“હું તૈયાર છું. આજથી જ હું આ ટાસ્ક પર કામ કરીશ. અગિયારે અગિયાર ટાસ્કસ પૂરા કરી દેખાડીશ.”
એણે મેસેજ સેન્ડ કરી ફોન ચાર્જિંગમાં મૂક્યો અને બાથરૂમમાં ઘૂસ્યો. આજે એણે ગીત ગાતા ગાતા, આખા શરીર બહુ બધો સાબુ લગાડી, એના ફીણ વડે એક એક અંગને મસળી મસળીને ધોયો અને પછી સ્વગત બોલતો હોય એમ કહ્યું, “એક ટાસ્ક પૂરો!"
કમરે ટુવાલ વીંટાળી એ બાથરૂમમાંથી સીધો કિચનમાં ગયો. પોતાને માટે ચા તૈયાર કરવા એણે ટાટા ઇન્સ્ટન્ટ ચાની પડીકી ઉઠાવી ત્યાં જ એની નજર સિંકમાં પડેલા અડધો ડઝન એંઠા કપ પર ગઈ. સવારની પાંચ મિનિટમાં કપ ધોવાઈ શકે? એણે વિચાર કર્યો ત્યાં જ બેડરૂમમાં પલંગ પર પડેલા કપડાંનો ઢગલો યાદ આવી ગયો. એણે તરત કંઈક નક્કી કર્યું ને ચા પી બેડરૂમમાં ગયો. જેટલા પણ કપડાં બેડરૂમમાં પડ્યા હતા એ બધાને ભેગા કરી એમનો ગોળો વાળ્યો ને એક મોટો બોલ બનાવી એમને કબાટમાં ઠુંસી દીધા. કપની સફાઈ સાંજની દસ મિનિટમાં એમ બબડી એ તૈયાર થયો ને ઓફિસ જવા નીકળી ગયો.
ઓફિસમાં કામ કરતા કરતા એણે કેટલીય વખત એને અપાયેલા ટાસ્ક્સ વાંચ્યા અને દરેક વખતે બબડ્યો કે આ તો બધું સહેલું જ છે, પાર પાડી દેવાશે.
એને ફરી નિર્ઝર સાથે વાત કરી દોદોહી સાથે મુલાકાત ગોઠવવાનો વિચાર આવી ગયો પણ એણે માંડ માંડ મન પર કાબુ મેળવ્યો. એની એક સજ્જન પુરુષ તરીકેની છાપ એ જરાય બગાડવા નહોતો ઈચ્છતો. એણે ફરી નિર્ઝરનો મેસેજ વાંચ્યો ને બ્લિન્કિટ એપ પર જઈ કેટલાક તાજા ફળ, સલાડમાં વપરાય એવા શાકભાજી વગેરે પસંદ કરી કાર્ટમાં નાંખ્યા. હવેથી રોજ સવારે વહેલો ઊઠીને થોડુંક ચાલવા પણ જઈશ. આ વિચાર આવતા જ એણે એમેઝોન એપ પર જઈ સ્પોર્ટ્સ શૂઝ ને મોર્નિગવૉક માટેના કપડાં સર્ચ કર્યા. વસ્તુઓ તો એકથી બઢકર એક હતી પણ એના દામ! એ જો ઘરે હોત તો જૂનું ટ્રાઉઝર અને ટીશર્ટ પહેરી આંટો મારવા નીકળી પડત પણ અહીં મુંબઈમાં એક ચોક્કસ વર્ગમાં રહેતા બધા લોકો માટે ડ્રેસકોડ ફોલો કરવો જરૂરી છે એવું એનું માનવું હતું. ઉપરાંત આ બધું તો એ નિર્ઝર ને દોદોહી ને દેખાડવા કરી રહ્યો હતો. જો એ લોકો એને જોવા માટે આવે તો? બની શકે છે કે એ કે એમનો કોઈ માણસ એની પર સંતાઈને નજર રાખી રહ્યો હોય. ખેર, આ બંને સંજોગોમાં એને વ્યવસ્થિત કપડાં અને એક્સેસરીઝ મહત્વના લાગ્યા. એણે એક સ્માર્ટ વોચ પણ જોઈ લીધી અને આંખો તેમજ ગજવું એમ બંનેને માફક આવે એવી વસ્તુઓ કાર્ટમાં ભેગી કરી એનો ઓર્ડર પણ કરી દીધો. એ બધું જ રવિવારે સાંજે એને મળવાનું હતું. સોમવારથી બંદા રોજ સવારે નિયમિત ચાલવા જશે એમ નક્કી કરતા એનો ચહેરો હસુ હસુ થઈ ગયો. એણે મનોમન એક દિવાસ્વપ્ન પણ જોઈ લીધું: પરસેવે નીતરતા વાળ સાથે એ બિલ્ડિંગના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યો છે, એમની બાલ્કનીમાં ઊભી દોદોહી સેવંતીના ફૂલો ભરેલા કુંડામાં પાણી નાંખતા નાંખતા આશુતોષ તરફ જોઈ રહી છે. બંનેની નજર મળતા જ એક મીઠા સ્મિતની આપલે થાય છે. આશુતોષ ઘરે પાછો આવી બારણે ટકોરા મારવા જાય એ પહેલાં તો દોદોહી આવીને બારણું ખોલી નાંખે છે. આશુતોષ પોતાની પત્નીને બાંહોમાં ભરી દરવાજો બંધ કરી દે છે. દોદોહીની નાજુક ગરદન, ગુલાબી ગાલ, લાલ હોઠ, ઠેકઠેકાણે એ ચૂમીઓ ભરે છે...
સ્વપ્ન જોતા જોતા આશુતોષ એમાં એટલો તો ખોવાઈ ગયો હતો કે એ હવામાં જ ચૂમીઓ ભરી રહ્યો હતો અને વિચિત્ર અવાજ કરી રહ્યો હતો. એની કેબિનમાં નવી જાહેરાતની સ્ક્રિપ્ટની ફાઇલ લેવા આવેલો રાહુલ એને જોઈ રહ્યો છે એવું ભાન થતા માંડ માંડ એણે પોતાના પર કંટ્રોલ મેળવ્યો હતો.
“બધું બે વાર વાંચી જજે, મારે સહેજ પણ ભૂલ ના જોઈએ." એણે પછી હાથે કરીને સહેજ કડક શબ્દોમાં રાહુલને ટોક્યો.
રાહુલના બહાર જતા જ એ હસી પડ્યો હતો. એણે નિર્ઝરને મેસેજ કર્યો.
“મારે દોદોહી ને મળવું હોય તો? એની સાથે મારી હવે પછીની મુલાકાત ક્યારે થશે? મારી પાસે એનો ફોન નંબર પણ નથી.”
તરત જ સામેથી જવાબ આવ્યો,
“હવે તમારી મુલાકાત ખાસ જરૂર ન હોય તો બે મહિના બાદ જ થશે. ત્યાં સુધી તું બધા જ ટાસ્ક્સ પૂરા કરવા પર ધ્યાન આપ. દોદોહી પાસે મોબાઈલ ફોન નથી. તારે એની સાથે વાત કરવી હોય તો મને જ મેસેજ મોકલવો પડશે.”
“અરે આ શું અત્યાચાર છે? આવું શા માટે આજે કઈ છોકરી એવી હશે જેની પાસે પોતાનો મોબાઈલ ફૉન ના હોય?”
“તમારું લગ્નજીવન સુખેથી ચાલતું રહે એને માટે જ ખૂબ વિચારીને આ બધું પ્લાન કરવામાં આવ્યું છે. તું વધારે વિચાર્યા વગર જેટલું તને કહેવામાં આવ્યું છે એટલું પહેલા કરી બતાવ.”
“રૂબરૂ મુલાકાત નહીં, ફોન પર વાતચીત પણ નહીં? હું એને પત્ર લખી શકું કે એમાં પણ તને કોઈ વાંધો છે?”
“ના. એવી પણ છૂટ નથી. દોદોહી ખૂબ લાગણીશીલ છોકરી છે. તું એની આગળ સહેજ રોમેન્ટિક થઈશ કે એ તારાથી એક સ્ટેપ વધારે રોમેન્ટિક થશે. પછી થશે એવું કે એ તો પોતાને એક સેકન્ડમાં કંટ્રોલ કરી લેશે, તું નહીં કરી શકે. આગળના છોકરા સાથે પછી જે થયું હતું એવું જ કશુ અહીં પણ થવાની સંભાવના રહે છે. અમે લોકો એટલે જ લગ્ન પહેલા છોકરા છોકરા વચ્ચે અમુક અંતર રાખવામાં માનીએ છીએ.”
“ગજબ છો યાર તમે લોકો ને તમારા નિયમો! ખેર, હવે જ્યારે એને જીવનભર માટે પોતાની કરી લેવાનું બીડું ઝડપ્યું છે તો આ બે મહિના પણ જેમતેમ કરીને પસાર કરી લઈશ.”
“તારે આ બે મહિના જેમ તેમ કરીને પસાર નથી કરવાના. તારે આ સમય દરમિયાન તને આપેલા ટાસ્ક્સ પૂરા કરવાના છે. તું એને પુરા કરવામાં મન લગાવ બે મહિના તો આમ પસાર થઈ જશે.”
“અરે હા, તારે કોઈ કામવાળી બાઈ જોઈએ છે. દિવસના અમુક કલાક રેન્ટ પર એ મળી જશે. હું વિચારું છું કે વાસણ, કપડા, અને કચરા પોતા માટે તું બાઈ રાખી લે. તું ઇચ્છે તો હું તારે ત્યાં કૂક પણ મોકલી શકું છું. દોદોહી તારા જીવનમાં આવે ત્યારે સવારના બ્રેકફાસ્ટથી લઈને ઑફિસનું તારું ટિફિન અને રાતના ડિનર સુધી એ જે રીતે તને જમાડશે એની પ્રેક્ટિસ તું અત્યારથી કરી શકે છે. સફાઈ માટે અને કુકિંગ માટે કલાકના 100 રૂપિયા તારે આપવા પડશે.”
“એટલે કે મહિના અંદાજે 6000 રૂપિયા કામવાળા પાછળ ખર્ચવાના જ્યારે કે એમના વગર પણ મારું કામ ચાલી જાય છે?”
“આ તો મેં તને હેલ્પ કરવા કહ્યું. તારી ઇચ્છા ન હોય તો ઠીક છે. તારા પલંગ પર પડેલો કપડાનો ઢગલો કે રસોડાના એંઠા વાસણ, કેટલાય દિવસથી કચરા પોતા થયા વગરનો ગંધાતો ફ્લેટ દોદોહી સાફ કરી જ લેશે.”
આ મેસેજ જોઈ આશુતોષને ચિંતા થઈ આવી. એક નાજુક છોકરી આટલું બધું કામ કેવી રીતે કરી શકશે? વળી એમ પણ થયું કે દુનિયાની દરેક ગૃહિણી, એની પોતાની મમ્મી, ઘરની સાફસફાઈ જાતે કરે જ છે ને એમા વળી નવાઈ શું છે? એ અહીંથી ઘરે જાય ત્યારે મહિનાના મેલા કપડા બેગમાં ભરતો જાય તો એની મમ્મી ઊલટાની રાજી થઈ એ ધોઈ ઈસ્ત્રી કરી બેગમાં ગોઠવી આપે છે. લગ્ન બાદ જો આ કામ દોદોહી કરે તો એમાં ખોટું શું છે? અચાનક પછી એની નજર આગળ મુંબઈમાં રહેતી ઉચ્ચ મધ્યમવર્ગની સુંદર સ્ત્રીઓ આવી ગઈ. આ એવી સ્ત્રીઓ હતી જે દિવસના કોઈ પણ સમયે સુંદર જ દેખાય છે. જે હંમેશા સુંદર કપડા, હેરસ્ટાઇલ અને મેકઅપથી સજેલી જ જોવા મળે છે. જે પોતે ક્યાંક નોકરી કરે છે, પોતાનો બિઝનેસ ચલાવે છે કે જેનો પતિ સારું કમાઈ લાવે છે એવી સ્ત્રીઓ એમના ઘરનું એક પણ કામ જાતે નથી કરતી. એણે જોયું હતું કે નોકરી કરતી છોકરી એની અડધી સેલરી કામવાળા પાછળ ખુશી ખુશી ખર્ચી શકે પણ જાતે ઘરકામ કરવાનું પસંદ નથી કરતી. એની નજર આગળ દોદોહી નો સ્મિતભર્યો ચહેરો આવી ગયો. એ કહી રહી હતી કે “હું રસોઈ, ઘરકામ અને બીજું બધું જ કામ જાતે કરી શકું છું.” આશુતોષના ચહેરા પર એક હળવું સ્મિત ફરકી ગયું ને એણે મેસેજ કર્યો.
“ઠીક છે, તું મારે ત્યાં આવતી કાલથી એ બંને કામ કરવા કોઈકને મોકલી આપજે.”
“તારા ફ્લૅટની ડુપ્લીકેટ ચાવી એમને આપી રાખજે. ઘરમાંથી એક પણ વસ્તું ચોરી નહીં થાય એની જવાબદારી મારી.”
આશુતોષે અંગૂઠાનું ઇમોજી મોકલ્યું.
એ બપોરે એણે લંચ બ્રેકમાં આવેલું એનું ટિફિન લીધું અને ઓફિસના પટાવાળા મહેન્દ્ર પાસે આવતી કાલથી ટિફિન ન મોકલવા કહી દેવડાવ્યું. બાકીનો દિવસ એ કામમાં વ્યસ્ત રહ્યો. સાંજે ઘરે જઈ એને એંઠા કપ ધોવાનું મન થયું ત્યાં જ યાદ આવ્યું કે આવતી કાલથી તો સફાઈ કરનાર બહેન ઘરે આવવાની છે, એણે એંઠા પડેલા વાસણો પરથી સિફતપૂર્વક નજર વાળી લીધી.
એ લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યાં અચાનક એને વિચાર આવ્યો કે એના રસોડામાં તો ક્યારેય રસોઈ બની જ નથી. રસોઈ વગેરે કરવા માટે જે સામાન જોઈએ એમાંનું કંઈ જ ત્યાં નથી પડ્યું. પછી થયું કે આવતી કાલે રસોઈ કરવા બહેન આવે ત્યારે એને જે સમાન જોઈતો હોય એ નીચે જ દુકાન છે ત્યાંથી મંગાવી લેવાશે.
રાતના એ પેરેડાઇઝ ભોજનાલયમાં જમવા ગયો. જમી લીધા બાદ પોતે હવેથી નહીં આવે એમ જણાવી એનો હિસાબ પૂરો કરવા કહ્યું ત્યાં સુંદરે એકદમ દુઃખી થઈ ટોણો મારતો હોય એમ કહ્યું, “મેં તો પહેલા જ પૂછ્યું હતું કે તમારા લગ્ન નક્કી થઈ ગયા ત્યારે તો તમે ના કહી હતી. ભાભીજીને સાથે લઈને અહીં જમવા આવશો એવું કહ્યું હતું. તમેય મશ્કરી કરતા હતા ને!"
“અરે ના ભાઈ ના. એવું કંઈ નથી. આવતી કાલથી મારે ત્યાં રસોઈ કરવા એક બહેન આવવાના છે. લગ્નનું તો હજી બે મહિના પછી."
“પ્રમોશન મળી ગયું કે બે નંબરની આવક?" સુંદરે આંખો નચાવી કંઈક વિચિત્ર ભાવે પૂછ્યું પછી અવાજ એકદમ ધીમો કરી કહ્યું, “એકલા રહેતા જુવાન પુરુષો માટે આવી બાઈ રાખવી સલામત નથી. કાલ કંઈક ખોટો દાવો ઠોકી કેસ કરી દેવાની ધમકી આપશે તો? તમારા પક્ષે બે શબ્દો બોલી શકે એવું પણ અહીં કોઈ નહીં મળે. આવી વાતોમાં સૌ પુરુષનો જ દોષ જોતા હોય છે. આપણા પુરુષોની મથરાવટી જ મેલી છે એમાં શું થઈ શકે?"
“હું ધ્યાન રાખીશ. બને તો કોઈ પુરુષ કામવાળો,"
હજી તો આશુતોષ બોલી રહ્યો હતો ત્યાં જ સુંદરે એની વાત કાપતા કહ્યું, “જો, જો, એવી ભૂલ કરતા. એવા રામલાનો ભરોસો ભારે. કાલે તમારું ગળું કાપી, ઘરમાંથી માલમત્તા ઉઠાવી એના દેશમાં ભાગી ગયો તો? એને તો કોઈ પકડી નહીં શકે ને તમારી લાશ ત્રણ ચાર દિવસે ગંધાઈ ઊઠે ત્યારે હાથમાં આવશે."
આશુતોષે અચાનક જ એના ગળે હાથ ફેરવ્યો અને પછી આગળ કંઈ બોલવાનું ટાળી ત્યાંથી ઘરે આવવા નીકળી ગયો.
ફ્લેટ પર પાછો આવી એ પલંગ પર આડો પડ્યો ને દોદોહી સાથેના સુંદર ભવિષ્યના સપના જોતા જોતા સૂઈ ગયો!