11 ટાસ્ક્સ - Chapter 26 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 26

“હેય આશુતોષ...

આ શું થઈ રહ્યું છે આશુતોષ? તારી ઓફિસના સ્ટાફમાંથી કોઈકે સુખીની છેડતી કરી? તને નથી લાગતું કે તારે એ વિરુધ્ધ કોઈ પગલા લેવા જોઈએ?”

આજે રવિવાર હતો. આશુતોષ આરામથી સુવાના મૂડમાં હતો. એણે વહેલી સવારનું એલાર્મ પણ રવિવારે બંધ રાખ્યું હતું. એણે વિચારેલું કે રવિવારે ચાલવા જવાની રજા કે પછી મોડેથી જઈ આવશે. એનું એવું વિચારવું અસફળ રહ્યું. બરાબર છ વાગ્યે એના ફોન પર એક રિંગ આવી હતી ને એણે વહેલા ઊઠવું પડેલું. એણે બંધ આંખે જ ફોન લીધો ત્યાં સામેથી રેકોર્ડેડ અવાજ આવેલો,

“ગુડ મોર્નિંગ સર. તમારો ચાલવાનો સમય થઈ ગયો છે. આ તમને ઉઠાડવા માટેનો કૉલ હતો. ધન્યવાદ."

આશુતોષે કૉલ આવેલો એ નંબર જોયો. એ કોઈક અજાણ્યો નંબર હતો. એણે ટ્રુ કૉલરમાં સર્ચ કર્યું તો એ નંબર પેલી વિચિત્ર નામવાળી કંપનીનો નીકળ્યો. અચાનક જ એણે નિર્ઝરનો નંબર જોયો અને પછી આ અજાણ્યો નંબર જોયો. એની શંકા સાચી હતી. નિર્ઝરનો ફોન નંબર અને એ અજાણ્યો ફોન નંબર બંનેમાં એક જ આંકડાનો તફાવત હતો! બન્નેના ફોન નંબરમાં આગળના નવ આંકડા એક સમાન હતા ખાલી છેલ્લો આંકડો જ અલગ હતો. આનો સીધો મતલબ એમ થતો હતો કે એ બંને નંબર એક સાથે અને એક જ વ્યક્તિ દ્વારા લેવાયેલા હતા.

એણે હવે સવારે આવેલા બીજા મેસેજ તરફ એક નજર કરી. અમુક મિત્રોના ગુડ મોર્નિંગ મેસેજિસ જોયા. કેટલાકને હવે હેલ્થની ચિંતા હતી તો કેટલાકને વેલ્થની. કેટલાકને જોક્સ, રમુજી વિડિઓ શેર કરી હસવું હતું તો અમુકને દુનિયાથી અલિપ્ત થઈ ઘ્યાન અને વૈરાગ્યના માર્ગે આગળ વધવાના વિચારો આવી રહ્યા હતા. આશુતોષને મન એ બધું હાલ કોઈ મહત્વનું નહતું. એણે નિર્ઝરનો મેસેજ જોયો.  મેસેજ વાંચતા જ એના ચહેરા પર એક લાંબુ સ્મિત ખીલી ગયું. એને ગઈ કાલ બનેલો આખો પ્રસંગ અને મહેન્દ્રનો સૂજેલો ગાલ યાદ આવી ગયો હતો. એના મગજમાં એક વિચિત્ર કલ્પના પણ થઈ આવી હતી કે સુખી જો નિર્ઝર આગળ ફરિયાદ કરે કે આશુતોષની ઓફિસના પટાવાળાએ મારી છેડતી કરી તો એ કેવી રીતે કરે? એના ચહેરા પર કોઈ ભાવ તો આવતા જ નહોતા. સહેજ મલકાવું, ક્યારેક ઉદાસ થઈ જવું ને શાંત રહેવું, આ ત્રણ સિવાય ચોથો કોઈ ભાવ એના ચહેરા પર આવી શકે ખરો? એણે જ્યારે નિર્ઝરને ફરિયાદ કરી હશે ત્યારે એ ગુસ્સામાં હશે કે બાપડી, બિચારી અબળા નારી તરીકે રડી પડી હશે? એણે સામો એક મેસેજ ટાઈપ કર્યો.

“મારી ઓફિસમાંથી કોઈએ એની છેડતી નથી કરી. એ જુઠ્ઠુ બોલી રહી છે. આમેય એ હાડકાંના માળા જેવી પાતળી છોકરીમાં છે શું તે કોઈ એની છેડતી કરે? એના કરતા અનેકગણી રૂપાળી અને દેખાવડી છોકરીઓની અમારી ઓફિસમાં અવરજવર રહે છે. એમાંથી તો કોઈએ ક્યારેય આવી ફરિયાદ નથી કરી.”

બીજી જ સેકન્ડે સામેથી નિર્ઝરનો જવાબ આવ્યો.
“આ તું શું કહી રહ્યો છે આશુતોષ? એક મહિલાની છેડતીના મુદ્દે કોઈ આવો જવાબ ભલા કેવી રીતે આપી શકે? તને એ બિચારીની સહેજે દયા નથી આવતી?”

“મને દયા આવે છે, પણ ત્યાં જ જ્યાં આવવી જોઈએ. સુખી જેવી ચાંપલી છોકરીઓ પર મને દયા નહી પણ ગુસ્સો આવે છે. એને પહેલા કોઈક માણસ સાથે વાત કરવાની તમીઝ શીખવાડો મેડમ. કાલે એણે જે રીતે મહેન્દ્રના ગાલ પર લાફો મારી દીધો હતો, એ બાપડાનાં ચાર દાંત તૂટી ગયા. એ ઇચ્છે તો સુખી પર પોલીસ કેસ પણ કરી શકે. મહેન્દ્રએ સુખી સાથે એવું તો શું કર્યું હતું કે એણે આમ માર માર્યો?”

“એક મિનિટ હું ફરી ફેકટ્સ ચેક કરી લઉં.”

થોડીક સેકન્ડ સામેથી કોઈ જવાબ ના આવ્યો. આશુતોષને મજા આવી રહી હતી. એ જોવા માંગતો હતો હવે આ નિર્ઝર મેડમ શું કરે છે.
“મેં ફરીથી આખી ઘટના તપાસી. મહેન્દ્રએ સુખીનો હાથ પકડી એને જબરદસ્તી રોકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈક યુવતીને બળજબરીથી રોકવા પર એ પોતાની જાતને મુક્ત કરાવવા સામેવાળાને એક થપ્પડ મારી શકે.”

“બળજબરી? આમાં બળજબરી ક્યાં આવી? મહેન્દ્ર એને કંઈક પૂછી રહ્યો હતો. સુખી જવાબ આપવાને બદલે ઝડપથી સીડીઓ ઊતરી રહી હતી એટલે એને ઊભી રાખવા એ બાપડાએ ભૂલથી એનો હાથ પકડી લીધો હતો. એણે કોઈ જાતની બળજબરી નથી કરી.”

“બની શકે છે કે તારી વાત સાચી હોય પણ અમારી પોલિસી પ્રમાણે આવા સંજોગોમાં છોકરી એને રોકનારને લાફો મારી શકે છે.”

“વાહ તમારી પોલિસી! તારો કહેવાનો મતલબ એમ થયો કે હું જો ક્યારેક ભૂલથી એનો હાથ પકડી લઉં તો એ મને પણ મારા ચાર દાંત તૂટી જાય એવી થપ્પડ મારશે? હાથ પકડવાનું કારણ સમજ્યા વગર બસ એમ જ હાથ ઉપાડી દેશે?”

“ના, ના, મારા કહેવાનો મતલબ એવો નથી. તું જાતે જ આ વિડિઓ ક્લિપ જો.”

એણે બે વિડિઓ ક્લિપ મોકલી આપી. પહેલા વીડિયોમાં મહેન્દ્ર સુખી પાછળ દોડતો આવી રહ્યો હતો ને અચાનક જ એણે સુખોનો હાથ પકડી લીધો હતો. સુખીએ પાછળ ફરીને એક થપ્પડ લગાવી દીધી હતી. બીજા વીડિયોમાં ગાલ પંપાળતો મહેન્દ્ર આશુતોષની કેબિનમાં આવી એની સાથે વાત કરી રહ્યો હતો.

“પહેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહેન્દ્રએ દોડતા આવીને સુખીનો હાથ પકડી લીધો હતો. એમાં એના ઇરાદા વિશે કંઈ જ ખયાલ આવતો નથી. બીજા વીડિયોમાં એ થપ્પડ પડ્યા બાદ તારી કેબિનમાં આવી વાત કરી રહ્યો છે. એના જો ચાર દાંત તૂટી ગયા હોત તો એ આવી રીતે વાત ન કરી શકત. એને તરત હોસ્પિટલ ભાગવું પડત.”

“મેં બંને વિડિઓ જોયા ને હજી હું મારી વાત પર મક્કમ છું. આ કિસ્સામાં મહેન્દ્રને બદલે સુખીનો જ વાંક છે. એના ચાર દાંત તૂટી ગયા, એનો મતલબ સાચુકલા દાંત તૂટી ગયા એવો નથી થતો. એનો મતલબ એના ગાલ પર કેટલી જોરથી થપ્પડ પડી એમ થાય.”

“ઓકે. મતલબ કે તે અતિશ્યોક્તિ કે સુપરલેટીવ ડિગ્રી વાપરીને તારી વાત રજૂ કરી હતી. હવેથી આ હું યાદ રાખીશ. તે કહ્યું કે સુખી હાડકાના માળા જેવી છે અને એને જોઈને કોઈ પુરુષ એની છેડતી ના કરે, આ સાચું છે કે આ વાક્ય પણ અતિશયોક્તિ ભરેલું હતું?”

“આટલી બધી પાતળી છોકરી કોઈ પણ પુરુષને ના ગમે એ સાચું છે. પુરુષોને પાતળી પણ ભરેલા બદન વાળી સ્ત્રીઓ પસંદ હોય છે. થોડીક જાડી હોય તો ચાલી જાય પણ જેને ગળે લગાડતાય હાડકા કૂચે એટલી પાતળી છોકરી કોઈને પણ ના જ ગમે.”
આશુતોષ જાણતો હતો કે સુખી અને રુચિ બંને પાતળી પણ ખૂબ રૂપાળી છે અને કોઈ પણ પુરુષને આકર્ષી શકે એવી છે છતાં એ નિર્ઝર આગળ જુઠ્ઠું લખી રહ્યો હતો. એને જોવું હતું કે સામેથી શું જવાબ આવે છે. મનોમન એને મહેન્દ્ર પર દયા પણ આવી રહી હતી અને એને લાગતું હતું કે સુખી તથા રુચિની આ રીતે ફરિયાદ કરવાથી કદાચ એવું બને કે એમને એમનું વર્તન સુધારવાનું કહેવામાં આવે. જો ખરેખર કંપની તરફથી એ છોકરીઓને બીજા માણસો સાથે વધારે ફ્રેન્ડલી થવાનું કહેવાય તો મહેન્દ્ર જેવા અનેક યુવાનોને ફાયદો થઈ શકે. સરળતાથી આપસમાં વાતચીત થવા લાગે તો એ લોકો એકબીજાને સારી રીતે ઓળખતા થાય, દોસ્ત બને ને આગળનું પણ કંઈક વિચારી શકાય.
“સુખીનો બાંધો એકદમ પરફેક્ટ છે. એની છાતીનું માપ 32 ઇંચ, કમર 24 ઇંચ અને એનાથી નીચેનો એરિયા 32 ઇંચ છે. એના શરીર પર ગુલાબી સ્કિન નીચે હાડકા નથી દેખાતા. એ રૂપાળી છે.”

“એની છાતીનું માપ 34 થી 36 ઇંચ, કમર 28 થી 30 અને નીચેનો ભાગ 36 થી 38ની આસપાસ હોવો જોઈએ. આ એક નોર્મલ સ્ત્રીના શરીરનું માપ છે. એના હાડકા નથી દેખાતા એ અમને કેવી રીતે ખબર પડે. એક તો એણે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેર્યા હોય છે અને બીજું કે એને અમે ગળે નથી લગાડી. જ્યાં હાથ પકડ્યો ત્યાં એક થપ્પડ પડી ત્યારે એને ગળે લગાડવાની હિંમત કોણ કરી શકે!”

“હું તારી વાત સમજું છું. હું તારી વાત અમારી કંપનીમાં આગળ મોકલી આપીશ અને મને વિશ્વાસ છે કે આગળથી સુખી વધારે સારી બની શકે એવા પ્રયત્ન કરવામાં આવશે.”

“હવે હું સૂઈ જાઉં? આજે રવિવાર છે અને મોડે સુધી ઊંઘવાના મારા પ્રોગ્રામમાં તમારી કંપની બાધારૂપ બની રહી છે.”

“નહીં એ બાધારૂપ નથી બની રહી. આજે સવારે મોર્નિંગ વોક પર જવાનું તું ભૂલી ના જાય કે આળસને લીધે પાછું ના ઠેલે એટલે જ તને મોર્નિંગ કૉલ આવ્યો હતો. તને જે 11 ટાસ્ક્સ આપેલા છે એ તારે પૂરા કરવાના છે, યાદ છે ને?”

“હા, યાદ છે. પણ એક દિવસ પૂરતી પણ એમાંથી છુટ્ટી ન લઈ શકાય.”

“છુટ્ટી લઈ શકાય પણ ત્યારે જ જ્યારે એ જરૂરી હોય. કોઈક ઈમરજન્સી આવી પડી હોય ત્યારે.”
“ઠીક છે. આજે સાંજે દોદોહીને મળવાની વાત પાક્કી છે ને?”

“હા, હમણાં આઠ વાગ્યે સુખી અને રુચિ આવશે. બપોરે બાર વાગ્યે તારી બ્યૂટીકેરમાંથી આવેલી એક લેડી સાથે એપાઈન્ટમેન્ટ ફિક્સ છે. સાંજે છ વાગ્યે તું દોદોહીને ઘરે જઈ એને પિક કરી શકીશ.”

“ઓકે. હવે હું ચાલવા જાઉં?”

“હા, જરૂરથી જા અને બીજા બધા ટાસ્ક્સ પણ યાદ રાખી એને પુરા કરજે. બે મહિના બાદ તારા દોદોહી સાથે લગ્ન થશે ત્યારે આ બધું જ તારા ખૂબ કામમાં આવશે.”

આશુતોષે મેસેજ જોયો અને આગળ કોઈ જવાબ આપ્યા વગર ચેટ બંધ કરી. દોદોહી સાથે લગ્ન! એ તો એવું હતું જાણે સપનામાંથી બહાર ઊતરી આવેલી પરી સાથે લગ્ન. પોતે થોડાક જ દિવસોમાં એ છોકરીને કેવી રીતે આટલું ચાહવા લાગ્યો હતો એ વાત એને પોતાને પણ સમજાઈ નહોતી. એના દરેક શ્વાસે, દરેક ધડકને એ દોદોહીને યાદ કરતો હતો. એને વિશે વિચાર કરતા જ એની નસોમાનું લોહી તેજ ગતિએ દોડવા લાગતું હતું. એનો હસતો ચહેરો યાદ આવતા જ એના પોતાના ચહેરા પર સ્મિત ખીલી જતું હતું. દોદોહી સાથે એના લગ્ન થઈ જાય અને એ એની સાથે આ જ બેડરૂમમાં, આ જ પલંગ પર, એની બાજુના ઓશિકા પર માથું ઢાળીને સૂતી હશે...આશુતોષની કલ્પનામાં એ દૃશ્ય સજીવન થઈ ઊઠ્યું ને એણે બાજુના ઓશિકાને વહાલથી એક ચૂમી ભરી.

મારું આ સપનું સાચું થઈને રહેશે. હવે કોઈ પણ સંજોગોમાં હું પાછો નહીં હટી શકું. જો પ્રેમ જેવી લાગણી ખુદ ઈશ્વર માણસોમાં જન્માવતા હોય તો એ ગલત કેવી રીતે હોઈ શકે? દોદોહી માટે હું જે અનુભવી રહ્યો છે એ તો હું લાવણ્યા માટે જે અનુભવતો હતો એનાથીય અનેક ઘણું વધારે પવિત્ર છે. જીવનમાં ક્યારેય મેં કોઈ છોકરીને આ હદે નથી ચાહી. હવે પછી ક્યારેય હું કોઈ બીજી યુવતીને ચાહી નહીં શકું. ગમ્મે તે ભોગે હું આ જન્મમાં દોદોહીને  મેળવીને જ જંપીશ.

અચાનક એને યાદ આવ્યું કે અગિયાર ટાસ્કસ, ઇલેવન ટાસ્ક્સ, જે નિર્ઝરે આપ્યા છે એ પૂરા કરવા દોદોહી સાથેના લગ્નની પહેલી શરત છે. શું પોતે એ બધું કરી શકશે? એણે પોતાની જાતને સવાલ પૂછ્યો ને પછી ફોનના નોટપેડમાં સેવ કરી રાખેલી એ નોંધ તરફ એક નજર કરી.

ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર કરીને સેવ કરેલી એ નોંધને એકવાર ફરી એ વાંચી ગયો.

1.ધન્ય છું, કારણ કે જીવતો છું: આભાર, Gratitude. રોજ સવારે ઉઠીને પહોળા સ્મિત સાથે કુદરતનો, ઈશ્વરનો આભાર માનવાનો.

2. Love at first bite: અન્ન તેવો ઓડકાર. નક્કી કરી લે કે તું રોજ એક ફળ ખાઈશ. બને ત્યાં સુધી ઓછું તેલવાળું ને ઓછું મસાલેદાર હોય એવું સાદુ ભોજા લેવાનો આગ્રહ રાખીશ.

3.  Love your body: નિયમીત કસરત, યોગાસન વગરે કરવું અને પોતાના શરીરનું ધ્યાન રાખવું. એને અંદરથી અને બહારથી સુંદર બનાવવા પ્રયત્ન કરવો.

4. 5, 10, & 20 minutes rule: રોજ સવારે પાંચ મિનિટ સફાઈ પાછળ ખર્ચો, સાંજે 10 મિનિટ અને રજા હોય એ દિવસે 20 મિનિટ આપી તારી દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવીને મૂકવાની આદત કેળવી લે.

5. Set your goals and time limits, start with smaller dreams: જીવનમાં તમારે કેટલા આગળ વધવું છે, કેટલા સમયમાં શું જોઈએ છે, એ વિચારી એનું પ્લાનિંગ કરી લે.

6. Do not be afraid of failure: નવું સાહસ કર. પ્રયત્ન કરતા નિષ્ફળ જવું એ નિષ્ફળતા નથી, એ તમને શીખવે છે તમારે તમારું લક્ષ્ય મેળવવા શું નથી કરવાનું!

7. Stop comparing, Stop complaining and Start doing.

8. Visualization power: રાતના સૂતા પહેલા એવું જ વિચાર જેવું તું તારા જીવનમાં બનતું જોવા ઈચ્છે છે.

9. તું ફરી 18 વરસનો થઈ જાય તો?:  જે કંઈ બદલાવ જીવનમાં લાવવા જેવા લાગે એનું એક લિસ્ટ બનાવ અને એ બદલાવ લાવવા અત્યારથી જ પ્રયત્ન કર.

10. Have you experienced love in your life yet?: પ્રેમની અનુભૂતિ વગર જીવન અધૂરું છે.

11. Be selfish, think about your soul, and try to make it happy: થોડો સ્વાર્થી બન અને તારી પોતાની ખુશી શેમાં છે એ વિશે વિચાર કરી નિર્ણય લે.

તને કંઈ ના સમજાય તો મને મેસેજ કરજે.
Best of luck 🤞