J J Dada books and stories free download online pdf in Gujarati

જે જે દાદા

જે જે દાદા

તનય આજે સવારથી જ ધમાલના મૂડમાં હતો. એક પછી એક જીદ્દ, રમકડાંઓની અફાડ ઠોક, દિવાલ પર બોલ પછાડી પછાડીને ધાબાઓ પાડવા, બેટથી ફટકાં મારી દિવાલ પર બોલ ટીંચવો. વેકેશનનો સમય હતો એટલે તેને કોઈ હમણાં રમવા માટે ના પણ કહી શકે તેમ નહોતું. પણ બિલ્વાને ખરીદી માટે બજાર જવાનું હતું, અને દીકરો તેને જવા દેવા તૈયાર નહોતો. 'કશ્યપ, તમે જરા સમજાવો ને તનયને પ્લીઝ. રાતનું ખાવાનું બનાવવા માટે પણ ઘરમાં શાક નથી, બે-ચાર શાક લેવા જવું હોય તો પણ આ છોકરા સાથે મુશ્કેલ થઈ પડે છે.' રવિવારની રજામાં સોફા પર પગ લંબાવી ક્રિકેટ મેચ જોઈ રહેલા કશ્યપને બિલ્વાએ કહ્યું. કશ્યપે રિમોટ હાથમાં લઈ ટી.વીનો વોલ્યુમ ધીમો કર્યો અને બૂમ પાડી. 'તનય, મમ્માને બજાર જઈ આવવા દે, ચાલ હું તારી સાથે રમું છું.' કશ્યપના આ વાક્ય સાથે જ તનય દોડતો આવી પપ્પાના ખોળામાં ગોઠવાઈ ગયો. માધ્યમિક શાળામાં સિનિયર ક્લાર્કની નોકરી કરતો કશ્યપ જોષી તેની સુંદર, સુશીલ મળતાવડી પત્ની બિલ્વા અને સાત વર્ષનો, અમસ્તાંય જોતા ગમી જાય તેવો પુત્ર તનય. ત્રણ જ વ્યક્તિનો પરીવાર. રવિવારની રજામાં મહદાંશે બિલ્વા સવારે બજાર જઈ આવે અને કશ્યપ શાંતિથી ટી.વી સ્ક્રીન સામે ગોઠવાયેલો હોય. સાંજે બંને તનયને લઈ ને ક્યાંક બહાર આંટો મારી આવે. આનંદ અને સંતોષ સાથે જીવતો આ અઢી માણસના પરીવારનો નાનકો તનય આખાય મહોલ્લાનું રમકડું હતો. બોલ બોલ કરવાની અને ધમાલ કરવાની તેની આદતને કારણે તે બધાને વ્હાલો લાગતો.

'મમ્મા દર વખતે આવું જ કરે છે પાપા, મને સાથે લઈ જ નહીં જાય અને પછી હું જીદ્દ કરૂં તો કહે તનય તું ખુબ ધમાલ કરે છે. કાલે કવિતામાસીએ પણ મને ગાલ પર ચોંટીયો ભર્યો ત્યારે મેં મમ્માને કહ્યું તો મમ્મા મને કહે, તેં જ ધમાલ કરી હશે.' તનયે પાપાને ફરિયાદ કરી. કશ્યપ દીકરાની ફરિયાદ સાંભળી હસી પડ્યો. પણ પાપા તેની વાત સાંભળી હસ્યા તે તનયને ન ગમ્યું. તે રિસાઈ ગયો. પાપાના ખોળામાંથી ઉતરી રિસાયેલો તનય દેવસ્થાન વાળા રૂમમાં જઈને બેસી ગયો. કશ્યપે ટી.વી. ઓફ કર્યું અને તનય પાસે જઈ તેને મનાવતા કહ્યું. 'દીકરા આ સામે શંકર દાદા દેખાય છે ? તે આપણા દરેકના પાપા છે, આપણે બધા તેમના દીકરાઓ છે અને તને ખબર છે ? શંકરદાદાને તેના બધા દીકરા ખૂબ ખૂબ વ્હાલા છે. જેમ તું મને વ્હાલો છે ને તેમ. તને જ્યારે પણ કોઈ ફરિયાદ હોય કે કંઈ માંગવું હોય ને ત્યારે તેમને કહેવાનું, તે આપણા બધાની વાત સાંભળે છે.' તનયને પાપાની વાત સાંભળી કૂતુહલ થયું. પાપા કહે છે તે વાત ખરેખર સાચી હશે ? તેણે થોડો વાર માટે એકધારૂં દેવસ્થાનમાં મૂકેલા શિવલીંગ તરફ જોયા કર્યું. આ સામે પડેલો ગોળ પત્થર વળી આપણી વાત કઈ રીતે સાંભળતો હશે ? તેના મનમાં સવાલ ઉપજ્યો. 'પણ પાપા જે જે દાદાને તો કાન પણ નથી તો પછી એ આપણી વાત કઈ રીતે સાંભળી શકે ?' તનયે તેની તોતડી ભાષામાં કશ્યપને કહ્યું. 'તેમને આપણી વાત સાંભળાવા માટે કાનની જરૂર નથી દીકરા, આપણાં બધાના કાન પણ જે જે એ જ તો બનાવ્યા છે, તો પછી એમને આપણી વાત સાંભળવા માટે કાનની શું જરૂર ?' કશ્યપે સાત વર્ષના બાળકને સમજાય તે માટે જેટલી બને તેટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો.

કશ્યપની આ વાત નાના તનયના મનમાં બરાબર ઘર કરી ગઈ. તે આખી રાત તેણે કશ્યપને તે અંગે અનેક સવાલો કર્યા કરેલા. 'જે જે દાદા આપણી વાત અગર સાંભળતા હોય તો પછી એ આપણી વાત સાંભળીને શું કરે ? જે જે દાદા ક્યાં રહે છે ? એ આપણને કોઈ દિવસ મળવા આવે ખરાં ? જો કોઈ દિવસ એમને આપણી વાત નહી સમજાઈ તો ?' નાનકડાં દિમાગના હજાર સવાલો હતાં.

બીજા દિવસે સવારે કશ્યપ સ્કુલે જવાની તૈયારી કરતો હતો ત્યારે તનય પણ તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. 'પાપા મારે જે જે દાદાના મંદિરે જવું છે.' કશ્યપ નાકા પરના મહાદેવના મંદિરે તનયને લઈ ગયો. નાનકડો તનય આજે કાગળ અને પેન લઈને મંદિરે ગયો હતો. તેણે પોતાના ગરબડિયા અક્ષરમાં કંઈક લખ્યું અને મહાદેવની સામે મૂકી દીધું. બે ચાર વાક્યોની કંઈક મનમાં જ વાત કરી અને મહાદેવ પોતાના દોસ્ત હોય તેમ બાય બાય કરી તનય ઉભો થઈ ગયો. કશ્યપ તનયની આ આખીય વર્તણૂક જોઈ ખુશ થયો અને મહાદેવને પગે લાગી હાથ જોડ્યા.

'જે જે દાદા, મારે આ વેકેશનમાં લખોટી જોઈએ છે. મમ્માને કહું છું તો પણ એ લાવી નથી આપતી. તમે લાવી આપશો ?' પોતાના મિત્ર જે જે દાદાને તનયની આ પહેલી ચિઠ્ઠી. ખબર નહી, મહાદેવ તેની વાત સાંભળશે તેવો તેને વિશ્વાસ હતો કે નહી પણ શિવલીંગ સામે ચિઠ્ઠી આપી આવ્યા બાદ તનય ખુશ જણાતો હતો. તેને ઘરે મૂકી કશ્યપ સ્કૂલે ચાલી ગયો. બે દિવસ થઈ ગયા, ત્રીજા દિવસની સવારે તનયના ઓશિકા પાસે લખોટીઓ ભરેલો સરસ મોટ્ટો બટવો પડ્યો હતો. તનય તે જોઈ ખુશ ખુશ થઈ ગયો. તે દિવસે નાચી નાચીને તેણે આખું ઘર માથે લીધેલું.

એક પત્ર પછી બીજો, બીજા પછી ત્રીજો. તનય સાચા મનથી તેના આ મિત્રને પત્ર લખતો, માંગણીઓ કરતો, ફરિયાદ કરતો, પરિક્ષામાં પાસ થયો હોય તો વધામણીઓ લખતો. કોઈ મિત્ર સાથે ઝઘડો થયો હોય તો તેના ક્લેરિફિકેશન લખતો. 'જે જે દાદા, પાપાને સમજાવોને મારે માટે સાયકલ લાવી દે.' આમ કરતા કરતા તેને પોતાના મિત્ર જે જે દાદા પ્રત્યે અતૂટ શ્રધ્ધા થઈ ગઈ હતી. તેણે માની લીધું હતું કે જે જે દાદા તેની તમામ વાતો સાંભળે છે. અને માને પણ છે કારણ કે તનય તેમની સામે જે કંઈ દરખાસ્ત કે ડિમાન્ડ મૂકતો તે વ્યાજબી હોય તો વહેલી મોડી પૂરી થઈ જ જતી અને ગેરવ્યાજબી હોય તો તે ક્યારેક પાપા કે ક્યારેક મમ્મા દ્વારા જે જે દાદા તેને સમજાવી પણ દેતા.

આમને આમ તનય મોટો થતો ગયો, જે જે દાદા સાથે તેની દોસ્તી રોજે રોજ ઓર ગહેરી થતી ગઈ. પાપાએ કહેલી વાત પર તેને હવે પૂરેપૂરો ભરોસો થઈ ગયો હતો કે, 'આપણી કોઈ પણ મૂંઝવણ મહાદેવને કહેવાથી તે સાંભળે છે.' તનય મોટો થતો ગયો તેમ તેમ તેની ધમાલ પણ મોટી થતી ગઈ. આખાય મહોલ્લાના વડના વાંદરા ઉતારે તેવા તનયની રોજ ને રોજ કોઈ નવી ફરિયાદ આવતી રહેતી. રોજ રાઉ ફરિયાદ સાંભળીને કંટાળી ગયેલી બિલ્વાએ ગઈ કાલે આવેલી ફરિયાદ વિશે રાત્રે કશ્યપને વાત કરી. બે મહિનાના છેડા જેમ તેમ ભેગા કરતા કશ્યપને આમેય તે દિવસે પી.એફ પર લીધેલી લોનનો હપ્તો ભરવાની અને તેને કારણે પગારના પૈસા ઓછા આવવાની ચિંતા હતી. તેવામાં બિલ્વાએ તનયની ફરિયાદ કરી, કશ્યપની તાણ અને ગુસ્સો તનય પર માર થઈ ને વરસવા માંડ્યો. તેણે તનયને બોલાવી ખૂબ માર્યો, તેના મારથી બેવડ વળી ગયેલા તનયના શરીર પર સોડ ઉપસી આવ્યા. કશ્યપે તેને રૂમમાં બંધ કરી દીધો. 'સાંજે હું સ્કુલેથી પાછો નહી આવું ત્યાં સુધી કોઈએ આ રૂમ ખોલવાનો નથી, ખાવાનું પણ આપવાનું નથી. ખબરદાર જો કોઈએ આગળાને હાથ પણ લગાડ્યો છે તો.' લાલ આંખ અને હાથની મુઠ્ઠીઓ વાળી બરાડતાં કશ્યપ ચાલી ગયો.

આખા દિવસનો તાપ અને કામથી થાકેલો કશ્યપ સાંજે ઘરે આવ્યો. પણ ઘરમાં પ્રવેશતાંની સાથે જ તનયને બંધ કર્યો હતો તે રૂમનો દરવાજો ખુલ્લો જોઈ, કશ્યપની આંખો ફરી ગઈ. ગુસ્સામાં તેણે આખાય ઘરમાં બૂમા બૂમ કરી મૂકી. 'બિલ્વા...બિલ્વા.' બિલ્વાએ કશ્યપનો અવાજ સાંભળ્યો અને તે ધ્રુજી ઉઠી. ‘શું થયું હશે ?’ એ વિચારવાનો પણ હમણાં સમય ક્યાં હતો ! પડોશના ઘરમાં ગઈ હતી ત્યાંથી કશ્યપનો બરાડો સાંભળતા જ તે દોડી આવી. 'તનય ક્યાં છે ?' કશ્યપ જોરમાં બોલ્યો. બિલ્વા કંઈ બોલે તે પહેલાં જ તનય ઘરમાં પ્રવેશ્યો અને તદ્દન નિર્દોષ ભાવે હસતાં હસતાં હાથ લાંબો કરતા તે પાપા પાસે દોડી આવ્યો. તનયને રૂમની બહાર જ નહીં, ઘરની પણ બહાર ગયેલો જોઈ ઉકળી ઉઠેલા કશ્યપે એક જોરદાર તમાચો તનયનાં ગાલ પર મારી દીધો. એક જ તમાચાથી નાનકડા તનયના કાનમાં તમરા બોલવા માંડ્યા. એ નાનકા તનયને તે વખતે તરત તો સમજ પણ ન પડી કે પાપાએ તેને શા માટે માર્યો ? નાનું બાળક બાપના આવા ગુસ્સાથી સહેમી ગયું. તેની જીભ કોઈ ખુલાસા આપવાની કે 'શા માટે માર્યું ?' એવા કોઈ સવાલો પૂછવાની પણ હાલતમાં નહોતી. રડી પડ્યો, તનય તે દિવસે ખૂબ રડ્યો. પણ માત્ર આંખ માંથી આંસૂ વહ્યાં, જીભ પર રડવાનો એક ઉંહકાર સુધ્ધાં નહોતો. પણ તે દિવસે બાળક તનયનો ઉંહકાર પોતાના પરમ મિત્ર જે જે દાદાને લખાયેલા નવા પત્રમાં ઠલવાયો. રાત્રે તનય તેના મિત્ર જે જે દાદાને મળવા ગયો. 'દાદા હું સાંજ સુધી પાપા કહી ગયેલા તે પ્રમાણે જ રૂમમાં બંધ હતો. પણ કવિતામાસીને ત્યાં સત્ય નારાયણની પૂજા હતી એટલે મમ્મા પાંચ મિનિટ માટે મને પગે લગાડવા લઈ ગઈ હતી. અને હું તો ત્યારે દોડતો આવી પાપાને તમારો પ્રસાદ આપવા જ જતો હતો, તો પણ પાપાએ મને માર્યું ? જે જે દાદા તમે એમને રોક્યા કેમ નહી ? મેં પાપાની વાત નહોતી માની એવું તો નહોતું ને ? મમ્મા મને પગે લગાડવા લઈ ગઈ તેમાં પાપાએ...' તનયે પોતાના જે જે દાદાને આજે ફરી ચિઠ્ઠી લખી. નાકે આવેલા મંદિરે જઈ એ મહાદેવને પોતાના મનની ફરિયાદ કહી આવ્યો. બે દિવસ થઈ ગયા, બિલ્વાતો આ વાતને ક્યારની કદાચ ભૂલી પણ ગઈ હતી પણ કશ્યપ કોઈ અપરાધભાવને કારણે તનય સાથે સરખી વાત પણ કરી શકતો નહોતો. તનય પણ પાપાથી હવે દૂર દૂર રહેવા માંડ્યો હતો. પાપાએ આપેલા સોડ તેના શરીર પર નહી પણ જાણે મન પર પડી ગયા હતા. બાળક પોતાના બાપથી એક ચોક્કસ અંતર રાખવા માંડ્યુ. દોડીને બાપના ખોળામાં ભરાઈ જતો તનય હવે કશ્યપ આવે એટલે ક્યાંતો બહાર રમવા ચાલી જાય ક્યાંતો રૂમમાં ભરાઈ જાય. આમને આમ ચાર દિવસ નીકળી ગયા. ન કશ્યપ નોર્મલ થઈ શકતો હતો ન તનય. પણ ચોથા દિવસની મોડી રાત્રે જ્યારે તનય ભર ઉંઘમાં હતો ત્યારે કશ્યપ તેની પાસે આવીને બેઠો, માથા પર હાથ ફેરવતાં ફેરવતાં તે ખૂબ રડ્યો. 'માફ કરી દે મને દિકરા, મને માફ કરી દે, મારાથી ખૂબ મરાઈ ગયું તને તનય. મને માફ કરી દે.' કશ્યપની આંખ માંથી આંસૂ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યાં. તનય ભર ઉંઘમાં હતો તેને નહોતી ખબર કે કશ્યપ તેના માથે હાથ ફેરવતાં રડી રહ્યો છે, તેની માફી માંગી રહ્યો છે. પણ બીજા દિવસે ખબર નહી શું થયું કશ્યપના મન પરથી ભાર ઉતરી ગયો અને તનયને પણ અચાનક જાણે પાપા પ્રત્યે કોઈ ફરિયાદ રહી નહી. જાણે મહાદેવે તેના કાનમાં આવીને કહી દીધું હોય અને તેણે તેના પાપાને માફ કરી દીધા હોય તેમ બંને એક થઈ ગયા.

દિવસો વર્ષોમાં પલટાયા અને વર્ષો ઉંમરમાં તનય મોટો થઈ ગયો, પબ્લિક લીમિટેડ કંપનીમાં ઉંચા હોદ્દાની નોકરી હતી, ગાડી હતી, નોકર ચાકર હતા. અને પ્રેમાળ પત્ની પણ. કશ્યપ અને બિલ્વા પણ હવે ઘરડાં થઈ ગયા હતાં. દિકરાને સારી રીતે ઠરીઠામ થઈ ગયેલો જોઈ તે લોકો પણ ખુશ હતા. એક દિવસ તનય કોન્ફરન્સમાં હતો અને તેની પત્ની રીચાનો ફોન આવ્યો. 'પપ્પાજીને હોસ્પિટલમાં લાવ્યા છે, સાંજે અચાનક ટી.વી જોતાં જોતાં અનકોન્શિયસ થઈ ગયા. કંઈ બોલતા પણ નથી, બેભાન જેવા થઈ ગયા છે. તમે જલ્દી આવો. તનય ઉતાવળે હોસ્પિટલ દોડ્યો. પાપાની હાલત જોઈ તેણે પૈસા પાણીની જેમ વહેવડાવી દેવાની ડૉક્ટરને તૈયારી બતાવી અને કહ્યું. 'ડૉક્ટર, મારા પાપાને ઠીક કરી દો પ્લીઝ.' આટલું કહી તે દોડ્યો પોતાના પ્રિય મિત્ર જે જે દાદા પાસે. આજે ફરી તેણે પોતાના એ મિત્રને કાગળ લખ્યો, 'મારા પાપાને કંઈ નહી થવા દેતા દાદા, તેમને સાજા કરી દો.' તનયને વિશ્વાસ હતો કે હવે પાપાને કંઈ નહી થાય. તેણે આખી રાત હોસ્પિટલમાં ખડે પગે કશ્યપની ચાકરી કરી. સવારે રીચા ચા લઈ ને આવી ત્યારે તનય તેને બેસાડી ઘરે જવા નીકળ્યો. અચાનક તેને નાકા પર આવેલા તેના મિત્ર મહાદેવને મળવાની ઈચ્છા થઈ આવી અને તે અટક્યો. મહાદેવના શિવલીંગ સામે તેણે ગઈ કાલે મૂકેલો પત્ર હજીય તેમનો તેમ હતો. તનયને સમજાયું નહી કે મહાદેવે તેનો પત્ર વાંચ્યો હશે કે નહી? ઘરના દરવાજે આવી તે ઉંબરે પગ મૂકે તેટલાંમાં જ રીચાનો ફોન આવ્યો. તે રડતી હતી. 'તનય પપ્પાજી...' આજે જિંદગીમાં પહેલી વાર જે જે દાદાએ તનયની વાત નહોતી સાંભળી, બેભાન અવસ્થામાં હોસ્પિટલ ગયેલા કશ્યપનું નિષ્પ્રાણ શરીર ઘરમાં અંતિમવિધી માટે પાછું આવ્યું. ઘરમાં શોકનું વાતાવરણ હતું. બિલ્વા અને રીચા કશ્યપના શરીરને પગે લાગતા આક્રંદ કરી રહ્યા હતા. પણ તનયની આંખમાં જરાય ભીનાશ નહોતી. તેની આંખો જાણે પત્થર થઈ ગઈ હતી. મનોમન તેણે પોતાના જે જે દાદાને ફરિયાદ કરી.

કશ્યપના અંતિમ સંસ્કાર પતાવી ઘરે આવ્યા બાદ તનય પપ્પાનો ફોટો કાઢવા માટે તેમના રૂમમાં ગયો. પપ્પાનો કબાટ ખોલતાંની સાથે જ કપડાંની થપ્પી નીચેથી એક મોટું ખાખી કવર બહાર સરકી પડ્યું. જૂનાં ફાટી ગયેલા એ કવરમાંથી કેટલાંક કાગળ નીચે પડ્યા. ફર્શ પર આમ તેમ વિખરાઈ ગયેલા એ કાગળોને જોઈ તનયની આંખો અપલક રહી ગઈ. તેણે કાળજી પૂર્વક એક પછી એક કાગળ હાથમાં ઉંચક્યો. 'જે જે દાદા, આ વેકેશનમાં મારે લખોટી જોઈએ છે.' 'જે જે દાદા, પાપાને કહોને મને સાયકલ લાવી આપે.' 'આજે નિનાદ સાથે મારો ઝઘડો થઈ ગયો.' 'દાદા આજે પાપાએ મને ખૂબ માર્યું ? તમે એમને રોક્યા કેમ નહી ?' ફાટી ગયેલા પેલા ખાખી કવર પરના લખાણને વાંચતા તનય ચોધાર આંસૂએ રડી પડ્યો. 'મારા દીકરાના વ્હાલા મિત્ર જે જે દાદાને અર્પણ.' તનયના ગળે ડૂમો ભરાઈ આવ્યો, 'જે જે દાદા...' તેનાથી આગળ કંઈ બોલી નહી શકાયું. કોઈ નાના બાળકની જેમ રડી રહેલા તનયની આંખો સામેથી એ કાગળ પરના અક્ષરો ઓઝલ થવા માંડ્યા. પીળા પડી ગયેલા એ એક એક કાગળ તનયની આંખ માંથી નીકળતા આંસુથી ભીંજાઈ રહ્યા હતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED