સફળતા અને જવાબદારી Mital Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતા અને જવાબદારી

સફળતા સાથે જવાબદારી આપોઆપ આવે છે.



          ઈશ્વરે તમને કોઈ ઉમદા કાર્ય માટે પસંદ કર્યા છે, એની ઋણાનુબંધની સાંકળ ઘણી લાંબી હોઈ શકે છે!! આપણી સફળતા માત્ર આપણી નથી હોતી. આપણી સાથે જોડાયેલા ઘણા બધા લોકોનો ડાયરેક્ટલી, ઇન્ડાયરેક્ટલી નાનો-મોટો ફાળો હોય જ છે. સંઘર્ષના સમયમાં જેઓ લાગણીની, હૂંફની છત બન્યા હોય, તેવા લોકોની આપણી સફળતામાં ભાગીદારી કંઈ રીતે ભૂલી શકીએ!! પડછાયાની જેમ તમારા કર્મની સાથે મજબૂત દિવાલ બનીને, પડખે રહ્યા હોય તેવા લોકો તમારા જેટલા જ સફળતાના ભાગીદાર છે, એમ કહી શકાય!!



            કુદરતે તમને કોઈ ઉમદા કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે. કુદરતનો પ્રારબ્ધ અને તમારી મહેનત બંને જ્યારે ભેગાં થાય ત્યારે સફળતાનો પારસમણિ તમને મળે છે. અને ત્યારે સમાજ, દેશ, કુટુંબ અને કદાચ મનુષ્યત્વ તેમજ કુદરતને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓનું પોટલું સફળતાની સાથે જ તમને મળતું હોય છે. કોઈપણ ક્ષેત્રમાં 'શ્રેષ્ઠત્વ'નું પ્રમાણપત્ર જે સમાજ આપણને આપે છે, તે જ આપણને સમાજના ધરોહર, માર્ગદર્શક, સાચી દિશામાં દોરીસંચાર કરનાર અને માનવતા જીવંત રહે તેવા વિચાર, વર્તન અને વાણીની અપેક્ષાઓ રાખે છે. જેટલો આનંદ આપણને સફળતા અને આવકારથી મળતો હોય છે, એટલો જ ઉમંગ અને ઉત્સાહથી આપણે કંઈક નક્કર કર્મ કરીએ એવી અપેક્ષાઓ હોય છે. તેમાં આપણે ખરાં ઊતરવાનું છે. પદ, મોભો માત્ર આપણને પ્રસન્નતા નથી આપતું. આપણાં થકી જે કોઈનું હિત કરી શકવાની આપણી જે ક્ષમતા છે, જે સત્વ છે, તેનો ઉપયોગ કરી પોતાનું નિમિત્તિક કર્મ પૂરેપૂરા દિલથી કરી જવું, તેમાં જ સાચી પ્રસન્નતા મળે છે.


          સફળતા એ તો તક છે, એક પ્લેટફોર્મ છે, આદર્શ કાર્ય સમાજ માટે, દેશ માટે કરી જવાનું. તમારું ધ્યેય માત્ર પૈસા કમાવાનું હોય તો તમે નિરર્થક સફળતા પાછળ ભાગી રહ્યા છો. તમારું ધ્યેય કોઈ સ્થૂળ એવોર્ડ કે ડિગ્રી મેળવીને ખુશ થઈ જઈ સ્થગિત થઈ જવાનું હોય તો તમે ખોટી દિશામાં છો. માનવતાના હિતમાં એવું કર્મ કરી જવું કે લોકોની પોતાની અંદર પણ એ વિશ્વાસ તમે ઉત્પન્ન કરી શકો કે, 'હું પણ કરી શકું છું', તો તમે સાચા અર્થમાં સફળ છો.



         સફળતાની વ્યાખ્યા સ્થૂળ છે જ નહીં. તમે કોઈનું જીવન બનાવી શકો. તમે કોઈના જીવતરમાં અજવાળું બની શકો. તમે કોઈના સ્મિતનું કારણ બની શકો. તમે ખુદના કર્મ થકી કોઈનું મનોબળ મજબૂત બનાવી શકો. તમે તમારા કર્મ થકી નિરાશ થયેલી વ્યક્તિને ફરી જીવવાની જિજીવિષા જગાડી તેને બેઠી કરી શકો. તમે પોતાના કર્મસ્થળ પર પોતાના નૈમિત્તિક કર્મને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે કેવી રીતે ખીલવી શકાય, કેવી રીતે કરી શકાય, તે માટે હોકાયંત્ર બની શકો. તમે કર્મ અને શબ્દરૂપી હૂંફથી દુનિયાના કાવાદાવા અને અમુક કૂપમંડૂકપણામાંથી બહાર આવી, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું સાહસ અને હિંમત કોઈનામાં રોપી શકો, તો જ તમારી સફળતા સાર્થક. સફળતા એ પગથિયું છે, ત્યાંથી સાર્થક જીવન સુધી પહોંચી શકાય છે અને અન્યના જીવનને પણ સાર્થક કરવા તેમને પ્રજ્ઞાથી સદ્ધર કરી શકાય છે.

મૂરઝાઈ ગયેલ ફૂલને ક્યારેક
       જળની અંજલિ છાંટી તો જો...!!
તારા થકી ખીલવાનું કારણ
        તેને આપી તો જો...!!
કંઈક ખીલી ઊઠશે તારી ભીતર પણ...

પરમાર્થના કર્મને પોતાનો દીવો બનાવી
       કોઈના અંતરમનને અજવાળી તો જો..!!


સફળતા જેટલી ઊંચાઈ આપે છે, એટલી જ વિનમ્રતા પણ શીખવાડે છે. વૃક્ષ પર ફળ આવે ત્યારે તેની ડાળીઓ નમી જાય છે; એ જ રીતે સાચી સફળતા માણસને અહંકાર નહીં, પરંતુ સૌજન્ય, સંવેદના અને કૃતજ્ઞતા તરફ લઈ જાય છે. જે સફળતા માણસને માણસથી દૂર કરી દે, તે સફળતા નહીં, માત્ર સિદ્ધિ છે. પરંતુ જે સફળતા માણસને વધુ માનવીય બનાવે, વધુ સહજ બનાવે અને વધુ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું સામર્થ્ય આપે, તે જ સફળતાનું સાચું સૌંદર્ય છે.
સફળ વ્યક્તિએ માત્ર પોતાની સિદ્ધિઓની ગણતરી ન કરવી, પરંતુ પોતાના કારણે કેટલાં લોકો આગળ વધ્યાં, કેટલાં લોકોના આત્મવિશ્વાસને પાંખો મળી અને કેટલાં જીવનમાં આશાનો દીપ પ્રગટ્યો, તેનો પણ હિસાબ રાખવો જોઈએ. આપણી સૌથી મોટી ઉપલબ્ધિ એ નથી કે આપણે કેટલું મેળવ્યું; પરંતુ એ છે કે આપણા કારણે બીજા કેટલા લોકો કંઈક મેળવી શક્યા. જીવનની સાચી સમૃદ્ધિ સંપત્તિથી નહીં, પરંતુ આપણા અસ્તિત્વથી કેટલાં લોકોનું જીવન સમૃદ્ધ બન્યું તેનાથી માપી શકાય છે.
અંતે, જીવનની સૌથી મોટી સફળતા એ નથી કે લોકો તમારા નામની પ્રશંસા કરે; પરંતુ એ છે કે તમારા કાર્યની પ્રેરણાથી કોઈ વ્યક્તિ પોતાનું જીવન બદલવાનો નિર્ણય કરે. તમારા શબ્દો કોઈને હિંમત આપે, તમારા વર્તનથી કોઈને સંસ્કાર મળે અને તમારા કર્મથી કોઈને નવી દિશા મળે, તો સમજવું કે સફળતાએ સાર્થકતાનું રૂપ ધારણ કર્યું છે. કારણ કે અંતે નામ નહીં, નિમિત્ત બનેલા કર્મો જ સમયના પાનાં પર અવિનાશી બનીને જીવતા રહે છે.
ડૉ. મિત્તલ પટેલ
'પરિભાષા'