ભાગ ૯: અડગ મનનો મુસાફર
સમય: સપ્ટેમ્બર, ૨૦૦૦ (રેસના ૧૦ દિવસ પહેલા)
સ્થળ: સાણથલી ગામનું નદીનું કોતર
રેસ આડે હવે માત્ર ૧૦ દિવસ બાકી હતા. સાણથલી ગામ તો ઘોર નિદ્રામાં હતું, પણ દેવાયતની ડેલીમાં પરોઢિયે ૩ વાગ્યે જ ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.
જમનાબા જાગી ગયા હતા. ચૂલા પર દેવાયત અને ટીના માટે ગરમાગરમ ‘રાબ’ (બાજરાના લોટ અને ગોળનું પીણું) તૈયાર થતી હતી. ટીનો હજી ઓસરીના ખૂણામાં આંખો ચોળતો હતો.
“ઉઠ મારા હાવજ!” જમનાબાએ ટીનાના માથે હાથ ફેરવ્યો. “જો તારા ગુરુ ક્યારનાય તૈયાર થઈને વ્હીલચેરમાં બેઠા છે.”
ટીનાને આ સ્પર્શમાં પોતાની મરેલી મા યાદ આવી ગઈ. અનાથ ટીનાને વર્ષો પછી કોઈએ ‘બેટા’ કહીને જગાડ્યો હતો.
નદીના સૂકા કોતરમાં ધૂળની ડમરી ઉડતી હતી.
“પકડી રાખ! લગામ છોડતો નહીં ટીના!” દેવાયત વ્હીલચેર પર બેઠો બેઠો રાડ પાડતો હતો.
૧૨ વર્ષનો ટીનો સારંગની પીઠ પર હતો. સારંગ હવામાં ઉછળતો હતો. ટીનાના નાના હાથ લગામ પર કસાયેલા હતા, પણ ડરને કારણે તેનું આખું શરીર ધ્રૂજતું હતું. સારંગે એક જોરદાર આંચકો માર્યો અને...
ધડામ!
ટીનો ઉછળીને રેતીમાં પડ્યો. આ વખતે તે ખરાબ રીતે પડ્યો હતો. તેનું મોઢું રેતીમાં ખૂંપી ગયું અને કોણીમાંથી લોહી નીકળ્યું.
સારંગ થોડે દૂર જઈને ઉભો રહી ગયો અને જોરથી હણહણ્યો.
ટીનો ઉભો થયો. દર્દ અને અપમાનથી તે રડી પડ્યો.
“મારાથી નહીં થાય દેવાભાઈ... મારાથી નહીં થાય!” ટીનો રડતા રડતા બોલ્યો. “આ રાક્ષસ છે, આ મને મારી નાખશે. મારે નથી જોઈતા પૈસા, મારે ઘરે જવું છે.”
તેણે લગામ ફેંકી દીધી અને ભાગવા ગયો.
“ઉભો રહે!” દેવાયતનો અવાજ કોતરમાં પડઘાયો. “કાયરની જેમ ભાગે છે?”
દેવાયતનો ગુસ્સો જોઈને ટીનો વધારે ડરી ગયો. પણ ત્યાં જ પાછળથી એક નરમ અવાજ આવ્યો.
“ખમ દેવા! છોકરો છે, ડરી ગયો છે.”
જમનાબા, જે રૂપા સાથે ત્યાં ઉભા હતા, તે દોડીને ટીના પાસે ગયા. તેમણે પોતાના સાડલાના છેડાથી ટીનાનું મોઢું લૂછ્યું અને તેને છાતીએ ચાંપ્યો. ટીનો જમનાબાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો.
“રડ મા મારા દીકરા. વાગ્યું છે?” જમનાબાએ ટીનાના ઘા પર ફૂંક મારી. “જો, આ તો મરદના ઘરેણાં છે. લોહી નીકળે તો જ પાકો અસવાર બનાય.”
પછી જમનાબાએ દેવાયત સામે જોયું. “તું ગુરુ છે દેવા, પણ આ હજી બાળક છે. એને પ્રેમથી સમજાવ.”
દેવાયતનો ગુસ્સો ઓગળી ગયો. માની વાત તેના ગળે ઉતરી ગઈ. તેણે વ્હીલચેર નજીક લીધી.
“ટીના, બા સાચું કહે છે. જો હું તને વઢું , તો સમજજે કે હું તારા ભલા માટે કહું છું. આપણે આ રેસ જીતવી છે ને?”
ટીનાએ આંસુ લૂછ્યા અને હકારમાં માથું હલાવ્યું. જમનાબાએ લાવેલો ગોળનો ગાંગડો ટીનાના મોઢામાં મૂક્યો. “લે, મોઢું મીઠું કર અને ચડી જા પાછો ઘોડા પર. મારી મેલડી મા તારી રક્ષા કરશે.”
માના આશીર્વાદ અને ગોળની મીઠાશ ટીનામાં નવી શક્તિ ભરી દીધી. તે ફરીથી સારંગ પાસે ગયો. આ વખતે તેના પગમાં ધ્રુજારી નહોતી.
બપોરના બાર વાગ્યા. દેવાયત, ટીનો અને સારંગ – ત્રણેય પરસેવે રેબઝેબ હતા.
વડલાના છાંયે જમણવાર થયો. જમનાબાએ આજે ટીના માટે ખાસ ઘી-ગોળ વાળો રોટલો બનાવ્યો હતો. જે થાળીમાં પહેલા દેવાયત જમતો, આજે એ જ થાળીમાં જમનાબા ટીનાને પોતાના હાથે કોળિયા ખવડાવતા હતા.
“ખાઈ લે બેટા, શરીરમાં તાકાત હશે તો જ સારંગને કાબૂમાં રાખી શકીશ,” જમનાબા બોલ્યા.
ટીનાની આંખો ભરાઈ આવી. તેણે દેવાયત સામે જોયું. દેવાયત હસ્યો, “જોતો શું છે? હવે તું આ ઘરનો નાનો દીકરો છે.”
તે દિવસે એક અદભૂત બોન્ડિંગ થયું. ટીનાએ પોતાના ભાગનો અડધો રોટલો સારંગને ખવડાવ્યો. સારંગે ટીનાના હાથમાંથી રોટલો ખાધો અને ટીનાના ખભા પર માથું મૂક્યું.
“જોયું મા?” દેવાયત બોલ્યો, “સારંગ પણ સમજી ગયો કે ટીનો હવે પારકો નથી.”
દિવસો વીતતા ગયા. જમનાબાની પ્રાર્થના અને દેવાયતની ટ્રેનિંગ રંગ લાવી રહી હતી.
દેવાયતે એક નવી ભાષા શીખવાડી હતી - સીટીની ભાષા.
એક લાંબી સીટી = દોડ
બે ટૂંકી સીટી = ધીમો પડ
ત્રણ ટૂંકી સીટી = અટક
અને એક ખાસ અવાજ... ‘ચ...ચ...ચ...’ - આક્રમણ.
હવે ટીનો લગામ નહોતો પકડતો. તે સારંગની પીઠ પર ચોંટી જતો હતો. દેવાયત વ્હીલચેર પર બેસીને સીટી વગાડતો, અને સારંગ હવામાં ઉડતો.
આઠમો દિવસ.
સાંજનો સમય હતો. વિક્રમસંગ ગામના પાદરેથી પોતાની બુલેટ પર નીકળ્યા. તેમણે જોયું કે નદીના કોતરમાં ધૂળ ઉડે છે.
જે દ્રશ્ય એમણે જોયું, તે જોઈને એમની બુલેટની બ્રેક વાગી ગઈ.
એક કાળો ઘોડો વીજળીના વેગે વર્તુળમાં દોડતો હતો. તેની પીઠ પર પેલો નાનો ટીનો બેઠો હતો. અને બાજુમાં જમનાબા હાથમાં માળા લઈને ઉભા હતા, જાણે કોઈ સુરક્ષા કવચ હોય.
સારંગના પગ જમીન પર પડતા જ નહોતા, તે હવામાં હતો. ટીનાના ચહેરા પર એક અજીબ આત્મવિશ્વાસ હતો.
વિક્રમસંગના કપાળ પર પરસેવો વળી ગયો. “આ લંગડાએ અને આ ડોશીએ મળીને તો આ જાનવરને તૈયાર કરી દીધો!” તેમના મનમાં પહેલીવાર હારનો ડર પેઠો. તેમણે ગાડી વાળી લીધી, પણ મનમાં ગાંઠ વાળી કે સીધી રીતે નહીં જીતી શકાય તો આડી રીતે જીતવું પડશે.
રાતે જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ, ત્યારે ટીનો થાકીને લોથપોથ થઈ ગયો હતો.
જમનાબાએ ગરમ પાણીમાં મીઠું નાખીને ટીનાના અને દેવાયતના પગ શેક્યા.
“ટીના,” જમનાબાએ ટીનાના માથે હાથ મૂકતા કહ્યું, “આજ સુધી મેં દેવાયત માટે માનતાઓ માની હતી, પણ આજથી મારી બધી પ્રાર્થના તારા માટે છે. તું મારો બીજો અસવાર છે.”
“સાચે બા?” ટીનાની આંખો ચમકી.
“હા બેટા. દેવાયત મગજ છે, પણ તું આ ઘરના પગ છે.”
એક ફાનસના અજવાળે આખું કુટુંબ ભેગું હતું. દેવાયત, રૂપા, જમનાબા, ટીનો અને ખૂંટા પર બંધાયેલો સારંગ. એક તૂટેલું ઘર હવે પ્રેમથી સંધાઈ ગયું હતું.
હવે બસ બે દિવસ બાકી હતા. રણમેદાન તૈયાર હતું. પણ દેવાયતને ખબર નહોતી કે વિક્રમસંગે જીતવા માટે એક નીચ દાવ વિચાર્યો હતો. રેસના આગલા દિવસે કંઈક એવું થવાનું હતું જે દેવાયતની આખી મહેનત પર પાણી ફેરવી શકે તેમ હતું.
(ક્રમશ: ભાગ-૧૦ માં જુઓ – રણભેરી: મોતની બાજી)