નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.....
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરીની આ ગમતી ગઝલનાં, ગમતાં મનોભાવનાં, ગમતાં સ્પંદનો કેટલાં પોતિકા લાગે!!
"હૃદયસ્થ" થયેલ હોય, તેની ભીની અસરનું સ્થાયીપણુ કેટલું?? લગભગ "જીવનપર્યંત". હયાતીના હસ્તાક્ષર પણ એનાં કેટલા વહાલાં લાગે!! એક શહેરની સાથે આત્મિક જોડાણ જો આટલું સૂક્ષ્મ હોઈ શકે તો, માણસનું હૃદય કેટલી ભીનાશને પચાવીને તરબતર જીવતું હશે!! કેટલાંક સંબંધો સ્ટેપ્લર જેવાં હોય છે. પીન અપ કરેલાં .સહેજ ખેંચાણ અનુભવે ફાટી જાય. કેટલાંક ફેવિકોલ જેવાં હોય છે, અથવા તો જોડાયેલ હોતા જ નથી. માત્ર ચોટેલા હોય છે. કેટલાંક બાઇન્ડીંગ જેવાં.... સામાજિક, આર્થિક કે વ્યવહારિક રીતે જોડાયેલાં . જ્યારે કેટલાક "કોવેલન્ટ બોન્ડ" જેવાં, જે સૂક્ષ્મ રીતે, આત્માના ઊંડાણથી "એકાકાર" થયેલાં હોય છે. "ઓગળવું" ય કદાચ રિવર્સ ઓસ્મોસીસ પામી શકે. પણ "એકાકાર થયેલું " એ " સ્વ" ના અસ્તિત્વમાં આકારમાં લોપ પામેલું હોય છે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
જીવવું તો "સાચું" જ. બનાવટી, તકલાદી, મન ન સ્વીકારતું હોય તેવું, તો નહીં જ. પણ આવું જીવવાની, તેને નિભાવવાની, તેને સંચારવાની, તેને પચાવવાની તાકાત કેટલાની!! આપણે પોતે પોતાનામાં એટલાં સક્ષમ હોઈએ છીએ ખરાં કે તર્કથી અને દેખાડાથી પર જઈ સાચા સંબંધોને સધ્ધર બની જીવી શકીએ !!
આપણું શહેર, આપણું ઘર, આપણી ગાડી એક સંવેદનશીલ માણસ માટે ક્યારેય સ્થુળ નથી હોતું
. તેની દરેક ઈંટો, તેમનો દરેક કણ, તેનાં માટે "સ્વ"જન જેવાં હોય છે. એવાં પોતિકા જે મૌનસંવાદ દ્વારા તેમનાં જીવનની દરેક ઘટમાળના મુક સાક્ષી હોય છે. તેમનાં દરેક સંઘર્ષના મુક દ્રષ્ટા હોય છે. તેમનાં દરેક આનંદના મુક સહભાગી હોય છે.
માણસને સાચું જીવવા શું "લાગણી" જોઈએ?? ના , માત્ર "સાચી લાગણી". કેટલીક "લાગ" જોઈને વ્યક્ત કરાતી "લાગણી" હોય. કેટલીક "ગણી ગણી"ને વાપરવામાં આવતી લાગણી હોય. સાચી લાગણી તો વહાલનું રખોપું હોય. જીવનમાં ઓક્સિજન જેવી. જીવનને સંચરવા યોગ્ય, જીવવા યોગ્ય બનાવે, અને તે તે જ વ્યક્તિ પામી શકે જે સંવેદનાઓથી છલોછલ હોય, જીવનના હર એક રંગને, હર એક ભાવને, હર એક પીડા, આનંદ, આશ્ચર્ય , આઘાતો કે ખુશીને પોતાનામાં ઘોળીને પીતો હોય. સાચાં સંબંધો અને સાચી લાગણીમા "શ્રદ્ધા" હોય. જે ઘણું તપ્યા પછી, ઘણું ભીતરથી વલોવાયા પછી, ઘણાં આઘાતોને પચાવ્યા પછી આવે છે. અને તે શ્રદ્ધા એટલે પોતાના હર એક શ્વાસમાં ભળેલ શ્વાસના હોવાપણાનો રણકાર. એક અટલ અવિભાજ્ય ધબકાર, જે આપણાં હૃદયના ખૂણે ખુણામાં પ્રજ્વલિત રહેતો હોય. તે ઉદ્દીપકની ગરજ સારે છે. આપણાં હરેક કાર્યને, હરેક ક્ષણને સાર્થક કરવામાં. અને આવાં સંબંધો, આવી લાગણી આવું જોડાણ જ જીવનને સાર્થક કરવાનાં આપણા પ્રયાસોમાં ઊંજણ કરતું રહે છે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આપણને હારવા દેતું નથી.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
અચાનક કંઈ પણ છૂટી જવું કેટલું કષ્ટ દાયક હોય છે. કેટલી અસંવેદનાઓ છૂટી જતી હોય છે. કેટલાય સ્પંદનો સ્મરણ બની જતા હોય છે. અને એકી સાથે ઘણી બધી લાગણીઓનો વ્રજઘાત સમ વીરહ ક્યારેક માણસને તોડી નાખે છે તો ક્યારેક વધુ મજબૂત બનાવીને કુદરતની વધુ નજીક લાવી દે છે.
મિત્તલ પટેલ
"પરિભાષા"