એક આધુનિક નારીની ઉડાન
શનિવારની એ શાંત, નીરવ રાત હતી. આખા અઠવાડિયાના કોર્પોરેટ ટાર્ગેટ્સ, મીટિંગ્સ અને ઘરની રોજબરોજની ઘટમાળમાંથી પરવારીને નિહારિકા જ્યારે બેડ પર આડી થઈ, ત્યારે તેના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો—"વીકેન્ડ એટલે માત્ર ઘરના કામ અને આગામી સોમવારની તૈયારીઓ જ કેમ? વીકેન્ડ તો ખુદને મળવા માટે, ફરવા માટે અને જિંદગીને મન ભરીને માણવા માટે હોય ને!"આ વિચાર સાથે જ તેની પાંપણો ધીમે ધીમે બંધ થઈ ગઈ...
નિહારિકા એટલે એક આધુનિક, બુદ્ધિશાળી અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતી નારી. તે એક પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીમાં ટોપ મેનેજમેન્ટ પોઝિશન પર કાર્યરત હતી. ઓફિસમાં સેંકડો કર્મચારીઓ તેના એક ઈશારે કામ કરતા, પ્રોજેક્ટ્સના કરોડોના ટર્નઓવર તેના પ્લાનિંગ પર ચાલતા. ઓફિસની આટલી મોટી જવાબદારીની સાથે તે ઘર, પતિ અને બે બાળકોની તમામ જરૂરિયાતો પણ એક સુપરવુમનની જેમ સચોટતાથી નિભાવતી.
પરંતુ, આ બધી દોડધામની વચ્ચે નિહારિકાનો અસલી જીવ ક્યાંક ખોવાઈ ગયો હતો. તે અંદરથી એક અત્યંત સંવેદનશીલ અને કુદરતપ્રેમી સ્ત્રી હતી. તેને કાગળ પર ઉતરતી વરસાદની પહેલી બુંદની સુગંધ ગમતી, તેને પહાડોની નીરવ શાંતિ આકર્ષતી અને વહેતી નદીના કલરવમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી દેવું ગમતું. પણ કોર્પોરેટ લાઈફના એર-કન્ડિશન્ડ કાચની કેબિન અને લેપટોપની સ્ક્રીને તેના આ શોખ પર જવાબદારીઓનો મોટો પથ્થર મૂકી દીધો હતો. વર્ષોથી તેણે પ્રકૃતિને મન ભરીને માણી નહોતી. આ જ આંતરિક ઝંખના અને થાક સાથે ક્યારે તેની આંખ મળી ગઈ અને તે સપનાના અદભુત પ્રદેશમાં સરી પડી, તેની તેને ખબર જ ન રહી.
સપનાની એ ગુલાબી, ભીની સવાર
સપનામાં વહેલી સવારના સાડા ચાર વાગ્યા હતા. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઝરમર-ઝરમર ધીમો વરસાદ વરસી રહ્યો હતો. આખું શહેર હજુ ભરનિદ્રામાં હતું. નિહારિકાએ કોઈને પણ કહ્યા વગર, એકદમ શાંતિથી પોતાનો નાનો ટ્રેકિંગ બેગ લીધો અને ઘરની બહાર નીકળી ગઈ. તેણે મોબાઈલમાંથી કેબ બુક કરી.
વરસાદના ટપકતા ટીપાં જ્યારે કારની વિન્ડસ્ક્રીન પર પડીને આડીઅવળી ભાત પાડી સરકી રહ્યા હતા, ત્યારે કારની અંદર વાગી રહેલું ધીમું ગઝલ સંગીત નિહારિકાના મનને એક અનોખી શાંતિ આપી રહ્યું હતું. રસ્તાઓ ભીના હતા અને સ્ટ્રીટ લાઈટનો પીળો પ્રકાશ એ ભીના રોડ પર સોનેરી નદીની જેમ ચમકી રહ્યો હતો. કોઈ દોડધામ નહીં, કોઈ ફોન કોલ્સ નહીં. કેબ સીધી રેલવે સ્ટેશન પર આવીને ઊભી રહી.
નિહારિકા સ્ટેશનની અંદર પ્રવેશી. સામે જ ઊભી હતી આધુનિક સુવિધાઓથી સજ્જ વિસ્ટાડોમ ટ્રેન —જે તેને કેવડિયા (એકતાનગર), એટલે કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' લઈ જવાની હતી.
ટ્રેન ઉપડી અને શરૂ થઈ નિહારિકાની જિંદગીની સૌથી યાદગાર અને અલોકિક સફર. વિસ્ટાડોમ કોચમાં બેસતા જ તેને એવું લાગ્યું કે તે કોઈ કાચના પવિત્ર પરપોટામાં બેસીને બ્રહ્માંડની સૌથી સુંદર સૃષ્ટિની વચ્ચે સફર કરી રહી છે. આ કોચની ખાસિયત જ એ હતી—મોટી-મોટી વિશાળ કાચની બારીઓ અને માથા ઉપરની પારદર્શક કાચની છત!
જેવી ટ્રેન શહેરની સિમેન્ટ-કોંક્રિટની દીવાલો તોડીને બહાર નીકળી, કુદરતે પોતાનું અસલી, રૌદ્ર અને અલૌકિક સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું. બહાર મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. કાચની બારીઓ પરથી વહી જતું પાણી જાણે પ્રકૃતિના આંસુ નહોતા, પણ આનંદના મોતી હતા. ઉપરની કાચની છત પર પછડાતા વરસાદના ટીપાંનો અવાજ કોઈ આકાશી નૃત્યના ઘૂંઘરુ જેવો ભાસતો હતો. નિહારિકાએ પોતાની લક્ઝુરિયસ સીટને ૧૮૦ ડિગ્રી ફેરવી દીધી, જેથી તે સીધી બહારની સૃષ્ટિ સાથે એકાકાર થઈ શકે.માથું કાચ પર ટેકવ્યું.આંખો બંધ કરી.અને વર્ષો પછી પહેલીવાર તેને લાગ્યું...કે તે શ્વાસ લઈ રહી છે.
સાચા અર્થમાં જીવી રહી છે
ટ્રેન જ્યારે લીલાછમ ગીચ જંગલો, ઊંચી-નીચી ટેકરીઓ અને કલકલાટ વહેતા પહાડી ઝરણાંઓ પાસેથી પસાર થતી હતી, ત્યારે ચારેય તરફ માત્ર અને માત્ર લીલોતરીનો જ સામ્રાજ્ય હતું. એટલી ગાઢ હરિયાળી કે આંખો તૃપ્ત થઈ જાય! દૂધ જેવા સફેદ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા કાળા પહાડો જાણે ટ્રેનની સાથે-સાથે રેસ લગાવી રહ્યા હતા. વર્ષો પછી નિહારિકા પ્રકૃતિના આ વિરાટ સ્વરૂપને આટલી આત્મીયતાથી અનુભવી રહી હતી.
જ્યારે ટ્રેન પહાડોની વચ્ચેથી પસાર થતી ટનલમાંથી બહાર નીકળતી, ત્યારે ધુમ્મસના વાદળો સીધા કાચની પેલે પાર તેને સ્પર્શવાનો ભ્રમ પેદા કરતા.દરેક ટનલ પછી નવી દુનિયા હતી.
ક્યાંક ધોધ પહાડોમાંથી દોડતા હતા.ક્યાંક નદીઓ ગાંડીતૂર બની વહેતી હતી.ક્યાંક વરસાદ વૃક્ષોના પાંદડાં પર પ્રેમથી ચુંબન કરતો હતો.
ધુમ્મસ ટ્રેનની બારીઓને સ્પર્શીને પસાર થતું હતું.
જાણે કુદરત કહી રહી હોય...
"ઘણું દોડી લીધી... હવે થોડું મારી પાસે પણ બેસ."નિહારિકાની આંખોમાં અજાણી ચમક આવી ગઈ.
આ કોઈ સામાન્ય પ્રવાસ નહોતો, આ તેના આત્માનું શુદ્ધિકરણ હતું. તે એકલી હતી, પણ બિલકુલ એકલતા નહોતી અનુભવતી; વરસાદ, પહાડો, ઝરણાં અને આ સુંદર વિસ્ટાડોમ તેની હમસફર બની ગયા હતા.
ટ્રેન એકતાનગર (કેવડિયા) સ્ટેશને પહોંચી. સ્ટેશનની બહાર નીકળતા જ હવામાં ભીની માટીની એ પવિત્ર સુગંધ નિહારિકાના શ્વાસમાં ભરાઈ ગઈ, જે વર્ષોથી કોર્પોરેટ પરફ્યુમ્સ પાછળ છુપાઈ ગઈ હતી. આકાશમાંથી હજુ પણ અમૃતધારા વરસી રહી હતી. તેણે કોઈ છત્રી ન લીધી, કોઈ રેઈનકોટ ન પહેર્યો. તેને આજે વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે ભીંજાવું હતું, પોતાની અંદર જમા થયેલા વર્ષોના થાકને આ પવિત્ર પાણીમાં વહાવી દેવો હતો.
તે સીધી પહોંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા—'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે.
વરસતા વરસાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની એ ભવ્ય અને ગગનચુંબી પ્રતિમા અદભુત, અલૌકિક અને દિવ્ય લાગી રહી હતી.વરસાદના પડછાયામાં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા વધુ વિરાટ લાગી રહી હતી.
નર્મદા નદીના પવિત્ર કિનારે, સાતપુડા અને વિંધ્યાચલની પર્વતમાળાઓની વચ્ચે અડીખમ ઊભેલી એ મહાકાય પ્રતિમાના ચરણોમાં જ્યારે નિહારિકાએ શીશ ઝુકાવ્યું, ત્યારે તેનું રોમેરોમ પુલકિત થઈ ગયું. પહાડો પરથી ઉતરી આવતા ગાઢ મેઘાવી વાદળો પ્રતિમાના ખભા અને માથાને સ્પર્શીને નમન કરતા પસાર થઈ રહ્યા હતા, જાણે સ્વયં આકાશ સરદાર સાહેબનો જલાભિષેક કરતું હોય!
નર્મદા નદીનું પાણી વરસાદને કારણે ગાંડાતૂર બનીને બે કાંઠે વહી રહ્યું હતું. ઘૂઘવતો પ્રવાહ, પહાડો પરથી પડતા અસંખ્ય નાના-મોટા ધોધ, ચારેય તરફ પથરાયેલી ગાઢ લીલોતરી અને હવામાં વહેતી અદભુત ઠંડક... નિહારિકા ત્યાં રેલિંગ પાસે એક ખૂણામાં ઊભી રહી ગઈ. તેણે આંખો બંધ કરી દીધી. મુસળધાર વરસાદના ટીપાં તેના ચહેરા પર પછડાઈ રહ્યા હતા. એ ક્ષણે તે પોતાનું બિઝી શિડ્યુલ, ઓફિસના ટાર્ગેટ્સ, ક્લાયન્ટ્સના મેઈલ્સ—બધું જ ભૂલી ગઈ.
તેણે અનુભવ્યું કે પ્રકૃતિની આ વિરાટ ઉર્જા તેની લાઈફને કુદરતી રીતે ચાર્જ કરી રહી હતી. જે બેટરી રોજબરોજની મિકેનિકલ જિંદગીમાં સાવ ખલાસ થઈ ગઈ હતી, તે આજે નર્મદાના નીર અને સાતપુડાના પહાડો વચ્ચે સો ટકા ચાર્જ થઈ ગઈ હતી. વર્ષો પછી આ પ્રકારનો અલોકિક અને દિવ્ય પરમાનંદ તેને મળ્યો હતો. તે મુક્ત આકાશ નીચે ખુલ્લી હવામાં શ્વાસ લેતા હસી રહી હતી, અને તેના આનંદના આંસુ વરસાદના પાણી સાથે ભળી રહ્યા હતા.
અચાનક, એ અલૌકિક શાંતિમાં એક જોરદાર ભંગ પડ્યો. કોઈ તેનો હાથ પકડીને જોરજોરથી હલાવી રહ્યું હતું. કોઈ મોટે-મોટેથી બૂમો પાડી રહ્યું હતું:
"મમ્મી... ઓ મમ્મી... ઉઠ ને હવે! કેટલું ઊંઘવું છે? જો સાડા આઠ વાગી ગયા!"
"અરે નિહારિકા, ઉઠ... ચા ક્યારે મળશે? બહુ ભૂખ લાગી છે, બાળકો પણ નાસ્તાની રાહ જોવે છે!"
નિહારિકાએ ભારે હૈયે અને અત્યંત અનિચ્છાએ પોતાની આંખો ખોલી. સામે વરસતી નર્મદા કે વિસ્ટાડોમ ટ્રેનની કાચની બારી નહોતી, પણ તેના ઘરનો પરિચિત બેડરૂમ હતો. સામે તેનો પતિ ચાના કપની રાહ જોતો ઊભો હતો અને બંને બાળકો ભૂખ્યા-તરસ્યા ચહેરે તેની સામે જોઈ રહ્યા હતા.
તે ઝબકીને બેઠી થઈ ગઈ. માથા પર હાથ મૂક્યો. ઓહ! તો આ બધું એક સપનું હતું? એ વરસાદ, એ લક્ઝુરિયસ ટ્રેન, એ એકતાનગરની હરિયાળી... બધું જ માત્ર મનનો વહેમ? ક્ષણભર માટે નિહારિકાના મનમાં ભારે નિરાશા વ્યાપી ગઈ. તે ફરી એ જ રોબોટિક લાઈફમાં પાછી આવી ગઈ હતી.
તેણે બેડ છોડ્યો. સવારની રોજિંદી દોડધામ શરૂ થઈ ગઈ. પતિ માટે ચા બનાવી, બાળકો માટે ગરમાગરમ નાસ્તો તૈયાર કર્યો. પણ આ બધા કામો કરતી વખતે પણ, તેનું મન હજુ એ વિસ્ટાડોમ ટ્રેનની સફરમાં જ અટકેલું હતું. બપોરે જ્યારે બધા શાંતિથી બેઠા હતા, ત્યારે નિહારિકાએ ઉત્સાહથી ટેબલ પર પ્રસ્તાવ મૂક્યો, "આપણે નેક્સ્ટ વીકએન્ડમાં વિસ્ટાડોમ ટ્રેન બુક કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ તો? વરસાદમાં ત્યાં અદભુત નજારો હશે!"
પતિએ તરત જ નકારાત્મક હાવભાવ સાથે કહ્યું, "અરે નિહારિકા, નેક્સ્ટ વીકએન્ડમાં તો મારે ઓફિસનું કામ છે અને બાળકોને પણ ટ્યુશનના ટેસ્ટ છે. વળી આ વરસાદમાં ક્યાં હેરાન થવા જવું? એના કરતાં ઘરે આરામ કરીશું." બાળકોએ પણ પપ્પાના સુરમાં સૂર પુરાવતા બહાર જવાની સાફ ના પાડી દીધી.
પરિવારનો આ ઠંડો પ્રતિસાદ જોઈને નિહારિકાની અંદર રહેલી સ્વાભિમાની અને આધુનિક નારી જાગી ગઈ. તેણે મનોમન એક દ્રઢ સંકલ્પ કર્યો—"જવાબદારીઓ તો આખી જિંદગી રહેવાની છે. જો હું બીજાના ટાઈમટેબલ પ્રમાણે જીવતી રહીશ, તો એક દિવસ મારી લાઈફ આમ જ પૂરી થઈ જશે! આ વીકેન્ડ તો મારે પોતાના માટે, મારી જ રીતે જીવવો જ છે. મારે ખુદને શોધવી છે, કુદરતને માણવી છે."
તેણે તરત જ પોતાનો સ્માર્ટફોન લીધો અને તેના ચાર ખાસ મિત્રો—જેઓ તેના જેવા જ પ્રકૃતિપ્રેમી હતા—તેમના ગ્રુપ પર 'ગ્રુપ વિડીયો કોલ'જોડ્યો.
કોલ કનેક્ટ થતાં જ નિહારિકાએ પોતાના સપનાની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત એટલી રસપ્રદ રીતે કરી કે બધી બહેનપણીઓ ઉછળી પડી. "ડન યાર! આપણે બધા જઈએ છીએ!" કોલ ચાલુ હતો ત્યાં જ નિહારિકાએ પોતાની ઓફિસિયલ મેનેજમેન્ટ સ્કીલનો ઉપયોગ કર્યો. તેણે તરત જ IRCTC એપ્લિકેશન ઓપન કરી.
નેક્સ્ટ શનિવારની સવારની અમદાવાદ-એકતાનગર વિસ્ટાડોમ ટ્રેનની ૫ ટિકિટો ધડાધડ બુક કરી લીધી! સાથે જ ત્યાંના સુંદર રિસોર્ટનું ઓનલાઈન બુકિંગ પણ કન્ફર્મ કરી દીધું. જ્યારે બુકિંગ સક્સેસફુલનો મેસેજ સ્ક્રીન પર ચમક્યો, ત્યારે નિહારિકાના ચહેરા પર જીતનું એક અનોખું સ્મિત હતું.
તેણે ફોન બાજુ પર મૂક્યો અને ઘરની મોટી કાચની બારીની બહાર જોયું. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા હતા. આ વખતે તે કોઈ સપનું નહોતી જોઈ રહી, તે હકીકતમાં પોતાના સપનાને જીવવાની તૈયારી કરી ચૂકી હતી. તે એક એવી આધુનિક નારી સાબિત થઈ, જે પરિવારને પ્રેમ તો કરતી હતી, પણ ખુદના અસ્તિત્વને રોળાઈ જવા દેવા નહોતી માંગતી. આવતો શનિવાર તેની જિંદગીનો નવો સૂર્યોદય લાવવાનો હતો!
જીવનમાં સૌથી મોટું સાહસ દુનિયા જીતવાનું નથી...પોતાના માટે થોડોક સમય કાઢવાનું છે.
અને...
જે દિવસે માણસ પોતાને મળવા નીકળે છે, એ દિવસથી જ તેની સાચી સફર શરૂ થાય છે