Geet - Fatana Parul H Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Geet - Fatana

Name: Parul Khakhar

Email:

લગ્ન એટલે આમ તો બે હૈયાનો મેળાપ, જ્યાં બે વ્યક્તિ, બે પરિવાર, બે સંસ્કૃતિ અને બે વિચારધારાનો સુભગ સમન્વય થાય છે. લગ્ન એ માત્ર ઘટના નથી પરંતુ એક આખી પ્રક્રિયા છે જે છોકરીને સ્ત્રી અને-છોકરાને પુરુષ બનાવે છે.

આપણું ગુજરાત એટલે ભાતીગળ અને રંગબેરંગી રાજ્ય !અહિંયા લગ્નોમાં તો આનંદ અને ઉત્સાહની છોળો ઉડે.આમ તો વરને કન્યામાં, કન્યાને વરમાં, ગોરને દક્ષિણામાં અને મહેમાનોને જમવામાં રસ હોય છે. પણ ખાસ કરીને બહેનોને તૈયાર થવામાં અને ગીતો-ફટાણાં ગાવામાં ખૂબ રસ પડે છે. તો ચાલો..આજે લગ્નગીતો અને ફટાણાની દુનિયામાં લટાર મારીએ.

લગ્નવિધીમાં સૌ પ્રથમ બન્ને પક્ષનાં વડીલો ભેગા થઇને લગ્ન નક્કી કરે. ગોરમહારાજ આવીને મુહર્ત કાઢે કંકોતરી છપાય અને લગ્નના થોડા દિવસ અગાઉ શુભ ચોઘડિયું જોઇનેકંકોતરી લખાય. રસોડે મગ-લાપસી રંધાતા જાય અને બહેનો ગીતો ગાતી જાય.‘
પ્રથમ પધારો મારા ગણેશ દુંદાળા,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા.’
ગણપતિને સૌથી પહેલુ આહવાન આપવામાં આવે જેથી પ્રસંગમાં કોઇ વિઘ્ન ન આવે.‘
કંકુ છાંટી કકોતરી મોકલો,
એમાં લખજો કુળદેવીમાનાં નામ વેલેરા પધારજો…’ કહીને ઇષ્ટ્દેવને યાદ કરવામાં આવે.‘
ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે,
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે.’


આમ ચાર કંકોતરી જુદા જુદા ઇશ્વરીય સ્વરૂપને નામે મોકલવામાં આવે‘
માંડવડે કાંઇ મેલો રે બાજોઠી કે ફરતી મેલો રે કંકાવટી,
તેડાવો મારે આશાભરનાં જોશી કે આજ મારે લખવી છે કંકોતરી.’ આ ગીતો ગવાતા જાય અને વડીલો ભેગા મળીને સગા વ્હાલાને કંકોતરી લખતા જાય.

લગ્ન લખાય તે દિવસથી રોજ સાંજે આડોશી પાડોશી અને સગા સબંધીઓની સ્ત્રીઓ ભેગી મળીને સાંજીના ગીતો ગાય. એક ઉમંગનો માહોલ બનતો જાય.‘
મારી આંખલડી ભીજે ને મારો નખ નમે,
મારે ઘેર સાજનીયા પધારે ને જગ જમે.’

‘વનરા તે વનમાં મીંઢોળ જાજાં .મીંઢોળ પરણે ને ઝાડપાન બાળ કુંવારા,
હું તમને પુછુ મારા વીરા રે નિકુંજભાઇ આવડા તે લાડ તમને કોણે લડાવ્યા?’

દાદા ભાવેશભાઇ ને માતા લજ્જાબેન આવડા તે લાડ અમને એણે લડવ્યાં’
આમ આ ગીતમાં દાદા, માતા, કાકા ,કાકીના મામા મામી, ભાઇ ભાભીના પ્રેમ દુલારને યાદ કરવામા આવે.

વરરાજાની મનોસ્થિતીનું વર્ણન કરતુ આ ગીત કેવું મીઠું લાગે છે…
‘ આંબલિયો કાંઇ થડ રે થોડેરો ડાળે ડાળે અતિ ઘણો રે..
તેને થડ મારે રામચંદ્ર ઉભા લંકા સામુ જોઇ રહ્યા રે..
કોઇ અમને લંકા દેખાડો રે સીતાજીને નિરખવા છે.’વરરાજો કન્યાને નિરખવા આતુર હોય પણ એમ કંઇ ચાંદના દર્શન થોડા રેઢા પડ્યા છે?

અને કાંઇ માત્ર આવા જ ગીતો ન ગવાય હોં ? અહિંયા તો ઘરની વહુવારું ને બરાબર લાગમા લઇ ગીતો ગવાય…‘
એક ભોંમાંથી નિકળ્યુ મચ્છરીયું (૨) એની ચોખા જેવડી ચાંચ બોલે મચ્છરીયું,
અશોકભાઇને બે બાયડી (૨) નવી-જુનીની જોડ બોલે મચ્છરીયું,
નવી માંગે લેપટોપ (૨) જુની ઝોલા ખાય બોલે મચ્છરીયું.’
વહુઓ ખિજવાતી જાય અને હસતી જાય..
નણંદો મોજમાં આવતી જાય…
‘ રાકેશભાઇની શેરીએ બે નાળિયેરી..ગલઢેરો બળદ વેચાય બે નાળિયેરી
ઓલી મીના ક્યે મારલો ભાઇ બે નાળિયેરી..
ભાઇ ભાઇ કરતી નિસરી બે નાળિયેરી….ભાઇએ શિંગડ ફેરવ્યા બે નળિયેરી..
ભાંગ્યો કાંઇ હડબડ હોઠ બે નાળિયેરી…
વાટીશ ઘૂંટીશ હળદરડી બે નાળિયેરી..ચોપડીશ મીના વહુને હોઠ બે નાળિયેરી.’
હાહા-હીહી ની છોળો ઉડતી જાય..ને પાડોશણોને ચાનક ચડતી જાય..‘
કિરણભાઇ મુંબઇ શેર ગ્યાતા ગોરીનાં રુસણા,
મીરા વહુ આઇફોન મંગાવે ગોરીનાં રુસણા…’(
આ ગીતમાં કેવી રીતે ગોરીનાં રુસણા તુટે છે એ જાણવા તો ગુજરાતી લગ્નમાં શામેલ થવુ પડે ! )‘
આનંદ ભાઇ સુરત શહેર ગ્યાતા રાઇનો કેવડો રે..
સુરતથી મેડમ પરણી લાવ્યા રાઇનો કેવડો રે..
ગીતા વહુ છાને ખૂણે પૂછે રાઇનો કેવડો રે..
મેડમ કોને માટે લાવ્યા રાઇનો કેવડો રે..
તારા સમ..તારી માનાં સમ..મેડમ તારી માટે લાવ્યો રાઇનો કેવડો રે.’:P( કેવા બહાદૂર !!)

વહુઓ કહે બસ..હોં હવે..અમને પણ ગાતા આવડે છે હાં..કહીને નણંદોઇને સપાટામાં લે અને નણંદો ખિજવાતી જાય…‘
રામપરાની ટોપલી મારે મિતેશકુમારને માથે જો,
સચીનભાઇની શેરીએ કાંઇ શાક વેચવા આવ્યા જો,
સચીનભાઇએ બકાલી જાણી દુધીએ દુધીએ માર્યા જો’
નણંદો હવે ચૂપ થઇ જાય અને ભાભીઓ ગેલમાં આવી જાય..‘
નવા નગરનું એન્જીન આવ્યુ..એન્જીન ચાલે ફાસ્ટ..
વિમલ તારુ એન્જીન ચાલ્યુ જાય
સુટનો શોખિન સફારીનો શોખિન ચીંથરા વિણતો જાય
વિમલ તારુ એન્જીન ચાલ્યુ જાય.’

નણંદો મનમાં સમસમે પણ કાંઇ બોલે નહી…ત્યાંતો કુંવારી નણંદ ભાભીને યાદ કરાવે પેલુ તો રહી ગયું !‘
ઉડી ઉડી જાયરે મિતેશકુમારની ચોટલી..ભાવેરે નહી શાકરોટલી..(૨) ટકો ટાંઉ ટાંઉ…
જેવા તેલ વગરનાં ઢોકળા (૨) હો એવી લૂખી તારી મુંડકી (૨) ટકો ટાંઉ ટાંઉ’
ચારેબાજુ…ખીખીયાટા થવા લાગે અને રાત પડવા લાગે..પાડોશણો ઘેર જવા ઉતાવળી થાય…અને વહુને ટોણો મારે…‘
શીલા પટુડી દેને અમને શીખ રે આ જુનોગઢ રળિયામણો રે..’
તો કોઇ વળી ગાય .‘
સવાયાના સવા શેર પતાસા મંગાવો..ડાહ્યા રે મારા કાજલ વહુને વેંચવા બેસાડો,
લીયો બાયુ..લીયો બેનુ નહિતર ઘરમાં જાઉ છુ પતાસાનુ પાણી કરી એકલી પી જાઉ છુ.’
આમ સૌ હસતા ગાતા છુટા પડે.

લગ્નનાં આગલા દિવસે ગણપતિ સ્થાપન થાય…મંડપ રોપાય..માણેક સ્તંભની સ્થાપના થાય,મીંઢોળ બંધાય…અને ગીતો ગવાય.
‘સોનાની સળીયે માંડવડો રે..રુપાની સળીએ માંડવડો રે..
નિપુલભાઇ જીજ્ઞા વહુને વિનવે રે,,જાવ ગોરી વધાવો ગણેશ..વાજીંત્ર વાગે રે..’
ઢોલ ઢબુકતા જાય અને ગીતો ગવાતા જાય..‘
એવા મંડપ રોપ્યા મારે આંગણે..વાગે શરણાયુ ને ઢોલ..
માંડવડે મારે એવા મોતી વેરાણા માણેક ચોકમા રે.’
બહેનો ગીત ગાતી ગાતી ઉકરડી નોતરવા જાય વહુએ ખભે ચુંદડી અને હાથમાં દિવડો લીધો હોય…અને નણંદો ફરી ભાભીની ઠેકડી ઉડાડે..‘
ઉકરડી નોતરાવો ઢળાવો ઢોલિયા
અજયભાઇનું બૈરું બેચાર બેચાર શું કરે રે.
એક રાંધે..બીજી પીરસે..ત્રીજી ઢોળે વાહોલિયા..ચોથી ચરણ ચાંપશે રે..’

ફરી હાસ્યનું હુલ્લડ જામે..‘
બરાનું છે બાંધણું ને બરો રે ઘણેરો..હરીશભાઇની ઘરવાળીને બરો રે ઘણેરો,
બક્ષીશમાં બટેટુ ને બરો રે ઘણેરો…કરિયાવરમાં કારેલું ને બરો રે ઘણેરો..’

વહુઓ શું બોલે ? હવે વહુઓનાં પિયરીયાનો પણ કેવો વારો પડે..જુઓ..‘
પાણીમાં પરવાળા ઠેકે ભમરલા રે..
કોટેચાનું ગોતર ગાંડુ ભમરલા રે.
નાના મોટા નાચવા શીખ્યા ભમરલા રે..
ગલઢા બૂઢા ધૂણવા શીખ્યા ભમરલા રે..
ભાઇયુ એટલા ભવાયા થ્યા ભમરલા રે..
વહુઓ એટલી વ્યાજે મેલી ભમરલા રે..
દિકરી એટલી વેચી ખાધી ભમરલા રે..’
હાહાહા…જોયુ ને? આને કહેવાય ફટાણા !

પછી વરને પીઠી ચોળવાની વિધી થાય. પીઠી એટલે આમ તો હળદર જેવી ઔષધિઓથી બનાવેલું એક પ્રકારનું ઉબટન જેને ઘસવાથી વાન ઉજળો થાય.સ્ત્રીઓ પીઠી ચોળતી જાય અને ગાતી જાય..‘
પીઠી ચોળે પીઠી રે પિતરાણી,
હાથે પગે ચોળે રે વરની ભાભી,
મુખડા નિહાળે રે વરની માડી.’
ત્યાર પછી વરની ફૈબા જડ વાસે….વરનાં માથામાં તેલ નાખતા જાય અને આશીર્વાદ આપતા જાય…ગીતો ગવાતા જાય..ફૈબા અને ફુવાને ઝપટમાં લેવાતા જાય..‘
જડ વાસે જડ રે વરની ફૈબા,
ફૈબાને ફુમતિયાળી સાડી.તો ય ફઇની ફાંદલડી રે ઉઘાડી.
ફુવાને ડગલો ને ટોપી તો ય ફુવા વાળે છે રે લંગોટી.’

બીજે દિવસે સવારે વરરાજા સ્નાન કરવા જાય જેને અંઘોળ કહેવાય છે.આ સમયે પણ ગીત ગવાય..‘
ચુલે તે કેસર કમકમે ને અંઘોળ વેળા થાય
અંઘોળ કરાવે વિશાલભાઇના દાદા અંઘોળ કરો
તમારે અંઘોળે અમીરસ હોય વરરાજા અંઘોળ કરો.’

ત્યાર પછી વરરાજા તૈયાર થઇને સાજન મહાજન સાથે જાન લઇ ને પરણવા જાય…આ સમયે ગવાય કે..‘
મોર તારી સોનાની ચાંચ..મોર તારી રૂપાની ચાંચ..સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય,
મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વળતા જાજે રે વેવાયુ ને માંડવે હો રાજ.’

આમ..ગીતો ગાતા ગાતા ઠઠ્ઠા મશ્કરી કરતાં કરતાં જાન કન્યાનાં ગામ સુધી પહોંચે..કન્યા પક્ષ ગાવાનું શરું કરે‘
ગુંજે શરણાયું, ઢોલ ત્રાંબાળુ વાગે..ગામ લોક સુતા જાગે..
કે આવ્યો રુડો વરરાજીયો…’
તો જાનડીયુ વળી એમ ગાય..‘
આનંદકારી મંગલકારી જાન પધારી રે..
જાનમાં આવ્યા મોટા શેઠીયા એને જોશે ગાદી તકિયા જાન પધારી રે..’
વરરાજો ઘોડે ચડીને મલપતો મલપતો આગળ વધતો જાય..ગીત ગવાતા જાય..‘
વીરા રે શુકન જોઇ ઘોડે ચડજો
શુકનીયો છે કસુંબીનો બેટડો,
ચુંદડી લઇ સામે મળ્યો રે..’
વરરાજાના તો ગીતો ગવાય સાથે સાથે એની ઘોડીનો પણ ગીતમાં ઉલ્લેખ કરે..‘
માણકી ઘોડીનો મારા વીરનો વરઘોડો..
અમદાવાદનાં લોકો મારા વીરને જોવા નિસર્યા.
છેટા રહીને જોજો મારા વીરને નજર્યુ લાગશે,’

કોઇ જુના જમાનાની કાકી પેલું ગીત પણ ગાઇ નાખે ’લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયે લીલા લહેર છે. મારા ભાઇને વરસે તો સેલા પહેરી ફરશો મારા ભાભી સાસરીયે લીલા લહેર છે.’

ઢોલ ધ્રબુકતા જાય..ફટાકડા ફુટતાજાય જાનૈયા નાચતા કુદતાં વેવાઇને આંગણે પહોંચે..સૌ પ્રથમ સાળી સામૈયું કરવા આવે. ત્યાર બાદ માંડવામાં પહોંચેલા વરરાજાને પોંખવા સાસુજી આવે અને જાનડીયું ને ફટાણા નો મોકો મળે..‘
હળવે હળવે પોંખો રે વેવાણ હોંશીલા..
બાળકડું બી જાશે રે વેવાણ હોંશીલા..
છોકરડું શરમાશે રે વેવાણ હોંશીલા.’

વળી એવું પણ ગવાય કે ‘માંગ્યું સેલુ પહેર્યુ છે ને જમાઇ પોંખવા આવ્યા છે. હશે એનું લઇ જાશે પછી ચડશે ચટકો.’

કન્યાપક્ષ ગાય કે,,..‘
સીતાને તોરણ રામ પધાર્યા…’
જાનની આગતા સ્વાગતા થાય, જાનૈયા તૈયાર થઇને મંડપમાં આવી જાય અને જાનડીયું ગાય કે ‘નાણાવટી રે સાજન બેઠું માડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે,જેવા ભરી સભાના રાજા એવા હિતેશભાઇના દાદા, જેવા અતલશ માયલા તાકા એવા હિતેશભાઇના કાકા. નાણાવટી રે સાજન બેઠું માડવે.’

અને પછી છાબ ભરાય..‘
મારા નખનાં પરવાળા જેવી ચુંદડી રે..
મારી ચુંદલડીનો રંગ રાતો હો લાડડી..ઓઢો ને સાહેબજાદી ચુંદડી..’

ત્યાર બાદ સોળે શણગાર સજીને હૈયે લાખો અરમાન સજાવીને લાખેણી કન્યા મલપતી મલપતી મંડપમાં આવે.. અને સરખી સાહેલીઓ ગીત ગાય..
‘ઓઢી નવરંગ ચુંદડી ,પાયે ઝાંઝરનો ઝણકાર (૨)
માંડવામા આવે બેની મલપતાં મલપતાં.’

કન્યાદાનની વિધી શરુ થાય…અને બહેનો ગાય…‘
કોઇ આપે સોનાદાન..કોઇ આપે રૂપાદાન,
અમે દીધા દિકરીનાં દાન જતન કરી સાચવજો.’
વરકન્યાનાં હાથ મળે..હસ્તમેળાપની સાથે હૈયા મેળાપ પણ થતો જાય..‘
જમાઇ મેલી દીયો મારા બેનનો હાથ કે નહી છૂટે સાથ..
દંપતિ સુખિયા રહો..’
ત્યાર પછી અગ્નિ પ્રગટવવામાં આવે ભાઇ જવતલ હોમે..અગ્નિની સાક્ષીએ સપ્તપદીના વચનો લેવાતા જાય સાત પગલામાં સાત જન્મોના કોલ દેવાઇ જાય…ફેરા ફરાતા જાય અને અને ગીતો ગવાય..‘
પહેલુ પહેલુ મંગળીયુ વરતાય રે..
પહેલે મંગળ…ગાયોનાં દાન દેવાય રે…’.

જાનડીયું અહિંયા પણ ફટાણું ગાવાનો મોકો ન ચૂકે..‘
વીરો મારો ફર ફર ફેરા ફરે નિશા વહુ ફરે નહી રે..’

તો વળી કન્યા પક્ષ કેમ પાછળ રહે ??‘
૧૬ વરસનાં શ્યામા બેનને ફેરા ફરતા આવડે…
૧૮ વરસનાં નિરજ કુમારને ફેરા ફરતા ન આવડે..
તેડાવો એના દાદાને તેડાવો એનાં માતાને..
તેડાવો એનાં મોટાબાને ફેરા ફરતાં શીખવાડે’
આમ એક પછી એક ફેરામાં સોના-રુપાનાં દાન દેવાય છેલ્લા ફેરામાં દિકરીનાં દાન દેવાઇ જાય…દંપતિ..ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લે.

કન્યાપક્ષ મોજમાં આવી જાય તો અણવરને પણ કોરો ન મુકે..‘
વર તારો અણવર આવો તે કાં ? આવો તે કાં ?
આંખો જોઉ તો ફાંગો દેખાય ફાંગો દેખાય.’
જમણવાર ચાલુ થાય અને તો પણ સ્ત્રીઓને તો ગીત જ ગાવા હોય !જમવા બેસે તો ગાય..
‘અણવર થોડુ થોડુ જમજે રે મસૂરીયાની દાળ..તારા પેટડીયામાં દુખશે રે મસૂરીયાની દાળ..
તારા પેટડીયામાં ઇતર બોલે..તિતર બોલે..ગામનો ગધેડો બોલે…
શેતાની શિયાળ બોલે…હોલા ક્યે છે હૂ…હૂ…’

લગ્નવિધી સંપન્ન થવા આવી હોય એટલે બન્ને પક્ષ મોજમાં હોય..જાનડીયું ગાય..‘
તમે કેદુના કાલાવાલા કરતા’તા…તમે રમેશભાઇની શેરીએ ફરતા’તા,
તમે નક્કામી ફિશિયારી મેલો મારા વેવાઇ કેદુના કાલાવાલા કરતા ‘તા.’

હવે સાસુજી વરકન્યાને કંસાર જમાડવા આવે..અને જાનડીયું ને ફરી ચાનક ચડે..‘
કંસાર જમો ને વીરા કંસાર જમો..સાસુજીનો પીરસેલ કંસાર જમો,
કેવો લાગે છે વીરા કેવો લાગે સાસુજીનો પીરસેલ કેવો લાગે ?
ખાંડ થોડી ને લોટ જાજો લાગે સાસુજીનો પીરસેલ મોળો લાગે.’

કંસાર જમાડી સાસુ ચાલવા જાય ત્યાં વરરાજા છેડો જાલે..કે મારો લાગો ક્યાં ?આમ તો સાસુજી મનમાં બોલે કે મારી લાખ રુપિયાની દીકરી તો આપી હવે શું બાકી રહી ગયું છે? પણ હસીને જવાબ વાળે કે‘
છેડો છોડો રે જમાઇરાજ જે માંગો તે દેશું..દિકરી દીધી તમને આજ રે..જે માંગો તે દેશું,
હઠ મેલી દ્યો માની જાઓ વેવાઇના જાયા, તમને કરશું ના નારાજ રે..જે માંગો તે દેશું.’ કહીને ગીફ્ટ અપાય.

મંડપ વચ્ચે મામેરા ભરાય, પહેરામણી દેવાય અને બન્ને પક્ષના વડીલો એકબીજાના મોઢા મીઠા કરી આજીવન સંબંધોમાં મીઠાશ રાખવાની ખાતરી આપે.

હવે જાનૈયા ઉતાવળા થાય…અને ગોરને ઝપટમાં લ્યે..‘
ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા,
ગોરનું મગર જેવડું મોઢુ ગોર લટપટિયા..
ગોરનું પાટિયા જેવડું પેટ ગોર લટપટિયા..’

અંતે કન્યા વિદાઇની વસમી વેળા આવી જાય.પથ્થર જેવો માણસ પણ પીગળી જાય એવા ગીતો બહેનો ગાવા લાગે….‘
આ દશ્ય આ દશ પીપળો..આ દશ્ય દાદાનાં ખેતર
દાદા હિંમતભાઇ વળાવે દિકરી ડાહ્યા થઇ રહેજો,
સસરાનાં ઝીણા બોલજો, જેઠાણીનાવાદ ન વદજો..’
કેવી ઉત્તમ શિખામણો ગીતમાં પરોવીને અપાતી જાય એ તો આ બધા ગીત આખા સાંભળીયે ત્યારે જ સમજાય.‘
દાદાને આંગણ આંબલો..આંબલો ઘોર ગંભીર,
એક જ પાન ચુંટીયુ..દાદા ગાળ ન દેજો
દાદાને વ્હાલા દિકરા અમને દીધા પરદેશ જો,
અમે લીલુડાં વનની ચરકલડી ઉડી જાશુ પરદેશ જો.’
કન્યા રડતી જાય અને મા-બાપ-ભાઇ-બહેન- ને ગળે મળતી જાય..બધાની વિદાઇ લેતી જાય.દિકરી ઉંબર ઓળગીને જાય એ સાથે જ બાપ ઢગલો થઇને ઉંબર પર જ બેસી જાય…એનું હૈયુ પોકારે..‘
કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગ્યો..’

અને આ બાજુ જાનૈયા હોંશેથી પ્રયાણ કરે..‘
અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભયો..
અમે લાખેણી કન્યા જીત્યા રે આનંદ ભયો..
આજ દેશમાં ડંકો વાગ્યો રે આનંદ ભયો.’

રંગેચંગે જાન રજા લે અને એક કોડભરી કન્યા એક નવા જ શહેરના કોઇ અજાણ્યા ઘરની સામ્રાજ્ઞી બનવા તરફ પ્રયાણ કરે.જાન ઘરે આવે અને વરની માતા ઉંબર પર જ વર કન્યાનું આરતી ઉતારી સ્વાગત કરે, નજર ઉતારીને પાણી ઢોળે. ઘરમાં આવીને પ્રથમ ગણપતિ પાસે બેસીને વર કન્યા કોડી કૈડે રમે અને કહેવાય છે કે જે જીતે એનું આજીવન રાજ ચાલે. ખરેખર તો એવું કશું હોય નહી પણ આ બધી આનંદભરેલી વિધી કરવાથી ક્ન્યાના મન પર પિયર છોડ્યાનો જે વિષાદ હોય તે ઓછો થાય અને નવા જીવનને વધાવવાનો ઉત્સાહ જાગે.
આમ આખી લગ્ન વિધી સંપન્ન થાય અને હૈયાના સૂરે ગવાતા ગીતોની સૂરાવલી વરકન્યાનાં જીવનમાં ગુંજવા લાગે.


પારુલ ખખ્ખર