આયખું Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આયખું

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : આયખું

શબ્દો : 1100

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

શોધવા નિકળ્યું છે આયખું આજ...
પોતાની જ જાતને....
ભાળ મળે જો તો બસ..
સમજજો પ્રેમ તમનેય છે જ...
મુજ અભણથી...
હૃદય દ્રાર સ્હેજ ધીમેથી ખટકાવશો....
નબળી પડેલી ક્ષણ ક્યાંક...
ધબકાર ન થંભાવી દે મારાં...!!!

2.

પ્રેમ પામવો જો હો વિષય સંશોધનનો
તો પછી...
મારું તુજ વિના એકલપંડે ઝૂરવું એ શું ?
તું નથી અને મેળવવો પડે જો મારે તારો પતો
તો પછી...
હૃદયે ધર્યો વિશ્વાસ તારા નામનો એ શું ?
નીકળી પડીશ બસ એમ જ ભાળ કાઢવા તારી
તો પછી...
તારી આવવાની રાહમાં પેટાવેલ કોડિયાનો અર્થ એ શું ?
બિછાવ્યા છે પુષ્પો જ બસ પુષ્પો બધે રાહમાં
તો પછી...
દોડતાં પણ કદમ પેછા સ્હેજ પડે એ શું ?
વાત ચે બધી ઠાલી વાયદા ઓની ભરમારનાં
તો પછી...
બની સૂર્ય તુજ નામનો ક્ષિતિજે અસ્ત થવું એ શું ?

3.

પરસેવે નીતરી રહેલ કપાળ તારું જોઈ..
ખિસ્સામાંથી તરત જ
રૂમાલ કઢીને ભારું આપવું તને...
તું ભીનેવાન હસી ને
પરસેવાની ખારાશમાં સ્મિતની મીઠાશ રેલાવે
અને કહે...કે
રઃવા'દો... ભીનો થઈ જાશે...
અને બસ...
એ સ્મિતની ભીનાશમાં હું તો બસ...
આમ જ રેલાઈ નીકળું...!!!

4.

દૂરથી જ

સમાઈ જાયે

તું આંખમાં....
ને આવે

જ્યાં નજીક

સરકે તું ગાલમાં...

5.

શોધ આદરી છે મેં
મારાં જ અસ્તિત્વની....
જા આજની બોનસાઈ જેવી દુનિયામાં
ક્યાંક ખોવાઈ ગયું છે...
સંબંધોનાં સમીકરણો
બદલાયાં છે આજે...
નજીક રહો અને નીતરે જો લાગણી...
લીલ બાજી જાય છે...
દૂર રહ્યાં લગીરે...રસ્તો ફંટાઈ જાય છે...
બોનસાઈ થયેલ આ યુગમાં...
સંબંધોનાં મૂળ પણ શું આવાં જ હોતા હશે...???
સાવ બટકણાં.... ??? અને પાછાં ફળદ્રુપ પણ એટલાં જ...
કે બસ ફોન અને મેસેજનું ખાતર એને જીવાડે રાખે છે...
હા... મળ્યા નો કોહવાટ લાગે
એને સંબંધ કહેવો... ???
કે પછી ....???

6.

'વે'માં એકવાર 'વેઈટ' કરતાતા બન્યું કૈંક એવું આજ...
કે ન જોવાઈ મુજથી પછી તારી વાટ...
કે આપણી છે પ્રૈમની જાત....
ગમતીલું તારું એક નામ રોજ લેતાં બન્યું કૈંક એવું આજ...
ન કહેવાઈ કોઈને આપણી એક વાત...
કે આપણી છે પ્રૈમની જાત...
જીવતર બન્યું દોઝખ તારા વિના બન્યું કૈંક એવું આજ...
આવ્યો વિયોગ બનીને ઝંઝાવાત..
કે આપણી છે પ્રેમની જાત...
આવ આવ બસ આવ હવે ફરી બન્યું કૈંક એવું આજ...
ખાલીપો તારા નામનો કરે આંસુની સૌગાત...
કે આપણી છે પ્રેમની જાત...

7.

કોઈ રસ્તો રાહબર બને એવું બને...
કંટકોની ચાહત સુવાસ બને એવું બને...

વિકલ્પ ક્યાં કદીયે પોતાનાં થયાં હતાં..
કોઈ વિકલ્પ જ ખરો ઉત્તર બને એવું બને...

તું કહે તો ક્ષણમાં કંડારી દઉં કેડીને...
ચાહત મારી તુજ પગતળિયે પુષ્પ બને એવું બને...

કહું છું કે થોભી જા બસ એકવાર ન જઈશ..
આવતી કાલની સવાર જુદી પડે એવું બને....

સમયના બંધનો ક્યાં નડ્યા છે આજદિન સુધી
ને તોય ઘડિયાળનાં કાંટે જીવ લટકે એવું બને..

બનવાને ઘણુંય રોજે રોજ બનતું હોય છે જિંદગી છે..
તું સામે ઊભી હો ને તોય મુજને ન મળે એવું બને...!!!

8.

સાથે સાથે રહેતાં રહેતાં થાકી જવાય છે
વધુ નિકટ્તમ પ્રેમ પગથારે હાંફી જવાય છે

કેમ કરીને વાટ બસ જોયાં કરવી ઠાલી
તારા લાવવાના પ્રયાસે રોજ ખટકી જવાય છે

રાહ કહું છું પકડી લે છે મજાનો પ્રેમમાં
તને એક વાત સમજાવતા ભટકી જવાય છે...

ભટક્યા તા માર્ગેથી એકવાર હા હજુયે યાદ છે
એક ભૂલ ને સુધારવા રોજ ફરી જીવી જવાય છે...

કે વધુ નિકટ્તમ પ્રેમ પગથારે હાંફી જવાય છે...

9.

મારાં માની ટાઢક....
ક્યારેક બસ એમજ...
અગ્નિ ઉત્પન્ન કરે છે રોમે રોમ...
તુજ યાદમાં....
અને તિમિર મહીંનો
તેજ લિસોટો....
પાથરે પ્રકાશ સ્હેજ મધ્યમ....
પ્રસ્વેદ લસરતો ગાલે
અને....
ચળકાટ હળવો લલાટે...
સ્હેજ ભીનો...
સ્હેજ ગરમ....!!!

10.

ઝગમગ ઝગમગ કોડિયું
રાણાં ને દરબાર...
થનગન થનગન ઝાંઝર
મીરાંને ઝણકાર...
આવ કાન આજ તું..
રોશની ઝળહળાટ...
તેજ પ્રકાશ પુંજ છે
પ્રેમે અમરત રસધાર...!!!

11.

અગ્નિ - જ્યોત...
કોડિયું - પ્રેમ...
દીપક -રાગ...
છે સઘળું યથા તથા જગાએ
અને...
મંદિરે
ઈશ્વર તું કાં ગાયબ ???

12.

સ્મિત ને વળી

ક્યાંથી લાવવા

ઉપરછલ્લાં રે

ચળકાટ ?
તારા વિના

ક્યાંથી હોયે

જીવન મધ્યે

ઝળહળાટ ??

13.

તેજ રફ્તાર જિંદગીની હતી શું માનશો...?
તેજ કટારી ધાર હતી જિંદગીની શું માનશો...?

તેજ તિમિરે અજવાશ જિંદગી શું માનશો...?
તેજ રોશની બારેમાસ જિંદગી શું માનશો ...?

તેજ બસ તેજ ખૂબ તેજ હતી...
તેજ જીવવાનું બળ જિંદગી એ શું માનશો ...?


14.

તું આવશે ની માન્યતાએ...
રાત
લંબાતી જાય છે...
ઝગમગ દીવો ઝળુહળુ...
હવે સ્હેજ આંખે આવીને અટક્યો જાણે...
નયન તગતગે...
હૃદય ધકધકે...
અને આછેરા શ્વાસે...
તુજ શ્રધ્ધાનું કોડિયું...
ધીમું ધીમું તોય...
ઝળહળે...!!!

15.

વાત છુપાવું તો ખરાબ છે...
જહેર કરું ન કરું હવે બેનકાબ છે...

સઘળા પ્રશ્નનો બસ એક જ જવાબ છે...
કે જીવી જાણો જ્યાં સુધી....

સઘળું લાજવાબ છે...!!!


16.

આત્મો જગાડવો છે મારે...
પણ બોલાવું કેમ કરીને એને...
ન કાન એને છે...
ન છે એને આંખો....
કે મને જોઈ મારી પાસે પાછો આવી શકે...
એને તો બસ...
એક અંતરનાળ છે...
હૈયાનાં સ્પંદન ધબકાર બસ જાણી શકે...
અને અહીં તો...
ઊર્મિની નાતમાં સ્પદંનોનું થયું મરણ....
હૃદય ધબકારે પણ છે આજકાલ નજીવું ઝરણ...
ક્યાંથી ભલો આતમો મારો....
કંઈ સ્પંદી શકે...
સ્નેહી શકે...
કહો એને કેમ કરી...
પાછો સંચરી શકે...

17.

પીછો છોડાવવાની

વાત હો તો

કેમ દોડી

જઈશ કહે...
વાતે પ્રેમની

શું તું દઈશ

મને

હાથતાળી કહે..?

18.

પ્રેમ એટલે...
ન લીધી પરવાનગી તોયે...
મારા મનમંદિરે...
થઈ ઈશ...
તુજ ઘંટારવની
પડઘમ શરુઆત....
રાત્રિની મીઠી નીંદરમાં
આવતી ઓચિંતી જ એવી
તુજ મીઠાં સ્વપ્નાની રળિયાત....
ધીમાં પગલે આવી બેસે
સ્પર્શે પવનસમ
અને ઉરે
ધબકે સ્પંદન બની મિરાત...
કારણ શમણાં તો પંખીની જાત...
એમાં પડી પટોળે ભાત...
ને આ હૈયાની પ્રેમની છે જાત...!!!


19.

નજરને ટાંગીને

આમ

ક્યાં સુધી

રાખું બારણે ?
હવે તો

આવ અને

જરીક

નયનને

ટાઢક આપ...

20.

કંગાલિયત આજે
મને એ હદે થઈ પ્રિય...
કે રૂપિયાને પર્સમાં રાખી મૂકવા
મને ખૂબ ગમવા લાગ્યા...
ખરીદી શકું કંઈ ગમતું
એવો વૈભવ હવે
મારાં સ્વભાવમાં રહ્યો નથી...
કોઈ બે માણસને
મદદમાં આવી શકું
એવો જુસ્સો મારામાં
હવે રહ્યો નથી....
કારણ...સંઘરો આવ્યો સ્વભાવમાં...
લાગણી કે દયાને
આંખોમાં હું વરતી શકતો નથી
કારણ...મારું દરેક આગવું
હું વહેંચી શકતો નથી
અન્ય સાથે...
કારણ...એકવોસમી સદીનું...
એક વસમું કળિયુગી ઝહેર
મારી નસોમાં વહી રહ્યુ છે જોરશોરમાં...
અને હા...એટલે જ
આ કંગાલિયત હવે મને
કોઠે પડી ગઈ છે
મારો સ્વભાવ બની...!!!

21.

ઘણું જ હસવું હોય છે મારે,
પરંતુ -
તુજ સ્નેહાળ પવિત્ર ઝરણું...
શાંત કાં ભાસે મુજને ?
મથું છું કરવા ઘણાં પ્રયત્નો,
તોય કલરવ ન જાણે,
ક્યાંય ખોવાયો,
અને અંતે -
ઘણું જ રડવું પડે છે મારે,
કારણ -
મારું હૃદય મુજને એમ કરવા પ્રેરે છે,
મગજને પૂછું જ્યાં પ્રશ્ન,
તો એય સદા પાળતું મૌન,
શું તું આમ જ રહીશ ?
શાથી થાય મને તારી આટલી ખોટી ચિંતા ?
કારણ સાચું માત્ર એક જ છે...."
મારું ચાહવું તને...!!!"
તો એ પાછળનાં આટલા બધા મરી પરવારેલા ઝખમમાં...
આટલો અનહદ સળવળાટ કેમ .....???

22.

આંખે આવીને ઊભું એક પાણીનું ટીપું...
સપનું જોયાનું આજ છે ફળ એક નજીવું..

થાત સારું કે આંખોને પહેરાવતે ચશ્મા દુન્યવી..
પાંપણોને ન રાખી કેદ એનું છે ઈનામ આ સરીખું..

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

23.

આજ ઝીણું હું જોઈ શકતો નથી...
કારણ
દરેક ઝીણી વસ્તુમાંય
ચહેરો તારો
શોધ્યા કર્યો છે મેં
અને એટલે જ હવે મને...
લાગણીનાં બેંતાળા આવી ગયા છે...!!!