ધમાલ 4 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સમાંતર સફર

    પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરક...

  • ભૂલ છે કે નહીં ? - ભાગ 111

    હું ઘરે તો આવી ગઈ. પણ મારા મગજમાં કંઈ કેટલાયે વિચારો ચાલતા હ...

  • અપૂર્ણ સંબંધ

    અમદાવાદના શાંત વિસ્તારમાં આવેલો એક સુંદર બંગલો બહારથી જોતાં...

  • વરસાદની સફર - ભાગ 4

    રાતભર આરોહીને ઊંઘ આવી નહીં.આરવના છેલ્લાં શબ્દો તેના મનમાં વા...

  • ધમાલ 4

    ધમાલ 4-રાકેશ ઠક્કર         અસલી 'ધમાલ'માં સંજય દત્ત...

શ્રેણી
શેયર કરો

ધમાલ 4

ધમાલ 4
-રાકેશ ઠક્કર
 
        અસલી 'ધમાલ'માં સંજય દત્ત સિવાય કોઈ બહુ મોટો સુપરસ્ટાર નહોતો. છતાં તેની સહજ કોમેડી, અફલાતૂન સિચ્યુએશન્સ અને યાદગાર ડાયલોગ્સ આજે પણ લોકોના દિલમાં વસેલા છે. પણ આ જ ફ્રેન્ચાઈઝીનો નવો અધ્યાય એટલે કે 'ધમાલ 4' થિયેટરોમાં ટપકી પડી ત્યારે જૂની યાદો તાજી થવાને બદલે મગજનું દહીં થઈ ગયું છે. વર્ષ ૨૦૨૬ના સૌથી નબળા અને વાહિયાત પ્રમોશન સાથે રિલિઝ થઈ છે. આ ફિલ્મ થોડા સમય પહેલાં આવેલી 'વેલકમ ટુ ધ જંગલ' જેવી ફિલ્મો બેકાર અને કંટાળાજનક લાગી હોય તો આ 'ધમાલ 4' જોવાની હિંમત પણ કરવા જેવી નથી. કારણ કે આ ફિલ્મ જોયા પછી 'વેલકમ ૩' પણ માસ્ટરપીસ લાગે છે.
 
        બોલિવૂડમાં અત્યારે સિક્વલ અને ફ્રેન્ચાઈઝી ફિલ્મોની એક એવી મોસમ ચાલી છે કે જ્યાં જૂની હિટ ફિલ્મોના નામ વટાવીને દર્શકોના ખિસ્સા ખાલી કરવાનો એક સુનિયોજિત સિલસિલો શરૂ થયો છે. અજય દેવગન જેવા દિગ્ગજ કલાકાર પાસે અત્યારે 'ગોલમાલ', 'સિંઘમ', 'દ્રશ્યમ' અને 'રેડ' જેવી સિક્વલ્સની આખી લાઇન છે. આ જ યાદીમાં ૨૦૦૭માં આવેલી સુપરહિટ અને કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ 'ધમાલ'નું નામ પણ જોડાયેલું છે. આ ફિલ્મને લઈને દર્શકોની આશાઓ અને ઉત્સુકતા ત્યારે જાગી હતી જ્યારે આનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલિઝ થયું હતું. ટ્રેલર બહુ સ્માર્ટલી અને ચપળતાથી એડિટ કરવામાં આવ્યું હતું. જેમાં વાર્તાના સૌથી બેસ્ટ કોમેડી પંચ અને દ્રશ્યો વણી લેવાયા હતા. ટ્રેલર જોઈને એવું લાગતું હતું કે ફિલ્મમાં હાસ્યનો મોટો ધડાકો થશે અને જૂનો જાદુ ફરી સ્ક્રીન પર જીવંત થશે. પણ કહેવત છે ને કે જ્યારે તમે કોઈ વસ્તુથી હદ કરતાં વધારે આશા બાંધી લો. ત્યારે એ આશા તૂટવાનો આઘાત પણ બહુ મોટો હોય છે.
 
       આ ફિલ્મની સૌથી મોટી ટ્રેજેડી જ એ છે કે મેકર્સે ફિલ્મની સૌથી શ્રેષ્ઠ બે-ત્રણ મિનિટ ટ્રેલરમાં જ વાપરી નાખી હતી. ટ્રેલરના એ ગણ્યાગાંઠ્યા પંચ સિવાય બાકીની આખી અઢી કલાકની ફિલ્મ સાવ ફ્લેટ, કંટાળાજનક અને નિરસ સાબિત થાય છે. থિયેટરમાં ટિકિટના પૈસા ખર્ચીને અંદર બેઠા પછી સમજાય છે કે ટ્રેલર સિવાય ફિલ્મમાં નવું કે સરપ્રાઈઝ જેવું કશું જ નહોતું.
 
         આપણે બધા જાણીએ છીએ કે મસાલા કોમેડી કે નો-બ્રેનર ફિલ્મોમાં કોઈ લોજિક કે તર્ક શોધવાનો ન હોય. દર્શકો પણ પોતાનું મગજ ઘરે મૂકીને જ થિયેટરની સીટ પર ગોઠવાય છે. પણ જો મગજ બાજુ પર મૂક્યા પછી પણ ફિલ્મમાં આવતા જોક્સ આપણને હસાવી ન શકે. તો એનાથી મોટી નિરાશા બીજી કોઈ ન હોઈ શકે. આ ફિલ્મની રાઈટિંગ એટલી હદે કથળેલી અને નબળી છે કે તે પાત્રોની સિચ્યુએશનમાંથી કોઈ નેચરલ હ્યુમર ઊભું જ નથી કરી શકતી. કોમેડીના નામે અહીં સાવ ઘિસા-પિટા, જૂના અને વાહિયાત જોક્સ પીરસવામાં આવ્યા છે. કોઈના વજનની ક્રૂર મજાક ઉડાવવી, ગુડ્ડુને ફુદ્દુ કહીને હસવાનો પરાણે પ્રયત્ન કરવો કે અજય દેવગન પાસે માછલીવાળા વિચિત્ર ડાયલોગ્સ બોલાવવા એ કોમેડી નથી પણ દર્શકોની ધીરજની કસોટી છે.
 
         ફિલ્મની મૂળ વાર્તા એ જ વર્ષો જૂની લાલચ, અઢળક પૈસા અને એની પાછળ પાગલોની જેમ દોડતા પાત્રોની આસપાસ ફરે છે. આ વખતે વાર્તામાં થોડો ગ્લેમરનો તડકો મારવા માટે 'પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન' જેવું એક નકલી જહાજ અને સમુદ્રી લૂંટારુઓ ઉમેરવામાં આવ્યા છે. અસલી ફિલ્મમાં ખજાનો 'W' ની નીચે છુપાયેલો હતો જ્યારે આ ચોથા ભાગમાં તે 'M' ની નીચે દબાયેલો છે. જોકે, અસલી ખજાનો તો વાર્તા લખવાવાળાને નહીં પણ ફિલ્મ બનાવનારા મેકર્સને મળી ગયો છે, જેઓ વાર્તાની મધ્યમાં બહુ ચાલાકીથી અલગ-અલગ બ્રાન્ડ્સનું પ્રમોશન અને જાહેરાતો ઘુસાડી દે છે. જો આટલું મગજ અને ચાલાકી સ્ક્રિપ્ટ રાઈટિંગમાં વાપરવામાં આવી હોત તો કદાચ દર્શકોના પૈસા વસૂલ થઈ ગયા હોત.
 
         આ આખી ફિલ્મ મુખ્યત્વે ત્રણ નબળા સ્તંભો પર ઊભી છે, જે આખી ઈમારતને તોડી પાડે છે. પહેલી છે કોમેડીની ફર્સ્ટ કોપી જેવી લાગતી નબળી સ્ક્રિપ્ટ, જે સાવ ફ્લેટ છે. બીજું છે ફિલ્મનું વીએફએક્સ (VFX), જે સસ્તું અને બાલિશ છે. આજના આધુનિક સિનેમાના જમાનામાં પણ ક્રોમા પડદા પર શૂટ થયેલું નકલી બેકગ્રાઉન્ડ સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ આવે છે, જે આંખોને બહુ ખૂંચે છે. ત્રીજો મોટો ગુનો એ છે કે આ લોકો પાસે મ્યુઝિક પણ ઓરિજિનલ નથી.
 
         અભિનયની વાત કરીએ તો જે લોકો એવું વિચારીને ગયા હતા કે અજય દેવગનનો આમાં માત્ર નાનો કેમિયો હશે તેમને જણાવી દઈએ કે તેઓ જ ફિલ્મના મુખ્ય હીરો તરીકે પડદા પર છવાયેલા છે. જોકે, અજય દેવગન જેવા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ગંભીર અભિનેતાને આવી સાવ હલકી કક્ષાની કોમેડીમાં પરાણે ફિટ થયેલા જોઈને એક સિનેમાપ્રેમી તરીકે બહુ દુઃખ થાય છે. તેઓ 'દ્રશ્યમ'ના વિજય સાળગાંવકર કે 'સિંઘમ'ના બાજીરાવ તરીકે જેટલા પ્રભાવશાળી લાગે છે, એટલા આવી પરાણે હસાવતી દોડાદોડીમાં નથી જામતા. તેમને હવે આ ફ્રેન્ચાઈઝીમાંથી કાયમ માટે મુક્તિ આપી દેવી જોઈએ. તેઓ 'ગોલમાલ'ના ગોપાલ તરીકે જ કોમેડીમાં શોભે છે. ફિલ્મમાં જાવેદ જાફરી અને અર્શદ વારસીના પાત્રોને છોડી દઈએ તો બાકીના બધા જ કલાકારો બહુ જ ઓવર-એક્ટિંગ કરતા દેખાય છે. રિતેશ દેશમુખનો પરાણે થોપાયેલો બિહારી અને ભોજપુરી લહેકો શરૂઆતમાં થોડો ગિલ્ટી પ્લેઝર આપે છે, પણ થોડી વાર પછી તે અત્યંત અકળાવનારો બની જાય છે. બીજી તરફ સંજય મિશ્રા જેવા ઉત્તમ કલાકાર પાસે આખી ફિલ્મમાં 'બ્રો બ્રો' બોલાવીને દર્શકોના કાનમાંથી લોહી કાઢી નાખવાનું કામ કરાવાયું છે.
 
         આખી ફિલ્મનો જો કોઈ સર્વશ્રેષ્ઠ સીન હોય, તો તે પાણીમાં બેસીને ટાયરનું પંચર ચેક કરવાનો સીન છે, જેના પર કુદરતી રીતે હસવું આવે છે, પણ અફસોસ કે એ સીન પણ આપણે ટ્રેલરમાં જોઈ ચૂક્યા હતા. ક્લાઈમેક્સ તરફ જતાં જતાં મેકર્સ લોકોને હસાવવાનું સાવ ભૂલી જાય છે અને પરાણે ભાવુક ડ્રામા ઘુસાડી દે છે. જે જોઈને થિયેટરમાં સરસ મજાની ઊંઘ આવી જાય છે.
 

         આ ફિલ્મમાં કોઈ એડલ્ટ સીન કે અશ્લીલતા નથી. એટલે કે તે સાવ ક્લીન ફેમિલી ફિલ્મ છે. પૂરા પરિવાર સાથે થિયેટરમાં જઈ શકાય એમ છે, પણ આટલી કંટાળાજનક ફિલ્મ બતાવ્યા પછી જો તમારો પરિવાર તમને થિયેટરની બહાર નીકળીને ખીજવાય તો એની જવાબદારી પોતાની રહેશે! બોલિવૂડના મેકર્સે હવે એ સમજવું પડશે કે માત્ર જૂની ફિલ્મોના સુપરહિટ નામ વાપરવાથી કે પાત્રોને એવા જ કપડાં પહેરાવવાથી અસલી હાસ્ય પાછું નથી આવતું. નવાઈની વાત એ છે કે આટલી ભંગાર પ્રોડક્ટ બનાવ્યા પછી પણ ફિલ્મના અંતમાં 'ધમાલ ૫' ની જાહેરાત કરી દેવામાં આવી છે, જે મેકર્સનો અંધ આત્મવિશ્વાસ દર્શાવે છે. અજય દેવગનને આપણે  વિનંતી કરીએ કે હવે માત્ર 'દ્રશ્યમ ૩' લાવે તો ચાલે પણ આવી 'ધમાલ' બંધ કરે. કારણ કે આ ધમાલ દર્શકોને હસાવવાને બદલે માનસિક રીતે કંગાળ કરીને જ જંપશે.