ભાગ ૧૧: છેલ્લો દાવ અને લોહીનું તિલક
“ધીંગાણે ઢોલ ધબૂકિયા, ને મરવા ટાણું આય,*
ભેરુ કાજે ભડવીર, આજ હોમાણો હવન માંય.
પડ્યો પૃથ્વીનો પાળક, લોહી ભીનો સાવજ વીર,*
એક ઘા એ ઉતાર્યો, જન્મોજનમનો ચીર!”
સમય: રાતના ૩ વાગ્યા
સ્થળ: ગીદડ-નાળાનું રણમેદાન (મંગલનો અડ્ડો)
ચારેકોર આગની જ્વાળાઓ લપકારા મારતી હતી અને એ લાલ રોશનીમાં મોતનું તાંડવ રચાતું હતું. મંગલના સાગરીતો ભાગી છૂટ્યા હતા. રણમેદાનમાં હવે માત્ર ત્રણ યોદ્ધા અને એક કાયર બચ્યો હતો.
મંગલ આગ અને મોતની વચ્ચે ઘેરાઈ ગયો હતો. તેની એક બાજુ કાનજી હતો – જેના શરીરમાંથી લોહી વહેતું હતું પણ આંખોમાં શિવના ત્રીજા નેત્ર જેવી જ્વાળા હતી. અને બીજી બાજુ કેસરી હતો – સાક્ષાત કાળભૈરવ!
“હવે ક્યાં જઈશ મંગલ?” કાનજી ડાંગ ટેકવીને ઉભો હતો. “પાપનો ઘડો ફૂટી ગયો છે. આજે તારો ન્યાય આ કોર્ટ-કચેરી નહીં, પણ આ જંગલનો રાજા કરશે.”
મંગલ થથરતો હતો. પણ કાયર માણસ જ્યારે ખૂણે ભરાય, ત્યારે તે સૌથી વધુ ખતરનાક બની જતો હોય છે. મંગલે ધીમેથી, ચોરીછૂપીથી પોતાનો હાથ કમર પાછળ જવા દીધો. ત્યાં એક નાનકડી દેશી પિસ્તોલ છુપાવેલી હતી.
કેસરી ધીમે ધીમે આગળ વધ્યો. તે મંગલની ગરદન પકડવા માટે તરાપ મારવાની તૈયારીમાં હતો.
“મરી જા જાનવર!”
મંગલે એકાએક હાથ બહાર કાઢ્યો. પિસ્તોલની નળી સીધી કેસરીના પહોળા માથા તરફ તાકી.
જીવીની નજર પડી ગઈ. તેણે ચીસ પાડી – “કાનજી! બંદૂક!”
પણ કેસરી હવામાં ઉછળી ચૂક્યો હતો. તે ગોળીથી બચી શકે તેમ નહોતો. મોત કેસરીની સામે હતું.
અને બરાબર એ જ પળે... કાનજીએ એ કર્યું જે માત્ર એક માલધારી, એક સાચો ભાઈબંધ જ કરી શકે.
કાનજીએ વિચાર્યું નહીં. તેણે પોતાના જીવનો મોહ રાખ્યો નહીં. તેણે કેસરી અને ગોળીની વચ્ચે છલાંગ મારી. તેણે પોતાનું શરીર કેસરીની આગળ ધરી દીધું.
ઢિસક્યાઉં!
જંગલની શાંતિ ચીરાઈ ગઈ.
એક આગનો ગોળો કાનજીની છાતીમાં ઉતર્યો. કેસરીને બચાવવા માટે કાનજીએ પોતાની છાતીનો કોટ બનાવી દીધો હતો.
ધડામ!
કાનજી જમીન પર પટકાયો. તેના મોઢામાંથી લોહીની કોગળી નીકળી.
આ દ્રશ્ય જોઈને કેસરી... ઓહ! કેસરી ગાંડોતૂર થઈ ગયો. તેના મગજની નસો ફાટી ગઈ. હવે તે સિંહ નહોતો, હવે તે પ્રલય હતો.
કેસરી હવામાં જ દિશા બદલીને સીધો મંગલ પર તૂટી પડ્યો. મંગલ બીજી ગોળી છોડે એ પહેલાં તો કેસરીનો લોખંડી પંજો મંગલના ગળા પર પડ્યો.
એક જ ઝાટકે... ખચ...
મંગલની ચીસ પણ ગળામાં જ રહી ગઈ. કેસરીએ મંગલનું ગળું ચીરી નાખ્યું. પાપનો અંત આવ્યો. મંગલનું શરીર ઢીંગલાની જેમ ફંગોળાઈ ગયું.
પણ કેસરી ત્યાં રોકાયો નહીં. તે તરત જ પાછો ફર્યો. તેણે મંગલને ફેંકી દીધો અને કાનજી પાસે દોડ્યો.
કાનજી જમીન પર પડ્યો હતો. તેની છાતીમાંથી લોહીનો ફુવારો ઉડતો હતો જે ગીરની માટીને લાલ કરી રહ્યો હતો.
“કાનજી!” જીવી દોડતી આવી. તેણે કાનજીનું માથું પોતાના ખોળામાં લઈ લીધું.
જીવી જેવી રણચંડી પણ આજે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. “ઉઠ કાનજી! જો, આપણે જીતી ગયા! મંગલ મરી ગયો! ઉઠ!”
કાનજીએ મહામહેનતે આંખો ખોલી. તેની દ્રષ્ટિ ઝાંખી થતી હતી. પણ તેને સામે કેસરી દેખાયો.
કેસરી કાનજીની સાવ નજીક આવી ગયો હતો. આ ખૂંખાર જાનવર, જેણે હમણાં જ એક માણસને ફાડી નાખ્યો હતો, તે અત્યારે એક નાના બાળકની જેમ કાનજીના ચહેરા પાસે ઘૂઘવતો હતો.
ઘુરરર... મ્યાઉં...
કેસરી કાનજીના લોહીવાળા ઘાને ચાટતો હતો. તે કાનજીને જગાડવાની કોશિશ કરતો હતો. તેની મોટી, પીળી આંખોમાંથી પાણી ટપકતું હતું.
કાનજીએ ધ્રૂજતો હાથ ઊંચો કર્યો. તેણે કેસરીના રુંવાટીદાર ગળા પર હાથ મૂક્યો.
“બચી... ગયો ને... મારો ભાઈ?” કાનજીના શબ્દો તૂટતા હતા. “જીવી... એને કહેજે... રડે નહીં.”
“તું જ કહી દે ને!” જીવી રડતી હતી. “તું ક્યાંય નથી જવાનો!”
કાનજી હસ્યો. તેના દાંત લોહીવાળા હતા.
“જાવું તો પડશે જીવી. ભોળાનાથનું તેડું આવ્યું છે. મેં મારું વચન પાળ્યું. મેં ગીરની ધરોહર બચાવી લીધી.”
તેણે કેસરીની આંખમાં આંખ પરોવી.
“કેસરી... હવે તું રાજા છો. આ જંગલ તારું છે. કોઈના હાથમાં આવતો નહીં ભાઈ. અને... અને મને યાદ રાખજે.”
કેસરીએ એક ધીમી, વેદનાભરી ડણક દીધી અને પોતાનું માથું કાનજીની છાતી પર મૂકી દીધું. તે કાનજીને જવા દેવા માંગતો નહોતો.
કાનજીએ જીવી સામે જોયું. એની આંખોમાં છેલ્લી વાર જીવીનું મુખડું અંજાયું હતું.
“જીવી... તું રડતી નહીં. તું તો સિંહણ છો. મારા મા-બાપને સાચવજે. અને આ કેસરી... એનું ધ્યાન રાખજે.”
“કાનજી...” જીવીએ કાનજીનો હાથ પકડી રાખ્યો. એના શબ્દો ગળામાં જ ડૂસકું બનીને રહી ગયા.
કાનજીની આંખો ધીમે ધીમે બિડાવા લાગી. તેને સામે ગીરના ડુંગરા દેખાતા હતા. તેને નેસડાના ઘંટારવ સંભળાતા હતા. તેને લાગ્યું જાણે તે શિવના ખોળામાં માથું મૂકીને સૂતો છે.
“જય... સોમનાથ...”
છેલ્લો શ્વાસ છૂટ્યો. કાનજીનું માથું જીવીના ખોળામાં ઢળી પડ્યું. હાથ કેસરીની ગરદન પરથી સરકીને જમીન પર પડ્યો.
એક પળ માટે આખું જંગલ સ્તબ્ધ થઈ ગયું. પવન થંભી ગયો. પણ જીવી? જીવીની દુનિયા તો જાણે એ જ પળે થંભી ગઈ હતી. તેણે કાનજીના નિશ્ચેતન ચહેરા સામે જોયું. કોઈ આક્રંદ નહીં, કોઈ રુદન નહીં... બસ એક શૂન્યતા! જેવો કાનજીનો શ્વાસ અટક્યો, જીવીના હૈયાના ધબકારાએ પણ જાણે હઠ પકડી. જેની સાથે ગીરની કેડીઓ ખૂંદી હતી, જેની ઓથે આખું જીવતર જોયું હતું, એના વિનાનો આ દેહ હવે જીવીને મણ-મણનો ભાર લાગવા માંડ્યો.
જીવીએ કાનજીના લલાટ પર છેલ્લું હેત કર્યું. તેની આંખોમાં કાનજીની મૂર્તિ સ્થિર થઈ ગઈ. નસ-નસમાં આઘાતની એક એવી લહેર દોડી કે જીવીનું કાળજું ચિરાઈ ગયું. તેણે કાનજીના હાથ પર પોતાની હથેળી મૂકી, આંખો મીંચી અને જાણે કાનજીના આત્માનો પીછો કરતી હોય એમ, એણે પણ આ ફાની દુનિયાનો છેડો ફાડી નાખ્યો. કાનજીના દેહ પર જ જીવીનો દેહ ઢળી પડ્યો. ગીરની આ સિંહણ આજે પોતાના સિંહ પાછળ સતી થઈ ગઈ હતી.
ત્યારે જ, વગડાના હૃદયમાંથી એક કરુણ મરશિયો ગુંજી ઉઠ્યો:
(મરશિયો)
“હાલીયું વનરાવન આખું, ને થંભી ગયા નીર,
પડ્યો પૃથ્વીનો પાળક, મારો કાનજી ગીર.
સિંહણ સમી જીવી ગઈ, હૈયા કેરે હાર,
કાનજી કેરે કાંધડે, છૂટ્યો સંસારનો ભાર!
સાવજ તારી સોડમાં, આજ સૂતા બેઉ સુખભેર,
જીવતર આખું જાળવ્યું, ને છેલ્લે પીધું ઝેર!
ઉઠને મારા વીરલા! તારી વાટ્યું જુએ ગીર,
પણ હવે ક્યાંથી આવશે? વહી ગયા વેળાના નીર!
વહી ગયા વેળાના નીર!”
અને પછી...
કેસરીએ જોયું કે એના બંને પાલક હવે બોલતા નથી. એણે આકાશ તરફ મોઢું કર્યું. અને એક એવી ગર્જના કરી જે ગીરના ઈતિહાસમાં ક્યારેય નથી સંભળાઈ.
“હ્વૌઉઉઉઉઉઉઉ........!!!!!”
આ ડણક નહોતી, આ આક્રંદ હતો. એક મિત્રનો વિલાપ હતો અને એક શિષ્યની શ્રદ્ધાંજલિ હતી. આ અવાજ ગીરના પથ્થરે-પથ્થર સાથે અથડાઈને પડઘાયો. ગીદડ-નાળાની એ લોહીભીની રાતે, એક ગોવાળિયો અને એની અર્ધાંગિની અમર થઈ ગયા. એણે પગથી નહીં, પણ કાળજાથી બાજી જીતી લીધી હતી.
કાનજી અને જીવી ગયા, પણ તેઓ ગીરના કણ-કણમાં અને કેસરીના શ્વાસમાં હંમેશ માટે જીવંત થઈ ગયા.
(ક્રમશ: ભાગ-૧૨ અને અંતિમ ભાગ માં જુઓ – અમર ગાથા અને ગીરનો સાદ)