દોસ્તી, પ્રેમ ટપરી પર
દિલ્હીની કડકતી ઠંડી અને જાન્યુઆરી મહિનાની એ સાંજ. ઓલ્ડ રાજેન્દ્ર નગરની એક ફેમસ ચાની ટપરી પર UPSC એસ્પિરેન્ટ્સનું કીડીયારું ઉભરાયું હતું. આ ભીડમાં ચાર અલગ-અલગ દુનિયાના જીવો ભેગા થવાના હતા. આણંદનો શાંત અને ગંભીર કબીર એક ખૂણામાં ઊભો રહીને આઈપેડ (iPad) પર ઇકોનોમિક્સની ડિજિટલ નોટ્સ સ્ક્રોલ કરતો હતો, જ્યારે તેની બાજુમાં જ વડોદરાની બબલી છોકરી દિશા પોતાના આઈફોનમાં કરંટ અફેર્સની રીલ્સ જોતાં જોતાં ચાની રાહ જોતી હતી. ત્યાં જ ધક્કામુક્કીમાં દિશાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. કબીર અને દિશા બંને એકસાથે ફોન લેવા નમ્યા અને બંનેના હાથ એકબીજાને અડક્યા. કબીરે સ્માઈલ સાથે આઈફોન પાછો આપ્યો અને બંનેની નજરો મળી.
ત્યાં જ અમદાવાદના એક મોટા બિઝનેસમેનનો દીકરો આરવ, પોતાના વાંકા વળેલા ખભા પર ઓનલાઈન ક્લાસના ભારે ગેજેટ્સ લટકાવીને મોં બગાડતો ત્યાં આવ્યો. તેની પાછળ જ બિહારના એક નાના ગામમાંથી આવેલો સમીર, ગળામાં ગમછો નાખીને ટ્વિટર (X) પર ટ્રેન્ડિંગ પોલિટિકલ ન્યૂઝ જોતાં જોતાં નેતાજીની સ્ટાઈલમાં એન્ટ્રી મારી. ચારેય જણાએ ચાના ઓર્ડર આપ્યા અને ત્યાં જ સિવિલ સર્વિસીઝના સપના જોતા આ ચાર અજાણ્યા ચહેરાઓ વચ્ચે માટીના ચાર કુલ્હડ સાથે એક અનોખી દોસ્તીની શરૂઆત થઈ.
ધીમે ધીમે કરોલબાગની એક પ્રાઇવેટ લાઈબ્રેરી આ ચારેયનું કાયમી સરનામું બની ગઈ. સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી માત્ર સ્ટડી મટીરીયલ,પીડીએફ, ટેબ્લેટ્સ, ચેટજીપીટી ના પ્રત્યેક સવાલ-જવાબ અને લક્ષ્મીકાંતની ડિજિટલ દુનિયા!
આ ભણવાના કલાકો વચ્ચે કબીર અને દિશા વચ્ચે એક સાયલન્ટ પ્રેમ પાંગરી રહ્યો હતો. કબીર દિશાને ડિજિટલ નોટ્સ શેર કરતો અને દિશા કબીરના સ્ક્રીન ટાઈમના તણાવવાળા ચહેરા પર પોતાના જોક્સથી હાસ્ય લાવતી. એક રાત્રે લાઈબ્રેરીમાંથી પાછા ફરતી વખતે ચાની ટપરી પર પર કબીરે દિશાના કુલ્હડ પર પોતાનું કુલ્હડ 'ચીયર્સ' કરતા કહ્યું, "દિશા, આ ડિજિટલ દુનિયામાં બધું ઇન્સ્ટન્ટ (Instant) છે, પણ તારી સાથે વિતાવેલો આ ઓફલાઈન સમય જ અસલી સુકૂન છે."
દિશાએ કબીરની આંખોમાં જોયું, જ્યાં UPSCના સપનાની સાથે તેના માટેનો પ્રેમ પણ ચોખ્ખો દેખાતો હતો.
ત્યાં જ બાજુમાંથી આરવે કટાક્ષમાં હસતા હસતા પંચ લાઇન મારી, "વાહ રે મજનૂ! સાંભળ દિશા... પ્રેમ અને UPSCની પ્રિલિમ્સ બંને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જેવા છે! પાંચ સેકન્ડનું ડિસ્ટ્રેક્શન થાય ને, તો હોશ ઉડી જ જાય છે. પણ નસીબદાર છે એ લોકો, જેમને સોશિયલ મીડિયા પર ધોકો મળ્યા પછી પણ, ટપરી પર 'ગરમાગરમ ચા' ઓફલાઈન મળી જાય છે! ઇશ્ક કરવો હોય તો દિલ્હીની આ ચા જેવો કરજો સાહેબ... ભલે વાઈફાઈ 5G હોય, પણ દિલનું કનેક્શન ૧ ડીગ્રી મજબૂત હોવું જોઈએ!"
દિશા હજી શરમાઈને લાલચોળ થતી હતી ત્યાં જ સમીર ઇન્સ્ટા લાઈવના મૂડમાં હાથ હવામાં લહેરાવતા બોલ્યો, "બિલકુલ સચોટ વાત છે! આજની આ જનરેશન ડિજિટલ વેલિડેશન અને લાઈક્સ પાછળ પાગલ છે દિશા બહેન! જો ફોલોઅર્સ ઘટે તો ડિપ્રેશન આવી જાય છે. પણ આ ચા? ચા તો આપણું ફાયરવોલ છે! ગમે તેટલા સર્વર ડાઉન થાય, ચા ક્યારેય હેંગ થવા દેતી નથી મગજને. અને સાંભળો, પ્રેમમાં પડેલો માણસ જો રીલ્સ જોઈને ટાઈમ બગાડે, તો એ દેશના ડેટા લોસ બરાબર છે. પણ જો એ જ પ્રેમ તાકાત બની જાય, તો તમે ડિજિટલ ઇન્ડિયાના ઓફિસર બનો છો! ઇશ્ક કરો, પણ એવો કરો કે તમારી સક્સેસ સ્ટોરી આખી દુનિયામાં ટ્રેન્ડિંગ થઈ જાય!"
આરવે તરત સમીરને ધક્કો મારતા કહ્યું, "બંધ કર તારું ઓનલાઈન ભાષણ નેતા! તું IAS બનવા આવ્યો છે કે ડિજિટલ ઇન્ફ્લુએન્સર બનવા? આમેય તારી નોટિફિકેશન્સના અવાજમાં મારો ફોકસ મોડ ડાઉન થઈ ગયો છે. અને દિશા, જો કરિયર નહિ હોય ને, તો પ્રેમ પણ ફોન મેમરીની જેમ 'આઉટ ઓફ સ્પેસ' થઈ જશે. છોકરીના પપ્પા ક્યારેય બાયોમાં 'રીલેશનશિપ સ્ટેટસ' નહિ જુએ, એ તો લિંક્ડઇન પર પ્રોફાઈલ જોશે! એટલે પહેલા લાલ બત્તી મેળવો, બ્લુ ટિક તો પછી પણ મળી જશે!"
મે મહિનો નજીક આવ્યો અને UPSC પ્રિલિમ્સનો પ્રેશર કૂકર જેવો માહોલ ઓલ્ડ રાજેન્દ્ર નગરની ગલીઓમાં વરતાવા લાગ્યો. સમીર પર ઘરનું ભારે દબાણ હતું અને સાથે સોશિયલ મીડિયા પર સાથીદારોની સક્સેસ જોઈને થતો 'ફોમો' તેને કોરી ખાતો હતો. પ્રેશરમાં સમીર ડિપ્રેશનમાં આવી ગયો અને આઈપેડ બંધ કરીને બેસી ગયો કે "હવે મારાથી નથી થતું ભાઈ, મારો હ્યુમન ઇન્ટેલિજન્સ ડેટા ક્રેશ થઈ ગયો છે."
ચાની ટપરી પર આરવે તરત જ પોતાની ખાસ ડિજિટલ પણ ધારદાર સ્ટાઈલમાં આંખો મોટી કરીને મોટો મોટીવેશનલ ડાયલોગ માર્યો, "એય નેતા! ડિજિટલ ડેટા બંધ કર ને રિયલ લાઈફમાં આવ! તારા ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સમીર બાબુ ઓફલાઈન સહી કરવા આવે. તારી આંખો સ્ક્રીન જોઈને થાકી ગઈ છે? મારી પણ સ્માર્ટફોન વાપરીને વાંકી થઈ ગઈ છે, તોય હું મોક ટેસ્ટ આપું છું ને! યાદ રાખજો દોસ્તો, આ રાતો જાગીને જે આંખો નીચે ડાર્ક સર્કલ પડ્યા છે ને, એ કોઈ ફોનનું રેડિયેશન નથી... એ આવનારા ઓફિસરના તેજની સહી છે! જ્યાં સુધી પ્રીલિમ્સ ક્રેક નહિ કરીએ, ત્યાં સુધી સોશિયલ મીડિયા અનઇન્સ્ટોલ જ રહેશે!"
કબીરે પણ જોશમાં આવીને ઉમેર્યું, "રાઈટ આરવ! UPSC કોઈ ૧૫ સેકન્ડની રીલ નથી, આ આખી વેબ સિરીઝ છે. દરરોજ સવારે પ્રોસેસર રીબુટ કરવું પડે છે. આપણી પાસે ક્વિટ કરવાનો કોઈ ઓપ્શન જ નથી."
સમીર ફરી ઉત્સાહમાં આવી બોલ્યો, "હા ભાઈ હા! આપણા લોહીમાં વાયરસ નથી, ક્રાંતિ છે! જે આજે નોટિફિકેશન સાઈડમાં મૂકીને મહેનત કરશે, તે કાલે દેશની કિસ્મત ઓનલાઈન બદલશે!"
પરીક્ષા થઈ અને રિઝલ્ટ આવ્યું ત્યારે મોટો આંચકો લાગ્યો. કબીર, દિશા અને સમીર ત્રણેય પ્રિલિમ્સ પાસ કરી ગયા, પણ વધુ પડતા ઓનલાઈન ડિસ્ટ્રેક્શન અને સોશિયલ મીડિયાના મોહમાં આરવ ફેલ થઈ ગયો. જે આરવ હંમેશા હસતો રહેતો, તે સ્માર્ટફોન સ્વિચ ઓફ કરીને રડી પડ્યો.
પણ કબીરે તેને ખભે હાથ મૂક્યો: "આરવ, આ અટેમ્પ્ટ તારો ઓફલાઈન ભલે નહોતો, પણ આગલી વખતે તું જ ટોપ કરીશ." આરવે હિંમત ભેગી કરી, બધો ડિજિટલ કચરો ડિલીટ કર્યો અને પોતાના મિત્રો માટે મેઇન્સની તૈયારીમાં રાત-દિવસ એક કરીને ડિજિટલ સપોર્ટ સિસ્ટમ બની ગયો.
હવે કબીર અને દિશા વચ્ચે પ્રેમ તો હતો, પણ સ્ક્રીન ટાઈમ બિલકુલ નહોતો. મેઇન્સ માટે દિવસના ૧૪ કલાકો કીબોર્ડ અને કાગળ પર આન્સર રાઇટિંગ કરવું પડતું. ઘણીવાર દિશા ડિજિટલ બર્નઆઉટ થઈને રડી પડતી, ત્યારે કબીર તેના રૂમની બહાર ચાની ટપરી પરથી લાવેલ ચાનો કુલ્હડ મૂકી આવતો અને વોટ્સએપ પર મેસેજ કરતો: "સ્ટ્રોન્ગ બન, તારો ઇન્ટરવ્યુ ધૌલપુર હાઉસમાં લાઈવ થવાનો છે." બંનેએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ફાઇનલ પીડીએફ લિસ્ટમાં નામ ન આવે, ત્યાં સુધી કરિયર જ ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે.
મેઇન્સ ક્લિયર થઈ ગઈ. સમીર અને કબીર ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા, પણ દિશા માત્ર થોડા માર્ક્સ માટે મેઇન્સમાં રહી ગઈ. દિશા તૂટી ગઈ અને સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈને વડોદરા પાછી ભાગી જવા માંગતી હતી. ત્યારે કબીરે ધોલપુર હાઉસ (UPSC ઓફિસ)ની બહાર ઊભા રહીને દિશાનો સેલ્ફી કેમેરો ઓન કર્યો અને તેનો હાથ પકડીને કહ્યું, "દિશા, હું ઇન્ટરવ્યુ આપવા અંદર ત્યારે જ જઈશ જો તું વચન આપીશ કે તું ડિજિટલ વર્લ્ડમાંથી ગાયબ નહિ થાય, પણ આવતા વર્ષે મારી સાથે અહીં ઑફિસર બનીને આ જ કેમેરામાં વિજયી સ્માઈલ આપીશ." દિશાએ આંસુ લૂછીને હસતા હસતા હા પાડી.
ફાઇનલ રિઝલ્ટના દિવસે આખું ઇન્ટરનેટ ધ્રૂજી ઉઠ્યું. સમીર ઓલ ઇન્ડિયા રેન્ક ૪૫ સાથે IAS બની ગયો! તેના ઇન્સ્ટાગ્રામ પર કોન્ગ્રેચ્યુલેશન્સની રીલ્સ વાયરલ થઈ ગઈ. કબીરનો રેન્ક ૧૧૨ આવ્યો અને તેને IPS મળ્યું.
ઓલ્ડ રાજેન્દ્ર નગરની એ જ ચાની ટપરી પર આજે ચારેય મિત્રો છેલ્લી વાર ભેગા થયા હતા. સમીર અને કબીર હવે ઓફિસર બનવાના હતા, આરવ આગામી પ્રિલિમ્સ માટે ફોકસ મોડ ઓન કરીને નોટ્સ બનાવતો હતો, અને દિશા કબીરના આઈપેડની જૂની નોટ્સ સાથે નવેસરથી ઓનલાઈન લડવા તૈયાર હતી. કબીરે ચાવાળા ભાઈને કહ્યું, "આજે ચાર કુલ્હડ ચા... મારા તરફથી." કબીરે લિસ્ટમાં પોતાનું નામ આવ્યા પછી પહેલીવાર દિશાનો હાથ બધાની સામે પકડ્યો.
ચારેય મિત્રો મોટેથી હસી પડ્યા: "રાજેન્દ્ર નગરની ગલીઓ સાંકડી હોઈ શકે, પણ અહીંયા વસતા એસ્પિરેન્ટ્સના સપના આકાશ જેવા મોટા હોય છે... અહીંયા પ્રેમ પણ થાય છે અને કરિયર પણ બને છે, બસ શરત એટલી કે દિલમાં ઝનૂન અને આંખોમાં લાલ બત્તીનું સપનું ને હાથમાં ગરમાગરમ ચાની ટાઢક હોવી જોઈએ! કારણ કે સાહેબ, આ દિલ્હીમાં લાઈબ્રેરીની સીટ અને ગેજેટ્સ ભલે બદલાય, પણ ચાની ટપરી પર લખાતી દોસ્તી અને પ્રેમનો ઇતિહાસ ક્યારેય નથી બદલાતો!" ચાર કુલ્હડ એકબીજા સાથે અથડાયા, અને ચાની એ સુગંધ દિલ્હીની હવામાં હંમેશ માટે ઓગળી ગઈ.