હેલો... હું સાંભળું છું
જે વાત કોઈને કહી ન શક્યા, એ એક અજાણ્યા અવાજે સાંભળી લીધી.
એક ચોરસ કાળું બોર્ડ, જેની પર સફેદ અક્ષરોથી લખેલું હતું: "ડિપ્રેસનમાં છો? આત્મહત્યાના કે ખોટા વિચારો આવે છે? એક વાર અમને કોલ કરો. અમે સાંભળીએ છીએ. હેલ્પલાઇન: ૯૯..."
રુદ્ર રોડની ફૂટપાથ પર લન્ચ બ્રેક માં ઊભો રહ્યો. મે મહિનાનો બપોરનો તડકો ડામરને ઓગાળી રહ્યો હતો, અને એ તડકામાં આ બોર્ડ એક વિચિત્ર કોમેડી જેવું લાગતું હતું. રુદ્ર હસ્યો. મોટેથી નહીં, અંદરથી.
તેણે ખિસ્સામાંથી સિગારેટ કાઢી, સળગાવી અને બોર્ડ તરફ ધુમાડો છોડ્યો.
‘કેવા મૂર્ખાઓ છે!’ એણે વિચાર્યું. ‘જે માણસ સાચે જ મરવા જતો હોય, એ રસ્તા પર ઊભો રહીને ટ્રાફિકની વચ્ચે આ બોર્ડ વાંચશે? અને ધારો કે વાંચે, તો સામેવાળો ફોન પર એવો કયો જાદુ કરવાનો? કાનમાંથી ફૂંક મારીને મગજનો કચરો સાફ કરી દેશે? હેલો, હું મરવા જાઉં છું... અરે ના ના, પ્લીઝ સર, મરશો નહીં, કાલે રવિવાર છે, રજા છે, ફરવા જજો! અને માણસ મરવાનું માંડી વાળશે? વાહ!’
રુદ્રનું જીવન બહારથી એકદમ વ્યવસ્થિત હતું. બેંકમાં પૂરતું બેલેન્સ નહોતું, પણ દેખાવ એવો હતો કે જાણે દુનિયા ખરીદી લેશે. એન્જિનિયરિંગની પ્રોફાઇલ સારી હતી, પણ ઇન્ક્રીમેન્ટ ક્યારે આવશે એની કોઈને ખબર નહોતી. કોઈ ડિપ્રેસન નહીં, કોઈ ટેન્શન નહીં, એવું માનવાની એણે પોતાની જાતને ફરજ પાડી હતી. શનિ-રવિ બિયર અને બાર.
પણ બપોર એકદમ ખાલી હતી. મગજમાં એક મસ્તી જાગી. એક ટાઈમપાસ. જરા જોઈએ તો ખરા કે આ ‘દુનિયા સુધારકો’ ફોન પર કઈ બ્રાન્ડનું જ્ઞાન વહેંચે છે!
તેણે નંબર ડાયલ કર્યો. ફોન સ્પીકર પર મૂક્યો.
ખિસ્સામાં હાથ નાખીને એણે ચહેરો ગંભીર કર્યો—એક પરફેક્ટ ડિપ્રેસ્ડ પેશન્ટનો ચહેરો, જે એણે ક્યારેય અનુભવ્યો નહોતો.
ત્રણ રિંગ ગઈ. સામેથી અવાજ આવ્યો: "હેલો, આશા હેલ્પલાઇન. હું માનસી. જી, કહો..."
અવાજ સોફ્ટ હતો. બહુ સોફ્ટ.
રુદ્રએ અવાજને ધીમો, ધ્રૂજતો અને બેઝ વાળો બનાવ્યો: "હેલો... હું... મને બહુ અજીબ લાગે છે. જીવવાનું મન નથી થતું." (એણે મનમાં વિચાર્યું: શાબાશ રુદ્ર, તું ઓસ્કાર જીતી શકે છે.)
સામેથી છોકરીનો અવાજ તરત જ ગંભીર અને સતેજ થઈ ગયો: "પ્લીઝ, શાંત થઈ જાવ. તમારું નામ જણાવશો? તમે ક્યાં છો અત્યારે?"
"નામમાં શું રાખ્યું છે? હું બસ... એક હાઈવે પર ઊભો છું. ટ્રાફિક દેખાય છે. મને થાય છે કે કોઈ ટ્રકની નીચે..." રુદ્રએ નાટક ચાલુ રાખ્યું.
"ના, બિલકુલ નહીં!" છોકરીનો અવાજ થોડો ગભરાયેલો હતો. "મારી સાથે વાત કરો. તમે એકલા નથી. મને કહો, આવું કેમ થાય છે? છેલ્લે ક્યારે જમ્યા હતા?"
રુદ્રને મજા આવવા લાગી. આ એક લાઈવ સાયકોલોજિકલ ગેમ હતી. "જમવાનું? જમવામાં શું છે? રોટલી, દાળ, બધું જ સ્વાદ વગરનું લાગે છે. છેલ્લા છ મહિનાથી ઊંઘ નથી આવી."
"છ મહિનાથી?" માનસીએ પૂછ્યું. "શું કોઈ બ્રેકઅપ થયું છે? કે ઓફિસનું પ્રેશર છે?"
અહીંથી રુદ્રની ગાડી પાટા પરથી ઉતરવાની શરૂ થઈ.
તેણે વિચાર્યું કે બ્રેકઅપનું બહાનુ સરસ રહેશે. "હા, એ છોડીને જતી રહી. સાત વર્ષનો સંબંધ હતો."
"ઓહ..." માનસીનો અવાજ વધુ ઊંડો થયો. "સાત વર્ષ... બહુ મોટો સમય કહેવાય. એ કેમ ગઈ? કોઈ ત્રીજું આવ્યું કે વગર કારણે?"
રુદ્રએ મનમાં ગણતરી માંડી. સાત વર્ષ પહેલાં હું ક્યાં હતો? કોલેજના છેલ્લા વર્ષમાં. મારી ગર્લફ્રેન્ડ નેહા હતી? ના, નેહા તો મારી ફ્રેન્ડ હતી. તો શ્રુતિ? હા, શ્રુતિ સાથે મારું ફ્લર્ટિંગ ચાલતું હતું. જો શ્રુતિ સાથે લગ્ન થયા હોત તો?
તેણે ફોન પર કહ્યું, "એણે કહ્યું કે હું એને સમય નથી આપતો. હું મારી કરિયરમાં વ્યસ્ત હતો."
માનસીએ નિસાસો નાખ્યો, "પુરુષો હંમેશાં આ જ ભૂલ કરે છે. કરિયર પાછળ દોડતા દોડતા એ ભૂલી જાય છે કે કોઈ ઘરમાં તેમની રાહ જોતું બેઠું છે. પણ રુદ્ર—સોરી, તમારું નામ જે હોય તે—તમે ક્યારેય વિચાર્યું કે એણે પણ કેટલી પીડા ભોગવી હશે?"
રુદ્ર સડક થઈ ગયો. એણે વિચાર્યું, આ છોકરી સાચું કહી રહી છે. શ્રુતિ ખરેખર મને મેસેજ કરતી હતી અને હું બોસની ચાપલૂસીમાં, ઇન્ક્રીમેન્ટની રાહમાં વ્યસ્ત હતો.
"હેલો? તમે સાંભળો છો?" માનસીએ પૂછ્યું.
"હા... સાંભળું છું." રુદ્રનો અવાજ હવે નેચરલ થવા લાગ્યો હતો.
"તમને એવું નથી લાગતું કે તમે કદાચ બહુ એકલા છો?" માનસીનો સવાલ તીક્ષ્ણ હતો.
"હું... હું વિચારી રહ્યો છું કે હું રોજ સવારે કેમ જાગું છું?" રુદ્રના મગજમાં વિચારોનું પૂર આવ્યું.
સવારે આલાર્મ વાગે છે. ૯ વાગ્યે લોગ-ઈન. પાછળ ઘરના લોનના હપ્તાની ચિંતા. ઇન્ક્રીમેન્ટ આવશે કે નહીં તેનું ટેન્શન. સાંજે ૭ વાગ્યે પાછો ટ્રાફિક. ટ્રાફિક... બ્રેક... એક્સિલરેટર... મેટ્રો ટ્રેનનું ભસભસતું એન્જિન... લોકોના મોઢા... બધા પ્લાસ્ટિકના મોઢા લઈને ફરે છે. હું પણ પ્લાસ્ટિક છું. મારી જિંદગીનું રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (ROI) શું છે? શૂન્ય!
"હેલો, મિસ્ટર? પ્લીઝ કંઈક બોલો, મને ચિંતા થાય છે," માનસીનો અવાજ ધ્રૂજતો હતો.
રુદ્રનો કૉમેડી કરવાનો આખો મૂડ ગાયબ થઈ ગયો હતો. એના કપાળ પર પરસેવો વળી ગયો હતો. રોડ પરથી પસાર થતી ગાડીઓનો અવાજ એને કાનના પડદા ફાડી નાખે તેવો લાગતો હતો. વાત કરતા કરતા એ ક્યારે ફૂટપાથ પરથી ઉતરીને રોડની વચ્ચે પહોંચી ગયો, એનું એને ભાન જ નહોતું. એના મગજમાં વિચારોની આંધી ચાલી રહી હતી.
અચાનક, "પીઅંઅઅઅઅપ...!"
એક કાન ફાડી નાખે એવો હોર્નનો અવાજ સંભળાયો અને એક કાર એનાથી માંડ બે ઇંચ દૂર જઈને સ્ક્રિચિંગ બ્રેક સાથે ઊભી રહી. ડ્રાઇવરે બારીમાંથી મોં બહાર કાઢીને બે-ત્રણ ગાળો ભાંડવાની શરૂઆત કરી.
આ અવાજ અને પરિસ્થિતિએ રુદ્રને જાણે ઊંઘમાંથી ઝબકાવીને જગાડ્યો. એ વાસ્તવિકતામાં પાછો ફર્યો. એણે કાર સામે જોયું, હાથ ઊંચો કરી ભૂલ સ્વીકારી અને ઝડપથી પાછો ફૂટપાથ પર આવી ગયો. એના હૃદયના ધબકારા વધી ગયા હતા.
"હેલો? હેલો? શું થયું? અવાજ શેનો હતો?" ફોનમાંથી માનસીનો ગભરાયેલો અવાજ આવી રહ્યો હતો.
રુદ્રએ ફોન કાન પર મૂક્યો. એના હાથ ધ્રૂજી રહ્યા હતા. "માનસી... હું ઠીક છું. તારો ખૂબ ખૂબ આભાર," રુદ્રએ માંડ નોર્મલ અવાજમાં કહ્યું અને તરત જ ફોન કટ કરી દીધો. એણે ખિસ્સામાંથી સિગારેટ કાઢી, પણ સળગાવવાની હિંમત ન ચાલી.
રસ્તો ઓળંગીને એ નજીકના બસ સ્ટેન્ડના ખાલી બાંકડે ફસડાઈ પડ્યો. એણે માથું બંને હાથ વચ્ચે દબાવી દીધું.
રુદ્ર લાંબા સમય સુધી બસ સ્ટેન્ડના બાંકડે બેઠો રહ્યો.
સામે લોકો આવતાં-જતાં હતાં. કોઈના હાથમાં ઓફિસની બેગ હતી, કોઈ ફોનમાં વ્યસ્ત હતું, કોઈને મોડું થતું હતું.બધા ક્યાંક જઈ રહ્યા હતા.
અને પહેલી વાર રુદ્રને લાગ્યું—“હું ક્યાં જઈ રહ્યો છું?”
એણે ફોન બહાર કાઢ્યો.
કૉલ લિસ્ટમાં છેલ્લો નંબર હજુ પણ દેખાતો હતો—
આશા હેલ્પલાઇન — માનસી
રુદ્રની આંગળી કૉલ બટન પર અટકી ગઈ. પછી એણે કૉલ કર્યો.
બે રિંગ.ત્રણ રિંગ.
“હેલો... આશા હેલ્પલાઇન. હું માનસી.”
થોડી ક્ષણ રુદ્ર કંઈ બોલ્યો નહીં.
“હેલો? તમે સાંભળો છો?”
રુદ્રે આંખો બંધ કરી.“હા.”
“તમે ઠીક છો?”
“હવે... કદાચ.”
માનસી થોડી ક્ષણ ચૂપ રહી.
“આજે તમે મને ફોન કર્યો હતો.”
“હા.”
“તમે મજાક કરવા માટે ફોન કર્યો હતો, ખરું ને?”
રુદ્ર ચોંકી ગયો. “તમને કેવી રીતે ખબર?”
માનસી હળવેથી હસી.“તમારો અવાજ શરૂઆતથી જ થોડો નાટકીય હતો. પણ પછી... કંઈક બદલાઈ ગયું.”
રુદ્રે માથું ઝુકાવ્યું.“માનસી... જો હું આજે ફોન ન કરત તો?”
સામેથી લાંબું મૌન આવ્યું.
“તો કદાચ આજે તમને ખબર જ ન પડત કે તમે કેટલા થાકી ગયા છો.”
રુદ્રની આંખોમાં પાણી આવી ગયું.
“મને લાગતું હતું કે હું ડિપ્રેસ્ડ નથી.”
“કોઈ પણ માણસ પોતાની અંદરનું તોફાન બહારથી જોઈ શકતો નથી, રુદ્ર.”
રુદ્ર એકદમ સ્થિર થઈ ગયો.
“તમને મારું નામ ખબર છે?”
“તમે ફોન કાપતા પહેલાં કહ્યું હતું.”
“ઓહ...”
માનસીએ કહ્યું,“અને એક વાત યાદ રાખજો. મદદ માંગવી નબળાઈ નથી. ક્યારેક સૌથી બહાદુર માણસ એ હોય છે જે કહે છે—‘મને ખબર નથી શું કરવું.’”
રુદ્ર કંઈ બોલ્યો નહીં.ફોન હાથમાં જ હતો.
પણ આ વખતે એ ફોન જીવનમાંથી ભાગવા માટે નહોતો.
જીવન તરફ પાછા ફરવા માટે હતો.
સાંજે ઘરે પહોંચીને રુદ્ર સીધો બાલ્કનીમાં ગયો. ટેબલ પર પડેલી સિગારેટની પેકેટ ઉઠાવી એક ક્ષણ એણે એને જોયું.
પછી કચરાપેટીમાં નાખી દીધુ.
મોબાઈલ કોલ લિસ્ટ ફરી જોયું
બોસના બાવીસ મિસ્ડ મેસેજ હતાં.
પહેલાં જે મેસેજ જોઈને એની છાતી ધબકતી હતી, આજે એણે પહેલી વાર ફોન સાઇડ પર મૂકી દીધો.
એણે પોતાની બેંક એપ ખોલી.
હોમ લોન.ક્રેડિટ કાર્ડ.EMI.
બધું જ હતું.
સમસ્યાઓ ગઈ નહોતી.પણ એક વસ્તુ બદલાઈ ગઈ હતી.
રુદ્ર હવે સમસ્યાઓથી મોટો બનવા માંગતો હતો.
એણે ફોનમાં એક નવો કોન્ટેક્ટ સેવ કર્યો—
“માનસી — ફોન કરવો હોય ત્યારે.”
થોડી ક્ષણ પછી તેણે બીજો કોન્ટેક્ટ શોધ્યો.
શ્રુતિ.
વર્ષોથી વાત નહોતી થઈ.
મેસેજ લખ્યો—
“કેમ છે? ઘણા સમયથી વાત નથી થઈ. કદાચ મારી કેટલીક ભૂલો હતી. જો ક્યારેક સમય મળે તો વાત કરવી છે.”
Send.
સ્ક્રીન પર એક નાનો મેસેજ દેખાયો—Message sent.
રુદ્ર ખુરશીમાં પાછળ ઢળી ગયો.
બહાર અમદાવાદની રાત ધીમે ધીમે ઊતરી રહી હતી.એ જ શહેર.એ જ ટ્રાફિક.એ જ EMI.એ જ નોકરી.એ જ બોસ.એ જ જીવન.
પણ આજે પહેલી વાર એને સમજાયું—
જીવન ખરાબ નહોતું.
એ માત્ર મદદ માંગ્યા વગર જીવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
બીજા દિવસે સવારે રુદ્ર ફરી એ જ રસ્તા પરથી પસાર થયો.
ફૂટપાથ પર એ જ કાળું બોર્ડ હતું.
સફેદ અક્ષરોમાં લખેલું હતું—“ડિપ્રેસનમાં છો? આત્મહત્યાના કે ખોટા વિચારો આવે છે? એક વાર અમને કોલ કરો. અમે સાંભળીએ છીએ.”
રુદ્ર બોર્ડ સામે ઊભો રહ્યો.
ગઈકાલે એને આ બોર્ડ કોમેડી લાગ્યું હતું.
આજે એ જ બોર્ડ એને અરીસા જેવું લાગ્યું.
એણે સિગારેટ કાઢી.
થોડી ક્ષણ હાથમાં પકડી રાખી.
પછી પાછી ખિસ્સામાં મૂકી દીધી.
અને બોર્ડને જોઈને ધીમેથી બોલ્યો—
“કાલે હું અહીંથી મરવા માટે પસાર થયો હતો...” એ અટક્યો.
હળવું સ્મિત કર્યું.
“...આજે જીવવાનું શીખવા માટે ઊભો છું.”
એ આગળ વધ્યો.
પણ પાંચ ડગલાં પછી અટકી ગયો.
પાછળ ફરીને બોર્ડ તરફ જોયું.
અને મનમાં એક વિચાર આવ્યો—“કદાચ આ નંબર મને બચાવવા માટે નહોતો.”
થોડી ક્ષણ પછી એની આંખો ભીની થઈ ગઈ.
“કદાચ આ નંબર મને મારી જાત સુધી પાછો પહોંચાડવા માટે હતો.”
એ આગળ ચાલ્યો.રસ્તો લાંબો હતો.
સમસ્યાઓ પણ લાંબી હતી.પણ હવે રુદ્ર પાસે એક વસ્તુ હતી—
આગળ વધવાનું કારણ.અને ક્યારેક...
માણસને આખી જિંદગી બદલવા માટે કોઈ ચમત્કારની જરૂર નથી પડતી.
માત્ર એક અવાજની જરૂર પડે છે—
“હેલો... હું સાંભળું છું.”
સમાપ્ત...