અમદાવાદના ખાડિયાની એ સાંકડી ગલીઓ, જ્યાં સવારની શરૂઆત ચાની કીટલીના ખખડાટ અને નવકાર મંત્રના નાદથી થાય. એ જ જુના શહેરમાં મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી ધારા. આંખોમાં ફિલ્મી દુનિયાના રોમેન્ટિક સપના અંજાયેલા. તેને લાગતું કે પ્રેમ એટલે શાહરૂખ ખાનની જેમ હવામાં હાથ ફેલાવવા અને વરસાદમાં ભીંજાવું.
પણ પરિવાર અને સંજોગો સામે ઝૂકીને, ઘરમાંથી નક્કી કરેલા અજય સાથે મધ્યમ પરિવારમાં તેના લગ્ન ધામધૂમથી થઈ ગયા.
લગ્ન પહેલાં જ્યારે ભાભી અને બહેનપણીઓ કહેતી,"ધારા, લગ્ન પછી પણ પતિ જોડે પ્રેમ થાય જ હોં!" ત્યારે ધારા માનવા તૈયાર નહોતી. તેને મન અજય એક સાવ સાધારણ માણસ હતો—જે શાંત હતો, શરમાળ હતો, અને જેના માટે જીંદગી એટલે સવારે ફેક્ટરીએ જવું, પૈસા કમાવવા અને ઘરનાને ખુશ રાખવા. અજય ને મિત્રો ઘણા અને સાથે સિગરેટ, ગુટકા કે ક્યારેક દારૂનું વ્યસન પણ ખરું.
લગ્ન પછી ધારાને નવું ઘર અને પરિવાર તો ગમવા માંડ્યા, પણ અજયના આ વ્યસનો અને અબોલ સ્વભાવ જોઈને ધારાનું દિલ તૂટી જતું.
તે વિચારતી: "આવા માણસ સાથે લવ તો ક્યારેય ન થાય, ને મારા નાના નાના સપના ક્યારે પુરા થશે?"
અજય માટે પ્રેમ શબ્દ સમજણ બહારનો હતો, પણ ધારાના આવ્યા પછી અજયનો પગાર વધ્યો અને ઘરમાં ખુશીઓ આવી. અજય ધારાની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરતો, પણ ધારાના મનનો એક ખૂણો હજી ખાલી હતો.
ધારાને પિતાના ઘરેથી જ એક સ્માર્ટફોન લેવાની વર્ષોથી મનોમન તીવ્ર ઈચ્છા હતી. પિતાના ઘરે સાદો કીપેડ વાળો ફોન હતો અને આશા હતી કે ક્યારેક સ્માર્ટફોન મળશે, પણ લગ્ન પછી બદલાયેલી તંગ પરિસ્થિતિ જોઈને તેણે એ વિચાર માંડી વાળ્યો હતો.
ત્યાં જ લગ્નની પહેલી વર્ષગાંઠ આવી. ધારાને કોઈ મોટી અપેક્ષા હતી જ નહીં , પણ અજયે અચાનક ધારાના હાથમાં એક લેટેસ્ટ સ્માર્ટ મોબાઈલ મૂકીને મોટું સરપ્રાઈઝ આપ્યું! વર્ષોનું અધૂરું સપનું આમ અચાનક પૂરું થતાં ધારા રાજી-રાજી થઈ ગઈ. ખુશીના અતિરેકમાં તેણે અજયનો હાથ પકડી, તેને ચૂમીને, આંખોના પલકારા સાથે વહાલથી "થેંક્યુ" કીધું.
અજય સાવ શરમાળ હતો, ધારાની આ અદા તેને અંદર સુધી ગમી ગઈ. એ રાત્રે બંને પહેલીવાર એક સારી હોટલમાં જમવા ગયા.
હવે ધારા જ્યારે પણ ઘરના કામથી નવરી પડતી, ત્યારે મોબાઈલમાં નવી-નવી વસ્તુઓ જોઈને આનંદ લેતી. પોતાની પત્નીને નાના બાળકની જેમ ફોનમાં મશગૂલ અને ખુશ થતી જોઈને અજયનું હૃદય પણ રાજીપો અનુભવતું. અજય હવે મિત્રો કરતા ધારા જોડે વધુ સમય રહેતો, ધારા ને પણ આ બદલવા ગમતો અને ખુશ પણ થતી.
અમદાવાદ બદલાઈ રહ્યું હતું. સીટી બસમાં બેસીને જ્યારે પણ અજય અને ધારા નદી પરનો પુલ ક્રોસ કરતા , ત્યારે બસની લોખંડની બારીમાંથી ડોકું બહાર કાઢીને એકીટશે નદી કિનારે ઊભેલી 'પતંગ હોટલ' જોતી અને મનોમન ખુશ થતી. આ જોઈ અજય પણ ખુશ થતો ને વિચારતો, પતંગ હોટલ જોવી અને દરવખતે જોઈ આટલુ બધું ખુશ કેમનું થતી હશે ધારા.
સાબરમતીના પટ પર કાચ અને સિમેન્ટની ભવ્યતા સજીને આકાશ તરફ તાકતી એ પતંગ હોટલ! સાંજના સમયે જ્યારે એની ગોળાકાર વિન્ડોઝમાંથી રોશની ઝળહળે, ત્યારે એ આખા અમદાવાદ પર નજર રાખતી કોઈ રાણી જેવી લાગતી. ધારા માટે એ માત્ર હોટલ નહોતી, પણ ઊંચા આકાશમાં ઉડવાની તેની ઈચ્છાઓનું પ્રતીક હતી.તેમાં જવું એ પુરુ ના થનારુ સપનું હતું.
અજયે આ નોટિસ કર્યું. તે સમય કાઢીને ધારાને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જતો. નદીના ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે ધારા બસ દૂર ઊભેલી પતંગ હોટલને જ જોયા કરતી અને ખુશ થતી. ધારાના જીવનમાં પતંગ હોટલને જોવી એ એક બહુ મોટી ખુશી બની ગઈ હતી.
લગ્નના થોડાક વર્ષો વીત્યા પછી, ધારાના જન્મદિવસ આવ્યો.ધારાને એમ કે અજય કદાચ કોઈ સાડી કે નાની સોનાની વીંટી લાવશે. પણ સાંજે અજય ઘરે આવ્યો અને બોલ્યો, "ધારા, તૈયાર થઈ જા, બહાર જવાનું છે."
જ્યારે રીક્ષા પતંગ હોટલની નીચે આવીને ઊભી રહી, ત્યારે ધારાના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. વર્ષોથી જે જગ્યાને માત્ર દૂરથી જોઈને ધારા ખુશ થતી હતી, આજે તેની અંદર જવાનો મોકો હતો. લિફ્ટ દ્વારા જ્યારે તેઓ એ ફરતી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા, ત્યારે ધારા અવાક હતી. કાચની વિશાળ બારીઓમાંથી આખું અમદાવાદ લાઈટોના ઝગમગાટથી ન્હાયેલું દેખાતું હતું. નીચે સાબરમતી નદીનું પાણી ચાંદનીમાં ચમકી રહ્યું હતું અને હોટલ ધીમે-ધીમે ગોળ ફરી રહી હતી.
ઘરે આવીને ધારા પોતાના હૃદયના વેગને રોકી ન શકી. તેણે પહેલીવાર અજયને એકદમ કસકસીને ગળે લગાડી લીધો અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. અજય પણ ખુબ ખુશ થયો.
પણ સાચી સરપ્રાઈઝ તો થોડા દિવસ પછી મળી, જ્યારે ધારાને ખબર પડી કે પતંગ હોટલના આ મોંઘા ડિનરના પૈસા ચૂકવવા માટે અજયે પોતાના બધા જ વ્યસનો—સિગરેટ, ગુટકા અને દારૂ હંમેશા માટે છોડી દીધા હતા! પોતાની ખુશી માટે પતિએ આટલો મોટો ત્યાગ કર્યો એ જાણી ધારાને બીજી અને સૌથી મોટી ખુશી મળી કે તેનો પતિ વ્યસનમુક્ત થઈ ગયો છે. તેણે ફરીથી દોડીને અજયને કસકસીને ગળે લગાડી દીધો.
વર્ષો વીત્યા, એક સુંદર બાળક થયું અને જવાબદારીઓ વધી, અજયની આવક વધી. પણ અજય મનોમન ધારાને એક અદભુત ગિફ્ટ આપવા રાત-દિવસ મહેનત કરતો હતો. ધારાના એક બર્થડે પર અજય તેને રિવરફ્રન્ટ પર નવી બનેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગ પાસે લઈ ગયો અને ૧૨મા માળે આવેલા એક નવા ઘરની ચાવી તેના હાથમાં મૂકી દીધી.
ધારા આશ્ચર્ય સાથે દોડતી ગેલેરીમાં ગઈ અને સામેનો નજારો જોઈને સ્તબ્ધ થઈ ગઈ:
ગેલેરીમાંથી સામે જ કાચની ભવ્યતા સજીને ઊભેલી 'પતંગ હોટલ', નીચે કલકલ વહેતી સાબરમતી નદી, રિવરફ્રન્ટનો આખો કિનારો અને તેની પાછળ વિસ્તરેલું તેમનું એ વહાલું જૂનું શહેર... બધું જ ૧૨મા માળેથી એક જીવંત ચિત્ર જેવું દેખાતું હતું. અજયે ધારાની રોજની ખુશીને કાયમી સરનામું આપી દીધું હતું.
૧૨મા માળની એ કાચની ગેલેરીમાં ઊભા રહીને ધારા માત્ર અમદાવાદનો નજારો નહોતી જોઈ રહી, પણ પોતાની ભીતર ધરબાયેલી જૂની ધારાને ક્યાંક પાછળ છોડી રહી હતી. એ સાંકડી ગલીઓની ધારા, જે એમ માનતી હતી કે પ્રેમ એટલે ગુલાબ, પત્રો અને પડદા પર વાગતા વાયોલિનના સૂર. પણ આજે રિવરફ્રન્ટના ખુલ્લા આકાશ નીચે, પતંગ હોટલની ફરતી રોશની સામે તેની આંખો ખૂલી ગઈ હતી.
તેના વિચારોમાં એક આધુનિકતા આવી ગઈ હતી. આધુનિકતા એટલે માત્ર કપડાં બદલવા કે અંગ્રેજી બોલવું નહીં, પણ સંબંધોને તેની વાસ્તવિકતા અને ગરિમા સાથે સ્વીકારવાની આઝાદી. ધારાને સમજાયું કે ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે, તે વાસ્તવમાં એક ભ્રમ હોય છે—એક એવી કાચની દીવાલ જે જોવામાં સુંદર લાગે પણ જીંદગીના તડકા-છાંયડા સામે ટકી ન શકે.
જ્યારે અજયનો પ્રેમ? એ તો નદીના પટ પર ઊભેલી પતંગ હોટલના પાયા જેવો અડગ અને મજબૂત હતો, જે દેખાતો નહોતો પણ આખી ઈમારતને સાચવીને ઊભો હતો.
તેની વર્ષો જૂની માન્યતા આજે પીગળી ગઈ હતી. જે અજય તેને ક્યારેય "આઈ લવ યુ" નહોતો કહી શક્યો, જે અજય માટે લાગણીઓ વ્યક્ત કરવી એ દુનિયાનું સૌથી અઘરું કામ હતું, એ માણસે શબ્દો વગર જ પ્રેમની આખી નવલકથા લખી નાખી હતી. સ્માર્ટફોનની ગિફ્ટથી લઈને પોતાની વર્ષો જૂની આદતો અને વ્યસનોને એક ઝાટકે તિલાંજલિ આપી દેવી, અને છેલ્લે આ આખું આકાશ તેના નામે કરી દેવું—આનાથી મોટું રોમાન્સ બીજું શું હોઈ શકે?
ધારાનું આ પરિવર્તન હવે તેની રોજિંદી જિંદગીમાં સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. તે હવે અજય પાસે નાની-નાની અપેક્ષાઓ રાખનારી કે અબોલ સ્વભાવની ફરિયાદ કરનારી સામાન્ય પત્ની મટીને, અજયના મનને અને તેની નજરને વાંચનારી એક સશક્ત અને મેચ્યોર લાઈફ પાર્ટનર બની ગઈ હતી. અજય સાંજે ઓફિસેથી કે ફેક્ટરીએથી થાકીને ઘરે આવે, ત્યારે ધારા તેના અબોલ થાકને ચહેરા પરથી જ સમજી જતી. તે અજયને પરાણે બોલાવવાનો કે વાતો કરવાનો આગ્રહ ન રાખતી, પણ હળવા સ્મિત સાથે તેના હાથમાં ચાનો કપ આપી દેતી.
સાંજ ઢળતાં જ બંને ૧૨મા માળની ગેલેરીમાં આવીને બેસતા. સામે જ લાઈટોથી ઝળહળતી પતંગ હોટલ, રિવરફ્રન્ટનો આખો રોશનીથી ન્હાયેલો પટ અને નીચે વહેતું સાબરમતીનું શાંત પાણી જોઈને ધારાનો ચહેરો ખીલી ઉઠતો. તે એક નાના બાળકની જેમ એ અદભુત નજારામાં ખોવાઈ જતી અને ચાની ચુસ્કી લેતા લેતા દુનિયાભરનો સુકૂન શોધી લેતી.
પણ એ નજારા વચ્ચે પણ એક નજારો સાવ અલગ હતો. ધારા જ્યારે આખા અમદાવાદની રોશની જોવામાં મશગૂલ હોય, ત્યારે અજય પોતાની નજર બહારના નજારા પરથી હટાવીને એકીટશે ધારાના ચહેરાને જ નિહાળ્યા કરતો. તેની આંખોમાં ધારાની આ ખુશી જોવાના અખૂટ સંતોષ સિવાય બીજું કશું જ નહોતું.
જ્યારે ધારાનું ધ્યાન જતું કે અજય બહાર જોવાને બદલે તેને જ જોઈ રહ્યો છે, ત્યારે તે સહેજ શરમાઈને, આંખો નચાવીને હસતા-હસતા કહેતી, "આમ મને શું ટગર-ટગર જોયા કરો છો? આ બહારનો રિવરફ્રન્ટ નો અદભુત નજારો જુઓ, પતંગ હોટલ જુઓ, કેવી સરસ લાઈટો થાય છે!"
ત્યારે અજયના હોઠ પર એક સાચું અને વહાલભર્યું સ્મિત આવી જતું. હંમેશા શાંત રહેતો અજય ધારાની આંખોમાં આંખો પરોવીને ધીમેથી કહેતો, "મને બહારના કોઈ નજારામાં રસ નથી ધારા... મને તો બસ તને આમ ખુશ જોવામાં જ રસ છે. તું જ મારી આખી દુનિયા છે."
અજયના મોઢેથી આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને ધારાના દિલના ધબકારા વધી જતા. તે પોતાની આધુનિક અને રોમેન્ટિક અદાથી અજયની થોડી વધુ નજીક સરકતી, તેના શર્ટનો કોલર સહેજ સરખો કરતી અને આંખ મારીને લાડથી કહેતી, "બસ હોં! હવે આવા ફિલ્મી ડાયલોગ રહેવા દો... નહિતર સાચે જ તમારા પ્રેમમાં પડી જઈશ!"
અજય બસ હસી પડતો. તેની એ જિંદગી હવે માત્ર વાતો કે ખોટા દેખાડાથી નહીં, પણ એકબીજાના મૌનને, એકબીજાની શાંતિને અને આ શરારતી રોમાન્સને સમજીને બહુ સુંદર રીતે જીવાતી હતી.
રાતનો છેલ્લો પ્રહર હતો. આખું અમદાવાદ પોઢી ગયું હતું. ૧૨મા માળની ગેલેરીમાં ઠંડો પવન પતંગ હોટલના કાચને અડીને સીધો ધારાના ચહેરા પર આવી રહ્યો હતો. અજય પાછળથી આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં હજી પણ એ જ જૂનો શરમાળ અંદાજ હતો, પણ એ આંખોમાં હવે ધારા માટેનું આખું બ્રહ્માંડ સમાયેલું હતું.
અજયે ધીમેથી ધારાના ખભા પર હાથ મૂક્યો. ધારાએ પાછા ફરીને અજયની આંખોમાં જોયું. એ આંખોમાં કોઈ ફિલ્મી ડાયલોગ નહોતો, કોઈ આકર્ષક શાયરી નહોતી. પણ ધારા માટે હવે એ મૌન જ સૌથી સુંદર સંગીત હતું.
ધારા સહેજ હસી. તે આધુનિક સ્ત્રીની અદાથી અજયની એકદમ નજીક સરકી, તેનો હાથ પોતાના હાથમાં લીધો અને આંગળીઓ ભીંસી દીધી. તેણે અજયની આંખોમાં જોઈને ધીમા પણ મક્કમ અવાજે કહ્યું:
"અજય, મને ખબર છે તને બોલતા નથી આવડતું. પણ તેં જે મને આપ્યું છે ને... એ ખરીદવાની તાકાત ફિલ્મોના કોઈ હીરોમાં નથી. તેં મારું સપનું પૂરું કરવા તારું વ્યસન છોડ્યું, એ ક્ષણે જ તેં મને જીતી લીધી હતી. આ ઘર તો માત્ર એ પ્રેમનું સરનામું છે."
અજય કશું જ ન બોલ્યો. બસ, તેની આંખનો એક ખૂણો સહેજ ભીનો થયો. તેણે ધારાને મજબૂતાઈથી પોતાના આલિંગનમાં લીધી.
સામે જ, અંધારા આકાશમાં પતંગ હોટલ ધીમેથી ગોળ ફરી રહી હતી, નીચે સાબરમતી નદી કોઈ શાંત વહેતી કવિતા જેવી લાગતી હતી, અને જૂનું શહેર નવી લાઈટોના ઝગમગાટમાં ચમકી રહ્યું હતું.
ધારાએ અજયની છાતી પર માથું મૂકી દીધું. તેને સમજાઈ ગયું હતું કે જિંદગીની વાર્તા ત્યારે સુપરહિટ નથી થતી જ્યારે કોઈ તમારા માટે તારા તોડી લાવે, પણ ત્યારે સુપરહિટ થાય છે જ્યારે કોઈ તમારા નાના સપના માટે પોતાની ખરાબ આદતો છોડી દે, દિવસ રાત એક કરી મહેનત કરે.
એ રાત્રે, ૧૨મા માળની ગેલેરી સાક્ષી હતી—એક અબોલ માણસના અદભુત પ્રેમની અને એક આધુનિક સ્ત્રીના સાચા સંતોષની.