11 ટાસ્ક્સ - Chapter 9 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 9

એની ઇચ્છા તો ઘણીય હતી કે એકવાર ઘરે ફોન કરે કે રૂબરૂ જઈ મમ્મીને, એના ભાઈને, આખી વાત સમજાવે પણ એ ઇચ્છા ઇચ્છા જ રહી ગઈ હતી. એણે એ પછી ઘરે ફોન નહોતો કર્યો. એની મમ્મીનો બે વાર કૉલ આવેલો ને જેવું એમણે શૈલીનું નામ લીધું કે તરત જ આશુતોષે કૉલ કટ કરી દીધો હતો. એમનો પણ ફરી ફોન નહોતો આવ્યો, કદાચ આવ્યો હોય તો આશુતોષે એ ઉપાડ્યો નહોતો.
એક સુંદર ચમકતો દેખાઈ રહેલો સિક્કો બીજી બાજુએથી ઘસાઈ ગયેલો હોય એવું શક્ય છે. આશુતોષ પણ એવો જ એક ચમકતો સિક્કો હતો જેની બીજી ઘસાઈ ગયેલી બાજુ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હતું, ભાગ્યે જ કોઈ જાણવા ઈચ્છતું હતું.
દુનિયાની નજરે આશુતોષ એટલે, એક સફળ અને પ્રેક્ટિકલ માણસ! એ થોડોક અભિમાની, જીદ્દી, લાગણી વિહોણો, જડ જેવો છે એવું પણ લોક માનતા. મુંબઈ જેવા મોટા શહેરમાં એ એકલો રહે છે. ઘર સમાજ સાથેના બધા સંબંધ એણે કાપી નાંખ્યા છે. કમાવું, ખાવું–પીવું ને જિંદગીને માણવી એ સિવાય એને બીજું કંઈ આવડતું નથી. એ સ્વકેન્દ્રી છે, એના વર્તુળમાં એના પોતાના સિવાય બીજું કોઈ એને દેખાતું જ નથી. સ્વાર્થની બધી જ સીમા એ વટાવી ચૂક્યો છે. જે માબાપ અને મોટાભાઈએ એને આટલા વરસો સાચવ્યો, ભણાવ્યો ગણાવ્યો, મુંબઈ પહોંચી કામ કરી શકે એ લાયક કર્યો એ માબાપ ને મોટાભાઈને આ છોકરો સદંતર ભૂલી ગયો છે! – આવી બધી ચર્ચા સમાજમાં થતી રહેતી અને જ્યાં પણ આશુતોષને કોઈ સમાજનો માણસ ભટકાઈ જતો એ એની સાથે આ બધી ચર્ચામાંથી કોઈ બે ટોપિક વિશે વાત અચૂકથી કરતો. કોઈક ઉંમરલાયક વડીલ મળતું તો એ જાણે આશુતોષ પર જીવ બાળી એને કિંમતી સલાહ આપી રહ્યા હોય એ રીતે વાત કરતા. કોઈક યુવાન મળી જતો તો એણે આવું સાંભળ્યું છે એમ કહી આશુતોષ આગળ એના અવગુણ વર્ણવતો. આશુતોષને હવે આ બધાથી કોઈ ફેર નહોતો પડતો. જે વાત પહેલા એક અફવા હતી એ જ હવે ધીરે ધીરે જાણે હકીકત બની રહી હતી.
એ એકલો હતો, સફળ હતો. એને એના ઘર પરિવાર કે સમાજ સાથે કોઈ સંબંધ નહોતો, પોતાના સિવાય એને કોઈની પડી નહતી. એને બસ જિંદગીની મોજ માણવી છે. - આ સિક્કાની ચમકતી બાજુ હતી જે આશુતોષ સૌને દેખાડવા ઇચ્છતો હતો.
સિક્કાની બીજી બાજુ? એ ઘસાયેલી હતી. જેને આશુતોષ સૌથી છુપાવીને રાખતો હતો. એ બાજુથી જોતા એ એકલો ચોક્કસ હતો, પણ એ એકાંતપ્રિય નહોતો. એના મનમાં હજી એના માબાપ અને ભાઈ પ્રત્યે એટલો જ આદર અને પ્રેમ હતો જેટલો પહેલા હતો. એનું ભીતર ઘવાયું હતું. દુનિયાની ચાલબાજીઓ અને એકબીજાને ગળી જવા જ ઊભેલા મગર જેવા લોકોથી એ વાજ આવી ગયો હતો. એ સારી રીતે જાણતો હતો કે દુનિયા આવી જ રહેવાની છે, સ્વાર્થી અને કપટી માણસોથી છલોછલ, એણે આવી જ કાદવથી ભરેલી દુનિયામાં કમળ થઈ જીવવાનું હતું. ઓફિસના કાવાદાવા સહન કરી લેવા એના માટે મુશ્કેલ હતા પણ એ એને મનથી તોડી નાંખે એવા ન હતા. એ ઇચ્છે ત્યારે આ કંપની છોડી કોઈ બીજી કંપનીમાં જોડાઈ શકતો હતો, પોતાની એડ એજન્સી ચાલુ કરી શકતો હતો. એનો મેઈન પ્રોબ્લેમ એના પરિવારના લોકો હતા. એમને આશુતોષ પર ભરોસો નથી એ વાત એનાથી સહન નહોતી થઈ રહી. જીવનના પચીસ વરસ એણે જેમની સાથે ગાળ્યા હતા એ લોકો છાતી ઠોકીને કહી નહોતા શકતા કે અમારો આશુતોષ કોઈ પણ છોકરી સાથે ક્યારેય કોઈ ગલત વ્યવહાર ન જ કરે. એની ઇચ્છા નથી તો અમે જબરદસ્તીથી એના લગ્ન નહીં કરાવી શકીએ...બસ, આટલું એ લોકો કેમ નહીં કહી શકતા હોય? આ સવાલ એને સૌથી વધારે હેરાન કરી જતો હતો.
એણે લગ્ન માટે વિચારવાનું જ છોડી દીધું હતું. સવારથી સાંજ એ કામ કરતો રહેતો. થાકીને ઘરે આવે ત્યારે ’ધ પેરેડાઇઝ ભોજનાલય’ જઈ જમી આવતો ને પથારીમાં આવી આડો પડી જતો. હા, ક્યારેક એ પથારી એને કરડવા આવતી હોય એવું થતું. એના જ ઓશિકાની બાજુમાં પડેલું બીજું ઓશિકું એને પૂછતું કે મારા પર માથું મૂકી સુવાવાળું ક્યારે આવશે? એની પાસે કોઈ જવાબ નહોતો...દૂર દૂર સુધી કોઈ છોકરી એના જીવનમાં પ્રવેશી શકે એવી કોઈ નિશાની એને દેખાતી નહોતી ને ત્યાં જ અચાનક આ નિર્ઝર ક્યાંથી આવી ચઢી? લાવણ્યા એનો પહેલો પ્રેમ, પહેલો પવિત્ર પ્રેમ! એ એને મળી શકશે?
લાવણ્યા ઉર્ફ નિર્ઝરે એને એક કામ આપ્યું હતું અને એણે એ પૂરૂ કરવુ રહ્યું. એણે આંખો બંધ કરી બે મિનિટ મન શાંત કર્યું ને પછી તરત ફોન હાથમાં લઈ એની મમ્મીને કૉલ જોડ્યો.
રાતના આટલું લેટ કોણ હશે એમ વિચારતા એની મમ્મીએ સ્ક્રીન પરનું નામ જોયા વગર જ ફોન રીસીવ કર્યો, “હલ્લો, હલ્લો"
એ જ અવાજ, પહેલા રોજ સાંભળવા મળતો ત્યારે એ સામાન્ય લાગતો હતો અને આજે અફસોસ થઈ રહ્યો હતો કે કેમ આટલા લાંબા સમયથી આ અવાજ સાંભળ્યો નહોતો!
“કોણ છે? કંઈક બોલો તો ખરા" એમણે પથારીમાં પડ્યા પડ્યા જ ઊંઘ ભરેલી આંખે કહ્યું હતું. સામેથી આશુતોષે “મા, મમ્મી" એવું કંઈ બોલવા ચાહ્યું પણ એ સ્પષ્ટ રૂપે બોલી ન શક્યો. એને ગળે ડૂમો ભરાઈ ગયો હતો.
“આશુ...આશુતોષ તું જ છે ને?" એ પથારીમાંથી બેઠા થઈ ગયા. એમની ઊંઘ અચાનક ક્યાંક ખોવાઈ ગઈ હતી. “તું ઠીક તો છે ને? તારી તબિયત સારી છે ને? કંઈક થયું છે તારી સાથે?"
“હું બિલકુલ ઠીક છું, મને કોઈ તકલીફ નથી." ગળું ખંખેરી એ માંડ આટલું બોલી શક્યો.
“આમ અચાનક મોડી રાતે તારો ફોન આવ્યો એટલે મને ચિંતા થઈ આવી હતી. આજ કેટલા દિવસે તને માની યાદ આવી હમ્મ...? પેલી છોકરી તને નહોતી ગમતી તો મારે ક્યાં પરાણે એને તારી સાથે પરણાવવી હતી. તું આમ અમારી સાથે વાત જ ના કરે એવું કેમનું ચાલે. તને ખબર છે અમે લોકો તારી કેટલી ચિંતા કરત હતા. તું અમારો ફૉન પણ ના ઉઠાવે એ કેવું? પોતાની મમ્મીથી આમ રિસાવાનું હોય? પોતાના મોટા ભાઈથી કોઈ વાત બંધ કરતું હશે? ઊભો રે ફોન ચાલું રાખજે હું મોટાને બોલાવું છું,"
આશુતોષના મમ્મી, મોટાભાઈ અનુરાગ, પપ્પા બધા ફોન પર એક સાથે બોલી રહ્યા હતા. લગભગ વરસથી એમની વચ્ચે વાતચીત બંધ હતી અને એટલા સમયથી જે જે કહેવાનું રહી ગયું હતું એ બધું જ એમણે જાણે આજે જ કહી દેવું હતું...કેટલી બધી ફરિયાદો, યાદો, વિનંતીઓ, રિસામણા, મનામણા...
રાતના એક વાગ્યે આશુતોષે કૉલ કટ કર્યો ત્યારે એના દિલ પરથી એક મોટો બોજ હળવો થઈ ગયો હતો. એનું મન કહેતુ હતું કે એ નાચે, ગીત ગાય, દારૂ પીને મોટેથી ચીસો પાડે... એણે એનું ગિટાર ઉઠાવ્યું ને એના બિલ્ડિંગની છત પર ગયો. છત પર બે મોટી પાણીની ટાંકી આવેલી હતી. એક ડાબી બાજુએ હતી બીજી જમણી. એ જમણી બાજુએ ગયો જ્યાં નીચેનો ફ્લેટ ખાલી હતો. પહેલા એણે ગિટાર જાળવીને ટાંકી પર મૂક્યું પછી એ ઉપર ચઢી ગયો. એણે ફોન ઉપાડ્યો, લાવણ્યા ને એક મેસેજ મોકલ્યો,
મેં હાલ જ મારી મમ્મી અને મોટાભાઈ સાથે વાત કરી. લગભગ દોઢ વરસથી મેં એમની સાથે વાત નહોતી કરી. આજે વાત કરી તો એવું લાગ્યું જાણે છાતી પરથી એક મોટો વજનદાર પથ્થર હટી ગયો. મારું આજનું કામ પૂરું થયું. થૅન્ક યુ, થેન્ક યુ સો મચ લાવણ્યા!
એણે ગિટાર ઉઠાવ્યું ને વગાડવું ચાલું કર્યું. એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. એ ખુશ હતો, દુનિયા હજી જીવવા લાયક છે એ વાતે એને ફરીથી ભરોસો થયો હતો. એણે પ્રયત્ન કર્યો પણ કંઈ જામતું નહતું. જે સંગીત એને વગાડવું હતું, જે સુર એના હૃદયમાંથી રેલાઈ રહ્યા હતા, એ એની આંગળીઓમાંથી ગિટારના તાર પર આવી નહોતા રહ્યા.
એક નવો મેસેજ આવ્યો હતો. એણે ફોનની સ્ક્રીન સામે જોયું, લાવણ્યાનો મેસેજ હતો. એણે ફોન હાથમાં લીધો. એણે એક ફોટો મોકલ્યો હતો. એણે ફોટા પર ક્લિક કર્યું. અહીં નેટ થોડું સ્લો હોવાથી ફોટો ડાઉનલોડ થતા સમય લાગ્યો પણ જેવો એ ફોટો ડાઉનલોડ થયો એ હક્કાબક્કા રહી ગયો...
એ ત્રીસેક વરસની એક સ્ત્રીનો ફોટો હતો. ભરાવદાર શરીર વાળી સ્ત્રીએ સાડી પહેરી હતી. એ હસી રહી હતી, ફોટા નીચે લખ્યું હતું,
“લાવણ્યા તારી યાદ હંમેશા અમારી સાથે રહેશે. અમે સપનેય નહોતું વિચાર્યું કે તું આમ અચાનક અમને બધાને છોડીને અનંતને માર્ગે ચાલી નીકળીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે."
“ગયા વરસે એક કાર અકસ્માતમાં લાવણ્યા મૃત્યું પામી. તું મને લાવણ્યા સમજી બેઠો છે એટલે જ ચોખવટ કરવા મારે અત્યારે તને આ મેસેજ કરવો પડ્યો. સમજી લે કે તારા આજના કામનું આ ઇનામ હતું.”
ઘડીભર એ સુન્ન થઈ ગયો. લાવણ્યા હવે નથી રહી એનો એને જેટલો આઘાત લાગ્યો હતો એનાથી પણ વધારે આઘાત જે રીતે એને આ વાતની જાણ થઈ એનો લાગ્યો હતો. એને હવે ગુસ્સો આવી રહ્યો હતો. મનમાં એક જ સવાલ હથોડાની જેમ વાગી રહ્યો હતો –આખરે કોણ છે આ નિર્ઝર?
એણે લાવણ્યા ને નામે સેવ કરી રાખેલા મોબાઈલ નંબર પર વારંવાર કૉલ્સ કર્યા હતા. પહેલા બે વાર રિંગ ગઈ પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો. આશુતોષને બરાબરની ચીડ ચઢી હતી. એણે એના કોન્ટેકટ લિસ્ટમાંથી લાવણ્યા નામ હટાવી એ નંબર ‘ચિટર ચુડેલ’ને નામે સેવ કર્યો. એણે ત્યાં બે મેસેજિસ પણ મોકલ્યા,
“જો તું લાવણ્યા નથી તો પછી કોણ છે તું અને તને મારા વિશે આટલી બધી જાણકારી ક્યાંથી મળી? તે મને પહેલાં જ કેમ ના કહ્યું કે તું લાવણ્યા નથી?”
“તારે શું જોઈએ છે મારી પાસેથી? તું કોઈ સ્કેમમાં મને ફસાવવા ઇચ્છે છે? એવું તો નથીને કે તું કે તારો કોઈ માણસ આખો દિવસ મારો પીંછો કરતા હો અને તારા કહેવા પર હું જે પણ ઉટપટાંગ હરકત કરું એનો વિડિઓ રેકોર્ડ કરતા હો? જો એવું કંઈક કરવાનો ઇરાદો હોય તો બધું બંધ કરી દેજે. તને હજી ખબર નથી કે તેં કોની સાથે પંગો લીધો છે! હું તને બરબાદ કરી દઈશ.”
આશુતોષે ફોન બાજુએ મૂક્યો અને ગિટાર ઉઠાવ્યું. એને યાદ આવ્યું કે આ ગિટાર પણ તો એ ચિટર ચુડેલે આપ્યું હતું. એનો ગુસ્સો, એનું દુઃખ બધું જ એકાએક બેવડાઈ ગયું હતું અને એણે ગિટાર વગાડવાનું ચાલું કર્યું...રાતના અઢી વાગ્યે  ચોકીદારે આવીને એને રોક્યો ત્યારે પછી એ એના ફ્લેટમાં જઈ પલંગમાં આડો પડી ગયો હતો. ઓશિકું એના આંસુઓ, એની લાળ, એની હૈયાવરાળથી ભીંજાઈ રહ્યું હતું. જે છોકરીને એણે દિલથી ચાહી હતી એ હવે આ દુનિયામાં જ નથી રહી અને એને એનો જરા સરખો પણ અહેસાસ કેમ નહીં થયો હોય? લાવણ્યા...એ એક નામને સહારે એ આખું જીવન ખેંચી કાઢત પણ એનું મોત કેમનું જીરવવુ. એને તો પોતાની પ્રિય વ્યક્તિને યાદ કરીને રડવાનો પણ હક નહોતો. વહેલી સવારે પછી એની આંખ મીંચાઈ હતી.