11 ટાસ્ક્સ - Chapter 29 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 29

“મને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી, કોઈએ મારા પ્રત્યે એનો પ્રેમ નથી બતાવ્યો. આજ સુધી મને પ્રેમ જેવું કશું ફિલ નથી થયું. તારા માટે મને દુઃખ થાય છે. તને જો ખરેખર કોઈ છોકરી ગમી હોય, એને માટે પ્રેમ જેવું અનુભવાયું હોય તો તારે એ પ્રેમને વ્યક્ત કરવો જોઈતો હતો. લાગણીઓને મનમાં ને મનમાં ભરી રાખવી ને કોઈ આગળ એ વ્યક્ત ના કરવી એ સારું નથી. એમ કરવાથી આગળ જતા વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બની શકે છે.”
“તને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી! આ માન્યામાં ન આવે એવી વાત છે. બની શકે છે કે તારી પ્રતિભા જોઈ છોકરાઓ ડરી જતા હોય. એમને એમ થતું હોય કે આ છોકરી એમની ઓકાતની બહાર છે."
દોદોહી હજી કંઈ જવાબ આપવા જ જતી હતી કે આશુતોષે ધીરેથી એના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને આંખોથી જ ચૂપ રહેવા ઈશારો કર્યો. દોદોહી એ ઈશારો સમજી હતી. એણે આશુતોષના બીજા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને સ્મિતસહ જોઈ રહી.
કલાક, બે કલાક સુધી બંને વચ્ચે વાતો થતી રહી. અમુક વાતે આશુતોષને નવાઈ લાગી કે આની પાસે આટલું બધું નોલેજ ક્યાંથી આવ્યું! તો અમુક વાતે એને દોદોહીની દયા આવી. એ બિચારી એકદમ માસુમ અને દુનિયાદારીથી સાવ જ બેખબર હોય એવું એને લાગ્યું.
આશુતોષે રેસ્ટોરન્ટમાંથી નીકળતા પહેલા બિલ મંગાવ્યું હતું. વેઇટર બીલ લઈને આવ્યો ત્યારે એણે અમસ્તુ જ પૂછ્યું હતું, "સર, ફૂડ કેવું લાગ્યું?"
આશુતોષે સહેજ સ્મિત સાથે કહેલું, “સરસ. ખરેખર ટેસ્ટી હતું."
એણે પછી દોદોહી સામે જોઈ પૂછ્યું, “મેડમ, આપ કંઈ નહીં કહો? અમારી કામગીરીમાં કોઈ કચાસ રહી ગઈ હોય તો ચોક્કસ જણાવશો, અમે એને સુધારવા પ્રયત્ન કરીશું."
દોદોહીએ એની સામે જોઈ સ્મિતભર્યા ચહેરા સાથે બોલવાનું ચાલું કર્યું, “તમેં ખરેખર એમ ઇચ્છો છો કે હું તમારી કામગીરીમાં રહી ગયેલી કચાસ તમને જણાવું?"
પેલાએ લાંબુ વિચાર્યા વગર જ ડોકું ધુણાવ્યું હતું ને દોદોહીએ બોલવાનું ચાલું કર્યું, “તમારી ઈડલી જોઈએ એવી સોફ્ટ ન હતી. એના ટેસ્ટ પરથી લાગે છે કે એનું ખીરું બે દિવસથી ફ્રીઝમાં પડી રહેલું હતું જેને તમે ફ્રીઝની બહાર કાઢીને સીધું ઈડલી બનાવવાના વાસણમાં ભરી ગેસ પર ચઢાવી દીધું. ઇડલીનું ખીરુ ફ્રીઝમાંથી બહાર કાઢો ત્યારે એને અડધો કલાક મૂકી રાખવું જોઈએ જેથી એ સામાન્ય તાપમાને આવી જાય. ત્યારબાદ એને ખૂબ હલાવવું જોઈએ જેથી ખીરામાં હવા ભરાય, તમે ઇચ્છો તો એ જ સમયે એમાં રસોઈ માટે વપરાતું ગરમ તેલ કે ખાવાનો સોડા ઉમેરી શકો, ખીરુ જાડું થઈ ગયું હોય તો થોડુંક ગરમ પાણી ઉમેરી ઈડલી બનાવવા ઉપયોગમાં લો તો ઈડલી વધારે સોફ્ટ બનશે. તમારો સાંભાર ખૂબ પાતળો હતો અને એનો લાલ રંગ ફૂડ કલર મેળવવાથી આવ્યો હતો. તમે કાશ્મીરી લાલ મરચું પાઉડર પાણી સાથે પેસ્ટ બનાવીને વાપરો તો કુદરતી લાલ રંગ આવી શકે. એમાં વપરાયેલી દાળ ઉત્તમ ક્વોલિટીની નહતી. એને તમે ઘણો લાંબો સમય સુધી પાણીમાં પલાળી રાખી હતી જેથી એમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ આવી રહી છે. આશુતોષની પ્લેટમાં જે સંભાર અપાયો હતો એમાં જીરાની વચ્ચે કેટલાક મરેલા ધનેડા તરી રહ્યા હતા. તમારા મેંદુવડા જુના તેલમાં તળાયેલા હતા. એકનું એક તેલ વારંવાર વાપરવું હેલ્થ અને ટેસ્ટ બંને માટે સારું નથી. એમાં વપરાયેલ આદુ મરચાની પેસ્ટ દરેક વખતે તાજી બનાવો તો એનો ટેસ્ટ હજી વધારે સારો થઈ શકે. ઉપરાંત મેંદુવડા તળવા માટે એક ખાસ તાપમાન બનાવી રાખવું જરૂરી છે. ના વધારે તેજ, ના વધારે ધીમી એવી મધ્યમ આંચ પર એને સહેજ સોનેરી થાય ત્યાં સુધી તળવામાં આવે તો એ બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ બનશે. બાકી બધું સરસ હતું. નાઇસ ફૂડ. થૅન્ક યુ."
દોદોહી સામે કંઈક ગુસ્સા, વધારે અકળામણ અને થોડીક અમથી શરમથી તાકી રહેલો વેઇટર નક્કી નહોતો કરી શકતો કે એણે આગળ શું બોલવું. એને અચરજ એ વાતનું હતું કે એ છોકરીએ જે કહ્યું એ બધું જ ખરેખર સાચું હતું. ઉપરાંત એણે આ બધી ભૂલ રસોડામાં નજર કર્યા વગર પકડી પાડી હતી. હવે એને હતું કે સારું થયું કે પોતે દોઢડાહ્યા થઈ મેડમને એમનું રસોડું જોવા નહોતા બોલાવ્યા!
વેઇટરની અકળામણ આશુતોષ સમજ્યો હતો. એણે ચહેરા પર એક સહાનુભૂતિવાળું સ્મિત જાળવી રાખી કહ્યું, “મેડમને સાઉથ ઇન્ડિયન રસોઈ બનાવવાનો શોખ છે, વર્ષોનો અનુભવ પણ છે. નાની નાની કાળજી લેવાથી વાનગીનો સ્વાદ કેવી રીતે સુધારી શકાય એવું જ એમનું કહેવું છે."
“હા, હું સમજી ગયો." વેઇટરે ફિક્કું હસીને કહ્યું.
“મને રસોઈનો શોખ નથી. મેં ક્યારેય ઈડલી, સંભાર કે મેંદુવડા નથી બનાવ્યા." દોદોહી ઘડીકમાં આશુતોષ તો ઘડીકમાં વેઇટર સામે જોતા, સ્મિતભર્યા ચહેરે કહી રહી હતી.
હવે આશુતોષને આગળ શું બોલવું એ તેને સમજાઈ નહોતું રહ્યું. જો દોદોહીને રસોઈનો શોખ નથી, એણે કિચનમાં કામ નથી કર્યું તો આ બધી માહિતી એની પાસે આવી ક્યાંથી? આ વખતે વેઇટર આશુતોષની મનોસ્થિતિ સમજ્યો અને એણે કહ્યું,
“લાગે છે કે મેડમ રીલ્સ જોવાના શોખીન છે. આજકાલ જેને જુઓ તે રસોઈ માટેની ટીપ્સ આપી રહ્યા છે. જેને જુઓ તેને ફૂડ બ્લોગર બની જવું છે." એણે દોદોહી સામે કટાક્ષ ભરી નજર કરતા ઉમેર્યું, “જેણે રસોડામાં પગ પણ ના મૂક્યો હોય એમને માટે બીજાને સલાહ આપવાનું સરળ છે."
એ વેઇટર આગળ બોલવા જતો હતો કે, ‘ક્યારેક જાતે કિચનમાં કામ કરે તો ખબર પડે કે કેટલે વિશે સો થાય’ પણ એ અડધું વાક્ય બોલીને ત્યાંથી ચાલી ગયો. એની નજર આગળ એક દ્રશ્ય આવી ગયું હતું: આ મેડમ એના રસોડામાં જઈને મેંદુવડા બહારથી વધારે ક્રિસ્પ અને અંદરથી નરમ કેવી રીતે બને એ દેખાડવા જાતે બનાવી રહી છે. એણે પહેલા મેંદુવડાનું ખીરુ જોયું, પછી ગેસની સગડી પર પડેલી તેલની કઢાઈ, પ્લેટફોર્મ પર પડેલો શાકભાજીનો કચરો... આગળનું વિચારવાનું માંડી વાળી એ ત્યાંથી ભાગી ગયો હતો. એણે ટીવી પર અમુક શો જોયા હતા જ્યાં એક સેલિબ્રિટી સૈફ જે લોકોના રેસ્ટોરન્ટ સારા ચાલતા ન હોય ત્યાંની આકસ્મિક મુલાકાત લેતો અને પછી એમની ભૂલો દેખાડતો. એ એમના કિચનમાં પડેલા જૂના સામાન અને ત્યાંના રસોઇયાની બેકાળજી તથા આળસ અને ગંદકી ખુલ્લેઆમ દેખાડતો. આ વેઇટર જે રેસ્ટોરન્ટનો અડધો ભાગીદાર પણ હતો એ નહોતો ઈચ્છતો કે આ છોકરી એના કિચનમાં જઈ એની પોલ ખુલ્લી પાડે.
આશુતોષ દોદોહી સાથે બહાર નીકળ્યો એવું જ એણે પૂછ્યું, “તે મારા સંભારમાં ધનેડુ તરતું જોયું હતું તો મને કહ્યું કેમ નહીં?"