શિવો Gunvant Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવો

શિવો

ડંગોરાથી આગને શિવાએ જરાક સંકોરી એટલે તરત જ ચિતા ભડભડ ભડભડ બળવા માંડી. સ્મશાનની બહાર ચોગરદમ અંધારું હતું. ઈલેકટ્રીસીટી વહેચતું ટ્રાન્સફોર્મર ભોંય પર આડું પડ્યું હોવાથી બધેબધ લાઈટ રિસાઈ હતી. સ્મશાનમાં બળતી લાશોની જ્વાળાઓ આજુબાજુ પ્રકાશ પાથરતી જતી હતી. ક્યાંક ક્યાંક નાના ટમટમીયા દીવાઓ દેખાતા હતા. તો વળી ટોર્ચના અને મોટરકારોની લાઈટના તેજલીસોટા ય ક્યાંક ક્યાંક દેખાતા હતા. ગર્ભશ્રીમંતો અને ધંધાદારીઓ પોતાના બચી ગયેલા જનરેટરને ચાલુ કરવાની પેરવીમાં હતા. આવો ભેંકાર અંધકાર હોવા છતાં ધાધલ ધમાલ અને દોડાદોડી બધેબધ હતાં. જ્યાં જુઓ ત્યાં કણસવાના અવાજ, વેદનાભર્યાં ચિત્કાર, 'બચાવો ...બચાવો ...'ની બૂમો, દોડધામ, નાસભાગ તેમજ કાટમાળ ખસેડવાના જ અવાજો સંભળાતા હતા. તો વળી વચ્ચે વચ્ચે ગેસના સીલીન્ડરો ફાટવાના ધમાકા ભેગી માણસોની ચિચિયારીઓ ય સંભળાઈ જતી હતી. એ બધાની વચ્ચે સરિયામ રસ્તા ઉપર અવરોધોમાંથી માર્ગ કાઢીને જલ્દી દોડી જવા મથતી સરકારી મોટરકારોના અવાજ, ફટફટ કરતા પોલીસના ફટફટિયા તેમજ જીપના અવાજ અને એમ્બ્યુલન્સોના પેં ...પુ ...પેં ...પુ ..નાં અવાજો અમાસની આ ગાઢ અંધારી રાતે પણ પ્રત્યેક ચેતન જીવ જાગૃત હોવાની જાણે ચાડી કરતા હતા. ઘણા બધા જીવોએ એકી સાથે જ કાયમની ચાદર ઓઢી લીધી હતી ...ઘડી એક માં જ તેઓ 'હતા ન હતા થઇ ગયા હતા.

ગુપ્તાજી રામજીને સુચના આપતા હતા, 'વખારે ફરીથી જઈ રહીમચાચાને કહે કે લાકડા ખૂટે છે, કૈક ગોઠવણ કરી આપે. પછી તો મારા ધણીની જેવી ઈચ્છા.' એ સાભળીને રામજીએ તરત જ વખારે જવા સાઈકલ કાઢી અને શિવો વિચારે ચડ્યો .

'રેવા હેમખેમ તો હશેને? ક્યા હશે એ ..? ઘડી ભરમાં જ આ શું થઇ ગયું ?' શિવાના મનમાં સવાલો ઊઠતા હતા. રોજનું રોજ કમાઈને ખાનાર એ સુખી દામ્પત્યની પણ વિધાતાને અદેખાઈ આવી? તે દિવસે સવારે ચા પીને શિવો નિત્યક્રમ મુજબ રહીમચાચાની વખારે જવા નીકળ્યો અને રેવા મજુરી કરવા નીકળી હતી. ત્યારપછી તો જાણે રાતભરની મીઠી ઊંઘ ખેંચીને સવારે તનમાંના બચ્યા ખૂચ્યા થાકને અંગમરોડ દ્વારા બેપરવાઈથી ખંખેરી દઈ તનને સ્ફૂર્તિથી ભરી દેવા માગતી હોય તેવી કોઈ તરૂણીની પેઠે જ ધરતી ડાલમડોલ થવા માંડી હતી ....

ધરતીકંપ બાદ તરત જ શિવો હાંફળોફાંફળો મુકાદમને શોધવા દોડ્યો. કોન્ટ્રાકટરનાં અડીખમ ઊભેલા ઘરને બારણે ય તાળાચંદ હતા. જ્યાં જ્યાં નવા મકાનો બનતા હતા ત્યાં ત્યાં બધે જ શિવો ફરી વળ્યો. 'બચાવો બચાવો 'ની બુમો બધે બધ સંભળાતી હતી. બધે બધ રોક્કળ થતી હતી. કેટલાય લોકો સ્વેચ્છાથી રાહતકાર્યમાં જોડાયા હતા. માનવતાનો આ સાદ હતો. કોનું દિલ મદદે ચડવા ન ઈચ્છે? હજી પણ ધરતીકંપના આંચકાઓ આવી જતા હતા. આખું શહેર લગભગ ધરાશાયી થયું હતું. બચેલો દરેક જીવ પોતાના ખોવાયેલા સ્વજનોને ખોળતો હતો. આજુબાજુના દરેક ચહેરામાં, ચોગરદમ, કાટમાળ તળે, હોસ્પિટલોમાં .... રેવાને શોધતો શોધતો શિવો પણ બધેબધ દોડી વળ્યો. કેટલાયે કલાકો એ રઝળપાટમાં નીકળી ગયા. પરંતુ એની રેવા ના જ મળી. ...અને રેવા આજે કઈ જગ્યાએ કામ કરવા ગઈ હતી એની પણ એને ક્યા જાણ હતી? રેવાને માટે મજુરીનું સ્થળ રોજેરોજનું જુદું જ રહેતું . પેલા કાશીના નાયીની જેમ જ, અડધું મુંડન એકનું કરે, અડધું બીજાનું અને અડધું વળી ત્રીજાનું. પછી જ પાછો પહેલાનો વારો આવે, તેવું જ. કોન્ટ્રાકટરે એકસાથે ચાર પાચ મકાનો બાધવાના કોન્ટ્રાકટ લીધા હોય. બધા જ મજુરીયા એના ઘર આગળ સવારે આવે, એ ભેગી રેવા પણ જાય, અને પછી મુકાદમ તેમને જુદી જુદી જગાએ કામ કરવા લઇ જાય.

રેવાને શોધી શોધીને શિવો થાક્યો, પણ કોન્ટ્રાકર, મુકાદમ કે રેવાનો કોઈ જ પત્તો એને લાગ્યો નહિ. થાકીને લોથપોથ થયેલો અને ભૂખ્યો તરસ્યો શિવો લમણે હાથ દઈ પથ્થરે હજી તો બેસવા જાય ત્યાં જ ધરતીએ ફરીથી ધુણવાનું શરુ કર્યું અને સમતોલન ગુમાવતાં એ ગબડ્યો. એનું માથું કોન્ક્રીટના બ્લોકમાં અફળાયું અને ભાન ગુમાવી એ નીચે પડ્યો.

ઘણીવારે શિવાને ભાન આવતાં એ બેઠો થયો. એનું માથું સખત દુખતું હતું, મગજ ચકરાવે ચડ્યું હતું .આજુબાજુ શોરબકોર, ઘોંઘાટ, કણસવાનાં અવાજ, સરકારી મોટર ગાડીઓના અવાજ અને પડુંપડું થતા મકાનોમાંથી સમયાંતરે ઇંટ, પથ્થર અને કોન્ક્રીટ પડવાના ધબાકાઓ ભલભલાને ભયભીત કરી મુકે એવા હતા . એક સરકારી મોટર ત્યાંથી સૌ કોઈને મકાનોની બહાર નીકળી જવાની અને ખુલ્લા મકાનોમાં ચાલી જવાની સૂચના આપતી પસાર થઇ, શિવાને આખી પરિસ્થિતિ યાદ આવી ગઈ. 'ક્યાં હશે મારી રેવા? હરી, એને હેમખેમ રાખજો.' ખોબામાં માથું લેતાં એનાથી ડૂસકું મુકાઈ જ ગયું. પરંતુ લમણે હાથ દઈ બેસી રહેવું એને પાલવે એમ ન હતું . 'મારે રેવાને શોધવી જ જોઈએ' વિચારી એ ફરી ઉભો થયો. તેવામાં ....

'અરે કોઈ બચાવો, બચાવો, મારા બા આ દીવાલ નીચે ફસાયા છે ' એક બહેન મદદ માટે બૂંમ પાડતા સંભળાયા. વિચારવાનો કોઈ પાસે સમય જ ક્યાં હતો? રઘવાયેલી એ બહેનને જોઈને બે ચાર જુવાનિયા ત્યાં દોડ્યા. માથે જાણે આભ પડ્યું હતું અને જીવ તાળવે ચોંટ્યા હતા.

શિવો આ જોઈ ન શક્યો. એ પણ ત્યાં દોડ્યો અંદર જવા એ હજી તો પગ ઉપાડે ત્યાં જ 'અમ્મી અમ્મી ...'ની બુમો સંભળાઈ. કોલાહલ વધી ગયો. કોઈ કહેતું હતું, 'પેલા છોકરાને કોઈ કાઢો ...' બધાની નજર ત્યાં ગઈ.

એક વૃદ્ધ કાકલુદી કરતા હતા. એમનું બોખું મોં, ફરફરતી લાલ ટચુકડી દાઢી, માથે સફેદ ટોપી અને એકવડું શરીર જોનારને સહેજે અનુકંપા ઉપજાવે એવા હતા. પછી 'યા અલ્લાહ રહેમ કર ...' કહેતા એ માથે હાથ દઈ જમીન પર બેસી પડ્યા.

'આ છોકરાની અમ્મી પણ એની બાજુમાં જ ધરબાયેલી પડી છે ..કોઈ કાઢો, મદદ કરો ....' એક બહેનને એમ કહેતી સાંભળીને થોડા માણસો ત્યાં દોડ્યા. ત્યાંથી થોડે જ દૂર એક પાકું મકાન બાજુના કાચા મકાન પર નમી પડ્યું હતું . બાજુની ગમાણમાં ઘવાયેલાં ચોપગાં ય મદદ માટે આક્રંદ કરતા હતા. પાચ - છ માણસો ત્યાં દીવાલની નીચે ફસાયેલી ગાયને બહાર કાઢવામાં પડ્યા હતા. 'ચાલો ભાઈઓ ત્યાં ....' કહેતો એક જણ ત્યાં દોડ્યો અને તેની સાથે વંટોળિયાની જેમ ટોળાનો થોડો ભાગ પણ તે તરફ દોડી ગયો.

આ કોલાહલમાં કેટલાયે અવાજ, શોર બકોર, ચિચિયારીઓ, અરેરાટી, અરે બચાવો, કોઈ બચાવો, અહી દોડો, ત્યાં દોડો, પણ કોણ કોને અને કેટલાને બચાવે? ..અને બચાવવા ક્યાં ક્યાં દોડે? કેટલી કરૂણ કથનીઓ ...ચોગરદમ ...સાંભળીને જ હચમચી જવાય તો પછી નજરે આ બધું જોનારની તો શી જ દશા? અધમુઆ કરી નાખવા જેટલી સમર્થ દ્વિધા ... જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી પેલી વૃદ્ધા, મુગુ જાનવર, બાળક, રેવા, ....બધા જ જીવવા યોગ્ય, જીવાડવા યોગ્ય . પણ એ બધાને જીવાડવા એ દરેક સ્થળે એક જ વ્યક્તિ એક જ સમયે તો ન જ જઈ શકે ને? ..કોને બચાવવા જવું, કોની મદદે જવું એ માટે કોઈ એકની જ પસંદગી કરવાની ...બુદ્ધિની કસોટી ...કઠણ સમસ્યા ...અગ્નિપરીક્ષા જેવી.

બાળક, મૂંગું જાનવર, વૃદ્ધ, અબલા સ્ત્રી, રેવા ...જીવી જવા માટે વલ્ખાં મારતાં . કેવી કસોટી!!!

મદદે ગયેલા ભાઈઓએ કાટમાળ ખસેડવા માંડ્યો હતો. હ્યુમન ચેઈન મારફતે તે બહાર પણ આવવા માંડ્યો હતો. 'ભાઈ જલ્દી કરો જલ્દી કરો ' હ્યુમન ચેઈનમાં ગોઠવાયેલામાંથી એકે શિવાને કહ્યું. કઈ કેટલાયે હથોડા શિવાના મસ્તિષ્કે ઝીંકાયા. 'માજીની મદદે જાઉં? મૂંગા જાનવરની મદદે જાઉં? છોકરાની મદદે જાઉં કે મારી રેવાને શોધવા ?' શિવાના મનમાં સવાલોની ઝડી થતી હતી. શિવો આ અસમંજસમાં હતો ત્યાં જ પેલાએ એને એક ભારી ભરખમ પથ્થર આપતાં ફરી ઢંઢોળ્યો, 'જલ્દી કરો, જલ્દી, માજી જીવે છે..' 'જલ્દી કરો, જલ્દી કરો..'નાં અવાજો વધ્યા. ચારે કોર માજી, ગાય, છોકરો આક્રંદ કરતાં હતાં, જીવવા માટે ફફડતાં હતાં...ચોગરદમ કોલાહલ મચ્યો હતો. ત્યાં જ ....

જોરથી 'નહીં ...ઇં ...ઇં ...ઇં ...'ની ચીસ શિવાએ પાડી. એણે એના કાન બંને હાથે દાબી જ દીધા. પછી લાગલો જ છલાંગ મારીને એ ત્યાંથી કુદીને બહાર આવી ગાંડાની જેમ રસ્તા ઉપર દોડવા જ માંડ્યો. 'નહીં ...ઇં ...ઇં ...ઇં ...'ની ચીસ પાડતો એ દોડતો જ રહ્યો દોડતો જ રહ્યો. માજી, ગાય અને પેલા છોકરા પ્રત્યેની પોતાની ફરજથી એ દૂર ભાગી જવા માંગતો હતો. એમના આક્રંદ અને 'બચાવો'ની કાકલૂદી સાંભળવા જ ન માગતો હોય એમ પોતાના બંને હાથે એણે પોતાના કાન પર ઢાંકી દીધા હતા. જોતજોતામાં તો એ ઘણે દૂર નીકળી ગયો. ત્યાં ઊભેલા બધા એની એ ચેષ્ટા જોઈ જ રહ્યા. 'ભલભલાને ગાંડા કરી દે એવો દિવસ આવ્યો ભાઈ ..' એકે નિસાસો નાખ્યો.

'ક્યાંક મારી રેવા તો આ રીતે દીવાલની નીચે દબાઈ નહી હોય ને ..? એવું જ હોય તો એને મદદ કોણ કરશે ...? જો કોઈ જ મદદ કરનાર ત્યાં ન હોય તો ? ના, મારે જવું જ જોઈએ ...' એ વિચાર એને તીવ્ર વેદના આપી ગયો અને એ દોડવા જ માંડ્યો, ગાંડાની જેમ રેવાને ખોળતો, ગલીએ ગલીએ બુમો પાડતો 'રે ...વા, રે ...વા .'

'સૌને ખાસ સુચના આપવામાં આવે છે કે હજી પણ ધરતીકંપના આંચકાઓ ચાલુ જ રહેવાની શક્યતા છે અને ઘરો પડી જવાનો ભય છે તેથી કોઈએ ઘરની અંદર જવું નહીં.' આવી સૂચનાઓ આપતી સરકારી મોટર ફરી ગઈ.

શિવાને એની ખોલી યાદ આવી. એ તે તરફ દોડ્યો. 'કદાચ રેવા ખોલી પર એની રાહ જોતી હશે ..' એને થયું. ગલીના નાના મકાનો અને ખોલીઓ ઉપર આજુબાજુના મોટા મકાનો ઢળી પડેલા શિવાએ જોયા. ખોલી તરફ વળતાં જ એની ઝડપ પણ વધી, 'રેવા ..રેવા ..' બુમો પાડતો એ ખોલી તરફ દોડવા માંડ્યો. ખોલીનું છાપરું અને દીવાલ પડી ગયા હતા. સામેથી દોડી આવતા નાનુને જોતાં જ એણે પૂછ્યું, 'મારી રેવાને જોઈ છે ?' 'ના, પણ લખ્મીને ..?' નાનુએ વળતો સવાલ એને કર્યો. શિવાએ નકારમાં ડોકું ધુણાવ્યું. 'આ શું થઇ ગયું ...?' કહેતા બંને એકબીજાને વળગ્યા. બે કરુણા એકબીજાને ધરપત આપતી હતી, રુદન દ્વારા ....

બન્ને ભેગા મળીને ખોલીઓ ખૂંદી વળ્યા પણ એમની 'રેવા ... ' અને 'લખમી ... 'ની બુમોથી રહીસહી દીવાલોમાંથી દાણેદાર રેતી ભેગા પથરાઓ જ નીચે ખર્યા. રેવા અને લખ્મીની ભાળ ક્યાંય ન જ મળી. બંને મજૂરણો ઘરે આવી જ ન હતી એમ ખોલીના ભોંયે પડેલા બારણાઓ પરના અકબંધ તાળાંઓ ચાડી ખાતા દેખાયા. તાળાબંધ બારણા નજરે પડતાં જ બંનેએ થોડી રાહત અનુભવી અને પછી એમની વ્હાલીઓને શોધવા જુદી જુદી દિશામાં પાછા તરત જ નીકળી પડ્યા.

રાત ઢાળી ચુકી હતી. રેવાની ભાળ ના જ મળી. લાઈટ રિસાઈ હતી એટલે ચોગરદમ અંધારપટ હતો. કશું સુજતુ ન હતું. હજીય બધેબધ રોક્કળ, દોડાદોડી અને શોરબકોર ચાલુ જ હતા. માનવજીવન વેરવિખેર થયા હતાં અને બધેબધ ઘરવખરી, કાટમાળ, રેતી, ઇંટો, પથરાઓ, કોન્ક્રીટ, વગેરે વેરણછેરણ પડ્યા હતા. ક્યાંક તો વળી પાણીના ફાટેલા નળોમાંથી છુટતા પાણીએ બધેબધ કાદવ કર્યો હતો. એ બધાની વચમાં રઘવાયેલા માનવજીવો અહીંતહીં દોડતાં હતાં ... જાતને, સ્વજનને અન્યને ગોતવા, બચાવવા; રડતાં, કકળતાં; વૃદ્ધ, યુવાન, બાળક; સ્ત્રી, પુરુષ; બેપગાં, ચોપગાં, સૌ... અહીં તહીં, બધેબધ ....

'ભાઈ, તમને તો માથામાંથી લોહી નીકળે છે. સામે ઈસ્પિતાલમાં પાટાપીંડી કરાવી લાવો.' એક જાણે શિવાને ખભે હાથ મૂકી કહ્યું. 'ના ભાઈ ના, મારા કરતાં બીજા ઘણાને ઈસ્પિતાલની વધારે જરૂર છે' કહી શિવાએ પહેરણ ફાડી જમીન પરથી મુઠી માટી લઇ માથે લગાવી પાટો બાંધી દીધો. પછી નળે જઈ હાથ મોં ધોઈ પાણી પી સ્વસ્થ થયો ત્યાં તો ...

ધરતીએ ફરીથી ધુણવાનું ચાલુ કર્યું. ચિચિયારીઓ અને હો ..હા ...અગાઉથી પણ વધી જ ગઈ. સ્વસ્થ થયેલો શિવો ફરી ગબડ્યો. તૂટેલા ઘણા મકાનોમાંના અમુક્માંની રહીસહી દીવાલો ય એ ધ્રુજારીમાં કડડડડ ભૂસ થઇ જ ગઈ. ધબાકાઓ સંભળાયા અને કેટલાયે બચેલા જીવો એની લપેટમાં ચગદાયા ..... બેધ્યાન રહેલા બધાયને ભોંય પર પટક્યા. જીવ બચાવવા બધા ખુલ્લી જગા તરફ દોડ્યા. ભયંકરતામાં વધારો કરી દેતા ધબાકાઓ અને અનેક જીવોની વેદનાસભર ચિચિયારીઓ અને આક્રંદ, એ બધું જાણે કોઈ દૈત્યે વર્તાવેલા કારમાં કેરનું જ વાતાવરણ સ્પષ્ટ ચીતરતું હતું. થોડી જ ક્ષણો આમ ચાલ્યું. જાણે કોઈ પાશવી મહાવિરાટ માનવેતર જીવે પૃથ્વી રૂપી દડો હાથમાં લઇ એને ગોળ ગોળ ફેરવવાની રમત શરુ કરી હોય એમ લાગતું હતું . .. એ દડો ફેરવવાની ક્રિયાથી થતી પાયમાલી અને કચ્ચરઘાણનો અંદાજ તો કોઈ સમદુખીયાને જ આવી શકે. વામનને વામનની દ્રષ્ટિથી જોવાની વિરાટ બુદ્ધિ કદાચ માનવેતર એ વિરાટ પાસે ન હતી. નહીતર આ દડો ફેરવવાની રમત શરુ કરી ન હોત .... ઠેઠ ઉપર સુધી કેટલાયે જીવ પહોંચી જ ગયા.

ચોગરદમ કોલાહલની વચ્ચે શિવાની નજર એક પાટિયે પડી, 'અંતિમ વિરામ'. આ તો એની જાણીતી જગ્યા!! રહિમચાચાની વખારે મજુરી કરતાં અહીં અનેકવાર એ લાકડાની ડીલીવરી કરવા આવ્યો હતો. ભડભડ ભડભડ બળતી ચિતાઓ અંદર જોતાં જ એ સીધો અંદર દોડી જ ગયો. બધેબધ ફરીને એકેએક શબ ઉપરનું કપડું હટાવી રેવાનો ચહેરો એણે શોધ્યો, પણ ન મળ્યો. અગ્નિદાહ અપાઈ ગઈ હોય એવી બધી વ્યક્તિઓની નામાવલિ પણ જોઈ લીધી, પરંતુ સ્મશાનના ચોપડે હજી રેવા ચડી જ ન હતી એટલે એને મળે ક્યાંથી? શિવાને ફરી આશા બંધાઈ. તે હવે ખૂબ થાક્યો પણ હતો. એની આખો ય દુખવા આવી હતી. ઘૂંટણ ઉપર કોણી ટેકવીને ખોબે માથું લઇ એ ત્યાં જ બાંકડે બેઠો.

લાકડાની ડીલીવરી લાવેલ રહીમચાચાએ કહ્યું, 'કરેલું ફોગટ નથી જતું, અલ્લાહ પાસે દુવા રહેમ માગ ...'.

...અને પછી આખા દિવસની રઝળપાટથી થાકેલો ભૂખ્યો, તરસ્યો, ઘવાયેલો, લાચાર નિરાધાર શિવો એ વૃદ્ધની સુચનાથી અહીં જ રોકાયો.

* * *

શિવાએ અંગૂછાથી આંખ લૂંછી અને ચિતામાં ડંગોરો ફેરવવા ઉઠ્યો.

સ્મશાનમાં શબો બાળવાનું કામ ચાલુ હતું. ચિતા ઉપર મુકાતા દરેક શબને શિવો જોઈ લેતો કે એ શબ એની રેવાનું તો નથીને? લખ્મીનું તો નથીને? ગુપ્તાજીની પરવાનગી મળે ત્યારે જ દરેક શબને અગ્નિદાહ દેવાતો.

'કેટલી થઇ?' રહીમચાચાએ ગુપ્તાજીને પૂછ્યું.

'એક સો બાર' ગુપ્તાજીએ ચોપડે જોઈ આંકડો આપ્યો.

'અરે ઓ પરવરદિગાર, રહેમ કર રહેમ કર ...' કહી રહીમચાચાએ આકાશ તરફ જોઈ બે હાથ પસાર્યા.

એટલામાં એક પોલીસનું ફટફટીયું ત્યાં આવ્યું. ડંગોરો ખભે ટેકવી શિવો ચિતાની સામે બાંકડે ઉભડક બેઠો.

શબો ચોગાનમાં સતત આવતા હતા. રહીમચાચા, રામજી, ગુપ્તાજી અને પોલીસ અફસર બહાદુરસિંગની ચોકડી કૈક મસલત કરતી હતી. ઇંધણ ઓછું હતું.

શિવાના મનમાં વિચારોના અનેક ફટાકડાઓ ધાણીની જેમ ફટાફટ ફૂટતા જતા હતા. 'પ્રભુ, મારી રેવાને જ્યાં હોય ત્યાં હેમખેમ રાખજો' સતત એ કાકલુદી કરતો હતો.

'હમારે પાસ લકડીકા સ્ટોક કમ હૈ ઇસ લિયે અબ હમેં એક હી ચિતામે દો લાશોં કો જલાના હોગા' પોલીસ અફસર બહાદુરસિંહ બોલતા સભળાયા.

'મૃત્યુઆંક હજી પણ વધુ હોવાની આશંકા છે. હું બીજા લાકડાની વ્યવસ્થા કરવા જાઉં છું' રહીમચાચાએ સ્પષ્ટતા કરી. એમની વાણીમાં લાચારી, માનવતા અને મદદરૂપ થવાની ભાવના જ કેવળ ડોકાતી હતી.

'શિવાભાઈ, તમે હવે થોડીવાર માટે બાંકડે આડેપડખે થાવ, ત્યાં સુધી હું સંભાળી લઈશ, લાવો તમારો ડંગોરો' કહી રામજીએ ડંગોરો લેવા શિવા તરફ હાથ લંબાવ્યો.

'એક બીજી ચિતા કરી લઈએ પછી જઈશ,' શિવાએ કહ્યું અને રામજીએ ય આનાકાની ન કરી.

ગુપ્તાજીના ચોપડે કેટલાંક નામી હતા તો કેટલાંક અનામી. નોંધમાં મરનારની આશરે ઉંમર, સ્ત્રી કે પુરુષ હોવાની વિગત ઉપરાંત તેના બારlમાં કોઈ વિશેષ ચિન્હ હોય તો તે, પહેરેલા કપડાની વિગતો, ચામડીનો રંગ, લાશ ક્યાંથી મળી આવી છે તેની વિગત તેમજ મરનારના શરીર ઉપર કોઈ વસ્તુ હોય તો તે અંગત માલિકીની વસ્તુની પણ નોંધ લેવાતી અને તે વસ્તુઓ સ્મશાનને દફતરે જમે થતી. અગ્નિદાહનો સમય પણ ચોપડે ચડતો. મરનારનું કોઈ આપ્તજન ત્યાં હાજર હોય તો તે મરનારનું નામ જણાવી શકતું અને અગ્નિદાહ આપવા આગળ આવતું. નહિ તો હાજર હોય એમાંની જ કોઈ એક વ્યક્તિ તે અંતિમ જવાબદારી પોતાનું સ્વજન માનીને નિભાવતી અને ચોપડે સહી કરતી.

બીજી બે ચિતા માટે લાકડા ગોઠવાયા એટલે રામજીને ડંગોરો આપી શિવો બાંકડે બેઠો. ગુપ્તાજીએ નોંધ લઇ લીધી એટલે એક શબને ચિતા ઉપર મુકાયું.

પિછોડીમાં લવાયેલા બીજા શબની વિગતો ગુપ્તાજીએ લેવા માંડી: 'તા 27.01.2001, શબ નબર 123, સ્ત્રી, ઉંમર આશરે 30 વરસ, એકવડું શરીર, રંગ ગોરો, આપ્તજન અપ્રાપ્ય, જમણા હાથની આંગળીએ શિવજીની છબીવાળી સ્ટીલની વીંટી .....'

ગુપ્તાજી હજી પૂરું બોલી રહે તે પહેલા જ બાંકડેથી છલાંગ મારીને શિવો ધસી જ આવ્યો, 'નહીંઇંઇંઇં...' એ ચિત્કારી ઉઠ્યો, 'રેવા ...રેવા ...રેવા ...'.

લગ્નની સ્મૃતિરૂપે રેવાને આપેલી શિવજીની છબીવાળી વીંટી એણે ઓળખી કાઢી.

સ્મશાને કામ કરતા બધા જ હાથ થભી ગયા. ટ્રક તરફ જવા વળેલા રહીમચાચાના પગ થભી ગયા.

વીંટી વાળો રેવાનો હાથ આંખે, હોઠે, ગાલે લગાડતો શિવો ધ્રૂસ્કે ચડ્યો હતો, 'આ તો મારી રેવા છે..'.

ગુપ્તાજી, રામજી, રહીમચાચા, બહાદુરસિંગ તથા ત્યાં હાજર બધાને કારમો ઘા થયો હતો.

'હે પરવરદિગાર ....' કહેતાં રહીમચાચાએ શિવlને બાથમાં લીધો.

શિવlને માથે માનો સાત અlસમાન એક સામટા આવીને પડ્યા હતા. એ ઉભો જ ન રહી શક્યો . રામજીએ એને સંભાળ્યો અને રેવાના શબની બાજુમાં જ બેસાડ્યો. ગુપ્તાજીએ આંખના આંસુ ધોતિયે લીધા.

બહાદુરસીંગે રેવાની લાશને અગ્નિદાહ માટે અલાયદી ચિતા કરવાનો ઈશારો રામજીને કરી દીધો . શિવો હિબકે ચડ્યો હતો, 'રેવા મને છોડીને ન જા ...રેવા ...રેવા ...' એના આંસુ સુકાતા ન હતાં.

સમય વીતતો જતો હતો, આખરે રેવાના શબને અગ્નિદાહ દેવા શિવો આગળ આવ્યો. ત્યાં તો ...

'મળી ગઈ ...મળી ગઈ ...લખમી મળી ગઈ ...' કહેતો નાનુ ત્યાં દોડતો આવી પહોંચ્યો. એનો ઉત્સાહ માતો ન હતો, '....સામેની નવજીવન હોસ્પીટલમાં છે ...' એણે હાંફતા હાંફતા શિવાને સમાચાર આપ્યા. એની આંખોમાં જબરી ચમક હતી.

પછી યાદ આવતાં જ એણે પૂછ્યું, 'રેવા ..મળી ...?'

'હા, રેવા પણ મળી ગઈ છે ...આ રહી ...' કહી શિવાએ રેવાની ચિતા બતાવી.

એની આંખોનાં આંસુમાં રેવાની ચિતાની જ્વાળાઓ પ્રતીબીમ્બિત હતી.

'નહી ...' કહેતાં જ નાનુએ શિવાને બાથમાં લીધો.

રેવાના મૃત્યુનો શોક અને લખમીના બચવાનો હરખ એ બંને સ્મશાને ભેટ્યા હતા.

આંસુને વળી હરખ શું અને શોક શું ?

લાશ નંબર 123ની ચિતા ભડભડ ભડભડ બળતી હતી.

રહીમચાચાએ નમાઝ અદા કરવા ચાદર બિછાવી. રામજી, નાનુ, ગુપ્તાજી, બહાદુરસીંગ પ્રાર્થનામાં જોડાયા.

પછી ગુપ્તાજીએ લાશની ખૂટતી નોંધ લઈ રેવાને સ્મશાનને ચોપડે ચડાવી . ...અને શિવાએ ત્યાં સહી કરી ...

'શિવો'.

----- ગુણવંત વૈદ્ય