આશુતોષે જેમ તેમ કરીને દિવસ તો કાઢ્યો પણ રાત કાઢવી મુશ્કેલ થઈ ગઈ હતી. એને ના ભૂખ લાગી હતી, ના ઊંઘ આવતી હતી. ગઈ કાલ રાતનો ઉજાગરો હતો છતાં એની આંખોમાં સહેજે ઊંઘ નહોતી. એને પોતાને પણ નવાઈ લાગી રહી હતી. આજ સુધી કોઈ છોકરી માટે એને આટલી બધી લાગણી નહોતી થઈ. હાલ તે જે પીડા ભોગવી રહ્યો હતો એ ખરેખર અજીબ હતી, એ દર્દ સાથે સુખનું એક અજીબ કોમ્બો હતી.
એની હાલત એ થઈ હતી કે અજાણતા જ એ કોઈ ગીતની કડી ધીરેથી ગણગણી ઊઠતો હતો. તો જાણ બહાર જ “આઇમ ઈન લવ, આઇમ ઈન લવ, આઈ એમ ઇન લવ” બબડવા માંડતો હતો. રાતના અગિયાર વાગ્યે પછી કંટાળીને એણે ફલેટના બારીબારણાં બંધ કરી અને ગિટાર હાથમાં લીધું હતું. રાતના મોડે સુધી એના ફ્લેટમાંથી ધીમો પણ એકધારો ગિટારનો અવાજ આવી રહ્યો હતો...
આ દુનિયાની એક ખૂબી છે. એમાં વસતા લોકોના આંખ, કાન અને નાક આમ ભલે બંધ ને બંધ જ રહેતા હોય પણ જેવું ક્યાંક કોઈ પ્રેમમાં પડે કે તરત જ એમને જાણ થઈ જતી હોય છે. જેવી એક માનવના દિલમાં પ્રેમની ઘંટડી રણકી નથી કે આસપાસના સૌને પણ એ રણકાર સંભળાયો નથી! પછીથી એ બિચારા પ્રેમમાં ઘાયલ થનારનું આવી બન્યું જ સમજો. લોકો એને સીધી રીતે કંઈ નહીં પૂછે પણ આડકતરી રીતે એવો અહેસાસ કરાવ્યા કરશે કે એ પ્રેમમાં છે. અહીં આશુતોષની હાલત પણ એવી જ થવાની હતી.
એ જેવો ઑફિસ જવા ફ્લેટની બહાર નીકળ્યો કે એના બાજુના જ ફ્લેટમાં રહેતા જ્યોર્જી આન્ટીએ પૂછ્યું, “ગઈ કાલ રાત્રે તું ગિટાર વગાડી રહ્યો હતો? માય ગોડ! તું કેટલું સરસ વગાડે છે. આખી રાત હું ઊંઘી નહોતી શકી."
“ઓહ્, સોરી આન્ટી. મારા લીધે તમારી ઊંઘ બગડી."
“છોકરો કંઈ કહેતો નથી પણ નક્કી કંઈક ગુડ ન્યૂઝ છે." આશુતોષ લિફ્ટ આગળ જ્યોર્જી આન્ટી સાથે બીજી બે લેડીઝને ઉભેલી જોઈ સીડીઓ ઉતરવા લાગેલો ત્યાં પાછળથી આ વાક્ય સાથે ત્રણેય લેડીઝનો હસવાનો અવાજ સંભળાયો.
એ નીચે પહોંચ્યો ત્યારે જ લિફ્ટ પણ નીચે આવી ચૂકી હતી. હજી એ ત્રણેય મહિલાઓ એને વિશે જ ચર્ચા કરી રહી હતી એ જાણી આશુતોષ થોડો શરમાયો ને તરત બહાર નીકળી ગયો હતો.
“આ આજકાલના છોકરાઓ, પ્રેમમાં પણ તરત પડી જાય ને એકાદ ઝઘડો થાય ત્યાં તો છુટ્ટા પણ પડી જાય. અહીં આપણા જેવી ફિલિંગ જોવા ન મળે."
એ બાઇક લઈને બહાર નીકળી રહ્યો હતો ત્યાં ગેટ પરના ગાર્ડે કહ્યું, “અરે ભૈયા ક્યા બાત હૈ? રાત કો ઠીક સે નીંદ નહીં આતી હૈ ક્યા? આપ દેર રાત તક ગિટાર બજા રહે થે,"
આશુતોષ કંઈ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયો. એની પાછળ ગાર્ડ અડધું વાક્ય અધ્ધર હાર છોડી હાથમાં તંબાકુ મસળતો હસતો રહ્યો.
આશુતોષને લોકોની તો સહેજે નહોતી પડી પણ આજ સવારનો નિર્ઝરનો એકેય મેસેજ નહોતો આવ્યો એટલે એનો મૂડ ઉખડેલો હતો. એણે સામેથી મેસેજ કરવાનું વિચાર્યું હતું પણ ખબર નહીં કેમ એણે ના કર્યો. એણે રાહ જોવાનું યોગ્ય માનેલું.
બપોર વીતી. લંચ બ્રેક પૂરો થવા આવ્યો. આશુતોષનું ટિફિન જેમનું તેમ પડી રહ્યું હતું. મગજમાં ગુસ્સો કે દર્દ જેવું કશુંક ધમધમતું હતું. એને સમજાતું નહોતું કે દોદોહી જેવી એક નાજુક સી છોકરી જેનું જીવન હજી તો ચાલું જ થયું છે એણે વળી શું દુઃખ વેઠ્યા હશે? ઘડી ઘડી એની આંગળીઓ નિર્ઝરને મેસેજ કરવા આગળ વધતી હતી અને તે પરાણે એ ઈચ્છા રોકી લેતો હતો. એના મનમાં હતાશા ઘેરાઈ રહી હતી. જો એ છોકરી એને ના મળી તો? આ સવાલ વિશે એને વિચારવું જ નહોતું અને છતાં એ વારંવાર એના મનમાં આવી જતો હતો.
સાંજે એ થોડો વહેલો ઘરે આવી ગયો હતો. આજે ઘણા દિવસો બાદ એને શોપિંગ કરવા જવાનું મન થયું હતું. એ નજીકના એક મૉલમાં ગયો હતો. એણે કેટલીક ટીશર્ટ અને એની સાથે મેળ ખાય એવા પેન્ટ ખરીદ્યા. એક પરફ્યુમ, બ્લેક ગોગલ્સ, નવો બેલ્ટ, બોડીવોશ, હાથરૂમાલનું એક પેકેટ, મોજા...એણે આજ મન મુકીને ખરીદી કરી હતી.
વચ્ચે વચ્ચે એ ત્યાંની ભીડમાં એક નજર કરી લેતો હતો. જ્યાં કોઈ નાજુક સી યુવાન છોકરી દેખાતી ઘડીભર એને થતું કે દોદોહી આવી. એ ધારી ધારીને જોઈ રહેતો ત્યાં જ ખ્યાલ આવતો કે આ એ નથી. એ નિરાશ થતો ને ફરી પાછી આશા જન્મતી કે કદાચ એ અહીં મળી જાય!
આશા ને નિરાશામાં અટવાતો, નવા નવા થયેલા પ્રેમનું દર્દ સહેતો આશુતોષ આખરે રાતના નવ વાગ્યે એના ફ્લેટ પર પાછો આવ્યો હતો. સાથે લાવેલા કપડાં બેડ પર નાંખી એ ફ્રેશ થયો હતો. જમવાની ખાસ કોઈ ઇચ્છા નહોતી છતાં એ ભોજનાલય જવા નીકળી પડ્યો હતો. એને ખાવાનું પીરસતા સુંદરે પણ કંઈક નોટીસ કર્યું હતું. એ આશુતોષ સામે જોઈ મલકાઈ રહ્યો હતો.
“શું વાત છે ક્યારનોય હસી કેમ રહ્યો છે?" આશુતોષે જમી લીધા બાદ રિસેપ્શન કાઉન્ટર પરથી મુખવાસ લેતા પૂછ્યું.
“આજ વાત તો હું તમને પૂછવા માંગતો હતો! આજ તમે કંઈક અલગ જ મૂડમાં આવ્યા હો એવું લાગે છે. ચહેરા પરના હાવભાવ બદલાઈ રહ્યા છે, અચાનક જ કંઈક બબડતા હો એવું પણ મને લાગેલું. લગનનું ગોઠવાઈ ગયું કે શું?" સુંદરે આશુતોષ સામે ધ્યાનથી જોતા થોડાંક મરાઠી ટચના ગુજરાતીમાં કહ્યું.
આશુતોષ જવાબ આપે એ પહેલા તો એના ગાલ પર આવી ગયેલી લાલી ઘણું બધું કહી ગઈ. “એવું કંઈ નથી, ગોઠવાઈ જશે ત્યારે મારી વાઈફને સાથે લઈને અહીં જમવા આવીશ."
એ ઘરે આવ્યો. એના નાનકડા સ્ટડી ટેબલ પર બેસી લેપટોપ પર થોડું કામ કર્યું ને પછી સુવા માટે ગયો. પલંગ પર બે ત્રણ જોડી જૂના કપડાં સાથે હમણાં જ ખરીદીને લાવેલા નવા કપડાનો ઢગલો પડ્યો હતો. એણે એ આખો ઢગલો ઉઠાવીને પલંગની એક બાજુએ મૂક્યો. લગભગ અડધો પલંગ એનાથી રોકાઈ ગયો. બાકીના અડધા પલંગ પર એણે લંબાવ્યું. હજી ઊંઘ નહોતી આવી રહી. એણે પડ્યા પડ્યા જ મોબાઈલ ફોન હાથમાં લીધો.
ફેસબુક પર પહેલી જ પોસ્ટ એને લાવણ્યાની દેખાઈ. એ હસી પડ્યો. હજી બે દિવસ પહેલા જો આવું થયું હોત તો એની હાલત કંઈક અલગ જ હોત. હાલ એને મન લાવણ્યા એની સાથે સ્કૂલમાં ભણનાર એક છોકરીથી વિશેષ કંઈ ન હતી. પહેલા તો લાવણ્યા વિશે વિચારતા જ એના દિલોદિમાગમાં પતંગિયા ઉડવા લાગતા, મનમાં આનંદના ફુવારા ઉડવા ચાલું થઈ જતા હતા, અત્યારે એ લાગણીની સદંતર ગેરહાજરી હતી.
આશુતોષને ખરેખર નવાઈ લાગી રહી હતી. જે છોકરીને એ આટલા વરસોથી વન–સાઇડેડ લવ કરતો હતો, જેની સાથેના પ્રેમને એ પવિત્ર પ્રેમની ઉપમા આપતો હતો એ બધું આખરે શું હતું? એને કંઈ જ સમજાઈ નહોતું રહ્યું. એ કંઈ સમજવા માંગતો પણ નહોતો. એને બસ એટલી ખબર હતી હાલ, આ ક્ષણે, એનું દિલ કાફેમાં મળેલી સુંદર યુવતી પર આવી ગયું હતું. એના સિવાયનું બાકીનું બધું અત્યારે એને માટે ગૌણ હતું.
મેસેજ આવ્યાનો અવાજ આવ્યો. એના ફોનની સ્ક્રીન પર નિર્ઝર નામ સાથે એનો એનિમેટેડ ફોટો દેખાયો ને થોડુંક લખાણ દેખાયું. એણે તરત એ લખાણ પર આંગળી અડાડી ને મેસેજ ખુલ્યો.
“તું ઇચ્છે તો મારી સાથે ચર્ચા કરી શકે છે. માનવીય સંબંધો, લાગણીઓ, ઘણી અટપટી હોય છે. હું એ સમજવામાં તારી થોડીક મદદ કરી શકીશ.”
“થેન્ક્સ, પણ અત્યારે હાલત એ છે કે મારે શું સમજવું છે એની પણ મને નથી ખબર.”
“તારા ફોન પર હમણાં તે શું જોયું?”
“લાવણ્યાએ એનો એક ફોટો મૂક્યો છે એ.”
“એ જોઈને તને શું વિચાર આવ્યો?”
“એનો ફોટો જોઈ મને નવાઈ લાગી. જે છોકરીની એક ઝલક મેળવવા માટે હું આકાશ પાતાળ એક કરવા તૈયાર રહેતો હતો આ વખતે એનો ફોટો જોઈ મને કંઈ જ ફીલ નહોતું થયું. જિંદગીમાં પહેલી વખત એણે મને સામેથી મેસેજ કર્યો છે, મને ‘કેમ છે?’ પૂછ્યું છે, ત્યારે જો હું જૂનો આશુતોષ હોત તો એ મેસેજ જોઈ ખુશીથી પાગલ થઈ ગયો હોત. જ્યારે કે અત્યારે મને કોઈ જ લાગણી નથી થઈ રહી. એવું કેમ થયું?”
“તું પહેલા લાવણ્યાને ચાહતો હતો. તારા માટે એ છોકરી જ પ્રેમનું એકમાત્ર સ્વરૂપ હતી. આજે તને દોદોહી ગમે છે. હવે તારા માટે પ્રેમનું સ્વરૂપ બદલાઈ ગયું છે. જે પ્રેમનો જાદુ પહેલા લાવણ્યા ના ખયાલ સાથે ચાલુ થતો હતો એ હવે દોદોહી ના ખયાલ સાથે થઈ રહ્યો છે.”
“એનો મતલબ કે સાચો લવ કે પવિત્ર પ્રેમ જેવું કશું હોતું જ નથી. માનવીના દિલમાં એકવાર જેને માટે પ્રેમનો ધોધ વહેતો હોય એનું વહેણ અચાનક જ બદલાઈ બીજી બાજુ વળી શકે છે?”
“હા, પ્રેમનું વહેણ બીજી બાજુ વળી શકે છે એવું કહી શકાય. જો એવું નહોત તો માણસો એમના આખા જીવનમાં એક જ વ્યક્તિને પ્રેમ કરીને ખુશ રહી શકત. એકવાર પ્રેમ થઈ ગયા બાદ એ ફરીથી બીજી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ના અનુભવત.”
“જો ખરેખર એવું હોય તો, એક માણસ એક જ લાઇફમાં કેટલી વખત પ્રેમમાં પડી શકે?”
“એનું કોઈ નિશ્ચિત ગણિત નથી. એક થી લઈને દસ વાર કે એનાથી પણ વધારે વાર એક માણસ પ્રેમમાં પડી શકે છે. મારું માનવું છે કે જાદુ જે તે વ્યક્તિમાં નહીં પણ પ્રેમમાં છે અને અમુક માણસોના દિલને પ્રેમમાં પડી જવાની આદત હોય છે. જે એકવાર પ્રેમમાં પડ્યું એ ફરીથી પણ પ્રેમમાં પડી શકે. પહેલા કરતા કોઈ અલગ જ વ્યક્તિના પ્રેમમાં પડી શકે. તું એક વિચાર કર, આખી દુનિયાનો વિરોધ સહી પ્રેમલગ્ન કરતા યુવાનયુવતી લગ્ન બાદ થોડાક સમયના સહજીવનમાં જ કેમ એકમેક સાથે ઝઘડવા લાગતા હશે? એમની વચ્ચેના અમરપ્રેમનું લગ્ન બાદ બાષ્પીભવન કેમ કરીને થઈ જતું હશે? અમુક બીજા કોઈ નવા પાત્ર સાથે ફરી પ્રેમમાં કેમના પડી જતા હશે?”
“તો શું એનો મતલબ એમ કે એક જ વ્યક્તિ સાથેના પ્રેમનો જાદુ સમય જતા ઓછો થવા લાગે છે ને માણસના દિલને પ્રેમ કરવાની આદત હોય તો એ ફરી કોઈ નવા પાત્રના પ્રેમમાં પડી જાય છે. ફરીથી એને પ્રેમનો જાદુ અનુભવાય છે અને ફરી પાછો એ જાદું ઓસરવા લાગે. મતલબ કે આનો કોઈ અંત જ નથી.”
“અમુક માણસો માટે તે કહ્યું એ બિલકુલ સાચું છે પણ દરેક માટે નહીં. કેટલાય એવા માનવો છે જે એમના જીવનની છેલ્લી ઘડી સુધી નવા નવા પાત્ર સાથે પ્રેમમાં પડતા રહે છે. પહેલાના જમાનામાં વૃધ્ધ રાજા નાની ઉંમરની સ્ત્રીને રાણી બનાવી લઈ આવતા. આજે પણ જેની પાસે રૂપિયા હોય એ એમના પાછલા જીવનમાં એમનાથી અડધી કે એનાથી પણ ઓછી ઉંમરની સ્ત્રીના પ્રેમમાં પડી જાય છે ને એની સાથે લગ્ન પણ કરે છે. ક્યાંક આનાથી સાવ ઊંધું પણ જોવા મળે, એરેન્જ મેરેજ કરનાર, એકબીજાં સાથે પ્રેમથી નહીં પણ સમજણથી જોડાનાર વરસોના લગ્નજીવન બાદ અચાનક જ એકમેકના પ્રેમમાં પડી જતા હોય.”
“મને આ બધું કંઈ સમજમાં નથી આવી રહ્યું. હું તો એટલું જાણું છું કે તમારા દિલમાં જે ઘડીએ પ્રેમ એનો જાદુ ફેલાવે એ ઘડીએ એની અસર માણી લેવી જોઈએ. જો સામે જઈને કહી શકો એમ હો તો કહી દેવું જોઈએ, ના કહી શકો એમ હો તો એકતરફા પ્રેમની પણ મજા ઉઠાવી લેવી જોઈએ.”
“તારું વિચારવું ગલત નથી. એક માણસે એક જ વાર પ્રેમમાં પડવું એવો કોઈ નિયમ નથી. હું તો કહું છું એણે વારંવાર પ્રેમમાં પડવું જોઈએ. નવા નવા અનુભવ લેવા જોઈએ ને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલું રાખવી જોઈએ જ્યાં સુધી એને એનો છેલ્લો પ્રેમ ના મળી જાય.”
“મતલબ? છેલ્લો પ્રેમ એટલે શું?”
“છેલ્લો પ્રેમ એટલે એક એવી વ્યક્તિ સાથેનો પ્રેમ જેના પછી બીજી કોઈ વ્યક્તિ પ્રત્યે એટલી ઊંડી લાગણી થઈ જ ના શકે. એક એવો પ્રેમ જેમાં ક્યારેય પછી ઓટ ના આવે.”
“આવું ખરેખર શક્ય છે? તમને કેવી રીતે ખબર પડે કે આજ તમારો છેલ્લો પ્રેમ છે?”
“એમાં કોઈ નિયમ ના હોય. જ્યાં તમારું દિલ છલોછલ ભરાઈ ન જાય, લાગણીથી તરબતર ન થઈ જાય ત્યાં સુધી એની મજા માણતા રહો. જો પ્રેમને એક સરોવર તરીકે કલ્પવામાં આવે તો તમે પ્રેમમાં પડો છો મતલબ કે એ સરોવરમાં ડૂબકી મારો છો. તમને મજા આવે ત્યાં સુધી તમે એમાં છબછબીયા કરી શકો. એક દિવસ પછી ક્યાં તો એ સરોવર સુકાઈ જશે કે તમે પોતે થાકીને એમાંથી બહાર આવી જશો. પ્રેમનું સરોવર સુકાઈ જાય ત્યારે દુઃખ થાય છે ને એ માણસ ફરી એ સરોવરની શોધમાં નીકળી પડે છે. એ ફરીથી કોઈકના પ્રેમમાં પડે છે. માણસ પોતે થાકીને બહાર આવી જાય ત્યારે પછી એને મન પ્રેમની જરૂર નથી રહેતી. એ ઇચ્છે ત્યારે ફરીથી એના એ જ સરોવરમાં ડૂબકી મારી શકે પણ એને એવી ઈચ્છા જ નથી થતી. આ એ લોકો છે જે એમના પ્રેમલગ્ન કરી પછી જીવનની બીજી આંટીઘૂંટીઓમાં વ્યસ્ત થઈ જતા હોય છે. એ બીજા કોઈ સાથે પ્રેમમાં નથી પડતા, એમના સાથીને સંપૂર્ણ પણે વફાદાર હોય છે અને એ છતાં પ્રેમનો જાદુ પછી એમને અસર નથી કરતો, આવા લોકોના જીવનનું લક્ષ્ય પછી બદલાઈ જાય છે, ત્યાં પ્રેમને બદલે પછી જીવનની બીજી જરૂરિયાત વધારે મહત્વની બની જાય છે.”
“વાહ, સુંદર વાત કહી તે. આ રીતે વિચારીએ તો પછી પ્રેમ એટલે એક એવું મૃગજળ જેને તમે અનુભવી શકો પણ સંપૂર્ણ પણે પામી ના શકો.”
“પ્રેમ અને સંપુર્ણતાને વધારે લેવાદેવા નથી. અપૂર્ણતામાં પણ એ એટલો જ ખુબસુરત હોય શકે છે. જેણે જીવનમાં ક્યારેય પ્રેમનો અનુભવ નથી કર્યો એના કરતાં તૂટેલા દિલ વાળા બહેતર છે. એમણે કમ સે કમ એ જાદુનો ભલે ટૂંક સમયમાં માટે જ પણ અનુભવ તો લીધો.”
“પ્રેમમાં સંપૂર્ણતા કેવી રીતે શક્ય બને?”
“પ્રેમરૂપી સરોવરમાં ડૂબેલી વ્યક્તિ જે ઘડીએ થાક અનુભવે અને એમાંથી બહાર આવવા વિચારે એ જ ઘડીએ પ્રેમનું સરોવર સુકાઈ જાય. ભવિષ્યમાં જ્યારે પણ એ વ્યક્તિની ઇચ્છા થાય કે એને પ્રેમના સરોવરમાં પાછી ડૂબકી મારવી છે ત્યારે એની ઈચ્છા થતા જ ફરીથી એ સરોવર ભરાઈ જાય.”
“આવું શક્ય છે? બે વ્યક્તિઓ વચ્ચે કેટલા ઊંડા લેવલનો પ્રેમ હોય, સમજણ હોય ત્યારે આવું શક્ય બને? એના માટેના કોઈ ક્લાસિસ ચાલે છે?”
હસતા ઇમોજી મોકલી સામેથી જવાબ આવે છે,
“આ દુનિયામાં પ્રેમના ક્લાસિસ ચલાવી કોઈ તમને પ્રેમ કેવી રીતે કરવો જોઈએ એ શીખવી શકે પણ કોઈ તમને પ્રેમમાં પાડી ન શકે. એ લાગણી તો સ્વયંભૂ તમારા દિલમાં પ્રગટે તો જ એની મજા છે.”
“હાલ તો મને એવું લાગે છે કે હું દોદોહી સાથે પ્રેમમાં સંપૂર્ણતા અનુભવાય ત્યાં સુધી આગળ વધી શકીશ. એ છોકરી મારા મનમાં એવી તો સમાઈ ગઈ છે કે એને ત્યાંથી હટાવતા મને પોતાને પણ દાયકાઓ લાગશે.”
“તું ભુલ કરી રહ્યો છે. હમણાં થોડાં દિવસો પહેલા લાવણ્યા માટે પણ તું આવું જ વિચારતો હતો. દોદોહી ને તું ના મળ્યો હોત તો હજી તું એને જ ચાહતો હોત.”
“તારી વાત સાચી છે પણ હું દોદોહી ને મળ્યો ને. શું ખબર કે મારા મનમાં જે પ્રેમ વિશેનો જે ભ્રમ હતો એને દૂર કરી મને મારા સાચા અને સંપૂર્ણ પ્રેમ સુધી લઈ જવા જ ઈશ્વરે અમારી મુલાકાત કરાવી હોય.”
“અરે વાહ તું તો પ્રેમ સાથે હવે ઇશ્વરની વાતો કરવા લાગી ગયો.”
“પ્રેમ અને ઈશ્વર વચ્ચે કંઈક તો કનેક્શન ચોક્કસ છે. આમ તો હું નાસ્તિક કહી શકાય એવો છું પણ જે દિવસે લાવણ્યાને પહેલી વાર જોઈ હતી ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે એને મારા જીવનમાં લાવી આપે. મારી પ્રાર્થના ફોગટ ગઈ ને એ મારાથી હંમેશને માટે દૂર થઈ ગઈ ત્યાર પછી મેં ઇશ્વરને ક્યારેય યાદ નહોતા કર્યા. આજે દોદોહીને મળ્યા બાદ મને ફરી ઈશ્વરની હેલ્પ માંગવાનું યાદ આવે છે.”
આશુતોષે હસતા ઇમોજી મોકલ્યા.
સામેથી પણ એવા જ સ્માઈલી આવ્યા.
“મારે એ છોકરીને ફરી મળવું છે, આ વખતે પૂરો ટ્રાય કરવો છે કે હું એને મારો પ્રેમ દેખાડી શકું ને એને મારી બનાવી શકું. આગળ જે થવું હોય તે થાય પણ આ વખતે હું પ્રયત્ન કર્યા વગર પાછો હટવા નથી ઇચ્છતો.”
“ઓકે, તું પ્રયત્ન કર. હું આવતી કાલે તને એ છોકરીની રામકહાણી લખી મોકલીશ. ત્યાં સુધી ગુડ નાઇટ!”
નિર્ઝર ઓફ લાઇન થઈ ને આશુતોષે પણ ફોન મૂકી આંખો બંધ કરી ઊંઘવા પ્રયત્ન કર્યો.