સ્ત્રીઓ ધાર્મિક વધુ ક્રિમિનલ માઈન્ડ ઓછી Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રીઓ ધાર્મિક વધુ ક્રિમિનલ માઈન્ડ ઓછી

સ્ત્રીઓ ધાર્મિક વધુ ક્રિમિનલ માઈન્ડ ઓછી

આ સ્ત્રીઓ ધાર્મિક વધારે હોય છે તેવું બધે જ જોવા મળે છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ પુરુષો કરતા સ્ત્રીઓ વધુ ધાર્મિક જોવા મળશે. માનવ ભયભીત હોય છે, આતંકિત હોય છે. સર્વાઈવ થવા માટે ભય જરૂરી પરિબળ છે. અને એના લીધે માનવી દોરડાને સાપ સમજી ફોલ્સ પોજીટીવ એરર કરતો રહેતો હોય છે. અને એમાંથી સુપર નેચરલ શક્તિઓમાં માનતો થઈ જતો હોય છે. એમાંથી ધાર્મિક બનતો અને ભગવાનમાં માનતો થઈ જતો હોય છે. સાપને દોરડું સમજવાનો ફોલ્સ નેગેટિવ એરર તો કરાય નહિ, જીવથી જતો રહે. માટે જ આપણે દરેક સાપને ઝેરી સમજી લઈએ છીએ. જાણીએ છીએ કે બધા સાપ ઝેરી હોતા નથી. પણ કયો ઝેરી હશે અને કયો બિનઝેરી? માટે દરેકને ઝેરી સમજી એનાથી દૂર રહેવું સારું. આ પણ એરર મૅનેજમેન્ટ જ છે. સાપનો ભય આપણને આપણા આદી પૂર્વજ તરફથી જિનમાં મળેલો છે. માટે આજે પણ સાપને જોયો નથી કે મારો ઠાર.

એક સર્વે કરવામાં આવેલો દુનિયાના આશરે ૭૦ દેશોમાં કપલ્સને બે સવાલો પૂછવામાં આવેલા કે (૧) ભગવાનમાં માનો છો? (૨) ચર્ચમાં જાઓ કે ના જાઓ તમે ધાર્મિક છો? નથી? કે એથિઈસ્ટ છો. થોડા અપવાદ સિવાય લગભગ દરેક જણા ધાર્મિક તો હતા પણ એમાંની સ્ત્રીઓ વધારે ધાર્મિક હતી પુરુષો કરતા. એમાં પણ રશિયામાં આ તફાવત બહુ હતો. જ્યાં પુરુષો ઓછા ધાર્મિક હતા ત્યાં સ્ત્રીઓ ખૂબ વધુ ધાર્મિક હતી. ચીનમાં ઓફિસિયલ એથિઈઝમ ચાલે છે. છ મહાખંડમાં બધે જ કોઈ ને કોઈ ધર્મ ચાલતા જ હોય છે. દરેક જગ્યાએ સ્ત્રીઓ પુરુષો કરતા વધુ ધાર્મિક જણાઈ છે. સમાજશાસ્ત્રીઓ આના વિષે જાતી આધારિત સમાજીકરણ થતું હોય છે તેમ ખુલાસો આપતા હોય છે, કે ભાઈ સ્ત્રી એક માતા છે અને તેનું કામ બાળકોને પોષણ આપવાનું, મોટા કરવાનું અને નૈતિક બનવાનું શિક્ષણ આપવાનું, સદાચાર શીખવવાનો વગેરે વગેરે હોય છે. બીજું સ્ત્રી માટે તેના પતિ અને કુટુંબ માટે સમર્પણની ભાવના રાખવાની હોય છે. માટે આ બધી બાબતો તેને વધારે ધાર્મિક બનાવતી હોય છે. ઘણા એવું કહેતા હોય છે કે સ્ત્રીને બહાર કમાવા માટે જવાનું હોતું નથી માટે એને ઘણો સમય મળતો હોય છે પૂજા પાઠમાં અને પ્રાર્થના કરવા માટે. જે દેશોમાં ધાર્મિક કટ્ટરતા વધુ હોય ત્યાં તો ચાલો સમજી એ કે સ્ત્રીઓને બહાર નીકળવાનું નથી, પણ મૉર્ડન વિચારસરણી ધરાવતા દેશોમાં અને જ્યાં સ્ત્રીઓ બહાર કામ કરતી હોય છે એમને એમના બાળકોને પાળવા પોષવાની જવાબદારીઓ જૂજ હોય છે ત્યાં પણ જોવા મળ્યું છે કે સ્ત્રીઓ જ વધુ ધાર્મિક હોય છે. સ્ત્રી ગમે તેટલી મૉર્ડન દેખાતી હોય, હોય છે તો ધાર્મિક જ.

ચાલો ઈવલૂશનરી સાઇકોલૉજી શું કહે છે જાણીએ. એક તો પોતાનો વંશ ચાલુ રાખવો, પોતાની એક કોપી પાછળ મૂકતા જવું તે દરેકના જિન્સમાં સમાયેલું હોય છે. એના માટે જીવના જોખમે પ્રયત્ન કરવો તે માનવ સ્વભાવમાં સહજ છે. તેના માટે દરેક સ્ત્રીને પોતાનામાં રસ છે જ તેવી વધુ પડતી ધારણાઓ બાંધીને તેને ઑફર કરવી કે પટાવવી, ભલે ના પાડે પણ ફોલ્સ પોજીટીવ એરર કરતા રહેવું. આના લીધે લગભગ દરેક સ્ત્રીને બાળકો હોય છે. ભાગ્યેજ કોઈ સ્ત્રી હશે જેને બાળકો નહિ હોય. આની સહજ વ્યવસ્થા રૂપે પછી પાછળથી લગ્ન વ્યવસ્થા આવી ગઈ. વળી પહેલાના દરેક સમાજ બહુસ્ત્રીગામી હતા. વધુ સ્ત્રીઓ રાખવી તે સામાન્ય સહજ હતું. એમાં ઘણા બધા પુરુષોને વંશ ચાલુ રાખવા, પોતાની કોપી પાછળ મૂકી જવા માટે સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહોતી. એટલે આના માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડતી એમ પુરુષો રિસ્ક ટેકર હતા. સ્ત્રીઓ રિસ્ક ટેકર નહોતી. કારણ દરેક સ્ત્રી પાસે એકાદ સંતાન તો હોય જ. વળી બાળક મોટું કરવાની પ્રાથમિક જરૂરિયાત માતાની રહેતી. માતાના ધાવણ વગર બાળક જીવવું મુશ્કેલ. હવે જો સ્ત્રી જોખમ લેતી થઈ જાય તો એના મરવાના ચાન્સ વધી જાય. હવે અકાળે મરી જાય તો નાના બાળકને મોટું કોણ કરે? તો સ્ત્રી સ્વાભાવિક એવું જોખમ ના લે. હવે એરર મૅનેજમેન્ટ પાછું ધ્યાનમાં લઈએ. દોરડાને સાપ સમજીને ફોલ્સ પોજીટીવ એરર કરવો સારો, જેથી કોઈ વાર અસલી સાપ આવી જાય તો બચી જવાય. બસ તો પુરુષોની સરખામણી સ્ત્રીઓ ફોલ્સ પોજીટીવ એરર વધારે કરતી હોય કારણ એમને રિસ્ક લેવું નથી. માટે સ્ત્રીઓ જડમાં ચેતન સમજી અને સુપર નેચરલ શક્તિઓમાં વધુ વિશ્વાસ ધરાવતી થઈ જતી હોય છે પુરુષોની સરખામણી, માટે સ્ત્રીઓ વધારે ધાર્મિક હોય છે.

જે પુરુષો રિસ્ક ટેકર જરાપણ હોતા નથી તે બીજા પુરુષોની સરખામણી વધારે ધાર્મિક હોય છે. જે દેશની પ્રજા રિસ્ક ટેકર હોતી નથી તે વધારે ધાર્મિક હોય છે. જે દેશની પ્રજા પોતે ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતી હોય છે તે વધારે ધાર્મિક હોય છે, ભગવાન વગેરેમાં વધુ માનતી હોય છે. જે દેશની પ્રજા કમજોર હોય છે તે ધાર્મિક વધુ હોય છે. ભયભીત પ્રજા ભગવાનને પોકારો કર્યા સિવાય બીજું શું કરી શકે?

એવી જ રીતે ક્રિમિનલ માઈન્ડ સ્ત્રીઓ ઓછી પુરુષો વધારે હોય છે.

મર્ડર, રેપ, લૂંટ, ચોરી, સખત માર મારવો, કીડનેપીંગ આવા ઘણા બધા ગુનાઓ વિષે આપણે રોજ છાપાંમાં, ટીવીમાં જોઈએ છીએ, વાંચીએ છીએ. પણ આ બધામાં મોટાભાગે પુરુષો વધારે ભાગ ભજવતા માલૂમ પડે છે, સ્ત્રીઓ નહિ. મતલબ ગુનેગાર મનવાળા પુરુષો વધુ હોય છે, સ્ત્રીઓ બહુ ઓછી. મતલબ ક્રાઇમ પુરુષો વધુ કરતા હોય છે સ્ત્રીઓ નહિ. વિશ્વના કોઈ પણ દેશમાં જુઓ સ્ત્રી ગુનેગારો ઓછા જોવા મળશે. ચાલો ઇવલૂશનરી સાઇકોલૉજી શું વિચારે છે તે જોઈએ.

જીવવા માટે હવા, પાણી અને ખોરાક આપણી મૂળભૂત જરૂરિયાત છે. એવી રીતે આપણી પાછળ એક કોપી મૂકતા જવું તે આપણાં જિન્સમાં સમાયેલું છે. જો આવું કુદરત જિન્સમાં મૂકે નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. એક તો કુદરતી મોત આવે નહિ ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં જીવતા રહેવું તે પણ જિન્સમાં સમાયેલું છે. આપણી પ્રતિકૃતિ, એક કોપી ઓછામાં ઓછી પાછળ મૂકતા જવું તે પણ મર્યા પછી જીવતા રહેવાનો એક ઉપાય માત્ર છે. આપણાં સંતાનો દ્વારા આપણે જીવતા હોઈએ છીએ. આપણાં Y અને X આવી રીતે જીવતા હોય છે. એ હિસાબે આપણે અમર કહેવાઈએ. અને આની માટે કુદરતે સેક્સની રચના કરી. બસ આ કોપી પાછળ મૂકતા જવામાં જે કઈ ઉપાય કરવા પડે તે કરવા તે ઉત્ક્રાંતિનો ક્રમ છે. અહિ કોઈ મોરાલીટી આડે આવે નહિ. કુદરતના કાનૂનમાં કોઈ મોરાલીટી છે નહિ.

સ્ત્રીનો સ્વભાવ છે કે પુષ્કળ રીસોર્સીસ હોય તેવા પુરુષને પસંદ કરવો. લગ્નવ્યવસ્થા હમણાં આવી છે, માટે એને થોડીવાર માટે એને ભૂલી જાઓ. લાખો વર્ષ માનવ ઉત્ક્રાંતિ લગ્ન વ્યવસ્થા વગર ચાલે જ રાખી છે. સ્ત્રી એક તો મજબૂત જિન્સ ધરાવતો પુરુષ પસંદ કરે, અને બીજું વિપુલ સંપદા જેની પાસે હોય તેને પસંદ કરે જેથી; સંતાનોમાં ટ્રાન્સ્ફર કરેલા જિન્સને જિવાડવામાં કોઈ તકલીફ ના પડે. મતલબ સંતાનો જીવતા રહેવા જોઈએ નહિ તો ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. એના માટે એની પહેલી પસંદ જે પુરુષ પાસે પુષ્કળ રીસોર્સીસ હોય તે હોય છે. મોટા ભાગે જે મજબૂત હોય તેની પાસે વિપુલ સંપદા હોય તે સ્વાભાવિક હોય છે. પણ કોઈવાર એવું ના પણ હોય. મજબૂત પુરુષ પણ ઉંમર વધતા નબળો પડતો જાય છે. ઈવલૂશનની હિસ્ટ્રીમાં માનવ સમૂહો કે સમાજો બહુસ્ત્રીગામી હતા. એક કરતા વધુ સ્ત્રીઓ રાખતા. મનોગમી એક પત્નીત્વ બહુ જૂની વાત નથી. એટલે જેની પાસે વિપુલ સંપદા હોય તે બહુ સ્ત્રીઓ રાખતા. એમાં મોટાભાગના પુરુષો સ્ત્રીઓ વગર રહી જતા. ધારો કે સ્ત્રી અને પુરુષની સંખ્યા સરખી છે, ચાર પુરુષ છે અને ચાર સ્ત્રીઓ છે, તો એક પુરુષ પાસે ચાર સ્ત્રીઓ હોય તો બીજા ત્રણ જણને સ્ત્રી ઉપલબ્ધ થાય નહિ. ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં આશરે ત્રણ ભાગના પુરુષો એમના જિન્સ ટ્રાન્સ્ફર કરી શક્યા નથી એવું કહેવાય છે. હવે મનોગમી આવી છે, લગ્ન વ્યવસ્થા આવી છે ત્યારે શક્ય બન્યું છે કે હાલી, મવાલી, બીમાર, રોગિષ્ઠ, નબળા, સબળા, મજબૂત, કમજોર, પાગલ, મંદબુદ્ધિ, ગરીબ, અમીર અને બટકા-નીચા બધા પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરી શકે છે, સંતાનો પેદા કરી શકે છે. હાજી ! સ્ત્રીઓની પહેલી પસંદ ઊંચા પુરુષો હોય છે. પહેલા આવું નહોતું. હા ! તો મિત્રો એક પત્નીત્વથી પુરુષોને ફાયદો છે કે બધાને સ્ત્રી હવે લગ્ન વ્યવસ્થાને કારણે ઉપલબ્ધ થવા લાગી છે. જો કે એનાથી ફક્ત મજબૂત જિન્સ ટ્રાન્સ્ફર નવી પેઢીમાં થવા જોઈએ તેવો ઉત્ક્રાંતિનો હેતુ માર્યો જાય તે અલગ વાત.

બસ તો જે પુરુષો સ્ત્રી વગર અને જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા તે કોઈ પણ ઉપાય અજમાવવા તૈયાર રહેતા. તો એક તો વિપુલ સંપદા વગર સ્ત્રી હાથ મૂકવા ના દે તો સહેલો ઉપાય ચોરી કરો સંપત્તિ વધારો, અથવા લૂંટ કરો. અથવા જે પુરુષ પાસે સ્ત્રીઓ વધુ હોય તેનું મર્ડર કરો. બેરહમીથી માર મારો. પોતાની એક કોપી પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના પુરુષને રિસ્ક ટેકર બનાવી મૂકતી. આમ પુરુષો રિસ્ક ટેકર બન્યા. આમ જેની પાસે સ્ત્રીઓ વધુ હોય તેવા પુરુષો પણ રિસ્ક ટેકર બન્યા. જેથી પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરી શકે, સંપત્તિનું રક્ષણ કરી શકે. સ્ત્રીનું અપહરણ કરવું અને રેપ કરવો તે એકદમ સહેલો ઉપાય જિન્સ ટ્રાન્સ્ફર કરવાનો. કોઈ સંપત્તિની જરૂર નહિ. બળજબરીથી બીજ રોપી દેવું. બસ આમ પુરુષો ક્રીમીનલ્સ બન્યા. બીજું જિન્સ ફક્ત એક જ સ્ત્રીમાં મૂકવા તે મોટા થાય તે શક્યતા ઓછી હોય છે. માટે જુદી જુદી સ્ત્રીઓમાં બીજ રોપવું તે પોલીગમી બહુસ્ત્રીગમન પણ આપણાં જિન્સમાં સમાયેલું છે. પણ સ્ત્રીઓ કેમ ઓછી ક્રીમીનલ્સ હોય છે?

અગાઉ જણાવ્યું છે તે જ કારણો સ્ત્રીને ઓછી ક્રાઇમ કરતી બનાવે છે. સ્ત્રી પોતાના સંતાનને મોટા કરવા માટે રિસ્ક લઈ શકે નહિ. જીવનું જોખમ ખેડી શકે નહિ. જીવ જાય તો સંતાનો મોટા કેમ કરી શકાય? અને પછી ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. માટે સ્ત્રી રિસ્ક ટેકર બની શકે નહિ. અને ક્રાઇમ કરવામાં જીવનું જોખમ હોય છે. છતાં જે સ્ત્રીઓ ક્રાઇમ કરતી હોય છે તે નજીવો અને ફક્ત જરૂરિયાત પૂરતો કરતી હોય છે. ચોરી કરે તો જરૂર પૂરતી, સંતાનો માટે જરૂર પૂરતી જ ચોરી કરે. છતાં અપવાદ દરેકમાં હોય છે.

આવો ભારતમાં ફેમસ અપવાદ હોય તો ડાકુરાણી ફૂલનદેવી. એના પરથી શેખર કપૂરે બેન્ડીટ ક્વિન નામની ફિલ્મ પણ બનાવેલી. ગુનેગારોના પ્રેમમાં પડી જતી, અપહરણકર્તા અને એમને સતાવનારનાં પ્રેમમાં પડી જતી, સ્ત્રીઓના અનેક દાખલા નોંધાયા છે. સન ૨૦૧૩માં લંડનમાંથી બ્રિટીશ પોલીસે એક ગુનેગારના સકંજામાંથી ત્રણ સ્ત્રીઓને ૩૦ વર્ષે છોડાવેલી. આટલો લાંબો ૩૦ વર્ષનો ગાળો ગુલામ તરીકે કઈ રીતે વેઠ્યો હશે? ૧૯૭૩માં સ્ટોકહોમ માં એક બેંક રોબરી થયેલી; ત્યારે પોલીસ પગલા લેવાયા તે સમયે હોસ્ટેજ રખાયેલા લોકોએ તેમણે બાનમાં રાખનારનો બચાવ કરેલો, અને ખાસ તો એક બાનમાં રખાયેલ સ્ત્રી તો વળી પેલાં બેંક લૂંટનારમાંથી એકના પ્રેમમાં જ પડી ગયેલી.

Patty Hearst નામની એક સ્ત્રીને ૧૯૭૪માં એક ટૅરરિસ્ટ ગ્રૂપે કિડનેપ કરેલી. એક સાવ નાના બે ક્લૉઝિટમાં રાખવામાં આવેલી. તેના પર વારંવાર બળાત્કાર કરવામાં આવતા અને મરી જાય તેટલી હદે સતાવવામાં આવતી હતી. બે મહિના પછી એને ક્લૉઝિટમાંથી બહાર કાઢી સ્નાન કરવાની છૂટ આપવામાં આવેલી. તેણીએ તે ટૅરરિસ્ટ ગ્રૂપમાં જોડાવાની મનસા વ્યક્ત કરેલી અને પછી એક બેંક લૂંટમાં સામેલ પણ થયેલી. તે પકડાઈ ગયેલી, એના માથે ગુનો લાગેલો પણ પછી એને માફ કરવામાં આવેલી. આ બિલકુલ ફૂલનદેવી જેવો કેસ હતો. આવા કેસને પેલાં સ્ટોકહોમ લૂંટ કેસ પરથી સ્ટોકહોમ સિન્ડ્રોમ કહે છે. ભારતમાં મનોવૈજ્ઞાનિકો આવા કેસ સ્ટડી કરતા હોય તો અવશ્ય ફૂલનદેવી સિન્ડ્રોમ કહે. ફૂલનદેવી કેસ પણ આવો જ હતો.

ખરેખર તો ફૂલનદેવી પહેલેથી કોઈ ગુનેગાર નહોતી. એને ડાકુઓ દ્વારા ઉઠાવી જવામાં આવેલી. ડાકુઓ ચંબલના બિહડોમાં સ્ત્રી વગર રહેતા હોય એટલે એમને કામ તૃપ્તિ માટે સ્ત્રીઓ ઉઠાવી જવાની આદત, એવી કોઈ ટોળકીનો ભોગ ફૂલન બનેલી. એના પર ડાકુ સરદાર બળાત્કાર કરતો. પછી એને જે તે સરદારની રખાત તરીકે રહેવાની ફરજ પડાતી. સરદાર બદલાય તો નવા સરદારની રખાત બનતી. એમાં તે પોતે પણ ટોળકીની સક્રિય સભ્ય બની ગયેલી. ડાકુ ટોળીઓ પણ એકબીજાની દુશ્મન હોય. એમાં કોઈ વિરોધી ટોળકીના ડાકુઓ પાછાં ફરીથી એને એની મૂળ ગેન્ગમાંથી ઉઠાવી ગયા અને આખી રાત તેના પર બધાં ડાકુઓએ બળાત્કાર કરીને એને સવારે ગામમાં નગ્ન ફેરવી હતી. હવે બંદૂકધારી ડાકુઓ સામે ગામના લોકો તો કઈ રીતે બોલવાના હતા? વળી આવા ગામ પણ અમુક તમુક ડાકુના મજબૂરીના માર્યા ટેકેદાર હોય.

ફૂલનદેવી પછી છૂટીને પોતાની મૂળ ગેંગમાં જતી રહી. એના દિલમાં વેરની આગ ભભૂકતી હતી. પણ જે ડાકુ ટોળીના સભ્યોએ એના પર આખી રાત બળાત્કાર ગુજારેલો તેમાંના એક પણ સભ્યને તે મારી શકેલી નહિ. પણ જે ગામમાં એના પર આ બનાવ બનેલો તે ગામમાં જઈ ગુસ્સાનાં માર્યા તે ગામના ૨૦ રહેવાસીઓને લાઈન બંધ ઊભા રાખી એણે મારી નાખેલા કે જેમાંનો એકેય બળાત્કારમાં સંડોવાયેલો નહોતો. એમનો વાંક એટલો કે તેઓ તેના પર બળાત્કાર થયો તેનાં સાક્ષી હતા. અને એનું માનવું હતું કે તે ગામ પેલી ડાકુ ટોળીનું સમર્થક હતું. પછી તો બહુ વર્ષો વીતી ગયા તે સરકારને શરણે થઈ ગઈ. એને નેતાઓએ પાંખમાં લીધી, ચૂંટણી લડીને વિધાનસભ્ય પણ બની ગઈ. પણ જે ગામમાં ૨૦ નિર્દોષોને એણે મારીને હાહાકાર મચાવેલો તે સમયે મરનાર એકનો વારસદાર અને તે બનાવનો સાક્ષી એવો કોઈ બાળક યુવાન બની ફૂલનદેવીને ગોળીઓ મારી એનો અંત આણી દે છે.

મનોવૈજ્ઞાનિકો આને અપીઝમંટ રિઍક્શન કહેતા હોય છે. ‘Appeasement’ રિઍક્શન આપણા genes અને બાયોલોજીમાં હાર્ડ વાયર થયેલું હોય છે. એનો મુખ્ય હેતુ સર્વાઈવલનો હોય છે. અપહરણકર્તા કે સતાવનારને ખુશ રાખવાથી જીવનું જોખમ ટાળી શકાય. સર્વાઈવલની આશામાં ફક્ત જીવ બચી જાય માટે વર્ષો સુધી સહન કરાતું હોય છે. સહન તો ઠીક પણ સતાવનારને ખુશ રાખવાના પ્રયત્નો પણ કરાતા હોય છે. આ એક સર્વાઈવલ મેકનિઝમ માત્ર છે. અપીઝમંટ રિએક્શનમાં pacification, conciliation અને submission ત્રણેનો ક્રમશઃ સમાવેશ અને ઉપયોગ થાય છે. શાંત પાડો, પ્રસન્ન કરો સમાધાન કરાવો અને સમર્પણ કરો.. વાનરો અને એપ પોતાના પર હુમલો કરનાર વાનર કે એપ પાસે પાછાં ફરતા હોય છે. અને એમને ખુશ કરવા પ્રયત્ન કરતા હોય છે. મોટાભાગે તો એમને હેલ્પ કરનારને છોડીને હુમલાખોર પાસે પરત આવતા હોય છે. અપીઝમંટ પ્રાણીજગતમાં સામાન્ય છે.

ટૂંકમાં સ્ત્રીઓ ધાર્મિક વધુ હોય છે તો ગુનાહિત માનસિકતા ધરાવનારી પણ ઓછી હોય છે.