“હેય આશુતોષ...
ગઈ કાલ રાતના આટલું મોડું કેમ થયું હતું? તે કપડાં પણ બદલ્યા નહોતા ને એમ જ સૂઈ ગયો હતો. તારે આટલું બધું કામ કરવાની જરૂર શી પડે?
પોતાનું થોડુંક ધ્યાન રાખ યાર!”
સવારે સાત વાગ્યે એ જાગ્યો હતો. બે વાર ઊંઘમાં જ એણે એલાર્મ બંધ કર્યું હતું ને પાછો સૂઈ ગયો હતો પણ હવે એમ કરવું પોસાય તેમ નહોતું. ઝડપથી ઊભો થઈ એ બાથરૂમમાં ઘૂસ્યો. પંદરેક મિનિટમાં બધી જરૂરી ક્રિયા પતાવી, નહાઈને ટુવાલ લપેટી બહાર આવ્યો. ચા પીવાના ઇરાદે કિચનમાં ગયો ત્યાં યાદ આવ્યું કે ઇન્સ્ટન્ટ ચાની છેલ્લી પડીકી ત્રણેક દિવસ પહેલા જ વપરાઈ ગઇ હતી. રસોડામાં થોડા એંઠા વાસણો હજી જેમના તેમ પડ્યા હતા. એક વાર એ તરફ એની નજર ગઈ કે તરત એણે એને પાછી વાળી લીધી. આજે પણ ઓફિસમાં જઈને ચા મંગાવી લેવાશે એમ વિચારી એ બેડરૂમમાં આવ્યો હતો. પલંગ પર એક બાજુએ ગૂંચળું વળીને પડેલા અડધો ડઝન શર્ટ અને ચારેક પેન્ટમાંથી એણે બદામી રંગનું શર્ટ અને બ્લ્યુ જીન્સ ઉઠાવી પહેરી લીધું. આગલા દિવસે પહેરેલા પેન્ટમાંથી બેલ્ટ કાઢીને આજના પેન્ટ પર ચઢાવ્યો. શૂઝની બાજુમાં પડેલા ગઈ કાલના મોજા ઉઠાવી પહેરી લીધા અને પછી શૂઝ ચઢાવ્યા. શૂઝ પર થોડીક ધૂળ જામેલી દેખાતી હતી. એણે પલંગના ગાદલા નીચે હાથ લંબાવી ત્યાંથી એક જૂની ટીશર્ટ ખેંચી કાઢી એના વડે શૂઝ સાફ કરી એ ગાભો થઈ ગયેલી ટીશર્ટ ફરી પલંગના ગાદલા નીચે દબાવી દીધી. ચાર્જિંગમાં પડેલો ફોન ઉપાડી એણે નવા આવેલા મેસેજિસ તરફ એક નજર કરી. એની ગઈ કાલની મિટિંગ આમ તો સારી રહી હતી. મી.પટેલને એમની પ્રોડક્ટ માટેની જાહેરાતનો આઇડિયા પસંદ આવ્યો હતો પણ હજી સુધી એમના તરફથી કોઈ જવાબ નહોતો આવ્યો.
આશુતોષ એક એડ એજન્સીમાં કામ કરતો હતો. એનું કામ ગ્રાહકો આકર્ષાય એવી એડ ફિલ્મ તૈયાર કરવાનું હતું. એના હાથ નીચે પાંચ જણની એક ટીમ હતી. કોઈ પણ જાહેરાત માટે વાર્તા પસંદ કરવાથી લઈને આખી જાહેરાત બનીને રેડી થઈ જાય ત્યાં સુધીના બધાં જ કામ એના હાથ નીચે થતા. ભૂતકાળમાં એણે પોતે તરત લોકજીભે ચઢી જાય એવા સુંદર જિંગલ અને ટેગ લાઇન આપ્યા હતા. એનું માનવું હતું કે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે લોકોની નજર આગળથી પસાર થાય ત્યારે એમાં કંઈક એવું હોવું જોઈએ જે લોકોને યાદ રહી જાય. જેની સાથે લોકો લાગણીથી જોડાઈ શકે એ જ જાહેરાત સફળ થાય. એ દરેક જાહેરાત માટે ઘણી મહેનત કરતો. એ જેને માટે એડ બનાવી રહ્યો હોય એ કંપની નાની હોય કે મોટી, તે દરેકને માટે એનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરતો છતાં છેલ્લાં કેટલાક વખતથી એને લાગતું હતું કે જે પ્રમાણે એ મહેનત કરતો હતો તે પ્રમાણે એને કામ મળતું નહતું. જે કસ્ટમર પાછળ તે પોતાનો સમય ખર્ચતો હતો એ અચાનક જ એક બે મિટિંગ બાદ આશુતોષ સાથે કામ કરવાની ના કહી દેતા હતા. કસ્ટમર ના કહે એ આશુતોષને સમજાતું હતું પણ જે એને ના કહી જતા એ જ કસ્ટમર પછી એમની પ્રતિસ્પર્ધી કંપની પાસે પોતાની જાહેરાતનું કામ કરાવતા હતા એ વાત એની સમજની બહાર હતી. એને સમજાતું નહોતું કે એ લોકો એવી તો શું ઓફર આપતા હશે?
આશુતોષનું ધ્યાન ગયું કે પેલા અજાણ્યા નંબર પરથી સવારે ફરી નવો મેસેજ આવ્યો હતો. એણે હજી પોતે પૂછેલા બે પ્રશ્નો, “આપણે એકબીજાને ઓળખીએ છીએ? તમે કોણ છો?”નો જવાબ નહોતો આપ્યો એ જોઈ એણે ફરીથી એના એ જ સવાલ કોપી કરી પેસ્ટ કર્યો.
એ ઓફિસ પહોંચી ગયો હતો. હજી પેલા અજાણ્યા નંબર પરથી કોઈ જવાબ નહોતો આવ્યો. એણે એ બધું ભૂલીને કામમાં મન પરોવવાનું ઉચિત માન્યું. એણે મી.પટેલને સામેથી ફોન કરી એમના નિર્ણય બાબતે પૂછ્યું. મી.પટેલે વિચારવા માટે થોડો સમય માંગ્યો. આશુતોષને ગુસ્સો આવી રહ્યો હતો. આટલું બધું ડિટેલમાં સમજાવ્યા છતાં, માર્કેટ કરતા સાવ સસ્તા ભાવે એમની જાહેરાત રેડી કરી આપવાનું કહેવા છતાં, ટીવી સિરિયલની જાણીતી હીરોઈનને એડમાં લેવાનું નક્કી કર્યા બાદ પણ એ માણસને હજી શું વિચારવાનું હશે?
વોટ્સએપમાં આવેલા મેસેજિસ જોતા આશુતોષને ફરી પેલી અજાણી વ્યક્તિ તરફથી આવેલો મેસેજ દેખાયો. એણે એનો નંબર કોપી કરી ટ્રુ કોલરમાં સર્ચ કર્યો. કોઈક નિર્ઝરને નામે એ નંબર સેવ હતો.
નિર્ઝર?
કોણ નિર્ઝર?
એને સારી રીતે યાદ હતું કે પોતે આ નામની એક પણ વ્યક્તિને જિંદગીમાં ક્યારેય મળ્યો નહોતો. નામ પરથી તો લાગતું હતું કે એ કોઈ છોકરી હશે. એની પ્રોફાઇલમાં એક ફોટો હતો પણ એ કાર્ટૂનમાં કન્વર્ટ કરેલો ફોટો હતો એટલે એની સરખી ઓળખ થઈ શકે એમ નહોતું.
એણે તરત જ એ નંબર પર કૉલ કર્યો. રિંગ પર રિંગ જઈ રહી હતી પણ સામેથી કોઈ ફોન ઉપાડતું ન્હોતું. કંટાળીને એણે એક નવો મેસેજ મોકલ્યો.
“નિર્ઝર!?
કોણ છો તમે?
હું તમને નથી ઓળખતો. હવે જવાબ નહીં આપો તો હું આ નંબર બ્લૉક કરી દઈશ.”
દસેક મિનિટ પસાર થઈ ગઈ હતી. આશુતોષ પોતાનું કામ કરતા ફોન તરફ જોયા કરતો હતો. હજી ત્યાંથી કોઈ જવાબ નહોતો.
એણે ફોન હાથમાં લીધો અને એ પેલો અજાણ્યો નંબર બ્લૉક કરવા જ જતો હતો ત્યાં સામેથી બે હસવાના ઇમોજી આવ્યા.
“હું કોણ છું? ગલત સવાલ! તારે મને એમ પૂછવું જોઈએ કે હું તારા માટે શું કરી શકું છું?
તારા પૂછ્યા પહેલાં જ હું જણાવી દઉં છું, હું તારા જીવનમાં એક એવી છોકરી લાવી શકું છું જેને તે વરસોથી મનોમન ચાહી છે. જેને જોઈને ક્યારેક તારા દિલમાં પ્રેમનો ફણગો ફૂટ્યો હતો. હું તારા જીવનમાં તારો ખોવાયેલો પ્રેમ પાછો લાવી શકું છું.”
બે દિવસની વધેલી દાઢી પર હાથ ફેરવતો આશુતોષ વિચારે ચઢી ગયો. “કોણ હશે આ છોકરી?” આમ તો આ કેસમાં વિચારવા જેવું બીજું ઘણું બધું હતું પણ આશુતોષના મનમાં કંઇક જ અલગ જ ગડમથલ ચાલું થઈ હતી. વરસોથી જતન કરીને એના દિલના અવાવરું ખૂણે સાચવી, સંતાડી, રખાયેલો એક વિચાર અચાનક જ બીજમાંથી અંકુર ફૂટે એમ ફૂટી નીકળ્યો હતો ને એ વિચાર ઝડપથી મહાકાય વૃક્ષ બનવા આગળ વધી રહ્યો...
હું જેને મનોમન ચાહતો હતો એવી છોકરી? મેં કોને ચાહી છે? કોલેજમાં? સ્કૂલમાં? આશુતોષ પ્રેમ શબ્દની મોહજાળમાં આવી વિચારી રહ્યો હતો. કોલેજમાં તો જે કોઈ ગમી હતી એ દરેકને મેં પ્રપોઝ કર્યું હતું. એ બધી મને ભાઈ કે દોસ્ત બનાવી ચાલી ગઈ હતી ને એ જ પળે સદાને માટે મારા મનમાંથી પણ ઉતરી ગઈ હતી. ત્યાર બાદ તો કોઈ છોકરી સાથે એવી રોમેન્ટિક વાળી ફિલિંગ આવી જ નથી. તો પછી આ કોણ હશે? એણે ફરીથી એ જ અજાણ્યા નંબર પર મેસેજ મોકલ્યો,
“મને કંઈ જ યાદ નથી આવી રહ્યું. તમે કોઈક કલુ આપો તો કદાચ કંઈક યાદ આવે. તમે કોણ છો અને મને કેવી રીતે ઓળખો છો?”
ફરી સામેથી હસતા ઇમોજી આવ્યા. પહેલા બે આવેલા આ વખતે ત્રણ આવ્યા.
“હું કોણ છું એ વાત પછી કરશું, પહેલા તું એ છોકરીનું નામ યાદ કર જેને જોતા જ તારા મનમાં એક અલગ જ ભાવ જાગ્યો હતો. એક એવી છોકરી જેને તે દિલથી ચાહી હતી.
એનું નામ યાદ કરવું શું એટલું બધું મુશ્કેલ છે?"
એક તો ઓફિસના કામનો પાર નહોતો એમાં આ અજાણી છોકરી સાથેની લપ! આશુતોષને એક બાજુ કંટાળો આવી રહ્યો તો બીજી બાજુ...બીજી બાજુ વરસો બાદ આજ એના મનના પડદા ફરી થોડાં થોડાં ખુલી રહ્યા હતા. પ્રેમ નામના જે શબ્દને એ એના જીવનમાંથી હંમેશને માટે ભુલાવી બેઠો હતો એ ફરી ક્યાંકથી જાણે એના જીવનમાં ડોકિયું કરી રહ્યો હતો. ના ઈચ્છવા છતાં કોઈ અજાણ્યા ને અલૌકિક પ્રવાહમાં તણાઈ એણે ફક્ત એક પળ માટે આંખો બંધ કરી હતી. એની નજર સામે એક ચહેરો આવ્યો હતો...
ત્યારે એ નવો નવો જ ગાંધીનગરમાં રહેવા આવ્યો હતો. એના પપ્પાની સચિવાલયમાં બદલી થઈ હતી અને નવમાં ધોરણમાં એને સ્કૂલ બદલવાની જરૂર ઊભી થઈ હતી. આમ તો ગાંધીનગર જેવા શહેરમાં કોઈ પણ સારી સ્કૂલમાં નવમાં ધોરણમાં દાખલો લેવો મુશ્કેલ હતો પણ એના પપ્પાએ ઘણી લાગવગ લગાડ્યા બાદ સેક્ટર સાતમા આવેલી એક નામી સ્કૂલમાં એને દાખલો મળ્યો હતો. આશુતોષને એની જૂની સ્કૂલ અને ખાસ તો ત્યાંના ભાઇબંધ યાદ આવતા હતા. નવી સ્કૂલમાં એ માંડ માંડ જાતને ગોઠવી રહ્યો હતો. આગલા વરસે બોર્ડની પરીક્ષા આપવાની હતી એની તૈયારી રૂપે એનું ટ્યુશન રખાયું હતું અને ત્યાં જ એણે એને પહેલી વાર જોઈ હતી!
એને પહેલીવાર જોયાનું એ દૃશ્ય હજી જેમનું તેમ એની નજર આગળ ભજવાઈ રહ્યું. ક્લાસમાં કેમેસ્ટ્રી ભણાવી રહેલા ચકા સરે ઓચિંતો જ એને ઊભો કરીને એક સવાલ પૂછ્યો હતો,
“થર્મલ ડિકોમ્પોઝિશન રિએક્શનનું એક ઉદાહરણ આપ તો, ભઈલા."
આશુતોષનો ચકા સરના ક્લાસમાં એ પહેલો જ દિવસ હતો અને એ ગભરાઈ ગયો હતો. એણે અગાઉ કેમેસ્ટ્રીની ચોપડીમાં જુદા જુદા ટાઈપના રીએકશન, રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાંચ્યું હતું ખરું પણ સરે અચાનક એને ઊભો કરીને સવાલ પૂછતા એ બધું જ ભૂલી ગયો હતો.
“શું થયું, વાંચ્યું નથી? મારા ક્લાસમાં દાખલ થવા રોજનું કામ રોજ કરવાની આદત કેળવવી જ પડશે. મારા હરેક સ્ટુડન્ટને સોમાંથી ઓછામાં ઓછા નેવું માર્ક્સ આવવા જ જોઈએ. કાલથી સરખું વાંચીને આવજે, બેસ."
“થર્મલ ડિકમ્પોઝિશન રીએકશનનું ઉદાહરણ કોણ આપશે?"
સરે પછી ક્લાસના લગભગ વીસેક છોકરા–છોકરીઓ સામે એ સવાલ મૂક્યો હતો અને આશુતોષની આગળની બેન્ચ પર બેઠેલી એક છોકરીએ પોતાનો હાથ ઊંચો કર્યો હતો.
“લાવણ્યા! અમારા ક્લાસની ટોપર અને સૌથી ચાંપલી છોકરી." બાજુમાં બેઠેલા એક છોકરાએ આશુતોષના કાનમાં ધીરેથી કહેલું અને એની નજર એ છોકરી પર ગઈ હતી.
જાણે કોઈ અંગ્રેજની ઓલાદ હોય એટલી ધોળી–ગુલાબી, કાળા ભમ્મર ચમકતા વાળવાળી એ છોકરી ઊભી થઈ હતી અને સરે પૂછેલા સવાલનો પટ પટ કરતી જવાબ આપી રહી હતી. એનો આત્મવિશ્વાસ અને એનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ, બંને જોરદાર હતું. આશુતોષ પણ અંગ્રેજી માધ્યમમાં ભણતો હતો છતાં અંગ્રેજી બોલતી વખતે એણે ધ્યાન રાખવું પડતું. ખાસ કરીને એના ઉચ્ચારણ અહીંની કોન્વેન્ટમાં ભણતી પ્રજાતિ કરતાં અલગ હતા અને એ વિશે હવે જ તેને ખબર પડી હતી. એ પલક પણ જબકાવ્યા વગર એ છોકરી સામે જ જોઈ રહ્યો હતો. એના લાલાશ પડતા હોઠ, કથ્થઈ આંખો, ખભા સુધી ખાસ રીતે કટ કરાવેલા વાળ, ઢીંચણથી થોડુંક ઉપર સુધીનું સ્કર્ટ અને શરીર પર ચપોચપ ફિટ થઈ જાય એવી રીતે સીવેલું શર્ટ. એના સીના પર લટકતી ટાઇ પણ કેટલી સુંદર રીતે બંધાયેલી હતી.
તે બેસી ગઈ પછી પણ આશુતોષ તેને જ જોઈ રહ્યો હતો. એ દિવસ પછીનો હરેક દિવસ આશુતોષ લાવણ્યાની પાછળની બેન્ચ પર જ બેસતો અને તેને જોયા કરતો. તેને ઊભી થઈ જવાબ આપતી જોવી, બીજા લોકો સાથે હસતી, મજાક કરતી જોવી એ એના જીવનની અનિવાર્યતા બની ચૂકી હતી. તેને જોયા સિવાય એને ચેન જ નહોતું પડતું. એ બંનેની સ્કૂલ એક હતી પણ ક્લાસ અલગ હતો. ફક્ત કેમેસ્ટ્રીના ટ્યુશનમાં જ બંને સાથે હોતા અને એ સમય આશુતોષના જીવનનો બેસ્ટ સમય હતો. પ્રથમ સ્ટેપમાં તેને જોયા કરવી અને એ પછીના દરેક સ્ટેપમાં પોતાના વિચારોમાં વિવિધ રૂપે વણીને તેને વાગોળ્યા કરવી એ સિવાય અશુતોષને કંઈ જ ગમતું નહોતું.
“એ તારી ઓકાત બહારની આઇટમ છે. એનામાં ટાઈમ બગડ્યા વગર તું તારું ભણવાનું કર દિયોર!" આશુતોષના નવા બનેલા એક ભાઈબંધે તેના ખભા પર ધબ્બો મારતા કહ્યું હતું.
એણે જે કહ્યું હતું એ તો આશુતોષ પણ સારી રીતે જાણતો હતો. લાવણ્યા અને એની વચ્ચે કશું જ સામ્ય નહોતું. નકરો વિરોધાભાસ જ હતો અને એ વિરોધાભાસ પણ એવો કે તે છોકરી દરેક વાતે આશુતોષથી ચડિયાતી હતી. બંને વચ્ચે એક પણ એવી વાત નહોતી જેમાં એ લાવણ્યાની બરાબરી કરવાનું વિચારી પણ શકે. નવમાં પછી દસમું ધોરણ ક્યાં પૂરું થઈ ગયું એની જાણ એને ત્યારે જ થયેલી જ્યારે દસમાંનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું.
પંચાણું ટકા સાથે લાવણ્યા આખી સ્કૂલમાં બીજા નંબરે આવી હતી છતાં રડી રહી હતી. જેનો પ્રથમ નંબર આવેલો એ છોકરાને તેના કરતાં એક ટકો વધારે આવ્યો હતો અને એનું તેને લાગી આવ્યું હતું. આશુતોષને ત્યારે સીતેર ટકા આવેલા અને એને થતું હતું કે કાશ બોર્ડમાં એવી સુવિધા હોત કે એ એની માર્કશીટમાંથી ઇચ્છે એટલા માર્કસ કોઈક બીજાને આપી શકે, ટ્રાન્સફર કરી શકે. જો ખરેખર એવું હોત તો કસમથી, એ લાવણ્યાને એનામાંથી પુરા પાંચ ટકા ખુશી ખુશી આપી દેત!
ખેર, એ છેલ્લો દિવસ હતો જ્યારે આશુતોષે તેને મન ભરીને જોઈ હતી. લાવણ્યા એના પપ્પા સાથે રિઝલ્ટ લેવા આવી હતી. આશુતોષ સાયકલ પર એકલો જ આવેલો. એ રડી રહી હતી. એના પપ્પા અને બીજા કેટલાક શિક્ષકો એને સમજાવી રહ્યા હતા અને એ દૂર ઊભો તેને જોઈ રહ્યો હતો. એને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું પણ એ તેની કોઈ મદદ કરી શકે એમ નહતો. લાવણ્યાને રડતી જોઈ એનું મન પણ ભારે ભારે થઈ ગયું હતું.
એ પછી ટ્યુશન ક્લાસ બદલાઈ ગયા હતા. એણે સાયન્સમાં દાખલો લીધો હતો જ્યારે કે આશુતોષે કોમર્સમાં. લાવણ્યાનું સપનું ડૉક્ટર થવાનું હતું જ્યારે કે આશુતોષનું...? એનું કોઈ સપનું જ નહોતું.
અચાનક આશુતોષ ભૂતકાળમાંથી બહાર આવ્યો હતો. એ જૂની યાદો આટલી સજ્જડ રીતે એના મનના કોઈ ખૂણે સંગ્રહાયેલી પડી હશે એવી તો એને કલ્પના પણ નહોતી, પણ એ જ હકીકત હતી. યાદોના જે પટારાને એણે દાયકા પહેલા બળજબરીથી બંધ કરી મનના એક ખૂણે દાટી દીધો હતો એ ઓચિંતો જ ખુલી ગયો હતો. એ પટારામાંથી કેટલીક ગુલાબી યાદો જેમ તવામાં ધાણી ફૂટે એમ ફૂટીને બહાર આવી રહી હતી. હવે એને રોકવું કે ફરી એ સુંવાળી યાદોને મનન કોઈ ખૂણે ફરીથી દાટી દેવું એને માટે શક્ય નહોતું. એના મનમાં એક નવો વિચાર આવી ગયો હતો, અજીબોગરીબ નવો વિચાર, જેની પર સામાન્ય સંજોગોમાં એ પોતે જ હસી નાખત, પણ આજે એ કંઈક અલગ જ મૂડમાં હતો. એણે વોટ્સેપના એ અજાણ્યા નંબર સાથેની ચેટમાં ધ્રૂજતી આંગળીઓએ ટાઈપ કર્યું,
લાવણ્યા?
આ તું છે...? કેમ છે તું? આજ વરસો બાદ તને મારી યાદ કેવો રીતે આવી ગઈ? તારે મારી કોઈ મદદની જરૂર હોય તો તું મને કહી શકે છે.
લખતા તો લખી નાંખ્યું હતું. મેસેજ સેન્ડ પણ થઈ ગયો હતો. એક ટિક નીચે બીજી ટિક આવી ગઈ હતી અને એ પછી બ્લ્યુ પણ થઈ ગઈ હતી, સામેથી કોઈ જવાબ નહોતો આવ્યો. એકસામટી હજાર વીજળીઓ એના દિલ પર પડી ચૂકી હતી. દરેક વીજળીએ એને આખેઆખો ઢંઢોળી મૂક્યો હતો. થોડીક વાર વીતી ગયા છતાં સામેથી કોઈ જવાબ ન આવતા એ ચિત્તભ્રમની દશામાં હતો. એને પોતાની જાત પર જ આવો મેસેજ મોકલવા બદલ ગુસ્સો તથા દયા બંને આવી રહ્યા હતા. થતું હતું કે એ મેસેજ ડિલીટ ફોર ઓલ કરી દે પણ સામે છેડે જે કોઈ હતું એણે એ મેસેજ વાંચી લીધો હતો, હવે એને ડિલીટ કરવાનો કોઈ મતલબ નહોતો. નવા મેસેજની રાહમાં એ વિચારી રહ્યો...
તેનાથી અલગ થયા બાદ પણ પોતે તેને ક્યાં ભૂલ્યો હતો. આખું અગિયારમું ને બારમું ધોરણ અશુતોષે તેને જ યાદ કરીને વિતાવ્યું હતું. છેક કોલેજમાં આવ્યા બાદ એના વિચાર થોડા બદલાયા હતા. એણે ભારે મનથી સ્વીકારી લીધું હતું કે લાવણ્યા એને માટે ચાંદ જેવી છે, તેને એ જોઈ તો શકે પણ ક્યારેય પામી ન શકે. તેની શીતળ ચાંદનીમાં દૂર રહે એ નહાઈ જરૂર શકે પણ ક્યારેય એ તે રોશનીને એના કમરામાં સજાવી નહીં શકે. એ છોકરી તરફની આશુતોષની લાગણી કંઈક એવી હતી કે એણે સપનામાં પણ ક્યારેય તેને એક કિસ તક કરવાની હિંમત નહોતી કરી. આજે એ વિશે વિચાર કરતા એને પોતાની જાત પર જ હસવું આવતું હતું પણ હકીકત એ હતી કે જો સ્કૂલના દિવસોમાં એ બંને વચ્ચે જો કોઈ સંબંધ બંધાયો પણ હોત તો આશુતોષ તેને હાથ કે કપાળ સિવાય બીજે ક્યાંય કિસ ન કરત, ના કરી શકત. તે છોકરી એનો પહેલો પ્રેમ હતી, પહેલો અને પવિત્ર પ્રેમ!
કોલેજમાં આવ્યા બાદ બીજી રૂપાળી અને યૌવનથી છલોછલ ભરેલી છોકરીઓ જોઈ એ અમુક તરફ આકર્ષાયો હતો. એ આકર્ષણ ફક્ત શારીરિક હતું એવું તો ન કહી શકાય પણ હા, એમાં લાવણ્યા સાથે જે પવિત્ર પ્રેમની ફિલિંગ આવતી એવું કંઈ નહતું. એ બધી છોકરીઓ વિશે વિચારતા એ ક્યાંય ને ક્યાંય આગળ નીકળી જતો હતો. એ મનોમન ગમતી છોકરીના શરીરના અંગમારોડના એક એક ઇંચની કલ્પના કરી શકતો, એમને અનાવૃત કરી શકતો, એમના એક એક અંગને સ્પર્શી શકતો, કલ્પનામાં જ એ તેમની સાથે મર્યાદાની તમામ હદ કોઈ પણ પ્રકારના છોછ વગર ઓળંગી શકતો હતો. કૉલેજમાં જ બે છોકરી આગળ એણે પ્રેમનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો અને એ પાછળનું મુખ્ય કારણ એ હતું કે એને તેમની કંપની સારી રીતે માણવી હતી.
શું લાવણ્યા મારી પત્ની બની શકે? - બસ, આ એક વિચાર આશુતોષના મનમાં શું આવ્યો ને આગળનું, વરસો સુધીનું, વિચારેલું બધું એક પળમાં જ છુંમંતર થઈ ગયું. એના મનોજગતમાં જાણે નવો સૂર્યોદય થયો હતો ને વરસોથી છવાયેલા અંધકારમાં હવે ચમકતો સોનેરી પ્રકાશ ફેલાઈ ગયો હતો. આજે એક્કે કામમાં એનું ધ્યાન નહતું. એણે ફેસબુક પર લાવણ્યા સર્ચ કર્યું હતું. એ નામ જ એવું હતું કે સેમ નામ વાળી વધારે છોકરીઓ ન મળી. જે એક નાનકડું લિસ્ટ એની સામે આવેલું એને સ્ક્રોલ કરતા એક ચહેરો નજર સામે આવ્યો ને એ ઓળખી ગયો.
એનો સ્કૂલ સમયનો ભરાવદાર ચહેરો હવે થોડો પાતળો થયો હતો. શરીર પણ સોળ વરસની છોકરીને બદલે પુખ્ત વયની સ્ત્રીની જેમ ઘાટમાં આવ્યું હતું. તેના સુડોળ બાંધા પર અશુતોષની નજર ફરી રહી હતી ને બીજી જ સેકન્ડે એને ગિલ્ટ ફિલ થયું. લાવણ્યા સાથે એનું કંઈક અલગ જ જોડાણ હતું. એ પ્રેમ ખરેખર દિવ્ય હતો અને હજી આજે પણ એ શારીરિક મોહમાયાથી પર હતો. એણે એની અબાઉટ ઇન્ફોર્મેશન જોઈ. એ હવે ડૉક્ટર થઈ ગઈ હતી. વરસો પહેલા એ આગળ ભણવા માટે કેનેડા ગઈ હતી. એની સગાઈ થઈ ગઈ હતી અને થોડાક સમય બાદ એના લગ્ન હતા!
આશુતોષને એક અજીબ દર્દ અનુભવાયું. શરીરના કયા ચોક્કસ અંગમાં પીડા ઊઠી હતી એ કહેવું મુશ્કેલ હતું પણ એની અસર આખા શરીર પર એક સરખી ફરી વળી હતી. એણે ફોન મૂક્યો ને કામમાં મન પરોવવા પ્રયત્ન કર્યો. એનો એ પ્રયત્ન તદ્દન નિષ્ફળ નીવડ્યો. એણે ફરી ફોન હાથમાં લીધો, હજી પેલા અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ નહોતો આવ્યો. એકવાર તો એને થયું કે એ સામે મેસેજ કરીને કહી દે કે હવે જ્યારે તું લગ્ન કરવાની છે ત્યારે જ મને યાદ કરવાનું કોઈ કારણ? પાછું એમ પણ થયું કે આ અજાણ્યો નંબર લાવણ્યાનો જ છે એની હજી ક્યાં ખબર પડી છે.
થોડીક મિનિટો બાદ ફરી પાછું એનું મન બદલાયું. એણે વિચાર્યું કે શક્ય છે કે લાવણ્યા કોઈ મુસીબતમાં હોય, બની શકે છે કે એને કોઈ મદદની જરૂર હોય અને ઘણા બધા વિચારો કર્યા બાદ એને હું યાદ આવ્યો હોઉં!
આડીઅવળી બધી બાજુ જોઈ-વિચારી લીધા બાદ એના વિચાર પૂરી રીતે બદલાઈ ગયા હતા, હવે એણે નક્કી કરી લીધું હતું કે જો લાવણ્યા એની પાસેથી કોઈ મદદ માંગશે તો એ ચોક્કસ સહાય કરશે. એણે ફરી સામે મેસેજ મોકલ્યો,
“તારે મારી કોઈ પણ મદદની જરૂર હોય તો સહેજે સંકોચ રાખ્યા વગર તું મને કહી શકે છે. હું જો તારા કામમાં આવી શકું તો એને હું મારું અહોભાગ્ય સમજીશ.”
સાંજ પડી, આશુતોષ ઘરે જવા નીકળ્યો એ પહેલા એણે મેસેજ ચેક કર્યા. હજી સામેથી કોઈ જવાબ નહોતો આવ્યો પણ હવે એને ગુસ્સો નહોતો આવી રહ્યો, કોઈ ચીઢ નહોતી ચઢી રહી. સામે છેડેથી ભલે ‘હા’ નહોતી કહેવાઈ, ‘ના’ પણ નહોતી કહેવાઈ એટલું એના વિચારોને આગ આપવા પૂરતું હતું. સામે છેડે એનો પહેલો અને પવિત્ર પ્રેમ એવી લાવણ્યા જ છે એવું એણે માની લીધું હતું ને બસ એટલાથી જ એ ખુશ હતો.