સૉનેટ - એક કાવ્યપ્રકાર Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૉનેટ - એક કાવ્યપ્રકાર

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : સૉનેટ - એક કાવ્યપ્રકાર

શબ્દો : 1636
સજેસ્ટેડ શ્રેણી : માહિતીપ્રદ / શૈક્ષણિક

સૉનેટ - એક કાવ્યપ્રકાર

સૉનેટની ઉત્પત્તિ :

આ પહેલાના લેખમાં આપણે બહુ જ ટૂંકમાં જોઈ ગયાં જ છીએ એટલે સૉનેટ ક્યાંથી ને કઈ રીતે આવ્યું એની પળોજણમાં હવે નહીં પડતાં કેટલીક સાલવારી જોઈને સંતોષ લઈશું.

વ્યુત્પત્તિ :

ઈટાલિયન શબ્દ Suono (અવાજ); sonnetto (જરીક અવાજ); Sonare (વાદ્ય વગાડવું; Sonnetto (વાદ્ય સાથે ગવાતું કાવ્ય); ખેતરમાં કામ કરતાં ગવાતાં આપણાં ખાયણાંની જેમ દ્રાક્ષના વેલાઓમાં કામ કરતાં ગવાતાં Stornelli; ઉપરાંત Sonnette (ઘેટાંઓને ગળે બાંધવામાં આવતી ઘંટડી) વગેરે શબ્દો અને તેના પ્રાસંગિક અર્થોમાંથી આ સૉનેટ શબ્દ ઊતરી આવ્યો છે. કાવ્યમાંય આવા શબ્દોના ઇતિહાસ કેવા રોમાંચિત હોય છે !

સર્જકો–ઉપાસકો–પ્રસારકોઃ

એનું જન્મસ્થળ તો નિશ્ચિતરૂપે ઈટાલી જ. તેરમા સૈકામાં કાવ્યસાહિત્યના કોલંબસ ગણાતા ગ્વીતોનીએ આ પ્રકાર આરંભીને ખેડયો. મહાકવિ દાન્તે પછી આવે છે પેટ્રાર્ક જેણે ગ્વીતોનીના બંધને સ્વીકારીને ૩૦૦થી વધુ રચનાઓ કરી. એ સૉનેટનો જનક નથી છતાં એની સર્જકતાએ કરીને એના નામ પરથી સૉનેટનો એક પ્રકાર બન્યો. પછી એ અંગ્રજીમાં ખેડાવું શરૂ થયું. ચૉસર નામક અંગ્રેજીનો આદી કવિ પણ આ પ્રકારમાં રચનાઓ કરે છે. પણ અંગ્રજીમાં સૉનેટ ઘડાયું તે ટૉમસ વાયટ અને અર્લ ઓફ સરે દ્વારા. વાયટને અંગ્રેજીનો આદિ સૉનેટ કવિ કહેવાય છે.

સોળમા દાયકામાં તો તીડનાં ટોળાંની જેમ અનેક દેશોમાંથી સર્જકો એના પર ઊતરી આવ્યા. સરેએ સૉનેટના સ્વરૂપમાં જે છૂટછાટો લીધી એનો આધાર લઈને શેક્સપીઅરે તો પોતાની આગવી છાપ ઊભી કરી દીધી, જેને કારણે પછી તો એ સૉનેટરચનાના કાનૂન તરીકે સ્વીકારાઈ ! પ્રિયતમાને ખુશ કરવા માટે કે રાજદરબારમાં પ્રવેશ મેળવવા માટે સૉનેટસર્જન જાણે અનિવાર્ય હતું !!

વચ્ચેના ગાળામાં મહાકવિ મિલ્ટને પણ યાદગાર કૃતિઓ આપી. વર્ડઝવર્થે એનો પુનરોદ્ધાર કર્યો અને કિટ્સ, રોઝેટી, મિસીસ બ્રાઉનીંગ વગેરે કવિઓના દ્વારા સૉનેટ યુનિવર્સિટીઓના શિક્ષણમાં પ્રવેશ મેળવી ચૂક્યું હોઈ આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં પણ પ્રવેશ પામ્યું.

ગુજરાતીમાં સૉનેટને લાવનાર કૃતિ તે બ.ક.ઠા.નું ‘ભણકારા‘,(પ્રગટ થયું ૧૯૪૮). કવિ કાન્ત નહીં પણ પ્રો. બ.ક.ઠા. જ ગુજરાતી સૉનેટના જનક છે. એમની પહેલાં જમશેદજી ન.પીતીતે પાંચ ખંડમાં વિભાજિત લાંબી કૃતિ આપી હતી જે ચૌદચૌદ લીટીમાં હતી. પણ ચૌદ લીટી એ સૉનેટની એકમાત્ર શરત તરીકે ક્યારેય સ્વીકારાઈ નથી એ આપણે જોયું.

મરાઠી અને બંગાળીમાં પણ…..

પ્રો.ઠાકોર કહે છે કે મરાઠીમાં પણ સૉનેટો આવ્યાં ‘ભણકારા‘ પછી. ગુજરાતી કરતાં મરાઠીમાં તે બહુ મોડું પ્રચાર પામ્યું. પણ બંગાળમાં સાવ એવું નથી. છેક ૧૯મી સદીના મધ્યમાં બંગાળી કવિઓ એને પ્રગટ કરે છે. બંગાળીમાં સૉનેટે બહુ જ ઉચ્ચ કોટિ પ્રાપ્ત કરી હતી. એવું પણ કહેવાયું હતું કે જો પ્રતિભાવંત સર્જકોને હાથે એને વધુ ખેડાય તો એ ઈટાલિયનને પણ ટક્કર મારી શકે.

સૉનેટનાં બંગાળી– મરાઠી–ગુજરાતીમાં નામકરણો !! )

સૉનેટને બંગાળીઓએ ‘ચતુર્દશકવિતા’ કહ્યું હતું. ત્યાંના પ્રસિદ્ધ સાહિત્યકાર એને ‘સનેટ’ કહે છે. જોકે બંગાળીમાં ‘અ’ નો ઉચ્ચાર ‘ઓ’ થાય એટલે સનેટ પછી આમ તો સૉનેટ રૂપે જ ઉચ્ચારાતું હશે.

મરાઠીવાળાઓએ સૉનેટનાં ઘણાં નામ પાડ્યાં જણાય છે. ‘ચતુર્દશક’, ‘ધ્વનિત’, ‘સ્વનિત’, ‘સુનિત’ વગેરે નામો એને મળ્યાં છે. મરાઠીના બે કવિઓએ તો આખા કાવ્યસંગ્રહો જ સૉનેટમાં પ્રગટ કરીને એ સંગ્રહોને નામ આપ્યાં તેય આ કાવ્યપ્રકારને અનુસંધાને ! એકે નામ આપ્યું, ‘તુટલેલે દુવે’ અને બીજાએ આપ્યું, ‘સિનીતિકા’ !

ગુજરાતીઓ પણ પાછળ શા માટે રહે ? આપણા પ્રો. ઠાકોરે ‘ચતુર્દશી‘ નામ આપ્યું હતું, જ્યારે ખબરદારે એને માટે ‘ધ્વનિત‘ યોજ્યું. પટેલનું પતીલ કરનાર આપણામાંના એકે તો ‘સનિટ્‘ પણ કહ્યું.

પણ છેવટે તો ઉમાશંકરભાઈ કહે છે એમ આપણે અનેક અંગ્રેજી શબ્દો અપનાવ્યા જ છે તો આ કાવ્યપ્રકાર માટે પણ એનો મૂળ શબ્દ જ રહે તોય શું ખોટું છે !! ભલે એ પોતાનું નામ પણ લેતો જ આવે !!
સૉનેટનાં મુખ્ય બે સ્વરૂપો – બાહ્યરૂપ અને આંતરિક સ્વરૂપ.

કોઈ પણ કાવ્યનો પરિચય એના બાહ્ય અને આંતરિક સ્વરૂપ જોઈને જ મેળવી શકાય એ જાણીતી વાત છે. પણ, સૉનેટ જેવા વિશિષ્ટ સ્વરૂપમાં તો –

૧) નિશ્ચિત પંક્તિ સંખ્યા,

૨) દરેક પંક્તિનું માપ,

૩) કુલ પંક્તિઓ અને વિભાગો,

૪) પ્રાસયોજના.

આ એના બાહ્યસ્વરૂપને સમજવા માટેના માપદંડો છે. સૉનેટ જે રીતે બધા કાવ્યપ્રકારોથી અલગ પડી જાય છે તે જેમ તેના આ બાહ્ય સ્વરૂપથી છે તેમ તેના ખાસ તો આંતરસ્વરૂપથી જુદું પડી જાય છે. ઉમાશંકર જોશી તો કહે છે કે –

“પણ આ કલાસ્વરૂપનું આકર્ષણ વસે છે, નહીં કે એના લટકમટક ભભકભર બહિરંગમાં; એ તો છુપાયું છે એના આગવી રીતે વ્યક્ત થવા માગતા વક્તવ્યની વૈયક્તિકતામાં, એટલે કે ચોક્કસ પ્રાસયોજનાના ઠઠેરાથી લાદેલી કોઈ પણ ચૌદ લીટીની પદ્યકૃતિ તે સૉનેટ નામને પાત્ર નથી એ તો જાણે ખરું જ, પણ ખરેખર એવી કાવ્યત્વમય ચૌદ લીટી પણ અંતર્ગત ભાવ કે વિચારની, આવી વિશિષ્ટ રચનામાં વહેવા માટે દાવો કરી શકે એવી અનિવાર્ય આવશ્યકતા વિનાની હોય તો સૉનેટ ગણવાને લાયક નથી. અલબત્ત, તેથી એમાં કાવ્યત્વ હોય તો એને કાવ્ય ગણવામાં બાધ આવવાનો નથી.”

આ વક્તવ્યને સમજીએ –

૧ – સૉનેટનું આકર્ષણ એના બાહ્ય લટકામાં નથી –

૨ – એ આકર્ષણ વસ્યું છે એના વક્તવ્યના ‘હટકેપણા’માં –

૩ – કોઈ પણ ચૌદ પંક્તિની પદ્યકૃતિ સૉનેટ બની જતી નથી –

૪ – એવી જ રીતે કાવ્યત્વમય ચૌદ લીટી હોય પણ સૉનેટમા જરૂરી એવા ભાવ કે વિચારના પંક્તિખંડો ન પડતા હોય તો પણ તે સૉનેટ નથી –

૫ – ચૌદ લીટીનું હોય અને કાવ્યત્વ પણ હોય પરંતુ બાકીની શરતો ન પાળતું હોય તો એને સૉનેટ નહીં પણ કાવ્ય જરૂર કહી શકાય….

બીજી રીતે કહીએ તો ચૌદ લીટી એ માળખું થયું – એમાં કાવ્યત્વ હોય તો ચૌદ લીટીનું બને કાવ્ય – પણ ‘કાવ્ય‘ હોવા છતાં, એ ‘સૉનેટ’ ન પણ હોય !!

તોય ––

પણ અહીં એક વાત કહ્યા વિના આ બાહ્ય સ્વરૂપની વાત પૂરી કરવાનો અર્થ જ નથી. શ્રી ઉ.જો. કહે છે તેમ સૉનેટનું સ્વરૂપ સુભાષિતાત્મક ગ્રીક ‘એપીગ્રામ’, સંસ્કૃત ‘મુક્તક’, જાપાની હાઈકુ–તાન્કા, ગુજરાતી દુહા–છપ્પા–સોરઠા વગેરેની સાથે સામ્ય ધરાવે જ છે. એટલે જો કોઈ એના આંતરસ્વરૂપની ચર્ચામા ભળી જઈને આ બધા કાવ્યપ્રકારો સાથે એને મૂકી દે તો એનો કોઈ અર્થ જ નથી. અને તેથી જ સૉનેટના બાહ્યસ્વરૂપને પણ યાદ રાખીને એને અન્ય કાવ્યસ્વરૂપો સાથે ભળી જતું અટકાવવું પડે. આમ સૉનેટનું બાહ્યસ્વરૂપ પણ સ્વરૂપની ઓળખ માટેય મહત્ત્વનું તો છે જ.

સૉનેટનું બાહ્ય સ્વરૂપ –

સ્થૂળ દૃષ્ટિએ જોતાં સૉનેટમાં જે જરૂરી તત્ત્વો છે તે મુખ્યત્વે આટલાં ગણાયઃ

૧) પંક્તિસંખ્યા,

૨) પંક્તિવિભાગ,

૩) પંક્તિમાપ અને

૪) પ્રાસયોજના.

આ બધાંને ટૂંકમાં વારાફરતી જોઈ જઈએ –

સૉનેટમાં કેટલી પંક્તિઓ જોઈએ ?

એ ચૌદ લીટીનું હોય છે, ને એટલા માત્રથી ઓળખાઈ જાય છે. શા માટે ચૌદ જ લીટી ? વધુ કે ઓછી કેમ નહીં ? વગેરે સવાલો એની સામે બહુ પુછાયા કર્યા છે. પણ જેમ છંદનું બંધન એ બંધન હોવા છતાં સિદ્ધહસ્ત સર્જકોને એ ક્યારેય નડતું નથી એ જ રીતે ચૌદ લીટીના બંધનને પણ સર્જકો મુક્તવિહારનું માધ્યમ ગણી કાઢે છે. સૉનેટમાં ચૌદ પંક્તિ અનિવાર્ય ગણવામાં આવી છે અને તે જ સ્વીકૃત રહી છે.

સૉનેટની પંક્તિઓમાં ભાવ કે વિચાર મુજબની ખંડયોજનાઃ

સૌથી જૂની પ્રણાલીમાં સૉનેટના બે ભાગ પાડવામાં આવે છે. પ્રથમ ભાગ આઠ લીટીનો અને બીજો છ લીટીનો. આ રીત બહુ સમય સુધી સ્વીકાર્ય રહી, એટલું જ નહીં, આજે પણ એનું એટલું જ મહત્ત્વ છે.

પરંતુ ઈંગ્લેન્ડમાં સરે વગેરેએ ચાર ચાર પંક્તિઓના ત્રણ ભાગ અને છેલે બે પંક્તિનો એક એમ વિભાગ પાડયા પછી આ પ્રકાર પણ એટલો જ લોકપ્રિય થયો. સૌ જાણે છે તેમ શેક્સ્પીઅર પછી તો એનું નામ જ શેક્સ્પીરીઅન સૉનેટ પડી ગયુ !

મિલ્ટનથી માંડીને અનેક સર્જકોએ જે પ્રયોગો કર્યા એની ગણતરી કરવાનું સહેલું નથી ! મિલ્ટન જેવા કોઈએ સળંગ ચૌદ લીટી રાખી; દાન્તેએ ૬–૬–૨ એમ યોજના કરી; સાત–સાતના બે સાત–સાતના બે વિભાગો પણ પડયા; ઉપરાંત છ–આઠ; પાંચ–ચાર–ત્રણ–બે માપ પણ પ્રયોજાયા. એટલું જ નહીં પણ કેટલાંકે તો સાડા આઠ–સાડાપાંચ કે પછી સાડાનવ–સાડાચાર એવા ભાગ પણ પાડી બતાવ્યા !!

“ સૉનેટના કથયિતવ્યમાં પોતામાં જ કંઈક વળાંક, મરોડ, ઊથલો, પલટો,ગુલાંટ જેવું હોય છે. એની ગેરહાજરીમાં કોઈ પણ કાવ્યકૃતિ સૉનેટ નામ માટે અધિકારી નથી….આવો વળાંક – સ્થૂળ કે સૂક્ષ્મ –જ્યાં ન હોય ત્યાં સૉનેટરચના સંભવી ન શકે….

“સૉનેટને અંતે વિચારતરંગના વિલયને બદલે કોક વાર પ્રચંડ પછડાટ પણ હોય છે. તો પણ ઉપરના સાદૃશ્યનિરૂપણમાં સૉનેટરચનાના એક અત્યંત આવશ્યક એવા તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તત્ત્વ તે તરંગની ગતિમાં પલટો, એટલે કે વિચાર કે ઊર્મિના નિરૂપણમાં વળાંક….”

સનાતની કહેવાય એવા વિવેચકો તો સૉનેટના માળખાંના બે ભાગ પાડીનેય સંતુષ્ટ નથી ! તેઓ તો કહે છે કે બન્ને ઘટકો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારાં હોય છે !…પણ આપણે એના એટલા ઉંડાણમાં નહીં જઈએ…

પણ એ ચૂસ્ત વિવેચકોની બેએક વાતો તો જાણવી જરૂર ગમે. તેઓ કહે છે કે ૪–૪–૪–૨ની રચનામાં પણ પ્રથમ ૮ લીટી અને પછીની ૬ લીટી વચ્ચે સ્પષ્ટ ભેદ હોવા જોઈએ. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે પ્રથમ આઠ લીટી અને પછીની છ લીટીમાંય પ્રથમ ખંડ કાવ્યના વસ્તુની પ્રસ્તાવના માટે અને બાકીની છ લીટીનો ખંડ પ્રધાન વસ્તુ માટે હોય.

ઉમાશંકરભાઈ કહે છે તેમ, “ આઠ અને છ પંક્તિ જેવા ભાગ કેમ એ પ્રશ્નનો ઉત્તર નહિ પણ સમજૂતિ માટે કહી શકાય કે મોજાંની ભરતી માટે આઠ અને ચોટ માટે છ; સત્યની સ્થાપના માટે આઠ અને જીવનમાં તેની પ્રવૃત્તિ જોવા માટે છ; કોઈ એક વસ્તુના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેનું સાદૃશ્ય કે વિરોધ નિરૂપવા માટે છ લીટી – એમ વિભાગ કરવા તે…ઠીક લાગે. આપણે આ વિભાગીકરણને સૉનેટકલાના સ્વયંભૂ લક્ષણ તરીકે જ લેખીશું.”

પંક્તિનું માપઃ

ઈટાલિયન સૉનેટમાં ૧૧ અક્ષરોની પંક્તિવાળા છંદોનો રિવાજ જણાયો છે, તો અંગ્રેજીમાં ૧૦ અક્ષરો વાળા છંદો વધુ લેવાયા છે જ્યારે ફ્રેંચ સૉનેટમાં ૧૨ અક્ષરોવાળા છંદોનું મહત્ત્વ રહ્યું જણાય છે.

અંગ્રેજી ભાષાના છંદોની રચના ખાસ કરીને સ્વરતત્ત્વ ઉપર થયેલી હોઈ અને આપણી ભાષાઓમાં મુખ્યત્વે

સ્વરનું તત્ત્વ લુપ્ત જેવું જ હોઈ બન્ને ભાષાઓની છંદવ્યવસ્થા સાવ નોખી જ છે. ત્યાંના જેવો છંદ આપણે ત્યાં સંભવ નથી. છતાં આપણે ત્યાં છંદની બાબતે કોઈ નિયમ બાંધવાનું અશક્ય તો ન હોવા છતાં આપણે વિવિધતાને હંમેશાંની જેમ આવકારી છે. ગુજરાતીમાં સૉનેટ માટે અનેક છંદો પ્રયોજાયા છે તે જ દર્શાવે છે કે આપણે છંદ બાબતે કોઈ છોછ રાખ્યો નથી…

છતાં એટલું તો ખરું જ કે સૉનેટ એ મુખ્યત્વે વિચારપ્રધાન કાવ્યપ્રકાર હોઈ એમાં રાગડા તાણીને ગાવાની કોઈ જ શક્યતા નથી ! સૉનેટ મુખ્યત્વે પઠનક્ષમ કાવ્યપ્રકાર છે.વળી આ પ્રકારને આપણા અક્ષરમેળ વૃત્તો જ વધુ માફક આવે એમ હોઈ ખાસ કરીને પૃથ્વી છંદ એમાં વધુ સફળ રહ્યો છે. પૃથ્વી છંદ અગેયતાની દૃષ્ટિએ પણ સૌથી વધુ અનુકૂળ જણાયો છે. પંક્તિમાંના અક્ષરોની સંખ્યાની રીતે કહીએ તો આપણે ત્યાં ૧૪થી ૧૯ અક્ષરોવાળા છંદો સૉનેટ માટે આદર્શ ગણાય.

સૉનેટ કાવ્યોમાં કોઈ એક જ છંદ આખી કૃતિ માટે હોય એવું પણ અનિવાર્ય નથી. એક જ સૉનેટમાં એકથી વધુ છંદોનાં મિશ્રણો થયાં જ છે અને તેને આવકાર્ય પણ ગણાયાં છે.


સૉનેટસર્જકોએ માનવીય સંવેદનો, પ્રકૃતિની વિવિધલીલા, તેનાં તત્વો, પ્રણયનાં વિવિધ ભાવરૂપો જેવા વિષયો એમાં નિરૂપાયા છે. વિવિધ છંદપ્રયોગો પણ થયા છે. ગુજરાતીમાં આ કાવ્યપ્રકારને મુક્તવિહારનું વાતાવરણ મળ્યું છે. ફક્ત ચૌદ પંક્તિમાં ભવ્ય વસ્તુ અહીં કલારૂપ પામે છે.તે ‘સૉનેટ’. સૉનેટ લઘુક દેહધારી કાવ્યસ્વરૂપ હોવાં છતાં તેની ઉડાન વિરાટ અને ઊંચી છે.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888