Aa te kevu? books and stories free download online pdf in Gujarati

Aa te kevu?

ચંચળ હૃદય

સેન્ડવીચ

હિરેન કવાડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

આ વાર્તા સંગ્રહ મારા મમ્મી પપ્પાને અર્પણ.

ૠણ સ્વિકાર

કોઇ પણ વસ્તુનુ સર્જન એક વ્યક્તિના પ્રયાસથી થતુ નથી. ભગવાન રામને પણ સેતૂની રચના કરવા માટે બંદરોની મદદ લેવી પડી હતી. એજ બંદરોમાં એક હનુમાન પણ હતો. જે આજે એક પ્રેરણા સ્ત્રોત તરિકે પુંજાય છે.

એટલે આ પુસ્તકની રચનામાં મને પણ મદદની જરૂર પડી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. આ પુસ્તકને આજે હુ આકાર આપી રહ્યો છુ કારણ કે આજે હુ આ દુનિયામાં છુ. એટલે સૌપ્રથમ તો હુ મારા મમ્મી પપ્પાનો આભાર માનીશ કે જેમણે મને આ હસિન દુનિયાને જોવાનો મોકો આપ્યો અને મને જન્મ આપ્યો.

મારા મિત્રો જેમણે મારી સ્ટોરી વાંચીને નિષ્પક્ષ અને તટસ્થ રીવ્યુ આપ્યા. દરેક ક્ષણે મને પ્રોત્સાહન આપ્યુ. ખાસ કરીને અવનિ જે દરેક સ્થિતિઓમાં મારી પડખે રહી. એ સિવાય શ્વેતા, ચિરાગ, હર્ષદ જેમણે મને સ્ટોરી લખતી વખતે ખુબ જ મદદ કરી.

પ્રકૃતિનો આભાર માનવો કેમ ભુલાય કારણ કે વાર્તાના વિષયો મને આ પ્રકૃતિ કાનમાં ફુંકી જતી હોય છે, એટલે આ કુદરતનો પણ આભાર.

એ સિવાય માઇક્રોસોફ્‌ટ વર્ડ નો આભાર જેણે કાગળ અને પેનને બદલે ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ. પ્રમુખ ટાઇપ પેડનો આભાર જેનાથી હું ગુજરાતી ખુબ ઝડપથી ટાઇપ કરી શક્યો

છેલ્લે મારી આત્માનો આભાર, એ મને આવા સુંદર કામ સુધી ખેંચી લાવ્યો.

સેન્ડવીચ

પાર્ટ-૧

‘‘તને યાદ છે આકર્ષી..? જ્યારે આપણે પહેલી વાર કોલેજમાં મળ્યા હતા ?’’, પાંચ બેસ્ટ ફ્રેન્ડ્‌સ અમદાવાદના રીવર ફ્‌ર્ન્ટ પાર્કમાં ટોળુ વળીને ભુતકાળ વાગોળતા હતા ત્યારે આકાશે કહ્યુ.

‘‘કંઇ રીતે ભુલી શકુ યાર, મારી લાઇફનો અત્યાર સુધીનો સૌથી સુંદર દિવસ, તારા માટે વર્સ્ટ પણ.’’, આકર્ષીએ ખીલખાલાટ હસતા કહ્યુ.

‘‘તારી સાથેની પહેલી જ મુલાકાતમાં, તુ તો રીતસરની મારા પર ગુસ્સાના વરસાદથી વરસી પડી હતી.’’, આકાશે પણ હસતા હસતા કહ્યુ.

‘‘પણ તમારા લોકો વચ્ચે જઘડો ક્યા કારણે થયો હતો ?’’, મસ્તીએ પુછ્યુ. આકર્ષી આકાશને જોઇને સ્માઇલ કરવા લાગી, આકર્ષીએ આકાશને પુછવાનો ઇશારો કર્યો. આકાશે મસ્તીને ઇશારાથી જ કહ્યુ કે તુ આકર્ષી ને જ પુછ. આકર્ષી નો ચહેરો એટલો મલકાયો કે એના ચહેરા પર ખડખડાટ સ્મિત આવી ગયુ.

‘‘હુ કોમ્યુટર એન્જીનીયરીંગ કરતી હતી અને આકાશ ઇ.સીમાં હતો એટલે ઓબવીઅસલી એકબીજાને નહોતા ઓળખતા, પણ કોલેજના ટેકનોની ડાન્સ કોમ્પીટીશનમાં આકાશને જોયેલો. એમ પણ આકાશ થોડો હેન્ડસમ એટલે કોઇ પણ છોકરી એના લુકને જોઇને થોડીક અટ્રેક્ટ તો થઇ જ જાય.. કોલેજમાં મસ્ક્યુલર અને પોપ્યુલર હતો, મેં એના વિશે સાંભળ્યુ હતુ.’’, આકર્ષીએ કહેવાનુ શરૂ રાખ્યુ પણ આકાશ ત્યાંજ વચ્ચે પડ્યો.

‘‘બસ યાર ઓછુ બટર લગાવ હુ લપસી જઇશ!’’, આકાશે એના વખાણ સાંભળીને કહ્યુ. બધા ફ્રેન્ડ્‌સ મજાક ઉડાવતા હસ્યા.

‘‘યાર પોપકોર્ન વિના મુવી જોવાની મજા ક્યાંથી આવે ? સેન્ડવીચમાં બટર તો હોવુ જોઇએ ને..?’’, આકર્ષીએ કતરાઇને કહ્યુ, અને સ્ટોરી આગળ વધારી. ‘‘હુ લાઇબ્રેરી પાસેના ઝેરોક્ષ સેન્ટરમાં બુકના ચેપ્ટર્સની ઝેરોક્ષ કરાવવા ગઇ હતી. એ જ દિવસે મને મારા જ ક્લાસના ત્રણ છોકરાએ પ્રપોઝ કર્યુ હતુ, એક મહિનામાં આવુ બે ત્રણ વાર તો બનતુ જ. પણ એક દિવસમાં આવુ ત્રણવાર ? કોલેજના એક વર્ષમાં ક્યારેય નહોતુ બન્યુ, એટલે હુ થોડી નર્વસ પણ હતી અને મનમાં થોડી થોડી હરખાતી પણ હતી કે આપડી ડીમાન્ડ આટલી બધી વધી ગઇ છે ? પણ મેં પહેલેથી જ નક્કી કર્યુ છે એમ હુ લાઇફ પાર્ટનર તરીકે મારા પપ્પા શોધી આપશે એને જ સ્વિકારીશ. એટલે મેં એ કોઇ છોકરાવને હા નહોતી પાડી પણ સેન્ડલ બતાવીને ભગાવી માર્યા હતા. ઝેરોક્ષની માટેની લાઇન લાંબી હતી,’’

પાછો આકાશ વચ્ચે બોલ્યો. ‘‘ઝેરોક્ષમાં લગભગ પંદરેક મિનિટ સુધી વારો આવે એમ ન્હોતો. એ દિવસે આકર્ષીએ, બ્લુ જીન્સ પહેરેલ હતુ અને એના પર ફુલ્લી ભરતકામ કરેલ સ્લીવલેસ ટી-શર્ટ પહેરેલુ હતુ, ઇસ્ટ એન્ડ વેસ્ટનુ આ કોમ્બીનેશન મને બહુ ગમ્યુ હતુ, હાઇટમાં તો એમ પણ આકર્ષી ઘણી ઉંચી છે, છતા પણ એણે હાઇ હીલના સેન્ડલ પહેર્યા હતા જેના પર પણ ભરતકામ કરેલુ હતુ. મને લાગ્યુ કે હતુ કે આ કોઇ રીચ ચીકનની છોકરી લાગે છે, એના કપડા કોઇ ડીઝાનર કલેક્શનમાંથી લીધેલ હોય એવુ લાગી રહ્યુ હતુ, એના હાથ પર લાકડાના મોટા કાંડા હતા, એના ડાબા હાથ પર એના ખભાથી કાંડા સુધી મોતીની ચાર લાબી સર હતી, જે એના ગોરા બાજુને શણગાર આપી રહી હતી, એજ કદાચ એની સ્લીવ હતી, એના કાનમાં મેકડોનાલ્ડ ના લોગો વાળા એરીંગ્સ હતા જાણે મેકડોનાલ્ડ ની બ્રાન્ડ એમ્બેસેડર હોય. એના ખુલ્લા વાળોને તો ક્યાંથી ભુલી શકુ કારણ કે હુ એની પાછળ ઉભો હતો ત્યારે પવન ના કારણે એના ખુલ્લા વાળ મારા નાક અને આંખો સાથે છેડછાડ કરી રહ્યા હતા.’’

‘‘પતી ગયુ તારૂ.? હવે કોણ ચણાના જાડ ઉપર ચડાવે છે? બટર લગાવવામાં તુ પણ કંઇ પાછળ નથી.’’, આકર્ષીએ વચ્ચે મોટેથી બોલીને આકાશને બોલતા રોક્યો. ફરી એના ચહેરા પર સ્માઇલ શકીરાની કમરની જેમ નાચવા લાગી.

‘‘ઓકે સારૂ, તો તારે ખોટુ સાંભળાવુ છે? એ દિવસે આકર્ષીએ પેલા માંગવા વાળા જેવા.’’, ‘‘બસ બસ બસ’’ આકર્ષીએ આકાશને બોલવા જ ના દીધો ચીલ્લાવા લાગી. આજુબાજુ બેસેલા લોકો જોવા લાગ્યા. બધા લોકો ફરી હસ્યા. આજે તો બધા ધમાલીયા ફ્રેન્ડ્‌સ પણ બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ આકાશ અને આકર્ષીની સ્ટોરી સાંભળવા કુતુહલતાથી બેસી ગયા હતા, કારણ કે એ બધાએ ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડની લવ સ્ટોરીઝ તો સાંભળી હતી પણ બે બેસ્ટ ફ્રેન્ડ્‌સ વચ્ચેના લવની સ્ટોરી કદી નહોતી સાંભળી. અહિં કોઇજ એક્સ્પેક્ટેશન વગરનો પ્રેમ હતો.

ફરી આકર્ષીએ જ કન્ટીન્યુ કર્યુ. ‘‘હા એ દિવસે હુ સજી ધજી ને જ આવી હતી, બટ તમે પણ જાણો છો હુ કોઇ રીચ ચીકનની છોકરી નથી, હુ તો ગામડામાંથી આવેલી મોડર્ન છોકરી છુ. મમ્મીએ ભરતકામ કરતા શીખવાડેલુ એટલે એને મોડર્ન ક્લોથ્સ માં મેં જાતે જ ઇમ્પ્લીમેન્ટ કર્યુ. ઘણાએ વખાણ કર્યા પછી મને ખબર પડી કે હુ તો ડીઝાઇનર પણ છુ. મેં એ દિવસે જે પણ વસ્તુ પહેરી હતી એ મેં જાતે જ રીડીઝાઇન કરી હતી. મેકડોનાલ્ડ્‌ઝના એરીંગ્સ પણ. હુ એ દિવસે કંટાળી હતી અને લાઇન પણ લાંબીહતી, સાથે ત્રણ ત્રણ છોકરાવે પ્રપોઝ કર્યુ હતુ એટલે નર્વસ પણ હતી અને વિચારો આવતા હતા કે કોઇ મારી સાથે મજાક તો નહિ કરી રહ્યુ હોય ને ? હુ નીચું મોં રાખીને મારા મોબાઇલમાં ચેતન ભગતની વન નાઇટ એટ કોલ સેન્ટર વાંચી રહી હતી. ત્યાંજ મારા ખભા પર પાછળથી એક વજનદાર હાથ પડ્યો. મેં પાછળ જોયુ, વ્હાઇટ કમીઝ અને પાયજામામાં બ્લેક ગીક ટાઇપ ચશ્માની ફ્રેમ વાળો એક છોકરો ઉભો હતો, એના કમીઝના ખીસ્સા પર રોયલ રોઝ લટકાવેલુ હતુ અને બીજુ એક ગુલાબ એના હાથમાં હતુ.

‘બહાર આવને’’, એણે મને લાઇનમાંથી બહાર આવવા કહ્યુ. મને ખબર જ હતી આ છોકરો પણ પ્રપોઝ કરવા જ આવ્યો છે. મેં બરાબર ધારી લીધુ હતુ, આને તો હુ બરાબરનો મેથી પાક ચખાડીશ એટલે અંદરથી એક પાણી ભરેલો ગ્લાસ લઇ આવી હતી, અને ઝેરોક્ષ વાળા ભાઇ માટૅ આવેલી ચ્હાને એ પાણીના ગ્લાસમાં નાખીને રંગીન બનાવ્યુ. હુ બહાર ગઇ. આકાશ બહાર હાથમાં રેડ રોઝ લઇને ઉભો હતો. ગ્લાસ મારા હાથમાં જ હતો. હુ આકાશ પાસે ગઇ,

‘મારે એક બવ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે’, આકાશ બોલ્યો અને મેં મારા હાથમાં રહેલા ગ્લાસનુ પાણી એના વ્હાઇટ કુર્તા પર રેડી દીધુ,

‘‘પણ સાંભળો તો ખરા..!’’, એ બોલવા ગ્યો ત્યાંજ વધેલા ચ્હા વાળા પાણીને એના મોં પર ફેંક્યુ. એણે ચ્હાના ધબ્બા વાળા કપડાને જોઇને મારી તરફ નજર કરી.

‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું, કોલેજની જે છોકરી મળે એને પ્રપોઝ જ કરી દેવાનુ?’, મેં ચીલ્લાઇને કહ્યુ.

મેં સેન્ડલ ઉતાર્યા, આજુબાજુ થોડાક છોકરા છોકરીઓ ભેગા થઇ ગયા. હુ આકાશ પર સેન્ડલ ફેંકવા જઇ જ રહી હતી ત્યાં આજુબાજુ થી એક હાથમાં શુટીંગ કેમેરા પકડેલ એક ભાઇ આવી ગયા, ‘‘મેડમ મેડમ!!!’’, એ ભાઇ બોલ્યા. હવે મારો ચહેરો જોવા જેવો હતો. મને ખ્યાલ આવી ગ્યો તો મેં કંઇક બાફ્‌યુ હતુ. મને એમ થયુ કે આ કેમેરા વાળા લોકો મારી સાથે પ્રેંક કરી રહ્યા હતા.’’

‘‘ઓહ્‌હ્‌હ્‌હ.!’’ બધા ફ્રેન્ડ્‌સ એકસાથે બોલ્યા. ‘‘પણ શું થ્યુ તુ.?’’, મસ્તીનો બોયફ્રેન્ડ જોય બોલ્યો.

‘‘મારા હાથમાં ગુલાબ હતુ એટલે અમને પણ અંદાજો આવી ગયો હતો કે આ બધુ શાં કારણે થયુ હતુ.? મેં અમારી આખી ટીમને બોલાવી જેમાં બે છોકરી અને કેમેરામેન સિવાય એક બીજો છોકરો પણ હતો. અમે આકર્ષીને બધુ સમજાવવા માટે કોલેજના કેન્ટીનમાં લઇ ગયા. કેમેરા મેન અને બન્ને છોકરીઓ એ આકર્ષીને સજાવ્યુ કે અમે હમણા જ એક ણઘષ્ માં જોઇન થયા છીએ. અમે કોલેજના ટોપર્સને ણઘષ્ માં જોડાવા માટે ગુલાબ આપીને રીકવેસ્ટ કરી રહ્યા છીએ, સાથે ણઘષ્ વાળા એમના બ્રાન્ડીંગ માટે વિડીયો બનાવવા માંગે છે એટલે એ લોકો શુટીંગ પણ કરી રહ્યા હતા, જેથી સ્ટુડન્ટ્‌સ ના રીએક્શન પણ જાણી શકાય.

‘પણ મેડમ તમે તો બધા કામ પર ચ્હા ફેરવી દીધી હો.!!’, મેં કટાક્ષમાં સ્માઇલ સાથે કહ્યુ.

‘આઇ એમ એક્સ્ટ્રીમલી સોરી ગાય્ઝ..!!, એક્ચ્યુલી આજે હુ થોડી ડીસ્ટર્બ હતી, સવારથી અત્યાર સુધીના ત્રણ કલાક માં મને ત્રણ છોકરા પ્રપોઝ કરી ચુક્યા છે, અને મને તમારા હાથમાં ગુલાબ જોઇને એમ થયુ કે આ છોકરો પણ મને પ્રપોઝ કરવા જ આવ્યો હશે’, આકર્ષી એના હાથની અદાઓ સાથે બોલી.

‘‘બાય દ વે મારૂ નામ આકાશ છે, અને આપણે બધા એક જ વર્ષમાં છીએ એટલે તુ મને ‘તુ’ કહીને બોલાવી શકે’’, મેં હસતા હસતા કહ્યુ અને આકર્ષી સાથે હાથ મેળવ્યો. બધાએ આકર્ષી સાથે એકબીજાના નામની આપ લે કરી. પછી તો ઘણી બધી ચર્ચા ચાલી ણઘષ્ નુ કામ શું છે, અમે ણઘષ્ માં શું કરીએ છીએ..? અડધી કલાક કેન્ટીનની બકવાસ ચ્હા પર ફીલોસોફી ચાલી એનુ કન્ક્લુઝન એ આવ્યુ કે કોલેજના કેન્ટીનની ચ્હા કોઇના શર્ટને બગાડવામાં સારી કામમાં આવી શકે, કારણ કે પીવા જેવો સ્વાદ તો હતો નહિ. કેન્ટીનના બકવાસ સમોસા, કેન્ટીનના નાસ્તાની અમે ભુલો જ કાઢતા રહ્યા. એના સિવાય ઇન્ડીયાની એજ્યુકેશનથી માંડીને પોલીટીક્સની ચર્ચા થઇ. મોસ્ટ ઓફ બધી વાતો નેગેટીવ હતી. પણ ક્યારેક નેગેટીવીટી એ આશાનુ કિરણ બનીને આવતી હોય છે. લગભગ અઢી કલાક એકબીજા સાથે વાતો કર્યા પછી આકર્ષી સાથે સારી ફ્રેન્ડશીપ થઇ ગઇ હતી. પછી આકર્ષીએ અમારૂ ણઘષ્ ‘હ્યઊઘશ’ જોઇન કર્યુ.’’

‘‘પણ એ દિવસ ખરેખર મારો અત્યાર સુધીનો બેસ્ટ ડે હતો, મારે લાઇફમાં જે કરવુ હતુ એની તક તમે લોકો જ મને આપી. મેં અને આકાશે સાથે મળીને બવ જ કામ કર્યુ, એકબીજાની કંપની પણ એટલી જ એન્જોય કરી. અમે ઝુપડપટ્ટીમાં રહેતા લોકો નાની વસ્તુઓમાંથી કંઇ રીતે ખુશી મેળવે એ જોયુ, એક નાનુ બાળક માણસને એક જ પળમાં હસાવીને બધી ચિંતાઓમાંથી મુક્ત કરી દે, એ પણ અનુભવ કર્યો, એન્ડ ફ્રેન્ડ્‌સ લોકો સાથે પણ એટલા જલસા કર્યાકોલેજના દિવસો તો કોલેજના દિવસો હતા.’’, આકર્ષીએ એની સ્ટોરી કહી.

’’વાવ યાર..!! સો ડ્રામેટીક!’’, મસ્તીએ કહ્યુ. કોલેજ પુરી થઇ એ કોઇને નહોતુ ગમ્યુ, પણ લાઇફ તો એની સ્પીડે જ ભાગી રહી હતી એટલે દોડવુ જ રહ્યુ.

ત્યાંજ આકર્ષીના મોબાઇલમાં શકીરાના જીપ્સી સોંગ્સની રીંગટોન વાગી, જેવો એનો સ્વભાવ એવીજ એના સોંગની ચોઇસ. આકર્ષી ખરેખર એક જીપ્સી(મુક્ત આત્મા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇને જીંદગી પસાર કરતા હોય એવા લોકો, જેમના જીવનમાં રહેવાનુ કોઇ સ્થાન ના નક્કિ હોય) જ હતી.

આકર્ષી ઉભી થઇને થોડે દુર રહેલા ફાઉન્ટેઇન પાસે જઇને વાતો કરવા લાગી, આકાશના ચહેરા પર થોડાક એક્સપ્રેશન ચેન્જ થયા. આકાશને તો ખબર જ હતી એ કોનો ફોન હતો. પણ આકાશ એક બેસ્ટ ફ્રેન્ડ હતો, જે આકર્ષીને પુરેપુરો જાણતો હતો, અને આકર્ષી પણ એવી ફ્રેન્ડ હતી જે આકાશને પુરેપુરો જાણતી હતી.

આકાશ દુરથી જ આકર્ષીને એક નજરે જોઇ રહ્યો હતો, એ એના ચહેરા પર આવેલા વાળને કાન પાછળ રહેવા માટે જગ્યા આપી રહી હતી.

‘‘તુ એને લવ કરે છે?’’, મસ્તીએ આકાશને પુછ્યુ.

‘આકર્ષી સાથેની એ મારી પહેલી મુલાકાતની વાત પુરી નથી થઇ. એ દિવસે અમે મેં આકર્ષીને ડીનર માટે ઇન્વાઇટ કરી હતી’’, આકાશે કહ્યુ અને એ માત્ર આકર્ષની જોતો રહ્યો! કન્ટીન્યુ!!!!

પાર્ટ-૨

‘‘હા રીવર ફ્રન્ટ આવ્યા છીએ’’, આકર્ષીએ ફોન પર વાત કરતા કહ્યુ.

‘‘હુ, મસ્તી, મધુ, જોય, આકાશ અને સુશીલ’’, ફોન પર થોડી વાર સામે વાળા વ્યક્તિની વાત સાંભળી આકર્શીએ બધાના નામ બોલી. કદાચ એ વ્યકિતએ પુછ્યુ હશે કે ‘કોણ કોણ રીવરફ્રન્ટ ગયા છો ?’

‘‘પણ દર્શ, અમે જસ્ટ ફ્રેન્ડ્‌સ છીએ! અમારા બન્ને વચ્ચે કંઇ જ નથી.’’, આકર્ષીએ થોડી વાર રહીને કહ્યુ. આકર્ષીનુ કપાળ ચિંતાઓ સાથે સંકોચાઇ ગયુ હતુ. એ દર્શ સાથે દલિલો કરતી રહી.

બીજી તરફ આકાશે એ દિવસની વાતને શરૂ કરી.

‘‘કોલેજની બાજુમાં જ સીઝલર્સ રેસ્ટોરન્ટ હતુ. અમે ત્યાંજ મળવાના હતા. જુલાઇ મહિનો ચાલી રહ્યો હતો. એટલે વરસાદ પણ હતો. હુ ટાઇમથી વહેલા જ પહોંચી ગયો હતો એટલે રેસ્ટોરન્ટમાં જઇને આકર્ષીની રાહ જોઇ રહ્યો હતો. મેં રેસ્ટોરન્ટના એક કોર્નરનુ બે વ્યક્તિઓ માટેનુ ટેબલ પસંદ કર્યુ હતુ. રાતના નવ વાગ્યા એટલે આકર્ષીએ રેસ્ટોરન્ટ મા એન્ટ્રી મારી. દસ મિનિટ પહેલા જ વરસાદ શરૂ થયો હતો એટલે ઓબવીઅસલી આકર્ષી પલળેલી હતી. એણે સવાર કરતા અલગ કપડા પહેર્યા હતા.

પણ પલળેલી આકર્ષી આકર્ષણ જન્માવી રહી હતી. હુ એને દુર થી જોઇ રહ્યો હતો. એ એના સાદા ચપ્પલમાં હતી. એણે શોર્ટ કેપ્રી અને ટી શર્ટ પહેરેલુ હતુ. ટુંકમાં એ એના નાઇટ ડ્રેસમાં હતી. એ રેસ્ટોરન્ટના દરવાજા પાસે ઉભી રહીને એના પલળી ગયેલા અને વિખેરાઇ ગયેલા વાળને સરખા કરી રહી હતી. એક જ મિનિટમાં એણે એના વાળને બાંધી દીધા. એણે એની કેપ્રીમાંથી મોબાઇલ કાઢ્યો. એણે એનો મોઢુ મરોડ્યુ. એના ચહેરા પરથી લાગી રહ્યુ હતુ કે એનો મોબાઇલ પલળી ગયો હશે. મેં વેઇટર ને બોલાવ્યો અને આકર્ષીને અહિં મોકલવા કહ્યુ. વેઇટર આકર્ષી પાસે ગયો અને મારા તરફ આંગળી ચીંધી. એણે મારા તરફ જોયુ અને એક મોટી સ્માઇલ આપી. એ મારા તરફ આવવા લાગી.

ખબર નહિ આ વરસાદની ૠતુ પાણી વરસાવતી હોવા છતા આગ શા માટે લગાવતી હશે. જેટલી નજીક એ આવી રહી હતી એટલુ મારા પેટમાં વાવાજોડુ આવ્યુ હોય એવુ લાગી રહ્યુ હતુ. મને એમ થઇ રહ્યુ હતુ કે મારે આટલુ તૈયાર થઇને આવવાની શીં જરૂર હતી હુ પણ નાઇટ ડ્રેસ પહેરીને આવી શકત. આકર્ષી બસ પાંચ ડગલા દુર હતી. એણે એના પલળેલા ચહેરા ને લુછ્યો હતો છતા એના પલળેલા વાળમાંથી નીતરેલા પાણીના ટીપા એની આંખ અને ગાલ પર ફાસ્ટ ડ્રાઇવીંગ કરી રહ્યા હતા. એ ટેબલ પાસે આવીને ઉભી રહી. હુ ઉભો થયો. સવારે હુ ઘણુ બોલી રહ્યો હતો. પણ અત્યારે મારી હાલત જોવા જેવી હતી. મારા મોઢામાંથી શબ્દો નીકળી જ નહોતા રહ્યા. હુ કોઇ છોકરી સાથે પહેલી વાર એકલો જમવા આવ્યો હતો. એટલે હુ નર્વસ હતો. કદાચ એ પણ હશે. પણ એ વખતે તો મને એવુ લાગેલુ કે છોકરીઓ થોડી ઘબરાય એનો તો બધા છોકરાઓ પર પુરેપુરો કંટ્રોલ હોય, એમના વાળની એક લટ ઘણાને બે ભાન કરી શકે. પણ આ મારી ખોટી માન્યતા જ હતી. હુ એને મુંગે મુંગો જોઇ જ રહ્યો હતો. એ મારી સામે મુંગી બનીને ઉભી રહી.

‘કોઇ દિવસ પલળેલી છોકરી નથી જોઇ..?’, એણે મારા સામે ચપટી વગાડતા કહ્યુ અને એ ખડખડાટ હસી પડી. હુ એક્ઝામ હોલમાં જેવી હાલત હોય એમ બધુ જ ભુલી ગયો હતો. કોઇ છોકરી એક દિવસમાં આટલી ફ્રેન્ક અને ઓપન કઇ રીતે બની શકે ? બવ હિમ્મત જોઇએ.

મેં એને બેસવા માટે ઇશારો કર્યો. એ મારી સામે પગ ઉપર પગ ચડાવીને બેસી ગઇ. એ પુરેપુરી ભીની હતી. એને સ્.છ. માં ઠંડી નહિ લાગતી હોય એવુ હુ વિચારી રહ્યો હતો. કારણ કે મને વિના પલળ્યે પણ ઠંડી લાગી રહી હતી.

‘બપોર પછી મૌન રાખવાનુ શરૂ કર્યુ છે કે શુ ?’, એણે બેસીને તરત જ કહ્યુ. મારે જવાબ આપવાનો હતો. એવો જવાબ જે એના ચહેરા પરની સ્માઇલ ને જાળવી રાખે.

‘ખબર નહિ તારી એન્ટ્રી થઇ અને મારી જીભનુ આંખો સાથે એક્સીડન્ટ થઇ ગયુ. આંખો ને કંઇ ના થયુ પણ જીભ પેરાલાઇઝ થઇ ગઇ.’, મેં હસતા હસતા ઓનેસ્ટલી થી કહ્યુ.

‘ઓહ્‌હ બીજી જ મુલાકાતમાં ફ્‌લર્ટ કરવાનુ પણ શરૂ કરી દીધુ..?’, ખબર નહિ છોકરીઓને સાચુ કહીએ તો ફ્‌લર્ટ કેમ લાગતુ હશે ?

‘ફ્‌લર્ટ..? હુ થોડો નર્વસ છુ, પહેલી વાર કોઇ છોકરી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છુ.’, અમે બન્ને એકબીજાની આંખોમાં આંખો નાખીને વાતો કરી રહ્યા હતા.

‘એ તો તારા કપડા ઉપરથી જ લાગે છે, જાણે કોઇ હ્મણછ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો હોય..! સવારના કપડામાં વધારે સારો લાગતો હતો. બી ઓપન..! ટોક ફ્રીલી’, એણે કહ્યુ. છોકરો છોકરીના વખાણ કરે તો ફ્‌લર્ટ અને છોકરી વખાણ કરે તો કોમ્પ્લીમેન્ટ આવુ કેમ..? મને હજુ નથી સમજાયુ.

‘આ શું કોમ્પ્લીમેન્ટ હતી..?’, મે પુછ્યુ.

‘ના ફ્‌લર્ટ!!!’, એ ખડખડાટ હસવા લાગી.

‘ખુલ્લા વાળ સારા લાગતા હતા..’, મેં ફરી એક કોમ્પ્લીમેન્ટ આપી. એ એના ચહેરા આડો હાથ રાખીને ચહેરો ફેરવી ગઇ એ હસતી હતી. હવે મારી નર્વસનેસ જતી રહી હતી.

‘મને તો મારી ફ્રેન્ડ એમ કહેતી હતી કે કાલીમાતા એના વાળ છુટા રાખે એવી લાગુ છુ.’, એણે ચહેરો મારી સામે ફેરવીને કહ્યુ.

‘કદાચ એને આંખોને નહિ લાઇટ ની જરૂર હશે. અથવા તો તુ અંધારામાં ઉભી હોઇશ’, અમારા બન્ને વચ્ચે ડાયલોગ બાજી શરૂ થઇ ગઇ હતી, અને મારે જીતવુ નહોતુ.

‘પણ આ ડીમ લાઇટમાં તને બવ દેખાવા લાગ્યુ છે નહિ?’, એણે મરોડદાર સ્માઇલ સાથે કહ્યુ.

‘યીલ્ડ!! યીલ્ડ..!! મને હવે આગળ ડાયલોગ મારતા નહિ આવડે..!!’, મેં ગીવ અપ કરી દીધુ અને એ ખડખડાટ હસી પડી.

‘પણ તને આ રેસ્ટોરન્ટ જ કેમ ગમ્યુ..?’, હવે એણે નોર્મલી વાતો કરવાનુ શરૂ કર્યુ.

‘અહિંનુ સીઝલર્સ સારૂ હોય છે. અને વરસાદમાં ગરમા ગરમ વસ્તુઓ ખાવાની મજા આવે.’, મેં કહ્યુ.

‘તો તે કોઇ દિવસ વરસાદમાં ભજીયાનો સ્વાદ લીધો જ નથી લાગતો.’, મારી નજર સામે ગરમા ગરમ મેથીના ભજીયા અને ખાટી આમલીની ચટણી આવી ગઇ હતી. મારા મોં માં પાણી આવી ગ્યુ.

‘ચલ ભજીયા ખાવા જ જઇએ!!’, મેં કહ્યુ.

‘એક શરત!! પલળવુ પડશે!!’, એણે એની શરત વાળી આંગળી બતાવતા કહ્યુ. એના ચહેરા પર સ્માઇલે જાણે પરમનન્ટ ઘર બનાવી લીધુ હોય એવુ લાગતુ હતુ.

‘અહિં આવ્યા છીએ તો કંઇક તો ખાવુ જ પડશે ને.?’, મેં સંકોચને કારણે કહ્યુ.

‘ના એવુ કશુંજ હોતુ નથી, કસ્ટમર આપણે છીએ. ખાવુ કે ના ખાવુ એ આપણે નક્કિ કરવાનુ હોય..!! જસ્ટ ચીલ..! ચલ..!’, આકર્ષી ઉભી થઇ અને ગેટ તરફ ચાલવા લાગી હુ એની પાછળ હતો. હુ આવી રીતે નીકળવા માટે ખચકાતો હતો

‘મેડમ સર..!! એની પ્રોબ્લેમ?’, મેનેજરે પુછ્યુ.

‘એક્ચ્યુલી..!! મારા આ ફ્રેન્ડની ગર્લફ્રેન્ડે સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી છે!!’, આકર્ષીએ મારી સામે આગળી ચીંધતા કહ્યુ. એની એક્ટિંગ પર એને ફીલ્મફેર એવોર્ડ મળાવો જોઇએ એવુ લાગ્યુ. હુ મુંજવણમાં હતો.

‘મારી ગર્લ ફ્રેન્ડ..?’, મારૂ મન બોલ્યુ. મારો ચહેરો કપાળ પર પ્રશ્નાર્થ ચિન્હ દોરી ને મુંગો થઇ ગયો હતો.

‘ઓહ્‌હ્‌હ સો સોરી સર..!’, મેનેજર બોલ્યો.

અમે જલદીથી રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા. વરસાદ એની પુરેપુરી તાકાતથી વરસી રહ્યો હતો. સાથે વીજળીના ચમકારા પણ થઇ રહ્યા હતા. જેવા અમે રેસ્ટોરન્ટથી થોડા દુર પહોંચ્યા એ પાગલની જેમ હસતા હસતા ગોટો વળી ગઇ. એને જોઇને હુ પણ મારી હસી રોકી ના શક્યો. એ ચાલતા ચાલતા હસી રહી હતી, એનો ડાબો હાથ મારા જમણા ખભા પર હતો. હા એનો હાથ ગરમ હતો.

‘મારી ગર્લ ફ્રેન્ડ?’, મેં હસતા હસતા પુછ્યુ. મારૂ મન મારા ખભા પર રાખેલા એના ગરમ હાથ પર વીચલીત થઇ રહ્યુ હતુ. કોઇ છોકરીએ અત્યાર સુધીમાં આવી રીતે મારા ખભા પર હાથ ન્હોતો મુક્યો. ધીઝ વોઝ સો રોમેન્ટીક..! ખબર નહિ અત્યારે કેવુ ફીલ થઇ રહ્યુ હતુ પણ આવુ ક્યારેય ફીલ નહોતુ થયુ. હુ એવુ ઇચ્છતો હતો કે આ વરસાદ ક્યારેય બંધ ના થાય. ખભા પર રહેલો હાથ ક્યારેય નીચે ના ઉતરે અને આ સમય રોકાઇ જાય.

‘સોરી સોરી. તારી ગર્લ ફ્રેન્ડને સ્યુસાઇડ કરાવવા માટે..!!’, આકર્ષીએ મારી સામે જોતા કહ્યુ.

‘પણ મારે કોઇ ગર્લ ફ્રેન્ડ જ નથી! પણ તારે તારા બોયફ્રેન્ડ ની સ્યુસાઇડ કરાવવી હતી. છોકરીઓ એમ થોડી સ્યુસાઇડ કરે. એ તો સ્યુસાઇડ કરાવી નાખે.’, મે મારા બેડ સેન્સ ઓફ હ્યુમર થી કહ્યુ.

‘ઓય્ય્ય એવુ નથી હોતુ! છોકરીઓ છોકરાઓની બવ કેર કરતી હોય છે. એન્ડ મારે બોય ફ્રેન્ડ નથી..!’’, એણે કહ્યુ. અમે વરસાદમાં પલળી રહ્યા હતા વીજળી ચમકી રહી હતી. ‘મારે બોય ફ્રેન્ડ નથી’ એ સાંભળીને મને એમ થયુ કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લેવા જોઇએ. પણ મને એમ લાગતુ હતુ કે બીજી જ મુલાકાત માં પ્રપોઝ કરવુ બરાબર હશે? હુ એને વધારે જાણતો ન્હોતો..!! ન તો એ મને વધારે જાણતી હતી. એ વોક મારી અત્યાર સુધીની સૌથી યાદગાર વોક હતી.’’’

આકાશે એની બાજુમાં પડેલી પાણીની બોટલ માંથી પાણી પીધુ. એના બધા ફ્રેન્ડ્‌સ એકદમ શાંતી થી આકાશની સામે જોઇ રહ્યા હતા. જોય મસ્તીના ખોળામાં માંથુ રાખીને લોન આડો પડ્યો હતો. આકર્ષી હજુ દર્શ સાથે વાત કરી રહી હતી.

‘‘દર્શ વિશ્વાસ કર..! અમે બન્ને બેસ્ટ ફ્રેન્ડ છીએ.!’’, આકર્ષીએ દર્શને ફોન પર સમજાવતા કહ્યુ.

‘‘મને તુ કોઇ છોકરાઓ સાથે વાત કરે એ નથી ગમતુ. તારા માટે મારાથી વધારે તારા ફ્રેન્ડ્‌સ ઇમ્પોર્ટન્ટ છે. તારા માટે આપડો નહિ, તારા ફ્રેન્ડ્‌સ સાથે નો રીલેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. તુ વિચાર કરી લે. જો તારે સીરીયસ રીલેશન રાખવો હોય તો જ મારી સાથે વાત કરજે. કારણ કે મને તુ છોકરાઓ સાથે વાત કરે એ સહેજેય નથી ગમતુ. ખાસ કરીને આકાશ સાથે!!’’, દર્શે આકર્ષીને ઇમોશનલી બ્લેક મેઇલ કરતા કહ્યુ. આકર્ષીએ પહેલીવાર કોઇ ફીલીગ્સને રિલેશનના રૂપમાં ટ્રાન્સલેટ કરી હતી. આકર્ષી ગમે તેટલી હિમ્મતવાળી હતી. ખરેખર એ નાદાન હતી. એને કંઇ ફીલીંગ્સને લવ કહેવાય અને કઇ ફીલીંગ્સને અટ્રેક્શન એ ખબર જ નહોતી. અત્યારે એ જે રીતે ફોન પર વાત કરી રહી હતી, એ બેબસ લાગી રહી હતી. આ રીલેશનની જાળમાં એ બરાબર ગુંચવાઇ ગઇ હતી. જે રીલેશન ખુશીઓ માણવાની મુક્તિ ના આપે એ રીલેશનને હંમેશા માટે મુક્તિ આપી દેવી જોઇએ.

‘‘પ્લીઝ!! દર્શ..! કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ..?’’, આકર્ષીની આંખોમાં આંસુ હતા.

‘‘હુ અથવા આકાશ અને તારા ફ્રેન્ડ્‌સ?’’, દુનિયાના સૌથી નેરો માઇન્ડેડ વ્યક્તિએ ફુલની પાંખડીઓ જેવી લાગણી ધરાવતી આકર્ષી ને બે ચોઇસ આપી દીધી. આકર્ષી એક ક્ષણ માટે ચુપ થઇ ગઇ.

બીજી તરફ આકાશ એ દિવસની સ્ટોરી આગળ વધારી રહ્યો હતો.

‘‘અમે એ દિવસે બને એટલુ ધીમુ ચાલી રહ્યા હતા. કારણ કે બન્ને વરસાદ અને એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા. એ એની લાઇફમાં શું કરવુ એના વિશે ડીટરમાઇન હતી. એ સોફ્‌ટવેર ડેવલપર તરીકે ચાર-પાંચ વર્ષ કામ કરીને પછી ફુલ ટાઇમ ણઘષ્ માં કામ કરવા માંગતી હતી. એ કહી રહી હતી કે લોકોની હેલ્પ કરવાથી એને બવ જ ખુશીઓ મળે છે.

‘મારો સ્વભાવ બવ ફ્રેન્ક છે, હુ કોઇ પણ જોડે જલદીથી ભળી જાવ છુ. કદાચ એના કારણે જ મને આજે ત્રણ છોકરાએ પ્રપોઝ કર્યુ લાગે છે. હુ લોકો સાથે જલદીથી ખુલ્લીને વાતો કરવા લાગુ છુ એટલે લોકો એમ સમજી બેસે છે કે હુ એમનામાં ઇન્ટરેસ્ટેડ છુ. મને નવા ફ્રેન્ડ્‌સ બનાવવા ગમે છે. નવા લોકો સાથે ઓળખાણ કરવી ગમે છે. નવા લોકો સાથે વિચારોની આપ લે ગમે છે. અને એ જ મારી ઓળખાણ છે. આ મારી આદત નથી, આ મારો સ્વભાવ છે. હુ મારી આદતો બદલી શકુ. મારો સ્વભાવ ન બદલી શકુ.’, હુ આકર્ષીના વિચારોથી મેસ્મરાઇઝ થઇ ગયો હતો.

એક ક્ષણમાં જ એને પ્રપોઝ કરવાના વિચારો ગાયબ થઇ ગયા. અમે પલળતા પલળતા મયુરના ભજીયા પાસે પહોંચ્યા. મેં ભરેલા મરચા અને મેથીના ભજીયાનો ઓર્ડર આપ્યો. અમે બન્ને એ કરીઅર, લવ, ફ્રેન્ડશીપની ચર્ચા કરતા કરતા ભજીયા ખાધા. એક મરચુ તીખુ આવી ગયુ તો આકર્ષીના મોં માંથી સીસકારા સાંભળવાની પણ બવ મજા પડી. એનો ગોરો ચહેરો લાલઘુમ થઇ ગયો હતો. એની આંખોમાં પાણી આવી ગ્યા હતા. મેં મારા ખીસ્સામાંથી પલળેલો રૂમાલ આપ્યો.

‘‘ઓહ્‌હ મીસ્ટર પ્રોફેશનલ!! તમારો રૂમાલ કામ આવ્યો હો!’’, એણે ભીના રૂમાલથી એનો ચહેરો વધારે ભીનો કર્યો. અમે કોલેજ તરફ જવા નીકળ્યા. અમે રસ્તાની ડાબ બાજુએ ચાલી રહ્યા હતા. વરસાદ હજુ ચાલુ જ હતો. કદાચ એને આ હસીન દિવસનો સાક્ષી બનવુ હતુ.

‘અત્યાર સુધી આટલી વાતો મેં કોઇ સાથે શેર નથી કરી..!’, આકર્ષીએ મારી સામે એકદમ શાંત ચહેરે કહ્યુ. મને એમ લાગ્યુ કે આ જ ટાઇમ છે. પણ તરત જ મને એણે જે થોડી વાર પહેલા કહ્યુ એ યાદ આવી ગયુ. એ મને ફ્રેન્ડ માનતી હશે તો..? મને શું બોલવુ એ ખ્યાલ જ ન આવ્યો. હુ એને જસ્ટ જોતો રહ્યો. મારો હાથ એના હાથને સ્પર્શવા માટે આગળ વધી રહ્યો હતો, હુ એનો હાથ પકડીને ચાલવા માંગતો હતો.

ત્યાંજ અમારી બાજુમાંથી ફુલ સ્પીડ પર જતી એક એવેન્જર બાઇક પસાર થઇ. પાછળ બેસેલો એક છોકરો ખુબ ઉંચેથી બોલ્યો. ‘આઇ લવ યુ આકર્ષી.!!!’. સડસડાટ કરતી બાઇક પસાર થઇ ગઇ. એ છોકરાનો ચહેરો મારા મગજમાં બરાબર ફીટ થઇ ગયો હતો. જે મારો હાથ એના હાથ તરફ આગળ વધી રહ્યો હતો એ થોભી ગયો.

‘બસ મને આજ વાતથી નફરત છે, કાયર છોકરાઓ થી. આજનુ ચોથુ પ્રપોઝ..! એ લોકો સમજતા નહિ હોય ? કે જો તમે કોઇ છોકરીના ચહેરા પર સ્માઇલ લાવો તો છોકરી ઓટોમેટીકલી તમને પસંદ કરવા લાગશે. એકબીજાને ઓળખ્યા વિના કોઇ એકબીજાના પ્રેમમાં કઇ રીતે પડી શકે. મને તો સમજાતુ જ નથી.’, આકર્ષી થોડાક ગુસ્સા સાથે બોલી.

‘આ લોકોને તો આપડી કેન્ટીનની ચ્હાથી નવડાવવા જોઇએ..!!’, હુ બોલ્યો અને એ હસી પડી. હુ એના ચહેરા પર સ્માઇલ લાવવા માટે સફળ રહ્યો. આનાથી મોટી સીદ્ધી શું હોઇ શકે.? આકર્ષીની હોસ્ટેલ આવી ગઇ.

‘થેંક્સ..!!’, આકર્ષીએ જતા જતા કહ્યુ.

‘શેના માટે..?’, મેં પુછ્યુ.

‘ફોર ધીઝ ડે! યુ મેડ માય ડે..!!’, એણે ગ્રેટફુલ થતા કહ્યુ.

હુ અંદરને અંદર બોલી રહ્યો હતો કે ‘આઇ કેન મેક યોર લાઇફ ઓલ્સો.’, પણ મારામાં કહેવા જેટલી હિમ્મત નહોતી.

‘તુ દર વખતે મારે કહેવાનુ હોય એ ચોરી કરી લે છે..!!’, મારે શું બોલવુ એ ખબર ન પડી એટલે મે કહ્યુ.

એણે એના બન્ને હાથ ફેલાવ્યા અને પુછ્યુ ‘હગ?’

મારી ધડકનો એટલી ફાસ્ટ દોડી રહી હતી કે મને ડર હતો કે ક્યાંક હ્‌રદય ફાટી ના જાય? બન્ને ના વરસાદમાં પલળેલા શરીર. આકર્ષીના ફેલાયેલા હાથ. આનાથી વધારે આ દિવસને સુંદર બનાવવા શું જોઇતુ હતુ? અમે બન્ને એકબીજાના ગળે મળ્યા. એણે મને કાનમાં કહ્યુ.

‘થેંક્સ માય ડીયર ફ્રેન્ડ!!’, પહેલા ધડકનો ફાસ્ટ ચાલી રહી હતી. પણ આ સાંભળીને અચાનક પેટમાં આગ લાગી ગઇ.

‘યુ આર વેલકમ માય ડીયર..!’, મારા પાસે આ બોલવા સિવાય કોઇ ઓપ્શન જ ન્હોતો. શું આ ફ્રેન્ડશીપ હતી, શું આ લવ હતો? શું બે ફ્રેન્ડ્‌સ એક બીજાને ફ્રેન્ડ તરીકે લવ કરી શકે..? આવા કેટલાંય સવાલો મારા મનમાં એ સમયે ઉભરા લઇ રહ્યા હતા.’ આકાશે ફરી પાણીની બોટલમાંથી એક ઘુટડો ભરતા કહ્યુ.

‘એ દિવસ મારી જીંદગીનો સૌથી હસીન દિવસ હતો. પણ અત્યારે હુ એવુ પણ માનુ છુ કે જ્યારે અમે છુટા પડ્યા હતા ત્યારે મેં મારા ડરના કારણે ઘણુ ગુમાવ્યુ પણ હતુ.’’’, આકાશે પાણી પી ને પાણીની બોટલ સાઇડમાં મુકતા કહ્યુ.

ત્યાંજ અચાનક આકર્ષી દોડતી દોડતી આવી.

‘‘હુ જાવ છુ..?’’, આકર્ષીએ એની બેગ ઉઠાવતા કહ્યુ, એના ચહેરા પર ચિંતાના એક્સપ્રેશન્સ હતા.

‘‘કેમ અચાનક શું થયુ..? ’’, આકાશે પુછ્યુ. બધાને આશ્ચર્ય થયુ કે આકર્ષીને અચાનક ક્યાં જવુ છે.

આકર્ષી કંઇ ના બોલી. એ એનુ બેગ ઉઠાવીને પાર્કની બહાર જવા માટે ચાલવા લાગી., હર્ષ અને બીજા ફ્રેન્ડ્‌સ પણ ઉભા થઇ ગયા. હર્ષ આકર્ષીના પાછળ ચાલતો થયો અને આકર્ષીને ઉભી રાખવા કોશીષ કરી.

‘‘આકર્ષી..? આકર્ષી..! શું થયુ..! એ તો કહે..?’’, આકાશે આકર્ષીની પાછળ દોડતા કહ્યુ.

‘‘આકાશ તુ પાછો ચાલ્યો જા! તમે બધા બેસો મારે ક્યાંક જવુ છે..! તુ જા..!’’, આકર્ષીએ આકાશને ઉભા રહીને કહ્યુ.

‘‘પણ શું થયુ એ તો કહે..?’’, આકર્ષી પાછી ચાલવા લાગી. આકાશ આકર્ષીની સાથે ચાલી રહ્યો હતો. બીજા ફ્રેન્ડ્‌સ પણ પુછી રહ્યા હતા કે ‘‘શું થયુ..?’’

રીવરફ્રન્ટનો ગેટ આવી ગયો. આકાશે આકર્ષીનો હાથ પકડ્યો,

‘‘આકર્ષી!’’, આકાશે ઉંચા અવાજે બોલીને આકર્ષીને રોકી.

‘‘તુ જસ્ટ એ કહી શકે કે શું થયુ છે ? તો અમે તને હેલ્પ કરી શકીએ..?’’, આકાશે કહ્યુ.

‘‘આકાશ આજ પછી મને કોલ, મેસેજ કે મળવાની કોશીશ ના કરતો..!! હુ તને મળુ એ દર્શને સહેજેય નથી ગમતુ.’’, આકર્ષી બોલી આકાશના હાથ-પગ માંથી જીવ ચાલ્યો ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા.

‘‘પાંચ વર્ષની ફ્રેન્ડશીપ અને પંદર દિવસનો રીલેશન..! બવ સારી ચોઇસ છે તારી.’’, આકાશ માંડ થોડા શબ્દો બોલ્યો.

‘‘આકાશ, તુ નહિ સમજી શકે!’’, આકર્ષીએ કહ્યુ.

‘‘તુ કહીશ તો સમજી શકીશ. કંઇ જ નહિ કે તો કઇ રીતે સમજી શકીશ..?, ડોન્ટ ગો..!’’, આકાશની આંખો ભીની થઇ ગઇ. દરેક સ્ત્રીને એવુ હોય છે કે મને કોઇ સમજી નહિ શકે અને દરેક પુરૂષને એવુ હોય છે કે હુ જેવુ કામ કરીશ એવુ કોઇ કરી નહિ શકે.

‘‘થોડા દિવસોમાં સમજાઇ જશે!!’’, આકર્ષી કંઇ ખબર ના પડે એવા શબ્દો બોલી, એણે એનો હાથ આકાશના હાથમાંથી છોડાવવા ખેંચ્યો.

‘આકર્ષી! આપડી ફ્રેન્ડશીપ!!’, આકાશ ધીમા અવાજે બોલ્યો. ત્યાંજ એક જાણીતો ચહેરો. ત્યાં આવ્યો. આકાશે પકડેલા આકર્ષીના હાથને એણે છોડાવ્યો.

‘દર્શ તુ બહાર જા, હુ આવુ છુ’, આકર્ષી એ દર્શને કહ્યુ. દર્શ અને આકાશ એકબીજાને નફરતની નજરથી જોતા રહ્યા.

એક તરફ આકાશ બીજી તરફ દર્શ અને વચ્ચે આકર્ષી.!! ખરેખર આજે આકર્ષીની હાલત સેન્ડવીચની વચ્ચેના સ્ટફ જેવી થઇ ગઇ હતી. એ બન્ને તરફની લાગણીઓની બ્રેડ વચ્ચે પીસાઇ ગઇ હતી. આકર્ષીની આંખોમાંથી દડ દડ આંસુઓ વહી રહ્યા હતા.

આકાશ અને દર્શ એકબીજાને ખુન્ન્‌સ ભરી લાલ આંખોથી જોઇ રહ્યા હતા. લાગી રહ્યુ હતુ કે આકાશની આંખમાંથી હમણા આગ નીકળશે અને દર્શના રૂવે રૂવાને બાળીને ખાક કરી નાખશે. આકર્ષી દર્શને બહાર લઇ જવા માટે ખેંચતી રહી. આકાશ દર્શની આંખોમાં એક નજરે ખુન્ન્‌સતાથી જોતો રહ્યો..!!

છેલ્લે આકાશ ઉંચા અવાજે બોલ્યો.. ‘‘મને આજ વાતથી નફરત છે, કાયર છોકરાઓ થી. આજનુ ચોથુ પ્રપોઝ..!’’ . . કન્ટીન્યુ.

પાર્ટ - ૩

આકાશ ના મનમાં એક જ ચહેરો હતો, આકર્ષીનો..!! આકાશના મનમાં એક જ વિચારો હતા..!! એની પાંચ વર્ષની મિત્રતાના!! એને બધી જ ક્ષણો યાદ આવી રહી હતી..!!

આકાશ એના લેપટોપમાં કોલેજ વખતના ફોટા ફાસ્ટ ફોર્વડ કરી રહ્યો હતો.

આ ક્યારના ફોટા છે?’, બાજુમાં બેસેલા સુશિલે પુછ્યુ. સુશિલ અને મધુ બન્ને આકર્ષીના ક્લાસમેટ્‌સ હતા, અને બન્ને કોલેજ ટાઇમથી જ આકાશ અને આકર્ષીના ફ્રેન્ડ્‌સ હતા. મસ્તી આકર્ષીની ફ્રેન્ડ હતી અને જોય મસ્તી નો બોય ફ્રેન્ડ હતો. બન્નેએ નીરમા કોલેજમાંથી એન્જીનીયરીંગ કર્યુ હતુ. જોય ફ્‌લેટની ગેલેરીમાં જઇને મસ્તી સાથે વાતો કરી રહ્યો હતો, સાથે આકર્ષીને સમજાવવાના પ્રયાસો કરી રહ્યો હતો.

એ ફોટામાં આકર્ષી રેડ ટી શર્ટમાં હતી, એ આકાશ તરફ ચ્હાની ગંડેરી ફેંકી રહી હોય એવુ લાગી રહ્યુ હતુ.

‘છોડને યાર..! હવે આ ફોટા પણ સોંયની જેમ ખુંચે છે, અને એ પણ અહિં અને આ કોઇ ડાયલોગ બાજી નથી’, આકાશે એના હ્‌રદય તરફ આંગળી લઇ જતા કહ્યુ.

‘આકાશ.! લે વાત કર..!’, જોય રૂમમાં આવ્યો અને આકાશ તરફ ફોન લંબાવ્યો.

‘કોણ છે..?’, આકાશે ફોન હાથમાં લેતા કહ્યુ.

‘મસ્તી’, જોયે કહ્યુ. આકાશ ગેલેરીમાં ચાલ્યો ગયો. જોય અને સુશિલ બન્ને ફોટા જોવા લાગ્યા.

‘હા બોલ’, આકાશે ટીપીકલ બનીને કહ્યુ.

‘મેં આકર્ષીને સમજાવવાની ઘણી ટ્રાય કરી. પણ એના મગજમાં દર્શનુ ભુત ઘુસી ચુક્યુ છે. હુ તો રીલેશનશીપ વર્ડની ફીલોસોફી સાંભળીને જ થાકી ગઇ છુ. દર્શ એને લાંબા લાંબા રીલેશનશીપ ના ફીલોસોફીકલ ભાષણ આપે છે અને આકર્ષી એના અંદર ઉંડી ઉતરતી જાય છે. એને તો એમ જ થઇ ગયુ છે કે આ રીલેશન સિવાય દુનિયામાં કોઇ રિલેશન જ નથી!!’, મસ્તીએ બોલતા બોલતા વિરામ લીધો.

આકાશને કોઇ ફીલોસોફી ખબર નહોતી, એ મસ્તીને પણ શું જવાબ આપી શકે..? એ દસેક સેકન્ડ ચુપ જ રહ્યો.

‘કોઇ છોકરો આટલો બધો નેરો માઇન્ડેડ કઇ રીતે હોઇ શકે..? તે એને કહ્યુ કે તુ આ કંટ્રોલમાં કેટલા ટાઇમ સુધી રહી શકીશ!, તારી આદતો બદલી શકીશ સ્વભાવ નહિ, અત્યારે જે બધી વસ્તુઓ ફેસીનેટીંગ લાગે છે, એ કાલે કાંટા બનીને ખુંચશે.’, આકાશે થોડી વાર રહીને કહ્યુ.

‘હા, મેં કહ્યુ પણ એ હવે દર્શની ભાષા જ બોલવા લાગી છે. દર્શે એને કહ્યુ હશે કે તુ મારી સાથે નહિ તો બીજા કોઇ પણ સાથે સગાઇ કરીશ એ છોકરો પણ તને છોકરાઓ સાથે વાતો કરવાની તો ના જ પાડાવાનો છે. અને જો આપડે રીલેશન લાંબો રાખવો હોય તો ફ્રેન્ડ્‌સને છોડવા જ પડે. રીલેશન ને ઇમ્પોર્ટન્ટ આપવુ પડે બ્લા બ્લા બ્લા.!! હમણા જ અમે ફ્‌લેટ નીચે મળ્યા હતા, હુ તો એનુ ભાષણ સાંભળીને થાકી ગઇ અને આકર્ષીને તો જાણે એમ જ સાંભળી રહી હતી કે દર્શ જ ઇશ્વર છે, અને દર્શની વાતો સિવાય બધુ જ ખોટુ છે.’, મસ્તીએ કહ્યુ.

‘ખરેખર એ હવે ફસાઇ ગઇ છે, એને રીલેશન અને બોન્ડનો ખ્યાલ છે જ નથી, આ રીલેશન છે જ નહિ, આ બોન્ડ છે. દર્શ મદારી છે અને આકર્ષી મદારી નચાવે એમ નાચી રહી છે. હુ તો દર્શને કોલેજ ટાઇમથી ઓળખુ છુ. એ પડી ભાંગશે એની મને ચિંતા છે.’, આકાશે કહ્યુ ને તરત જ મસ્તીએ કહ્યુ.

‘અને હા આકર્ષી એમ પણ કહી રહી હતી કે દર્શ એને એમ કહેતો હતો કે બધા છોકરાઓ સરખા જ હોય છે. બધા છોકરીઓની પાછળથી તો ઉડાવતા જ હોય છે.’, મસ્તીએ કહ્યુ.

‘હુ કેવો છુ સૌથી વધારે આકર્ષી જ જાણે છે. માત્ર એ થોડી બદલાઇ ગઇ છે અથવા તો એને બદલી નાખી છે. એટલે એને અત્યારે કંઇ સમજાતુ નથી. એ ક્યાં છે?’, આકાશે પુછ્યુ.

‘એ બીજી રૂમમાં છે, દર્શ સાથે ચેટ કરી રહી હશે.’, મસ્તીએ કહ્યુ.

‘હમણા તો તમે મળીને આવ્યા તો પણ ચેટ..?’, આકાશે ડેસ્પરેટ આકર્ષી વિશે સાંભળીને કહ્યુ.

‘હા, યુ નો રીલેશનશીપ લેસન્સ.!’,મસ્તીએ કહ્યુ.’

‘મારે આકર્ષી સાથે વાત કરવી છે કરાવી શકીશ?’

‘ટ્રાય કરૂ!! ચાલુ રાખ’, મસ્તીએ કહ્યુ.

મસ્તી આકર્ષીના રૂમમાં ગઇ. આકર્ષી દર્શ સાથે વોટ્‌સએપ પર ચેટ જ કરી રહી હતી. છ ઇંચની સ્ક્રીનમાં પણ સમાય નહિ એટલા લાંબા લાંબા મેસેજીસ આકર્ષી કોઇ જ કંટાળા વિના વાંચી રહી હતી.

‘આકર્ષી! આકાશ તારી સાથે વાત કરવા માંગે છે.’, મસ્તીએ ફોન બતાવતા કહ્યુ એ આકર્ષીની પાસે જઇને બેસી ગઇ.

‘હુ દર્શને પુછી લવ.!.’, આકર્ષીએ મોબાઇલમાં ટાઇપ કરવા માટૅ અગુંઠો આગળ વધારતા કહ્યુ. મસ્તીએ તરત જ એ હાથને પકડી લીધો અને કહ્યુ.

‘બધી વાતો માં એને પુછવુ જરૂરી નથી, એ તને કંટ્રોલ કરે છે..? તો તારે પુછવુ પડે..? તુ તારા પોતાના ડીસીઝન લે, ઉધારી કરમાં! ’, મસ્તીએ સમજદારીથી ભરેલી વાત કહી.

‘પણ દર્શને ખબર પડશે કે મેં આકાશ સાથે વાત કરી તો અમારા રીલેશનશીપ?’, આકર્ષી બોલી રહી હતી ત્યાંજ મસ્તીએ વચ્ચે પડીને કહ્યુ,

‘તને જે લાગે તે, આ રીલેશન કે સંબધ છે..? મને તો આ બંધ લાગે છે. અને જે પાણીને બંધની બહાર વહેવા ના મળે એ સડી જાય. આકર્ષી તુ ગંગાનુ પાણી છો, આ બંધમાં તુ બંધીયાર પાણીની જેમ સડતી જઇશ..!!’, મસ્તીએ સમજાવવાના વધારે પ્રયત્ન કર્યા.

‘મારૂ જે થાય તે, તુ વધારે ચિંતા ના કર, દર્શ છે મારી અને અમારા રીલેશનની ચિંતા કરવા વાળો. અને મારે કોઇ સાથે વાત નથી કરવી.’, આકર્ષીએ થોડુ એગ્રેસીવ બનીને કહ્યુ.

‘સોરી આકર્ષી તને ખોટુ લાગ્યુ હોય તો પણ મને જે લાગે છે એ મેં કહ્યુ. તુ જ આકાશને ના પાડી દે’, મસ્તી એનો ફોન આકર્ષીના બેડ પર જ મુકીને ચાલતી થઇ ગઇ. આકર્ષીએ ફોન સામે જોયુ. પછી એ એના મોબાઇલમાં ટાઇપ કરવા લાગી.

‘આજે હુ થાકી ગઇ છુ, સુઇ જવુ છે, કાલે વાત કરીએ.’, આકર્ષીએ મેસેજ મોકલ્યો. સામેથી એક લાંબો મેસેજ આવ્યો. જે વાંચીને આકર્ષીએ ફરી ‘બાય અને ગુડનાઇટ’ નો મેસેજ મોકલ્યો. આકર્ષીએ મસ્તીનો મોબાઇલ કાન પાસે રાખ્યો.

‘આકાશ!!’, આકર્ષી બોલી. આકાશ એનુ નામ સાંભળીને જ પ્રફુલ્લીત થઇ ગયો. કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે, જે માત્ર આપણુ નામ લે અને આપણે ગેલમાં આવી જઇએ.

‘આકર્ષી, આવુ શામાટે કરી રહી છે ?’, આકાશનો સામેથી અવાજ આવ્યો.

‘તુ નહિ સમજી શકે આકાશ!’

‘હુ તને અત્યાર સુધી સમજી શક્યો છુ, હુ આકર્ષીને હજુ સમજી જ શકુ છુ. પણ જો આકર્ષી બદલાઇ ગઇ હશે તો હુ નહિ સમજી શકુ. મને ખબર છે અત્યારે તુ તારી કોણીને ચીંટીયા પણ ભરી રહી હોઇશ. કારણ કે તુ ચિંતામાં છે.’, આકાશે અનુમાન લગાવ્યુ. આકર્ષી સાચે જ એવુ કરી રહી હતી. આકર્ષીને ટેન્શનમાં હોય ત્યારે આવુ કરવાની આદત હતી.

‘આકાશ મારા માટે આ રીલેશન બવ ઇમ્પોર્ટન્ટ છે.’,

‘આઇ નો, એટલે જ તો તુ તારા બેસ્ટ ફ્રેન્ડને છોડી રહી છો.’

‘મારે આપણી ફ્રેન્ડશીપને આ રીતે નથી મારી નાખવી!’, આકર્ષીએ એનુ લેપટોપ શરૂ કરતા કરતા કહ્યુ.

‘પણ તુ ફ્રેન્ડશીપને મારવા તો ઇચ્છે છે!!’, આકાશે બવ શાંત અને ફ્‌લેટ સ્વરે કહ્યુ.

‘આકાશ આ મારો છેલ્લો કોલ છે, આના પછી હુ તારા કોઇ કોલ કે મેસેજ રીસ્પોન્ડ નહિ કરૂ. તો તુ શું મારી સાથે છેલ્લી વાર જઘડો કરીને છુટો પડવા માંગે છે?’

‘હુ તો કદી છુટો પડવા જ નથી માંગતો, બટ ધીઝ ઇઝ યોર વીશ. એ પણ હુ પુરી કરીશ. આઇ હેપ્પન્ડ ટુ બી યોર બેસ્ટ ફ્રેન્ડ.’ આકાશે કોઇ જ સ્વાર્થ વિનાના સ્વરમાં કહ્યુ.

‘આજે મારી સાથે તારે જેટલી વાત કરવી હોય એટલી કરીલે!!’, આકર્ષીએ એકદમ ફ્રી થઇને કહ્યુ.

‘મારે આકર્ષી સાથે વાત કરવી છે, એવી છોકરી સાથે નહિ કે જે કોઇના તરફ આકર્ષાઇ ગઇ હોય! હુ જે બિન્દાસ આકર્ષીને ઓળખતો હતો એ આકર્ષી સાથે મારે વાત કરવી છે.’, આકાશે કહ્યુ.

‘ઓકે, આજે હુ તારી આકર્ષી છુ, તારી બેસ્ટ ફ્રેન્ડ પણ યાદ રાખજે આ આપણો છેલ્લો કોલ છે.’, આકર્ષીએ ચોખવટ કરતા કહ્યુ. આકાશે જોયના મોબાઇલમાંથી કોલ કટ કર્યો અને પોતાના મોબાઇલમાંથી આકર્ષીને કોલ લગાવ્યો.

‘તો આજે કોના ચપ્પલ ઉધાર લઇ આવી હતી?’, આકાશે એના ટેરેસ પર જઇને કોલ કર્યો અને કહ્યુ.

‘ઓય્ય. મારા જ સેન્ડલ હતા, ચાર દિવસ પહેલા જ લાલ દરવાજાથી લાવી છુ.’ સાંભળીને આકાશના મોં માંથી ‘પાક્કી આકર્ષી’ નીકળી ગયુ.

‘પણ આ સેન્ડલ તો મસ્તીએ બે દિવસ પહેલા પહેર્યા હતા’,

‘તો શું હુ જ ઉધારી કરી શકુ?’

‘ના, પણ તને તો આદત છે. યાદ છે હોસ્ટેલ ?’

‘હા એ દિવસો કઇ રીતે ભુલાય? બવ જલસા કર્યા યાર.’

‘તે મસ્તી અને જોય ને આપણી સ્ટોરી આગળ કહી?’, આકર્ષી પણ ટેરેસ પર જવા માટે સીડીઓ તરફ ગઇ.

‘હા મેં એ લોકોને સ્ટોરીને લાંબી લાંબી ખેંચી ને કહી સંભળાવી. મારો અત્યાર સુધીનો એ મોસ્ટ મેમોરેબલ ડે હતો.’, આકાશે કહ્યુ.

‘મારો પણ, તો તે એ લોકો ને બધુ જ કહી દીધુ?’, આકર્ષીએ એવી રીતે પુછ્યુ કે જાણે કંઇક છુપાવવા જેવુ હતુ.

‘તને શું લાગે છે..?’, આકાશે આકર્ષીનો ડાઉટ કન્ફર્મ કરતા કહ્યુ.

‘મને તો એમ લાગે છે કે તે બધુ નહિ કહ્યુ હોય!!!’, આકર્ષીએ સ્યોર થઇને કહ્યુ.

‘ના મેં બધુ તો નથી કહ્યુ..!! એ હું કઇ રીતે કહી શકુ, જેની તે ના પાડી હોય!!’

‘ઓહ્‌હ ગોડ! પણ એ દિવસે તો તુ થોડોક વધારે જ હેન્ડસમ લાગતો હતો, જસ્ટ તે પ્રોફેશનલ કપડા પહેર્યા હતા, અરે હા તુ મને મળવા ક્યાં આવ્યો હતો, તુ તો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યો હતો નહિ..?’, આકર્ષી ટેરેસની પાળી પર જ ખુલ્લા દિલે હસવા લાગી.

‘ઉડાવી લે હજુ જેટલી ઉડાવવી હોય એટલી!! એ આપડી જસ્ટ બીજી મુલાકાત હતી અને હુ મારી કોઇ ઇમ્પ્રેશન્સ ડાઉન કરવા ન્હોતો માંગતો..! છોકરીઓને થોડીક ઇમ્પ્રેસ તો કરવી જ પડે ને..! પણ ઉંધુ થઇ ગયુ સાલુ..!’, આકાશે છોછ વ્યક્ત કર્યો.

‘પણ સાચુ કહુ તો હું તારાથી ઇપ્રેસ થઇ હતી, તારા કપડાથી ભલે નહિ, પણ તારા વિચારોથી, તારી પર્સનાલીટીથી..! તારી દુર દ્રષ્ટીથી.’, આકર્ષીએ સીરીયસ થઇને કહ્યુ. ફોન પર વાત કરતા કરતા પણ એના ચહેરા પરના એક્સપ્રેશન સાચા હતા.

‘બટર, મોર બટર!! હજુ થોડુક લગાવ એટલે મને તારી વાતોની બનાવેલી સેન્ડવીચ ખાઇને તરત ઉંઘ જ આવી જાય!’, આકાશે હસતા હસતા કહ્યુ.

‘સેન્ડવીચ તો અત્યારે હું છુ. પણ સીરીયસલી હુ કોઇ બટર નથી લગાવતી. જો એ દિવસે તુ મને ના મળ્યો હોત તો આજે હુ ક્યાંક બીજે જ હોત’, ‘કાશ હુ તને કોઇ બીજે દિવસે મળ્યો હોત’, આકાશે મનમાં જ વિચાર્યુ.

‘કદાચ હું પણ ક્યાંક બીજે જ હોત!! મેં એ લોકોને આપણે બન્ને એ હગ કર્યુ હતુ ત્યાં સુધીની સ્ટોરી કહી છે. પછીની તને યાદ છે..?’, આકાશના ચહેરા પર વિશાળ સ્માઇલ આવી ગઇ. આકર્ષી સાંભળીને હસવા લાગી.

‘હાસ્તો યાદ જ હોય ને, કઇ રીતે ભુલી શકુ.?’, આકર્ષીએ હસતા હસતા કહ્યુ.

‘ચાલ આજે તુ મને એ સ્ટોરી કે! ટોટલી તારા એંગલથી!’,

‘સ્યોર..? તને ઉંઘ તો નહિ આવી જાય ને..?’, આકર્ષીએ પુછ્યુ.

‘ના ઉંઘ નહિ આવે, મને તારો બકવાસ પણ કોઇ સારા મ્યુઝીક જેટલો જ સુરીલો લાગે છે.’, આકાશે હસતા હસતા કહ્યુ.

‘બટર બટર! એમ કર તુ વડાપાંવ અને સેન્ડવીચની દુકાન ચાલુ કર! અને બટર વડાપાંવ જ વેંચજે’, આકર્ષીએ હસતા હસતા કહ્યુ,

‘લીટરલી આકર્ષી તારા ચહેરા પરની સ્માઇલ જોઇને જ મને બધો કંટાળો દુર થઇ જાય છે. ચલ હવે સ્ટોરી કે’, આકાશે કહ્યુ. એ દિવસે બધાની પોતપોતાની એક સ્ટોરી હતી. હવે ની સ્ટોરી આકર્ષીની હતી.

‘‘ઓકે તો સાંભળ, એ દિવસે હુ હોસ્ટેલ પુરેપુરી પલળેલી જ પહોંચી હતી. પણ મને ક્યાંય ચેન ન્હોતો પડી રહ્યો. હોસ્ટેલનો નિયમ પણ હતો કે અગિયાર વાગ્યા સુધીમાં હોસ્ટેલમાં એન્ટ્રી લઇ લેવાની. સવા અગિયાર તો વાગી ચુક્યા હતા. મારા મનમાં એટલા વિચારો હતા કે મને એમ લાગી રહ્યુ હતુ કે હુ પાગલ થઇ જઇશ. હા વિચારો આપણા બન્ને વિશે જ હતા. બટ હુ કોઇ ડીસીઝન નહોતી લઇ શકતી. એક બાજુ મેં મારા મોરલ્સ નક્કિ કરેલા હતા. હુ મારા મમ્મી પપ્પા જે છોકરો પસંદ કરે એ છોકરા સાથે જ મેરેજ કરીશ. બીજી તરફ બવ બધી અકળામણો.

‘ઓહ્‌હ્‌હો કેવુ રહ્યુ ડીનર..? એણે પ્રપોઝ તો નથી કર્યુ ને.’, મારી રૂમ પાર્ટનર દિપ્તીએ આવીને કહ્યુ.

‘હા પ્રપોઝ કરત જ પણ મેં એને ફ્રેન્ડઝોન કરી દીધો.’, ત્યારે ફ્રેન્ડઝોન નો રૂમમાં ટ્રેન્ડ ચાલી રહ્યો હતો તો મેં ખોટુ બોલી દીધુ.’’, આકર્ષીનુ બોલવાનુ ચાલુ હતુ.

વચ્ચે આકાશ બોલ્યો, ‘તે મને ફ્રેન્ડઝોન કર્યો જ હતો. મારા કાનમાં કોણે કહ્યુ હતુ. વી આર બેસ્ટ ફ્રેન્ડ્‌સ! એ દિવસે હુ તને પ્રપોઝ પણ કરત પણ તે જો આ શબ્દો ના કહ્યા હોત.’, આકાશે એના દિલની વાત કરી.

‘‘જો તે એ દિવસે પ્રપોઝ કર્યુ હોત તો મેં હા પણ પાડી દીધી હોત. મેં બધાને ખોટુ તો કહ્યુ પણ હુ બીજા જ વિચારો માં હતી. હુ જે ખુશીઓને મહેસુસ કરીને આવી હતી, હવે હુ એને વારંવાર મહેસુસવા માંગતી હતી. મારી બધી ફ્રેન્ડ્‌સ પુછી રહી હતી કે શું થયુ શું થયુ! પણ મારી નજર ઘડીયાળના કાંટા પર હતી. જો મારે હોસ્ટેલની બહાર નીકળવુ હોય તો સાડા અગિયાર પહેલા નીકળવુ પડશે. મેં તરત જ નક્કિ કરી લીધુ.

‘રેક્ટર આવે તો કહેજો કે હુ બાથરૂમમાં છુ, મારી અટેન્ડન્સ પુરાવી દેજો.’, મે મારી ફ્રેન્ડ્‌સને કહ્યુ.

‘‘પણ તુ અત્યારે ક્યાં જાય છે..?’, મારી ફ્રેન્ડ લોકોએ એવા એક્સપ્રેશન્સ આપ્યા કે જાણે હુ બવ ખોટુ કામ કરવા જઇ રહી હોવ.

‘આકાશ ને મળવા’, મેં મારા કપડા ચેન્જ કર્યા અને રૂમની બહાર નીકળી.

‘કંઇ પણ પ્રોબ્લેમ થાય તો ફોન કરજે!’, મારી એક રૂમ પાર્ટનર બોલી.

હુ કોલેજના ગેટની પાસે પહોંચી અને તને કોલ કર્યો. તું પણ ‘અત્યારે ?’ એવી રીતે કહી રહ્યો હતો કે જાણે છોકરી કદી રાતે એકલી બહાર આવી જ ના શકે.’’, આકર્ષી ફોન પર વાત કરતા કરતા થોભી.

‘‘મને તો આશ્વર્ય થઇ રહ્યુ હતુ કે હમણા તો આપણે મળ્યા હતા, અચાનક શું પ્રોબ્લેમ આવ્યો હશે..?’’, આકાશે કહ્યુ.

‘‘તને ફોન કર્યો અને તુ આવ્યો ત્યાં સુધીનો ટાઇમ ખુબ લાંબો હતો. તારી સાથે ફ્રેન્ડથી વધારે આગળ રીલેશનશીપ વધારૂ એ બાબતે હુ ચોક્કસ તો નહોતી જ. બટ હુ સ્યોર હતી કે હુ તારી સાથે સીક્યોર હોઇશ. તુ આવ્યો અને વરસાદ પણ લઇ આવ્યો. મેં તને જોયો એટલે મનમાં પહેલો વિચાર કપડાનો આવ્યો. આ વખતે તે શોટ્‌ર્સ અને ટી શર્ટ પહેર્યુ હતુ અને મેં ટીપીકલ ડ્રેસ!!, બાઇક પર તુ સ્ટનીંગ લાગતો હતો..! ઓહ સોરી નો મોર બટર, કોઇ પ્લાન ન્હોતો..!! બસ હુ અને તુ જ હતા.

‘કેમ મારી ફ્રેન્ડને કોઇ તકલીફ થઇ..?’, તે આવીને કહ્યુ. આ હતો તારો પહેલો ઘા. તે મને ફ્રેન્ડ કહી એટલે હવે મારામાં થોડોક ડર આવ્યો. ક્યાંક તુ મને જસ્ટ ફ્રેન્ડ તો નહિ માનતો હોય ને.? એવુ મને લાગ્યુ એટલે મેં તરત નક્કિ કરી લીધુ કે જસ્ટ ફ્રેન્ડ્‌સ..!!

‘ઓનેસ્ટલી કહુ ? મને રૂમ પર ઉંઘ આવત નહિ, અને આખી રાત વિચારોના વમળમાં ઘેરાયા કરત એના કરતા એમ થયુ કે ચાલને તને ટાઇમ પાસ કરવા બોલાવી લવ.’, મેં તને કહ્યુ.

‘એટલે તુ મને ટાઇમ પાસ માને છે, એમને..?’, તે થોડુક ફની એગ્રેસીવનેસ સાથે કહ્યુ.

‘સોરી, મારો એવો કોઇ અર્થ નથી. ચલ શ્વ.શ. જઇએ મસ્કાબન ખાવા..!’, મેં તને કહ્યુ.

‘પણ તારે હોસ્ટેલ?’, તે તારા નેણ ઉંચા કરીને કહ્યુ.

‘આજે મેં હોસ્ટેલમાંથી રજા લઇ લીધી છે, ચલ રખડીએ ક્યાંક.’’, મેં તને મારી ઇચ્છા કહી.

‘પણ આખી રાત..? એક જગ્યા છે. ટઘભ શ.ઘ. હ્યાગહદ્યઅય ત્યાંનુ કાફે પીયાનો આખી રાત ખુલ્લુ હોય છે. પણ આ વરસાદ માં આપણે ત્યાં છેક જઇશુ..?’, તે કહ્યુ.

‘ના, મસ્કાબન..! વી.એસ હોસ્પીટલ’, મેં મારી જીદ પકડી રાખી. વરસાદ સાથે બાઇકની રાઇડ. અમદાવાદમાં હુ કોઇ છોકરાની બાઇક પાછળ પહેલીવાર બેસી રહી હતી. એ પણ વરસાદમાં. બવ રોમેન્ટીક લાગી રહ્યુ હતુ. પણ ફ્રેન્ડ શબ્દ મને પણ ખુંચી રહ્યો હતો. કદાચ તને પણ એવુ જ લાગી રહ્યુ હશે. વરસાદમાં પલળતા પલળતા અને વાતોના વડા ઠોકતા આપડે બન્ને વી.એસ તો પહોંચી ગયા પણ મને ઠંડી ચડવા લાગી. ગરમા ગરમા ચ્હા અને મસ્કાબને થોડીક રાહત આપી પણ પલળવાને લીધે ઠંડી તો ખુબ જ લાગી રહી હટી.

‘આકાશ, મને ઉંઘ આવે છે. અને ઠંડી પણ લાગે છે.’, મેં તને આંખો ચોળતા કહ્યુ. વરસાદ હજુ પણ ચાલુ જ હતો.

‘શું કરીશું, ટઘભ બવ દુર પડશે. એક વાગવા આવ્યો છે એટલે હોસ્ટેલમાં પણ એન્ટ્રી નહિ મળે.’, તે ટેન્શનમાં હો એ રીતે કહ્યુ.

‘તારા કોઇ ફ્રેન્ડની રૂમ કે કોઇ જાણીતુ હોય ત્યાં જઇ શકીએ..?’, મને ખુબ જ ઠંડી લાગી રહી હતી. મારે મારા ભીના થઇ ગયેલા કપડા ચેન્જ કરવા હતા અને જો કોઇ ગરમ ધાબળો આપે તો ઓઢીને ઉંઘી જવુ હતુ. પણ ન તો વરસાદ બંધ થતો અને ન તો કોઇ રસ્તો દેખાઇ રહ્યો હતો.

‘કોઇ ઓળખીતુ તો નથી, પણ અહિં પાલડી પાસે ડોરમીટરી છે. જો તારે ઉંઘવુ જ હોય તો ત્યાં જઇએ.’, તે કહ્યુ.

‘યુ મીન હોટેલ? લોકો શું વિચારશે..?’, હું થોડા મોટા અવાજથી બોલી.

‘લોકો જે વિચારે તે, અત્યારે તને ઠંડી લાગે છે એનુ કંઇક કરવુ પડશે. અને ડોરમીટરી એટલે કોઇ હોટેલ નહિ. પણ જો તમારે ઉંઘવુ હોય તો એ જગ્યાએ જઇ શકો. ત્યાં આપણા બન્ને સિવાય ઘણા બધા લોકો હશે.’, તે ચોખવટ કરી અને હું શાંત પડી.

‘પણ કપડા?’, મેં ફરી તને એક પ્રોબ્લેમ આપી.

‘એ ત્યાંથી થઇ જશે.’

આપણે પલળતા પલળતા પાલડી પાસેના મેટ્રો ડોર્મીટરી પહોંચ્યા. તે રીસેપ્શનીસ્ટ ને કહ્યુ કે કે બેડ જોઇએ છે. પણ દુર્ભાગ્યે કોઇ બેડ ખાલી ન્હોતો.

‘હવે એક જ રસ્તો છે. હોટેલ..!! એન્ડ યુ આર સેફ વીથ મી.’, તે કહ્યુ.

‘ઓકે ધેન’, મેં કહ્યુ અને આપણે ફરી કોઇ સારી હોટેલની શોધમાં નીકળ્યા. ભલે ત્યારે આપણે બન્ને નાની નાની આવી પ્રોબ્લેમ્સ લઇને રખડતા હતા પણ આપણે એને એન્જોય પણ કરી રહ્યા હતા. એટલે જ તો મેં કહ્યુ હતુ કે ચાલ રખડવા જઇએ. હુ તો એન્જોય કરી જ રહી હતી, કારણ કે મને બરાબરની ઠંડી ચડી ગઇ હતી. તે ખુબ જ જડપથી બાઇક ચલાવીને નીલકંઠ હોટેલ પહોંચાડી.

રૂમ તો મળી ગયો પણ કપડા..?

તે કહ્યુ એમ હુ બાજુના રૂમ નંબર ૧૦૩ માં ગઇ રાતના એક વાગે કોઇનુ બારણુ ખખડાવવુ મને ખુબ અઘરૂ લાગ્યુ. એક ચાલીસ વર્ષના અંકલે દરવાજો ઉઘાડ્યો. પણ કપડા તો ઉધાર માંગવાના જ હતા. અંકલ હુ અને મારો ફીયોન્સ બન્ને વરસાદમાં પલળી ગયા છીએ અને અમારી સાથે બીજા કપડા નથી શું તમારી પાસે એક્સ્ટ્રા પેન્ટ હોય તો આપશો? અંકલની આંખો જોવા જેવી પહોળી હતી. એમને કોઇ છોકરીને આવી રીતે હેલ્પ માંગતા ચોક્કસ નહિ જોઇ હોય. અંકલે એમના વાઇફ ને જગાડ્યા. એમના વાઇફે અંકલના બે જોડી કપડા ખુબ જ પ્રેમથી આપ્યા અને ગમે ત્યારે આપવા કહ્યુ.

મેં આપડા રૂમમાં આવીને તારી સામે કપડાનો ઢગલો કર્યો.

‘ઓય્ય, આટલા બધા કપડા ક્યાંથી લઇ આવી.’, તે જાણે એવી રીતે પુછ્યુ કે હુ કંઇક બવ મોટુ કામ કરી આવી હોવ. પણ અત્યારે તો આ મોટું જ કામ હતુ.

‘આ સાઇઝ તને થઇ રહેશે?’, તે બ્લેક કલરનુ ફોર્મલ પેન્ટ ઉંચુ કરીને હસતા હસતા કહ્યુ,

‘અરે થઇ જશે..! તને તો આ કપડા ફીટ થઇ જશે ને..?’, મેં તને ફન્ફર્મ કરવા માટે પુછ્યુ.

‘આ કપડા મારા જ માટે બન્યા છે.’ તે કહ્યુ અને હસવા લાગ્યો.

‘ઓકે હુ ચેન્જ કરી આવુ!’, મેં કહ્યુ અને હુ ચેન્જ કરવા માટે બાથરૂમમાં ગઇ. અંકલનુ ૩૪ ની સાઇઝનુ પેન્ટ અને મારી ૨૮ સાઇઝની કમર કોઇ રીતે મેળ પડે એમ ન્હોતો. અંતે મેં અંકલનુ જ પેન્ટ પહેર્યુ. મારા પાયઝામાંનુ નાડુ મેં પેન્ટના બેલ્ટ તરીકે યુઝ કર્યુ. મેં મારા અને તારા બન્નેના કપડા સુકવવા માટે ટેબલ પર ફેલાવી દીધા. હવે હુ બવ રીલેક્સ ફીલ કરી રહી હતી. રાતના અઢી વાગી ગ્યા હતા. ઉંઘ પણ એટલી જ આવી રહી હતી. પણ આપણે બન્નેને એક બેડમાં સુવાનુ હતુ.

‘યુ આર સેફ..!’, હુ તારી સામે પ્રશ્ન વાળુ મોંઢુ લઇને ઉભી હતી એટલે તે કહ્યુ, એનો મતલબ એવો હતો કે તુ મારી બાજુમાં કોઇ ચિંતા વિના ઉંઘી શકે છે.

‘ઓકે..!’, મેં કહ્યુ આપડે બન્ને એ ડબલ બેડનો એક જ બ્લેંકેટ ઓઢવાનો હતો અને હુ ખુબ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.

‘તને મારા તરફ કોઇ ફીલીંગ્સ છે..?’, તે કહ્યુ અને હુ ચોકી ગઇ. મારા ત્યારના વિચારો ખુબ હલકા હતા. છોકરાઓ મોકો જોઇને જ આવુ કરતા હશે. મને એવુ લાગ્યુ હતુ કે જો હુ હા પાડી દવ તો તને મારી સાથે એક રાત મળશે. એવુ માનીને તે કહ્યુ હશે.

‘એટલે તુ કહેવા શું માંગે છે?’, મેં ગુસ્સા સાથે કહ્યુ.

‘કુલ..ડાઉન. હુ જસ્ટ પુછી રહ્યો છુ. વી આર ફ્રેન્ડ્‌સ એન્ડ વી કેન શેર ફીલીંગ્સ. એવુ કંઇ જ નથી જેના લીધે તને ગુસ્સો આવ્યો છે.’, તે મને શાંત પાડતા કહ્યુ કહ્યુ.

‘જો આકાશ હુ એવી છોકરી નથી. કે કોઇ અજાણ્યા સાથે સુઇ જાવ. મેં તારા પર ભરોસો કર્યો છે. આપણા બન્ને વચ્ચે એવુ કંઇ જ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ્‌સ.’, બસ એ દિવસથી આપડા આ એબનોર્મલ રીલેશનનુ નામ પડી ગયુ ફ્રેન્ડશીપ. હુ હજુ સમજી નથી શકી કે આપડી ફ્રેન્ડશીપ આટલી સ્ટ્રોંગ કેમ છે?

‘પ્લીઝ કોઇને ના કહેતો કે આપડે બન્ને હોટેલમાં ગ્યા’તા લોકો ઉંધુ સમજશે.’, હુ ટેન્શનમાં હતી એટલે મેં તને કહ્યુ.

‘તુ મારા પર પુરો વિશ્વાસ કરી શકે..! આ રાત તારા અને મારા વચ્ચે જ રહેશે.’, તે કહ્યુ અને બન્નેએ પડખા ફેરવી લીધા.

મને એમ લાગ્યુ હતુ કે હુ કંઇક ન બોલવાનુ બોલી છુ. હુ એ દિવસે ચાર વાગ્યા સુધી બળતી રહી હતી.’’ આ સ્ટોરી કહેતા કહેતા આકર્ષીની આંખમાંથી ઓલમોસ્ટ આંસુઓ આવી ગ્યા હતા.

આકાશ ની આંખો પણ કંઇ સુકી નહોતી. એ પણ ભીની થઇ ચુકી હતી.

‘તને ખબર છે..? આપડી પ્રોબ્લેમ શું છે?’, આકાશે ખુબ ફ્‌લેટ અવાજે કહ્યુ.

‘શુ..?’, આકર્ષીએ પુછ્યુ.

‘આપડે બન્ને એકબીજાને પુરેપુરા જાણીએ છીએ. આ પાંચ વર્ષમાં બન્ને એ એકબીજાથી કંઇ જ નથી છુપાવ્યુ. છતા આપડે એન્જોય કરી શકીએ છીએ. એ દિવસે આપડે બન્ને એકબીજાથી અટ્રેક્ટેડ હતા કારણ કે તુ મારા વિશે વધારે નહોતી જાણતી અને હુ તારા વિશે. પણ અત્યારે આપડે બન્ને એકબીજાને જાણીએ છીએ અને તુ અને દર્શ એકબીજાને જાણતા નથી એટલે જ તુ એના પ્રેમમાં કે અટ્રેક્શનમાં છો.’

‘દર્શને વચ્ચે લાવમાં, હુ એને પ્રેમ કરૂ છુ અને મને એના પર પુરેપુરો વિશ્વાસ છે.’, આકર્ષીએ થોડુ ઉશ્કેરાઇને કહ્યુ.

‘પણ એને તારા પર વિશ્વાસ છે..? વિશ્વાસ હોત તો એ તારા પર આવા બંધનો નો ટોપલો ના ચડાવત.’, આકાશે ખુબ જ શાંતીથી કહ્યુ.

‘ઇનફ આકાશ. તને યાદ છે મેં શું કહ્યુ હતુ ? આ આપડો છેલ્લો કોલ છે. ’ આકર્ષી થોડી વધારે ઉશ્કેરાણી.

‘તુ તારી આદતો બદલી શકીશ, તારો ફ્રેન્ક સ્વભાવ નહિ. તુ પછતાઇશ આકર્ષી. તારૂ ફ્‌યુચર પ્લાનીંગ, ણઘષ્ માં કામ કરવાનુ સપનુ બધુ જ રોળાઇ જશે. શું તુ એક છોકરા માટે તારો પેશન છોડી દઇશ..?’, આકાશે ખુબ શાંતીથી સમજાવતા કહ્યુ.

‘મારા માટે દર્શ જ બધુ છે. મારે એના સિવાય કંઇ જ નથી જોઇતુ.’, આકર્ષીએ એકદમ નિશ્ચિત સ્વરમાં કહ્યુ.

‘ધેન બી હેપ્પી. ટેક વાઇઝ એન્ડ ગુડ ડીસીઝન્સ!! ઓલવેઝ વીથ યુ. ફ્રેન્ડ્‌સ ફોરએવર. ક્યારેય પણ તને લાગે કે આકાશ સાથે વાત કરવી છે. યુ આર વેલકમ..!’

‘થેંક્સ!’, આકર્ષીએ કહ્યુ.

‘હજુ એક વાર કહુ છુ, આકર્ષી. તુ પછતાઇશ.’, આકાશે ખુબ શાંત અને ગંભીર સ્વરે કહ્યુ.

‘દર્શ માટે મને પછતાવો પણ મંજુર છે. પ્લીઝ નેવર કોલ મી અગેઇન’, આકર્ષીએ ખુબ રૂડ બનીને કહ્યુ.

‘આટલી રૂડતા મેં તારા અવાજમાં ક્યારેય નથી સાંભળી, જે માણસ પ્રેમમાં હોય એ તો પ્રેમથી વાતો કરે..’, આકાશે ફરી એજ ગંભીરતાથી કહ્યુ.

‘આકાશ મને તારા ભાષણો નથી સાંભળવા. હવે હુ વાત નહિ કરી શકુ..! જો તુ ફોન નહિ મુકે તોહુ કટ કરી નાખીશ.’, આકર્ષીએ ઇરીટેશન સાથે કહ્યુ.

‘આકર્ષી તારો નેચર!!!!’, આકાશે કહ્યુ અને સામેથી આકર્ષીએ કોલ કટ કરી નાખ્યો. આકાશે એના ચહેરા પર કોઇ જ એક્સ્પ્રેશન લાવ્યા વિના એના મોબાઇલનુ કોન્ટેક્ટ લીસ્ટ ખોલ્યુ. આકર્ષીનુ નામ સર્ચ કર્યુ. આકર્ષીનો કોન્ટેક્ટ સીલેક્ટ કર્યો અને ડીલીટ બટન દબાવી દીધુ.

પાર્ટ - ૪

--- પાંચ વર્ષ પછી ----

એક વિશાળ ક્ન્વેશન હોલમાં એક હજારથી વધારે યંગસ્ટર્સ બેસેલા હતા. સ્ટેજ પરની બ્યુટીફુલ સંચાલક લેડી માઇક હાથમાં લઇને બોલી, ‘હુ માત્ર એક નામ જ આપીશ, કારણ કે આપણે જેને પ્રેમ કરતા હોઇએ એનો પરિચય આપવાની જરૂર નથી હોતી. પ્લીઝ ગીવ અ બીગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર મીસ્ટર.! આકાશ પટેલ’

સ્ટેજ પરની વચ્ચેની ચેઇર પરથી ઉભો થઇને એક ફ્રેન્ચ કટ દાઢી, હેન્કી ફેન્કી હેઇર સ્ટાઇલ, જીન્સ એન્ડ બ્લુ ચે ગુએરા ના પીક્ચર વાળુ ટી શર્ટ પહેરેલ આશરે ૨૭ વર્ષની ઉંમરનો એક યુવાન માઇક પાસે આવ્યો. એની ચાલવાની સ્ટાઇલ જાણે ધરતી ધ્રુજાવતી હોય એવી હતી. એના બાવડા મજબુત અને શરીરનો બાંધો કોઇ પ્રોફેશનલ મોડેલ જેવો હતો, સાથે એના કપાળ પર તેજ પણ હતુ. બધા જ છોકરા છોકરીઓ આ યુવાનનો અવાજ સાંભળવા માટે એકદમ શાંત થઇ ગયા. આકાશ પટેલ નામના આ ગેસ્ટ સ્પીકરે માઇક હાથમાં લીધુ.

‘ફર્સ્ટ ઓફ ઓલ હેપ્પી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ ઓફ યુ!! આજે ફ્રેન્ડશીપ ડે હોવા છતા તમે લોકો આટલી સંખ્યામાં અહિં આવ્યા, આઇ એમ વેરી થેંકફુલ ટુ યુ. હુ એવુ માનુ છુ કે તમે ચોક્ક્‌સ આજનો દિવસ અહિંની બધી જ ઇવેન્ટ્‌સમાં એન્જોય કર્યો હશે. આજે મારે તમને કોઇ જ લાંબુ બોરીંગ ભાષણ નથી આપવુ. બસ મારે તમે અહિં જે કારણે છો એ કારણ વિશેની વાતો શેર કરવી છે. મારે કંઇક કનફેસ કરવુ છે. કારણ કે તમે અહિં ફ્રેન્ડશીપ ના કારણે જ છો. મારે તમને ‘હગ્સ’ ફાઉન્ડેશન એટલે કે આપણા ણઘષ્ ની શરૂઆત કેવી રીતે થઇ એની સાચી સ્ટોરી કહેવી છે. જે આજ સુધી મેં કોઇને પણ નથી કહી. ધીઝ ઇઝ સ્ટોરી ઓફ હગ્સ, ધીઝ ઇઝ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ!!’, આકાશ પટેલે સ્પીકર ડેસ્ક પરથી એમના માટે જ સ્પેશીયલી રાખેલા રેડબુલ ટીન માંથી એક ઘુંટ ભર્યો.

‘હુ કોલેજના પહેલા વર્ષમાં હતો, ખુબ જ ધમાલીયો. લાઇફમાં કોઇ જ લક્ષ્ય નહિ, હુ એવુ જ માનતો હતો કે ધીઝ ઇઝ ધ મોમેન્ટ જસ્ટ લીવ ઇટ..!! ડોન્ટ થીંક ઓફ ફ્‌યુચર હજુ એવુ જ માનુ છુ પણ હવે મારી પાસે મુસાફરી કરવા માટે રસ્તો છે, એ છે ‘હગ્સ’. કોલેજના ફર્સ્ટ યરમાં મારી પાસે ‘હગ્સ’ નામની કોઇ ચીજ નહોતી. માર ફ્રેન્ડ્‌સ પણ એટલા તોફાની અને ધમાલીયા કે એકવાર કોલેજના પ્રિન્સીપાલની સીટ નીચે અમે બાવળના મોટા મોટા ચાર કાંટા મુકી આવ્યા હતા. હા છછટશ્વ કેમેરાને લીધે અમે પકડાઇ પણ ગયા હતા અને અમારી સારી ધોલાઇ પણ કરવામાં આવી હતી. બસ આવો જ અમારો નેચર. ક્લાસમાં લેક્ચરર્સ ને ચીડવવા કે કોમેન્ટ પાસ કરવી એ અમારો રોજનો ધંધો હતો. પણ હવે ની સ્ટોરી ઇન્ટેરેસ્ટીંગ છે. એ દિવસે અમે અવળચંડી વેજા કોઇક નખરા કરવાનુ વિચારી રહ્યા હતા. મેં મારા બે ફ્રેન્ડ્‌સ ને મારી બે ક્લાસમેટ્‌સ અને ફ્રેન્ડ્‌સ ને બોલાવીને મારા પ્લાન વિશે કહ્યુ. અમે પ્રેંક શુટ કરવા માંગતા હતા. તો પ્લાન પ્રમાણે મેં કોસ્ચ્યુમ પહેર્યા. મેં વ્હાઇટ ટ્રેડીશનલ કુર્તુ પહેર્યુ હતુ. મારા ખીસ્સાની જગ્યા પર એક ગુલાબ લટકાવેલુ હતુ. અમારા પ્રેંક નુ લોકેશન હતુ લાઇબ્રેરી પાસેનુ ઝેરોક્ષ સેન્ટર. અમે પ્રેંક માટે એક છોકરીને શોધી રહ્યા હતા. ત્યાંજ મેં એક ટ્રેડીશનલ અને વેસ્ટર્નનુ ફ્‌યુઝન કરેલા કપડા પહેરેલી એક છોકરી જોઇ. એના ચહેરા પરથી એ ખુબ જ ટેન્શનમાં લાગી રહી હતી. એના હાથમાં બુક્સ હતી. એ બુક્સની ઝેરોક્ષ કરાવવા માટે જ જઇ રહી હતી. અમે લોકોએ નક્કિ કર્યુ કે આ છોકરી સાથે જ પ્રેંક કરવો. હુ એ છોકરીની પાછળ ઝેરોક્ષની લાઇનમાં ઉભો રહી ગયો. મારા એક બીજા હાથમાં રેડ રોઝ હતુ. થોડી વાર પછી મેં એ છોકરીના ખભા પર હાથ મુક્યો. મારા ફ્રેન્ડ્‌સ બધુ શુટ કરી રહ્યા હતા. ‘બહાર આવને’ મેં એને લાઇનમાંથી નીકળીને બહાર આવવા માટે કહ્યુ. અમારો પ્લાન આ છોકરીને પ્રપોઝ કરીને એની સાથે પ્રેંક કરવાનો હતો. એ છોકરી ઝેરોક્ષ સેન્ટરમાંથી ચ્હાની ગંડેરી સાથે બહાર આવી. એ મારી પાસે આવી ને ઉભી રહી ગઇ.

‘મારે એક બવ ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે’, મેં સ્ક્રીપ્ટ પ્રમાણે કહ્યુ. એણે તરત જ મારા વ્હાઇટ કુર્તા પર ચ્હા ફેંકી. ‘પણ સાંભળો તો ખરા.’ મેં એ છોકરીને રોકવાની કોશીશ કરી, પણ એણે બોલવાનુ શરૂ કર્યુ. ‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું, કોલેજની જે છોકરી મળે એને પ્રપોઝ જ કરી દેવાનુ?’ એણે સેન્ડલ ઉતાર્યા. અમારે જેવો સીન જોઇતો હતો એ બની રહ્યો હતો. શુટીંગ બરાબર ચાલી રહ્યુ હતુ. ઘણા છોકરા છોકરીઓ આસપાસ ભેગા થઇ ગયા હતા. એ છોકરીએ સેન્ડલ ઉતાર્યા એટલે તરત જ મેં મારા ફ્રેન્ડ્‌સને ઇશારો કર્યો અને એ લોકો કેમેરા સાથે દોડી આવ્યા. એ છોકરીને ખ્યાલ તો આવી ગ્યો હતો કે અમે એની સાથે પ્રેંક કર્યો છે. અમે એને સમજાવવા માટે કેન્ટીનમાં લઇ ગયા. હુ કંઇ સમજાવવા જાવ એ પહેલા મારી ક્લાસમેટ દ્રષ્ટી એ કંઇક નવુ જ ચાલુ કર્યુ. જે હુ પણ પહેલી વાર જ સાંભળી રહ્યો હતો. દ્રષ્ટી એ છોકરીને સમજાવવા લાગી,

‘અમે હમણા જ એક ણઘષ્ માં જોઇન થયા છીએ. અમે કોલેજના ટોપર્સને ણઘષ્ માં જોડાવા માટે ગુલાબ આપીને રીકવેસ્ટ કરી રહ્યા છીએ, સાથે ણઘષ્ વાળા એમના બ્રાન્ડીંગ માટે વિડીયો બનાવવા માંગે છે એટલે એ લોકો શુટીંગ પણ કરી રહ્યા હતા, જેથી સ્ટુડન્ટ્‌સ ના રીએક્શન પણ જાણી શકાય.’, મને ખબર પડી ગઇ આ લોકોનો ઇરાદો ડબલ પ્રેંક કરવાનો છે. એ છોકરી ણઘષ્ નુ નામ પુછી રહી હતી. કેન્ટીનની એક દિવાલ પર એક છોકરો છોકરી ગળે મળી રહેલા હોય અને નીચે ફ્રેન્ડ્‌સ ફોરેવર લખેલો ફોટો ચીપકાવેલો હતો. મેં વિચાર્યુ ફ્રેન્ડ્‌સ! પણ ણઘષ્ ના નામ આવા ના હોય. એના નામ માં થોડુ સેન્ટી પણુ હોવુ જોઇએ, ‘હગ્સ’ મારા મોં માથી નીકળી ગયુ. એ દિવસ એટલે ૨૬ જુલાઇ ‘હગ્સ’ નો ફાઉન્ડેશન ડે. અને હુ છુ ‘હગ્સ’ નો ફાઉન્ડર, આ વાત હુ પહેલી વાર જાહેરમાં કહી રહ્યો છુ.’, ચારે તરફ બધા ગણગણવા લાગ્યા. બધા યંગસ્ટર્સે આકાશને તાળીઓથી વધાવી લીધો.

હવે ‘હગ્સ’ ની શરૂઆર ફ્રેન્ડશીપના કારણે કઇ રીતે થઇ એની સ્ટોરી ખુબ જ ટુંકમાં કહીશ. એ છોકરીને અમે ઉલ્લુ તો બનાવી દીધી હતી. એ અમારા બનાવટી ણઘષ્ માં જોડાવા તૈયાર પણ થઇ ગઇ. પણ હંમેશા એને ઉલ્લુ તો બનાવીને ન જ રખાય. એટલે મેં એ દિવએ એ છોકરીને ડીનર માટે ઇન્વાઇટ કરી અને ત્યાં સાચી વાત કહેવાનુ નક્કિ કર્યુ. એ દિવસે હુ જાણી જોઇને ફોર્મલ કપડા પહેરીને ગયો જેથી એની સામે થોડીક સારી ઇમ્પ્રેશન પડે! અને કદાચ એ થોડોક ઓછો ગુસ્સો કરે. પણ એ દિવસ અલગ જ હતો. એ રેસ્ટોરન્ટમાં એન્ટર થઇ ત્યારથી મારી નર્વસનેસ વધતી ગઇ. વરસાદના કારણે એ પલળેલી હતી, મારાથી એ બ્યુટીફુલ લેડીને જોઇને ના રહેવાયુ એટલે મેં કોમ્પ્લીમેન્ટ આપવાનુ શરૂ કર્યુ. એણે પણ એ દિવસે મારી સાથે ઘણી વાતો શેર કરી. અમે એ રેસ્ટોરન્ટમાં તો ના જમ્યા પણ વરસાદમાં અમે ચાલીને ભીજીયા ખાવા માટે ગયા. એ મને એક સારો ફ્રેન્ડ માનવા લાગી હતી. કેન્ટીનમાં એણે એના ફ્‌યુચર પ્લાન્સ કહ્યા હતા, એમાં એનો પ્લાન ફ્‌યુચર માં ણઘષ્ સાથે ફુલટાઇમ કરવાનો હતો. હવે એની આ બધી વાતો મને નર્વસ કરી રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ અમારી વચ્ચેની ફ્રેન્ડશીપ વધારે સ્ટ્રોંગ બનતી ગઇ. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એ રાતે સાચુ કહેવાની મારી હિમ્મત મરતી ગઇ. એ દિવસે જ્યારે છુટો પડ્યો ત્યારે એઝ અ ગુડ ફ્રેન્ડ શી ગહ મી. મને વિશ્વાસ આવી ગ્યો હતો કે હવે હુ આ છોકરીને કોઇ દિવસ સાચુ નહિ કહી શકુ. કારણ કે આપણા ‘હગ્સ’ ની આ પહેલી હગ હતી એ દિવસે મેં કોઇને વિશ્વાસ આપ્યો હતો. કોઇને વિશ્વાસ કરવાનુ કારણ આપ્યુ હતુ. એ ભરોસાનુ પરિણામ એટલે આપણુ ‘હગ્સ’. કોઇના વિશ્વાસને ટકાવવા માટે કોઇ પણ હદ પાર કરી નાખજો. કારણ કે આવા ફ્રેન્ડ્‌સ લાઇફમાં એક જ વાર મળતા હોય છે. આ ટાઇમ એટલે કે કોલેજ ટાઇમમાં જે ફ્રેન્ડ્‌સ મળતા હોય છે એમને તમારા પાસેથી કોઇ સ્વાર્થ નથી હોતો, એમની જસ્ટ એક જ વીશ હોય છે, એક બીજાના ચહેરા પરની સ્માઇલ બરકરાર રહે. બાકી કોલેજ પછી ઘણા ફ્રેન્ડ્‌સ મળશે. જે એમના કામથી કામ રાખતા હશે. એ દિવસે એની ફ્રેન્ડશીપ મારા માટે બંધન બની ગઇ હતી. એ જ રાતે બીજુ ઘણુ બધુ બન્યુ હતુ. એ કહેવાનો ટાઇમ પણ નથી અને થોડુ પર્સનલ પણ છે.

હુ ખુબ ખુશ છુ કે હગ્સની શરૂઆતનુ કારણ મિત્રતા છે. ક્યારેક એક ફ્રેન્ડ તમારી આખી લાઇફ બદલી શકે એનુ મોટુ ઉદાહરણ તમારી સામે જ છે. પણ હગ્સ ની શરૂઆત આ અસત્ય અને જુઠ થી થઇ હતી. મારૂ એવુ માનવુ છે કે જો કોઇ જુઠથી કોઇનુ ભલુ થતુ હોય તો એ જુઠ છે જ નહિ. બીજા દિવસની શરૂઆત થઇ ત્યાં સુધીમાં તો મેં નક્કિ કરી લીધુ હતુ કે હુ ‘હગ્સ’ નામનુ ણઘષ્ ચાલુ કરૂ. માત્ર અને માત્ર એ છોકરીની ફ્રેન્ડશીપના કારણે. એના વિશ્વાસના કારણે. એના વિશ્વાસે મારામાં પેશન ભરી દીધો હતો. એ દિવસે એ છોકરી મને એમ કહી રહી હતી કે અમારા લીધે એને ફ્‌યુચરમાં શુ કરવુ એની ખબર પડી હતી. પણ ખરેખર તો ઉલટુ થયુ હતુ એ દિવસે મને કોઇક દિશા મળી હતી. મારે લાઇફ માં શું કરવુ એની મને પણ ખબર પડી હતી. અને દોસ્તો તમને ખબર પડે કે તમે શેના માટે બન્યા છો એટલે તમે પણ રાહ ના જોતા, એ રસ્તે ચાલી પડજો. મેં બીજા જ દિવસે ણઘષ્ શરૂ કરવા માટે શું કરવુ પડે એ બધુ રીસર્ચ કર્યુ. મેં બીજે દિવસે જ ‘હગ્સ’ નો આ લોગો ડીઝાઇન કર્યો અને ત્રણ દિવસમાં કોલેજમાંથી ૫૦૦ થી વધારે વોલન્ટીઅર તૈયાર કર્યા, બીજા બે દિવસમાં હુ સ્પોન્સરો ને મળ્યો અને મારા આઇડીયા વિશે કહ્યુ. હુ લકી હતો કે મને સ્પોન્સરો પણ મળી ગયા અને સ્પોન્સરો મળ્યા બાદ મેં ણઘષ્ રજીસ્ટર્ડ કરાવ્યુ. આ કરવાની તાકાત અને પેશન મને એ છોકરી સાથેની ફ્રેન્ડશીપના કારણે જ આવ્યો હતો. એન્ડ ધીઝ ઇઝ યોર હગ્સ!

અત્યાર સુધી મેં હગ્સની સ્થાપ્ના મેં કરી છે, એવુ કહ્યુ જ નથી. ન તો મેં સ્થાપના કંઇ રીતે થઇ એની સ્ટોરી કહી હતી. એના પાછળનુ એક જ કારણ હતુ હુ મારી પેલી બેસ્ટ ફ્રેન્ડને ગુમાવવા ન્હોતો માંગતો. હુ એ ફ્રેન્ડશીપને ગુમાવવા ન્હોતો માંગતો જેણે મને બધુ જ આપ્યુ છે. પણ હવે એ એની એક અલગ જ દુનિયામાં છે. એ મારી લાઇફમાં નથી એટલે એની સાથે, એ ફ્રેન્ડશીપ સાથે, ડર પણ ચાલ્યો ગયો. માફ કરજો યાર!! મેં તમને કદી ખોટુ તો નથી કહ્યુ પણ તમારાથી ઘણુ છુપાવ્યુ છે. સો ધીઝ ઇઝ સ્ટોરી ઓફ ‘હગ્સ’ ઇટ્‌સ ઓન્લી એન્ડ ઓન્લી બીકોઝ ઓફ ફ્રેન્ડશીપ.’’ આકાશ બોલતો બોલતો થોભ્યો એટલે ક્ન્વેન્શન હોલ તાળીઓથી ગુંજવા લાગ્યો. આકાશની આંખો આંસુઓથી ભરાઇ આવી હતી. ફરી રેડબુલનો એક ઘુંટડો મારીને આકાશે બોલવાનુ શરૂ કર્યુ.

‘આજે ફ્રેન્ડશીપ ડે છે. તમારા માંના મોસ્ટ ઓફ કોલેજ કરતા હશો. લોકો ફીલોસોફી જાડતા રહેતા હશે કે આ યંગસ્ટર્સ વર્ષમાં એક વાર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ નેએક્સપ્રેસ કરે છે. પણ એ લોકોને જવાબ ના આપો. કારણ કે તમને ખબર છે, તમારા માટે એ ફ્રેન્ડશીપની શું વેલ્યુ છે. ફ્રેન્ડશીપ હંમેશા બન્ને બાજુ કામ કરતી હોય છે. જેવી રીતે ૨૬ જુલાઇ ના દિવસે પેલી છોકરી અને મને બન્ને ને પોતપોતાની લાઇફના રસ્તાઓ મળી ગયા હતા, જે ફ્રેન્ડશીપના કારણે જ મળ્યા હતા એવુ હું માનુ છુ. ધીઝ ઇઝ દ ટાઇમ! મેક મેમરીઝ.! કોલેજમાં લેક્ચરર્સને હેરાન કરો, લેક્ચર બંક મારો, છોકરીઓને ચીડવો, એકબીજા સાથે વોટ્‌સએપ પર ચેટ કરતા કરતા ફ્‌લર્ટ કરો, બવ બધી સર પ્રાઇઝ આપો, ક્યારેક એકબીજા સાથે જઘડો કરો, પણ એ જઘડાને તમારા ઇગોના લીધે લાંબો ના ટકવા દો, ઇગો ને સાઇડમાં મુકીને પાછા એ જ ફ્રેન્ડને મનાવવા જાવ, ઇગો એ ફ્રેન્ડશીપનો દુશ્મન છે. એની સામે હારો નહિ.

ફ્રેન્ડ્‌સ, લવમાં ઇગ્નોરન્સ હોઇ શકે, બટ ફ્રેન્ડશીપમાં કોઇ દિવસ ઇગ્નોરન્સ હોય જ નહિ. જો તમને એમ લાગે કે કોઇ વ્યક્તિ તમને ઇગ્નોર કરી રહી છે અને તમે એવુ માનતા હો કે એ તમારો/તમારી ફ્રેન્ડ છે, તો એ તમારો વ્હેમ છે. ફ્રેન્ડશીપ એટલે એવી મુલાકાત જેમાં એકબીજાના ચહેરા પર સ્માઇલ આવી જાય, મુશ્કેલીના સમયમાં બોલ્યા વિના માથાને ટેકો રાખવા ખભો આવી જાય. ફ્રેન્ડશીપમાં એ મેસેજ કરે તો જ હુ મેસેજ કરૂ અથવા એ કોલ કરે તો જ હુ કોલ કરૂ એવો વાદ હોતો જ નથી, આવા વિચારો પાછળ ઇગો નો હાથ હોય છે. ફ્રેન્ડશીપમાં તો ‘‘ઓય્ય..! તને ભાન નથી પડતી આવવાની, એક કલાકથી રાહ જોઇએ છીએ એમ કહીને’’ ધબ્બો મારી લેવાનો હોય. ક્યારેક બહેન પણીના વાળા ખેંચવાના હોય તો ક્યારેક કોઇ છોકરીના વાળના વખાણ કરીને એને ચણાના ઝાડ પર ચડાવવાની મજા પણ લેવાની હોય. તો અત્યારે તમારી પાસે આ દિવસો છે. ટેક મેક્સીમમ રીસ્ક એન્ડ એન્જોય યોર ડેઝ!! બટ મારૂ એક સજેશન! કોઇ દિવસ તમારા લવ કે બોયફ્રેન્ડ ને કારણે તમારી ફ્રેન્ડશીપને ના તોડતા! કારણ કે આવુ થાય છે ત્યારે ફ્રેન્ડશીપની સાથે એ ફ્રેન્ડ પણ ભડકે બળતો હોય છે. હેપ્પી ફ્રેન્ડશીપ ડે!!’ આકાશે એની સ્પીચ પુરી કરી. બધા યંગસ્ટર્સે સ્ટેન્ડીંગ અવેશન આપ્યુ, આકાશની આંખો તો ક્યારનીય સ્મૃતીઓથી ભીની થઇ ચુકી હતી. બધા આકાશને સુંદર સ્પીચ બદલ કોન્ગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા હતા.

પાંચ વર્ષમાં આકાશમાં ઘણો ચેન્જ આવી ગ્યો હતો, એની મેચ્યોરીટી વધી ગઇ હતી. એના લુકથી લઇને વાત કરવાની સ્ટાઇલ બધુ જ બદલાઇ ગયુ હતુ. સમય બધા જ ઘાવ ને રૂંજવી નાખતો હોય છે. પણ એ ઘાવનુ નીશાન તો રહી જ જતુ હોય છે. આકર્ષી નામનુ એ નીશાન હજુ આકાશના હ્‌રદય પર અંકિત થઇ ગયુ હતુ. પાંચ વર્ષમાં એણે બધુ મેળવી લીધુ હતુ.

પૈસાથી માંડીને ફેમ એની પાસે બધુ જ હતુ. બધા છોકરા છોકરીઓ આકાશનો ઓટોગ્રાફ લેવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા. એક છોકરીએ આકાશને પુછ્યુ કે, ‘સર તમારી ફ્રેન્ડનુ નામ કહી શકો..?’, પણ આકાશે સવાલ ને સાંભળ્યો જ ના હોય એ રીતે સ્મિત ફેંકીને ટાળી દીધો.

‘તમે છોકરાઓ તમારી જાતને સમજો છો શું? અમારે તમારો ઓટોગ્રાફ લેવા માટે આટલા ધક્કા ખાવા પડશે?’, હાથમાં લાલ રંગના કાચના કંગણ પહેરેલ એક હાથ ભીડમાંથી અંદર આવ્યો. આકાશ બેબાકળો બની ગયો, હાંફળો ફાંફળો થઇ ગયો, એનુ હાર્ટ જોર જોરથી અંદરથી ધક્કાઓ મારવા લાગ્યુ જાણે એને પણ બહાર આવીને કોઇને જોવાની વર્ષો જુની પ્યાસ લાગી હોય. આ અવાજ ખુબ જ જાણીતો હતો.

‘આગ લગતી હૈ તો દોનો ઔર લગતી હૈ! આંસુ બહતે હૈ તો દૌનો ઔર બહતે હૈ! દિલ તડપતા હૈ તો દૌનો ઔર તડપતા હૈ. ઠીક હૈ હમ થોડે ઝીદ્દી થે, પર યાદે આતી હૈ તો દોનો કો ભીગોતી હૈ.’, એક બેંગોલી કલરફુલ સાડી પહેરેલ યંગ ખુબસુરત વુમન પોતાનો હાથ લંબાવતી આકાશની આસપાસ બનેલા ટોળામાં ઘુસી અને બોલી. એની આંખો લાલ અને ભીની થઇ ચુકેલ હતી. એના ચહેરો એવી રીતે સ્પંદન કરી રહ્યો હતો કે જો આકાશ કંઇ પણ બોલશે તો એ રડી પડશે. એની આંખો કેટ કેટલુ બોલવા માટે થનગની રહી હતી. આકાશ આ ચહેરાને જોઇ જ રહ્યો. એની આંખોને પણ ખબર નહોતી પડી રહી કે શું કરવુ એટલે એણે વહેવાનુ નક્કિ કર્યુ. એ સ્ત્રી એમ જ ઉભી રહી. પણ પાંચેક સેકન્ડમાં એની આંખોમાંથી આંસુ નીકળીને એ સ્ત્રીના ગોરા ગાલ પર આવીને રમવા લાગ્યા. આકાશની નજર સામે આ આંસુને જોઇને રેસ્ટોરન્ટ વાળી પેલી છોકરીના ગાલ પર આવેલા પાણીના ટીપાવાળો ચહેરો યાદ આવી ગયો.

‘હમ કો તો જલાયા હૈ, યાદોને, બરસતી રાતો ને ઔર એક એક સાંસોને! હમકો નહિ પતા આપ કીસ તરહ જી રહે થે, પર હમકો તો મારા હૈ ઇસ યારીને.’, આકાશ વધુ બોલી ના શક્યો, એણે પેલી સ્ત્રીને પોતાની બાહોંમાં જકડી લીધી. આકાશ એ સ્ત્રીને એવી રીતે ભેટી પડ્યો કે જાણે બન્ને હમણા જ પીગળીને એક બની જશે.

‘આકર્ષી!!’, આકાશ રડતો રડતો એક જ શબ્દ બોલી રહ્યો હતો. એવુ લાગી રહ્યુ હતુ કે આકર્ષી હવે આ બાહોં માંથી ક્યારેય નહિ છુટી શકે.

‘આકાશ!!’ આકર્ષીએ પણ આકાશને એવી રીતે પકડ્યો હતો કે જાણે એને ડર હોય કે આકાશને ક્યાંક કોઇ છીનવી ના જાય, એની આંખોમાંથી પણ આંસુઓ વહી જ રહ્યા હતા.

બન્ને કેટલીય સેકન્ડો સુધી એકબીજાને એકબીજાની બાહોંમાં મસળતા રહ્યા. બન્નેની ખુશીઓનો કોઇ જ પાર ન્હોતો. બેમાંથી કોઇ જ હોશમાં નહોતુ. બન્ને એકબીજાની બાહોમાંથી વહી રહેલા પ્રેમના દરિયામાં ડુબી રહ્યા હતા.

‘બવ વાર લગાડી આકર્ષી!’, બન્ને એકબીજાની બાહોં માંથી છુટ્ટા પડ્યા અને આકાશે કહ્યુ.

‘મારામાં હિમ્મત નહોતી!! મેં તારી સાથે જે કર્યુ એનો પછતાવો મને ભુત બનીને વળગતો રહ્યો છે. હુ ક્યો ચહેરો લઇને તારી પાસે આવત..?’

‘તારા માટે આ ફ્રેન્ડે કોઇ દિવસ દરવાજા બંધ જ નહોતા કર્યા!, આકર્ષી.!!’ ફરી બન્ને એકબીજાને ગળે ભેટી પડ્યા!

‘ક્યાં છે દર્શ?’, આકાશે આકર્ષીના હાથ પકડીને કહ્યુ.

‘તારે જ્યોતીષનો ધંધો ચાલુ કરવાની જરૂર છે. તે કહ્યુ હતુ એમ હુ બવ પછતાઇ છુ. પાંચ વર્ષથી અંદરને અંદર ભડકે બળુ છુ. આજે લાગે છે કે મારા પર વરસાદ થયો..!’, આકર્ષીએ હળવો મિજાજ કરવા કહ્યુ પણ ફરી એ રડી પડી અને આકાશને ભેટી પડી.

‘વરસાદ તો તુ બનીને આવી છો મારા માટે! એક દિવસ એવો નથી ગ્યો કે તારી યાદે મારૂ પેટ ના બાળ્યુ હોય.’

‘સર તમે એકબીજાને પ્રેમ કરો છો?’, ટોળામાંથી એક છોકરીએ પુછી લીધુ.

‘હા, અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પણ અમે બન્ને એકબીજાના ફ્રેન્ડ્‌સ છીએ. એવુ જરૂરી નથી કે તમે જેને પ્રેમ કરો એ જ તમારો લાઇફ પાર્ટનર બને અથવા તો તમે તમારા લાઇફ પાર્ટનરને જ પ્રેમ કરી શકો. બે ફ્રેન્ડ પણ એકબીજાને પ્રેમ કરી શકે.’, આકાશે આકર્ષીના આંસુ લુછતા લુછતા આકર્ષીની આંખોમાં આંખો નાખીને કહ્યુ.

‘સર લ્યો, મીઠુ મોઢુ કરાવવા માટે કોઇ મીઠી વસ્તુ તો હાજર નથી હગ્સના સ્નેકની આ સેન્ડવીચ થી જ મોં મીઠુ કરો..!!’, એ છોકરીએ આપેલી સેન્ડવીચથી બન્ને એ એકબીજાનુ મોં મીઠું કર્યુ. ફરી બન્ને એકબીજાના ગળે મળ્યા. આકાશના હાથ આ વખતે આકર્ષીના વાળમાં હતા અને આકર્ષીના હાથ આકાશના ખભા પર.

‘એ દિવસે તે એમ કહ્યુ હતુ ને કે હુ સેન્ડવીચ બની ગઇ છુ. ના સેન્ડવીચ આજે પુરી થઇ. સેન્ડ્‌વીચની એક બ્રેડ તુ છો, એક બ્રેડ હુ છુ અને વચ્ચે આપણુ ‘‘હગ્સ’’ આપણા ત્રણેય વિના આપણે અધુરા છીએ!!’ આકાશ બોલ્યો.

‘સો લેટ્‌સ ઇટ ધીઝ સેન્ડવીચ!’, આકર્ષીએ આકાશના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા, બન્ને એકબીજાના પ્રેમને માણવામાં મશગુલ થઇ ગયા.

ABOUT THE AUTHOR

હિરેન કવાડ એક ગુજરાતી પેશનેટ લેખક છે. એમણે બેચલર ઓફ એન્જીનીયરીંગ ઇન ઇનફોર્મેશન ટેકનોલોજી કરેલ છે. હાલ એ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર છે. લેખન અને એન્જીનીયરીંગની બાબતે પેશનેટ છે.


Facebook: http://www.facebook.com/ihirenkavad

Twitter: http://www.twitter.com/hirenkavad

Blog: http://hirenkavad.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો