11 ટાસ્ક્સ - Chapter 14 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 14

“હેય આશુતોષ...

કેમ છે તું?

હજી તારે મને કોઈ સવાલ પૂછવા હોય તો પૂછી શકે છે!”

આશુતોષની આંખ વહેલી સવારે જ મળી હતી છતાં નોટિફિકેશન આવ્યાનો અવાજ સાંભળતા જ એણે બંધ આંખે હાથ લંબાવી ફોન હાથમાં લીધો હતો. ચિટર ચુડેલ નામ વાંચતા જ એના ચહેરા પર એક પહોળું સ્મિત રેલાઈ ગયું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ લખ્યો.

“તે ગઈ કાલે સાંજે મને ‘લવ યુ ટુ’ કેમ કહ્યું હતું? મેં તો તમને ‘આઈ લવ યુ’ નહોતું કહ્યું.”

સામેથી કોઈ જવાબ ના આવ્યો એટલે એ ઉઠ્યો ને બાથરૂમમાં જઈ હળવો થઈ આવ્યો. એણે ફરી ફોન ઉઠાવી અનલૉક કર્યો ને નોટિફિકેશન પર નજર કરી. કોઈ નવો મેસેજ નહોતો.

એ ફરી બાથરૂમમાં ઘૂસ્યો. બ્રશ કરી રહ્યા બાદ શાવર ચાલુ કરી નહાવા જવાનો એનો વિચાર હતો ત્યાં જ એને લાગ્યું કે મેસેજ આવ્યો. એ દોડતો બહાર આવ્યો અને ફોન હાથમાં લીધો. સામેથી જવાબ આપતો મેસેજ આવ્યો હતો.

“તને તક નહોતી મળી નહીંતર તું મને પણ ‘આઈ લવ યુ’ કહેત એની મને ખાતરી હતી. ગઈ કાલે સાંજે પછી સિકયુરિટી ગાર્ડથી લઈને જે જે વ્યક્તિઓને તે ‘લવ યુ' કહ્યું એમાં તને મજા આવી કે નહીં, બોલ જોઈએ? હવે તું જોજે એ લોકો તારી સાથે થોડુંક વધારે લાગણીપૂર્વક વર્તશે.”

“હમ્મ. તમારી વાત સાચી છે.”

“ઓયે, હું કંઈ તારી દાદી નથી કે તું મને તમે કહીને બોલાવે.”

“ઓકે, હવેથી તું જ કહીશ.”

“તારે ઓફિસ જવાનું લેટ નથી થઈ રહ્યું?”

“લેટ તો થાય છે પણ વાંધો નથી. મારે તને કંઈક પૂછવું છે. થોડુંક ખાનગી છે. હોપ યુ અંડરસ્ટેન્ડ માય સિચ્યુંએશન એન્ડ ફિલિંગ્સ.”

“બાપ રે! એવું તો શું પૂછવાનું છે? જો મને આવા બધા રહસ્યો નથી ગમતા. જે હોય તે જલદી પૂછી લે.”

“ગઈ કાલે હું જે છોકરીને મળ્યો હતો એ કોણ છે? મારે એના વિશે વધારે જાણવું છે. ગઈ કાલે મેં એનો વિડિઓ લીધો હતો. એના ફોટા પરથી રાત્રે મેં ગુગલ સર્ચ કર્યું હતું પણ એને વિશે કંઈ જ જાણવા નથી મળ્યું.”

“બદમાશ! આમ છોકરીનો એને પૂછ્યા વગર વિડિઓ ઉતારવો ક્રાઈમ છે એ તું જાણે છે ને?”

“હા, પણ મારે એનો ચહેરો યાદ રાખવો હતો. એમાં મારો કોઈ બદઇરાદો નહોતો.”

“તારે એનો ચહેરો યાદ રાખવાની શી જરૂર પડી?”

“આઈ થિન્ક, આઈ લવ હર. એને જોતા જ હું એના પ્રેમમાં પડી ગયો છું. એની પહેલા જે પણ છોકરીઓ મને ગમી હતી એમને જોતા ક્યારેય આવી ફિલિંગ નહોતી આવી. આ છોકરી ગજબ છે. એ જો હા કહે તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.”

“અરે, અરે, પણ થોડો ધીરો પડ યાર! તને એ ગમી ગઈ છે પણ તુંયે એને ગમવો જોઈને ને?”

“હા, તો તું એને પૂછી જોને. પ્લીઝ મારું આટલું કામ કરી આપ.”

“તું હજી એને વિશે કંઈ જ નથી જાણતો.”

“હું જાણવા માંગુ છું.”

“એની દુઃખભરી દાસ્તાન તું સાંભળી શકીશ? બધું જાણ્યા બાદ એ તારી નજરમાંથી ઉતરી જાય એવું પણ બની શકે છે.”

“હજી ગઈ કાલ સુધી તો તું લાવણ્યાને યાદ કરી રડતો હતો, એને આટલું જલદી ભૂલી ગયો?”
“એ છોકરીને જોઈને તો એવું નથી લાગતું કે એ દુઃખી હોય. રહી વાત લાવણ્યાની તો એ મારો ભૂતકાળ છે. તને એક વાત જણાવી દઉં કે એ હજી જીવતી છે અને અમે ટૂંક સમયમાં કદાચ મળીએ પણ ખરા. હવે મને એનામાં કોઈ રસ નથી. તું બસ આ છોકરી દોદોહી સાથે મારો મેળ પડી જાય એવું કંઈ કરી આપ.”

“શું કહ્યું, એ હજી જીવે છે? સાચે જ? એનું કોઈ ભૂત તો નથી આવી ગયું ને?”

એણે ચાર હસતા ઇમોજી મોકલ્યા.

“મને નથી લાગતું કે તને એ વાતની ખબર ના હોય. સમજાતું નથી કે તે આવી ગંદી મજાક શા માટે કરી? તે મને ખોટું કહ્યું હતું કે લાવણ્યા આ દુનિયામાં નથી, આવું શા માટે કરેલું?”

“એ મજાક નહોતી, હકીકત હતી, જો તને સમજાય તો. એ છોકરી એની લાઇફમાં આગળ વધી ગઈ છે, ખુશ છે, ત્યારે તું શેને માટે તારા દીલને એક ખૂણે એને જ યાદ કરીને બેસી રહે? તું ક્યાંક મુસાફરીએ નીકળ્યો હોય અને વચમાં તને એક રસ્તો ખૂબ ગમી જાય તો તું ત્યાં થોડીકવાર અટકી શકે, એની મજા માણી શકે પણ ત્યાં જ ઘર બાંધીને થોડો રહી શકે. તારી ખરી મંજિલ સુધી પહોંચવા તારે એ સુંદર રસ્તાની માયા મૂકી આગળ વધવું જ રહ્યું. લાવણ્યા તારા માટે એવો જ એક ખૂબસૂરત રસ્તો હતી જેને ભૂલીને તારું આગળ વધવું જરૂરી હતું. એને તારા દિલમાંથી બહાર હાંકી કાઢવા માટે જ મેં એના મોતની જુઠ્ઠી ખબર તને આપી હતી. એના ત્યાંથી ગયા બાદ હવે એ ખાલી ઘરમાં બીજી યુવતી માટે જગ્યા થઈ કે નહીં બોલ જોઈએ?”

“બની શકે કે તારી વાત સાચી હોય પણ મને એ પ્રેન્ક બિલકુલ નહોતો ગમ્યો. પહેલા તે જ મારા દિલમાં એની ધૂંધળી થઈ ગયેલી યાદ તાજી કરાવી હતી ને પછી એના મોતની ખબર આપી એક ઝાટકે મારું દિલ તોડ્યું હતું. માય ગોડ તું ખતરનાક છે!”

“તારે ઓફિસ જવાનું મોડું થઈ રહ્યું છે. મી.સિંઘાનિયા સાથેની એપાઈન્ટમેન્ટ યાદ છે કે ભૂલી ગયો?”

“હા, મને યાદ છે. હું ઑફિસ જાઉં છું.”

એણે ફોન પલંગ પર મૂક્યો ને ત્યાં જ વિચાર આવ્યો, નિર્ઝરને કેવી રીતે ખબર પડી કે આજે મી.સિંઘાનિયા સાથે મારી એપોઈન્ટમેન્ટ છે? આ વાતની તો એ અને એની ટીમ સિવાય બીજા કોઈને જાણ નથી! શું એવું બની શકે કે એના સ્ટાફમાંથી જ કોઈ નિર્ઝરને એના વિશે માહિતી આપી રહ્યું હોય કે પછી એમાંથી જ કોઈ નિર્ઝર હોય?
એ તૈયાર થઇને ઓફીસે પહોંચ્યો. આજે એ ધ્યાનથી એના હાથ નીચેના સ્ટાફનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ટોટલ પાંચ જણા એની ટીમમાં હતા. બે છોકરીઓ, સલોની અને સુહાના તથા ત્રણ છોકરાઓ રાહુલ, જયમીન અને સાગર. સાગર હજી નવો જ આવ્યો હતો. ગયા રવિવારે એના સ્ટાફમાંથી જ એક ગદ્દાર પકડાયા બાદ એને દૂર કરી સાગરને લેવાયો હતો. સાગર નિર્ઝર ના હોય શકે, એ હજી નવો જ જોડાયો હતો– આશુતોષ વિચારી રહ્યો. જયમીન એકદમ સીધો હતો એ આવું કોઈ કામ ન જ કરે. રહી વાત રાહુલની તો એ જો દોદોહી જેવી કોઈ બ્યુટીફુલ છોકરીને ઓળખતો હોય તો ક્યાંક ને ક્યાંક તો એણે એની સાથેનો પોતાનો ફોટો શેર કર્યો જ હોત. એણે માની લીધું કે જો એના જ સ્ટાફની કોઈ વ્યક્તિ નિર્ઝર બની એની સાથે ચેટિંગ કરી રહી હોય તો એ છોકરાઓમાંથી તો કોઈ નથી. હવે એનું બધું જ ધ્યાન સલોની તથા સુહાના તરફ હતું. સલોની એને લાઈક કરતી હતી એવું એને ઘણી વખત લાગેલું પણ એણે એ તરફ ધ્યાન નહોતું આપ્યું.

હવે એની નજર સલોની પર ફરી વળી. એનું ફિગર સરસ હતું. સ્વભાવે પણ છોકરી સારી હતી, હસમુખ ને મહેનતુ પણ ખરી. હા, એ થોડીક ટ્યુબ્લાઇટ હતી, એને મજાક થોડી મોડી સમજાતી. એના ભોળપણ સામે આશુતોષને કોઈ વાંધો નહોતો, પહેલા જો એને જાણ થઈ હોત કે સલોની એને લાઈક કરે છે તો એ વિશે તે વિચાર કરતા પણ હાલ એના મનોજગતમાં જે કન્યા છવાઈ હતી એ કન્યા નહીં અપ્સરા હતી અને એની આગળ હવે દુનિયાની કોઈ પણ છોકરી ગૌણ હતી.

એણે સુહાના તરફ તીરછી નજરે જોયું. એના મોબાઇલમાં ફ્રી ટાઈમમાં રીલ જ ચાલ્યા કરતા. એમાં પણ સૌથી વધારે એ કુકિંગને લગતા વિડિઓ જોતી રહેતી. બીજા નંબરે ફેશન અને મેકઅપ તથા હેરસ્ટાઇલને લગતા વિડિઓ આવતા. જો કે નવાઈની વાત એ હતી કે એને ના તો સરખું રાંધતા આવડતું હતું ના એ ટાપટીપ કરવામાં માહેર હતી. સલોની પાસે એટલી બુધ્ધિ નહોતી ને સુહાના પાસે એટલો સમય નહતો કે એ નિર્ઝર બની શકે.
આખરે કોણ હશે આ નિર્ઝર? એ શા માટે મારામાં આટલો રસ લઈ રહી છે? આ બે સવાલ હવે આશુતોષને પરેશાન કરી રહ્યા હતા.

ગઈ કાલે એ આ સવાલોના જવાબ મેળવવા જ તો એને રૂબરૂ મળવા ગયો હતો પણ થયું શું? ત્યાં નિર્ઝર ને બદલે દોદોહી સાથે એની મુલાકાત થઈ અને એ એટલી તો રૂપાળી હતી કે પોતે એની સાથે સરખી રીતે વાત જ ના કરી શક્યો. પોતે પહેલી નજરે જ એના પ્રેમમાં પડી ગયો! ક્યાંક આ કોઈ ચાલ તો નથી? એ વિચારી રહ્યો...પૂરી પાંચ મિનિટ “આ કોઈ ચાલ તો નહીં હોય” એ વિચાર એના મગજમાં ફરતો રહ્યો ને પછી ફરી એના મનોજગત પર એ રૂપાળી કન્યા હાવી થઈ ગઈ. આ કોઈ સ્કેમ હોય અને કોઈક એને ફસાવવા પ્રયત્ન કરી રહ્યું હોય તોય એનું દિલ કહેતું હતું ફસાઈ જા બકા! આવી છોકરી સાથે એકાંત માણતો વિડિઓ ઉતારી કોઈ એને બ્લેકમેઇલ કરવાનો પ્લાન ઘડી રહ્યું હોય તો એ સામેથી ફસાઈ જવા તૈયાર હતો. વળી પાછું એને એમ પણ થતું હતું કે ખરેખર જો આ કોઈક જાળ હોય તોય આ બધામાં એ રૂપકડી છોકરીનો કોઈ વાંક નહીં જ હોય. એ બિચારીની કોઈ મજબૂરી હશે અથવા એને પણ ફસાવવામાં આવી હશે. આશુતોષને કોઈ ફરક નહોતો પડતો. એ રૂપાળી પરી ગમ્મે તેવા ગુનામાં સંડોવાયેલી હોય એ જો હા કહે તો આશુતોષ એને અપનાવવા તૈયાર હતો. એને ફરી મળવા એ ઉત્સુક હતો. એની સાથે વાત કરવા, એને જોવા માટે એનું મન બેચેન થઈ રહ્યું હતું. આ બધાનો એક જ ઉકેલ હતો–નિર્ઝર!
એણે એનો ફોન હાથમાં લીધો. કોન્ટેક્ટ લિસ્ટમાં જઈ ચિટર ચૂડેલનું નામ સર્ચ કર્યું ને એને ડિલીટ કરી ત્યાં નવું નામ નિર્ઝર લખ્યું. એનું મન કહી રહ્યું હતું કાશ, કાશ એવુ બને કે નિર્ઝર જ દોદોહી હોય! નિર્ઝર એક અમીર બાપની એકની એક છોકરી હોય. વિદેશથી એ અહીં એના માટે યોગ્ય વરની શોધ કરવા આવી હોય. એને બસ એક સમજદાર, સજ્જન અને પ્રેમાળ યુવક જોઈતો હોય જે એના રૂપિયાને નહીં પણ એને ચાહતો હોય. એ નિર્ઝર બની મારી પરીક્ષા લઈ રહી હોય...અચાનક એને એક વિચાર આવ્યો, એની પાસે મારો ફોન નંબર ક્યાંથી આવ્યો? એ પછી એનાથીય મુશ્કેલ સવાલ મનમાં ઉઠ્યો, મારામાં એવું શું છે કે દોદોહી જેવી સર્વાંગ સુંદરી મારી તરફ આકર્ષાય? એણે પછી આગળ વિચારવાનું મોકૂફ રાખ્યું.

એણે સવારની નિર્ઝર સાથે થયેલી ચેટ પર એક નજર કરી ને એક નવો મેસેજ મોકલ્યો.

“હે નિર્ઝર
મારે એ છોકરીને, દોદોહીને ફરી મળવું છે. એની સામે મારા પ્રેમનો એકરાર કરવો છે.”

દસેક મિનિટ રહીને સામેથી જવાબ આવ્યો. આશુતોષે જોયું કે એના સ્ટાફની પાંચેય વ્યક્તિઓ હાલ લંચ બ્રેક હોવાથી જમવામાં વ્યસ્ત હતી. કોર્નરમાં પડી રહેતા એક ખાલી ટેબલ આસપાસ ખુરશીઓ ગોઠવી એ સૌ ગોઠવાઈ હતા ને એમના ટિફિનની વાનગીઓ એકબીજાને ખવડાવતા પોતે પણ ખાઈ રહ્યા હતા. કોઈના હાથમાં એમનો મોબાઈલ ફોન ન્હોતો, મતલબ કે એમાંથી કોઈ નિર્ઝર નહતું.

“તું એ છોકરી વિશે કંઈ જ જાણતો નથી. પહેલા એને વિશે પુરતી માહિતી મેળવ.”

“અને હું આ માહિતી ક્યાંથી મેળવું? એના નામનો મતલબ પણ મારે ગુગલ કરવો પડશે. તું મારી આટલી મદદ પણ નહીં કરે?”

“ઠીક છે, હું તારી મદદ કરીશ. સૌથી પહેલા તો હું તને એ છોકરીની સ્ટોરી જણાવીશ પછી એની સાથે તારી એક મુલાકાત ગોઠવીશ. મંજૂર છે?”

“મંજૂર મંજૂર પણ મારે એ છોકરીની એકદમ સાચી માહિતી જોઈએ, એક પણ જૂઠ નહીં.”

જવાબમાં ફક્ત એક મંદ મંદ હસતું ઇમોજી આવ્યું.
આશુતોષ પછી કામે વળગ્યો પણ એના મગજમાં તો પેલી રૂપાળી યુવતી જ છવાયેલી હતી. હવે એ કાફેમાં મળી હતી એના કરતા અલગ અલગ કપડાં અને અલગ જ અંદાજમાં આશુતોષ સામે આવી રહી હતી. આશુતોષ એની સાથે ઝાડ ફરતે રોમેન્ટિક ગીત ગાઈ રહ્યો હોય એવું પણ એને દેખાતું હતું...