Acceptance --- a psychological need of every human being books and stories free download online pdf in Gujarati

સ્વીકાર --- દરેક મનુષ્યની એક psychological need

મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીન નાં માર્ચ- 2021 અંકમાં મારો લેખ...


"સ્વીકાર"--- દરેક મનુષ્યની એક psychological need...



સઘળું વિસરી તું જરા અનુસરી તો જો...
વિશ્વાસથી શ્રદ્ધામાં સરકી તો જો...

દાખલામાં ન બંધ બેસુ તોએ શું..!!
ખોટો પડું, ભૂલો કરું તોએ શું...!!

"હું એવો હું તેવો" તર્કને સ્મિતમાં ખપાવી
સ્વીકારનો અર્થવિસ્તાર તું સમજી તો જો..


સાંભળી લઈશ, જોઈ લઈશ તોયે શું..!!
વધારામાં તને ઓળખી લઈશ તોયે શું..!!

સરવાળા ,બાદબાકી મારી કરતાં થાકે ત્યારે
ભાગાકાર બાદ તારામાં મને ગુણી તો જો...


જેમ માણસની ખોરાક, કપડા, મકાન જેવી બેઝિક need છે તેમ "સ્વીકાર" એ માણસ માટે ખૂબ જ મહત્વની સાયકોલોજીકલ નીડ છે. બાળક હોય કે પુખ્ત વ્યક્તિ કે ઘરડું માણસ દરેકને એવું હોય છે કે હું જેવો છું તેવો કોઈ સ્વીકારે. મારી વાત સાંભળે, મારું અસ્તિત્વ તેમનાં માટે મહત્વનું હોય.


આજે સમાજે ગોઠવેલ ચોકઠાંથી સહેજ અલગ કરવાનો પ્રયાસ કરતાં સમાજ દ્વારા થતો અસ્વીકાર, કુટુંબ દ્વારા થતો "સ્વ"નો અસ્વીકાર જેમાં પોતાનાં આત્મીયજનો સામેલ હોય, પોતીકાં જીવ જોડાયેલ હોય તો માણસ પોતે અંદરો અંદર હોરાય છે. મુંઝાય છે. ઘૂંટાય છે. આ ઘુટન અને આઘાત જો તેની સહન કરવાની ક્ષમતા થી થોડી વધી જાય, જો તેને ઓવરકમ કરવામાં તે નિષ્ફળ નીવડે તો આત્મહત્યાનાં સુધીના પ્રયાસ કરતી જોવા મળે છે. આત્મહત્યા એ માત્ર તે વ્યક્તિની નિષ્ફળતા નથી, તે સમાજની, તેના માતા-પિતાની અને તેના આત્મીયજનની નિષ્ફળતા છે. આટલાં બહોળા સમાજમાં રહેતાં આવી ઘુટન અનુભવી રહેલ વ્યક્તિને તમે સંવેદી ન શકો, અનુભવી ન શકો,અથવા અનુભવીને તેને તેમાંથી બહાર લાવવામાં મદદ ન કરી શકો! "બધું સારું થઈ જશે" "તું છે તો બધું છે" "હું છું ને તારી સાથે".... આટલું શાબ્દિક અને ભાવાત્મક આશ્વાસન ,સ્વીકાર પણ જો સમાજ ના આપી શકતું હોય તો "દંભ" તેનાં માંહ્યલામાં ભરાઈ ગયો છે એમ માનવું. સમાજની રચના જ માણસ માણસને જોડીને રાખવાં, તેની માનસિક જરૂરિયાતો ને પોષણ મળે, સાહચર્ય મળે, સંપ ,સહકાર અને સૌનો સંગાથ મળે. સુખ-દુઃખ એકબીજાના વહેચી ,સમજી ,શેર કરી શકીએ ને સાથ આપી શકીએ એનાં માટે છે. જો એ જ હેતુ fulfill ન થતો હોય, દરેકને પોતાનો સ્વાર્થ જેટલો જ સામેવાળાનો સ્વીકાર પરવડતો હોય તો માણસ ક્યાં જશે?? આર્થિક રીતે, વ્યક્તિગત રીતે, કરીયરની રીતે જિંદગી તો તડકા છાંયા બતાવવાની જ છે. તેમાં વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તે રીતે નિર્ણય લેતો હોય છે. સૌથી મોટી સ્વતંત્રતા કોઈ વ્યક્તિને આપવી તે છે "ભૂલો કરવાની સ્વતંત્રતા". હા ભૂલ પ્રમાણે તેને સજા અવશ્ય મળવી જોઈએ. પણ પછી તે માણસને જીવવાનો તો હક છે જ. ને એ જીવવાનો હક સમાજ, કુટુંબે તેને આપવો જોઈએ. તેને એટલી હદ સુધી ટોર્ચર કરી અને એકલો ન પાડી દેવો જોઈએ કે તે ફ્રસ્ટએડ થઈ જાય. અને સંપૂર્ણપણે અસ્વીકારની નિરાશા તેના મનોઆવરણ પર હાવી થઈ જાય.

માણસ માણસ બને તોય ઘણું
માનવતામાં હજુયે તે ખપે તો ય ઘણું.
ઓળખાણ ,નાત-જાત, પૈસા, હોદ્દાથી નહીં
એક "વ્યક્તિ" તરીકે મપાય તોય ઘણું...


તૃણ સમજીને ઈશ્વર સળગાવી નાખે તે પહેલાં ઘાસ જેવા અહમ, ઘમંડ, સ્વાર્થપણુ ત્યજી દઇ બીજાને સુખી કરવાની, દરેક માં જે સારું છે તેનો સહર્ષ સ્વીકાર કરવાની ભાવના કેળવવીએ તો આખું વિશ્વ કલરવ કરતો માળો બની જાય. દુનિયામાં દરેક સમીકરણ સમય સાથે બદલાતા રહે છે. એ બાળ ઉછેરનાં હોય કે લગ્નજીવનનાં કે રહેણીકરણીનાં હોય તે બધા સમીકરણ સાથે પોતે થોડું જતું કરી,નવું અપનાવી જૂની ઘરેડમાંથી બહાર આવી નવી જનરેશન નવાં વિચારોને નવાં પરિવર્તનોને સ્વીકાર કરતાં થઈશું ત્યારે સાચા અર્થમાં અર્થસભર સમાજની રચના કરી શકીશું.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED