Parakhna Mat... Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Parakhna Mat...

Name:Parul Khakhar

Email:parul.khakhar@gmail.com

પ્રેમ એવો પદારથ છે જે નથી ઘન..ન પ્રવાહી,,ન વાયુ ! ન દ્રશ્ય ન અદ્રશ્ય !
પાંચ જ્ઞાનેન્દ્રિયથી અને પાંચ કર્મેન્દ્રિયથી મહેસૂસ કરી શકાય પણ સમજાવી કે સમજી ન શકાય ! સીર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો..એવુ કંઇક …..
ન બંધન..ન મુક્તિ…ન ઉસને કૈદ મે રખ્ખા ન હમ ફરાર હુએ !
એક એવો અટપટો દાખલો કે જેમ બાદ થતા જાઓ એમ ઉમેરાતા જાઓ…અને જેમ ભાગાકાર થતો જાય એમ ગુણાતા જાઓ !
આવા અદભૂત સમીકરણની વ્યાખ્યા કરવાનો નમ્ર પ્રયાસ !

પ્રેમ એક એવું તળાવ જ્યાં પડવાનું મન થાય..બહાર નિકળવાનુ નહી ! કાદવથી કપડા ખરડાય….બહુ જોરથી ભૂસકો માર્યો હોય તો ગોઠણ પણ છોલાય…ભેજવાળા પવનથી નાક બંધ થઇ જાય…આંખોમાં પાણી આવી જાય…તો પણ બહાર આવે એ બીજા! જો કે આ તળાવમાં કમળ પણ ખીલે..શ્વેત સમજણના… ગુલાબી આકર્ષણનાં…લાલ સમર્પણના….આહા…એની સુગંધ…!!

પ્રેમની ઘટના તો બસ..એ મ જ ઘટતી હોય છે. કોઇ જ આયોજન વગર, કોઇ જ ગણતરી વગર,થવાનો હોય તો માત્ર એક એસ.એમ.એસ.થી થઇ જાય અને નહી તો મહિનાઓની ચેટથી પણ ન થાય

પ્રેમ એક અડાબીડ જંગલ જ્યાં પ્રવેશતા જ ચારે તરફ લીલું લીલું લાગ્યા કરે ! એક ઠંડકનો અહેસાસ થયા કરે ! એક તાજગી જે મનને તરબતર કર્યા કરે ! કોઇ જ કારણ વગર ખુશી થયા કરે !રસ્તાઓથી …મંઝિલથી દૂર જ્યાં માત્ર પ્રવાસ જ હોય એવા જંગલમાં ભૂલા પડવાની મજા જ કંઇ ઓર છે.

લોકો ચેતવે. ડરાવે કે રહેવા દેજો…પ્રેમ તો ધારદાર વિજળી છે..લાવા ઓકતો જ્વાળામુખી છે…બેધારી તલવાર છે …પણ માને એ પ્રેમી શાના !!

પ્રેમ તો પારસમણી !! માટીમાં લોખંડ બની ને ધરબાયેલ પડેલા વ્યક્તિત્વને માટીથી છુટુ પાડીને અહેસાસ અપાવે કે તું માટી નથી! અને પછી જાદૂઇ સ્પર્શથી લોખંડમાથી સોનું બનાવે ! જાણે અંધારાનાં શ્રાપમાંથી મુક્ત કરાવી ઝળહળતા દેશમા લાવી દે !!

ક્યારેક ચોર પગલે આવીને આંખો પર હાથ મુકે ત્યારે ખબર પડે..અને ક્યારેક ધસમસતા મોજાની જેમ દે..માર કરતો આવીને પોતાની હાજરી પુરાવે. ઘણું બધું ડહોળી નાંખે…પણ ધીમે ધીમે બધું આછરતુ જાય અને સપાટી પર લાવે એ પ્રેમ !!

પોતાની જાતને કેલીડોસ્કોપમાંથી દેખાતા , હરપળ બદલાતા પ્રતિબીંબોની માફક અનેક ટુકડાઓમાં વહેંચાયેલી અનુભવાય,,ચારે તરફ ફાંફા માર્યા કરીએ પણ કશુંક છટકી જાય ત્યારે…અચાનક ઝળહળ થાય અને ખુદ માંથી ખુદને જડી જવાની ઘટના એ જ પ્રેમ !

કંઇ સદીઓ સુધી ચાલ્યા કરે એવી વાર્તા એટલે જ પ્રેમ નહી ! એ તો એકાદ ગુલમહોરી રાત જેટલો પણ હોઇ શકે ! ડાળીએ ડાળીએ લાલચટ્ટાક શણગાર સજીને ખીલી જવું અને બસ…સવાર થતાં જ ખરી જવુ એ જ એની નિયતી ! ધીમી ધીમી ખુશ્બુ છોડી જવી એ જ એની પ્રકૃતિ ! અને પાંદડીઓનો ખટમધુરો સ્વાદ એ જ એની ફલશ્રુતિ !

અને મિત્રો..પ્રેમ એક એવો ઝખ્મ જેને મટાડવા દુઆ, દવા અને પરેજી કામે લગાડીએ… માંડ માંડ ભીંગડા વળવા લાગે અને ત્યાં જ ચપ્પુ લઇને ફરી ફરીને ખોતર્યા કરવામા લિજ્જત અપાવે એ પ્રેમ !

સપનામાં કોઇ અનદેખા…અન્જાના સા…આવવા લાગે ત્યારે નક્કી સોળમુ બેસી ગયુ સમજવું ! વળી આ સોળમું …સાલ્લુ..કોઇ પણ ઉંમરે બેસે એનું કાંઇ નક્કી નહી :P

બડી મુશ્કીલ હૈ..ખોયા મેરા દિલ હૈ..જેવા ગીતો લલકારતા જતા હોઇએ ને રસ્તા પરનાં ટોળામાં કોઇ એક ચહેરો જરા વધુ ગમી જાય…, એની ઘરની ગલીમાં રસ પડવા લાગે….., સ્કુલ-કોલેજ કે ઓરકુટ-ફેસબૂક, એસ.એમ.એસ.કે વોટ્સઅપ…બધા જ રસ્તા એના પર આવી ને ખતમ થવા લાગે..એનો એ ફોટો ઝૂમ કરીને જોવાયા કરે…..!!! કાશ..એ પણ એક વખત જોઇલે..એવી કશીશ મનમાં ઘૂંટાયા કરે પણ..કમબખ્ત છોકરીની જાત કંઇ સામે થી થોડું કહેવાય કે નિગાહે કરમ ફરમા દીજીયે…કે નિગાહે મિલાને કો જી ચાહતા હૈ :)

અને કોઇ સોનેરી સાંજે સાવ અચાનક એની નજર પડે અને…મનમાં ઘંટડીઓ વાગવા લાગે ! પછી તો એ જ રસ્તે વારંવાર ટકરાયા કરવાનુ જાણે વ્યસન થઇ જાય !બધું ગમવા લાગે..તો પણ..કંઇક અજાણ્યુ દર્દ કોરાયા કરે….એક અજંપો..એક તાલાવેલી…જીવને અકળાવ્યા કરે ! એક ઉચાટ રગરગમાંથી ઝર્યા કરે ! શું આને જ પ્રેમની બાયપ્રોડક્ટ કહેતા હશે !!!‘
ફાંસ જરા શી વાગી ગઇ ને વાંસ જેવડું ખટકે છે કંઇ અંદર અંદર…

ખબર નહી કેમ.. પણ પ્રેમ અને ઉંઘને બાપે માર્યા વેર ! એક આવે એટલે બીજુ નાસી જ જાય.રાતે ઉજાગરા અને દિવસે અકળામણ ! હવે તો કંઇક બોલવું જ પડશેના મક્કમ નિર્ધાર સાથે સવાર પડે અને મન પહોંચી જાય એની ચૌખટ પર..પહેલો સજદો ત્યાં થાય અને પછી મંદિર તરફ પ્રયાણ થાય!

ધીમે ધીમે વાતચીતનો દોર શરુ થાય. આમ તો ‘મન બટકણું..મન છટકણું..મનનાં સવા લાખનાં લટકા !!’ પણ હવે એ ડાહ્યુ ડમરું થવા લાગે..અઢી અક્ષરનાં શબ્દ પર પી.એચ.ડી. થવા લાગે…બોલ્યા વગર આંખોથી બોલાતુ રહે અને સાંભળ્યા વગર કાન સાંભળી લે એવી ગૂઢ ભાષા બન્ને શીખી લે ! ‘પ..હે..લા ન..શા..પ..હે..લા ખૂ..મા..ર…ની માફક જીંદગી સ્લોમોશનમાં ચાલવા લાગે!

જીવનની કાબરચીતરી ચોપડીમાં જાણે ગુલાબી પન્નુ ખુલી જાય.! એની જ વાતો..એનાં જ વિચારો એ પન્ના પર અંકાતા જાય ! બધી જ મૌસમ ચોમાસામાં પલટાઇ જાય ! ભીની માટીમાં કંઇક કોળાયા કરે..ચાલમાં રવાની આવી જાય….સાંજો ઝૂમવા લાગે..

છોકરીની ઓઢણીમા ઉગ્યા પતંગિયા ને,
છોકરાની છાતીમાં ફુલ…
સાત સાત પેઢીથી ચિતરાતા ચોપડાનાં.
થઇ ગ્યા હિસાબ બધાં ડૂલ !!

અને એક દિવસ મેસેજ આવે….એક વાર નિરાંતે મળ….

‘જગ આખ્ખાને કિટ્ટા કહીને મારે તમને મળવું છે.
સંજોગોને થપ્પો દઇને મારે તમને મળવું છે’

અને શરુ થાય …મુલાકાતોનો સિલસિલો ! એ અંગૂરી મુલાકાતો…..ક્યારેક જાણીજોઇને બાઇકને મરાતી શરારતી બ્રેક ! ક્યારેક ગાલનાં ભમ્મર કૂવામાં ચપટીક ગુલાલ છાંટવાની અણધારી કોશીશ ! ક્યારેક એક ગ્લાસમાંથી પીવાતુ પાણી..અને ક્યારેક એક બોટલમાંથી પીવાતા એઠાં લીંબુશરબતનો ઝાયકો ! ક્યારેક એક ચબરખીમાં લખી આપેલ એકમાત્ર નિશાની ! આહા….

‘સિલસિલા ના ખત્મ હો..આગાઝ કા,અંજામ કા.
આના તેરા જાના તેરા દેતા રહા હૈરાનીયા’

અને કંઇ રુબરુ મળ્યાને જ થોડી મુલાકાત કહેવાય ? ગુલમહોરી રાતમા…ગુલમહોરની સાક્ષી એ થયેલા મદહોશ સંવાદો…વાતો ખૂટે જ નહી…ફોનની બેટરી ખતમ થઇ જાય !! બધા જ સીમકાર્ડના બેલેન્સ ઝીરો થઇ જાય …..અને ગવાતું રહે…’મેરે મહેબૂબ ન જા…આજકી રાત ન જા…હોનેવાલી હૈ સહર..થોડી દેર ઔર ઠહેર….’ કોયલનાં પહેલા ટહૂકે…..પહેલી અઝાન ગુંજે અને ભારે હૈયે અલગ થવાય..ફરી મળવા માટે :)

વહેલી સવારે આંખ મિંચાય અને એ મદહોશી…એ ગુલાબી ઘેન આંખોમાં અંજાઇ જાય…પોપચા પચરંગી થાય…અને જીવતર ઝળહળ થયા કરે !

ક્યારેક તો તૂટે જ છે..ગુલાબી હોય કે રાતા..ઘેન !!અને પછી તો સફાળા ચોંકી જવાય..આંખો ખુલી જાય…જાગીને સીધુ અરીસા સામે ઉભા રહી જવાય! તડાક..દઇને એક તિરાડ પડે..અને પ્રતિબીંબ વહેંચાઇ જાય બે ભાગમાં ! બન્નેમાં દેખાય એક જ વ્યક્તિના બે વિરોધાભાસી વ્યક્તિત્વ! એક ગુલાબી ઘેનમાં જ આંખો મીંચી પડી રહેવા માંગે…એક સૂરજનાં અજવાળે ચકચકાટ કરતી વાસ્તવિકતાને સ્વીકારવા માંગે..અને શરુ થાય….કશ્મકશનો સિલસિલો !!

દિવસ ઉગે ને એક સણકો ઉઠે..સાંજ સોંસરવો થઇને રાતે લબકારા મારતો ઘેરી વળે…અંધારા હાહાકાર મચાવે..અને નાચવા લાગે પીશાચી ભૂતાવળ! જાણે ભરખી ન જવાની હોય !! કાચેકાચી????

યંત્રવત હાથ , પગ , કલમ ચાલતા રહે! રીસેપ્શનનાં બૂફેમાં…સાંજીના ગીતોમાં…છઠ્ઠીનાં ઓળીઝોળી પીપળ પાનમાં…પાર્ટીમાં વનમીનટ ગેમમાં….ઉઠમણામાં ગવાતા ‘પરમાત્મા એ આત્માને શાંતી સાચી આપજો’ જેવા ભજનોમાં…ટી.વી. પર જોવાતી સીરીયલોમાં….કે ઇન્ટરનેટ પર કત્લ થતી કલાકોમાં…સતત…એ સબાકો..ક્યાંય જંપવા ન દે ! શરીર બની જાય મશીન..અને મન..ચકડોળ…પેટમાં લોચા વળતા જાય પણ બંધ જ ના થય ને ! પેલો ભરડીયો જોયો છે ?? મસમોટા પથ્થરોને કદ પ્રમાણે વેતરી નાંખે ! ધડધડાટ પીસાતા રહે પથ્થરો વેદનાનાં…અને એની કરચો કેટલાયે મીટર દૂર સુધી ઉડતી રહે..ચોતરફ !!!

‘પ્રેમની ખાલી ક્ષણ બે ક્ષણ ને વેદનાનાં વરસ !
કણકણમાં વેરાતી જાતી કાળમીંઢ શી તરસ !’

મન અને મગજની મારામારીમાં કંઇ કેટલુયે હણાતું રહે…માથા વગરનાં ધડ લડતા રહે..ન કોઇ જીતે..ન કોઇ હારે…અને લાશોને અગ્નિદાહ આપતા આપતા આંખો ધૂમાડાનો પર્યાય બની જાય..રાતીચોળ..લબકારા મારતી જ્વાળાઓ…અને બાકી બચતા અસ્થિઓ એ જ મૂડી !

‘હાથે કરીને દર્દ નોતર ના તું,
લોહીઝાળ ઝખ્મોને ખોતર ના તું.
ખેતર એકલતાનાં વાંઝણી ભૂમી,
યાદોનાં આખલાને જોતર ના તું.’

લીલાછમ્મ ખેતરો રણમાં ફેરવાતા જાય..ગુલમહોરની જગ્યાએ થોર ઉગવા લાગે….પેલી અરિસાની તિરાડો વધતી જાય…પ્રતિબીંબો બેવડાતા જાય…અનેક ટૂકડાઓમા રહેલા વ્યક્તિત્વો..અંદર અંદર…કપાતા રહે…વિખેરાતા રહે…પણ..પેલા ગુલાબી ઘેન કંઇ એમ પીછો છોડે ખરા !!!
એક એવી વારતા જે અંજામથી જ શરુ થતી હોય….અંત નકકી જ હોય…..બસ ક્યારે આવે એની જ રાહમા સદીઓ જેવી શ્રાપીત સાંજો ધૂણતી રહે !

‘તારી યાદનાં ડાકલા વાગે રોજ સાંજે,
બત્રીશ લક્ષણો ભોગ માંગે રોજ સાંજે’

કુંડળી મારીને બેઠેલી સાંજ ડંખતી જાય..અને રૂંવે રૂંવે ઉગી નિકળે શૂળ….!ઝેરી…નૂકીલા….જેને અડકે એને ફૂટી નિકળે લીલાઘમ્મર ઝેર….જીભ તો જાણે હાથલા થોરનું લાલઘૂમ ડોડવું ! શૂળની સૌગાદો..અને શૂળના સોદા ! પેલુ ઝેર ઉતરતુ જાય રગરગમાં…ઉન્માદો ઓસરતા જાય….જર્જરીત થતું જાય ડાયરીનું વાળેલું પન્નુ….મરવા પડેલી ક્ષણો મોરચો માંડે જીવવા માટે…હાહાકાર કરે..ફરિયાદો , ગિલા, શિકવા!! ક્યાં સુધી આખરે ??!!

અને..અંતે…પોતાનો જ ક્રોસ ઉંચકીને..અનેક ઝખ્મોથી લોહીલૂહાણ…ટેકઠેકાણેથી પરુથી સડતી..લથડતી..ખોડંગાતી..વેદનાથી બેજાન થવાની અણી પર આવેલી..ગુલાબી ઘેનભરી આંખો વાળી છબીએ મોટોમસ પથ્થર ઉંચકીને ખોડી દીધી પોતાની જાતને પોતાના જ ક્રોસ પર…ખીલા ઠોકાતા રહ્યા..અરીસાનાં બધાજ પ્રતિબીંબો..ખણણણ…કરતા વેરણ..છેરણ….એક્કેક…ટુકડો લોહી નિંગળતો…ચિત્કારતો…તરફડતો…રહ્યો…અંતે કણસીને શાંત થઇ ગયો…એક અલ્પજીવી સંબંધ !!

જાતે જાતે વો મુજે અચ્છી નિશની દે ગયા,
ઉમ્રભર દોહરાઉંગા ઐસી કહાની દે ગયા !’

–પારુલ ખખ્ખર