“હેય આશુતોષ...
મેં ગઈ કાલે તને જે કામ સોંપેલું એ પૂરું કર્યું કે નહીં?
તને એમાં મજા આવી?”
આશુતોષ સવારે ઉઠ્યો ત્યાનો આ મેસેજ આવવાની જ રાહ જોઈ રહ્યો હતો. એણે તરત જવાબ આપ્યો,
“હા, કામ થઈ ગયું.
મને મજા પણ આવી!
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવું પણ કરી શકું. કોઈક સામે ઊંચા અવાજે બોલવું કે મારી વાત માનવવા આટલા બધા પ્રયત્નો કરવાનું મને કદી આવડ્યું જ નહોતું. થૅન્ક યુ લાવણ્યા, તારા લીધે હું એક દિવસમાં ઘણું બધું નવું શીખ્યો”.
“ઠીક છે, ઠીક છે, હવે વધારે પડતો ઇમોશનલ ના થા. તે સવારે દુકાનદાર સાથે ને પછી તારી ઓફિસના છોકરા સાથે મગજમારી કરી એ મને ખબર પડી પણ તે મારામારી ક્યારે કરી? તું મારી સામે જુઠ્ઠું તો નથી બોલી રહ્યો ને?”
“તને લાગે છે કે હું એવું કરી શકું? માન્યું કે કોઈક પર હાથ ઉપાડવો એ મારા સ્વભાવથી વિપરીત છે પણ હું એવું ના જ કરી શકું એમ નથી.”
“નોર્મલ સંજોગોમાં હું કોઈ સાથે મારામારી ન જ કરી શકું પણ આવતી કાલે રાત્રે કંઈક એવું બન્યું હતું કે મારે હાથ ઉઠાવવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. રાતના હું ઘરે આવી રહ્યો હતો ત્યારે મારી બાઈકને પંકચર પડ્યું હતું. બાઇક મારા ઘરની નજીકના મેકેનિકને ત્યાં છોડી હું ચાલતો જ ઘરે જઈ રહ્યો હતો ત્યાં મેં જોયું કે બે છોકરાઓ એક ભિખારણને હેરાન કરી રહ્યા હતા. એમણે એને ભીખ આપવાના બહાને ગાડી પાસે બોલાવી હતી અને પછી અંધારાનો લાભ લઈ એની સાથે અડપલા કરી રહ્યા હતા. એ બિચારી સોળ સત્તર વરસની છોકરી હતી. કદાચ માનસિક રીતે એટલી પરિપક્વ પણ નહોતી. મેં એમને રોકવાનો પ્રયાસ કર્યો તો એ મને મારવા ધસી આવ્યા. મને ગઈ રાત્રે જ ખબર પડી કે હું બે છોકરાઓને આરામથી મારી શકું એટલી તાકાત ધરાવું છું! મેં એ બંનેને એક એક જાપટ મારી ને એકને પેટમાં લાત ફટકારી ત્યાં તો બંને ભાગી ગયેલા. આમ તો હું જોઉં કે કોઈ છોકરાઓ છોકરીને પરેશાન કરી રહ્યા છે તો હું પોલીસને ફોન કરી ત્યાંથી ચાલ્યો જાઉં. સામેથી જઈને મારામારી ચાલુ ન કરી શકું પણ ગઈ કાલે મારા મનમાં નક્કી હતું કે ચાન્સ મળે તો કોઈક પર હાથ સાફ કરવો જ છે ને મને એવો મોકો મળી ગયો.”
“સરસ. ખરેખર તે ખૂબ સરસ કામ કર્યું. એક બે છોકરડા સામે લડી શકાય કે એમને કંઈક ગલત કરતા રોકી શકાય એટલી હિંમત તો સૌની પાસે હોય છે, અફસોસ કે કોઈ એ હિંમત દેખાડતું નથી.
ક્યાંક ખોટું થઈ રહ્યું છે એ જોવા, સમજવા, છતાં ચૂપચાપ એને સહન કરી લેવું એ મારા મતે કાયરતા છે. મોટી બેવકૂફી છે. એક વાર તમે અન્યાય સામે ચૂપ રહો પછી ધીમે ધીમે એ તમારી આદત અને છેલ્લે સ્વભાવ બની જાય છે. હંમેશા શાંત રહેવું સારી બાબત છે પણ ત્યારે નહીં જ્યારે અવાજ ઉઠાવવો જરૂરી હોય.”
આશુતોષે સહમતિ અપાતા બે થમ્સ–અપના ઇમોજી મોકલ્યા.
“ઓકે, માય લવ આશુ હવે આ સબક જીવનભર યાદ રાખજે: તું ક્યારેય અન્યાય સહન નહીં કરે.”
“માય લવ આશુ“ આટલું વાંચીને તો આશુતોષને સાતે કોઠે દીવા થઈ ગયા હતા. એણે એ મેસેજ પર લવ રીએક્ટ કર્યું.
“તે તારું કામ કર્યું હવે મારો વારો. તારી સરપ્રાઈઝ ગિફ્ટ રેડી છે અને આજ સાંજ સુધી તારા ઘરે પહોંચી જશે.”
“અરે, પણ શું સરપ્રાઈઝ છે? મને કંઈક વાત તો કર. એ સમયે હું ઓફિસમાં હોઉં તો?”
“કહ્યું ને આજ સાંજે તારા ઘરે પહોંચી જશે!”
“ઓકે, હું રાહ જોઈશ.”
આશુતોષ પથારીમાંથી ઊભો થયો ને બાથરૂમમાં ઘૂસ્યો. કમરે ટુવાલ લપેટીને રસોડામાં ગયો. એક કપ પાણી ગરમ કરી એમાં ઇન્સ્ટન્ટ ચાનું પેકેટ ખોલી ઉમેર્યું ને ચા તૈયાર કરી પી લીધી. એના ચહેરા પર એક સ્મિત આવી ગયું હતું. અંદરથી એને થઈ રહ્યું હતું કે જાણે ભવિષ્યમાં એને લાવણ્યા ચા બનાવીને પીવડાવશે.
એ તૈયાર થઈ ઓફિસે ગયો. આખો દિવસ કામમાં ગળાડૂબ રહ્યો. આગલા દિવસે જે કંઈ અહીં બની ગયું હતું એને વિશે ચર્ચા ચાલી, કેટલાય ખુલાસા થયા. આશુતોષના કામના આટલા વરસોમાં પહેલીવાર એના બોસ મી.મહેતાએ વખાણ કર્યા હતા.
સાંજના સાડા સાતે એ ઘરે પહોંચ્યો ત્યારે એને એક જ ચિંતા હતી કે એના નામનું કોઈ કુરિયર આવીને ઘર લૉક જોઈ પાછું ના જતું રહ્યું હોય. એણે સવારે ઘરેથી નીકળતા પહેલા બાજુવાળા ઘરે અને નીચે સિક્યોરિટી ગાર્ડને સૂચના આપી હતી. એની ગેરહાજરીમાં એને માટે કંઈ પણ આવે તો એને લઈ લેવા કહ્યું હતું. હજી કંઈ આવ્યું ન્હોતું.
ફ્લેટમાં જઈ એણે કપડાં બદલ્યા. ફોન કાઢી વોટ્સેપ ચેક કર્યું. લાવણ્યા તરફથી કોઈ નવો મેસેજ નહોતો. એને મન થયું કે સામેથી ફોન કરી ગિફ્ટ વિશે પૂછે પણ પછી એણે રાહ જોવાનું યોગ્ય માન્યું. એના જીવનનો પ્રથમ પ્રેમ, પ્રથમ અને સાચો પ્રેમ, પવિત્ર પ્રેમ આજે એને માટે કંઈક મોકલી રહ્યો હતો. એ શું હશે? એને કોઈ જ આઇડિયા નહોતો. એનું મન એક ના સમજાય એવી ખુશીથી છલકાઈ ઊઠ્યું હતું. લાવણ્યા સાથે વાત આગળ વધશે કે કેમ? એ પણ એને ચાહતી હશે કે કેમ? હજી સુધી કશું જ નક્કી નહોતું એ છતાં એ ખુશ હતો. એક એવી છોકરી જે એની પહોંચથી ક્યાંય દૂર હતી, જેને વિશે એ સપના જોતા પણ ગભરાતો હતો એ જ છોકરી એની આટલી દરકાર કરે એ વાત જ એને ખુશ કરી જવા પુરતી હતી.
ડોરબેલ વાગી. એણે તરત જઈને દરવાજો ખોલ્યો. સામે એક માણસ એક મોટું ખોખું લઈને ઊભો હતો.
“તમારું કુરિયર છે સાહેબ."
આશુતોષે સહી કરીને કુરિયર લીધું. મોટા પહોળા બોક્સમાં શું હશે એ જાણવાની તાલાવેલી રોકી એણે બોક્સ પરનું નામ વાંચ્યું. એમાં એનું પોતાનું નામ, સરનામું અને ફોન નંબર લખેલા હતા. મોકલનારના નામ નીચે નિર્ઝર લખેલું હતું.
એણે રસોડામાંથી ચપ્પુ લાવી સાચવીને ખોખા પરની ટેપ કટ કરી ને એ ખોલ્યું. એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, એમાં એક ગિટાર હતું!
એની પર કોઈ વિચિત્ર કંપનીનું નામ લખેલું હતું. એક એવી કંપની જેનું નામ એણે આજ પહેલીવાર જોયું હતું. એણે વિચાર્યું કે આ કોઈ ચાઇનીઝ કંપનીનું બનાવેલું ગિટાર હશે. જો કે એનાથી એને કોઈ ફરક નહોતો પડ્યો. ગિટાર ખરીદવાની એની ઇચ્છા તો ક્યારનીય હતી પણ સ્વભાવગત નબળાઈ તથા હંમેશા પોતાની ઈચ્છાને બાજુએ મૂકી દેવાની ટેવ વશ એણે આજ સુધી એ ખરીદ્યું નહોતું. એણે તરત લાવણ્યાને મેસેજ કર્યો.
“તારી સરપ્રાઇઝ ગિફ્ટ મળી ગઈ. ઇટ્સ વન્ડરફુલ! તને કેવી રીતે ખબર પડી કે મને ગિટાર વગાડવું ગમે છે? આ વાત તો ભાગ્યે જ કોઈ જાણે છે. સ્કૂલમાં પણ મેં કોઈ દિવસ એ વગાડ્યું નથી.”
એણે મેસેજ સેન્ડ કર્યો ને તરત સામે જવાબ આવ્યો,
“ચીલ માય બોય! તને શું ગમે છે તે મેં કેવી રીતે જાણ્યું એ મહત્વનું નથી, તને મારી ભેંટ ગમી કે નહીં એ કહે.”
“ગમી? અરે આઈ લવ ઈટ. આજ સુધી મને મળેલી બેસ્ટ ભેંટ છે આ. મારા આખા જીવનની બેસ્ટ ગિફ્ટ. થૅન્ક યુ સો મચ યાર.”
“ખાલી આભાર માને કામ નહીં ચાલે તારે એને વગાડવું પણ પડશે. ઓફિસમાં ખૂબ કામ રહે છે, સમય નથી મળતો, મૂડ નથી એવું એક પણ બહાનું બનાવી ગિટારને ધૂળ ખાતું મૂકી રાખ્યું ને તો હું તારી ધૂળ કાઢી નાંખીશ, સમજ્યો? કમ સે કમ છુટ્ટીના દિવસે તો તારે એ વગાડવું જ પડશે. આજુબાજુ વાળા ફરિયાદ કરે તો ધાબા પર જઈને વગાડજે.”
“આ તે કંઈ કહેવાની વાત છે. તું મારા માટે આટલી સુંદર ભેંટ મોકલે અને હું એને વાપરું નહીં એ શક્ય જ નથી. વરસો થયા ગિટાર પર આંગળી ફેરવે એટલે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે કદાચ પણ હું ઝડપથી શીખી લઈશ.”
“આવતી કાલે સવારે તારે માટે મારું એક બીજું કામ રાહ જોઈ રહ્યું હશે. એને પૂરું કરે પણ આવી જ એક ભેંટ મળશે. બાય બાય, ગૂડ નાઇટ!”
“ગુડ નાઇટ!”
એણે ફોન બાજુએ મૂક્યો. આજે એની જમવા જવાની સહેજ પણ ઇચ્છા નહોતી રહી. એણે રૂમ લોક કર્યો ને ધાબે જઈ પાણીની ટાંકી પર બેઠક લીધી. ગિટારને ખોળામાં લઈ એના હાથાને ખભે મૂક્યો ને પછી વરસો બાદ એકવાર ફરી એણે સુર સાથે છેડછાડ ચાલું કરી...