ડણક અને ડાંગ - ભાગ 4 Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડણક અને ડાંગ - ભાગ 4

ભાગ ૪: વિદાયની વેળા અને પાંજરાનો ભય 
 


"છોરું કછોરું થાય, પણ માવતર કદી ન થાય,
વગડા વચ્ચે વેરણ થઈ, આજ વિદાય વેળા આય.
કાળજા કેરો કટકો મારો, જંગલ જેને સાદ કરે,
છૂટા પડતા જીવ ન હાલે, આંખ્યું ચોધાર રડે!
રોવે ગીરના ઝાડવા, ને રોવે નદીયું ના નીર,
આજ વિખૂટા પડે છે બે, એક આતમ ને બે શરીર!"


સમય: મધરાત પછીનો ગંભીર પ્રહર  
સ્થળ: કાનજીનો નેસડો અને ગીરનું બિહામણું જંગલ


ગીરના નેસડામાં રાતનો બીજો પહોર જામ્યો હતો. આકાશમાં ચાંદો વાદળોની પાછળ મોઢું સંતાડીને રોતો હોય એમ લાગતું હતું. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો સન્નાટો હતો, જાણે કુદરત પણ શ્વાસ રોકીને કોઈ અઘરી ઘડીની રાહ જોઈ રહી હોય. ક્યાંક દૂર ટીટોડીની ટી...ટી...ટી... ચીસ સંભળાતી હતી, જે માલધારીઓમાં અપશુકનની નિશાની ગણાય છે.

કાનજીના કાચા માટીના ખોરડામાં ફાનસની વાટ સાવ ધીમી હતી, પણ તેનો પ્રકાશ કાનજીના ચહેરા પરના આંસુને છુપાવી શકતો નહોતો.

ખૂણામાં, કોથળાઓની વચ્ચે કેસરી સૂતો હતો. તે નિર્દોષ હતો. તેને ખબર નહોતી કે તેનું ભાગ્ય હવે આ ચાર દીવાલોની બહાર લખાઈ ચૂક્યું છે. તે કાનજીના પગ પાસે માથું મૂકીને, આંખો મીંચીને અર્ધ-નિદ્રામાં હતો. ક્યારેક ક્યારેક તે ઊંઘમાં પગ હલાવતો, જાણે સપનામાં કોઈ શિકાર પાછળ દોડતો હોય.

કાનજી કેસરીના રુંવાટીદાર માથા પર, તેની ગરદન પર અને તેની લાંબી પૂંછડી પર સતત હાથ ફેરવતો હતો. તેની આંગળીઓ કેસરીના શરીરની દરેક રેખાને, દરેક ડાઘને યાદ કરી લેવા માંગતી હતી.

"કાનિયા..." સંતોકબાનો અવાજ ભારે હતો. જાણે ગળામાં ડૂમો બાઝી ગયો હોય. "હવે મોડું કરાય એમ નથી દીકરા. રાત વીતવા આવી છે. જો સવારનો સુરજ ઉગશે ને મંગલ ફોરેસ્ટ વાળાને લઈને આવશે, તો આપણું તો ઠીક, પણ આ અબોલ જીવનું આવી બનશે."

કાનજીએ રડમસ અવાજે પૂછ્યું, "પણ બા... ઈ લોકો શું કરશે? કેસરીનો શો વાંક?"

સંતોકબાએ ભીની આંખે કડવું સત્ય કહી દીધું. "ઈ લોકો આને લઈ જશે. પકડીને કોઈ પ્રાણીસંગ્રહાલયના લોખંડના પાંજરામાં પૂરી દેશે. આખી જિંદગી સર્કસના જનાવરની જેમ, લોકોના ટોળા વચ્ચે, માંસના ટુકડા માટે લાચાર થઈને જીવવું પડશે. તારે તારા કેસરીને રાજા તરીકે જોવો છે કે ગુલામ તરીકે? તારે એને ગીરના ડુંગરા ખૂંદતો જોવો છે કે લોખંડના સળિયા ચાટતો?"

'પાંજરું' અને 'ગુલામ'. આ બે શબ્દો સાંભળીને કાનજીની આત્મા કકળી ઉઠી. જે સાવજ ગીરના મોકળા જંગલનો, ખુલ્લી હવાનો રાજા બનવા સર્જાયો હોય, તેને સાંકડી કોટડીમાં સડતો કેમ જોઈ શકાય? મોત મંજૂર હતું, પણ ગુલામી નહીં.

"પણ બા, હું એને ક્યાં મૂકીશ? ઈ હજી નાનો છે. શિકાર કરતા પણ નથી આવડતું. બીજા સાવજ એને મારી નાખશે." કાનજીનો અવાજ તૂટી ગયો.

સંતોકબા ઉભા થયા. તેમણે એક જૂના કપડાની પોટલીમાં ચાર-પાંચ બાજરાના રોટલા અને ગોળનો મોટો ગાંગડો બાંધ્યો. એક તાંબાની લોટી પાણીથી ભરી.

"સાંભળ કાનિયા," સંતોકબાએ કાનજીના ખભે હાથ મૂક્યો. તેમનો સ્પર્શ કઠણ હતો પણ આંખોમાં મમતાનો દરિયો હતો. "સાવજનું બચ્ચું સાવજ જ કહેવાય. આજે એણે મંગલને પછાડ્યો ને? એના લોહીમાં તાકાત છે. એની મા ભલે મરી ગઈ, પણ ગીરની ધરતી એની મા છે. તું એને નદીના સામે કાંઠે, જ્યાં કનકાઈના જંગલની હદ શરૂ થાય છે ને ગીચ ઝાડી છે, ત્યાં મૂકી આવ. ત્યાં પાણી પણ છે અને નાના જાનવર પણ મળશે."

કાનજી ઉભો થયો. પગ જાણે મણના (ભારે) થઈ ગયા હતા. ધરતી ગુરુત્વાકર્ષણથી નહીં, પણ કાનજીના દુઃખથી તેને જકડી રહી હતી.

તેણે કેસરીને હળવેથી ઢંઢોળ્યો. "ઉઠ બેટા... ઉઠ કેસરી. આપણે ફરવા જવાનું છે."

કેસરી આળસ મરડીને, મોઢું ફાડીને બગાસું ખાતો ઉભો થયો. તેણે કાનજી સામે જોયું. તેની પીળી આંખોમાં પ્રેમ હતો. કદાચ તેને પણ અણસાર આવી ગયો હતો કે કાનજી આજે ઉદાસ છે. જાનવરને માણસની ઉદાસીની ગંધ આવી જાય છે. તેણે જીભ બહાર કાઢીને કાનજીના ગાલ ચાટ્યા.

સંતોકબાએ રસોડામાંથી કંકુની ડબ્બી લીધી. તેમણે કેસરીના વિશાળ કપાળે કંકુનું તિલક કર્યું અને થોડા અક્ષત (ચોખા) ચોડ્યા. આ કોઈ જાનવર નહોતું, આ તો ઘરનો દીકરો વળાવવાની વિધિ હતી.

"જા બાપ..." સંતોકબાનો અવાજ ધ્રૂજી ગયો. "ભલે તું જનાવર હો, પણ મારા કાનજીનો ભાઈબંધ છો. દૂધનો ઋણ ચૂકવજે. અને ક્યારેય માણસ પર ભરોસો નો કરતો."

સંતોકબાની આંખમાંથી એક ગરમ આંસુ સરીને કેસરીના નાક પર પડ્યું. કેસરી ચમક્યો. તેણે ધીમેથી સંતોકબાનો હાથ સુંઘ્યો. આ તેની મા હતી, જેમણે તેને દૂધ પાયું હતું.

સ્થળ: ગીરનું ગાઢ અને નિર્જન જંગલ

રાતના અંધકારમાં, બે પડછાયા જંગલ તરફ આગળ વધી રહ્યા હતા. એક નાનકડો, દૂબળો-પાતળો છોકરો અને તેની પાછળ-પાછળ ચાલતો એક શક્તિશાળી, સોનેરી સિંહ (ડભો).

રસ્તો કાંટાળો હતો. સૂકા પાંદડા પર તેમના પગલાંનો અવાજ ખડ... ખડ... આવતો હતો. ઝીંગુરા બોલતા હતા. ક્યાંક દૂરથી દીપડાની ત્રાડ સંભળાતી હતી. પણ આજે કાનજીને ડર નહોતો લાગતો. તેની સાથે સાક્ષાત કાળભૈરવ ચાલતો હતો.

કાનજીના ખભે હાથ નહોતો મૂકાયો, પણ કેસરી તેની સાથે ખભેખભા મિલાવીને ચાલતો હતો. ક્યારેક તે આગળ નીકળી જતો, ક્યારેક કાનજીના પગ વચ્ચે અટવાતો. તેને આ રાતની સફરમાં મજા આવી રહી હતી. તેને એમ હતું કે કાનજી તેને શિકાર શીખવવા લઈ જાય છે.

એક કલાક ચાલ્યા પછી, કાનજી એ જગ્યાએ પહોંચ્યો જે નેસડાથી બહુ દૂર હતી. અહીં રાવલ નદીનું એક નાનું કોતર હતું અને બાજુમાં પાણીનો ઝરો ખળખળ વહેતો હતો. અહીં ગીચ ઝાડીઓ હતી જ્યાં માણસનું નામનિશાન નહોતું.

"બસ કેસરી... અહીં સુધી." કાનજી અટક્યો.

કેસરી પણ અટકી ગયો. તેણે કાનજીના પગમાં આળોટવાનું શરૂ કર્યું. તે પોતાની પીઠ જમીન પર ઘસતો હતો અને ચારેય પગ હવામાં ઉછાળતો હતો. તે રમવા માંગતો હતો.

આ દ્રશ્ય જોઈને કાનજીની ધીરજ ખૂટી ગઈ. તે ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યો અને કેસરીને બંને હાથે બાથ ભરી લીધી. તેણે કેસરીની રુંવાટીદાર કેશવાળીમાં પોતાનું મોઢું ખૂંપાવી દીધું.

અને પછી જે રડ્યો છે... ઓહ!

ગીરના પથ્થરો પણ પીગળી જાય એવો આક્રંદ. ડૂસકાં ભરતો કાનજી, પોતાની જિંદગીના સૌથી વહાલા પાત્રને છોડતા પહેલાં તેને છેલ્લી વાર અનુભવી લેવા માંગતો હતો.

"માફ કરજે ભાઈ... મને માફ કરજે!" કાનજીનું આખું શરીર ધ્રૂજતું હતું. "હું તને સાચવી નો શક્યો. હું લાચાર છું કેસરી. જો તને મારી સાથે રાખીશ ને, તો તું કેદ થઈ જઈશ. તારે રાજા બનવાનું છે કેસરી, કેદી નહીં. તારે આ જંગલ પર રાજ કરવાનું છે."

કેસરી કાનજીના ગાલ પર વહેતા ખારા આંસુ ચાટવા લાગ્યો. તે સમજતો નહોતો કે કાનજી કેમ રડે છે. તે ધીમેથી ઘુરરર... ઘુરરર... અવાજ કરતો હતો, જાણે કાનજીને કહેતો હોય, "શાંત થઈ જા, હું છું ને."

કાનજીએ આંસુ લૂછ્યા. તેણે પોટલી ખોલી. તેમાં રહેલા રોટલા અને ગોળનો ગાંગડો તેણે એક ચોખ્ખા પથ્થર પર મૂક્યા. પાણીની લોટી ઢોળીને એક ખાડામાં પાણી ભર્યું.

"લે, ખાઈ લે. અને સાંભળ..." કાનજીએ કેસરીનું મોઢું પોતાના હાથમાં લીધું અને તેની આંખોમાં જોયું. "હવે શિકાર કરતા શીખી જજે. કોઈ ભરોસો નો કરતો. માણસનો તો જરાય નહીં. માણસ બહુ લુચ્ચું પ્રાણી છે. જે પ્રેમ કરે છે એ જ દગો દે છે."

કેસરીએ રોટલા સૂંઘ્યા, એક બટકું ખાધું, પણ તેને ભૂખ નહોતી. તે કાનજી સામે તાકી રહ્યો.

કાનજી ઉભો થયો. હવે કઠણ થવાનો સમય હતો.

"હવે જા... મારે જવું પડશે."

કાનજી પાછો ફર્યો. તેણે ચાલવાનું શરૂ કર્યું.

પણ કેસરી તેની પાછળ પાછળ આવ્યો. કાનજી બે ડગલા ચાલે, કેસરી પણ બે ડગલા ચાલે. કાનજી દોડે, તો કેસરી પણ દોડે.

આ પ્રેમની બેડીઓ લોખંડની સાંકળ કરતા પણ મજબૂત હતી. કેસરી કાનજીને એકલો મૂકવા તૈયાર નહોતો.

કાનજી અટક્યો. તેને સમજાયું કે પ્રેમથી કેસરી નહીં માને. તેને નફરત કરવી પડશે. તેને કેસરીના મનમાં ડર અને ગુસ્સો પેદા કરવો પડશે તો જ તે કાનજીને છોડશે. કોઈને બચાવવા માટે ક્યારેક તેને તરછોડવો પડે છે.

કાનજીએ રસ્તામાં પડેલો એક મોટો પથ્થર ઉપાડ્યો. તેનો હાથ ધ્રૂજતો હતો. તેણે આંખો બંધ કરી દીધી અને મનમાં ભગવાનને માફી માંગી. "મહાદેવ! મને માફ કરજે!"

"જા! જા કહું છું! મારી પાછળ નો આવતો!"

કાનજીએ જોરથી પથ્થર કેસરીની સામે, તેના પગ પાસે ફેંક્યો.

ઠ...ક... પથ્થર કેસરીના આગલા પગ પર વાગ્યો.

કેસરી ચોંકી ગયો. તેને દર્દ થયું, પણ દર્દ કરતા વધારે આઘાત લાગ્યો. જે હાથે તેને દૂધ પાયું હતું, એ જ હાથે તેને પથ્થર માર્યો? તે થોડો પાછળ ખસ્યો. તેની આંખોમાં સમજણ નહોતી, માત્ર એક મોટો સવાલ હતો - 'કેમ કાનજી? મેં શું કર્યું?'

કાનજીનું હૃદય ચિરાઈ ગયું, પણ તેણે બીજો પથ્થર ઉપાડ્યો.

"ભાગી જા અહીંથી! તું જાનવર છો! મારે તારી જરૂર નથી!" કાનજી બરાડ્યો. તેણે જાણી જોઈને મોટો અવાજ કર્યો, જાણે તે કેસરીને મારવા માંગતો હોય.

કેસરી ડર્યો. તેને લાગ્યું કે કાનજી બદલાઈ ગયો છે. કાનજી હવે તેનો મિત્ર નથી રહ્યો. તે ધીમે ધીમે પાછળ હટ્યો અને એક ઝાડના થડ પાસે ઉભો રહી ગયો. ઉદાસ, એકલો અને દગો પામેલો.

બસ આટલું કાફી હતું.

કાનજીએ પાછળ ફરીને દોડવાનું શરૂ કર્યું. તે પવન વેગે દોડ્યો. કાંટા તેના પગમાં વાગતા હતા, ડાળીઓ તેના કપડાં ફાડતી હતી, પણ તેને ભાન નહોતું. તે પાછળ જોવા નહોતો માંગતો. જો તે એક વાર પણ પાછળ જોત, તો તે પાછો ફરી જાત અને કેસરીના પગમાં પડી જાત.

તે દોડતો રહ્યો... દોડતો રહ્યો... જ્યાં સુધી તેના ફેફસાં ફાટવા ન લાગ્યા.

જ્યારે તે નેસડાની વાડ સુધી પહોંચ્યો, ત્યારે તેણે શ્વાસ લેવા માટે થોભવું પડ્યું.

અને ત્યારે જ... પાછળથી, જંગલના ગાઢ અંધકારમાંથી પવનની લહેર સાથે એક અવાજ આવ્યો.

એક લાંબી, દર્દનાક અને ગગનભેદી ગર્જના.

"હ્વૌઉઉઉઉ.... હ્વૌઉઉઉઉ..... આઉઉઉઉઉ....."

આ કેસરીની પહેલી સાચી ડણક હતી. પણ આ ડણકમાં કોઈ રાજાનો રુઆબ નહોતો. આ એક બાળકનું રુદન હતું જે અંધારામાં પોતાની મા અને ભાઈને શોધતું હતું. આ વિરહની વેદના હતી જે ગિરનારના પથ્થરોને પણ પીગળાવી દે તેવી હતી.

કાનજી ત્યાં જ વાડ પકડીને ઘૂંટણિયે બેસી ગયો. તેણે પોતાના કાન પર હાથ દાબી દીધા.

"માફ કરજે કેસરી... માફ કરજે!"

તે રાત્રે ગીરના જંગલમાં એક તારો તૂટ્યો હતો.

કાનજી જ્યારે ઘરમાં દાખલ થયો ત્યારે તેનો ખોળો ખાલી હતો, પણ દિલ ભારે હતું. સંતોકબા ઓસરીમાં જ બેઠા હતા. તેમણે કાનજીને જોયો અને સમજી ગયા. તેમણે કાનજીને કઈ પૂછ્યું નહીં, બસ તેને છાતીએ લગાડીને સુવડાવી દીધો.

પૂર્વમાં સૂરજ ઉગી રહ્યો હતો. મંગલ અને ફોરેસ્ટ ઓફિસરો રસ્તામાં હતા. કાનજીનું બાળપણ આજે એ જંગલમાં, પેલા ઝરાને કાંઠે કેસરીની સાથે છૂટી ગયું હતું.

એક માલધારીનો દીકરો આજે મોટો થઈ ગયો હતો, કારણ કે તેણે 'ત્યાગ' કરતા શીખી લીધું હતું.

(ક્રમશ: ભાગ-૫ માં જુઓ - શિકારીનો દરોડો અને ખાલી પાંજરું)