Vartani shodh books and stories free download online pdf in Gujarati

વાર્તાની શોધ

આર્યએ બસની બારીની બહાર નજર કરી. લાઉડસ્પીકર પરથી સતત થતી જાહેરાતોનો ઘોંઘાટ અને લોકોનો કોલાહલ….આ બે ચીજો આર્યના કાનના પડદા સાથે અથડાઈ રહી હતી. તેણે ધીરેથી બારીનો કાંચ બંધ કર્યો. બસનું અંદરનું વાતાવરણ હજુ શાંત હતું. પ્રવાસીઓ ધીરે ધીરે બસમાં આવી રહ્યા હતા.તે બસના વાતાવરણથી પરીચીત હતો. કઈંક અંશે ટેવાયેલો પણ ખરો.

આર્ય હંમેશા બસમાં જ મુસાફરી કરતો કારણ,કે તે હંમેશા નવી વાર્તાની શોધમાં રહેતો અને બસમાંથી તેને વાર્તા મળી રહેતી. તમને એમ થશે કે બસમાં વળી કેવી વાર્તા? આર્ય પોતાને એક નિરીક્ષક માનતો, માનવ સ્વભાવનો નિરીક્ષક. તે બસમાં તેના સાથી મુસાફરોનું નિરીક્ષણ કરતો રહેતો. તેને તેમાંથી માનવ સ્વભાવની લાક્ષણિકતાઓને નજીકથી જાણવાની તક મળતી અને વાર્તા લખવાનો વિષય પણ.

આજે પણ તેણે બસમાં જ મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. મુસાફરી ટૂંકી હતી એટલે તેને તેની આસપાસના લોકોનું નિરીક્ષણ કરવાની તક લાંબો સમય મળવાની નોહતી. તે હંમેશા પ્રયત્ન કરતો કે લોકોની વાતો સાંભળે અને તેમના વર્તનનું નિરીક્ષણ કરે. તે અત્યાર સુધી જેટલું લખી શક્યો હતો તે તેની આ માનસિક કસરતનું જ પરીણામ હતું. તે પોતાની જાતને હ્યુમન બિહેવિઅરનો નિષ્ણાત માનતો. તેને પોતાની નિરીક્ષણ કરવાની શક્તિ પર ગર્વ હતો.

આર્યએ જોયું કે તેની આગળની સીટમાં એક વૃદ્ધ દંપતી આવીને ગોઠવાયું. બન્નેની ઉમર આશરે સાઈંઠ વર્ષ હશે. દાદાએ માજીને બેસવામાં મદદ કરી. આર્ય બન્નેનો પ્રેમ જોઈને ખુશ થયો. તેણે પોતાની બાજુની ખાલી સીટ પર નજર કરી અને મનોમન પ્રાર્થના કરી કે તે સીટ પર કોઈ ના આવે કેમ,કે ક્યારેક કોઈ બહુ વાતો કરવાવાળી વ્યક્તિ આવી જતી અને વાતોને કારણે તેની બીજા પ્રવાસીઓનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિમાં વિક્ષેપ પડતો.

આર્યએ ફરીથી તેની આગળની સીટમાં બેઠેલા વૃદ્ધ દંપતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માજી દાદાને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા હતા. દાદા પ્રેમથી સાંભળી રહ્યા હતા. આર્યના મગજનું મશીન ચાલુ થઇ ગયું. તેણે વિચાર્યું, "કદાચ આ બન્નેના પ્રેમલગ્ન હશે. વારસો પેહલા સમાજના વિરોધ છતાં બન્નેએ ભાગીને લગ્ન કર્યા હશે. અત્યારે ઘરે છોકરાઓ સુખી હશે અને બન્ને કદાચ પોતાના બીજા દીકરાના ઘરે જતા હશે. આના પર વાર્તા લખી શકાય પણ થોડી બોરીંગ હશે. લોકોએ આવી વાર્તા હજારો વખત વાંચી હશે."

હજુ બસ ઉભી હતી. પ્રવાસીઓની સંખ્યા વધારે નહોતી. આર્યને આશા હતી કે તેની બાજુમાં કોઈ બેસવા નહીં આવે. તેની સીટ પણ છેલ્લી હતી એટલે તે વધારે આશ્વસ્થ હતો. તેની સીટની બાજુની સીટ પર એક છોકરી આવીને બેઠી. તેણે પોતાનો વજનદાર થેલો ઉપર સામાન મુકવાના સ્ટેન્ડ પર મુક્યો. છોકરીએ જીન્સ અને ટીશર્ટ પહેર્યા હતા. તે પોતાનો થેલો ગોઠવીને બેસી ગઈ. આર્યએ પોતાની પાસેની ખાલી જગ્યા સામે જોયું.

"છોકરીઓ એકલા બેઠેલા પુરુષ પર કેમ વિશ્વાસ નહીં કરતી હોય? કેમ તે એકલા પુરુષની બાજુમાં નહી બેસતી હોય?" તે મનોમન બબડ્યો.

પેલી છોકરીએ મોબાઇલ કાઢ્યો અને મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓ ફેરવવા લાગી. આર્યને પોતાનો મોબાઈલ યાદ આવ્યો. તેણે આજે નક્કી કર્યું હતું કે આજે તે મોબાઇલ નહી કાઢે. આજે તેને વાર્તાનો વિષય નહી મળે ત્યાં સુધી તે મોબાઇલને હાથમા નહી લે. તેણે પેલી છોકરીનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું. તે હજુ મોબાઈલમાં બીઝી હતી. આર્યના મગજનું મશીન ફરીથી ચાલુ થઇ ગયું.

"કદાચ આ છોકરી કોઈ છોકરા સાથે ચેટ કરતી હશે. કપડાં પરથી તો મોર્ડન લાગે છે. કદાચ શહેરમાં ભણતી હશે અને હોસ્ટેલમાં રહેતી હશે. અત્યારે વીકએન્ડમાં ઘરે જતી હશે. તેના માં-બાપને પેલા છોકરા વિશે નહીં ખબર હોય. આ છોકરી વાર્તાનો વિષય બની શકે પણ થોડા ટ્વીસ્ટ ઉમેરવા પડે" આર્યએ વિચાર્યું.

છોકરીની આગળની સીટમાં એક પાંત્રીસેક વર્ષના ભાઈ આવીને બેઠા. તેણે આવતાની સાથે જ મોબાઈલ કાઢ્યો અને કોઈની સાથે જોર જોરથી વાતો કરવા લાગ્યો. આર્યને પેલા ભાઈની રીતભાત પસંદ ન આવી. તેને એ ભાઈ થોડા એરોગન્ટ લાગ્યા. તેમની વાતોનો વિષય કોઈ જમીન કે મકાનનો હતો. તે ભાઈ મોબાઈલમાં સામેવાળી વ્યક્તિને ધમકાવી રહ્યા હતા. પેલી વ્યક્તિને મકાનમાં રહેવાવાળા તરફથી કોર્ટમાં જવાની ધમકી આપી રહ્યા હતા. પેલી છોકરી અને આગળની સીટમાં બેઠેલા વૃદ્ધ દંપતીનું ધ્યાન પેલા ભાઈની વાતો પર ગયું. દાદાએ પાસે બેઠેલા માજી સામે સ્મિત કર્યું. પેલી છોકરી થોડીવાર ધ્યાન આપીને પાછી મોબાઈલમાં બીઝી થઇ ગઈ.

આર્યનું ધ્યાન હજુ પેલા ભાઇમાં જ હતું. તેનું મગજ ફરીથી વિચારે ચડ્યું.

"કદાચ આ ભાઈ કોઈ માથાભારે વ્યક્તિ હશે. મકાનમાં રહેવાવાળાઓ એ મકાન પર ગેરકાયદેસર કબજો કર્યો હશે અને મકાનમાલીકને ધમકી આપવા માટે આ ભાઈને રોક્યા હશે. સારા લોકોની ખરાબ લોકો દ્વારા થતી સતામણી અને પછી સત્ય અને અસત્યની લડાઈ. વર્ષોથી ચાલી આવતી ફોર્મ્યુલા. વિશ્વની મોટાભાગની વાર્તાઓ આ જ ફોર્મ્યુલા પર રચાયેલી છે. લખી શકાય...આ વિષે પણ લખી શકાય." આર્યએ વિચાર્યું.

આર્યને વિચારમાંને વિચારમાં ધ્યાન ન રહ્યું કે બસ ક્યારે ઉપડી. આગળની સીટ વાળું વૃદ્ધ દંપતી પોતાના પરીવારની વાતોએ વળગ્યું. વૃદ્ધએ કોઈને મોબાઈલ પર લેવા આવવાનું કહ્યું. પેલો ભાઈ હવે મોબાઈલ ખીસ્સામાં મુકીને તેની બાજુવાળા ભાઈ સાથે થેલો મુકવાની બાબતે ઝઘડી રહ્યો હતો. પેલી છોકરી હવે મોબાઇલ પર કોઈને જમવા માટે સમજાવી રહી હતી.

"ડોસા અને ડોસી હવે ઘરે પોંહચીને ભક્તિ કરશે. પેલો ભાઈ રાત સુધીમાં કોઈની સાથે મારામારી કરશે અને છોકરી મોબાઈલ પર રાત સુધી ચેટીંગ કરતી રહેશે." આર્યને બધું રૂટીન બનતું લાગ્યું. તેને કશું ઇન્ટરેસ્ટિંગ જોઈતું હતું.

થોડીવાર પછી કંડકટર આવ્યો અને ટીકીટ આપી ગયો. તેની આસપાસ બેઠેલા બધાને છેલ્લા સ્ટોપ પર જ ઉતારવાનું હતું.

આર્ય થોડો નિરાશ થયો. પોતે જાણે આખો કોયડો સોલ્વ કરી લીધો. તે પરીક્ષામાં આખું પેપર લખીને બેઠેલા વિદ્યાર્થી જેવું અનુભવવા લાગ્યો. તેને એવું લાગ્યું જાણે કોઈ સસ્પેન્સ નોવેલ વાંચતો હોય જેનો અંત તેને ખબર છે.

બસ ઉભી રહી. છેલ્લું સ્ટોપ આવી ગયું હતું. એક વીસેક વરસનો છોકરો બસમાં ચડ્યો અને પેલા વૃદ્ધ દંપતિ પાસે આવ્યો અને બોલ્યો," જય શ્રી કૃષ્ણ, મામા. જય શ્રી કૃષ્ણ, માસી. ચાલો, લાવો તમારો સામાન લઇ લઉં અને હાં, હેપ્પી બર્થડે માસી. અમે તમારા માટે પાર્ટી ગોઠવી છે, ચાલો."

આર્યને ઝટકો લાગ્યો. તેના માટે આ તેની કલ્પના બહારનું બન્યું હતું. તે પોતાનો થેલો લઈને ઉભો થયો અને પેલા મોબાઇલ પર ઝઘડતા ભાઈની પાછળ બસમાંથી ઉતરવા લાગ્યો.

નીચે ઉતરીને તેણે જોયું કે પેલો ભાઈ અચાનક સામે ઉભેલા પાંચ છ છોકરાઓ તરફ આગળ વધ્યો. આર્ય કુતુહલતાવસ શુ બને છે તે જોવા ઉભો રહ્યો. પેલા છોકરાઓ પેલા ભાઈને વળગી પડ્યા. બધા ભાઈને જોઈને બહુ ખુશ હતા. પેલો ભાઈ પણ જાણે પોતાના પરીવારને મળતો હોય તેમ રાજી થયો. બસમાં ફોન પર રાડો પાડતો અને ઝઘડતો વ્યક્તિ અચાનક પ્રેમાળ બની ગયો. આર્યએ પેલા ભાઈને બોલતા સાંભળ્યો," ચિન્તા ન કરો, હું આવી ગયો છું. તમને હવે કોઈ બહાર નહી કાઢે."

આર્યનું ધ્યાન છોકરાઓએ પહેરેલા યુનિફોર્મ પર ગયું. યુનિફોર્મ પર લખેલું હતું "અમર અનાથ આશ્રમ"

આર્યને લાગેલો આ બીજો ઝટકો હતો. તેને અચાનક પેલી છોકરી યાદ આવી. તેણે આસપાસ નજર કરી. પેલી છોકરીને બસની આગળના ભાગ તરફ જતી જોઈ. તે તેની પાછળ ચાલ્યો. અચાનક છોકરી બસના ડ્રાઈવર પાસે પોહચીને બોલી," લાવો, પપ્પા, તમારું ટીફીન. મેં બસમાંથી મમ્મીને મેસેજ કરી દીધા હતા. ભાઈ જમતો નોહતો એટલે મેં તેને ફોન કરીને સમજાવ્યો કે અમે હમણાં જ પોહચીએ છીએ. ચાલો, તે આપણી રાહ જોતો હશે."

આર્ય માટે આ છેલ્લો ઝટકો હતો. તેની બધી ધારણાઓ ખોટી પડી હતી. તેના કરતા એક લેખક વધારે સ્માર્ટ નીકળ્યો હતો. તે લેખકનું નામ ભગવાન હતું. તે ચુપચાપ તે મહાન લેખક સામે માથું નમાવી રહ્યો.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED