Maa tu mari Janeta khari ne Baap maro Shiv Ashutosh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Maa tu mari Janeta khari ne Baap maro Shiv

મા તું મારી જનેતા ખરી ને

બાપ મારો શિવ

આશુતોષ દેસાઈ

મોબાઈલ : +91 7738382198

E-mail: ashutosh.desai01@gmail.com

સરનામુંઃ

્‌ - ૬૦૫, “શ્યામ” ગોકુલ ગાર્ડન, ૯૦ ફીટ રોડ,

ઠાકુર કોમ્પ્લેક્ષ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મા તું મારી જનેતા ખરી ને બાપ મારો શિવ

મા તું મારી જનેતા ખરી ને બાપ મારો શિવ,

આકાર ભલે મારો રહ્યો અંતે હું તમારો જીવ.

આજે કાળી ચૌદસ હતી, મોડી સાંજ લગી હું અને મમ્મી ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત હતા. જ્યારે પાછળના રૂમમાં પડેલાં પપ્પાના જૂનાં કબાટમાંથી મને એ કવર જડી આવ્યું. કવર પર છપાયેલાં સરનામાંનાં અક્ષરો વાંચી મારી આંખ ક્ષણવાર માટે અટકી ગઈ. ’આ, આ કવર ? અહીં ક્યાંથી ?’ મેં ઉતાવળે એના પર છપાયેલાં પોસ્ટ ઓફિસના સિક્કા પરની તારીખ ઉકેલવાનો પ્રયત્ન કર્યો. ત્રણ દિવસ પહેલાંની હતી. મને યાદ આવ્યું ત્રણ દિવસ પહેલાં હું મારી કોલેજના વાર્ષ્િાક મહોત્સવમાં ગયો હતો તે દરમિયાન આ કવર આવ્યું હોવું જોઈએ. ’પણ પપ્પાએ મને જણાવ્યું કેમ નહીં ?’ મારા મને તરત મારી સાથે દલીલ કરી.

’એક્ની એક વાહિયાત દલીલ ન કર્યા કર અભય. મેં એક વખત કહી દીધું કે મારી અને તારી મા ની મરજી નથી બસ, પછી તારી ઈચ્છા. તારે અમારી ઉપરવટ જી નિર્ણય લેવો જ હોય તો અમને પૂછે છે જ શા માટે ? તારે જેમ કરવું હોય તેમ કર.’ કોર્ટ રૂમમાં બેઠેલા જજ પોતાનો નિર્ણય જણાવે એમ પપ્પાએ આખરી નિર્ણય જાહેર કરી જાણે ઓર્ડર ઓર્ડરનો હથોડો ઠોકી દીધો. સામાન્ય રીતે પપ્પા ક્યારેય મારી સાથે આમ ઉંચા અવાજમાં વાત નહોતા કરતા કમસે કમ હું સમજણો થયો ત્યાર પછી તો નહીં જ. એમનો એ સ્વભાવ જ નહોતો. હું આગળ બોલતા અટકી ગયો. પપ્પા પરનો ગુસ્સો હાથમાં પકડેલા પુસ્તક પર ઠાલવ્યો અને ટેબલ પર એનો ઘા કરતા હું ત્યાંથી ઉઠીને ચાલી ગયો. બસ મારા અને પપ્પા વચ્ચે આ અંગે એ આખરી વાત-ચીત થઈ. ત્યારબાદ એ મુદ્દા પર ઘરમાં પૂર્ણ વિરામ મૂકાઈ ગયું. મમ્મી કશું બોલતી નહોતી પણ પપ્પા જે કહે છે તે વાતને એનું પણ સમર્થન છે એ એના આંસુ પરથી સમજી શકાતું હતું. અને આજે એ વાતને ૧૫ દિવસ થઈ ગયા પછી મારા હાથમાં એ કવર હતું. ઝડપભેર હું એ કવર લઈ ટેરેસના એક ખૂણામાં જઈ બેસી ગયો, મારૂ હૈયું જોરથી ધડકી રહ્યું હતું. હ્ય્દયના એ ધબકારાનો અવાજ હમણાં બહાર સુધી સાંભળી શકાય એટલો મોટો થઈ ગયો હતો. મેં હાથમાં પકડેલાં એ કવરને એક જોરદાર આવેગ સાથે ચૂમી લીધું અને અંદરનો કાગળ ખોલ્યો. કાળી શ્યાહીમાં લખાયેલા એ શબ્દો હમણાં મારી નજરો વાંચી રહી.

’કેડેટ અભય બારોટ, જય ભારત સાથે જણાવવાનું કે તમારી કોલેજના એન.સી.સી યુનિટમાંથી આપે એસ.એસ.સી (શોર્ટ સર્વિસ કમીશન) માટે જે પરીક્ષાઓ આપી હતી. તે લેખિત અને ફિઝીકલ બન્ને પરીક્ષાઓમાં આપ ઉત્તિર્ણ થયા છો. આથી આ પત્ર સાથે આપને જાણ કરવામાં આવે છે કે કેડેટ્‌સ ટ્રેનિંગ એકેડમીની સીલેક્શન પ્રોસેસ અને આગળની કાર્યવાહી માટે દેહરાદુન આર્મી ટ્રેનિંગ કેમ્પમાં તમારે આ મહિનાની તારીખ ૧૫થી હાજર થવાનું રહેશે. આ પત્ર દ્વારા આપને એ જાણ થાય કે તારીખ ૧૩.૧૨.૨૦૧૩ એ નીચે જણાવેલ સરનામે રિપોર્ટીંગ કરવા માટેની છેલ્લી તારીખ ગણવામાં આવશે. ઉપર જણાવેલ વિગતોમાં ચુક થશે તો આ પત્ર અને એની વિગતો રદ થયેલી ગણાશે. જય હિંદ

મારી જિંદગીનું સૌથી મોટું સપનું, મારા અરમાનોની આમંત્રણ પત્રિકા લઈને આવેલો આ કાગળ પપ્પાએ એના કબાટમાં મારી જાણ બહાર સંતાડી રાખ્યો હતો. મારા ઉત્સાહની વચ્ચે ફરી એકવાર ૧૫ દિવસ પહેલાની ચર્ચાના શબ્દો યાદ આવી ગયા. ’અભય તું અમારો એકનો એક દિકરો છે, આર્મીમાં જોડાઈ તું અમારાથી દુર ચાલી જશે તો અમે કઈ રીતે જીવી શકશું.’ પપ્પા લાગણીશીલ થઈ ગયા હતા. પણ મારી દલીલો ચાલુ જ હતી અને આખરે ઓર્ડર, ઓર્ડર, ઓર્ડર કહી આખરી નિર્ણયસમો હુકમ ફરમાવી દેવામાં આવ્યો અને મારી દલીલો કે ચર્ચાના દરવાજા બંધ થઈ ગયા. પપ્પાએ આદેશ આપી દીધો હતો. શું કરૂં ? મને સમજાતું નહોતું. પપ્પાની જીદ્દ અને આ કાગળ મને ન આપ્યાની ફરીયાદ માટે જાણે મને એમના પર હમણાં ધૃણા થઈ રહી હતી. ’કેમ એ લોકો આટલા સ્વાર્થી બની રહ્યા છે ? મારે શું કામ મારા સપનાંઓને આમ રોળી નાખવા જોઈએ ? શું એ લોકો પોતાના દિકરાને એણે ચાહ્યું હોય તે ભવિષ્ય પણ ન આપે ? કોઈ મા-બાપ આટલી હદે સ્વાર્થી હોય શકે ?’ એક સામટા અનેક વિચારો મારા મનમાં આવી ગયા. અચાનક હું જાણે આભાસો અને સપનાંઓના વિશ્વમાંથી પાછો જમીન પર પટકાયો. મમ્મી કે પપ્પા માટે મને કડવાશ નહોતી, પણ એ લોકોનાં આવા વર્તનથી કદાચ હું એમનાથી દૂર થઈ રહ્યો હતો.

મારા સપનાંઓ અને મહત્વાકાંક્ષાઓને જીવવા જીશતો મમ્મી-પપ્પાની લાગણીઓ દુભાશે અને એ લોકોની લાગણીને માન આપીશ તો આ તક જતી કરવા બદલ આખી જિંદગી પોતાની જાતને માફ નહીં કરી શકું. અવનવ અને અનિર્ણીત પળો સાથે એ રાત્રે ક્યારે ઊંંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. કદાચ હજુ હું તંદ્રાવસ્થામાં જ હતો ત્યાં કપાળ પર કોઈનો હાથ ફરતો હોય તેમ લાગ્યું. આંખ ખોલી તો બાજૂમાં પપ્પા બેઠા હતાં. એમની આંખમાંથી એક નાનકડી બૂંદ મારા ગાલ પર પડી અને હું સફાળો બેઠો થઈ ગયો. ’પપ્પા શું થયું, તમે ક્યારે આવ્યા ?’ એમણે તરત ભીની થયેલી આંખ પર હથેળી ફેરવી અને એક કાગળ મારા હાથમાં મૂક્યો. પપ્પાનું હમણાં આ એક નવું જ રૂપ હું જોઈ રહ્યો હતો. આ પહેલા મેં ક્યારેય એમને આ રીતે જોયા નહોતા. મહાપ્રયત્ને એ માત્ર એટલું બોલ્યા. ’અભય તારી મા નીચે તારી બેગ પેક કરી રહી છે, એકવાર જોઈ લેને કંઈ મૂકવાનું રહી ન જાય.’ મેં ફરી પપ્પાની આંખમાં આંખ પરોવવાની કોશિશ કરી. ખબર નહીં એમની આંખ ભીની હતી એટલે કે મારી આંખમાં ઉંઘ હતી એટલે, પણ અમારી આંખ મળી ન શકી અને એ ચાલી ગયા. મેં કાગળ ખોલ્યો. ’દેહરાદૂનની રેલ્વે ટિકિટ !’ મને તરત સમજાઈ ગયું કે શું કામ પપ્પાએ કાગળ મને નહોતો બતાવ્યો અને આજે આખો દિવસ એ ક્યાં ગયા હતા. દિકરાની હથેળીમાં એનું સપનું સોંપવાની મહેચ્છા લઈ એક બાપ એ દિકરા પ્રત્યેની પોતાની આશાઓ દફનાવીને આજે ટિકિટ બુક કરાવવા ગયો હતો. ટિકિટ પર છપાયેલી વિગત અચાનક ધૂંધળી થવા માંડી, મેં આંખમાં આવી ગયેલી ભીનાશને હાથના લસરકાંએ સાફ કરી અને નીચે ગયો. ’મમ્મી,’ મારાથી આગળ બોલાયું નહી. મમ્મી મને વળગી પડી, એ રડવા ચાહતી હતી કદાચ, પણ ગળામાં ભરાઈ આવેલો ડૂમો એમને રડવા નહોતો દઈ રહ્યો. પપ્પા રૂમના દરવાજા પાસે ઉભા-ઉભા અમને જોઈ રહ્યાં હતા. દિવાળીની એ રાત્રે મારા સપનાંઓને પામવાના અને મારા મા-બાપથી દૂર જવાનાં દ્વારના ઉંબરે હું ઉભો હતો. પપ્પાએ કહ્યું ’ચાલ હવે સૂઈ જીએ ? કાલે સવારે પાછું વહેલું નીકળવું પડશે તારે.’ મારાથી આપોઆપ એ લોકોના પગે પડી જવાયું, બન્નેનો હાથ મારી પીઠ પર અને પછી માથા પર ફર્યો. અને અમે ત્રણેય ચોધાર આંસુએ રડી પડયા. સાંજની મારી બધી ફરીયાદો જાણે હમણાં મને પજવી રહી હતી, મારૂં મન મને એ ફરીયાદો માટે જાણે કોઈ કાળે માફ કરવા તૈયાર નહોતું. હું બન્નેને ભેટી પડયો. ’મને, મને માફ કરી દો,’ બસ, મારી જીભ ફરી અટકી ગઈ. પણ એટલામાં તો મમ્મી મારે માટે પાણીનું ગ્લાસ લઈ આવી. એકજ ગ્લાસ માંથી અમે ત્રણેએ એક એક ઘૂંટ ભર્યો. પાણીનો સ્વાદ કદાચ આંસુ ભળવાને કારણે થોડો ખારો થઈ ગયો હતો.

મારા કપાળ પર ચૂમીઓ ભરતાં મમ્મી એના સાડલાંની કીનારથી મારો ચહેરો લૂંછી રહી હતી. એક પળમાં જાણે મને એ સાડલામાંથી એ લોકોએ આજ સુધી મારે માટે વહાવેલાં પરસેવાની સુવાસ આવી ગઈ અને આખા દિવસની સાફ-સફાઈથી ગંદો થયેલો એ સાડલો મને મારા જીવથીય વ્હાલો લાગવા માંડયો. મને મન થઈ આવ્યું કે હમણાં મમ્મી પલાંઠી વાળીને બેસે અને હું એના ખોળામાં, એમનાં સાડલાની પાટલીની આડશમાં છૂપાઈ જાઉં. પણ મારાથી એક શબ્દ ન બોલાયો. પણ મા આખર મા હતી, દિકરાના ન બોલાયેલા શબ્દો પણ સંભળી શકે અને એના હ્ય્દયની દિવાલ પર લખાયેલી વાતો વાંચી શકે એ કાબેલિયત હંમેશ એક મા પાસે હોતી હશે કદાચ. એણે ફરી મને બાથમાં લીધો અને મારી બેગ બાજૂમાં હટાવી કાથી વાળા ખાટલા પર એ બેસી ગઈ, યુવાન થયેલા દિકરાને એણે એ રીતે ગોદમાં લીધો જાણે કોઈ તરતનાં જન્મેલા રડતાં બાળકને જનેતા ધાવણ આપવા માટે ખોળામાં લઈ લે. એ હાથ ફેરવતી રહી હું ક્યારે સૂઈ ગયો તેનું પણ મને ભાન ના રહ્યું.

આખો દિવસ મજૂરની જેમ સાફ-સફાઈના ઢસરડાં કરી થાકેલી મારી મા એ આખી રાત એના ખોળામાં મારૂં માથું લઈ હાથ ફેરવતી રહી અને પપ્પા, પપ્પા મારી બેગમાં પડેલાં મારા સામાનને કોઈ આંધળો માણસ સ્પર્શથી મહેસૂસ કરવા મથતો હોય તેમ હાથ ફેરવતાં રહ્યા. મારા નવા નક્કોર ઈસ્ત્રી કરેલાં કપડાં એમના આંસૂઓને કારણે ખરાબ થઈ રહ્યાં હતા, પણ એમના આંસુઓનાં એ ડાઘ આવનારા દિવસોમાં મને એમના પ્રેમ, વ્હાલ અને વાત્સલ્યની હૂંફ આપવાના હતા. એમણે નિઃસ્વાર્થ ભાવે નિભાવેલી મા-બાપ તરીકેની ફરજની યાદ અપાવવાનાં હતા.

હું ચાલી ગયો, આંખમાં આંસૂ, ચહેરા પર આવનારા ભવિષ્યની આશાઓ અને મારૂં સ્વપ્ન મને જીવવા દેવાની પરવાનગી આપવા બદલ આભારની લાગણીઓ સાથે હું ચાલી ગયો. ચામડીનું એક એક અણું લોઢાનું થઈ જાય એ હદ સુધીની ટ્રેનિંગ, તાપ, ટાઢ કે વરસાદની પરવા કર્યા વગર આદેશના એક હુંકાર પર દોડતા રહેવાની તાર તાર કરી નાખતી પરિસ્થિતિમાંથી પસાર થવામાં ૧૯ મહિના ક્યાં નીકળી ગયા ખબર પણ ન પડી. મમ્મી-પપ્પાનો સમયે સમયે પત્ર આવતો રહેતો. કાગળમાં શબ્દોની સાથે સાથે દિકરા માટેનું વ્હાલ પણ વરસતું રહેતું અને હું ટ્રેનિંગથી થાકીને આવી એમના કાગળોને હ્ય્દયે લગાવી સૂઈ જતો. હું સેકન્ડ લેફ્ટનન્ટ બની ગયો. લીલા કલરની વર્દી મારા કસાયેલા બદન પર ચઢાવી આજે મારી ત્રણ દિવસની રજામાં ઘરે જવાનું હતું. સ્ટેશનથી ઘરસુધી હું એ રીતે દોડયો જાણે સુક્કા ભઠ્‌ઠ રણમાં કોઈને પાણીનો કૂવો જડયો હોય.

મમ્મી અને પપ્પા ગાંડા જેવા થઈ ગયા, દિકરાને જન્મ આપ્યા પછી આજે પહેલીવાર જોઈ રહ્યા હોય એ રીતે બન્ને મને વ્હાલથી બચીઓ કરવા માંડયા. એમના શરીરમાં આવી ગયેલો ફર્ક હું એકજ નજરે જોઈ શકતો હતો. ’મમ્મી, તને શું થયું છે ? કેમ તું આમ, તારૂં શરીર આટલું બધું,’ મને એણે આગળ બોલતા અટકાવી દીધો. ’હવે તું આવી ગયો છે ને તો બધ્ધું સારૂં થઈ જશે. ચાલ મારા લાલીઆને ભૂખ લાગી હશે, હું ગરમ ગરમ રોટલી ઉતારૂં છું.’ એ આંખના નાકા સાડલાથી લૂંછતી રસોડામાં ચાલી ગઈ. પપ્પા મને મારા રૂમમાં લઈ ગયા. વર્ષોથી વાત ન કરી હોય તેવા માણસની જેમ એ બોલ બોલ કરવા માંડયા. એમની પણ તબિયત નંખાઈ ગઈ હતી પણ મમ્મીના શરીરમાં આવેલો ફેરફાર મને ઠરવા નહોતો દઈ રહ્યો. એની આંખની આજુ-બાજુના કાળા કુંડાળા મને બિહામણાં લાગી રહ્યાં હતાં. મેં પપ્પાને પૂછ્‌યુંય ખરૂં. ’પપ્પા, મમ્મી ને શું થયું છે ? એની તબિયત,’ ’અરે કંઈ નહીં, હવે અમારી ઉંમર થઈને દિકરા એટલે એવું લાગે.’ એમણે વાત ઉડાવી દીધી. ત્યારપછીના ત્રણ દિવસમાં મેં અનેક વાર જૂદી-જૂદી રીતે પૂછી જોયું પણ એ લોકો ન બોલ્યા. રજાના એ દિવસો ક્યાં નીકળી ગયા ખબર પણ ન પડી. આખરે મારો જવાનો દિવસ આવી ગયો. મમ્મી મારે માટે ડબ્બામાં ફૂલકાં ભરી રહી હતી અને પપ્પા ક્યારેક મને ખુબ ભાવતી આમલીની પીપરમીંટ લેવા ગયા હતા. હું એ લોકોના રૂમમાં ગયો. પપ્પાના એ જૂના કબાટમાંથી આજે ફરી મને એક કવર મળ્યું. આજૂ-બાજૂ જોઈ મેં ઉતાવળે એ કવર ફોડયું. પહેલાંજ પાના પર લખેલા શબ્દો મારી આંખે અંધારા લાવી રહ્યા હતા. ’મેલિગન્ટ ટ્‌યુમર ઈન ઈસોફેગસ’ મારા હાથમાં પકડાયેલો કાગળ મારી મા ને થયેલા ભયંકર રોગની ચાડી ભરી રહ્યો હતો. ’ઈસોફેગસ કેન્સર !’ મારા હોઠ, આંખ, હાથ પગ આખ્ખું શરીર જાણે જડ થઈ ગયું. ’મમ્મી, મમ્મીને-’ જે વાત બોલતા મારી જીભ નહોતી ઉપડી રહી તે રોગમાં હમણાં મારી મા સબડી રહી હતી. કોઈ આવી જશેના ડરથી મેં ઉતાવળે કવર બંધ કર્યું અને જેમનું તેમ પાછું મૂકી દીધું. મને કેમ કીધું નહીં ? એ ફરીયાદ લઈને હું દોડતાં પગલે રસોડા તરફ ગયો. પણ દરવાજે મારા પગ અટકી ગયા. ’ખબરદાર જો તમે લાલીઆને કંઈ પણ કહ્યું છે તો, આજથીજ હું બધ્ધી દવાઓ લેવાનું બંધ કરી દઈશ. અને હા, આવતી કાલે તમારી સાથે રૅડિએશન લેવા અમદાવાદ પણ નહીં આવું, કહી દંઉ છું, મારો નાનકો ત્રણ દિવસ માટે આવ્યો છે એને ખુશીથી રહેવા દો.’ મમ્મીએ જીદ કરી. પપ્પા દલીલ કરવા ગયા પણ એ રડી પડી. ’અરે અભયના પપ્પા તમે વિચાર તો કરો, એને અગર ખબર પડશે તો એ કેવી રીતે પાછો જી શકશે. અરે, પાછો જવાની વાતજ નથી એ આર્મી છોડી દેવાની જીદ્દ લઈને બેસી જશે. અને એ મારાથી ન જોવાય અભયના પપ્પા, મારાથી ન જોવાય. મારા દિકરાનું સપનું છે એ, અને એનું સપનું તૂટ્‌યાનો ભાર લઈને મારે નથી મરવું.’ હું મમ્મીને ભેટી આજે ફરી ખુબ રડયો. આર્મીનો જવાન હમણાં ઓફિસર નહોતો રહ્યો.

આજે શ્રી-નગરની બોર્ડર પર ફરી ચાર બુકાનીધારી દેખાયાની ખબર આવતા હું હાથમાં એસ.એલ.આર. લઈ હમણાં સાત જવાનોની ટૂકડી સાથે એમના નાપાક ઈરાદાને પરાસ્ત કરવા જી રહ્યો છું.

મરણોપરાંત અશોકચક્ર વિજેતા અભય બારોટની ડાયરીનું આ છેલ્લું પાનું વાંચતા મારી આંખ પાણીથી ભરાઈ ગઈ. પણ આંસૂઓની ઝાંખપમાં પણ સામે બેઠેલી એક મા એના વીરને મળેલા મૅડલને વ્હાલથી સહેલાવી રહી હતી તે જોતાં મારા શબ્દો જાણે થીજી ગયા. અને એ લાડકવાયા નો બાપ ચોડી છાતી સાથે મારી સામે પાણીનો ગ્લાસ લઈ ઉભો હતો.

’અભય તું તો બહાદૂર હતોજ પણ તારા મા-બાપ ધરતી પર જન્મેલા પૂજવાલાયક દેવનું રૂપ છે. તારા વતી આજે એમના ચરણ સ્પર્શ કરતાં હું મારી જાતને ધન્યતા બક્ષી રહ્યો છું.’