અસવાર - ભાગ 7 Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસવાર - ભાગ 7

ભાગ ૭: પવન સાથે બાથ

સમય: ઓગસ્ટ, ૨૦૦૦ (વહેલી સવારના ૪ વાગ્યા)
સ્થળ: સાણથલી ગામનું સુકાયેલું નદીનું કોતર

હજી ગામમાં કૂકડા બોલ્યા નહોતા, આકાશમાં તારા ટમટમતા હતા, ત્યારે દેવાયતની ડેલીનો દરવાજો ધીમેથી ખુલ્યો.

એક વિચિત્ર દ્રશ્ય હતું. રૂપા વ્હીલચેરને ધક્કો મારી રહી હતી અને દેવાયતના હાથમાં એક લાંબી દોરી હતી, જેનો બીજો છેડો કાળા ભમ્મર ‘સારંગ’ ના ગળામાં બાંધેલો હતો. સારંગ શાંત હતો, પણ તેની ચાલમાં એક પ્રકારની અધીરાઈ હતી.

ગામલોકો જાગે અને મજાક ઉડાવે તે પહેલાં દેવાયતને ગામ બહાર નદીના કોતરમાં પહોંચવું હતું. ત્યાં કોઈ તેમને જોનારું નહોતું. ત્યાં માત્ર દેવાયત, સારંગ અને મોકળું મેદાન હતું.

કોતરમાં પહોંચીને રૂપા હાંફી ગઈ. રેતીમાં વ્હીલચેર ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું હતું.

“બસ રૂપા, અહીં જ,” દેવાયતે કહ્યું. તેની નજર સામેના સપાટ મેદાન પર હતી.

સારંગે ખુલ્લી હવા સૂંઘી. તેણે જોરથી હણહણાટી કરી અને પગ પછાડ્યો. તે દોડવા માંગતો હતો. તેના સ્નાયુઓ ફડફડતા હતા.

“રૂપા, હવે તું એક કામ કર. મને અને વ્હીલચેરને એક દોરડાથી બાંધી દે,” દેવાયતે આદેશ આપ્યો.

“શું?” રૂપા ચોંકી ગઈ.

“હા, મારી કમર અને આ ખુરશીને બાંધી દે. જો સારંગ જોર કરશે અને હું પડી ગયો, તો હું ફરી ઉભો નહીં થઈ શકું. મારે પડવું નથી.”

રૂપાએ ધ્રૂજતા હાથે દેવાયતને વ્હીલચેર સાથે બાંધ્યો. હવે દેવાયત અને ખુરશી એક થઈ ગયા હતા.

દેવાયતે હાથમાં એક લાંબી, મજબૂત સુતરની દોરી (Lunge line) લીધી હતી જે લગભગ ૩૦ ફૂટ લાંબી હતી. તેણે સારંગને ઈશારો કર્યો.

“જા મારા દીકરા... જીવી લે તારી જિંદગી!”

દેવાયતે દોરી ઢીલી મૂકી.

જેવો બંધન મુક્ત થયો, સારંગે એક ત્રાડ નાખી અને છલાંગ મારી. તે પવનની જેમ ભાગ્યો.

દોરી દેવાયતના હાથમાંથી સરકવા લાગી. જ્યારે દોરી પૂરી થઈ અને ઝાટકો આવ્યો...

ખટાક!

વ્હીલચેર રેતીમાં એક બાજુ નમી ગઈ. દેવાયતનું શરીર પણ ખેંચાયું. જો તે બંધાયેલો ન હોત, તો તે ક્યારનોય ફેંકાઈ ગયો હોત. તેના ખભાના હાડકાં કડડડ બોલી ગયા. હથેળીમાં દોરી ઘસાઈ અને ચામડી છોલાઈ ગઈ. લોહી નીકળ્યું.

“ખમૈયા કર! ખમૈયા કર!” રૂપા ચીસ પાડીને દોડી.

“ના રૂપા! દૂર રહેજે!” દેવાયતે દાંત ભીંસીને રાડ પાડી. “આજે વચ્ચે ના આવતી. આજે મારે જોવું છે કે આ પવનમાં કેટલું જોર છે.”

સારંગ વર્તુળાકાર માં દોડતો હતો. દેવાયત કેન્દ્રમાં હતો. સારંગની ગતિ એટલી તેજ હતી કે ધૂળની ડમરી ઉડતી હતી અને દેવાયત દેખાતો બંધ થઈ ગયો હતો.

દેવાયતને ચક્કર આવતા હતા, હાથમાં અસહ્ય વેદના હતી, પણ તેણે દોરી ન છોડી. તેણે પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો.

પછી દેવાયતે હોઠ ભેગા કર્યા અને એક તીણી સીટી  વગાડી.

વ્હી...ઈ...ઈ...ત! (લાંબી અને તીણી સીટી)

આ અવાજ સારંગના કાનમાં ગયો. તે થોડો ભડક્યો પણ તેની ગતિ ધીમી ન થઈ.

દેવાયતે ફરીથી સીટી વગાડી, પણ આ વખતે અલગ લયમાં.

વ્હીત-વ્હીત! (બે ટૂંકી સીટી)

અને દોરીને સહેજ ઝાટકો આપ્યો. “સારંગ... ધીમો!”

સારંગ સમજતો નહોતો. તે તો બસ ભાગવા માંગતો હતો. દેવાયતે દોરીને પોતાની કોણી પર વીંટાળી અને પૂરી તાકાતથી ખેંચી. વ્હીલચેર રેતીમાં ઘસડાઈ.

“મારું શરીર તૂટી ગયું છે સારંગ, પણ મારું મન નથી તૂટ્યું!” દેવાયત ગરજ્યો. “તારે અટકવું જ પડશે!”

એક કલાક... બે કલાક... સૂરજ માથે આવી ગયો.

દેવાયતના હાથ લોહીલુહાણ હતા. સારંગ પણ ફીણથી લથબથ હતો. બંને હાંફતા હતા.

અચાનક, દેવાયતે ફરી પેલી બે ટૂંકી સીટી વગાડી – વ્હીત-વ્હીત!

અને આ વખતે ચમત્કાર થયો.

સારંગે પોતાની ગતિ ધીમી કરી. તે ગલોપ માંથી ધીમી ચાલ માં આવ્યો.

દેવાયતની આંખમાં ચમક આવી. “હા... હા મારા બાપલિયા! તું સમજી ગયો!”

હવે દેવાયતે એક લાંબી સીટી વગાડી.

વ્હી...ઈ...ઈ...

સારંગ ઉભો રહી ગયો. એકદમ સ્ટેચ્યુની જેમ!

ધૂળની ડમરી શમી ગઈ.

વ્હીલચેરમાં બેઠેલો દેવાયત પરસેવે રેબઝેબ હતો, પણ તેના ચહેરા પર વિજયનું સ્મિત હતું. તેણે પવન સાથે બાથ ભીડી હતી, અને તે જીતી ગયો હતો.

સારંગ ધીમે ધીમે દેવાયત પાસે આવ્યો. તેણે દેવાયતના લોહીવાળા હાથને સૂંઘ્યો. સારંગની આંખોમાં હવે તોફાન નહોતું, પણ એક સવાલ હતો – ‘આ માણસ શેનો બનેલો છે?’

દેવાયતે ધ્રૂજતા હાથે સારંગના માથા પર હાથ મૂક્યો. “જોયું સારંગ? આપણે કરી બતાવ્યું. હવે હું વ્હીલચેરમાં બેસીશ, અને તું મારા પગ બનીને દોડીશ.”

ત્યાં જ કોતરની ઉપરની ભેખડ પરથી તાળીઓનો અવાજ આવ્યો.

દેવાયત અને રૂપાએ ચોંકીને ઉપર જોયું.

ત્યાં ૧૦-૧૨ વર્ષનો એક નાનો, મેલાં કપડાં પહેરેલો છોકરો ઉભો હતો – ‘ટીનો’. ગામનો અનાથ છોકરો, જે બીજાના ઢોર ચરાવતો હતો. તેની આંખો ફાટી ગઈ હતી.

“દેવાભાઈ!” ટીનો નીચે ઉતરીને દોડતો આવ્યો. “તમે તો જાદુગર છો! મેં આવું તો પિક્ચરમાંય નથી જોયું. તમે તો બેઠા બેઠા ઘોડાને નચાવો છો!”

દેવાયત હસ્યો. “આ જાદુ નથી ટીના, આ વિશ્વાસ છે.”

ટીનો સારંગની નજીક ગયો. સારંગે ફૂંફાડો માર્યો એટલે ટીનો ડરીને પાછો પડ્યો.

“ડર મા ટીના,” દેવાયતે કહ્યું. “આને પ્રેમની ભાષા આવડે છે.”

ટીનાએ પૂછ્યું, “દેવાભાઈ, તમે આને રેસમાં દોડાવશો?”

દેવાયતની નજર ક્ષિતિજ પર ગઈ. “રેસમાં દોડાવવો તો છે ટીના, પણ સવાર ક્યાં? હું તો બેસી શકું એમ નથી.”

ટીનાએ લલચાઈ નજરે સારંગ સામે જોયું. “હું... હું બેસું?”

દેવાયતે ચોંકીને ટીના સામે જોયું. એક નાનો, કમજોર છોકરો. પણ તેની આંખોમાં એ જ આગ હતી જે દેવાયતને નાનપણમાં હતી.

શું આ વિધાતાનો સંકેત હતો? એક અપંગ ગુરુ, એક તોફાની ઘોડો અને એક અનાથ શિષ્ય?

દેવાયતે ટીનાના ખભે હાથ મૂક્યો. “જો તું આ તોફાનને ઝીલી શકતો હો, તો કાલથી વહેલો આવી જજે. આપણે પવન સાથે બાથ ભીડવાની છે.”

તે દિવસે સાંજે દેવાયત જ્યારે ઘરે પાછો ફર્યો, ત્યારે તેના હાથમાં પાટા હતા, પણ મનમાં એક નવી ઉમીદ હતી. તેણે પવનને મુઠ્ઠીમાં કરી લીધો હતો. હવે વારો હતો દુનિયાને બતાવવાનો.

(ક્રમશ: ભાગ-૮ માં જુઓ – અભિમાનનો પડકાર)