ઓટલો Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ઓટલો

કરચલીવાળા હાથ સાથે મોહનલાલે લાકડી પકડી અને ધીરે ધીરે પોતાની વળેલી કમર સીધી કરી. લાકડી પર વજન મુકીને તેઓ ઉભા થયા. તેમણે આસપાસ નજર કરી. કોઈ ન દેખાયું. અમથું પણ એક વૃદ્ધની પરવાહ ઘરમાં કોને હોય? તેમણે નિરાશામાં માથું ધુણાવ્યું. ધીરે ધીરે તેઓ ઘરની બહાર નીકળ્યા. આ ગામમાં તેમનું નાનપણ, જુવાની અને ઘડપણ પસાર થયા હતા. તેમણે ગામમાં થયેલા બધા જ પરિવર્તનો જોયા હતા. ગામમાં ચાલતા ગાડાઓના સ્થાને ગાડીઓ આવતા જોઈ હતી. શેરીઓમાં વહેતા પાણીની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ગટર આવતા પણ જોઈ હતી. તેમની કરચલીવાળી આંખો ગાંધીને પણ જોઈ ચુકી હતી અને હવે રાજકારણમાં રહેલા ગિદ્ધોને પણ જોઈ રહી હતી.

મોહનલાલ બધી જ બાબતોથી અલ્પિત થઇ ચુક્યા હતા. તેઓ સમાજની મુખ્ય ધારાથી ઘણા સમય પેહલા વિખૂટા પડી ગયા હતા. સમાજે તેમની ખબર લેવાનું ઘણા વર્ષો પેહલા છોડી દીધું હતું. કદાચ વૃદ્ધાવસ્થાની આ આડ અસર હતી. તેઓ લોકોને ભુલે તે પેહલા લોકો તેમને ભુલી ગયા હતા. તે સમાજ અને ઘર માટે એક ખૂણામાં મુકીને ભુલી જવાયેલી વસ્તુ બની ગયા હતા.

મોહનલાલ કોઈની પરવાહ કરતા નહીં માટે તેઓ લોકો અને ઘરવાળાની અવગણનાથી ટેવાઈ ગયેલા. તેઓ હવે એક હોડી જેવા હતા જે વિશાળ સમુદ્રમાં ડુબવાની રાહ જોઈ રહી હોય. તેમના માટે બધા પ્રશ્નો સમાપ્ત થઇ ચુક્યા હતા. તેમણે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું ઘણા વર્ષો પેહલા છોડી દીધું હતું. તે છોકરાઓની જવાબદારીમાંથી ઘણા સમય પેહલા નિવૃત થઇ ચુક્યા હતા. તેમની પત્નીને ગુજરી ગયે કેટલા વરસ થયા તે પણ યાદ નોહતું. તે ક્યારેક પોતાની પત્નીને યાદ કરી લેતા. તે જીવતી ત્યારે બન્ને છોકરાઓના બાળપણની વાતો કરતા. તેના ગયા પછી તેઓ ઘણા એકલા પડી ગયેલા. ધીરે ધીરે તેની ખોટ પુરવા તેમણે સવાર સાંજ ફરવાનું શરૂ કર્યું હતું.

મોહનલાલ વર્ષોથી પોતાના મોટા દીકરા સાથે રહી રહ્યા હતા. સવાર સાંજ જમવા સીવાય ઘરમાં કોઈ તેમને યાદ કરતુ નહીં. જમવાના સમયે તે હાજર ન હોય તો ઘરમાંથી કોઈ તેમને શોધવા નીકળતું. તે સીવાય વાર તહેવારે લોકો તેમના આશીર્વાદ લેવા આવતા. બસ, ઘરમાં તેમનું આ જ કામ રહી ગયું હતું.

આજે પણ મોહનલાલ પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે પોતાની રોજની જગ્યાએ જઈ રહ્યા હતા. તેમની ચાલ ધીમી હતી. તેમને એવું લાગી રહ્યું હતું કે તેમના શરીરનો વજન દીવસે દીવસે તેના પગ પરથી લાકડી પર જઈ રહ્યો હતો. તેમની દ્રષ્ટિ હજુ પણ સાબૂત હતી. તેમણે દુરથી નજર કરીને તેમની અને ઓટલા વચ્ચેનું અંતર માપ્યું. તેમના માટે ધીરે ધીરે ઓટલા સુધી પોંહચવું અઘરું થઇ રહ્યું હતું. તેમને એવું લાગી રહ્યું હતું જાણે તેમના ઘરથી ઓટલા સુધીનું અંતર દરરોજ વધી રહ્યું હોય.

ઓટલો, છેલ્લા ઘણા વર્ષોથી મોહનલાલનું બીજું ઘર બની ગયો હતો. તેઓ ઘરથી નીકળતા ત્યારે તેમને સૌથી પેહલા ઓટલો યાદ આવતો. ઓટલો એક લીમડાના ઝાડની આસપાસ બાંધવામાં આવ્યો હતો. આ ઓટલો ગામના વૃદ્ધો માટે બેસવા માટેનું સ્થાન બની ગયો હતો. તેઓ પણ રોજ બે ટાઈમ આ ઓટલા પર આવીને બેસતા. જયારે ઘરે જમવાનું બની જતું ત્યારે તેમને બોલાવવા માટે ઘરેથી કોઈ આ ઓટલા પર આવતું.

મોહનલાલ ઓટલા સુધી પોંહચીને તેના પર ફસડાઈ પડ્યા. તેમનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તેમણે પોતાની લાકડી ઓટલાના ટેકે મુકી. થોડીવાર પછી તેમનો શ્વાસ નિયમિત થતા તેમણે આંખો ખોલી. તેમણે ઉપર નજર કરી. સૂર્યના આકરા તડકાએ તેમની આંખો આંજી દીધી. તેમને લીમડો યાદ આવી ગયો.

આશરે એક વર્ષ પેહલા ગામલોકોએ લીમડો કાપી નાખ્યો હતો. કદાચ તે પણ તેની નીચેના ઓટલે બેસતા વૃદ્ધોની જેમ ગામ માટે બિનજરૂરી હતો. તેમણે લીમડો કપાયા પછી પણ ઓટલે બેસવાનું બંધ ન કર્યું. ઘરમાંથી વિરોધ થયો અને દીકરાએ તેમને સમજાવ્યા પણ ખરા કે ત્યાં તડકે ન બેસો પણ તે ન માન્યા.

ઓટલા પર બેસવાનું નહીં છોડવાનું એક બીજું કારણ પણ હતું. તેમણે જયારે ઓટલા પર બેસવાનું શરૂ કર્યું. ત્યારે તેમની સાથે તેની ઉંમરના આશરે દસેક વૃદ્ધ તે ઓટલા પર રોજ બેસતા. બધા રોજ સાથે બેસીને વાતો કરતા અને સમય પસાર કરતા. સમાજ દ્વારા તરછોડાયેલા એક બીજાનો આશરો બનતા.

ધીરે ધીરે જાણે બધા એક પરીવારના સભ્ય હોય તેમ એકબીજાની નજીક આવી ગયા હતા. તેમની સમસ્યાઓ પણ એક સરખી રહેતી. તેથી બધા એકબીજાના સુખદુઃખના સાથી બની ગયા. પણ કાળની સામે કોઈનું ક્યાં ચાલ્યું છે? ધીરે ધીરે તેમની સંખ્યા ઘટવા લાગી. કાળ વારાફરતી તેમને પોતાની ઝપટમાં લેતો ગયો. દરેક સભ્યના મ્રૃત્યુ પછી થોડા દિવસો ઓટલા પર સંખ્યા સો ટકા રહેતી. જાણે બધા મોતને કેહવા માંગતા હોય,” અમે તારાથી ડરતા નથી.” જાણે તેઓ મોતની સામે લડતા હોય. એક એવી હારેલી લડાઈ જે બધાને છેલ્લા શ્વાસ સુધી લડવાની હતી.

પછી તો તેમની વચ્ચે વણલખ્યો નિયમ થઇ પડ્યો કે ઓટલો ખાલી ન રેહવો જોઈએ. કોઈ પણ સમયે તેના પર કોઈને કોઈ વૃદ્ધ બેઠેલો જ હોય. આ તેમની રીત હતી લોકોને કેહવાની કે અમે હજુ જીવીએ છીએ. સંખ્યા ઘટતી ચાલી પણ બેસવાનું ચાલુ રહ્યું.

છેલ્લે જયારે મોહનલાલના ખાસ મિત્રનું મૃત્યુ થયું ત્યારે તે ખુબ દુઃખી થયા. તેમને રોજ ચિંતા રહેતી કે હવે બેસવાવાળા તે છેલ્લા બચ્યા હતા. તેમના પછી આ ઓટલો ખાલી થઇ જશે. મોત જીતી જશે અને જીંદગી હારી જશે. તેઓ રોજ એકલા આવીને બેસી જતા. તેમને હંમેશા એવું લાગતું કે તેમના જુના મિત્રો તેમની સાથે આવીને બેસે છે. તેમને મોત સામે હારી જવાનું દુઃખ નોહતું. તેમને છેક સુધી ઓટલો સાચવવાનો ગર્વ હતો. તેમને એ પણ ખબર હતી કે તેમના મિત્રોમાંથી કોઈ છેલ્લે બચ્યું હોત તો તે પણ તેમની જેમ ઓટલા પર આવીને બેસતું હોત.

"કેમ, દાદા, તમે રોજ અહીં તડકે આવીને બેસો છો?"

તેમની વિચાર તંદ્રા અચાનક તુટી. તેમણે જોયું તો તેમનો દસ વર્ષનો પૌત્ર તેમની સામે ઉભો હતો.

"કેમ,કે મારા મિત્રોએ નક્કી કર્યું હતું કે અહીં રોજ બેસવું. એટલે હું અહીં આવીને બેસું છું." તેઓ ધીરે ધીરે બોલ્યા.

"ક્યાં છે તમારા મિત્રો?" તેણે પુછ્યું.

"બધા ભગવાનના ઘરે." તેઓ નિસાસો નાખીને બોલ્યા.

"તો તો તમને બહુ એકલું લાગતું હશે ને? મને મારા ભાઈબંધના ન હોય તો ન ગમે."

પૌત્ર તેમની પાસે આવીને બેસી ગયો. તેઓ પૌત્રની સામે પ્રેમથી જોઈ રહ્યા.

"દાદા, તમને બહુ એકલું લાગે તો મને બોલાવી લેવો. હું તમારી પાસે આવીને બેસીશ. હું મારા ભાઈબંધોને પણ અહીં જ રમવા બોલાવી લઈશ." પૌત્ર નિર્દોષતાથી બોલ્યો.

અચાનક મોહનલાલની આંખમાં ચમક આવી ગઈ. જાણે કોઈએ તેમના ખભા પરથી વજન ઊંચકી લીધું હોય તેવું લાગ્યું. તેમણે પોતાના પૌત્રના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.

બીજા દિવસથી ગામના લોકોએ એક નવું દ્રશ્ય જોયું. ઓટલા પર એક વૃદ્ધ દસ બાર નાના છોકરાઓ વચ્ચે જાણે મોતને હરાવી દીધું હોય તેમ હસી રહ્યા હતા.

સમાપ્ત