અસવાર - ભાગ 10 Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસવાર - ભાગ 10

ભાગ ૧૦: રણભેરી: મોતની બાજી


સમય: રેસની આગલી રાત (કાળી ચૌદશ જેવી અંધારી રાત)
સ્થળ: દેવાયતની ડેલી

આવતીકાલે જસદણના મેદાનમાં મહા-મુકાબલો હતો. સાણથલી ગામ તો ક્યારનુંય ઘસઘસાટ ઊંઘતું હતું, પણ દેવાયતની ડેલીમાં ભયાનક સુનકાર હતો. રાતના બે વાગ્યા હતા. આકાશમાં ચાંદો વાદળો પાછળ સંતાઈ ગયો હતો, જાણે કોઈ દગાનું સાક્ષી થવા ન માંગતો હોય.

દેવાયતે આજે પોતાની પથારી ઓસરીમાં નહીં, પણ તબેલામાં જ, સારંગના પગ પાસે કરી હતી. તેને કોઈના પર ભરોસો નહોતો. બાજુમાં ટીનો પણ ગમાણમાં જ લપાઈને સૂતો હતો. ફાનસની વાટ ધીમી હતી, જે હવાના સુસવાટા સાથે થડકતી હતી.

અચાનક, સારંગે કાન સરવા કર્યા. જાનવરની છઠ્ઠી ઈન્દ્રિય માણસ કરતા તેજ હોય છે. હવામાં કંઈક અલગ ગંધ હતી – દગાની ગંધ.

ડેલીની પાછળની દીવાલ પરથી બે કાળા પડછાયા અંદર કૂદ્યા. પગમાં મોજા પહેરેલા હતા એટલે અવાજ ન આવ્યો. આ વિક્રમસંગના ખાસ માણસો હતા. હાથમાં એક પોટલી હતી જેમાં અફીણ અને ધતૂરો ભેળવેલા લાડુ હતા. વિક્રમસંગનો પ્લાન સાફ હતો – ઘોડાને મારી નાખવો નથી, બસ નશો કરાવી દેવો છે જેથી સવારે તે ઉભો જ ન થઈ શકે.

ચોર દબાતા પગે સારંગ તરફ વધ્યા. સારંગ શાંત હતો, પણ તેની આંખો અંધારામાં અંગારાની જેમ ચમકતી હતી. તે ઉભો થયો. તેના નસકોરાં ફુલવા લાગ્યા.

એક માણસે ધીમેથી લાડુ કાઢ્યો અને સારંગના મોઢા પાસે ધર્યો. “લે બેટા... ખાઈ લે... મીઠો છે.”

સારંગે લાડુ સૂંઘ્યો. તેને અફીણની તીવ્ર, કડવી વાસ આવી. પળવારમાં સારંગનું રૂપ બદલાઈ ગયું. જે સારંગ ટીનાના હાથે રોટલો ખાતો હતો, તે હવે રાક્ષસ બની ગયો. તેને યાદ આવી ગયું પેલા વણઝારાનું અત્યાચાર.

હિ...હિ...ણ...ણ...

રાતની શાંતિ ચીરાઈ ગઈ. સારંગે જોરથી ત્રાડ નાખી અને પાછલા પગે એવો તો પાટું માર્યો કે પેલો માણસ દડાની જેમ ઉછળીને સીધો સામેની ભીંત સાથે અથડાયો. તેના મોઢામાંથી લોહીની કોગળી નીકળી ગઈ.

“ચોર! ચોર!” દેવાયતની આંખ ઝબકીને ખૂલી ગઈ. તે સફાળો બેઠો થયો. ટીનો ચીસ પાડીને જાગી ગયો.

બીજો માણસ ગભરાઈ ગયો. તેણે જોયું કે પ્લાન નિષ્ફળ ગયો છે અને સાથીદાર ઘાયલ છે. તેણે કમરેથી છરો કાઢ્યો અને સારંગની નસ કાપવા દોડ્યો.

“સારંગ! હુમલો!” દેવાયતે પોતાની ખાસ સીટી વગાડી – ચ...ચ...ચ...

સારંગે આગલા બે પગ હવામાં ઉંચા કર્યા અને પેલા માણસની છાતી પર પ્રહાર કરવા ગયો. માણસ જીવ બચાવીને ગબડ્યો.

દેવાયતે પોતાની પાસે પડેલી લાકડીનો ઘા કર્યો. બંને ચોર લંગડાતા લંગડાતા, જીવ બચાવીને દીવાલ કૂદીને ભાગ્યા. જતા જતા તેઓ એક ધમકી આપતા ગયા – “બચી ગયા આજે લંગડા, પણ કાલે રેસમાં જીવતા નહીં જાઓ!”

જમનાબા અને રૂપા ફાનસ લઈને દોડી આવ્યા.

ફાનસના અજવાળે દેવાયતે જોયું. સારંગ હાંફતો હતો, તેનું શરીર પરસેવે રેબઝેબ હતું. જમીન પર પેલો ઝેરી લાડુ પડ્યો હતો જેમાંથી કડવી વાસ આવતી હતી.

“જોયું ટીના?” દેવાયતે લાડુ બતાવતા કહ્યું. “આ લોકો ડરી ગયા છે. જો આપણી જીત નક્કી ના હોત, તો એમણે આવો નીચ દાવ ના રમવો પડત.”

ટીનો ધ્રૂજતો હતો. “દેવાભાઈ, આ લોકો બહુ ખરાબ છે. આપણને મારી નાખશે.”

“મરદ છીએ ટીના, મરશું તો મેદાનમાં મરશું, આમ પથારીમાં નહીં.” દેવાયતે ટીનાના માથે હાથ મૂક્યો. “હવે સુઈ જા, કાલે સવારે આપણે ઈતિહાસ રચવાનો છે.”

બીજા દિવસે સવારે: જસદણનું રેસકોર્સ મેદાન

સવારનો સૂરજ ઉગ્યો ત્યારે વાતાવરણમાં યુદ્ધના નગારા વાગતા હતા. જસદણના મેદાનમાં હજારોનું કીડિયારું ઉભરાયું હતું. આખું સૌરાષ્ટ્ર ‘લંગડા અસવાર’ અને ‘ગાંડા ઘોડા’ ની રેસ જોવા ઉમટી પડ્યું હતું.

મેદાનની ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડતી હતી. લાઉડસ્પીકર પર જૂના ફિલ્મી ગીતો વાગતા હતા અને વચ્ચે વચ્ચે એનાઉન્સરની બૂમો સંભળાતી હતી – “હેલો... હેલો... માઈક ટેસ્ટિંગ...”

મેદાનની બહાર મેળા જેવું વાતાવરણ હતું. ભજિયા અને ગાંઠિયાની લારીઓ પર ભીડ હતી. લોકો પાઘડીઓ સરખી કરતા હતા અને શરતો લગાવતા હતા.

“કોણ જીતશે? પેલો વિક્રમસંગ?”

“હા હો, એની પાસે ‘સિકંદર’ છે, અરબી ઘોડો છે. લાખો રૂપિયાનો ઘોડો!”

“પણ પેલો દેવાયત પણ કાંઈ કમ નથી, સાંભળ્યું છે કે એના ઘોડામાં વીજળી છે.”

એક તરફ વિક્રમસંગનો મોટો તંબુ હતો. ત્યાં ખુરશીઓ લાગેલી હતી, શરબત પીવાતા હતા. વિક્રમસંગ રાજાની જેમ બેઠા હતા. તેમનો ઘોડો ‘સિકંદર’ સફેદ રેશમી ઝૂલ ઓઢીને ઉભો હતો. તેના પગમાં કિંમતી તોડા હતા.

અને બીજી તરફ... મેદાનના છેવાડે એક લીમડાના ઝાડ નીચે દેવાયતની ટીમ હતી.

કોઈ તંબુ નહીં, કોઈ ખુરશી નહીં. દેવાયત વ્હીલચેર પર હતો. રૂપા અને જમનાબા જમીન પર બેઠા હતા. ટીનો સારંગની લગામ પકડીને ઉભો હતો. સારંગના શરીર પર કોઈ રેશમી ઝૂલ નહોતી, પણ તેની કાળી ચમકતી ચામડી જ તેનું ઘરેણું હતું. જમનાબાએ તેના કપાળે કંકુનું મોટું તિલક કર્યું હતું અને ગળામાં હજારીગલના ફૂલનો હાર હતો.

“ટીના, ડરતો નહીં,” દેવાયત ટીનાના બુટની દોરી સરખી કરાવતો હતો. “આ ભીડ જોઇને ગભરાતો નહીં. તારે ખાલી સારંગના કાન વચ્ચે જોવાનું છે, બીજે ક્યાંય નહીં.”

ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું. “બધા અસવારો સ્ટાર્ટિંગ લાઈન પર આવી જાઓ!”

હૃદયના ધબકારા વધી ગયા.

૧૧ ઘોડા લાઈનમાં ઉભા રહેવા આગળ વધ્યા.

જમનાબા માતાજી ને બે હાથ જોડી પ્રાર્થના કરે છે કે :

“હે માં! આજ તારા છોરુની લાજ તારા હાથમાં છે.

રાંઢવું (દોરડું) તૂટે તો સાંધું, પણ ભરોસો તૂટવા નો દેતી!

મારો દેવાયત તારા ભરોસે મેદાનમાં ઉતર્યો છે, રક્ષા કરજે માવડી!”

વિક્રમસંગ પોતાના ઘોડા પર સવાર થઈને દેવાયતની બાજુમાંથી નીકળ્યા. તેમણે સારંગ સામે જોઈને થૂંક્યું.

“હજી સમય છે લંગડા! પાછો વળી જા. રાતે જે થયું એ તો ટ્રેલર હતું, પિક્ચર તો હવે બાકી છે. આ છોકરાના હાડકાં ગણવા અઘરા પડશે.”

દેવાયતે હસીને જવાબ આપ્યો, “વિક્રમભાઈ, સિંહને ટ્રેલરની જરૂર નથી હોતી. મેદાન તૈયાર છે, આવી જાવ.”

ટીનો સારંગને લઈને લાઈન પર પહોંચ્યો. તે સૌથી નાનો હતો. બાકીના બધા અસવારો મૂછોવાળા અને અનુભવી હતા. ટીનાના હાથ ધ્રૂજતા હતા. સારંગ પણ ભીડનો ઘોંઘાટ અને ઢોલના અવાજથી અકળાતો હતો. તે માથું હલાવતો હતો.

“શાંત... સારંગ શાંત...” ટીનો ગણગણ્યો, પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો.

દેવાયત વ્હીલચેર લઈને રેલિંગની એકદમ નજીક આવી ગયો. તેની નજર સારંગ પર ચોંટેલી હતી. તે જોઈ શકતો હતો કે સારંગ તણાવમાં છે.

રેફરીએ હાથમાં લાલ ઝંડી અને બંદૂક લીધી.

“તૈયાર?”

આખું સ્ટેડિયમ શાંત થઈ ગયું. હજારો લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. પવન પણ થંભી ગયો. ટીનાને પોતાની છાતીમાં થડકારા સંભળાતા હતા. વિક્રમસંગે લગામ કસી.

રેફરીએ બંદૂક આકાશ તરફ તાકી.

એક સેકન્ડ... બે સેકન્ડ... અને...

ઢિસક્યાઉં! (બંદૂકનો અવાજ)

દરવાજા ખુલ્યા!

૧૧ ઘોડાઓ વીજળીના વેગે છૂટ્યા. ધૂળનું વાદળું ઉડ્યું. વિક્રમસંગનો સિકંદર તો તીરની જેમ આગળ નીકળ્યો.

પણ... સારંગ?

સારંગ પોતાની જગ્યાએથી હલ્યો નહીં!

બંદૂકના અવાજથી સારંગ ભડકી ગયો. દોડવાને બદલે, ડરના માર્યા તે પાછલા બે પગે ઉભો થઈ ગયો અને જોરથી હણહણ્યો.

“સારંગ! દોડ!” ટીનાએ રડમસ અવાજે ચીસ પાડી. તેણે એડી મારી, પણ સારંગ ગોળ ગોળ ફરવા લાગ્યો. તેનું જૂનું ગાંડપણ, પેલો વણઝારાના ચાબુકનો ડર પાછો આવી ગયો હોય તેમ લાગતું હતું.

વિક્રમસંગ અને બાકીના ઘોડાઓ ૧૦૦ ફૂટ આગળ નીકળી ગયા હતા. અને સારંગ હજી સ્ટાર્ટિંગ લાઈન પર નાચતો હતો.

પ્રેક્ષકોમાં હાહાકાર મચી ગયો.

“ગયો! લંગડો હારી ગયો!”

“આ ગાંડા ઘોડા પર ભરોસો કરાય?”

“બિચારો છોકરો પડી જશે!”

જમનાબાએ ‘હે મેલડી મા’ કહીને આંખો બંધ કરી દીધી. રૂપાના શ્વાસ અટકી ગયા. તે દેવાયતનો હાથ પકડીને રડી પડી.

દેવાયતની મુઠ્ઠીઓ વ્હીલચેર પર ભીંસાઈ ગઈ. નસો ફૂલી ગઈ. શું બધું ખતમ? શું આટલી મહેનત, આટલા ઉજાગરા બધું ધૂળમાં? એક લાખ રૂપિયા અને ઈજ્જત બંને હાથમાંથી સરકી રહ્યા હતા.

ના! હજી એક રસ્તો હતો.

દેવાયતે ઊંડો શ્વાસ લીધો. ફેફસામાં હવા ભરી. તેણે પોતાની બંને આંગળીઓ મોઢામાં નાખી. અને એક એવી તો તીણી સીટી વગાડી જે હજારોના કોલાહલને ચીરીને, પવનને કાપીને સીધી સારંગના કાન સુધી પહોંચી.

વ્હી...ઈ...ઈ...ત! (ખાસ ઈશારો: આક્રમણ!)

આ અવાજ કોઈ સામાન્ય સીટી નહોતી. આ અવાજમાં સારંગ માટેનો ભરોસો હતો.

આ અવાજ સારંગના મગજમાં કરંટની જેમ ઉતર્યો. ઘોંઘાટ બંધ થઈ ગયો. તેને યાદ આવ્યું કે તેનો અસવાર તેની સાથે છે.

સારંગ શાંત થયો. તેણે જમીન પર આગલા પગ પછાડ્યા. નસકોરાં બોલાવ્યા. અને પછી... એક શિકારી ચિત્તાની જેમ શરીર સંકોચ્યું અને છલાંગ મારી.

બધા ઘોડાઓ બહુ આગળ હતા. વિક્રમસંગ જીતની નજીક હતો. સારંગે દોડવાનું શરૂ કર્યું, પણ શું તે આટલું મોટું અંતર કાપી શકશે? શું તે પવનને પાછળ રાખી શકશે?

રેતીના મેદાનમાં હવે માત્ર ઘોડા નહોતા દોડતા, દેવાયતના સપના, રૂપાના દાગીના અને ટીનાનું ભવિષ્ય દોડતું હતું.

(ક્રમશ: ભાગ-૧૧ માં જુઓ – રેતીમાં રોપાયેલું આકાશ)