્પા સૌના ફોન આવતા બંધ થઈ ગયા ! ઈતિએ જુદી જુદી ઘણી રીતે..ઘણાં દ્વારા પ્રયત્નો કર્યા... પરંતુ દરેક સંપર્કસૂત્ર કપાઈ ગયા. ઈતિ ફોન કરતી તો શરૂઆતમાં વોઈસ મેઈલ પર જતા. પછી તો એ પણ બંધ. મેઈલના પણ કોઈ જવાબ નહીં. અનિકેત કયા વિશ્વમાં અદ્રશ્ય થઈ ગયો તે સમજાયું નહીં. ઈતિના મમ્મી પપ્પાએ પણ ઘણાં પ્રયત્નો કરી જોયા... પરંતુ આ તો કાળની કરવટ હતી.. એનો તાગ કોને મળી શકે ? મઘમઘ થતું પુષ્પ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક ખરી પડયા. જો કે પુષ્પ ખરી શકે... તેની સૌરભ તો કયાં ખરવાની હતી ? કેટલીક મહેક શરીરને જ નહીં આત્માને.. પ્રાણને સ્પર્શી હોય છે..જે કયારેય...
ઈતિ સ્તબ્ધ ! સાત જનમ બેસીને વિચારે તો પણ એનું કોઈ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે ? પણ...બન્યું હતું એ હકીકત હતી.અને ઈતિને કોઈ ફરિયાદ વિના હકીકતનો સ્વીકાર કરવાનો હતો. ઈતિના મમ્મી, પપ્પાને પણ આર્શ્વર્ય થયું. પણ એ ડોલરિયા દેશમાં જીને ભલભલા બદલાઈ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે ? કદાચ કોઈ ધોળી છોકરી ગમી ગઈ હોય અને...
અને શરમનો માર્યો અનિકેત કે તેના માતા પિતા જણાવી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્યા..કે પછી.....! જાતજાતના વિચારો કરતાં રહ્યા. જોકે કોઈ પણ વિચાર મગજમાં બેસતો તો નહોતો જ. પરંતુ જે પણ હોય તે..પરંતુ હવે તે લોકો કોઈ સંબંધ રાખવા નથી માગતા એ તો દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું.
અને અંતે..જે હોય તે..કયારેક તો જાણ થશે ને ? આવું વિચારી ઈતિના મમ્મી, પપ્પાએ તો મન મનાવી લીધું અને પુત્રીને પણ એ જ સમજાવી.
જો કે આ બધું ઈતિની સમજ બહારનું હતું. પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકારવાનું તો હતું જ ને ? આ પળે તો જે સામે આવ્યું તે એક માત્ર સત્ય હતું. બાકી અત્યાર સુધી અનુભવેલું બધું...!
ઈતિ કશું વિચારવા માગતી નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભાવ ..બધું સ્વીકારી લેવાની આદતને લીધે તે એટલું જ વિચારતી ‘અનિ જયાં રહે ત્યાં ખુશ રહે..બસ અનિની જે ઈચ્છા હોય તે ઈતિને મંજૂર જ હોય. અનિની ઈચ્છાને ઈતિ માન ન આપે તેવું તો બને જ નહીં ને ?કોઈ ફરિયાદ વિના પૂર્ણ શ્રધ્ધાથી તેણે હકીકત સ્વીકારી લીધી. એક ક્ષણ માટે પણ કોઈ કડવાશ તેના મનમાં પ્રવેશી શકી નહીં. આમ પણ તેમણે કયાં કયારેય સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા ? તેથી દગો કે વિશ્વાસઘાત એવા કોઈ સવાલો તો ઉપસ્થિત જ નહોતા થતા. બસ..અનિ ખુશ રહે...! અંતરની અમીરાતથી ધબકતા,મધુરતાથી ધબકતા હૈયામાં કડવાશની કોઈ કણી માટે જગ્યા કયાં હતી ? અનિની છબી તેના મનમાં એ જ રહી. બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હવે અંદર ઊંંડે ઉતરતી ગઈ... બસ... એક માત્ર ફરક...
કોઈ પીડા વિના પૂરી સહજતાથી દરેક વાત... દરેક પરિસ્થિતિનો સ્વીકાર એ કદાચ ઈતિની પ્રકૃતિ હતી. અનિકેત ભૌતિક અર્થમાં તેનાથી દૂર ભલે ગયો હોય..બાકી ઈતિથી દૂર તે જી શકે તેવી તો ઈતિ કલ્પના પણ કરી શકે તેમ નહોતી.
સમયની એક વામન ક્ષણમાં કેટલી વિરાટ..અનંત શકયતાઓ...આર્શ્વર્યો.. ભરેલ હોય છે..તે એહસાસ તો સ્વાનુભવે જ સમજાય ને ?
ઈતિનું ભણવાનું હવે પૂરૂ થયું હતું. કોઈપણ માતા પિતાની જેમ ઈતિના મા બાપ પણ દીકરીના લગ્નની ચિંતામાં...છોકરો શોધવામાં પડયા. ઈતિ તો કશું વિચારતી જ નહોતી. ત્યાં તેના જીવનમાં અરૂપનું આગમન એકદમ અણધાર્યું થયું. ઈતિના માસીએ તે બતાવ્યો હતો. ભણેલ ગણેલ, દેખાવડો, સારૂં કમાતો, અને કુટુંબમાં પણ ખાસ કોઈ નહોતું. તે પણ અમેરિકાથી આવ્યો હતો.
વાત ચાલી અને એક દિવસ અરૂપ ઈતિને જોવા આવ્યો. તે તો ઈતિને જોઈને જ મુગ્ધ થઈ ગયો. ઈતિની ભાવવાહી, વિશાળ,ચમકતી,પાણીદાર આંખોમાં તે ખોવાઈ ગયો. તેણે તો ત્યાં જ હા પાડી દીધી. કશું પૂછવાની તેને જરૂર જ ન લાગી. જાણે પહેલી નજરે જ તે ઈતિમાં ખોવાઈ ગયો. તેણે ઈતિને પણ કોઈ સવાલો ન પૂછયાં. ઈતિને તો શું પૂછવું તે સમજાયું જ નહોતું. અરૂપ અમેરિકાથી આવ્યો હતો. અનિકેતને ઓળખતો હશે ? તેના વિશે પૂછું? અરૂપ સામે બેઠી બેઠી ઈતિ અનિકેત વિશે જ વિચારી રહી હતી. અરૂપની સામે તે કેમ બેઠી છે તેનો વિચાર પણ એ ક્ષણે તેને સ્પર્શ્યો નહોતો. અમેરિકા અને અનિકેત..બસ...એટલો જ સંબંધ મનમાં ઉગતો હતો. અરૂપ સામે જોવાની કોઈ જરૂરિયાત તેને નહોતી લાગી. અરૂપ અમેરિકાથી આવ્યો હતો.અને અમેરિકામાં અનિકેત હતો..બસ રહી રહીને આ એક જ વાત તેના મનમાં આવતી હતી.
અમેરિકામાં હોય તે બધા જાણે અનિકેતને ઓળખતાં જ હોય.! ઈતિ તો એવું જ વિચારી રહી હતી. જોકે પૂછવાની લાખ ઈચ્છા છતાં ઈતિના હોઠ એ ક્ષણે કોઈ શબ્દો ઉચ્ચારી ન જ શકયા. “અનિકેત “ નામ અંદર જ થીજી રહ્યું.
ઈતિના મમ્મી, પપ્પાને પણ અરૂપ ગમ્યો. ઈતિને પૂછતાં તે જવાબ ન આપી શકી. આ બધું શું થઈ રહ્યું છે તેની જિંદગીમાં ? ના પાડવાનું કોઈ દેખીતું કારણ નહોતું. તો હા પાડવાની .....? લગ્ન કરવાના ? સાસરે જવાનું ? જોકે સાસરાનો અર્થ હવે કોઈને પૂછવો પડે તેમ નહોતો. અને પૂછવું હોય તો પણ જવાબ આપનાર પોતે જ એક સવાલ બનીને રહી ગયો હતો.
ઈતિની જિંદગી વિશે વિચાર તો અનિકેતે કરવાનો હોય. ઈતિનું જીવન કેવું હશે તેની કલ્પના તો અનિકેત કરતો. અત્યાર સુધી પોતે કયારેય કોઈ ચિંતા..કોઈ કલ્પના..કોઈ વિચાર પોતાના ભાવિ વિશે કયાં કર્યો હતો ? એ બધું ઈતિનું કામ થોડું હતું ? એને તો અનિ કહે એમ કરવાનું હોય..બસ...બાકી બધું એની જવાબદારી. પણ હવે ?હવે આ ક્ષણે અનિને શોધવો કયાં ? તેને એટલી પણ ભાન નથી પડતી કે ઈતિ એકલી શું કરશે ? કેમ કરશે ? આવો મોટો નિર્ણય તે અનિ વિના કેમ લઈ શકે ?
’તે અનિને પરણી શકે ? અનિ હોત તો પોતે અને અનિ પરણ્યા હોત ? ઈતિના મનમાં પહેલીવાર આ વિચાર વીજળીની જેમ ઝબકી ગયો. અનિ સાથે લગ્ન ? આવો વિચાર તો આજ સુધી કયારેય નથી આવ્યો..આજે આમ અચાનક ?તે અને અનિ પ્રેમી, પ્રેમિકા થૉડા હતા ? હા, એકબીજાનું સર્વસ્વ જરૂર હતા.પણ.. આવું તો બેમાંથી કોઈએ કદી કયાં વિચાર્યું હતું ? કે એકબીજાને કદી કહ્યું હતું ? હકીકતે તે અને અનિ છૂટા પડી શકે એવી કોઈ કલ્પના જ નહોતી આવી. ઈતિ અજબ અસમંજસમાં અટવાઈ. એક તરફ માતા પિતા હતા. જે તેને સમજાવતા હતા કે અરૂપ જેવો છોકરો નશીબદારને જ મળે.ઈતિને તો કોઈ બહેનપણી..કોઈ મિત્ર પણ કયાં હતા ? એવી જરૂરિયાત જ કદી નહોતી લાગી. જે હતો તે એકમાત્ર અનિકેત...અને તે આમ ઈતિની પરમ જરૂરિયાતની પળે ખોવાઈ જાય..રિસાઈ જાય..ઈતિની આંખો છલકાઈ આવી. એક અકથ્ય મૂંઝારો તેના પ્રાણને ઘેરી વળ્યો. જેની આરપાર તે કશું જોઈ શકવા અસમર્થ હતી. માતાપિતાને તે કશો જવાબ આપી શકી નહીં.
તેના મૌનને સંમતિ માની ઈતિની સગાઈ નક્કી થઈ ગઈ. બે દિવસમાં તો સગાઈની બધી તૈયારી પણ થઈ ગઈ. જેમ અનિકેતના અમેરિકા જવાની વાત ઈતિના મગજમાં આગલા દિવસ સુધી નોંધાઈ નહોતી. તેવી જ રીતે સગાઈની વાત પણ ઈતિનું મગજ નોંધી શકયું નહીં. ઈતિ તરફથી કોઈ વિરોધ ન આવ્યો. અને વિરોધનો અભાવ એટલે સ્વીકાર એ સત્ય માની લેવામાં કોઈને વાંધો ન આવ્યો. આમ પણ કોઈના મૌનનો મનગમતો અર્થ કાઢવો હમેશાં આસાન હોય છે. ઈતિના ઘરમાં બધાને અરૂપ ખૂબ ગમી ગયો હતો. અને અરૂપમાં ના પાડવા જેવું કે ન ગમવા જેવું શું છે ? ઈતિને ન ગમ્યું હોય તો તો બોલે ને ? ઈતિના માસીએ પણ કહ્યું.
‘ દીદી, આ તો લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. વધાવી લો. સારા કામમાં સો વિઘ્ન.’
અને બહેનની વાત ઈતિની મમ્મીને પણ યોગ્ય લાગી. અને તુરત સગાઈનો દિવસ નક્કી થઈ ગયો. આમ પણ અરૂપે જેમ બને તેમ જલદી કરવાનું કહ્યું હતું.
ઈતિને તો જાણે આ બધા સાથે કોઈ નિસ્બત જ નહોતી. જે થાય તે....ત્યાં હતો એક માત્ર સાક્ષીભાવ કે પછી ઉદાસીન ભાવ. પહેલા કશું વિચાર્યા સિવાય અનિકેત કહેતો તેમ તે કરતી રહી હતી.. આજે માતા પિતા કહે તેમ તે કરતી રહી.
અરૂપને ઉતાવળ હતી..તરત સગાઈ...અને અઠવાડિયામાં તો લગ્ન..કરવાનું નક્કી થયું.
સગાઈને બીજે દિવસે અરૂપે ઈતિને એક સરસ મજાની બાર્બી ડોલ ભેટ આપી. જે દુલ્હનના શણગારથી શોભતી હતી. ઈતિ સ્તબ્ધ..! મૂઢની માફક તે ઢીંગલી હાથમાં લઈ બેસી રહી. આ ભેટમાં તેને અનિકેતની હાજરી..તેની સુવાસ કેમ અનુભવાતી હતી ? ઘડીકમાં ઢીંગલી તરફ તો ઘડીકમાં અરૂપ તરફ જોઈ રહી.
અરૂપે કહ્યું..’ આ તો જસ્ટ મસ્તી..મજાક..’
પણ ઈતિ માટે આ મજાક કયાં હતી ?
તેની સાથે પોતાના શૈશવની કોઈ અણમોલ યાદ સંકળાઈ હતી એની જાણ અરૂપને થોડી જ હોય ?
તેની નજર સમક્ષ તો દસ વરસનો અનિકેત હસતો હતો. અને ઈતિને કહેતો હતો..
’ તારા લગ્ન થશે ને ત્યારે હું તને શું ભેટ આપીશ.? ખબર છે ? ‘
ગૌરીવ્રતના ત્રીજા વરસે પૂજા કરીને આવેલ શણગારેલ ઈતિને જોઈને અનિકેતે કહ્યું હતું. અને ઈતિ ચંચળતાથી બોલી ઉઠી હતી.
‘શું આપીશ “
’તારા જેવી જ શણગારેલ ઢીંગલી...બાર્બી ડોલ...!’
અને બંને ખડખડાટ હસતા હતા !
આજે અરૂપની આ ભેટ...! તેનાથી અરૂપને પૂછાઈ જ ગયું,
’તમે અનિકેતને ઓળખો છો ? એ પણ અમેરિકામાં જ છે. ‘
’અનિકેત..કોણ અનિકેત ? ‘
જવાબમાં ઈતિ મૌન રહી.અને અરૂપે પણ આગળ કોઈ પૂછપરછ કરી નહીં.
એ ઢીંગલી આજે પણ કબાટમાં મોજુદ છે. બિલકુલ મૌન બનીને ચૂપચાપ બેઠી છે.
તે પછી પણ અરૂપે અનેક ભેટો ઈતિને આપી જ હતી ને? પણ...