પ્રથમ ચાહું તને, પછી દુનિયાનો વારો Ashutosh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રથમ ચાહું તને, પછી દુનિયાનો વારો

પ્રથમ ચાહું તને, પછી દુનિયાનો વારો

કોઈ પણ સંબંધનું પારણું સૌપ્રથમ ઇશ્વરને ત્યાં બંધાય છે. જેનું સાકાર સ્વરૂપ એ પૃથ્વી પર રચી એ સંબંધને આકાર આપે છે. એવું અક્ષરા અને મુદીતને જોઈને માનવું પડે. પારણે બાંધેલી ઘુઘરીઓના રણકાર જેવો અક્ષરા અને મુદીતના સંસારનો ખનકાટ હતો. ઉપરવાળાએ બાંધેલા એમના સંબંધના પારણામાં બન્ને લગ્ન નામનાં સગપણથી સાથે બેસી ઝૂલતાં હતાં.

ટૂંકી એકવારની મુલાકાત, ટૂંકા સંવાદોની વાતચીત અને સાવ ટૂંકી ઓળખાણ. બસ, ટીપીકલ અરૅન્જ્ડ મેરેજ ! બન્નેના માતા પિતા એક સામાજીક પ્રસંગમાં મળ્યા, ઓળખાણ થઈ. એ પછીની ઑફિશિયલ મિટીંગનો દિવસ નક્કી થયો. છોકરો અને છોકરી એકબીજાને મળ્યાં, જોયાં, વાતચીત, સવાલોની સામે જવાબોની આપ-લે, બન્નેની એકબીજા પર પસંદગીની મહોર અને છેલ્લે સપ્તપદીનાં ફેરાં. ગઈકાલ સુધી એકબીજાથી તદ્દન અજાણ બે વ્યક્તિ કાયમી સગપણથી જોડાઈ ગયાં.

લાડકોડથી ઉછરેલી અક્ષરા નવોઢાનાં સાજ શણગાર સજી પોતાના ઘરેથી વિદાય થઈને મુદીતનાં ઘરમાં પગલાં પાડતી આવી. ટૂંકી મુલાકાત અને ટૂંકી વાતોનું પરિણામ એ હતું કે અક્ષરા અને મુદીત બન્ને સહજીવનના સપનાંઓનું આંજણ આંખમાં આંજવા સંમંત થયા અને આજે શુભકામનાઓ, આશિર્વાદ અને મંત્રોચ્ચારનાં ધ્વનિ સાથે અગ્નિની સાક્ષીએ એ સપનાંઓને સાકાર કરવાની પા-પા પગલી મંડાઇ ગઈ. અક્ષરા અને મુદીત લગ્નગ્રંથીથી એક્બીજા સાથે જોડાયેલા ખરાં પણ બન્નેનો સ્વભાવ, પ્રકૃતિ, ગમા-અણગમા એકબીજાથી તદ્દન વિરુદ્ધ હતાં. એકનાં વિચારો આકાશમાં વાદળની જેમ છવાઈ જાય તો બીજાનાં ધરતી પરની ભીની માટીમાં રમે. એકને સૂર્યોદય જોવો ગમે તો બીજાને સૂર્યાસ્તની મસ્તીમાં આનંદ આવે. અગર એકને દરિયાની અફાટ લહેરોની ઉડતી વાંછટ ગમતી તો બીજાને શાંત નદીનાં ગહેરા નીર નિહાળવાની મઝા પડતી. એક મોજ-મસ્તી અને ધમાલનું માણસ તો એક નિરવતા ને નયન રમ્યતામાં રાચતો જીવ.

ટૂંકમાં, અક્ષરાને ચિતરવાં જે રંગો વપરાય એ મુદીતનાં ચિત્રમાં ક્યારેય કામમાં ન આવે અને મુદીતની લાક્ષણિકતાઓ વિશે વાતો કરતાં હોઇએ તો અક્ષરાનાં એક્પણ લક્ષણને દૂરદૂર સુધી અડકી ન શકાય. પણ ઍરેરૅન્જ્ડ મેરેજ અને સ્વભાવનાં અક્ષાંશ-રેખાંશ બે જુદા-જુદા હોવા છતાં બન્ને વચ્ચે ગજબનો તાલમેલ અને અજબનો પ્રેમ હતો. બન્નેને મળનાર યા જોનારને એમ જ થાય કે આ બન્નેનાં લગ્ન એ એક્બીજા વચ્ચેનાં પ્રણયનું જ પરિણામ હશે. અક્ષરા નખશિખ ચંચળ છોકરી, બહિર્મુખી પ્રતિભાવાળી, લાગણીઓની અભિવ્યકિતનું માણસ. કોઈને માટે વ્હાલ હોય તો અક્ષરા દ્વારા તરત તેને કહેવાઇ ગયું હોય. કોઇ પણ વડીલ માટે માન ઉપજે કે તરત એને જણાવી દેવામાં અક્ષરાને મોકો શોધવાની જરૂર ન પડે. કદાચ આ જ કારણોસર સાસરી પક્ષમાં એણે પોતાની જગ્યા તરત બનાવી લીધેલી. અક્ષરા એ એક મળતાવડી, માયાળુ વહુ તરીકે દરેકનાં મનમાં સ્થાન જમાવી લીધેલું. મુદીત પ્રત્યેના એનાં પ્રેમને જતાવવામાં પણ એ જરાય કસર ન રાખે. સવારના પહોરની પહેલી ચ્હા અને છાપું પણ અક્ષરાનો હસતો ચહેરો અને પ્રેમની નવી ઉજવણી તરીકે આવતું. સુંદર પ્રભાત લઈને આવેલો દિવસ શયનખંડની દિવાલોને ગુલાબી રંગથી રંગી કાઢતી અને હાસ્યનો માહોલ રાત સુધી એવો જ તરોતાઝા રહેતો. ટૂંકમાં, કોઇપણ લાગણીનો ઇઝહાર કરવામાં અક્ષરા જરા પણ વાર નહિ લગાડે. મુદીતને એ ખુબ ચાહે છે તે પણ મુદીતને એ એક જ દિવસમાં કંઈક કેટલીયવાર જુદા જુદા સ્વરૂપમાં સાંભળવા મળતું એની પાસે.

જ્યારે એના બીજા છેડે મુદીત અત્યંત લાગણીશીલ, કોમળ સ્વભાવનું અંતર્મુખી વ્યક્તિત્વ. કોઇપણ લાગણી યા મનનાં ભાવને જીભ સુધી લાવતાં અને એને શબ્દોનું સાકાર સ્વરૂપ આપતા મુદીતને ન આવડે. ઓછાબોલો, શુદ્ધ હૃદયનો, શાંત પ્રકૃતિનો માણસ. મૃદુ સ્વભાવનો, વરસાદમાં ભીંજાયેલી નરમ માટી જેવો વ્યક્તિ. પણ છતાં ભીંજાયેલી માટીમાં રહેલી સોડમ જેવો જ અણી શુદ્ધ અત્તરમાં ઝબોળાયેલો, કાયમ હસતો, ખુશ રહેતો જીવ. પોતાનાં જ ઘરમાંય એ જરૂર વગર બે વાક્યો પણ ન બોલે. લાગણીઓને ઝીલવા સતત તત્પર રહેતો ખુલ્લાં મનનો, પ્રકૃતિની નજીક જીવતો એક સરસ વ્યક્તિ. જેને કદાચ કોઈ સાથે દુશ્મનાવટ નહોતી યા કોઇ માટે કડવા વેણ એની જીભે નહોતાં.

એક ખળ ખળ વહેતું ઝરણું હતી તો બીજોએ ઝરણને નિહાળતો કિનારે ઊભેલો શાંત વડલો હતો. અક્ષરાને બોલબોલ કરવું ગમે. હોંશિયાર, દરેક વસ્તુમાં રસ દાખવતી કેળવાયેલી છોકરી અને મીઠડી પણ એટલી જ કે વાતો કરતી હોય ત્યારે એને સાંભળવાની, એને જોવાની મજા પડે. બટકબોલી, ગમીજાય એવી છોકરી. ગૌરવર્ણ, સૌષ્ઠવ શરીર અને કપડાં પસંદ કરવાની આગવી રીતને કારણે આકર્ષક લાગે તેવી નખશીખ સ્વરૂપ સૌંદર્ય. અક્ષરા અને સુંદરતા જાણે એક જ ભાવ યા એક જ શબ્દનાં બે સમાનાર્થી હતાં.

પણ પૂર્વ દિશા અગર અક્ષરા હતી તો એના સામે છેડે પશ્ચિમ હતો મુદીત. શાંત પણ નજરમાં વસી જાય એવો મુદીત અભિવ્યક્તિનો નહિ પણ અનુભવવાનો માણસ. આકર્ષક વ્યકિતત્વ, મૂડી યા કંટાળાજનક વ્યકતિ જરાય નહિ, પણ સ્વભાવે ઓછા બોલો. એને વાતો કરવા કરતાં ચૂપ રહી અપલક આંખે અક્ષરાને સાંભળવું વધુ ગમતું. મુદીત એના પ્રેમને જતાવવા માટે શબ્દોની જગ્યાએ વર્તનનો સહારો લેતો પણ એ સમજવાની એને વધાવી લેવાની આવડત અક્ષરામાં પણ એટલી જ. મુદીતને ‘આઈ લવ યુ’ કહેવા કરતા લાલ ગુલાબનું ફૂલ આપવું વધુ ગમતું અને વધુ રોમેન્ટીક લાગતું. બે વાક્યોની વાત કરવા કરતાં સ્નેહાળ આંખોની ભિનાશથી અક્ષરા તરફ નિહાળ્યા કરવું એને વધુ ગમતું.

બન્નેની આ શાશ્વત લાગણીમાં કયાંય ઉણપ જોવા ન મળે. એકબીજાને સમજવાની, સ્વીકારવાની અને વ્હાલ કરવાની બન્નેએ સ્વીકારી લીધેલી મૌન સમજણ અદ્દભુત હતી. બન્ને પંખીઓ પોતાના માળામાં બે દાણા ભાત અને ચાર દાણા વ્હાલ સાથે સુખી હતાં. જોનારને ઇર્ષ્યા આવે, વાત કરનારની નજર લાગે અને મળનારને અદેખાઇ આવે એવો બન્નેનો પ્રેમ. અક્ષરાને મૂવી જોવું ગમે તો મુદીતને શાંતિથી બેસી ‘શેરલોક હોમ્સ’ યા ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચવામાં મઝા પડે. અક્ષરા નવા ગીતો સાંભળીને ઝુમી ઉઠે જ્યારે, મુદીત ધીમા અવાજે વાગતી ગઝલોનો પાગલ. અક્ષરાને વરસાદમાં ભીંજાતી લોંગ ડ્રાઈવમાં જીવન માણવા જેવું લાગે અને મુદીત બારીએ ચ્હાના કપ સાથે વરસાદની વાંછટમાં ભીંજાય.

ક્યારેક અક્ષરા મુદીતને કહેતીય ખરી, ‘મુદીત, આટલું બધુ ચુપ રહીને તને ગૂંગળામણ નથી થતી ? ક્યારેક બોલ બોલ કરીને ખાલી થઈ જવાની ઇચ્છા નથી થતી તને ? તદ્દન ડોબો છે ! મને કેટલું ચાહે છે પણ સરખું કહેતા પણ નથી આવડતું તને.’ અને મુદીત હસી પડતો. અક્ષરા જ્યારે એની બીજી સખીઓને મળતી ત્યારે એ લોકો કહેતાંય ખરાં, ‘તું જ મારો મુદીત, મારો મુદીત કર્યે રાખે છે, મુદીતને કોઈ દિવસ તને આઇ લવ યુ કહેતાંય જોયો નથી. ખરેખર તને એ ચાહે પણ છે કે પછી અરેન્જડ મેરેજ કર્યાં છે એટલે તને નભાવ્યે જાય છે ?’ અક્ષરા થોડી ક્ષણ માટે ચૂપ થઈ જતી. ‘શું મુદીત ખરેખર મને નભાવ્યે જતો હશે ? શું કોઇ વ્યક્તિ ખરેખર આટલી હદે શાંત સ્વભાવની હોઇ શકે ?’ એને વિચાર આવતાં. પણ આ વિચારોને એ બળજબરી પૂર્વક પાછા હડસેલી દેતી. પણ ધીમે ધીમે અક્ષરાને મુદીતનો અવ્યક્ત પ્રેમ અકળાવનારો લાગવા માંડ્યો હતો ! ધીમે ધીમેએ વિચારો એ નાની નાની ફરિયાદનું સ્થાન લેવા માંડ્યું. સ્ત્રીસહજ લાગણીને વશ અક્ષરા જ્યારે અલગ અલગ સ્થળે, જુદાં-જુદાં પ્રસંગોએ બીજા યુગલોની પ્રણયચેષ્ટાઓ જોતી યા વાતો સાંભળતી ત્યારે સ્વભાવિક રીતે જ એનાથી મુદીતની સરખામણી થઈ જતી.

આજે અક્ષરાને ચોમાસાનાં વરસાદથી તરબોળ થઈ રહેલી સાંજમાં ખંડાલા ઘાટ સુધી લોંગ ડ્રાઈવ પર જવું હતું અને એ મુદીતને એ માટે સમજાવવાના પ્રયત્નોમાં હમણાં ત્રીજીવાર ફોન કરી રહી હતી. ‘મુદીત ચાલને, શું આમ કરે છે ? કેવો સરસ વરસાદ પડે છે અને આવા ગોરંભાયેલા વાદળાઓની મોસમમાંય તું ઓફિસનાં નીરસ વાતાવરણમાં ફાઈલોની વચ્ચેથી નીકળવાનું નામ નથી લેતો.’ ‘અક્ષરા, તારી વાત હું ય સમજુ છું. પણ સમજવાની કોશિશ કર. મારી કંપનીનાં ચેરમેન હમણાં ન્યુયોર્કમાં કોન્ફરન્સમાં બેઠાં છે. વારંવાર કોઈને કોઇ ડીટેઈલ માટે ફોન યા ઈ-મેઈલ કર્યા કરે છે. મારાથી હમણાં ઓફિસ છોડી શકાય એમ નથી. માત્ર બે દિવસ રોકાઈ જા ને પ્લીઝ ! શનિવારે આપણે સવારથી નીકળી જઈશું. આઈ પ્રોમિસ !’ ‘મુદીત, મને ખાત્રી છે કે શનિવારે તું મને લઈ જશે જ. પણ આ વરસાદ, આ વાતાવરણ શનિવારે ફરી હશે જ એવી ખાત્રી છે તને ? દોઢ કલાકનું જ તો ડ્રાઈવિંગ છે અહિંથી ! રાત સુધીમાં તો પાછા આવી પણ જઈશું.’ ‘અક્ષરા, તું એક કામ કર, તું અત્યારે ડ્રાઈવ પર જઈ આવ. તું ફરીને રાત સુધીમાં આવશે ત્યાં સુધીમાં હું પણ ઘરે આવી જઈશ.પછી શનિવારે આપણે બન્ને સાથે જઈશું.’ અક્ષરાએ છણકા સાથે ફોન પછાડ્યો અને વરસાદી વાયરામાં એકલી જ જવાનો ઓપ્શન ઉપાડી નીકળી પડી.

પંખીના માળા સમ ઊછરી રહેલાં વ્હાલનુમાં સંબંધને કુદરત કાળું ટપકું કરવાનું ભુલી ગઈ હશે કદાચ તે વરસાદી સાંજનાં વરસતાં પાણી અને કાળાડીબાંગ વાદળોને બાથમાં ભરવાની ઈચ્છા લઈ અને મુદીત પર ગુસ્સો કરી નીકળેલી અક્ષરા માટે એ રમણીય સાંજ નિર્દય ક્ષણોની કારમી ચીસ લઈને આવી. મુંબઈ-પુના એક્સપ્રેસ-વે પર 120ની ઝડપે દોડતી અક્ષરાની કારનું ડ્રાઈવીંગ સીટ તરફનું ટાયર અચાનક બર્સ્ટ થઈ ગયું અને અક્ષરાનું સ્ટિઅરીંગ વ્હીલ પરથી બેલેન્સ ખોરવાઈ ગયું. એક મોટા અથડાટ સાથે કાર બાજુનાં ડિવાઈડર પર ચઢી ગઈ અને સામેથી આવતી સ્કોર્પીઓ સાથે અથડાઈ ત્યારે અંદર બેઠેલી અક્ષરા બેહોશ થઈ ચૂકી હતી.

હોસ્પિટલનાં બિછાને સુતેલી અક્ષરા લગભગ મોતનાં દરવાજે ઉંબરો ઓળંગવાની તૈયારીમાં જ હતી. પણ મુદીતની એક શ્વાસે ચાલી રહેલી દોડધામ, પ્રાર્થના અને ડોકટરનાં ઝડપભેર લેવાઈ રહેલાં નિર્ણયો અને સારવારને કારણે અક્ષરાનાં બચી જવાની આશા ટકી રહી. અકસ્માત એવો વિકરાળ હતો કે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિ જીવતી હોવાની કોઈ આશા ન રહે. પણ નવ કલાકનું મેજર ઓપરેશન અને અગિયાર ડોકટરોની કુશળ ટીમની મહેનતનું પરિણામ એ આવ્યું કે અક્ષરા બચી ગઈ. અક્ષરાનાં અક્સ્માતના સમાચાર મળ્યા ત્યારથી મુદીત જાણે એક જ વારમાં એક સામટો શ્વાસ પોતાનાં ફેફસાંમાં ભરીને દોડતો હોય તે રીતે દોડતો રહ્યો. એક જીવિત વ્યક્તિ માટે નહાવું, ખાવું, સૂવું પણ જરૂરી છે તે વાતનોય મુદીતને આ સમય દરમિયાન ખ્યાલ નહોતો રહ્યો. એને અક્ષરા અને એની જીદંગી સિવાય અત્યારે કંઈ જ દેખાતુ નહોતું. ત્રણ દિવસ પછી જ્યારે અક્ષરાએ આંખો ખોલી ત્યારે એની પથારીની અડધી ચાદર મુદીતનાં આંસુઓથી ભીની થઈ ગઈ ! એને લાગ્યું કે વિશ્વમાં એનાં જેટલું ભાગ્યશાળી બીજું કોઇ નથી.

'ડોક્ટર કેટલો સમય લાગશે એને સારી થતાં ? એને હું ક્યારે ઘરે લઈ જઈ શકું ?’ ડોકટરને એક તરફ મુદીતની અધીરાઈ જોઈ આનંદ થઈ રહ્યો હતો તો બીજી તરફ શબ્દો ગોઠવવાની મુંઝવણ ઊભી થઈ રહી હતી. ‘મુદીત, આમ જુઓ તો અક્ષરાને સારી થતાં વાર નહીં લાગે. યંગ બ્લડ છે, શી વીલ રીકવર ફાસ્ટ. સાચું કહું તો હું હમણાં જ એમ કહી શકું કે અક્ષરા સારી થઈ ગઈ છે પણ,’ ડોક્ટરનાં આ ‘પણ’ પછી આવેલું અલ્પવિરામ મુદીતને અકળાવી રહ્યું હતું, ‘પણ શું ડોક્ટર ? ટેલ મી ફાસ્ટ.’ મુદીત કદાચ જિંદગીમાં પહેલીવાર આટલા ઊંચા અવાજે બોલ્યો. ‘અમે અમારાથી થઈ શકે એટલી બધીજ કોશિશ કરી છે. અક્ષરાનાં ઓપરેશન અને સારવારમાં પણ થઈ શકે તે બધું જ કર્યું છે.’

‘હા ડોક્ટર, એમાં તો મને કોઇ શંકા નથી. એ વાતનો સાક્ષી છું’ ‘મુદીત, આઈ શુડ સે સોરી, પણ એક ડોકટર તરીકે વાત કરૂં તો મારી પેશન્ટ અક્ષરા, મુદીત, ધેટ વોઝ અ મેજર ઓપરેશન અને અક્ષરા મરતાં મરતાં બચી છે પણ એના સ્પાઈનલ કોડમાં ખુબ મોટી ઈજા થઈ છે અને એની નસો એટલી ચૂંથાઈ ગઈ છે કે અક્ષરા હમણાં પેરેલાઈઝ્ડ હાલતમાં છે. એનું મગજ, એનું મોં વગેરે કામ કરે છે પણ એ બોલી નહીં શકે અને હાથપગનું હલનચલન કરવા માટે યા બેસવા માટે પણ એને તારા સહારાની જરૂર પડશે. આઈ હોપ કે તું સમજી રહ્યો હશે, હું શું કહેવા માંગુ છું.’ મુદીત શાંત થઈ ગયો. જાણે એની આજુબાજુનું વિશ્વ સ્થગિત થઈ ગયું હતું. એની ભીતરનું તોફાન એને તહસ-નહસ કરી રહ્યુ હતું. ‘મુદીત આઈ એમ રીઅલી વેરી સોરી. બટ, વી હેવ ડન અવર બેસ્ટ. વી વેર હેલ્પલેસ ! પણ અક્ષરાનું શરીર હવે પેરેલાઈઝ્ડ થઈ ગયું છે અને એનું નવું જીવન તમે છો. યુ હેવ ટુ બી સ્ટ્રોન્ગ ઈનફ.’

****

વ્હીલચેર લઈ મુદીત એના બેડરૂમમાં એન્ટર થયો. એ વ્હીલચેરને એવી રીતે રમાડી રહ્યો હતો જાણે કોઈ સુપર માર્કેટનાં મોટાં સ્ટોરમાં કોઇ બાળક લગેજ ટ્રોલી રમાડી રહ્યો હોય. એકદમ આનંદીત અવાજે કોલાહલ મચાવતો એ બોલી રહ્યો હતો. ‘અક્ષરા મેડમ, ચાલો રેડી થઈ જાઓ આજે આપણે મોલમાં જઈએ છીએ !’ અને આજે અક્ષરા અને મુદીત નવી જ રિલિઝ થયેલી મુવી જોવા ગએલા. કોમેડી સીન આવે ત્યારે મુદીત જોર જોરમાં હસતો, એની અને અક્ષરા બન્નેના હિસ્સાની ધમાલ મચાવતો. ઘરમાં રોજ સાંજે નવા ગીતોની સીડી મૂકી અક્ષરાને બેસાડી એનાં બેસુરા અવાજમાં એ પણ ગાતો, અક્ષરા સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં મુદીત ‘આઈ લવ યુ, આઈ લવ યુ’ કહેતાં થાકતો નહોતો. અક્ષરાની પરિસ્થિતિએ જાણે એક તદ્દન નવા જ મુદીતને જન્મ આપ્યો હતો. અક્ષરા જ નહિ મુદીતને ઓળખતા બીજા કેટલાંય લોકો મુદીતનું આ નવું રૂપ જોઈ નવાઈ પામતા ! આ મુદીત એ પહેલાંનો મુદીતજ છે ? પોતાની અંદરનાં જૂના મુદીતને મારી નવાં વાઘા પહેરીને જીવતો મુદીત પોતાનાં અંગત વિશ્વમાં પારાવાર આંસુઓથી પોતાની આંખો છલકાવી બેસતો. પણ કદી દર્દની એક કરચ સરખીય અક્ષરાને ન વાગે એની સતત કાળજી લેતો.

મુદીતને માટે હવે પોતાની પસંદગી, પોતાની ઈચ્છાનું કોઇ મહત્વ નહોતું. અક્ષરાની આંખોને સતત હસતી જોવા, એની ઈચ્છાઓને સાકાર કરી એને જીવાડવા મુદીત રીતસર હવાતીયા મારવાની હદ સુધી પ્રયત્ન કરતો. સતત સૂઈ રહેવાને કારણે અક્ષરાને પીઠ પર પડી ગયેલા પાઠાંનું ડ્રેસીંગ કરતાં કરતાં પણ મુદીત એની જોડે એટલી વાતો કરતો કે ઘણીવાર અક્ષરાને પણ મનમાં એમ થઈ આવતું કે 'કેટલું બોલે છે આ માણસ, થાકતોય નથી !' મોલ્સ, મુવી, ગાર્ડન,દરિયાકિનારો, શોપિંગ અક્ષરાને ગમતી એ તમામ જગ્યાઓએ મુદીત અક્ષરા અને વ્હીલચેર ત્રણેય એટલું એન્જોય કરતાં કે જોનારને ઇર્ષ્યા આવે, વાત કરનારની નજર લાગી જાય અને મળનારને અદેખાઈ આવે, અને કુદરત ? કુદરતને પોતાના બાંધેલા સંબંધના પારણાની ઘુઘરીનો રણકાર ગુંજતો રહ્યાની ખુશી થઈ આવે.

મુદીત ખુબ બોલતો. અઢળક વાતો કરતો. અક્ષરાને દિવસમાં દસ કરતાંય વધુ વાર ‘આઈ લવ યુ’ કહેતો અને અક્ષરા ? ખબર છે કે જાતે રૂમાલ લઈ નહી લૂંછી શકે છતાં પોતાની આંખમાંથી ગાલ પર આંસુઓનાં મીઠાં પાણી છલકાવી બેસતી. એક જ નદીના બન્ને કિનારાને ખબર હતી કે અમારા વિના નદીનું અસ્તિત્વ શક્ય નથી. વ્હાલ, હૂંફ અને પ્રેમના વ્હેણને વહેતાં રાખવા માટે બન્ને કિનારાએ એકબીજાની સાથે જ સમાંતર ચાલવું પડશે.