તારું સ્મરણ... Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારું સ્મરણ...

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : તારું - સ્મરણ....

શબ્દો : 2007

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

ખેંચે સતત તારી તરફ સાવ અકારણ
ભીંજવે મનને તરબતર તારું સ્મરણ

અગાધ ઈચ્છાઓ છે ન કોઈ મરણ
બે હૃદયની વચાળે છે ભીનું ઝરણ

થયું છે હવે દોહ્યલું આ જીવન જીરણ
કહું મનવા ઘડી તો બનીને રહે રાધારમણ...!

2.

બંધ પાંપણે ખુલ્લાં સ્વપ્નાઓ ગગન ઉપર વિશાળ છે,
હૃદય અવસર લાગણી અપાર ભાવનાઓ અંતરાળ છે.


તને ચાહવાની સતત ચાહનું મારી અનુકંપાનું આળ છે,
કેમ સમજાવું ચાહતનાં માર્ગે પ્રીતિની સંગે લાગણીઓની નાળ છે.


હેત પામવા ચાલ્યો મનવા ફૂલોની ભરમાર છે,
સુંગધનો ખેલ ઘડી બે ઘડી રસ્તો નર્યો કાંટાળ છે.

3.

બસ થયો આપણ ૠણાનુબંધ પુરો...
ને પૂરો થયો હિસાબ...


જમા મારું યાદ રાખજે..
ન હૈયે લગાડીશ કોઈ ઉધાર...


છે પ્રાર્થના બસ એટલી..
પામુ ફરી ફરી અવતાર...


બનું બસ તારો જ હું પ્યાર...
બનું બસ તારો જ હું પ્યાર...!!!

4.

ૠજુ એવા તારા હૃદયની સુંવાળપ મને ગમે છે..
તુજ સમક્ષ નરમ દિલની હર અરજ મને ગમે છે..


તો શું થયું તીક્ષ્ણ પ્રહારે તું દે નકારી મુજને...
તારી નરમ સ્વભાવની એ ગરમાહટ મને ગમે છે...

ગમવું ગમવું ને ગમવું તું મને ગમે તે કહેવુ મને ગમે છે
કારણ વગરનું નિષ્કામ એવું પ્રણયનું ખેંચાણ મને ગમે છે

5.

પગદંડી આપણ પંથ બને એવુંય બને..
રાહ આપણ રાહબર બને એવુંય બને...


ચાલતા જતા મળશે ઘણાં ફાંટાઓ
એક કેડી આગળ જઈ રસ્તો બને એવુંય બને...



6.

વાત મારી

સદા ધ્યાનમાં રાખજે...

તલવાર પ્રેમની

છે ખૂબ ધારદાર...

ન કર જાહેર એને

જરી મ્યાનમાં રાખજે

7.

સુંવાળું એવું આ મન થયું છે જરા આળું
કેમ કરીને ભરવું હવે જન્માંતરનું નાળું ?

મુલાયમ એવું એક તું બનાવ ઓશિકું
જેના પર આંખ મીંચી તારા સપનાને હું ભાળું


તેજ રહે તુજ પ્રેમનું મુજ આ જીવન પર
રૂક્ષ એવું આ જીવન જરી તો બની રહે સુંવાળું

8.

ખૂટતું હોય તે આજે જમા તું ગણી લે
ગઈકાલનો હિસાબ તું આજે કરી લે


થયું છે અમી ઝરણું આજ હૃદય મારું
ઘડી બે ઘડી એમાં નિવાસ તો કરી લે

9.

જાન જોડવાના સોનેરી સોણલાં જોયાં છે જ્યારથી
જમાડવા આતુર ભાતભાતના ભાણાં લઈને ફરું છું


આવનારો સમય તુજ સંગ પ્રેમથી વીતશે એમ માની
તને ભરપૂર દઉં પ્રેમનાં હું ટાણાં લઈને ફરુ છું

10.

ન કહેશો કોઈ એને પ્રેમ તણો કલ્પાંત,
કારણ રૂદનની છે જુદી જ ભાત.

પ્રેમ વિરહમાં રઝળે હૃદયની નાત,
હૃદયને સૂતર તાંતણે તું કાંત.

ચોરે ને ચૌટે ચાલે તારી મારી વાત,
કારણ શમણાં તો અશ્રુની જાત.

11.

હઠ જ્યાં સુધી હો તુજ પ્રેમની ઠીક છે
આગ્રહ તારોય જો એમાં ભળે ઠીક છે


જીદ્દ ક્યાં ક્યારેય કોઈની મોહતાજ હોય છે
ઝીલવી જ જો હો હૃદયથી ઝીલો....


આ પ્રેમની ખૂબ ભારે જીક છે.

12.

હૈયુ નીચોવાઈ જાય એવી એ ક્ષણ હતી
કે મારી અને તારી જુદાઈની એ ક્ષણ હતી...

તોલતા હશે લોક સૌ એને પોતપોતાના ત્રાજવે
કોકને આ વાત કણ હતી ને મારે મન એ મણ હતી...

યાદ હશે તને આપણ કોલ પ્રેમનાં દીધા'તા એક'દિ
મારી જીવનનૈયાનું તો એજ સાચુ ભરણપોષણ હતી

જીવી ગયો છું તારા નામથી આમ જ બસ અમસ્તુ
કેમ કરીને કહું વિના તારી હરેક પળ આખરી જ ક્ષણ હતી ???

કે ચાલ કરીએ ફોક આજ આ વ્યવહાર પ્રેમનો બસ એટલું
નહી નીકળી શકાયે એ લાગણી ખરુ પ્રેમનું કળણ હતી

13.

ઉરે ભર્યો રે ઉમંગ કેમ કરી ને કહેવું ?
આ દલડાના ગીતને કેમ કરી ચહેકવું ?


છે ચોકીપહેરો ચારે તરફ ને એવામાં,
છૂપું મીઠું દરદ આ કેમ કરીને સ્હેવું ?

14.

સાચો હો કે ખોટો મમત એ મમત છે
તારી સાથે મારી પ્રેમની ગમ્મત છે

લોક ધારે જે ધારતા હશે ધારતા ભલે
હું ચાહું તને ન એમાં લગીરે બેમત છે

કહ્યુ મારું માન જરા નાહક જીદ્દ છોડ જે
અટકચાળા છે બધા જાણું છું તું સંમત છે

તને પામવા ધમપછાડા કર્યા છે અનેક
અને તું શું એમ કહે કે બે ઘડીની આ રમત છે ?

આગ્રહ મારો સમજજે નથી આજજી આ વ્યર્થની
જેવો છું ભલે છું સાચો અને તું જ મારી હિંમત છે

તું જો એ પારથી આવી જાય મારી તરફના પક્ષમાં
પલ્લુ ભારી જરા થાય મારું તું જ મારી કિસ્મત છે...

15.

હઠનો હો કે હો પ્રેમનો ન આગ્રહ કશા કામનો
લાગણી હો હૃદયે સાચી દેખાડો શા કામનો ?

કરી વિનંતી જીવી જોયું આ આયખું થયું પસાર
મમત જ હો જ્યાં પાંગળો ઈજારો શા કામનો ?

આજીજી મારી સાંભળ હૃદય તું છે સાક્ષી મુજ ભાવનો
ન જીક ઝીલી જાણે એ તો ઉધામો ય શા કામનો ?

16.

મમત બસ એટલો જ કે જીતુ હું પ્રેમમાં
આજીજી કોઈ શું કરે જે ન સમજે પ્રેમમાં


વિનંતી ને જો હો અવકાશ કોઈ હકનો
મમત થોડી પાછો પડે એમ પ્રેમમાં ?

17.

હૃદયથી નીકળેલ કાળજા ના ટુકડા શો મિજાજ...
વારંવાર ગમે ઊંચખવો એવો પ્રેમનો ભાર..
ઈશ્વર જો આવે બહુ વાર લાગે એને મુજ સુધી પહોંચતા

ઈશ્વર પગરણનો મુજ પર છે આભાર...
દિકરી ના સ્વરૂપે અવતર્યો એ પ્રેમ સજી શણગાર..
ગૃહલક્ષ્મી આપ્યોં તેં મને મુજ હૃદયપર અસવાર...

મને ગમતીલો ને વ્હાલો એવો નાજુક શો વ્યવહાર..
સમગ્ર જીવનનો જાણે મારા આવી ગયો આજ સાર..
લાડ લડાવું પ્રેમે પટાવું તું મારા હૃદયનો હકદાર...

18.

સ્વભાવે સ્હેજ ભલે આળો છે
પણ મજબૂત એનો માળો છે

વૃક્ષે કહ્યુ ન કર ચિંતા અહીં જ રહે
પ્રેમે સીંચેલી મારી સઘળી આ ડાળો છે

19.

માળો માળો ને માળો
છે પ્રેમનો અટકચાળો આ માળો...

ચાર તણખલાં નો સરવાળો
ને તોય ભવને ભરનારો આ માળો....

વૃક્ષને જઈ પૂછો તને કેમ ફૂટી છે ડાળો?
ડાળ પાંદડાની ઘટામાં છૂપાયો આ માળો....

ઉનાળામાં ખૂબ સારો ભલે હોય ગરમાળો
જીવન શ્વસે છે ભીતરે તેના એવો છે આ માળો...

થડને ફરતી શાખા પૂછે કે ક્ષણમાં એને ગાળો..
અસ્તવ્યસ્ત ગભરુ પારેવું અને એનો આ માળો...

20.

થડ જો બને તું મારો હું વેલ નમણી થાઉં
વીંટળાવા ના વિચારે મનમાં જ શરમાઉં

તું બને આદ્યસ્તંભ મુજ અસ્તિત્વનો
બસ તુજ સંગ પ્રેમે ઉછરતા નિશદિન હું હરખાઉં....

21.

લીલા તે વૃક્ષનું અમે સૂકું સરીખું પાન
ન માંગીએ કદીએ બહુ માન...

સૂસવાટા મારે જો પવન સ્હેજે સરીખો
તો ગાઈએ અમે નિજ ગાન....
ન માંગીએ કદીએ બહુ માન...

ખરવું એ જ છે નિયતિ એ જાણતાં અમે
ન તોડીએ હૃદયતંતુ જેવું પાન...
ન માંગીએ કદીએ બહુ માન...

વસંત પાનખર ન ધરીએ હૃદયે કદી
રડીએ ન કશું ધરી કાન....
કારણ...

લીલાં તે વૃક્ષનું અમે સૂકું સરીખું પાન...
ન માંગીએ કદીએ બહુ માન....

22.

દફન કરો જો લાલસા વૈરાગ ઊગી નીકળે
ભલી કરો કામના કે ભૈરવ રાગ સ્વરે નીકળે

અતીચ્છા છે વરવું રૂપ ઈચ્છાઓનાં વિકારનું
કરો ઈશ્વર તણી મહેચ્છા દ્વેષ કે રાગ સમૂળ નીકળે

રાચવું એક જ અભીપ્સાએ ન અવમૂલ્યન થાયે કદી
અલ્પ પ્રમાણ હોય છતાં મનનો જરારોગ નીકળે


23.

શ્વાસે શ્વાસે જાગી તૃષ્ણા
દર્શન દ્યો હવે તો કૃષ્ણા

અંતરની બસ એક જ મહેચ્છા
તુજ સંગની જાગી ઈચ્છા

હૃદયે વસી એક અભિપ્સા
કૃષ્ણ સ્મરણ મોક્ષની ઈપ્સા

નથી અન્ય કો ભૌતિક લાલસા
ખુદના સૂક્ષ્મ સ્વાર્થની છે અભિલાષા

જો તુને લાગે આ અતીચ્છા
સમજી બાળ ઉગાર મને કૃષ્ણા...

શ્વાસે શ્વાસે જાગી છે તૃષ્ણા
દર્શન દ્યોને હવે તો કૃષ્ણા...

24.

પ્રેમવું ને ઝૂરવું એક જ ક્રમમાં નિત્ય બળવું....
પ્રેમ ભીની કોઈ ક્ષણમાં સ્હેજ સ્હેજ સળગવું...


ગરમ શ્વાસ નો સંગ જો થાયે અંતરથી ધબકવું.....
તુજ વિરહની કારમી વેદના અંતરનું ધગધગવું...

25.

ગરમ આલિંગન ગુલમહોરી બપોર...
જ્વલન હૃદય ને ઘગઘગતું સ્પંદન..

ઉષ્ણ તુજ યાદ અને દાહ મુજ એકાંત
વૈશાખી બપોર ને લાગણીઓનાં વન....

26

એક ક્ષણ જો મળે મોકો તો હું બનવા ચાહું તારી પળ...
કારણ તારી મારી વચ્ચેનું અંતર લાગે મોટું જાણે રણ...

મોટી બહુ વાત નથી જે સ્હેજ નો જ મામલો ને તોય મથામણ
આપણી વચાળે જો આવી જાય નાની કણ તોય કહાવાયે એ રણ

27.

ક્ષણ તો શું આખુ જીવન તને મોહતાજ હું રાજી જ છું
નાનકડી ભલે હો પણ હો શરૂઆત હું રાજી જ છું...

આંસુઓની કિંમત આંકવી છે મુશ્કેલ ન વહાવ અમસ્તા
તારા દર્દનો સઘળો ભાર લઈ લઉં મુજ મસ્તક હું રાજી જ છું

હું નથી કહેતો કે બસ ખુશ્બો જ પથરાવી જોઈએ મુજ જીવનમાં
તારું આપેલ પણ જો સૂકું હો ગુલાબનું ફૂલ હું રાજી જ છું

28.

ઘણાં રે વર્ષે અમે મીંટો માંડ્યી ને
પછી તને નજરે દીઠાનો રે વ્હેમ ?

કોઈ આવીને જો જરીક ચૂંટી ખણેને
મને સાચાં ખોટાંનો નડે વ્હેમ..?

29.

હૃદયની વાતો ને ઠાલી રે માનવી
છાંયો કહી કહી ને અગન આપે...


આતમનો તાપ જરી ટાઠો કરેને
પછી આતપ ને અંતર અંગારે...

30.

સરનામુ ભૂલ્યાનો મારો વ્હેમ આજ હેતનાં દ્વારે ઝૂલે
તું સ્મિત કરી ભૂલ્યો ભટક્યો પ્રેમે મને કે'ને પછી કૈં નવું તું બોલે

લાગણીની આ રમત છે ભારે હેતાળ હૈયે પ્રેમ ભર્યો હાથ મારો ઝાલે
પૂર્ણ અનુરાગ અપાર હેત લાગણી વને તું રોમરોમે ડોલે...

ને તોય સૌંદર્યા આટલું થાયે છતાં કેમ નવ તું કાંઈ બોલે...
મારો નેડો તુજ સંગ ને એટલે કરુ સાક્ષી ઓલો ભોળો ભમભમ ભોલે...

31.

થાય પ્રતિતિ સતત તુજ અસ્તિત્વની ઉરે...
દેખું બાળપણ મારું તુજ છબિ મુને સાંભરે...


લાગણીની વાત આવે દલડું દ્રવે અંતરે ઉર્મિ ઝૂરે....
ભવભવની ભાવના રોજ સ્પંદનો સ્મરણ સ્ફુરે....

32.

પ્રેમ છે અવિચલ અને તોય જો ૠણાનુબંધનો ક્રમ
કર્યુ છે જે તેં સતત મારી સાથે એ વળી છળ જેવું શું છે ?

જીવન જ્યારે જીવાઈ જાય ત્યારે જ છે સમજાતું..
રોજબરોજ જે જાતે જ પીધું એ વળી હળાહળ જેવું શું છે ?

33.

કહેતી મા...
કપાળે કૂવો ને પાંપણે પાણી
આ જીવતરની એ જ રીત નિરાળી
જીવનબાગની હરીભરી હરિયાળી

ને તોય સાવ સૂકીભઠ આપણી કહાણી..
નદી જો હોઈએ તો વહીએ પાણી પાણી

સાગર મોજાને કેમ રોકીએ ઉછાળી
સલિલ પ્રવાહને જાત તોય બાળી

અબળા નારી ઓળખાય તોય નારાયણી
ઘટઘટ જીવતર વાત કાળજે કોરાણી

કે કપાળે કૂવો હો ને હો પાંપણે પાણી
અશ્રુ વિરહમાં આજ જાત ખોવાણી...

પ્રવાહી જીવન જ્યાં વાત તારી આણી...
ધસમસ ધસમસ અશ્રુ પ્રવાહે સખા

યાદ તારી આવી ને મારી આંખો પલાળી...
કે સુકૂ ભઠ જીવન ને તોય હરિયાળી..
કપાળે કૂવો ને પાંપણે પાણી... (3)

34.

અઘરૂ લાગે જો જીવન તો જીવવા પ્રયત્ન કર...
વિપરીત એવી કોઈ ક્ષણોમાં મરજીવો તું બન....

અવળા સવળી ની રમતમાં જીતનો યત્ન કર...
ઊલટું થશે સઘળું સૂલટું ને હરખાશે તુજ મન....

35.

વિષમ... વિપરીત... સંજોગમાં ઊભરે જે છે વિલક્ષણ....
ઊલટું... અવળું... ની ગૂંચવણ... મનની મથામણ...

ખરબચડા જો હો રસ્તા તોય પાર એ તો થાયે...
અસમતાની આ દુનિયામાં ક્યાંથી લાવવું કણ...

છે કુદરતોનો ક્રમ કીડીને છે કણ ને મળે હાથીને મણ
મળે નહીં જો કાંઈ મનવા ન શોધીશ તું કારણ...

36.

માધવ જોને બેઠો સાવ અભાન
કરો જાણ કરો એને જરી સભાન...

વેળા થઈ ગોધૂલીની અને
ને ગાયો વાળોને જરી ગભાણ...

રાધા આજ છે રિસાણી
ન રાહ જોઈશ તું કાન...

ખબર આવી તુજ મથુરા વાટની
એ ભૂલી છે સાન ને ભાન....

બોલે શું એ બ્હાવરી
એની સિવાઈ ગઈ છે જબાન..

ખબર આવી છે જ્યારથી..
એ ભૂલી સઘળું ભાન...
એ ભૂલી સઘળું ભાન..

37.

ખોવાણી છે જાત તારી રાહનાં સ્વાર્થમાં....
મળે બાતમી જો સ્હેજ સરીખી ન'રે હૈયુ હાથમાં...

સૂચનાઓ બધી સામટી ઉમટે આવી સાથમાં...
જાહરાતનો દોર છે નાજુક ન લઈશ આમ બાથમાં..

38.

વન બને ઉપવન જ્યારે સ્મરણ મહીં તું ઊભરે...
રૂદન સંગ મીઠી અગન જેભ સ્મરણ મહીં તું ઊભરે

સ્વપ્નની જો વાત હો તો આંખ બંધ કરી જોયાં કરું..
નીંદર પણ અગન બને જો સ્મરણ મહીં તું ઊભરે...

39.

ભાવ તુજ મનના મારે કેમ કરીને કળવા,
ને જન્માંતરના નાળા હવે કેમ કરીને ભરવા ?

લાગણીની વાતમાં હૈયા કેમ કરીને રળવા,
સંવેદનો ઝાંઝવાનાં રણમાં કેમ કરીને ભરવા ?

40.

કલ્પના વાવી જુઓ
ને ઉગી છલકાઈ જાયે મૃગજળ વન

હૃદયના હલેસા મારી જુઓ
ને ફૂટે પાંખ ગગન....

પ્રેમ એનું જ નામ છે...
ન ધડ ન હો માથું ને તોય સદા...

નાચે પ્રેમ મસ્ત મગન..
નાચે પ્રેમ મસ્ત મગન...!!!

41.

લાગણી નું નિતરવું શી રીતે ચીતરવું હવે...
કાગળ જ્યાં હાથ લાગે તસ્વીર ઉભરે ત્યાં તારી....

સ્હેજ હળવેથી સ્પર્શવા જ્યાં ચહું એને અને...
આંખે અશ્રુ બનીને ટપકે ટપ યાદ બાજે આંખે છારી....

તું નથી નો અહેસાસ કેમ કરી સ્વીકારવો મારે...
સ્મરણ તું... મન રમણ તું ... ને આખ્ખો'દિ તારી મનસવારી

42.

આંસુનાં ઉપવનની વચાળે..
શમણાંઓનો મહેલ છે એક....

કરી તપસ્યા પ્રેમ પગથારે...
ઈરાદો રાખ્યો'તો હંમેશ નેક....

વરસાદ પડ્યો મુશળધારે...
ને તોય પહોંચ્યા હૃદયે છેક...

ઊભા રહ્યાં અમે સાથ સથવારે...
પરોવ્યાં'તા નયન પછી એકમેક

43.

પરિવર્તન મુજ જીવનમાં કૈંક એવું આવ્યું
કે કોરી એ વાડને આજ પાન લીલેરું આવ્યું...

પવન વૈશાખી વાયો એવો જોરમાં...
ને યોવનને ઝાપટું અષાઢી આવ્યું....

વ્હાલ... પ્રેમ... ને રમત ન પારખી શકાયે કદી
સમજણનું નવું સોપાન જીવનવહી ગયે આવ્યું...

તું આવે તો છે મજા બહારોની ને તોય...
જીવાતું જાય છે નથી આંખે એક આંસુ આવ્યું...

ખાટાં... મીઠાં સ્મરણોનો હવે ભાર ક્યાં...
જ્યાં કફન બની સ્વાદનું જ તાળું આવ્યું....!!!

44.

સરવાળો જ બસ

સરવાળો થાય..

લાગણીઓનો

રસભર માળો થાય...

તણખલાં ચાલ

આજ ભેગાં કરીએ..

હૃદયને મનભાવન

હેતનો માળો થાય...

45.

ખાનગી તુજ આગમન છુપું કેમ રાખવું..
ગાલે ઉઘડતું યૌવન છુપું કેમ રાખવું ?

ચાહતની આવી ઉંમર આંગણે આવી ઊભી
પ્રેમ પિપાસે હવે વળગણ ન કેમ રાખવું ?

તું આવીને એક દિવસ ઓચિંતો જો આવી ઊભે
હૃદયની વાતને વહી જતા આંસુ રોકી કેમ રાખવું ?

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888