“સમજી ગયો મારા સાહેબ. આજે એ કામ થઈ જશે. લંચ બ્રેક પૂરો થાય એટલે હું આવીને તમને રિપોર્ટ આપીશ." લંચ બ્રેક સમયે પોતે શું કરવાનું છે એ નક્કી કરી મહેન્દ્રએ કહ્યું.
“ચાલ હવે તું જા ને મને મારું કામ કરવા દે."
આશુતોષે એનો ફોન હાથમાં લીધો. કોઈ નવો મેસેજ નહોતો આવ્યો. કંઈક વિચારીને એણે નિર્ઝરને મેસેજ મોકલ્યો.
“તારી બ્યૂટીકેર વાળી વાત મને પસંદ આવી. રુચિને કહી આવતી કાલે બપોરનો સ્લોટ બુક કરાવી દે. સાંજે દોદોહીને મળતા પહેલા હું એ બધું કરાવવા ઈચ્છું છું.”
બીજી જ ક્ષણે સામેથી મેસેજ આવ્યો.
“તે ખૂબ સરસ નિર્ણય લીધો છે. હું એને સમર્થન આપું છું. હું પોતે જ તારું બુકિંગ કરાવી દઉં છું. તારે કઈ કઈ ટ્રીટમેન્ટ કરાવવી છે એ જણાવ.”
“તને જે યોગ્ય લાગે એ બધું જ મારે કરાવવું છે. આજ પહેલા વાળ કપાવવા સિવાય હું ક્યારેય નથી ગયો.”
“હું સમજુ છું. તું ચિંતા ન કર હું બધું જ ગોઠવી આપીશ.”
“એક બીજી વાત, આવતી કાલે દોદોહી ને હું એના ઘરેથી જ લઈ જાઉં તો કેવું રહેશે? મતલબ કે એણે મારી રાહ નહીં જોવી પડે ને અને એ બહાને હું એના પરિવારને પણ મળી લઇશ.”
“દોદોહીના પરિવારનું હાલ અહીં કોઈ નથી. એની એક માત્ર સગી કે વેલવિશર હું જ છું.”
“તો હું તને મળી લઈશ.”
“સોરી, પણ એ શક્ય નથી. હું એને ત્યાં નથી રહેતી. તારે દોદોહીના ઘરે જવું હોય તો તું જઈ શકે છે. એ તૈયાર જ હશે ત્યાંથી પછી તમે ઈચ્છો ત્યાં બહાર ફરવા જઈ શકો છો.”
“જ્યારે પહેલી વાર હું દોદોહીને મળ્યો ત્યારે એણે કહ્યું હતું કે એ તારા માટે કામ કરે છે અને તું ખૂબ મોટી ઉંમરની સ્ત્રી છો.”
“હા, એણે સાચું કહ્યું હતું.”
“તમે જો વૃધ્ધ અને અશકત હોવ તો હું તમને મળવા તમારે ઘરે આવી શકું છું.”
“અલબત, મારી ઉંમર વધી ગઈ છે એ સાચું પણ હું વૃધ્ધ ને અશકત કહેવાઉં કે નહીં એ વિશે મને કોઈ આઇડિયા નથી. મેં ક્યારેય એવું વિચાર્યું નથી. આ નવી જનરેશન મારા વિશે એવું કંઈ વિચારતી હોય એ શક્ય છે.”
“ખરેખર તમે કેટલી ઉંમરના છો?”
“સ્ત્રીની ઉંમર પૂછવી બેડમેનર્સ કહેવાય!”
નિર્ઝરે એક હસતું ઇમોજી મોકલી કહ્યું.
“એમ તો પુરુષનો પગાર પૂછવો, પણ બેડ મેનર્સ કહેવાય! કોઈનો ફોન હેક કરવો ગુનો કહેવાય!”
ફરીથી સામેથી હસતું ઇમોજી આવ્યું.
“હું ખરેખર કેટલા વરસની છું એ જાણીને તને વિશ્વાસ નહીં થાય. મારી સાચી ઉંમર જાણીને તને એમ જ થશે કે હું ખોટું બોલું છું.”
આશુતોષને થયું કે આ બાઈ પાક્કીગંઠ છે. એ એમ સીધી રીતે એની કોઈ વાતનો જવાબ નહીં જ આપે. એની સાથે વાત કરવી એના કરતા સુખી, રુચિ અને દોદોહીને વિશ્વાસમાં લેવા સરળ રહેશે. એકબાજુ એને એમ પણ થતું હતું કે બની શકે છે કે નિર્ઝર પોતે જ આ આખું રેકેટ ચલાવતી હોય અથવા એમાં સંડોવાયેલી હોય. એને શંકા જાય એવું કંઈ પણ કરવાથી છોકરીઓ પર, ખુદ મારા પર, ખતરો આવી શકે.
એણે સામે કોઈ મેસેજ ન કર્યો. સામેથી પણ પછી કોઈ વાત ન થઈ.
એ બપોરે સુખી આશુતોષનું ટિફિન લઈ ઓફિસ આવી હતી. એણે મહેન્દ્રને ટિફિન આપ્યું ત્યારે મહેન્દ્ર એની જ રાહ જોતો સવારનો એક પગે ઊભો હતો. એકબાજુ એને આ સુંદર, નાજુક નમણી છોકરી પર દયા આવી રહી હતી તો બીજી બાજુ એમ પણ થતું હતું કે આની સાથે પણ જાડિયા મૂછ્છડ માણસે એની વાસના સંતોષી હશે? જે દ્રશ્ય એણે પેલા અજાણ્યા ફ્લેટમાં જોયું હતું એ હવે વારંવાર એની આંખો આગળ ભજવાઈ રહ્યું હતું. એમાં ફરક ખાલી એટલો આવેલો કે મહેન્દ્રની આંખો આગળ હવે જે નગ્ન છોકરીઓ આવતી એ સુખી અને રુચિ હતી! એણે કેટલોય પ્રયત્ન કર્યો હતો એ બંને છોકરીઓને ભૂલીને અજાણી યુવતીઓનો ચહેરો યાદ કરવાનો પણ એ ફાવ્યો નહતો. છેલ્લે તો એક બે વાર એને એવું પણ દેખાયું કે એ ફ્લેટમાં પેલા જાડિયા માણસને બદલે એ પોતે ઊભો છે અને સુખી તથા રુચિ બંને એની બગલમાં દબાયેલી છે... એણે પ્રયત્નપૂર્વક એ ગંદુ દ્રશ્ય એની આંખો આગળથી હટાવી દીધું હતું. પોતાની જાતને યાદ દેવડાવ્યું હતું કે પોતે એક સજ્જન પુરુષ છે. અજાણી સ્ત્રી તરફ બુરી નજરે જોવાનું તો દૂર રહ્યું એ એવો વિચાર પણ ન કરી શકે. એણે પોતાના મનને શાંત કરવા શક્ય એટલા પ્રયાસ કર્યા હતા. છેલ્લે પછી ભગવાનના નામનું રટણ કરી એના મનમાં આવતા બુરા વિચાર દૂર કરવા પ્રાર્થના કરી હતી. એ એમાં ફાવ્યો હતો પણ જેવી સુખી એની સામે આવીને ઊભી રહી ફરી એના એ જ વિચારો એના મન પર હાવી થઈ ગયા હતા. મહાપરાણે હિંમત ભેગી કરી એણે સુખી સાથે વાત કરી હતી.
“તમે રોજ એકજેક્ટ ટાઇમે આવી જ જાઓ છો, એક સેકન્ડ પણ આઘીપાછી નથી થતી. આજે કેમ એકલા આવ્યા, તમારી બહેનપણી સાથે નથી આવી?" એણે વાત ચાલું કરી.
સુખી હસી સહેજ અને કહ્યું, “એને થોડુંક કામ છે.” એ ટિફિન મહેન્દ્રને સોંપી પાછી વળવા ગઈ ત્યાં એણે કહ્યું, “આજે ટિફિનમાં શું બનાવ્યું છે?"
એ પાછી વળી બે કદમ આગળ ચાલી ગઈ હતી છતાં મહેન્દ્રનો અવાજ સાંભળી એ ત્યાં જ ઊભી રહી ગઈ હતી અને બાકીનું શરીર જેમનું તેમ રાખી મહેન્દ્ર સામે એકલું માથું આખું પાછળ ફેરવી કહ્યું, “પાસ્તા, બાર્બિક્યુ સલાડ અને ચીઝ કેક"
મહેન્દ્ર એને સહેજ નવાઈથી જોઈ રહ્યો હતો. એણે જે રીતે એનું ડોકી પાછળ ફેરવી હતી એ થોડુંક વિચિત્ર હતું. કોઈક માણસની ગરદન આટલી બધી પાછળ વળી શકે ખરી? કદાચ ખૂબ પાતળી છોકરીઓની ગરદન લાંબી હોય તો વળી શકતી હશે, એણે જાતે જ વિચાર્યું. સુખી ફરી જવા તૈયાર થઈ કે એણે પણ એની સાથે જ ચાલવા માંડ્યું.
“તમારે બીજા ટિફિન બંધાવવા છે?" એણે વાત કરવાના આશયથી પૂછ્યું.
“એ નિર્ણય હું નથી લેતી. અમારી કંપની તરફથી મને ઓર્ડર મળે તો હું નવું કામ લઈ શકું.“
“તમે કોઈ કંપની કે એજન્સી સાથે જોડાયેલા છો અને એ કહે ત્યાં જ કામ કરો છો?"
“હા." સુખી હવે સિડી ઉતરી રહી હતી.
મહેન્દ્રએ જોયું કે એ એની સામે જોઈ વાત કરી રહી હતી. એક સેકન્ડ માટે પણ એણે એની નજર મહેન્દ્રની નજર તરફથી હટાવી નહોતી અને એ છતાં એ આરામથી ને મહેન્દ્ર કરતાં ખૂબ ઝડપથી પગથિયાં ઉતરી રહી હતી.
એ મહેન્દ્ર કરતાં આગળ નીકળી ગઈ એટલે એ થોડો રઘવાયો થયો હતો. એણે પછી સીડીઓ ઉતરવાનું છોડી છેલ્લો માળ નાના છોકરાની જેમ પગથિયાની બાજુમાં કરેલી પાળી પર ચઢીને ત્યાંથી લસરીને પસાર કર્યો. છેલ્લા પગથિયે આવતા એણે જ દોડીને એનાથી સહેજ આગળ નીકળી ગયેલી સુખીનો હાથ પકડી લીધો.
“સટ્ટાક..."
અંધારું! ચારે તરફથી બીજો કોઈ જ અવાજ નહોતો આવી રહ્યો, ફક્ત સુ.... કરીને એક ઝીણી સીસોટી જાણે એના કાનમાં વાગી રહી હતી. એને તમ્મર આવી ગયા હતા. એક હાથ ગાલ પર દબાવી એ ત્યાંથી સડસડાટ ચાલી ગયેલી સુખીની સુરેખ પીંઠ તરફ તાકી રહ્યો...એ છોકરીએ એને ગાલ પર એક થપ્પડ મારી હતી! થપ્પડ પણ કેવી પાછી...જાણે કોઈ પહેલવાને વરસોની ખીજ ઉતારી કોઈકના કાન નીચે એક બજાવી હોય એવી! એક પાતળી, નાજુક નમણી, ફૂલ સી છોકરી આવી થપ્પડ મારી શકે એવું તો એણે સ્વપ્નેય વિચાર્યું નહતું. આજે જે બન્યું હતું એવું એણે કોઈને કહ્યું હોત તો એ વિશ્વાસ ના કરત પણ એવું બન્યું હતું, ને એ ઘટના એની સાથે સાથે જ ઘટી હતી.
કેટલીય વાર સુધી ફાટી આંખે હવામાં તાકી રહ્યા બાદ, પોતાનો ગાલ હથેળીથી દબાવી ચામડી પર થતી બળતરા થોડીક ઓછી કર્યા બાદ એણે ગજવામાંથી રૂમાલ કાઢ્યો હતો. રૂમાલથી ગાલ છુપાવી એ લિફ્ટ તરફ ભાગ્યો હતો ને ઉપરના મજલે પહોંચી બીજા કોઈ તરફ ધ્યાન આપ્યા વગર એ સીધો જ આશુતોષની કેબિનમાં ઘુસી ગયો હતો.
એ વખતે આશુતોષ એક ફાઇલ જોઈ રહ્યો હતો. એને એમ કે મહેન્દ્ર ટિફિન મૂકવા આવ્યો હશે પણ એ આવીને કંઈ બોલ્યા વગર, ડેસ્ક પર ટિફિન મૂક્યા વગર ઉભો રહ્યો એટલે પછી નાછૂટકે આશુતોષે ફાઇલ તરફથી નજર હટાવી મહેન્દ્ર સામે જોવું પડ્યું.
“આ ગાલે શું થયું? તું પડી ગયો?" એણે ગાલ પર રૂમાલ દબાવીને ઉભેલા મહેન્દ્રને જોઈ પૂછ્યું.
“તમને શું લાગે છે, મારા સાહેબ? શું થયું હશે મને?" એણે આટલું કહેતા ગાલ આગળથી રૂમાલ દૂર કર્યો.
એનો ગાલ સૂજીને દડા જેવડો થઈ ગયો હતો. ચાર આંગળીઓ લાલ રંગમાં બોળીને કોઈએ એના ગાલ પર ઘસી નાંખી હોય એમ એના ગાલ પર લાલ નિશાન સ્પષ્ટ દેખાઈ આવતા હતા. એની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું.
“તને માર્યો કોઈએ? કોણે અને શા માટે?"
“અરે શું વાત કરું મારા સાહેબ, તમારી રસોઈયણ, તમારી કામવાળી બાઈએ મારી આ હાલત કરી." એણે કંઈક રડતો હોય એવા દુઃખભર્યા અવાજે કહ્યું હતું ને આશુતોષને હસવું આવી ગયું.
“હસી લો મારા સાહેબ, મુજ ગરીબ માણસ પર સૌ હસી લો આજ પણ હવે તો હું પ્રતિજ્ઞા લઉ છું, ભીષ્મ જેવી પ્રતિજ્ઞા કે એ છોકરીને મારા ઘરે મારી બાયડી બનાવીને ના બેસાડું તો હું બે બાપનો! આજ સુધી જિંદગીમાં મેં કદી કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને જોયું નથી. જેટલી પણ છોકરીઓ મને ઓળખે છે એ સૌનું મને ‘ભાઈ ભાઈ’ કહેતા મોંઢું નથી સુકાતું, એને કારણે જ તો આજ સુધી કુંવારો છું ને એ છોકરીએ ધડ દઈને મને લાફો મારી દીધો. મેં તો એને એવું કંઈ કહ્યું પણ નહતું. એની સાથે કોઈ બદતમીજી પણ નહોતી કરી. ભૂલથી એનો હાથ પકડી લીધો હતો, એ પણ એને સહેજ વાર ઊભી રાખવા એમાં તો એણે કેવી આલી." એ ફરી ગાલ પર હાથ ફેરવવા લાગ્યો.
આશુતોષ માંડ હસવાનું રોકી ગંભીર થયો ને કહ્યું, “એણે આ ગલત કર્યું છે. હું આજે સાંજે જ એને રૂબરૂમાં ખખડાવીશ. તું એની સાથે કોઈ ગલત વ્યવહાર કરે તોય એણે આવીને મને ફરિયાદ કરવી જોઈએ. આમ તારા પર હાથ ઉપાડવાની સત્તા એને કોણે આપી?"
“એને કહેજો કે હું તો એની સાથે બસ થોડીક વાત કરવા માંગતો હતો." થોડીક વાર આગળ શું બોલવું એ બંનેમાંથી કોઈને સમજાયું નહીં એટલે ત્યાં શાંતિ જળવાઈ રહી. આખરે આશુતોષે મૌન તોડ્યું,
“મારું ટિફિન ક્યાં?"
“બહાર પડ્યું છે, આપી જાઉં છું, પણ તમે એને કહેજો કે હું ખરાબ માણસ નથી."
એ બહાર ગયો ને ટિફિન લઈ આવ્યો. ટિફિન આશુતોષની સામે ટેબલ પર મૂકી એણે સહેજ હસીને કહ્યું, “મને જો કે એક વાતની ખાતરી થઈ ગઈ મારા સાહેબ, એ છોકરી પગના અંગૂઠાથી લઈને માથાના વાળ સુધી પવિત્ર છે. એના વગર એનામાં આવી તાકાત, રણચંડી જેવી શક્તિ ને ગુસ્સો આવે જ નહીં. આ તો હું હતો તે ખમી ગયો, મારી જગ્યાએ તમે હોત તો બેભાન થઈ ઢળી પડ્યા હોત."
આશુતોષને સમજાયું નહીં કે આનો શું જવાબ આપવો. એની જગ્યાએ પોતે શું કામ હોય? સુખી કે રુચિ બંનેમાંથી કોઈ પણ એને લાફો શું કામ મારે? એ બંને તો કેટલી સીધી છે, પોતે એમને વઢે તોય સામો એક શબ્દ પણ નથી બોલતી. એ શું પોતાને આ મહેન્દ્રની જેમ લાફો મારી શકે? એ વિચાર કરવો પણ આશુતોષને ગમ્યો નહીં ને એણે કહ્યું,
“હું મારું સંભાળી લઈશ, તું મારી ફિકર ના કર. હવે હું જમી લઉં?"
“હા જમી લો, પાસ્તા ને સલાડ, હું દાળ રોટલો ખાઈ લઉં.” એ કંઈક કડવાશથી બોલ્યો ને ગાલ પર હાથ ફેરવતો બહાર નીકળી ગયો.
એ સાંજે આશુતોષને ઘરે જતા મોડું થયું હતું. એ ઘરે પહોંચ્યો ત્યારે બારણે લોક મારેલું હતું. બંને છોકરીઓ એમનું કામ પતાવી નીકળી ગઈ હતી. એણે જોયું કે બેઠકખંડમાં એક નવી ટીપોય આવી ગઈ હતી અને જમવાની પ્લેટ, પાણીનો ગ્લાસ તથા રાતનું જમવાનું એની પર ઢાંકીને મુકેલું હતું. ડિનરમાં જે આઇટમ હતી એનું નામ આશુતોષને ખબર નહોતી. કેટલીય ટાઇપના પાંદડા, કાચા ખાઈ શકાય એવા શાકભાજી ને બાફેલા રાજમા સાથે ભેગા કરી કોઈક વિચિત્ર શોષ સાથે એ વાનગી બની હતી. એમાં ઊપરથી નાની નાની બેક કરેલી ચોરસ શક્કર પારા જેવી કોઈક ચીજ મૂકેલી હતી જેને સલાડ સાથે ખાવાની આશુતોષને મજા આવી હતી.