Sharat books and stories free download online pdf in Gujarati

શરત

તે એક શિયાળાની ઠંડી રાત હતી. ઘરડો બેંકર (બેંકનો મલિક) પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. તેને હજુ પંદર વર્ષ પેહલાની એ ઠંડી રાત યાદ હતી જયારે તેણે એક બહુ મોટી પાર્ટી આપેલી. તે પાર્ટીમાં શહેરના ઘણા વગદાર અને બુદ્ધિશાળી માણસો આવેલા અને તેમની વચ્ચે ઘણી રસપ્રદ ચર્ચાઓ પણ થયેલી. તેમાંની એક ચર્ચા મોતની સજા વિશેની હતી. મોટાભાગના લોકો કે જેમાં પત્રકારો અને બુદ્ધિશાળી માણસો સામેલ હતા, મોતની સજાના વિરોધમાં પોતાનો મત વ્યક્ત કરી રહ્યા હતા. તેમના મતે મોતની સજા અતાર્કિક, જુનવાણી અને ધર્મની વિરુદ્ધની હતી. તેઓ માનતા હતા કે મોતની સજાને બદલે દરેક વખતે આજીવન કેદ થવી જોઈએ.

"હું તમારી બધાની સાથે સહેમત નથી," બેંકર પોતાના મેહમાનો સામે જોઈને બોલ્યો." મારા મતે મોતની સજાને વધારે માનવીય કૃત્ય કહી શકાય, કારણ કે તેમાં માણસ એક જ ઝાટકે મૃત્યુ પામે છે જયારે આજીવન કારાવાસની સજામાં માણસ ધીરે ધીરે દરેક પળે એક યાતનાપૂર્ણ મોત અનુભવતો રહે છે. હવે તમે જ કહો વધારે ખરાબ કઈ સજા દેહાન્તદન્ડ કે આજીવન કારાવાસ ?"

"બન્ને સજા એક સરખી જ અમાનવીય કહેવાય," એક મેહમાન બોલ્યા. "કેમ,કે બન્નેમાં વ્યક્તિ પાસેથી તેનું જીવન છીનવી લેવાની વાત છે. સરકારો ભગવાન થોડી છે કે કોઈનું જીવન છીનવી શકે. જે તેઓ આપી શકતા નથી તે લઇ કેવી રીતે શકે?"

મહેમાનોમાં એક પચ્ચીસ વર્ષનો વકીલ પણ હતો. તે પોતાનો અભિપ્રાય આપતા બોલ્યો, " મારા મતે દેહાંતદંડ અને આજીવન કારાવાસ બન્ને અમાનવીય છે. પણ જો મારે બન્ને માંથી એકની પસન્દગી કરવાની હોય તો હું આજીવન કારાવાસની સજા પસંદ કરું. મરવા કરતા યાતનાપૂર્ણ જીવન સારું."

મહેમાનો વચ્ચેની ચર્ચાએ ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. બેંકર કે જે ત્યારે પોતાના ઉગ્ર સ્વભાવ માટે જાણીતો હતો. ટેબલ પર હાથ પછાડીને પોતાના મેહમાનો તરફ જોઈને બોલ્યો," હું આ શહેરનો સૌથી ધનવાન બેંકર, એવા કોઈ પણ વ્યક્તિ સાથે વીસ લાખ ડોલરની શરત લગાવવા તૈયાર છું જે સંપૂર્ણ એકાંતવાસમાં પાંચ વર્ષ રહેવા તૈયાર હોય."

"પાંચ નહીં...પંદર, હું પંદર વર્ષ માટે સ્વૈચ્છિક એકાંતવાસમાં રહેવા તૈયાર છું. જો તારી વાત પર તું અડગ રહેવા માંગતો હોય." યુવાન વકીલ પણ ઉગ્રતાથી બોલ્યો.

"પંદર ? ભલે ત્યારે," બેંકર બરાડ્યો." હું તારી સાથે વીસ લાખ ડોલરની શરત લગાવું છું."

અને આ રીતે આ વિચિત્ર અને અતાર્કિક શરત અસ્તિત્વમાં આવી. બેંકર જે પોતાની સંપત્તિના નશામાં મદમસ્ત હતો તે પોતાની આ શરતથી ખુબ જ ખુશ હતો. તે રાતના ભોજન સમયે પેલા યુવાનની મજાક ઉડાવતા બોલ્યો," હજુ તારી પાસે સમય છે. ફરી એક વાર વિચારી લે. તારી જિંદગીના ત્રણ કે ચાર વર્ષ તું ખોવા જઈ રહ્યો છે. હું ત્રણ કે ચાર એટલે કહું છું કે મને ખબર છે તું વધીને આટલા વર્ષ જ સ્વૈચ્છિક એકાંતવાસમાં રહી શકવાનો છું. કેમ,કે કોઈ વ્યક્તિને ફરજીયાત એકાંતવાસ ભોગવવો પડે અને તે એકાંતવાસ સ્વીકારે તે બન્ને પરિસ્થિતિ અલગ છે. તમે ગમે ત્યારે આ પરિસ્થિતિ માંથી નીકળી શકો છો એ જ એક વિચાર માત્ર તમારા એકાંતવાસને યાતનાઓથી ભરી દેવા માટે પૂરતો છે. મને તારી દયા આવે છે."

અત્યારે પોતાના રૂમમાં આંટા મારી રહેલા બેંકરને આ બધી જ વાતો યાદ આવી રહી હતી. તે પોતે મારેલી શરત પર હેરાન હતો. તે પોતાની જાતને પૂછી રહ્યો," શું ફાયદો થયો આ વિચિત્ર શરતનો ? એક વ્યક્તિ જીવનના પંદર વર્ષ ગુમાવે અને બીજી લાખો ડોલર ગુમાવે તેમાં શું સારું હતું ? શું તેનાથી સાબિત થયું કે બન્ને સજા માંથી એક સજા સારી હતી ? ના, ના. આ શરત જ અર્થ વગરની હતી. મારા તરફથી આ એક અયોગ્ય વર્તન હતું અને તેના તરફથી પૈસાની લાલચ..."

પછી બેંકરને શરત લગાવ્યાના બીજા દિવસની વાતો યાદ આવી. એવું નક્કી કરવામાં આવ્યું કે પેલો યુવાન વકીલ પોતાનો એકાંતવાસ બેંકરના ઘરના એક ઓરડામાં વિતાવશે. વકીલને તે ઓરડાની બહાર નીકળવાની અનુમતિ નહીં હોય. તેનો બહારની દુનિયા સાથે કોઈ પણ જાતનો સંપર્ક પંદર વર્ષ સુધી નહીં રહે. તે કોઈ પણ જાતના પત્રો કે અખબારો મેળવી નહીં શકે. તેને પોતાની સાથે કોઈ એક સંગીતનું સાધન અને પુસ્તકો રાખવાની પરવાનગી હતી. તેને પત્રો લખવાની, વાઈન પીવાની અને ધૂમ્રપાનની પણ પરવાનગી મળી. શરતો અનુસાર એક માત્ર નાનકડી બારી તે ઓરડામાં રાખવામાં આવી જે તેની અને બહારની દુનિયા વચ્ચે લેવડ દેવડનું એકમાત્ર માધ્યમ હતી. તેને જોઈતી કોઈ પણ વસ્તુઓ- પુસ્તકો અને વાઈન - તેને જોઈતી માત્રામાં તે બારી વડે જ આપવાનું નક્કી થયું. એવી દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું કે જે તેના સ્વૈચ્છિક એકાંતવાસમાં કોઈ ખલેલ ન પોંહચાડે. યુવાન વકીલ પાસેથી બાંહેધરી લેવામાં આવી કે તે પંદર વર્ષ માટે સ્વૈચ્છિક એકાંતવાસમાં રહેશે, જે ચૌદ નવેમ્બર, 1870 ના રાત્રે બાર વાગે શરૂ થશે અને ચૌદ નવેમ્બર, 1885 ના રાત્રે બાર વાગે પૂરો થશે. જો તે નિયત સમય મર્યાદા પુરી થયાના એક મિનિટ પેહલા પણ બહાર આવી જશે તો બેંકર શરત જીતી જશે.

એકાંતવાસના પેહલા વર્ષ દરમ્યાન વકીલે પોતે ભયંકર એકલતા અને હતાશા અનુભવી રહ્યો છે એવું પોતાના પત્રોમાં જણાવ્યું. તેના ઓરડામાંથી રાત-દિવસ પિયાનોનો અવાજ આવતો રહેતો. તેણે વાઈન અને તમાકુની પેહલા વર્ષે ના પાડી. તેનું કેહવું હતું કે વાઇનનું સેવન તેનામાં ઈચ્છાઓ જગાડશે જે તેના એકાંતવાસને વધુ કપરો કરશે અને તમાકુ તેના ઓરડાની હવા બગાડશે. પેહલા વર્ષે તેને વાંચેલા પુસ્તકો બહુ હળવી શૈલીના હતા. તેણે પેહલા વર્ષે મોટાભાગે પ્રેમકથાઓ અને સનસનીખેજ વાર્તાઓ જ વાંચી.

બીજા વર્ષે તેનું પિયાનો વગાડવાનું બંધ થઇ ગયું. તે વર્ષે તેણે માત્ર જૂની વાર્તાઓ જ વાંચી. પાંચમા વર્ષે કેદીએ પિયાનો વગાડવાનું ફરી શરૂ કર્યું. તેણે વાઈનની પણ માંગણી કરી. જેઓ તેને પેલી બારી માંથી જોતા તેમણે નોંધ્યું કે તે આખું વર્ષ કેદીએ ખાવા, પીવા અને સુવામાં જ પસાર કર્યું. તેણે આખું વર્ષ પુસ્તકો વાંચ્યા નહીં. તે ક્યારેક પોતાની જાત સાથે વાતો કરતો, ક્યારેક એકલો એકલો બબડતો રહેતો. ક્યારેક આખી રાત તે લખતો રહેતો અને સવારે પોતે લખેલા પાનાઓ ફાડી નાખતો. એકથી વધારે વખત તેના ઓરડામાંથી રડવાના અવાજો પણ સંભળાયા.

છઠ્ઠા વર્ષના ઉતરાર્ધમાં કેદીએ પુરા ઉતસાહથી ભાષાઓ, ફિલોસોફી અને ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. તે એટલી હદે પોતના અભ્યાસમાં મશગૂલ થઇ ગયો કે બેંકરને પછીના ચાર વર્ષોમાં તેના માટે આશરે છસ્સો જેટલા પુસ્તકો લાવવા પડ્યા. આ સમય દરમ્યાન કેદીએ જેલરને છ ભાષામાં પત્ર લખીને તેમાંથી ભૂલ શોધી કાઢવા પડકાર ફેંક્યો અને જો ભૂલ ન મળે તો કેદીને સંભળાય તેમ બંદૂકમાંથી બે રાઉન્ડ ગોળીબાર કરવા જણાવ્યું. બેંકરને તેમ જ કરવું પડ્યું.

દસમાં વર્ષ પછી, કેદી પોતાના ટેબલ પર શાંતિથી બેસીને માત્ર ગોસ્પેલ (ખ્રિસ્તી ધર્મના ઉપદેશનું પુસ્તક) વાંચવા લાગ્યો. બેંકરને નવાઈ લાગી કે જે વ્યક્તિએ ચાર વર્ષમાં છ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું તેણે આ એક નાનકડા પુસ્તક પાછળ એક આખું વર્ષ કેમ બગાડ્યું. ગોસ્પેલના અભ્યાસ પછી ધર્મના ઉદભવ અને થિયોલોજીનો અભ્યાસ શરૂ થયો.

છેલ્લા બે વર્ષમાં કેદી ખુબ મોટા પ્રમાણમાં પુસ્તકો વાંચવા લાગ્યો. તે અલગ અલગ વિષયોના પુસ્તકો એક સાથે વાંચતો. તેની માંગણીઓ અલગ અલગ પુસ્તકો માટેની રહેતી. તે જાણે પોતાની જાતને પુસ્તકો દ્વારા ડૂબતી બચાવવા મથતો હોય તેવું લાગતું.

***

ઘરડા બેંકરને આ બધું જ યાદ હતું. તે મનમાં ને મનમાં વિચારી રહ્યો," કાલે રાત્રે બાર વાગ્યે તે આઝાદ થઇ જશે અને મારે તેને શરત પ્રમાણે વીસ લાખ ડોલર આપવા પડશે. હું જો તેને રૂપિયા આપીશ તો હું કંગાળ થઇ જઈશ. મારુ જીવન પૂરું થઇ જશે."

પંદર વર્ષ પેહલા બેંકરને પોતાને ખબર નોહતી કે તેની પાસે કેટલા રૂપિયા છે પણ અત્યારે એવી પરિસ્થિતિ હતી કે તેની માથે દેવું વધારે છે કે તેની સંપત્તિ, એ તેને નોહતી ખબર. પંદર વર્ષના ગાળામાં ખોટા રોકાણોમાં અને શેરબજારમાં તે પોતાની મોટાભાગની સંપત્તિ ગુમાવી ચુક્યો હતો. એક સમયનો સાહસિક કરોડપતિ હવે એક સામાન્ય કક્ષાનો બેંકર બની ગયો હતો. " એક ભુલ ભરેલી શરત..." તે મનમાં બોલ્યો. " પંદર વર્ષમાં તે મરી કેમ ન ગયો ? તે હજુ ચાલીસ જ વર્ષનો છે. તે મારા પૈસાથી એક સારી જિંદગી જીવી શકે તેમ છે. કદાચ લગ્ન પણ કરશે. હું એક ભિખારીની જેમ તેને મારી નજર સામે સારી જિંદગી જીવતા જોઇશ. તેને કદાચ મારી દયા આવશે તો એ મારી મદદ પણ કરશે. આ શરમજનક પરિસ્થિતિ અને મને દેવાળિયો બનતા માત્ર તેનું મોત જ બચાવી શકે છે."

રાતના ત્રણના ટકોરા બેંકરે સાંભળ્યા. બધા ઘરમાં સુઈ ગયા હતા. હવામાં લહેરાતા વૃક્ષો સિવાય બીજો કોઈ જ અવાજ સંભળાય રહ્યો ન હતો. બેંકરે પોતાની તિજોરીમાંથી પંદર વર્ષથી ઉપયોગમાં ન લેવાઈ હોય તેવી ચાવી કાઢી અને પોતાના કોટના ખિસ્સામાં મૂકી અને ચુપચાપ ઘરની બહાર નીકળ્યો.

બહાર વરસાદ પડી રહ્યો હતો. બેંકર અંધકારને ચીરતો કેદીના ઓરડા તરફ આગળ વધ્યો. ઓરડા બહાર પોહચીને તેણે વોચમેન જાગે છે કે નહિ તે જાણવા અવાજ લગાવ્યો. સામેથી કોઈ જવાબ ન આવતા તેને ખાતરી થઇ કે કોઈ આસપાસ નથી.

"જો મારી યોજના સફળ થશે તો બધો આરોપ વોચમેન પર જ આવશે." બેંકર મનોમન બોલ્યો.

બેંકરે પેલી એકમાત્ર બારીમાંથી ઓરડાની અંદર નજર કરી. ઓરડામાં માત્ર એક નાની મીણબત્તી સળગી રહી હતી. કેદી ટેબલ પર માથું રાખીને પડ્યો હતો. બેંકર માત્ર તેની પીઠ અને માથાના વાળ જ જોઈ શકતો હતો. ઓરડામાં બધી જગ્યાએ પુસ્તકો વિખરાયેલા પડ્યા હતા.

બેંકરે પાંચ મિનિટ રાહ જોઈ પણ કેદી એકવાર પણ ન હલ્યો. બેંકરે બારીના કાંચ પર આંગળી વડે ટકોરા માર્યા પણ કેદી ન હલ્યો. બેંકર બારણાં પાસે ગયો એને તાળા પર મારેલું સીલ તોડીને ચાવી અંદર નાખી. પંદર વર્ષનો કાટ લાગેલું તાળું થોડા અવાજ સાથે ખુલી ગયું. બેંકર ધીરેથી ઓરડામાં પ્રવેશ્યો. તેણે ધારેલું કે કેદી તેને જોઈને ઉભો થઇ જશે પણ એવું કઈં જ ન બન્યું.

સામે ટેબલ પર માથું રાખી સુતેલી વ્યક્તિને બેંકર થોડી ક્ષણો સુધી ઓળખી જ ન શક્યો. કેદીનું શરીર હાડપિંજર જેવું થઇ ગયું હતું. તેની ચામડી તેના હાડકા સાથે ચોંટી ગયી હતી. તેના ગાલ બેસી ગયા હતા. તેના વાળ અને દાઢી ખુબ જ વધી ગયા હતા. તેના માથા પર સફેદવાળ પણ ડોકાઈ રહ્યા હતા. તેની ચામડી પીળી પડી ગઈ હતી. તે ભરઊંઘમાં હતો. તેના માથા પાસે એક કાગળ પણ પડ્યો હતો જેમાં તેણે કઈંક લખેલું હતું.

"બિચારો, કદાચ કાલે મળનારા વીસ લાખ ડોલરના સપના જોતો હશે," બેંકરે વિચાર્યું. "આને મારવાનું ઘણું આસાન રહેશે. તેના મોઢા પર ઓશીકું દબાવી દઈશ તો પણ તે થોડીવારમાં મરી જશે. આ કાગળ પર તેણે શું લખ્યું છે?"

બેંકરે કાગળ ઉપાડ્યો અને વાંચવા લાગ્યો. કાગળનું લખાણ નીચે મુજબ હતું.

"કાલે બાર વાગ્યે મને મારી આઝાદી અને બીજા માણસો સાથે સંપર્ક કરવાનો અધિકાર પાછો મળી જશે પરંતુ હું આ ઓરડો છોડું અને ફરીથી સૂર્યપ્રકાશ જોવું એ પેહલા મારે તમને કઈંક કેહવું છે.ભગવાનને સાક્ષી માનીને હું પુરા હોશોહવાસમાં કેહવા માંગુ છું કે મને મારી આઝાદી, મારુ જીવન, મારુ સ્વાસ્થ્ય કે એવી કોઈ પણ દુન્યવી ચીજો જેને તમારા પુસ્તકોમાં સારી કહેવામાં આવી છે, નથી જોઈતી.

"પંદર વર્ષ સુધી પુરી એકાગ્રતાથી મેં દુન્યવી જીવનનો અભ્યાસ કર્યો છે. હા, એ હકીકત છે કે મેં આ સમય દરમ્યાન દુનિયા જોઈ નથી કે લોકોને પણ નથી મળ્યો પણ મેં પુસ્તકો દ્વારા ઘણા અનુભવો મેળવ્યા છે. મેં એ પુસ્તકો દ્વારા વિશ્વની શ્રેષ્ઠ મદિરાઓનું પાન કર્યું છે, મેં ગીતો ગાયા છે, જંગલી રીંછોનો અને સૂવરોનો શિકાર કર્યો છે, સ્ત્રીઓને ચાહી છે...કવિઓ અને સાક્ષરોએ તેમણે સર્જેલા શબ્દો દ્વારા મારા મગજમાં નવા વિચારો ભર્યા છે. આ પુસ્તકોમાં હું ઊંચા પર્વતોની ટોચે પોહ્ચ્યો છું અને ત્યાંથી મેં સૂરજને ઉગતા નિહાળ્યો છે. સાંજને સમુદ્ર તથા પર્વતશિખરોને પોતાની સોનેરી ઝાંયથી મઢી દેતા જોઈ છે. મેં ગાઢ જંગલો, ખેતરો, નદીઓ, તળાવો અને શહેરો જોયા છે. મેં આ પુસ્તકોમાં જળપરીઓના ગીતો સાંભળ્યા છે, ભરવાડોના હોકાઓનો ધુમાડો જોયો છે અને ભગવાન સાથે વાતો કરી રહેલ શેતાનની પાંખોને અડ્યો છું. મેં આ પુસ્તકોમાં અજ્ઞાત જગ્યાઓની સફરો કરી છે, ચમત્કારો કર્યા છે, લોકો અને શહેરોનો નાશ કર્યો છે, નવા ધર્મો સ્થાપ્યા છે અને સામ્રાજ્યો જીત્યા છે.

"આ પુસ્તકોએ મને જ્ઞાન આપ્યું છે. માનવજાતે યુગોથી ઘડેલા દરેક જાતના વિચારો મારા આ નાનકડા મગજમાં સમાઈ ગયા છે. મને ખબર છે કે હું તમારા બધા કરતા વધુ બુદ્ધિશાળી બની ગયો છું.

"પણ હું બહુ દુઃખ સાથે કહું છું કે હું આ બધા જ પુસ્તકોને ધિક્કારું છું. હું આ તમામ જ્ઞાનને ધિક્કારું છું. આ બધું જ નકામું, ક્ષણભંગુર અને મૃગજળ જેવું ભ્રામક છે. તમે કદાચ બુદ્ધિશાળી અને અભિમાની હશો પણ મોત તમને એક દિવસ નાના ઉંદરની જેમ કચડી નાખશે. તમારું બધું જ અભિમાન, સંપત્તિઓ અને બુદ્ધિ એક ઝાટકે નાશ પામશે.

"તમે તમારો રસ્તો ભૂલી ગયા છો. તમે આ સનાતન સત્યને અવગણીને એક જૂઠું જીવન જીવી રહ્યા છો. જો અચાનક ફળોના વૃક્ષો પર દેડકા અને ગરોળીઓ ઉગવા લાગે તો તમને કેવું આશ્ચર્ય થાય? એવું જ આશ્ચર્ય મને તમને બધાને આ રીતે જીવન જીવતા જોઈને થાય છે. મને હવે તમને સમજવામાં કોઈ જ રસ નથી.

"મને તમે જે જીવન જીવી રહ્યા છો તેના પ્રત્યે અને સંપત્તિ પ્રત્યે કેટલો ધિક્કાર છે એ સાબિત કરવા હું કાલે મારી શરતની અવધિ પુરી થાય એના પાંચ કલાક પેહલા જ ભાગી જઈશ."

બેંકરે કેદીના આ શબ્દો વાંચ્યા પછી કાગળ તેની જગ્યાએ પાછો મૂકી દીધો. તેણે હળવેથી કેદીના કપાળને ચૂમ્યું અને રડતા રડતા ઓરડાની બહાર નીકળી ગયો. તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. તે પોતાના ઓરડામાં પહોંચીને પલંગ પર આડો પડ્યો પણ દુઃખ અને તિરસ્કારની લાગણીઓએ તેને સુવા ન દીધો.

સવારે વોચમેને તેને કેદી ભાગી ગયાના સમાચાર આપ્યા. બેંકર ખાતરી કરવા પોતાના નોકરો સાથે ઓરડે ગયો. લોકોને શક ન પડે તે માટે તેણે પેલો કાગળ હાથમાં લઈને વાંચ્યો પછી ઘરે આવી ને તેણે પોતાને લાખો ડોલરનો ફાયદો કરાવનાર તે કાગળને તિજોરીમાં મૂકી દીધો.

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED