વીરોને વરતી મતવાલી નાર Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરોને વરતી મતવાલી નાર

વીરોને વરતી મતવાલી નાર

વસુંધરા એટલે પૃથ્વી અને સ્ત્રી વીરોને વરતી હોય છે. વરતી એટલે પસંદ કરતી હોય છે. પછી એની પસંદ પૂરી ના પડે તે અલગ વાત છે. એટલે વસુંધરા વીર એટલે કે બળવાન પુરુષો પ્રત્યે અનાયાસ કેમ ખેંચાઈ જતી હોય છે તેની પાછળ રહેલું સૂક્ષ્મ સાયન્સ આજે તમને જણાવવા માંગુ છું. બાવડેબાજ પુરુષો સ્ત્રીની હમેશાં પહેલી પસંદ રહ્યા છે.

લૈંગિક(sexual) આકર્ષણ બહુ રહસ્યમય ચીજ છે. એના જાદુઈ સમીકરણ ઉકેલવાનો વૈજ્ઞાનિકો અને કલાકારો કાયમ પ્રયત્ન કરતા હોય છે. લૈંગિક આકર્ષણ વિષે એક સરસ ચિત્ર ઉપસાવવા વૈજ્ઞાનિકો અને કલાકારો ખૂબ સંશોધન કરતા રહેતા હોય છે. એટલે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ મેસ્કયુલિન પુરુષો પ્રત્યે અસહાય બનીને ખેંચાઈ જતી હોય છે. જોહ્ન અબ્રાહમ કે સલમાનખાન, મૅલ ગિબ્સન, સ્ટેલોન, ઋત્વિક રોશન કે અર્નૉલ્ડ પડદા ઉપર આવતા કેટલીય સ્ત્રીઓના મોઢામાંથી છુપા સિસકારા અને નિસાસા નીકળી જતા હશે? એનું સાદું સ્વાભાવિક કારણ એ છે કે આવા પુરુષો હેલ્થી હોય છે, અને ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સારી તંદુરસ્તીની કિંમત mating market માં ખૂબ ઊંચી હોય છે કારણ કે એનાથી રીપ્રૉડક્ટિવ સફળતા વધી જતી હોઈ શકે.

અગાઉના સંશોધન બતાવે છે કે મેસ્ક્યુલિન ફીચર અમુક વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા હોય છે જેવા કે આવા વ્યક્તિઓ તંદુરસ્તીથી ભરપૂર, અપર બોડીની મજબૂતાઈ ધરાવતાં, નુકસાનકારક સ્ટ્રેસ વગરના, સામાન્ય બીમારીઓનો સમયકાળ બહુ ઓછો, testosterone લેવલ હાઈ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતા હોય છે. આવા macho ફેસિયલ ફીચર ધરાવતા લોકો તંદુરસ્ત વધુ જણાતા હોય છે. પણ આવા સુંદર પૌરુષવાળું વ્યક્તિત્વ થોડી કિંમત ચૂકવીને મળતું હોય છે. હેલ્થી અને સ્ટ્રોંગ હોવા છતાં સ્ત્રીઓ ઇચ્છતી હોય છે તેવી લૉંગ ટર્મ રોમૅન્ટિક પાર્ટનરશિપ માટેની ક્વૉલિટી બાબતે થોડા ઉણા ઊતરતા હોય છે.

ઓછાં મેસ્કયુલિન ફીચર ધરાવતા લોકોની સરખામણીએ macho men શૉર્ટ ટર્મ સંબંધ માટે રુચિ ધરાવતાં, ઓછા વફાદાર જણાતા હોય છે. હાયર લેવલ testosterone ધરાવતા લોકો એમના પાર્ટનર અને બાળકોમાં સમય અને સંપદા ઓછી ફાળવતા જણાયા છે, ઈમોશનલી ઠંડા, અવિશ્વાસુ અને ક્યારેક બેડ ફાધર જણાતા હોય છે. ટૂંકમાં એમને બીજારોપણમાં રસ વધુ પછીની જવાબદારીઓ નિભાવવી બહુ ગમે નહિ. સ્ત્રીને લોંગ ટર્મ રીલેશનશીપમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. કારણ બાળક પેદા કરી એને ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે એને સોંપી છે. એક તો ગર્ભવતી થયા પછી તરત જ નવ મહિનાનો લાંબો ગાળો થોડી અસહાયતા અનુભવાય. એટલીસ્ટ નવ મહિના તો બીજ રોપનારનો સહારો, ટેકો અને હૂંફ તો જોઈએ જ.

બાળક જન્મ પછી પણ બહુ લાંબો ગાળો એને પગભર થવા જોઈતો હોય છે. એટલે લાંબો સમય પુરુષ એની મદદમાં ટકી રહે તો કામનું. સાથે સાથે લગ્નવ્યવસ્થા હાજર છે તો અહીં પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં સ્ત્રીઓ માટે સિરિઅલ મનોગમી શરુ થઈ છે. લગ્ન કરો, ડિવોર્સ લઇ લો અને ફરી બીજા પુરુષ સાથે લગ્ન કરો આ સિરિઅલ મનૉગમી એક જાતની પૉલીગમી જ કહેવાય.

તિબેટમાં સ્ત્રીઓ પૉલીગમી આચરે તેને પૉલીએન્ડ્રી કહેતા હોય છે. અહી તિબેટ્માં સિરિઅલ મનૉગમી જેવું છે નહિ. અહી ઘરમાં બે-ચાર ભાઈઓ હોય તો ચારે ભાઈઓ વચ્ચે એક જ પત્ની હોય છે. ઘરે રહેતા કામ પર બહુ ના જતા નાના ભાઈઓ દિવસે સંસર્ગ કરી લેતા હોય છે. ક્યારેક વિધુર બનેલા પિતા પણ આમાં જોડાઈ જતા હોય છે. આમ મેસ્કયુલિન પાર્ટનર પસંદ કરવામાં સ્ત્રીને વેપારમાં ખોટ જતી હોય છે. પણ પાછો આવો પુરુષ ભવિષ્યમાં મજબૂત બાળકો આપી શકે છે તે પણ અગત્યનું છે.

આમ macho men પસંદગીનાં ફાયદા ગેરફાયદા હોય છે. અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ શા માટે આવી પસંદગી કરવા મજબૂર થઈ જતી હશે? જે સ્ત્રીઓ પોતે તંદુરસ્તી બાબતે નબળી હોય તે તો ખાસ આવા પુરુષોને પસંદ કરતી જોવા મળી છે. અને ખાસ તો આવા પુરુષો દ્વારા પેદા થતા બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ લઈને પેદા થતા હોય છે. એટલે આમ તો લૉન્ગ ટર્મ રીલેશનશીપ માટે પ્રેમાળ અને કાળજી રાખનાર પુરુષ સ્ત્રીની પહેલી પસંદગી હોવી જોઈએ અને હોય છે પણ ખરી.

આમ છતાં આવા મસ્ક્યુલિન પુરુષો અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ એમને પસંદ કરવા મજબૂર થઈ જતી હોય છે અથવા એમના પ્રતિ આકર્ષાઈ જતી હોય છે એનું પગેરું કીટાણુ પ્રત્યેની સૂગ(pathogen disgust) કે નફરતમાં જોવા મળે છે તેવું ગ્લાસગો યુનીવર્સીટીના Benedict Jones અને તેમની ટીમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. કીટાણું પ્રત્યેની સૂગ સ્ત્રીઓને મસ્ક્યુંલિન વૉઇસ, ફેસ અને શરીર પ્રત્યે આકર્ષી શકે તેવી શક્યતા રહેલી છે.

આ ટીમે ત્રણ અભ્યાસ કર્યા હતા. અમુક સ્ત્રીઓને પ્રશ્નપત્રો અપાયા. એમને એમની ત્રણ પ્રકારની સૂગ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવવાની હતી. ૧) moral disgust નૈતિક સૂગ જેવી કે કોઈ મિત્ર છેતરતો હોય ૨) sexual disgust સેકસુઅલ સૂગ જેવી કે બે સાવ અજાણ્યા સેક્સમાં ઊતરે ૩) pathogen disgust કીટાણું પ્રત્યેની સૂગ જેવી કે કૂતરાના મળ ઉપર પગ પડી જાય. કોઈને છેતરવા જેવું અનૈતિક આચરણ કોઈ મિત્ર કરે તો આપણને નફરત થતી હોય છે. કોઈ સાધુ મહારાજ કામલીલા કરતા પકડાય ત્યારે પણ નફરત થતી હોય છે અને કોઈના મળ ઉપર પગ પડી જાય ત્યારે જબરી સૂગ ચડતી હોય છે. આ અભ્યાસમાં સ્ત્રીઓએ જરાય સૂગ ના ચડે ત્યાં ૦ માર્ક્સ આપવાનો હતો અને ભયંકર સૂગ ચડે ત્યાં ૬ માર્ક્સ આપવાનાં હતા. આમ જુદી જુદી સૂગ પ્રત્યે સ્ત્રીઓની સંવેદનશીલતા કેટલી છે તે મપાઈ જવાનું હતું.

હવે આજ સ્ત્રીઓને પહેલા અભ્યાસમાં ૬ પુરુષ જોડીઓના અવાજ કેટલા અને કયા અટ્રૅક્ટિવ લાગે છે બતાવવાનું હતું. એક જ રેકૉર્ડિંગને મેસ્કયુલિન (lower-pitched) અને feminine (higher-pitched) માં તબદીલ કરેલું હતું. બીજા અભ્યાસમાં જુદી જુદી સૂગ macho ફેશલ ફીચર અને મસ્ક્યુલર બૉડી પસંદગીમાં જવાબદાર હોય છે કે નહિ તે તપાસવાનું હતું. અહીં પુરુષોની “high masculinity” and “low masculinity ઇમેજ ઉપર રેટિંગ આપવાનું હતું.

અહીં ચાર ઑપ્શન અપાયા હતા. “much more attractive,” “more attractive,” “somewhat more attractive,” and “slightly more attractive.” ત્રીજા અભ્યાસમાં જે સ્ત્રીઓ કોઈ પુરુષ સાથે જોડાયેલી નહોતી તેઓએ એમના આઇડિઅલ પાર્ટનરની masculinity ને રેટ આપવાનો હતો અને જે સ્ત્રીઓ ઑલરેડિ પાર્ટનર ધરાવતી હતી તેઓએ એમના આઇડિઅલ અને ઍક્ચુઅલ પાર્ટનરની masculinity ને રેટ આપવાનો હતો.

આટલી બધી જધામણ પછી સંશોધકોને જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ કીટાણું પ્રત્યે સૂગ વધુ ધરાવતી હતી, વધુ સંવેદનશીલ હતી તેઓએ ઍક્ચુઅલ અને આઇડિઅલ બંને પાર્ટનરમાં macho ફેશલ ફીચર, લો-પિચ વૉઇસ અને સ્નાયુબદ્ધ શરીરને વધુ પસંદગી આપી હતી. મૉરલ અને સેકસુઅલ સૂગ macho ફીચર અને રોમૅન્ટિક પાર્ટનર પસંદગી માટે અર્થપૂર્ણ ધારણા બાંધી શકાય તેવી જણાઈ નહોતી. આમ એવું કહી શકાય કે જે સ્ત્રીઓને બીમારી ફેલાવે તેવા જીવજંતુઓ પ્રત્યે ભયંકર સૂગ ચડતી હોય તેવી સ્ત્રીઓ મજબૂત સ્નાયુબદ્ધ શરીર ધરાવતા પુરુષો પ્રત્યે વહેલી આકર્ષાઈ જતી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં એના દ્વારા પેદા થતા બાળકો મજબૂત અને સારી ઇમ્યૂન સિસ્ટમ ધરાવતા જલદી બીમાર નાં થાય તેવા પેદા થવાની શક્યતાઓ વધી જાય.

મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી પુરુષોના અવાજ, મુખારવિંદ અને સ્નાયુબદ્ધ શરીરની masculinity તરફ આકર્ષાય છે જાણતાં કે અજાણતાં એની પાછળનો મૂળ હેતુ એના ભવિષ્યમાં મળનારા બાળકો મજબૂત અને જલદી બીમાર નાં પડે તેવી એને આશા હોય છે. સ્ત્રીને ઓછી masculinity ધરાવતા પુરુષો લાંબા સહવાસ માટે ગમતા હોય છે કારણ એના બાળકોને એક પ્રેમાળ પિતા મળે જે કાયમ માટે એમને સાચવે. બસ આ વિરોધાભાસમાં સ્ત્રી કાયમ જીવતી હોય છે.

પક્ષીઓ મનૉગમી માટે પ્રખ્યાત હોય છે. મોટાભાગના પક્ષીઓ મનૉગમસ હોય છે, કાયમ જોડી બનાવીને જીવતા હોય છે. પણ વૈજ્ઞાનિકોએ ત્યાં પણ ખણખોદ કરી જોઈએ. ૪૦ ટકા પક્ષીઓના બચ્ચા એમની માતા કાયમ જોડી બનાવીને રહેતી હતી તેમના દ્વારા પેદા થયેલા નહોતા. મતલબ આ માદા પક્ષી ગુપ્ત રીતે બીજા નર પક્ષી સાથે સંસર્ગ કરાવી ઈંડા મૂકતી હતી. અને સચ્ચાઈ એ છે કે પેલો કહેવાતો પરણ્યો પોતાના બચ્ચા છે તેવું માની પારકા જેનિસની સારસંભાળ રાખ્યા કરતો હતો.

પુરુષને આપણે ભમરાની ઉપમા આપીએ છીએ તેમાં કોઈ શક જ નથી. સ્ત્રી લગભગ એક પુરુષ સાથે ટકી રહેવા આતુર હોય છે. એની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે, સ્ત્રી masculinity તરફ આકર્ષાઈ જાય છે તેની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે. સ્ત્રી ‘મૈ તુલસી તેરે આંગનકી’ કહી આખી જિંદગી દુખ વેઠવા તૈયાર હોય છે એની પાછળ એનું માતૃત્વ જવાબદાર હોય છે. સ્ત્રી ક્યારેક બેવફાઈ આચરે છે એની પાછળ પણ એનું માતૃત્વ છુપાયેલું છે જો સમજાય તો?

પણ આપણા પુરુષ પ્રધાન સમાજમાં તમામ બંધનો સ્ત્રીઓ માટે હોય છે. ૮૦ વર્ષનો ડોસો પણ ‘કચ્ચી કલી કચનાર કી’ ગાતો ગાતો ૧૬ વર્ષની સુંદરીની પાછળ વૃક્ષની આજુબાજુ હાંફતો હાંફતો ફરતો હોય છે. પણ સ્ત્રીએ તો સતિ સાવિત્રીબેન જ બનીને રહેવાનું. નહી તો પછી અગ્નિપરીક્ષા માટે તૈયાર હો જાઓ….જોહ્ન અબ્રાહમ અને સલમાનખાન કોને નથી ગમતા? પણ ભારતીય નારી થી બોલાય ખરું? એમના ખોં…ખોં…ખોં કરતા પતિદેવની વેધક નજર અગ્ન્યાસ્ત્ર જેવી જલદ હોય છે, જીવતા બાળી નાખે.

પુરુષપ્રધાન સમાજની માનસિકતાએ તો આપણા સાઇકાયટ્રિસ્ટ પણ એમની કૉલમમાં સફેદ જૂઠ જાણતા કે અજાણતાં લખશે કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ માટે મિત્રો ચિંતા નાં કરો તમારી પત્નિઓ બીજે જવાની નથી તમ તમારે જેટલા ફૂલના રસ ચૂસવા હોય તેટલા ચૂસો. કારણ આવું લખેલો આર્ટિકલ ટેબલ ઉપર આવે તો તંત્રીને પણ નિરાંત થઈ જાય કે ભલે ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલે ઘેર કાઈ ચિંતા જેવું નથી કેમકે એક ઍક્સ્પર્ટ ડૉકટરે કહી દીધું ઑથેન્ટિક થઈ ગયું. પુરુષ પ્રધાન માનસિકતા છે એવું કહેવું કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ. કુદરત પાગલ નથી. એક જ પ્રજાતિમાં નર પૉલીગમસ હોય અને માદા મનૉગમસ હોય તેવો ભેદભાવ કુદરત શું કામ કરે? એણે કર્યો પણ નથી.. હોય તો બંને પૉલીગમસ હોય અથવા બંને મનૉગમસ હોય. એક જાણીતા સાઇકાયટ્રીસ્ટ મહાશયે એમનાં નિયમિત આવતા સ્તંભ લેખમાં લખેલું કે સ્ત્રી મનૉગમસ હોય છે અને પુરુષ પૉલીગમસ હોય છે.

પૉલીગમી નેચરલ છે અને મનૉગમી સામાજિક જરૂરિયાત છે.

તો મિત્રો આમાંથી શું સાર લીધો? અરે! બુદ્ધિના સાગરો ઉઠાવો ડમ્બેલ્સ કરો કસરત અને બનો સંતાનોની કાળજી રાખનાર પ્રેમાળ પિતા. સવા અબજ થઈ ગયા છો હવે ભમરા બનવાની ક્યાં જરૂર છે? તમને એક ડાળે વળગી રહેલા ફૂલની કદર કરો. મિત્રો આ એક વાક્ય લખવા માટે મારે કેટલી બધી જહેમત કરવી પડી? સીધે સીધું લખી દઉં તો માનો ખરા?

મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે ( આ તો ફ્રૉઇડ જાણતો જ નહોતો)

” ગોરી ચલોના હંસકી ચાલ, જમાના દુશ્મન હૈ” કે “મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે”, આવા ફિલ્મી ગીતો સાંભળીયે તો આશાપારેખ, નંદા કે સ્નેહલતા જેવી વિશાલ નિતંબ ધરાવતી અભિનેત્રીઓની હીંડછા એટલે કે ચાલવાની ઢબ શિકારને લલચાવવા પાંજરામાં મૂકતાં ખાજ જેવી લાગે.

સ્ત્રીને ગમતું હોય કે ના ગમતું હોય પણ જ્યારે તે અંડ મોચન() અવસ્થામાં હોય ત્યારે એના હાવભાવ બદલાઈ જતા હોય છે. બીજા મૅમલ્સની જેમ હ્યુમન માદા પણ જબરદસ્ત કામજ્વર અનુભવતી હોય છે. આપણાં પ્રાચીન પૂર્વજો ચિમ્પૅન્ઝી કે એવા બીજાની જેમ હ્યુમનમાં ઑવુલ્યેશન પ્રગટ જાહેરાત કરતું નથી હોતું. આ પ્રાણીઓના જેનિટલ ભાગ સૂજીને ગુલાબી થઈ ગયા હોય છે. સ્ત્રીમાં સમજ પડે નહિ કે તે આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. સ્ત્રીને તો ખબર હોય પણ પુરુષને ખબર પડે નહિ.

સ્ત્રીઓ માટે ઈવૉલ્વ થયેલી છે. પ્રછન્ન અંડ મોચન અવસ્થા ધરાવતી સ્ત્રી, પુરુષ માટે કાયમ ધારણા બાંધવા પ્રેરતી હોય છે કે તેને ગર્ભવતી બનાવવાનો ઉત્તમ સમય કયો? આ એક એનામાં લાંબા સમય સુધી સેકસુઅલ ઇંટરેસ્ટ જાળવી રખાવાની યુક્તિ છે. પ્રાણીઓમાં તરત ખબર પડી જાય કે બહેનબા હીટમાં છે. જબરો નર સ્પર્મદાન કરી રવાના થઈ જાય. જવાબદારી પૂરી.

માનવમાં લાંબા સમયની રિલેશનશીપ જરૂરી છે. એકલાં હાથે જેનિસ ઉછેરવા મુશ્કેલ હોય છે. કારણ માનવબાળ બહુ લાંબો સમય મોટા થવા માબાપ પર આધારિત રહેતું હોય છે. બીજા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભા થઈ જતા હોય છે. એકબે વર્ષમાં તો પુખ્ત જેવા બની જતા હોય છે. એટલે માનવ નર જાણતો ના હોય કે માદા સૌથી વધુ ફળદ્રુપ ક્યારે છે ત્યારે તે હંમેશા એને ગર્ભવતી બનાવવા પાછળ પાછળ ફરતો હોય છે એને તરછોડીને જતા રહેવાને બદલે.

આમ લગભગ ગુપ્ત અંડમોચન અવસ્થા પુરુષને સ્ર્ત્રી સાથે લાંબો સમય ચોટાડી રાખવાની ઉત્ક્રાંતિની યુક્તિ કામ લાગી જાય છે. છતાં આ કામજ્વર સાવ છૂપો પણ હોતો નથી. તે સમયના એના ઠાઠમાઠ એની ચાડી ખાતા હોય છે. ઑવ્યુલેશન વખતે જે હૉર્મોનલ કૉકટેલ સેવામાં ઊતરતા હોય છે તેને સ્ત્રી વશ થઈ જતી હોય છે. તેનું બોલવાનું હાઈ પીચમાં થઈ જતું હોય છે, એની સૂંઘવાની શક્તિ બેટર બની જતી હોય છે. બ્લડ વૅસલ ઍક્ટિવિટિ વધી જવાથી મુખ પર લાલી છવાઈ જતી હોય છે. સેક્સી દેખાય તેવા કપડા પહેરતી હોય છે. બાલ સવારવા, સ્ટાઇલથી બાલ ઉછાળવા, ઝૂકી ઝૂકીને બોલવું વગેરે અચેતનરૂપે થતું હોય છે.

Gueguen નામના વૈજ્ઞાનીકે ૧૦૩ સ્ત્રીઓ ઉપર પ્રયોગ કરેલો. આ સ્ત્રીઓને ખબર નહોતી કે તેમની ઉપર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ઍક્ટર જેવા દેખાતા હૅન્ડસમ પુરુષો આ પ્રયોગમાં સામેલ કરેલા. પ્રયોગનો મૂળ હેતુ હતો ઑવુલ્યેશન સમયે સ્ત્રીઓની ચાલવાની સ્ટાઇલ બદલાય છે કે નહિ તે જોવાનું હતું. હિડન કૅમરા અને કમ્પ્યૂટર પણ આમાં વપરાયેલા. સ્ત્રીઓના (LH) જે લાળમાં હોય છે તેના લેવલ પણ ચેક કરવામાં આવેલા. આ સમયે સ્ત્રીની ચાલ ધીમી અને ખૂબ સેક્સી જણાઈ હતી. આ સમયે સ્ત્રીનું વર્તન અટ્રૅક્ટિવ અને સેક્સી બની જતું હોય છે.

મૂળ તો માનવ બે પગે ઊભો થઈ ગયો એટલે જેનિટલ અંગો પ્રાણીઓની સરખામણીએ જરા ગુપ્ત થઈ ગયા. વળી એમાં કપડા પહેરવાનું શરુ થઈ ગયું. એટલે લાલ રંગનું ઑવુલ્યેશન હિડન થઈ ગયું, કંસીલ્ડ થઈ ગયું. પરંતુ ‘મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે’ ત્યારે સમજનારા સમજી જાય, વીર પુરુષો તરત સમજી જાય કે હવે સમય થઈ ગયો છે, પ્રેમમાં પડવાનો કે પાડવાનો.