રોમા ફિલ્મનો રીવ્યુ. Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોમા ફિલ્મનો રીવ્યુ.



આપ જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે આ વર્ષના ઓસ્કર અપાઈ ગયા હશે. ઓસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મોથી ભારતીય દર્શકો લગભગ અજાણ હોય છે. મોટાભાગની ઓસ્કરમાં નોમિનેટ થયેલી ફિલ્મો ભારતમાં રિલીઝ પણ થતી નથી. ‘ઓસ્કર ફીવર’ શ્રેણી અંતર્ગત આવી ફિલ્મોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરીશ.


જીવન દુઃખ અને વિડંબનાઓથી ભરેલું છે. વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય જીવન આગળ વધતું રહે છે. જીવને આપેલી થપાટો સહન કરીને આગળ વધતા રહેવું એ જ માત્ર વ્યક્તિની નિયતિ છે. જિંદગીમાં લાગતા અઘાતો ગમે તેટલા ઘાતક હોય, સહન કરવા જ પડે. સમય ગમે તેટલા મોટા ઘાને ભરવા સક્ષમ છે.


અલ્ફાંસો કુરોનની ગણતરી વિશ્વના સૌથી પ્રતિભાવાન નિર્દેશકોમાં થાય છે. ‘ગ્રેવીટી’ જેવી જબરદસ્ત ફિલ્મ બનાવનાર કુરોને આ વર્ષે પોતાને ઉછેરનાર આયાના જીવન પર ‘રોમા’ નામની સંવેદનશીલ ફિલ્મ બનાવી છે.


‘રોમા’ની ગણતરી 2018ની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે.


ફિલ્મમાં 1970-71 ની આસપાસના મેક્સિકો સિટીમાં રહેતા એક મધ્યમવર્ગીય ગોરા પરિવારની આયાના જીવનના ઉતાર ચઢાવને દર્શાવ્યો છે. કલીઓ સાત વ્યક્તિઓના ગોરા પરિવારમાં આયા અને નોકરાણી તરીકે નોકરી કરે છે. તેની સાથે એડેલા નામની બીજી નોકરાણી પણ છે. પરિવારમાં દાદી, પતિ-પત્ની અને ચાર બાળકો હોય છે. એ સમય મેક્સિકોમાં રાજકીય અસ્થિરતાનો હોય છે. પતિ-પત્ની વચ્ચે સંબંધો બગડે છે. કલીઓ બોયફ્રેન્ડ દ્વારા ગર્ભવતી થાય છે. બોયફ્રેન્ડ આ કારણે કલીઓને છોડી જાય છે. પતિ પણ બીજી સ્ત્રી માટે પત્ની અને બાળકોને છોડી જાય છે. આ સાથે જ એક પરિવાર અને કલીઓનો તેમના પર આવી પડેલી મુશ્કેલીઓ સામેનો સંઘર્ષ શરૂ થાય છે. આ સંઘર્ષ કરુણ અને હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં દર્શાવ્યો છે. ફિલ્મમાં બાહ્ય જગતમાં ચાલતો રાજકીય સંઘર્ષ સીધી રીતે નથી દર્શાવ્યો પણ આડકતરી રીતે પાત્રોના જીવન પર તેની અસરો દર્શાવી છે.


ફિલ્મમાં કુરોન વાઈડ શોટ્સ અને ક્લોઝઅપસનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. ફિલ્મની વચ્ચે જ, ગર્ભવતી હોવાની વાત સાંભળતા જ, કલીઓને છોડી જતો બોયફ્રેન્ડ હોય કે ક્રાંતિકારીઓ દ્વારા લગાવેલી આગ બુજવતા ગોરા જમીનદારોના દ્રશ્યો હોય, કુરોનનો જિનિયસ ટચ આખી ફિલ્મમાં ઉડીને આંખે વળગે છે.


ફિલ્મમાં ઘણી વાતો પ્રતીકાત્મક રીતે રજૂ કરાઈ છે. ઘરમાં રહેલા કુતરાઓના ફળિયામાં પડેલા સંડાસની સંખ્યા દ્વારા ઘરના સભ્યોની માનસિક સ્થિતિ દર્શાવી. ગાડી પાર્ક કરવાના પ્રયત્નો દ્વારા પત્નીની દુઃખદ માનસિક સ્થિતિ દર્શાવી. કલીઓને ડેટ પર લઈ ગયેલા બોયફ્રેન્ડના કલીઓની વધેલી સોડા પી જવાના દ્રશ્ય દ્વારા, બોયફ્રેન્ડ માણસ બરોબર નથી એ કહ્યા વગર જ પ્રસ્થાપિત કર્યું. કલીઓની પ્રસુતિનું દ્રશ્ય સૌથી અસરકારક રીતે ફિલ્માવાયું છે.


ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ છે. મૂળ સ્પેનિશ ભાષામાં બનેલી આ ફિલ્મ માનવીય સંઘર્ષોનું અસરકારક ચિત્રણ છે. માનવીનો જીવનસંઘર્ષ વૈશ્વિક છે. આ કારણે જ ફિલ્મની ભાષા વૈશ્વિક છે.


ફિલ્મની કથા નિર્દેશક કુરોનના બાળપણ પર આધારિત છે. કુરોનની આ પોતાને ઉછેરનાર આયાને અપાયેલી કલાત્મક અંજલિ છે. કલીઓના પાત્રમાં યાલિતઝા એપ્રાસિયો નામની નવી મેક્સિકન અભિનેત્રીએ યાદગાર અભિનય કર્યો છે. ફિલ્મમાં બાળકો પાસેથી પણ કુરોને સરસ કામ લીધું છે. યાલિતઝા અને ફિલ્મમાં ઘરની માલકણના પાત્રમાં સરસ અભિનય કરી ગયેલી મરીના ડી ટાવીરા વચ્ચેના દ્રશ્યો સરસ બન્યા છે.


ફિલ્મ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયનનો પ્રતિષ્ઠિત એવોર્ડ જીતી ગયેલી. આ વર્ષે કુલ દસ ઓસ્કર શ્રેણીમાં આ ફિલ્મ નોમિનેટ થયેલી છે. તમે આ વાંચતા હશો ત્યારે કદાચ ઘણી શ્રેણીમાં ફિલ્મ વિજેતા પણ થઈ ચૂકી હશે.


જો તમે ગંભીર પ્રકારની ફિલ્મોના ચાહક હો અને ફિલ્મકળાના વિવિધ પાસાઓ તમને આનંદ આપતા હોય તો આ ફિલ્મ ફરજીયાત જોવી.


“સમાજ ભલે ગમે તે કહે, આપણે સ્ત્રીઓ કાયમ એકલી જ હોઈએ છીએ.” - રોમા ફિલ્મનો એક સંવાદ.


=>ફિલ્મ વિશેની ટેક્નિકલ માહિતી :


ફિલ્મનું નામ : રોમા(Roma).


ફિલ્મની ભાષા : સ્પેનિશ.


રનિંગ ટાઈમ : 135 મિનિટ.


નિર્દેશક : અલ્ફાંસો કુરોન.


નિર્માતા : અલ્ફાંસો કુરોન, ગેબ્રિયેલા રોડરીગઝ, નિકોલસ સેલિઝ.


લેખન : અલ્ફાંસો કુરોન.


સિનેમાટોગ્રાફી : અલ્ફાંસો કુરોન.


સર્ટિફિકેટ : R(પુરુષની નગ્નતા દર્શાવવા માટે).


કલાકારો : યાલિતઝા એપ્રાસિયો, મરીના ડી ટાવેરા અને બીજા કલાકારો.


(સમાપ્ત).