11 ટાસ્ક્સ - Chapter 28 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 28

શક્ય એટલી બધી જગ્યાએ જોઈ લેવા છતાં લોકરની ચાવી ન મળી એટલે આશુતોષનું મગજ પાછું શંકાશીલ બન્યું હતું. ફરી એને લાગી રહ્યું હતું કે રુચિ કે સુખીએ એના કબાટમાં હાથ સાફ કર્યો હતો. એણે સહેજ ગરમ થઈને એ બંનેને બૂમ પાડી હતી.
એક સાથે એ બંને દોડી આવી હતી, રુચિ બાલ્કનીમાં જવાને દરવાજે ઊભી હતી તો સુખી હૉલમાંથી બેડરૂમમાં આવવાના પ્રવેશદ્વારે ઊભી હતી. “યસ, સર" બંનેએ કોરસમાં કહ્યું.
“બંને ત્યાં દરવાજે શું ઊભી છો?"
“સર, તમે જ કહ્યું છે ને કે તમે બેડરૂમમાં હો ત્યારે અમારે અંદર નહીં આવવાનું." સુખીએ કહ્યું.
“હા, એવું મેં જ કહ્યું છે ને તમારે એમ જ કરવાનું પણ જ્યારે હું બોલાવું ત્યારે નહીં. અંદર આવો બંને." આશુતોષે કબાટના બંને પાંખીયા ખોલી નાંખ્યા હતા. એ કબાટમાં ઘડી કરીને મુકાયેલા કપડાં આગળ ઊભો કહી રહ્યો હતો, “અહીં મેં લોકરની ચાવી મૂકી હતી જે હાલ મળી નથી રહી."
“એ ચાવી તો તમે જ સંતાડીને મૂકી હતી ને અમને એને અડવાની ના કહી હતી." સુખીએ કહ્યું.
આશુતોષને અચાનક યાદ આવ્યું કે એણે જ ચાવી આ લોકોની નજરે ના પડે એમ કપડાં વચ્ચે સંતાડી દીધી હતી, પણ ક્યાં? કબાટમાં કપડાં ગોઠવ્યા હોય એવા ચાર ખાના હતા. એ ચારમાંથી કયા ખાનામાં એણે ચાવી સંતાડી હતી એ તે ભૂલી ગયો હતો. એણે એક બે જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો તો બધા કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા પણ ચાવી ના મળી. એને મનોમન એમ પણ થયું કે પોતે રુચિની મહેનત બરબાદ કરી રહ્યો છે, એણે જહેમત લઈને ગોઠવેલા કપડાં પોતે અસ્તવ્યસ્ત કરી રહ્યો છે એ જોઈને એ ગુસ્સે થશે તો? એ નિર્ઝરને ફરિયાદ કરશે તો? એ કામ છોડીને ચાલી જશે તો? એના ઇલેવન ટાસ્ક્સ આ બે છોકરીઓ વગર કેમના પૂરા થશે? દોદોહી સાથે લગ્ન કરવાનું એનું સપનું સાચું પાડવાનું હતું...
“લોકરની ચાવી ક્યાં જતી રહી? મારે એમાંથી એક અગત્યનું ડોક્યુમેન્ટ લેવાનું છે." આશુતોષે આખરે અકળાઈને ગપ્પું માર્યું.
“તમારે કયું ડોક્યુમેન્ટ જોઈએ છે સર? લોકરમાં એવું કંઈ નથી.“
“તને કેવી રીતે ખબર કે લોકરમાં એવું કોઈ ડોક્યુમેન્ટ નથી?"
“એ મેં અંદરની વસ્તુઓ ગોઠવતા જોયું હતું. તમારે જે પેપર્સ જોઈતા હોય એનું નામ આપો હું હાલ જ એ શોધી આપીશ." રુચી ચહેરા પર એ જ હલકુ સ્મિત જાળવી રાખી શાંતિથી વાત કરી રહી હતી.
“અરે પણ ચાવી વગર તું કેવી રીતે એ શોધી આપીશ? પહેલા લોકર તો ખુલે. તું ચાવી શોધ.”
“એક મિનિટ, સર તમે થોડાક પાછા હટી શકો તો હું ચાવી શોધવામાં મદદ કરી શકું." રુચીએ કહ્યું.
આશુતોષ બે ડગલા પાછળ હટ્યો ને રુચિને કબાટ આગળ આવી ચાવી શોધવા ઈશારો કર્યો. એ કબાટ આગળ આવીને ઊભી રહી. કપડાંની ઘડી વચ્ચે હાથ નાંખીને ચાવી શોધવાને બદલે એ કબાટમાં તાકી રહી હતી.
“તું શું કોઈ કાળા જાદુ કરી ચાવી શોધી આપવાની છું?” આશુતોષે અકળાઈને કહ્યું. એને એમ કે રુચિને કપડાની ઘડી બહાર કાઢી એની વચ્ચેથી ચાવી શોધવાની અને પછી ફરી બધા કપડાં કબાટમાં ગોઠવવાની આળસ આવી રહી છે એટલે જ એ આ નાટક કરી રહી છે.
“દેખાઈ ગઈ." રુચિએ એક થપ્પીના કપડાં વચ્ચે હાથ નાંખ્યો અને ત્યાંથી ચાવી સાથે એની આંગળીઓ બહાર આવી. એણે ચાવી આશુતોષના હાથમાં મૂકી અને જે કપડાંની થપ્પી આડીઅવળી થઈ હતી એની પર હાથ ફેરવી સરખી કરી.
“અમે જઈએ સર?"
સુખી અને રુચિ ત્યાંથી જવા માટે એની રજા માંગી રહ્યા હતા એ જોઈ એણે હકારમાં માથું હલાવ્યું. એને હજી સમજાઈ નહોતું રહ્યું કે રુચીએ ચાવી કેવી રીતે શોધી? એણે વિચાર્યું કે ચાવી કદાચ થોડીક બહાર આવેલી દેખાતી હશે કે પછી એ જ્યાં મુકાયેલી હતી એ કપડાંની થપ્પી ચાવી સંતાડતી વખતે બીજી થપ્પી કરતા થોડીક અસ્તવ્યસ્ત થઈ હશે એ એણે પકડી પાડ્યું! ખેર, એ જે કોઈ ચાલાકી હતી જોરદાર હતી એમ સ્વીકારી એણે ચાવીથી લોકર ખોલ્યું. બધું જ બરાબર હતું.
એણે ફરી બધું લોક કર્યું. આ વખતે એણે લોકરની ચાવી એના ઘરની ચાવીના કિચેઇનમાં પરોવી. એ જેવો દીવાનખંડમાં આવ્યો એણે જોયું કે એક છોકરી પહેલેથી ત્યાં હાજર હતી. એ તે છોકરીને જોઈ જ રહ્યો...
એ બિલકુલ સુખી જેવી દેખાતી હતી. એ જ ઊંચાઈ, એ જ શારીરિક બાંધો, ચહેરો તો એટલો મળતો આવતો હતો જાણે બે જુડવા બહેનો. એક અંદર જાય ને બીજી બહાર આવે તો કોઈને ખ્યાલ ના આવે એટલી સામ્યતા હતી બંનેમાં.
“તું સુખીની બહેન છે?" એણે એ છોકરી પોતાની તરફ જ તાકી રહી સ્મિત આપી રહી છે એ જોઈ પૂછ્યું.
“ના, હું એની બહેન નથી. હું બ્યૂટીકેરમાંથી આવી છું. આજે તમારી કેટલીક ટ્રીટમેન્ટ કરવા માટે મને બોલાવાઈ છે."
“હા, હા, યાદ આવ્યું. પણ અત્યારે, આ વહેલા નથી? મારે તો હજી સાંજે બહાર જવાનું છે.“
“આ જ બરાબર સમય છે સર. બધી ટ્રીટમેન્ટ પૂરી કરતા મને ત્રણેક કલાકનો સમય લાગશે. એ પછી આમ બપોરનું ભોજન લઈ થોડોક આરામ કરી સાંજે બહાર જવાની તૈયારી કરી શકશો."
“ઠીક છે, તમારું કામ ચાલું કરો."
એ છોકરીએ સૌથી પહેલા તો આશુતોષને એના કપડાં કાઢી એની સાથે લાવેલ ઘૂંટણ સુધીનો લાંબો ચડ્ડો અને બાંય વગરની બંડી આપી એ પહેરવા કહ્યું. એણે કમને બેડરૂમમાં જઈ કપડાં બદલ્યા. ત્યારબાદ એ છોકરીએ એનું પગથી લઈને માથા સુધી નિરીક્ષણ કર્યું. એને એક ખુરશી પર બેસાડ્યો ને એના કપાળ પરથી વધારાની રુંવાટી એક પાતળી દોરી વડે ખેંચી કાઢી. સ્ત્રીઓ જેમ આઈબ્રો કરાવે એવી જ રીતે એણે આશુતોષની આઈબ્રો કરી હતી. થોડીક ‘ઉંહ’ ને ‘આહ’ કરતો એ ચુપચાપ બેસી રહ્યો હતો. ત્યાર પછી એના હાથ અને પગ વેક્સ કરાયા હતા. જેવી એ છોકરી એના છાતીના વાળ તરફ આગળ વધી આશુતોષે આંસુભરી આંખે મનાઈ કરી દીધી. એનાથી હાથ અને પગ પર દર્દ સહન થઈ શક્યું પણ છાતી પર એ નહીં સહી શકાય એવું એનું દ્રઢપણે માનવું હતું. ઉપરાંત છાતી પરના વાળને એ મર્દ હોવાની નિશાની ગણતો હતો! એ છોકરીએ પછી ત્યાં મશીન ફેરવી એ વાળ છેક મૂળથી કાપીને દૂર કર્યા. એ પછી એના હાથ, પગ અને ચહેરા પર વિવિધ ક્રીમ લગાડી મસાજ કરાઈ, સ્ક્રબ લગાડી ઘસાયું, નખ કાપીને એને વ્યવસ્થિત આકાર અપાયો, બ્લીચીંગ કરાયું ને છેલ્લે ચહેરા પર એક ફેસપેક લગાડી એના વાળમાં હેર સ્પા કરાયું ત્યારે એનો એ દિવસનો ખર્ચ પંદર હજાર ને પાર કરી ગયો હતો.
એ છોકરીએ બધું કામ પતાવ્યું ત્યારે બપોરના બે વાગી ગયા હતા. એણે આશુતોષને બિલ આપ્યું એ જોતા જ એને ચક્કર આવી ગયા હતા. એના દિલને ખૂણે ક્યાંક એમ થતું હતું કે છોકરીએ આટલી બધી મહેનત કરી તો એને એ પ્રમાણે રૂપિયા આપવા જોઈએ ને દિમાગ કહેતું હતું કે તારે આ બધું કરાવવાની જરૂર શી હતી? માન્યું કે એનાથી એના દેખાવમાં ઘણો ફરક પડ્યો હતો પણ એ બધું પોતે શું દર પંદર દિવસે કે મહિને ફરી ને ફરી કરવાનો છે? જવાબ ચોખ્ખી ના હતો. ક્યાંક એને એમ પણ લાગી રહ્યું હતું કે જેમ સાધારણ દેખાવની છોકરીઓ મેકપનો અતિરેક કરી સુંદર દેખાવા પ્રયાસ કરતી હોય છે પોતે પણ તો એવું જ કરી રહ્યો હતો અને આ વાત એને ખૂંચી રહી હતી. એનું દિલ કહેતું હતું કે દોદોહી આગળ એણે પોતે જેવો છે એવો જ બની રહેવું યોગ્ય છે.
“સર આપ કહો તો હું સાંજે આપનો મેકઅપ પણ કરી આપીશ. નવા મેકઓવર સાથે એક તદ્દન નવો લુક."
“નહીં દેવીજી. કૃપા કરીને હવે આપ વિદાય લો. આપનું બિલ ચૂકવવા બાબત નિર્ઝર મેડમ સાથે વાત કરી લેશો."
“ઠીક છે સર, જેવી આપની મરજી. મારી સેવા લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર."
સુખી અને રુચિ એમનું કામ પરવારી ગયા હતા છતાં એ લોકો રોકાઈ હતી. એમને આશુતોષે જ રોકાવાનું કહ્યું હતું. એ બધી છોકરીઓને પછી આશુતોષે જવાનું કહ્યું હતું. આશુતોષનો આભાર માની એ ત્રણે નીકળી એવો જ આશુતોષે મહેન્દ્રને ફોન કર્યો હતો. પહેલી જ રીંગે એણે ફોન ઉપાડ્યો હતો અને સામેથી આશુતોષે ગીત ગાઈ કહેલું,
“કબૂતર જા, જા, જા."
“ઘર સે નિકલ તે હી, કુછ દૂર ચલતે હી.“
ફોન મુકાઈ ગયા હતા. આ એમનો આપસમાં નક્કી કરેલો કોડવર્ડ હતો. આગલા દિવસે આશુતોષ અને મહેન્દ્રએ એમના ફોન ઓફિસના ટેબલ પર છોડી, એમની બિલ્ડિંગમાં આવેલા ભોંયરામાં જઈ એક પ્લાન બનાવ્યો હતો. એ ભોંયરામાં નેટવર્ક નહોતું આવતું, ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા. એ જગ્યામાં કેટલીક ધૂળ ખાતી ફાઇલો અને ઉંદર સિવાય બીજું કંઈ નહોતું અને એટલે જ એ જગ્યા એમને ચર્ચા કરવા માટે બેસ્ટ લાગી હતી. આશુતોષે મહેન્દ્રને કહ્યું હતું કે એનો ફોન હેક કરવામાં આવ્યો છે. એની પર સતત નજર રાખવામાં આવી રહી છે. બની શકે છે કે મહેન્દ્રનો ફોન પણ એની જાણ બહાર  હેક કરાયો હોય. એ લોકોએ એટલે જ બંનેના ફોન ઓફિસમાં છોડ્યા હતા. આશુતોષે કહેલું કે આવતીકાલે, એટલે કે રવિવારે એ એક છોકરીને મળવા જવાનો છે. એ છોકરી પણ એ જ જગ્યાએ રહે છે જ્યાં સુખી અને રુચિ રહે છે. એણે મહેન્દ્રને પૂછ્યું હતું કે તું જો એ બિલ્ડિંગમાં રહેતી છોકરીઓ વિશે વધારે માહિતી મેળવવા માંગતો હોય તો બિલ્ડિંગમાં ઘૂસવાની આ એક તક છે. હું ત્યાં જવાનો છું, તું પણ મારી સાથે આવજે. હું મારાવાળી છોકરીને લઈને બહાર નીકળી જાઉં ત્યારે પણ કોઈક બહાને તું ત્યાં રોકાઈ રહે એવી ગોઠવણ કરીશું.
મહેન્દ્ર એની વાત સાથે સહમત થયો હતો. આશુતોષે જોકે એક વાતે ચિંતા વ્યક્ત કરી હતી કે જો એમાંનું કોઈ એને ઓળખી ગયું તો? મહેન્દ્રએ એનો તોડ કાઢ્યો હતો. એણે એના ગરદન સુધી ઝુલતા લાંબા વાળમાં તેલ નાંખી એક ઊંચી પોની ઓળાવી, ગાલ પરના દાઢી મૂછ કાઢી નાંખી ક્લિનસેવ ચહેરે ત્યાં જવાનું નક્કી કર્યુ હતું. આટલો બદલાવ લાવ્યા બાદ મહેન્દ્રને એની મમ્મી પણ નહીં ઓળખી શકે એ વાતે આશુતોષને પણ ભરોસો બેઠો હતો. રહી વાત ફોનકોલ્સ રેકોર્ડ થવાની તો એ માટે આશુતોષે કહ્યું હતું કે આપણે જ્યારે પણ એકબીજાને કોલ કરીએ ગીત ગાઈને વાત કરીશું. મહેન્દ્ર સમજી ગયો હતો. આશુતોષે એને એ પણ કહેલું કે સવારે એને ત્યાં કામ કરવા આવતી બે છોકરીઓ અને બ્યૂટી કેરમાંથી આવી રહેલ એક નવી છોકરી, એ ત્રણેને એ એકસાથે જ એના ઘરેથી નીકળવાની રજા આપશે. એ વખતે મહેન્દ્રએ એની બિલ્ડિંગના ગેટ પાસે જ હાજર રહેવું અને એ છોકરીઓનો પીંછો કરવો. એણે ફક્ત એટલું જ જોવાનું હતું કે એ ત્રણેય ક્યાં જાય છે. એ જો પહેલા વાળા ઠેકાણે જ જતી હોય તો એ જેવી એમની બિલ્ડિંગમાં પ્રવેશે મહેન્દ્ર એ ત્યાંથી પાછા વળી જવાનું હતું.
બંનેએ એમના પ્લાન પ્રમાણે કામ કર્યું હતું. આશુતોષે જેવું એને કબૂતર જા, જા, કહીને જવાનું કહ્યું એવું જ મહેન્દ્રએ સામે કહ્યું હતું એ છોકરીઓ બિલ્ડીંગથી નીકળી થોડેક આગળ જાય એટલી વાર છે, એ પીછો કરવા તૈયાર છે. એ આ વખતે બાઇક પર છોકરીઓ પાછળ ગયો હતો. એના ચહેરા પર કપડું બાંધેલું હતું જેથી કોઈ એને ઓળખી ના શકે. એ છોકરીઓ એમની બિલ્ડિંગમાં પ્રવેશી ત્યાં સુધી મહેન્દ્રએ એમની પર નજર રાખી હતી અને પછી ત્યાંથી પાછો ફરી ગયો હતો.
એ સાંજે આશુતોષ તૈયાર થઈ ગયો પછી ઘરેથી નીકળતા પહેલા અરીસા આગળ આવીને ઊભો રહ્યો હતો. એના બેડરૂમમાં આવેલા અરીસાને આવું સદભાગ્ય ખૂબ ઓછી વખત મળ્યું હતું જ્યારે એનો માલિક એની આગળ એક મિનિટ કરતા વધારે સમય ઊભો રહ્યો હોય. એના ચહેરા પર એક ચમક આવી હતી. એનો ઘઉંવર્ણો રંગ એક શેડ વધારે નિખર્યો હતો. વાળ આમ તો પહેલા જેવા જ કપાયેલા હતા પણ એ નરમ, મુલાયમ અને સિલ્કી છે એવું એને જોતાં જ લાગી રહ્યું હતું. આજ એણે બ્લેક જીન્સ અને એકદમ આછા લીલા રંગનું ઓવર સાઇઝ ટીશર્ટ પહેર્યું હતું. એના નોર્મલ કપડાં કરતા આ ટીશર્ટ ટૂંકું હતું. એ એની કમરથી સહેજ નીચે સુધી માંડ લંબાતું હતું. જિન્સ પણ નવી ફેશન પ્રમાણેનું હતું. કમરમાંથી ફિટ અને નીચેથી પહોળા લેંઘા જેવું. એણે સહેજ મોટા ગોલ્ડન બક્કલ વાળો બ્લેક બેલ્ટ પહેર્યો હતો. વિચિત્ર નામવાળી કંપનીના લોગો વાળા બ્લેક શૂઝ ખૂબ આરામદાયક અને દેખાવામાં સુંદર હતા એટલે એણે પહેર્યા હતા પણ એનો લોગો જોઈ એને થોડીક શરમ આવી રહી હતી.
એણે જો પુમા, સ્કેચર્સ કે બાટા જેવી કોઈ જાણીતી બ્રાન્ડના શુઝ પહેર્યા હોત તો એનો લોગો લોકોને દેખાડતા એને સારું લાગત પણ હાલ એ કોઈ ચાઇનીઝ કંપનીનો ડુપ્લીકેટ માલ વાપરી રહ્યો હોય એવી લાગણી થઈ રહી હતી.
એ ફ્લેટ લોક કરી બહાર નીકળ્યો હતો.
નીચે જતા પહેલા એણે મહેન્દ્રને મિસ કોલ કર્યો હતો. એ પાર્કિગમાં જ ઊભો હતો. એણે આશુતોષને જણાવ્યું કે એ ત્રણે છોકરીઓ એક જ બિલ્ડિંગમાં ઘૂસી હતી. એ કંપાઉન્ડમાં ચાર ચાર માળની ચાર બિલ્ડિંગ આવેલી છે અને દરેક ફ્લોર પર બે ફ્લેટ આવેલા છે. અગાઉ સુખી અને રુચિને ફોલો કરતા એ જે બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો એ જ બિલ્ડિંગમાં એ છોકરીઓ ગઈ હતી.
“હવે હું તને એ બિલ્ડિંગમાં આવેલા એક ફ્લેટમાં લઈ જઈશ ને તને ત્યાં બેસાડીને હું બહાર નીકળી જઈશ. તું ત્યાંથી તારે જે જાસૂસી કરવી હોય તે કરી લેજે. હા, એક વાત યાદ રાખજે, જે પણ કરે ખૂબ હોશિયારીથી, ત્યાં તને કોઈ બચાવવા નહીં આવી શકે. કોઈ વાતે ખોટું સાહસ ના કરતો."
“અરે તમે મારી ચિંતા ના કરો સાહેબ. આ મહેન્દ્રએ ઘાટ ઘાટના પાણી પીધા છે.” એણે બાઈકને સ્ટાઇલમાં કિક મારતા કહ્યું. એનું બાઇક ચાલુ ન થયું એટલે એણે ફરી કિક મારી, ચારેક વખત ઉપરાછાપરી કિક માર્યા પછી એનું બાઇક સ્ટાર્ટ થયું ત્યાં સુધી આશુતોષની કેબ આવી ગઈ હતી અને એ એમાં સવાર થઈ ગયો હતો. એણે મહેન્દ્ર સામે જોઈ એની પાછળ આવવા ઈશારો કર્યો.
આશુતોષ દોદોહીને ત્યાં પહોંચ્યો એ પહેલા એણે નિર્ઝરને કોઈ મેસેજ નહોતો કર્યો. એણે ઓચિંતા જ ત્યાં પહોંચી જવાનું નક્કી કર્યું હતું. સવારે એની નિર્ઝર સાથે આ વિશે ચર્ચા થયેલી જ હતી એટલે દોદોહીને જાણ જ ના હોય કે પોતે એના ઘરે આવવાનો છે એ શક્ય નહોતું. એણે બિલ્ડિંગના ગેટ પાસે કેબ ઊભી રખાવી ત્યાં ઊભેલા ગાર્ડ સાથે વાત કરી હતી,
“હેલો, મારે દોદોહીને ત્યાં જવું છે. ફ્લેટ નંબર 902, B વિંગ.“
દરવાજે ઊભેલા ગાર્ડ એક નજર આશુતોષ પર નાંખી અને પછી એને ફાઈલમાં એન્ટ્રી કરવા કહ્યું હતું. આશુતોષે ગાડીની બહાર નીકળી ગેટની બાજુમાં ગોઠવેલા એક ટેબલ પાસે જઈ રજીસ્ટરમાં એન્ટ્રી કરી હતી. એણે ગાર્ડને ક્યાં શું ભરવાનું છે એ વાતોમાં વ્યસ્ત રાખ્યો ત્યાં સુધીમાં મહેન્દ્ર એનું બાઇક બિલ્ડીંગની બહાર કોટને અડાડીને પાર્ક કરી આવી ગયો હતો. એ જાણે હાલ જ ગાડીમાંથી ઉતર્યો હોય એમ આશુતોષ પાસે આવીને ઊભો રહી ગયો હતો.
“આ ભાઈ પણ તમારી સાથે છે?" ગાર્ડ મહેન્દ્ર સામે જોતા આશુતોષને પૂછ્યું હતું.
“હા."
“એમનું નામ પણ લખવું પડશે."
આશુતોષે મહેન્દ્રને પેન આપી હતી અને એણે પોતાની વિગતો ભરી હતી. ગાર્ડ પોતાને ઓળખી નથી શક્યો એ જોઈ રાજી થયો હતો. આમેય એ જ્યારે છુપાઈને અહીં આવ્યો હતો ત્યારે ગાર્ડ અને એનો સીધી રીતે આમનો સામનો નહોતો થયો.
ગાડીને કમ્પાઉન્ડમાં પાર્ક કરીને એ લોકો B વિંગમાં આવેલી લિફ્ટ આગળ પહોંચ્યા હતા. દોદોહી ચોથા માળે રહેતી હતી. ચોથા માળે પહોંચીને એ બન્ને લિફ્ટની બહાર આવ્યા. એ માળ પર બે ફ્લેટ્સ હતા અને બંનેના બારણે 902 લખેલું હતું. આમાંથી એમણે જ્યાં જવાનું હતું એ ફ્લેટ કયો? ચોથા માળે આવેલા ફલેટનો નંબર 402 હોવો જોઈએ એને બદલે એ 902 હતો એટલું ઓછું હોય એમ પાછું અહીં એક જ નંબર વાલા બે ફ્લેટ્સ હતા.
આશુતોષ અને મહેન્દ્ર બંનેએ એકમેક સામે જોયું ને પછી આંખોથી જ ઈશારો કરી બંને એક એક બારણે ઊભા રહી ગયા. એક 902 પર આશુતોષે બેલ મારી હતી જ્યારે એની સામે જ આવેલ બીજા 902 નંબરના ફ્લેટ પર મહેન્દ્રએ બેલ મારી હતી. પહેલા મહેન્દ્રએ બેલ મારી હતી એ બારણું ખૂલ્યું હતું.
દરવાજો સહેજ જ ખોલીને અંદરથી એક છોકરીએ બહાર ડોકિયું કર્યું હતું ને મહેન્દ્ર સામે નજર પડતા જ એણે સહેજ સ્મિત આપી મહેન્દ્ર કંઈ કહે એની રાહ જોતી ઊભી રહી હતી.
બરાબર એ જ વખતે આશુતોષ ઊભો હતો એ બારણું ખૂલ્યું હતું અને ત્યાંથી પણ એક સુંદર છોકરીએ અર્ધ ખૂલેલા બારણેથી મીઠું સ્મિત આપ્યું હતું. એને જોતા જ આશુતોષે બૂમ પાડી હતી, “મહેન્દ્ર આ બાજુ આવી જા. આપણે અહીં જવાનું છે."
“સોરી, રોંગ નંબર" એમ કહી મહેન્દ્રએ પલટી મારી હતી અને એ આશુતોષ પાસે આવ્યો હતો.
“આજે આપણે બહાર જવાનું હતું, તને નિર્ઝરે જાણ કરી હશે?" આશુતોષ એની સામે ઊભેલી દોદોહીને કહી રહ્યો. એ હજી ઘરના સાદા કપડામાં સજ્જ હતી એટલે એને નવાઈ લાગી રહી હતી.
“હા, મને જાણ છે. આપણે સાંજે છ વાગ્યે મળવાનું હતું, હજી છ વાગવામાં પાંચ મિનિટ બાકી છે." એણે બારણે ઊભા રહી ને કહ્યું.
“ઓકે તો અમે પાંચ મિનિટ બહાર વેઇટ કરીએ પછી બેલ મારીએ?" આશુતોષે સહેજ ગમ્મતમાં કહ્યું હતું પણ સામેથી કોઈ રિસ્પોન્સ નહીં મળતા એણે આગળ શું બોલવું એ સમજાઈ નહોતું રહ્યું.
“એક મિનિટ તો અહીંયા દરવાજે ઊભા ઊભા જ પસાર થઈ ગઈ." મહેન્દ્રએ કહ્યું.
અચાનક જાણે પોતાની ભૂલનું ભાન થયું હોય એમ પછી દોદોહીએ બારણું આખું ખોલ્યું હતું ને થોડુંક વધારે પહોળું સ્મિત આપી કહ્યું, “પ્લીઝ તમે અંદર આવો, વેલક્મ. આપ બેસો હું હાલ જ તૈયાર થઇને આવું છું."
દોદોહી બાજુમાં આવેલા એક રૂમમાં સરકી ગઈ. એક બીજી છોકરી ત્યાં આવી હતી. ઢીંચણ સુધીનું સફેદ સ્કર્ટ અને ગુલાબી ટોપ પહેરેલી એ છોકરી બાર્બી ડોલ જેવી લાગી રહી હતી. એના કથ્થઈ વાળ વાંકળિયા હતા અને સ્પ્રિંગની જેમ એ ગૂંચળા એના સુંદર ચહેરાની આસપાસ લહેરાઈ રહ્યા હતા.
“આપ શું લેશો? ચા, કોફી કે કંઈક ઠંડું?"
“જી આપ કોણ?" આશુતોષે પૂછ્યું.
“હું અહીં દોદોહી સાથે રહું છું." એણે ફરીથી મીઠું હસીને કહ્યું.
“તમે એની રૂમ પાર્ટનર છો?"
“તમે એવું કહી શકો. આપ શું લેશો?"
“હું કંઈ નહીં લઉં પણ મારા આ મિત્ર માટે એક કપ ચા પ્લીઝ. હું દોદોહી સાથે બહાર જવાનો છું. અમે પાછા ફરીએ ત્યાં સુધી જો આપને વાંધો ન હોય તો મારો આ મિત્ર અહીં રોકાઈ શકે?"
એ યુવતી કંઈ જવાબ આપ્યા વગર આશુતોષ સામે જોઈ રહી. એની આંખો કહેતી જાણે એ આશુતોષ સામે નહીં પણ હવામાં ક્યાંક તાકી રહી હોય. વીસેક સેકન્ડસ એમ સ્થિર રહ્યા બાદ એ ફરીથી હરકતમાં આવી હતી. એણે એના સ્મિતની લંબાઈ સહેજ વધારી હતી ને આશુતોષ તેમજ મહેન્દ્ર સામે જોઈ કહ્યું, “હા, તમારા મિત્ર અહીં રોકાઈ શકે છે. સમય પસાર કરવા અમારી પાસે ટીવી કે પુસ્તકો નથી. એ ઇચ્છે તો હું એમની સાથે વાત કરીશ."
“કોઈ જ વાંધો નથી મેડમ. ટીવી તો આમેય હવે કોણ જુએ છે? આજકાલ તો જે જોઈએ તે બધું આ મોબાઈલમાંથી મળી જાય અને પુસ્તકોને ના અડવાની તો મેં છેક બાળપણથી બાધા લીધી છે." મહેન્દ્રએ પાન–મસાલો ખાઈ ખાઈ લાલ થઈ ગયેલા દાંત દેખાડી હસતા કહ્યું.
આશુતોષ એની સામે સહેજ ડારતી નજરે જોઈ રહ્યો હતો, એને કહેવું હતું કે જરાક શાંતિ રાખજે ભાઈ પણ ત્યાં જ દોદોહી આવી ગઈ હતી અને આશુતોષ એને જોતા જ બીજું બધું ભૂલી ગયો હતો.
આશુતોષને એમ કે એ તૈયાર થવામાં અડધો પોણો કલાક લેશે પણ એના આશ્ચર્ય વચ્ચે એ ચાર મિનિટની અંદર જ તૈયાર થઈ આવી ગઈ હતી. ચાર મિનિટમાં એ કેવી તૈયાર થઈ હતી... એકદમ આછા ગુલાબી રંગની પાતળા પડની સાડી જેમાં સફેદ ઝીણા ફૂલોની પ્રિન્ટ હતી, સ્લીવલેસ સફેદ બ્લાઉઝ, ખુલ્લા વાળમાં ઝૂલતું સાડી જેવા જ ગુલાબી રંગનું ગુલાબ, એણે હળવો મેકઅપ કર્યો હતો કે એ પોતે જ એટલી રૂપાળી હતી એ કહેવું મુશ્કેલ હતું. એણે સાડીની પાટલીઓ જે સફાઈથી પાડી હતી, કમર અને છાતી પર સાડીની એક એક સળ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ હતી અને એ એના બદન પર ચુસ્ત રીતે ચોંટી ગઈ હતી. શરીરે સાડી લપેટેલી હોવા છતાં તમે એના એક એક અંગનું માપ કહી શકો એવી ખૂબીથી એ દેખાઈ આવતા હતા.
“છ વાગી ગયા, આપણે હવે નીકળવું જોઈએ." એણે ધીરેથી હસીને આશુતોષ સામે નજર માંડીને કહ્યું.
આશુતોષ શું બોલે? એ બિચારો તો માંડ માંડ એના દિલ પર કાબુ રાખી રહ્યો હતો. એની આંખો આગળ સ્વર્ગની કોઈ પરી આવીને ઊભી રહી ગઈ હતી અને એ મટકું પણ માર્યા વગર એને નિહાળી રહ્યો હતો. એની હાલત તો એ વિચારવાની પણ નહોતી કે પોતે એ પરીને અડી શકે છે, એને ગળે વળગાડી એના ગાલ પર, એની કાનની બુટ નીચે હળવું ચુંબન કરી શકે છે.
“હા, હા આપણે જઈએ." એણે થોથવાતી જીભ પર માંડ કાબુ મેળવી આટલું કહ્યું ને આગળ ઉમેર્યું, “નીચે ગાડી ઊભી છે. આપણે એમાં જઈશું."
“તમે કેબ કરીને આવ્યા છો?"
“હા."
“તો ગાડી રોકી શું કામ રાખી છે? એને વધારાનો ચાર્જ આપવો પડશે. આપણે અહીંથી બીજી કેબ કરી શકત." એણે સહેજ હસીને કહ્યું.
“મને એમ કે તમે તૈયાર જ હશો ને આપણે દસેક મિનિટમાં નીકળી જઈશું એટલે,"
“જલદી ચાલો હજી પાંચ મિનિટ જ થઈ જ છે." એણે દરવાજા તરફ વળતા કહ્યું
“હા, હા ચાલો." આશુતોષ પણ ઝડપથી ઊભો થયો અને એની પાછળ ચાલ્યો.
બંને લિફ્ટમાં નીચે આવ્યા અને ગાડીમાં ગોઠવાયા. હવે ક્યાં જવું એ બાબતે આશુતોષે ખાસ વિચાર્યું નહતું. એણે કહ્યું, “તું કહે ત્યાં જઈએ. શાંતિથી બેસીને વાતો કરી શકાય અને વધારે ભીડ ન હોય એવી કોઈ જગ્યા,"
“ઓકે. મને એવી જગ્યા વિશે માહિતી છે." દોદોહીએ ડ્રાયવરને ગાડી આગળ લેવા કહ્યું અને જણાવ્યું કે પોતે એને ગાઈડ કરશે.
આશુતોષ એક પળ માટે પણ દોદોહી તરફથી એની નજર હટાવી નહોતો શકતો. એણે પોતાની આ ગુસ્તાખી છુપાવવા એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચે આડીઅવળી વાતો ચાલતી રહી. આશુતોષ કોઈ પણ વિષય પર એક વાક્ય કહેતો જેના જવાબમાં સામેથી એક નિબંધ આવતો. આશુતોષે કહ્યું કે આ જિંદગી પ્રેમ કરવા માટે નાની પડે છે ત્યાં લોકો લડાઈ માટે સમય ક્યાંથી કાઢતા હશે? જવાબમાં દોદોહીએ આખી દુનિયામાં ચાલી રહેલી લડાઈઓ વિશે વાત કહી હતી. એણે યુક્રેન અને રશિયાથી લઈને, ઇઝરાયેલ હમાસ તથા ભારત પાકિસ્તાન અને અમેરિકા ઈરાક વચ્ચેના યુધ્ધને યાદ કર્યું હતું...
આશુતોષે સ્ત્રી પુરુષ સમાનતાની વાત કહી ત્યાં સામેથી અત્યાર સુધી સ્ત્રીઓએ પુરુષ સમોવડા બનવા માટે શું શું કર્યું છે, કઈ સ્ત્રીઓએ શું કામ કર્યું છે, કેટલા પુરુષોએ એમની કેવી રીતે મદદ કરી એ બધું જ વિસ્તારથી કહેવાયું.
આ બધા વાર્તાલાપની વચ્ચે એ ડ્રાયવરને પણ સૂચના આપતી હતી, “સો મીટર સીધા જઈને ત્યાંથી ડાબી બાજુ વળી જજો, અહીંથી ત્રણસો પચાસ મીટર સુધી ગાડી સીધી જવા દો..."
એમની ગાડી એક નાનકડા ગાર્ડ રેસ્ટોરન્ટ પાસે આવીને ઊભી રહી હતી. બંને નીચે ઉતર્યા અને આશુતોષ ગાડીવાળાને એનું પેમેન્ટ ચૂકવી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે આંખો પહોળી કરી દોદોહી સામે જોતા આશુતોષને ધીરેથી કહ્યું હતું, “મેડમ તો જોરદાર છે, માણસ છે કે રોબોટ! એમની રસ્તા પર ગાઇડ કરવાની રીત બિલકુલ ગુગલ મેપમાં બોલતી છોકરી જેવી હતી."
“એ તો મેડમ પોતે ફરવાના શોખીન છે. એ પોતે અનેક વખત અહીં સુધી ગૂગલ મેપ વાપરીને આવ્યા છે એટલે એમને એ બધું મોઢે થઈ ગયું છે." આશુતોષે હસીને કહ્યું.
બંને રેસ્ટોરન્ટની અંદર ગયા તો એ આખું ખાલી હતું. એમના સિવાય ત્યાં બીજું એક પણ ગ્રાહક નહતું.
“નવાઈની વાત છે, રવિવારે સાંજે અહીં કાગડા ઉડે છે? ક્યાંક રેસ્ટોરા બંધ તો નથી ને." આશુતોષ ધીરેથી બબડ્યો પછી મોટેથી બૂમ પાડી કહ્યું, “યહાં ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઈ?”
“અહીં ભાગ્યે જ ભીડ હોય છે એટલે જ મેં આ જગ્યા પસંદ કરી. અહીં આપણે શાંતિથી વાત કરી શકીશું." દોદોહીએ જવાબ આપ્યો ત્યાં સુધી કોઈ હોટલમાં કામ કરનારું પણ દેખાયું નહતું.
આશુતોષને એની બુધ્ધિ માટે માન થયું. મનમાં એમ પણ થયું કે આવી એકાંત જગ્યાએ લાવીને આ છોકરી મારી પાસેથી શી અપેક્ષા રાખી રહી હશે? ગાર્ડનમાં આવેલા એક ખૂણાના ટેબલ પર બેઠાં બાદ એણે માહોલ જમાવવાના ઇરાદે પ્રેમની વાત છેડી.
“ફૂલ પર ભમરો કેમ ઊડતો રહે છે, એને કમળની પાંદડીઓ વચ્ચે કેદ થઈ જવાનું મન કેમ થતું હશે એ આજે મને સમજાય છે.”
“ઓહ, એ તો ખૂબ સરળ અને નૈસર્ગિક પ્રોસેસ છે. ફુલની પાંખડીઓ વચ્ચે પરાગાશય હોય છે. એમાંથી પરાગરસ ચૂસવા જ ભમરો ફૂલ પર બેસતો હોય છે. ભમરો પણ મધમાખીના કુળનું જ એક જીવડું છે. પરાગરસ એનો ખોરાક છે. એ જ્યારે ફૂલની પાંદડીઓ વચ્ચે બેસી એમાંથી પરાગરસ ચૂસતો હોય ત્યારે એના પગમાં આવેલા બારીક વાળ કે રોમ પર પરાગરજ ચોંટી જાય છે. એક ફુલની પરાગરજ જ્યારે બીજા ફૂલ પર પહોંચે એ ઘટનાને પરાગનયન કહે છે. ફૂલોમાં સ્ત્રીકેસર અને પુંકેસર નામના બે અંગ હોય છે. પરાગનયની ઘટના દ્વારા એક ફુલની પરાગરજ બીજા ફૂલ પહોંચે છે. એ પછી જ એમાં ફૂલમાંથી ફળ બનવાની વિધિ ચાલુ થાય છે. તું કહે તો હું તને આ આખી ઘટના વિગતવાર વિવિધ ફૂલો અને ભમરા જેવા બીજા જીવડાનું ઉદાહરણ આપી વિસ્તારથી સમજાવી શકું. હું સમજાવું?”
“નહીં એની જરૂર નથી.” આશુતોષે સહેજ હસીને કહ્યું ને એના સુકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવી એમને ભીના કર્યા અને પછી ટોપિક બદલવાના હેતુથી બીજી વાત ચાલું કરી.
“તને કદાચ અંદાજ નહીં હોય કે તું કેટલી બ્યુટીફુલ છે. હું જો કોઈ સાચુકલી પરી વિશે વિચાર કરું તો એમા પણ તારાથી વધારે સુંદર છોકરીની કલ્પના નહીં કરી શકું.” એણે થોડાક ભાવુક થઈ કહ્યું હતું.
“મને એ વાતનો અંદાજો છે કે હું કેટલી બ્યુટીફુલ છું. થૅન્ક યુ. માનવીની કલ્પના એની વાસ્તવિકતાથી થોડેક ઊંચાઈ પર હોય છે. દરેક માનવની પસંદ અલગ હોય એ પ્રમાણે જ એની કલ્પનાની સુંદર સ્ત્રી પણ અલગ હોવાની. હું તારા માટે જેટલી સુંદર છું એટલી જ કોઈક બીજાની દ્રષ્ટિએ ના પણ હોઉં.” દોદોહીએ એના એ જ મોહક સ્મિત સાથે જવાબ આપ્યો.
“નક્કી સ્કૂલ કોલેજમાં કેટલાય છોકરા તારા પર ફિદા હશે. તારો કોઈ બોયફ્રેન્ડ છે? મતલબ પહેલા રહ્યો હોય. ખોટું નહીં લગાડતી હું તો અમસ્તુ જ પૂછી રહ્યો છું. મારા જીવનમાં ક્યારેય કોઈ છોકરી નથી આવી. એકાદ બે મને ગમી જરૂર હતી પણ એમાંય વાત આગળ નહોતી વધી."
“મને આજ સુધી કોઈ છોકરાએ પ્રપોઝ નથી કરી, કોઈએ મારા પ્રત્યે એનો પ્રેમ નથી બતા