અમદાવાદના સૌથી પોશ અને આધુનિક વિસ્તારમાં આવેલી સ્કાઈરાઈઝ રેસિડેન્સીના બારમા માળે આવેલો પાર્થ અને ધ્રુવીનો ફ્લેટ જાણે વાદળોની સહેજ નજીક હોય તેવો ભાસ થતો હતો. આજે સવારથી જ આકાશનો મિજાજ બદલાયેલો હતો. ઉનાળાના આકરા તાપ પછી આકાશમાં કાળાડિબાંગ, સભર ભરેલા જલધરોની ફોજ ઉતરી આવી હતી. પવન એટલો વેગીલો હતો કે બારમા માળની કાચની સ્લાઈડિંગ વિન્ડોઝ ધ્રૂજી રહી હતી. આકાશમાં વીજળીના લિસોટા કોઈ કુશળ ચિત્રકારની પીંછીની જેમ વાદળોની છાતી ચીરી રહ્યા હતા અને તેનો ગડગડાટ આખા શહેરમાં ગુંજી રહ્યો હતો.
પાર્થ પોતાના સ્ટડી રૂમમાં એપલના લેપટોપ પર ઓફિસના અર્જન્ટ પ્રોજેક્ટનું કામ કરી રહ્યો હતો. તે મલ્ટીનેશનલ કંપનીમાં સીનિયર મેનેજર હતો, મેટ્રો સિટીમાં જન્મેલો, બર્ગર, બ્રાન્ડેડ કપડાં અને પ્લેસ્ટેશનની દુનિયામાં ઉછરેલો એકદમ આધુનિક અને પ્રેક્ટિકલ માણસ.
તેનાથી તદ્દન વિપરીત ધ્રુવી, જે સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકના એક નાના, હરિયાળા ગામડામાં પ્રકૃતિના સીધા સંપર્કમાં મોટી થઈ હતી. જ્યાં ચોમાસાની પહેલી હેલીએ આખું ગામ હિલોળા લેતું, જ્યાં માટીની સુગંધ શ્વાસમાં વણાતી.
લગ્ન પછી જ્યારે ધ્રુવી આ કોંક્રિટના જંગલ જેવા શહેરમાં અને તેમાંય આટલા ઊંચા બિલ્ડિંગના બારમા માળે રહેવા આવી ત્યારે શરૂઆતમાં તેને ગૂંગળામણ થતી. તેને લાગતું કે તે કુદરતથી બહુ દૂર આવી ગઈ છે. પણ પાર્થના અખૂટ, નિઃસ્વાર્થ પ્રેમે અને તેની કેરિંગ પ્રકૃતિએ ધ્રુવીને આ નવા ઘરની આદત પાડી દીધી હતી.
પાર્થ ધ્રુવીના પ્રેમમાં એટલો ગળાડૂબ હતો કે ધ્રુવીને જે ગમતું, તે પાર્થ આપોઆપ શીખી જતો. બંનેના શોખ ભલે અલગ હતા, પણ બંનેના દિલ એક થઈ ચૂક્યા હતા.
ધ્રુવી માટે વરસાદ એ માત્ર પાણીના ટીંપા નહોતા, એ તેનો પહેલો પ્રેમ હતો. તે કલાકો સુધી બારી પાસે બેસીને વરસાદના બદલાતા સ્વરૂપો જોઈ શકતી. તેને સૌરાષ્ટ્રની લોકબોલીમાં વરસાદના બાર પ્રકારોનું ખૂબ જ ઊંડું જ્ઞાન હતું. આજે બંનેનો લગ્ન પછીનો આ પહેલો જ વરસાદ હતો અને વાતાવરણ એકદમ રોમેન્ટિક બની ગયું હતું.
અચાનક પવનનો એક જોરદાર ઝાપટો આવ્યો અને ઘરના હળવા પડદા હવામાં લહેરાવા લાગ્યા. ધ્રુવી દોડતી ગેલેરીમાં ગઈ. હવામાં ભીની માટીની સુગંધ ૧૨મા માળ સુધી પહોંચી ગઈ હતી. ધ્રુવીનો ચહેરો ખીલી ઉઠ્યો.
"પાર્થ! પ્લીઝ બહાર આવો ને... બધું કામ પડતું મૂકો, જુઓ તો ખરા આકાશ કેટલું સુંદર લાગે છે!" ધ્રુવીએ ઉત્સાહથી બૂમ પાડી.
પાર્થ લેપટોપ બંધ કરી, સ્માર્ટવોચ સાઈડમાં મૂકી બહાર આવ્યો. ગેલેરીમાં ઊભેલી ધ્રુવીના ખુલ્લા વાળ પવનમાં ઉડી રહ્યા હતા. પાર્થે પાછળથી જઈને તેને કમરથી પોતાની તરફ ખેંચી અને તેની ગરદન પર પોતાના હોઠ મૂક્યા. ધ્રુવી સહેજ શરમાઈ ગઈ.
"શું વાત છે મારી રેઈન ક્વીન? આજે તો બહુ મૂડમાં છો!" પાર્થે રોમેન્ટિક અવાજે કહ્યું.
ત્યાં જ હવામાં સાવ ઝીણા તણખા જેવા બિંદુઓ ઉડવા લાગ્યા અને બંનેના ચહેરા પર બેઠા. ધ્રુવીએ પાર્થની આંખોમાં આંખો પરોવીને કહ્યું, "પાર્થ, આ વરસાદની શરૂઆત છે. આને ફરફર કહેવાય. સાવ ઝીણો વરસાદ, જેનાથી માત્ર શરીર કે કપડાના રૂંવાડા જ ભીના થાય, જાણે આકાશ આપણને વહાલ કરતું હોય."
પાર્થ ફિલ્મોનો ભારે શોખીન હતો. બોલિવૂડના રોમેન્ટિક સોન્ગ્સ તેની નસોમાં દોડતા હતા. વાતાવરણ અને ધ્રુવીનો સાથ જોઈ તેને તરત જ 'મોહરા' ફિલ્મનું ગીત યાદ આવી ગયું. તેણે ધ્રુવીને પોતાની તરફ ફેરવી અને સોફ્ટ અવાજે ગાવા લાગ્યો:"રૂપ સુહાના લગતા હૈ, મોસમ દીવાના લગતા હૈ..."
ધ્રુવી હસી પડી. ત્યાં જ એ ઝીણા બિંદુઓ થોડા મોટા થયા. "પાર્થ, હવે જુઓ, ફરફર કરતાં થોડા મોટા છાંટા પડવા લાગ્યા, આને ફોરા કહેવાય." ધ્રુવીએ હથેળી ફેલાવીને એ કિંમતી મોતી જેવા ફોરા ઝીલ્યા.
ધીમે-ધીમે ટપ-ટપ અવાજ વધ્યો અને આસપાસના ધાબા પર પાણીના બિંદુઓ દેખાવા લાગ્યા. "અને આ જે સામાન્ય ટીપાં પડવા માંડ્યા ને, તેને છાંટા કહેવાય." ધ્રુવી હજુ આગળ બોલે તે પહેલા જ પાર્થે તેનો હાથ પકડ્યો, "બસ, હવે આ નાની ગેલેરીમાં નથી રહેવું. ચાલ ટેરેસ પર!"
બંને લિફ્ટ પકડીને બિલ્ડિંગના વિશાળ અને ખુલ્લા ટેરેસ પર પહોંચ્યા. ટેરેસ પર પવનની ગતિ તોફાની હતી. આખું અમદાવાદ શહેર નીચે ધૂંધળું દેખાતું હતું. અચાનક આકાશમાંથી નાના, ચમકતા સફેદ બરફના ટુકડા પડ્યા અને પાર્થના ગાલ પર વાગ્યા.
"ઓહ માય ગોડ, ધ્રુવી આ તો બરફ છે!" પાર્થે આશ્ચર્યથી કહ્યું.
"હા સ્માર્ટ બોય, આને કરા કહેવાય. વરસાદની સાથે આકાશમાંથી પડતા બરફના નાના ટુકડા." ધ્રુવી ખડખડાટ હસી પડી અને તેનો અવાજ પવનમાં ઓગળી ગયો.
હવે પવન એટલો જોરદાર હતો કે વરસાદ સીધો પડવાને બદલે હવામાં ફંટાઈને ત્રાસી ધારે આવતો હતો. જાણે સફેદ ચાદર હવામાં ઉડતી હોય તેવું દ્રશ્ય સર્જાયું. બંને આખેઆખા ભીંજાઈ ગયા હતા. ધ્રુવી ઠંડીના લીધે સહેજ ધ્રૂજી તો પાર્થે તેને પોતાની બંને બાહોમાં ભીંસી લીધી. ધ્રુવીએ પાર્થની છાતી પર માથું મૂકી દીધું, "પાર્થ, આ વહેતા પવન સાથે આવતો વરસાદ એટલે પછેડિયો. જાણે કુદરત આપણને પ્રેમનું ઓઢણું ઓઢાડતી હોય તેમ આખા શરીરને વીંટળાઈ વળે છે."
પાર્થે ધ્રુવીની ભીની કમર પર હાથ સરકાવ્યો. તેના હોઠ ધ્રુવીના કાનની નજીક ગયા અને ફિલ્મી અંદાજમાં ગણગણ્યો:
"ગલે લગ જા... ભીગા બદન જો ભીગા દે..."
બંનેના તન મન એકબીજામાં પરોવાઈ ગયા. ધોધમાર પવન અને પછેડિયા વરસાદ વચ્ચે તેમનો રોમાન્સ વધુ પ્રગાઢ બન્યો.
તેમણે ટેરેસની કિનારી પર જઈને નીચે જોયું. બિલ્ડિંગના ધાબાની મોટી પાઇપો અને આસપાસના મકાનોની છતના નેવામાંથી પાણીની જાડી ધારાઓ વહેવા લાગી હતી. "જો પાર્થ, એટલો ભારે વરસાદ શરૂ થઈ ગયો છે કે ઘરના નેવા (નાળા) માંથી પાણીની ધારાઓ વહેવા લાગી, આને જ સાહિત્યમાં નેવાધાર કહે છે."
ધ્રુવીએ આકાશ તરફ મોઢું રાખી આંખો બંધ કરી દીધી અને વરસાદના પાણીને પોતાના ચહેરા પર ઝીલવા લાગી. તે ખૂબ ખુશ હતી. "પાર્થ, અત્યારે મારા ગામડામાં ખેડૂતો નાચી ઉઠ્યા હશે. આ વરસાદ પાકને નવું જીવન આપશે, સારો પાક ઉતરાવશે. આને અમારે ત્યાં માલિયો અથવા મોલ મેહ કહેવાય. જે પાક માટે અમૃત ગણાય." પાર્થ ધ્રુવીની આ પ્રકૃતિ પ્રત્યેની દીવાનગી અને માસૂમિયત જોઈ તેના પ્રેમમાં વધુને વધુ હારી રહ્યો હતો.
હવે વરસાદે રૌદ્ર અને સુંદર સ્વરૂપ ધારણ કર્યું. પાણીના ટીપાં એટલા જોશથી અને વજનદાર થઈને ટેરેસની જમીન પર પછાડાતા હતા કે નીચે સોસાયટીના ગાર્ડનની સૂકી માટીના ગઠ્ઠા ઓગળવા લાગ્યા હતા. "સાંભળ પાર્થ, આ વરસાદના જોરથી ખેતરના સૂકા માટીના ઢેફા પણ ભાંગી જાય, એટલે આનું નામ ઢેફા ભાંગ વરસાદ છે."
જોતજોતામાં સોસાયટીના રોડ અને આજુબાજુની સડકો પર પાણી ભરાવા લાગ્યા અને નદીની જેમ વહેવા લાગ્યા. "જ્યારે જમીન પર પાણી સ્થિર ન રહેતા વહેતું થઈ જાય ને, ત્યારે એ અરઘીયો વરસાદ કહેવાય."
બંને આ પૂરા જોશમાં વરસતા વરસાદમાં પાગલ થઈને નાચી રહ્યા હતા. પાર્થ ધ્રુવીનો હાથ પકડીને તેને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. ધ્રુવીના ભીના કપડાં તેના શરીર સાથે ચોંટી ગયા હતા, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા. પાર્થને ફરી બોલિવૂડ યાદ આવ્યું. તેણે ધ્રુવીને પોતાની તરફ ખેંચી, તેની આંખોમાં આંખો નાખીને ગાયું:
"ટિપ ટિપ બરસા પાની... પાની ને આગ લગાઈ..."
ધ્રુવીએ શરમાઈને પાર્થની છાતી પર હળવો મુક્કો માર્યો અને બંને ખડખડાટ હસી પડ્યા.
હવે આકાશમાંથી કોઈ બ્રેક વગર, એકધારી, અવિરત ધારાઓ વરસી રહી હતી. પવન પણ થંભી ગયો હતો, બસ વરસાદ જ વરસી રહ્યો હતો. "આ જુઓ, આ આકાશમાંથી એકધારી પડતી અવિરત ધારાઓ એટલે અનરાધાર વરસાદ.
આ જલ્દી બંધ ન થાય." ધ્રુવીએ પાર્થના ભીના ગાલને સ્પર્શતા કહ્યું.
જો જોતામાં આકાશ વધુ ઘેરાયું અને વરસાદ એટલો તીવ્ર બની ગયો કે જાણે આકાશમાં કોઈએ મોટા મોટા પાણીના મશીનો ચાલુ કરી દીધા હોય. પાણીની ધારાઓ એટલી જાડી હતી જાણે ઉપરથી સાંબેલા પડી રહ્યા હોય! આસપાસની બિલ્ડિંગો દેખાતી બંધ થઈ ગઈ, માત્ર સફેદ પાણીની દીવાલ જ દેખાતી હતી. "પાર્થ, આ વરસાદનું સૌથી રોદ્ર અને મોટું સ્વરૂપ છે. આ સાંબેલા જેવી જાડી ધારાઓ એટલે સાંબેલાધાર અથવા મૂશળધાર વરસાદ!" ધ્રુવીએ વરસાદના ગર્જના જેવા અવાજ વચ્ચે સહેજ મોટેથી કહ્યું.
પાર્થે ધ્રુવીને જોરથી પોતાની તરફ ખેંચી, તેને પોતાની ગોદમાં તેડી લીધી અને ટેરેસ પર બનેલી નાની કેબિનના ઓથા નીચે લાવ્યો, જ્યાં સીધો વરસાદ નહોતો આવતો પણ આખો માહોલ ભીનો હતો. ધ્રુવી ઠંડીથી ધ્રૂજી રહી હતી અને શ્વાસ ચડી ગયા હતા. પાર્થે તેની આંગળીઓ ધ્રુવીના ભીના વાળમાં પરોવી અને તેના ગુલાબી હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. આ કિસમાં વરસાદની ભીનાશ અને બંનેના પ્રેમની ગરમાટો ઓગળી રહ્યા હતા.
થોડી ક્ષણો પછી, પાર્થે ધ્રુવીને પોતાની બાહોમાં જ જકડી રાખીને તેની આંખોમાં જોયું. બહાર હજુ પણ એ જ ગતિથી વરસાદ વરસી રહ્યો હતો.
"ધ્રુવી, તેં મને ૧૧ પ્રકાર તો કહ્યા... પણ જો આ બધા જ વરસાદ સતત ૪ થી ૫ દિવસ કે તેથી વધુ સમય સુધી અટક્યા વગર આમ જ ચાલુ રહે, તો તારા સૌરાષ્ટ્રમાં એને શું કહેવાય?" પાર્થે રોમેન્ટિક સ્માઈલ સાથે પૂછ્યું.
ધ્રુવીએ પાર્થના ગળે પોતાના બંને હાથ વીંટાળી દીધા, તેની આંખોમાં પ્રેમનું પૂર હતું. તેણે ધીમા અને મધુર અવાજે કહ્યું, "પાર્થ, જ્યારે મેહુલિયો રીઝે અને દિવસો સુધી અટકે નહીં ને, ત્યારે એને હેલી કહેવાય..."
પાર્થે ધ્રુવીના કપાળ પર કિસ કરી અને બોલ્યો, "તો બસ મારી જાન, આ બારમે માળે, આપણી જિંદગીમાં પણ પ્રેમની એવી 'હેલી' બંધાઈ ગઈ છે જે હવે ક્યારેય નહીં અટકે."
બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને કેબિનની અંદર બે પ્રેમી પંખીડા એકબીજાના આલિંગનમાં દુનિયાભરનું સુખ ભોગવી રહ્યા હતા. સૌરાષ્ટ્રની લોકસાહિત્યની પરંપરા અને મેટ્રો સિટીનો આધુનિક રોમાન્સ આજે બારમે માળે, વરસાદના બાર નામ સાથે કાયમ માટે એક થઈ ગયા હતા.