દક્ષતા Mital Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દક્ષતા

દક્ષતા પ્રાપ્ત કરવી હોય તો "મથામણ" અવિરત ચાલું રાખો.



તકલીફોથી વિહ્વળ થઈશું તો કેમ ચાલશે?
આત્મશ્રદ્ધાને આટલું ઓછું આંકશુ તો કેમ ચાલશે?
હશે ઉણપ ક્યાંક હજી વધુ દક્ષ થવામાં ....
વધુ મથવામાં આપણે ઢીલ રાખશુ તો કેમ ચાલશે? 
ઉન્નતિના પગલાં ભરીશું ત્યારે જ,
             જ્યારે દક્ષતા પ્રાપ્ત કરીશું.
ઉતાવળે પ્રયત્નો હેઠા મૂકીશું તો કેમ ચાલશે ?


           આપણે સાતત્યપૂર્ણ પરિશ્રમ, સાતત્યપૂર્ણ પ્રયત્ન, કન્સિસ્ટન્સીથી મથામણ કરવી જ પડશે, તો જ "શ્રેષ્ઠત્વ"ને પામી શકીશું. હશે, ચાલશે, થશે, જેવાં અભિગમથી તો સારું કામ થઈ શકશે. "શ્રેષ્ઠ" માટે તો "ના કેમ થાય?", "હું કરીશ જ" નાં દ્રઢ નિર્ધાર સાથે અંધારામાં જ ઝઝૂમવાની તાકાત ભેગી કરી, સતત પ્રયત્નોના હલેસા મારવા જ પડશે. લોકોની અભિપ્રાયવલીની બહુ ચિંતા કર્યા વગર "સ્વ" ઉપર સંપૂર્ણ મદાર રાખીને, મનથી નક્કી કરી મંડી પડો તો ગમે તેટલું મોટું અને અઘરું લાગતું કામ પણ પાર પાડી જ શકાય છે. બસ અધવચ્ચે ઓછાથી ચલાવી લેવાનું વલણ છોડવું પડશે. મુશ્કેલીઓથી ડરીને પોતાની આત્મશ્રદ્ધાને તૂટવા દેવાની નથી. જ્યારે આપણે કોઈ સાર્થક કામ કરી રહ્યા હોય ત્યારે અડચણો અને કસોટીઓથી ક્યારે ય થાકવાનું ના હોય.


કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
-દલપતરામ 

     ઘણી જ શ્રેષ્ઠ "પ્રેરણાતત્વ" થી સભર એવી દલપતરામની આ કવિતા નાનપણથી આપણને સતત મથવા ઇંધણ પૂરું પાડતી રહી છે. સતત મળતી નિષ્ફળતા, સતત મળતો નકાર , સતત રસ્તામાં આવતી અડચણો,ડીમોટીવેટ કરતી ઘટનાઓ એ કંઈ આપણા માનસિક મનોબળથી, આપણી ભીતર વસતા ઈશ્વરતત્વથી અને આંતરબળથી તો મોટી નથી જ.


"સામાન્ય" કે રૂટીન કાર્યો કરવામા કે રૂટીન માણસ તરીકેની જિંદગી જીવવામાં ક્યારેય વધુ મથવાની કે વધુ દક્ષ બનવાની જરૂર રહેતી નથી. પણ આપણો જન્મ જીવન પસાર કરી દેવા માટે નહીં, જીવનને સાર્થક કરવા માટે થયો છે અને જીવનની સાર્થકતા શાશ્વત કર્મો કરવામાં છે . જે શાશ્વતી સાથે જોડાયેલ છે. તે માટે વણખેડાયેલ રસ્તે ભમવું પડે છે. અંતરઆત્માને નાદને અનુસરવા દુનિયાથી નોખો ચિલો આપણે ચીતરવો પડે છે. કંઈક ઉત્તમ કરવા શ્રેષ્ઠતત્વને ખુદમાં પાંગરવા સતત મહેનત અને વધુને વધુ કઠોર પરીક્ષાઓ સતત આપતા રહેવું પડે છે. પણ જ્યારે કંઈક સાર્થક કર્યાની અનુભૂતિ થાય છે, ત્યારે આ સંઘર્ષ ગૌણ લાગે છે , સફળતા વધુ મીઠી લાગે છે અને આ ગળપણ પોતિકુ હોય છે . "સ્વ" અજવાસનું હોય છે. કોઈની છાયામાં શીતળતા મેળવતા રહેવું, તેના કરતાં ઉઘાડય પોતાનો હોય અને અજવાશય પોતિકો તો તપવાની અને ખીલવાની મજા જ કંઇ ઓર આવે છે .


          જ્યારે હારી જવાનું મન થાય ને ત્યારે યાદ કરજો કે આ મુશ્કેલી આપણને વધુ દક્ષ બનાવવા આવી છે. હજી થોડું તપવાનું, હજી થોડું મથવાનું ,હજી થોડું ભીતરથી વધુ સમૃદ્ધ થવાનું બાકી છે. દક્ષતા પ્રાપ્ત થશે ત્યારે આપોઆપ કુદરત આપણને શ્રેષ્ઠ વસ્તુ આપશે જ. આપણા ધ્યેય સુધી પહોંચાડશે જ." ઇન્સ્ટન્ટ"ના આ જમાનામાં ધીરજને ટકાવી રાખવી, ધીરજને ખુદમાં ધારણ કરવું એ ચેલેન્જિગ પણ અનિવાર્ય બાબત છે. અધીર વ્યક્તિ "સમતા"ધારણ કરી શકતો નથી. અધીર વ્યક્તિ મથામણ કરી શકતો નથી. ધૈર્ય એ એવો મૂળભૂત ગુણ છે ,જે જીવનના દરેક પરિપ્રેક્ષ્યમાં, દરેક પાસામાં આપણને સાચાં તત્વ સુધી પહોંચાડવામાં અને જીવનની દરેક ઘટનાઓમાં "સમ"રહીને કુદરતના પ્રયોજનને સમજવામાં અને તેને સ્વીકારી આગળ વધવામાં આપણને મદદ કરે છે .



        ઘણીવાર ઘણા બધા પ્રયત્નો પછી ય આપણે કોઈ ઘટનાના તય સુધી પહોંચી શકતા નથી. "શૂન્ય"થી આગળ ન જ વધી શકાય, ત્યારે "સ્તબ્ધતા"આપણા મનોજગત પર છવાઈ જાય છે . આપણા જીવનની ધરી જેને કેન્દ્રમાં રાખીને ફરતી હોય, અચાનક તે કક્ષામાંથી બહાર નીકળી જઈ વિખૂટા પડી ગયા હોવાની અનુભૂતિ થાય ત્યારે, આત્મશ્રદ્ધા એક જ એવું પરિબળ છે કે જે આપણને ધીરજવાન બનવામાં મદદ કરે છે . આવા સમયે આપણાં ધ્યેયને વધુ મજબૂત રીતે મનથી પકડી રાખી પોતાની આંતરદ્રષ્ટિના આગિયાની રોશનીથી સતત પ્રયત્નો કરી, આગળ વધતા રહેવું. આ પ્રયત્નો જ આપણને નિર્ધારિત દક્ષતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે .


મિત્તલ પટેલ 
"પરિભાષા"