અસવાર - ભાગ 6 Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસવાર - ભાગ 6

ભાગ ૬: મૂક સંવાદ: શબ્દો વગરની વાત


સમય: જુલાઈ, ૨૦૦૦ (સારંગને લાવ્યાના ૧ અઠવાડિયા પછી)
સ્થળ: દેવાયતની ડેલીનો તબેલો

વરસાદ તો રહી ગયો હતો, પણ દેવાયતની ડેલીમાં હજી ભયનું તોફાન શાંત નહોતું થયું.

છેલ્લા સાત દિવસથી કાળો ભમ્મર ‘સારંગ’ ખૂંટા સાથે બંધાયેલો હતો. તે ન તો સરખું ખાતો હતો, ન પીતો હતો. તેની આંખોમાં હજી પણ એ જ લોહી જેવી લાલશ હતી. રૂપા તો ગમાણમાં ઘાસ નાખવા જતા પણ થથરતી હતી.

“આ રાક્ષસ છે! આ તમને મારી નાખશે,” રૂપા રોજ રડતી આંખે કહેતી. “જુઓ, એના નસકોરાં કેવા ફૂલે છે!”

“તન ભલે તૂટ્યું હોય, પણ મનનો મેરુ અડગ,
પ્રેમની ભાષા સાંભળી, જુક્યો જંગલી ખડગ.”

દેવાયત વ્હીલચેરમાં બેસીને કલાકો સુધી સારંગને જોયા કરતો. તે જોતો કે સારંગના શરીર પર વણઝારાના ચાબુકના ઘા હવે પાકવા લાગ્યા હતા. માખીઓ બણબણતી હતી અને સારંગ દર્દથી પગ પછાડતો હતો.

એક બપોરે, દેવાયતનું કાળજું કકડી ઉઠ્યું. “હવે બહુ થયું. કાં તો એ મને સ્વીકારશે, કાં તો મારી નાખશે.”

તેણે રૂપાને મક્કમ અવાજે કહ્યું, “રૂપા, તું ઓરડામાં જા. અને સાંભળ, ભલે મારો ચીસ પાડવાનો અવાજ આવે, જ્યાં સુધી હું બૂમ ના પાડું, બહાર ના આવતી.”

રૂપાએ દલીલ કરી, રડી, પણ દેવાયતની આંખમાં એક એવી જીદ હતી કે તેણે માનવું પડ્યું. તે કચવાતા મને અંદર ગઈ, પણ બારીની તિરાડમાંથી નજર નોંધી રહી.

તબેલો શાંત હતો. માત્ર સારંગના શ્વાસનો અવાજ આવતો હતો.

દેવાયતે પોતાની વ્હીલચેર ધીમે ધીમે સારંગ તરફ લીધી.

જેવો પૈડાંનો ચરર... અવાજ આવ્યો, સારંગ ભડક્યો. તેણે જોરથી હણહણાટી કરી અને આગલા પગ ઉંચા કર્યા. તે દેવાયતને ડરાવવા માંગતો હતો, દૂર રાખવા માંગતો હતો.

દેવાયત અટક્યો. તેણે જોયું કે સારંગ તેની વ્હીલચેરની ઉંચાઈથી અને પૈડાંના અવાજથી ભડકે છે. એક જાનવર માટે જે વસ્તુ અજાણી હોય, તે દુશ્મન હોય.

ત્યારે દેવાયતે એક એવો નિર્ણય લીધો જે કોઈ સામાન્ય માણસ ન લઈ શકે.

તેણે વ્હીલચેરની બ્રેક મારી. અને પછી... તેણે પોતાના નકામા થઈ ગયેલા, લાકડા જેવા ભારે પગ ઉપાડીને જમીન પર મૂક્યા. તેણે હાથના જોરે પોતાનું વજન ઉચક્યું અને વ્હીલચેરમાંથી નીચે ઉતાર્યું.

ધડ...

દેવાયતનું શરીર ધૂળમાં પટકાયું. જે માણસ પંચાળની ધરતી પર રાજાની જેમ ચાલતો હતો, તે આજે પેટના બળે જમીન પર પડ્યો હતો. ધૂળની રજ તેના મોઢામાં ગઈ. સ્વાભિમાનને ઠેસ વાગી, પણ સંકલ્પ અતૂટ હતો.

સારંગે કાન ઉંચા કર્યા. તેણે જોયું કે સામેવાળો ‘દુશ્મન’ હવે નાનો થઈ ગયો છે. હવે તે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતો, પણ નીચેથી જુએ છે.

દેવાયતે પોતાના હાથની કોણીઓ જમીન પર ટેકવી અને પેટે ઘસડાતો ઘસડાતો  સારંગ તરફ આગળ વધ્યો. કોણીઓ છોલાતી હતી, પથ્થર વાગતા હતા, પણ તેની નજર સારંગની લાલ આંખોમાં હતી.

બારીમાંથી જોતી રૂપાએ મોઢા પર ડૂચો દબાવી દીધો જેથી ચીસ ના નીકળી જાય.

દેવાયત સારંગના પગ પાસે પહોંચી ગયો. એક લાત... બસ એક જ લાત અને દેવાયતનું માથું તરબૂચની જેમ ફાટી શકે તેમ હતું.

સારંગે માથું નીચું કર્યું. તેણે જોરથી ફૂંફાડો માર્યો. ગરમ હવા દેવાયતના ચહેરા પર વાગી. સારંગની લાળ દેવાયતના કપાળ પર પડી. સારંગે દેવાયતને સૂંઘ્યો. તેને પરસેવો, ભીની માટી અને... અસહ્ય દર્દની ગંધ આવી.

દેવાયત ત્યાં જ જમીન પર બેસી રહ્યો, હલ્યો નહીં. તેણે આંખો બંધ ના કરી. જો તે ડર્યો હોત તો સારંગ મારી નાખત. પણ દેવાયતની આંખમાં ડર નહોતો, કરુણા હતી.

“જો સારંગ... હું તને મારવા નથી આવ્યો. મારી પાસે તો ચાબુક પણ નથી. હું તો ખુદ અડધો મરેલો છું.”

દેવાયતે પોતાના નિર્જીવ પગ પર હાથ પછાડ્યો. “જો આ પગ... આમાં હવે જીવ નથી. હું હવે દોડી નથી શકતો દોસ્ત. લોકો મને પણ ‘નકામો’ કહે છે, જેમ તને કહેતા હતા. આપણે બેય એક જ નાવના મુસાફર છીએ.”

સારંગના કાન ધીમે ધીમે પાછળથી આગળ આવ્યા. તે સાંભળતો હતો.

“તને બહુ દુખે છે ને?” દેવાયતે સારંગના પગ પરના પાકેલા ઘા જોયા. “મને પણ બહુ દુખે છે... અહીંયા...” દેવાયતે છાતી પર હાથ મૂક્યો. “જ્યારે કોઈ આપણને સમજ્યા વગર મારે ને, ત્યારે બહુ બળે.”

દેવાયતે ધીમેથી પોતાનો હાથ લંબાવ્યો. સારંગ સહેજ પાછળ ખસ્યો, પણ ભાગ્યો નહીં.

“ડર મા... ડર મા બાપલિયા... હું તારો અસવાર છું, કસાઈ નથી.”

દેવાયતે ખિસ્સામાંથી દેશી ગોળનો એક ગાંગડો કાઢ્યો.

સારંગને ગોળની મીઠી સુગંધ આવી. સાત દિવસની ભૂખ કકડીને લાગી હતી. લાલચ અને અવિશ્વાસ વચ્ચે જંગ જામ્યો. આખરે ભૂખ અને દેવાયતનો પ્રેમ જીતી ગયો.

સારંગે ધીમેથી ડોક લંબાવી. તેના મખમલી, ભીના હોઠ દેવાયતની હથેળીને અડ્યા.

એ સ્પર્શ...

તે ક્ષણે દેવાયતને લાગ્યું કે તેના પગમાં ફરીથી રક્તવાહિનીઓ ધબકવા લાગી છે. સારંગની ગરમ જીભે ગોળ ઉપાડી લીધો. દેવાયતે હિંમત કરીને બીજો હાથ સારંગના નાક પર મૂક્યો. સારંગ આખા શરીરે ધ્રૂજ્યો, પણ ખસ્યો નહીં.

દેવાયતે બાજુમાં પડેલી પાણીની ડોલ ખેંચી. એક ભીનું કપડું લીધું અને ધીમે ધીમે સારંગના પગ પરના ઘા સાફ કરવા લાગ્યો. જ્યારે ભીનું કપડું ઘા પર અડ્યું, સારંગે દર્દથી પગ ખેંચ્યો અને હણહણ્યો.

“ખમૈયા કર (ધીરજ રાખ) મારા વાલીડા... મટી જશે. બધું મટી જશે.” દેવાયતનો અવાજ કોઈ હાલરડાં જેવો શાંત હતો.

સાંજ પડી ગઈ. અંધારું થવા આવ્યું. દેવાયત ત્યાં જ સારંગના પગ પાસે ધૂળમાં બેઠો રહ્યો. ક્યારેક વાતો કરતો, ક્યારેક બસ મૂંગો બેસી રહેતો.

જે ઘોડો વણઝારાના જાડા દોરડા અને લોખંડની સાંકળોથી કાબૂમાં નહોતો આવ્યો, તે આજે પ્રેમની એક અદ્રશ્ય દોરીથી બંધાઈ ગયો હતો. સારંગે ધીમેથી પોતાનું વિશાળ માથું નીચું કર્યું. તેણે દેવાયતના ખભાને સૂંઘ્યો અને પછી પોતાનું માથું દેવાયતના ખભા પર ટેકવી દીધું.

આ બે આત્માઓ વચ્ચેનો ‘મૂક સંવાદ’ હતો. કોઈ શબ્દ નહોતો બોલાયો, પણ કરાર થઈ ગયો હતો.

બારીમાંથી જોતી રૂપાની આંખમાં ચોધાર આંસુ હતા. તેણે જોયું કે એક અપંગ માણસ અને એક ગાંડા જાનવર વચ્ચે જે દ્રશ્ય રચાયું હતું, તે કોઈ ભક્તિથી ઓછું નહોતું. એક માણસે પોતાની લાચારી સ્વીકારી લીધી હતી, અને એક જાનવરે પોતાનો ગુસ્સો ઓગાળી દીધો હતો.

રાતે જ્યારે રૂપા દેવાયતને લેવા આવી, ત્યારે દેવાયતનું શરીર ધૂળથી ખરડાયેલું હતું, પણ ચહેરો? ચહેરા પર એક વર્ષ પછી પેલું જૂનું તેજ પાછું આવ્યું હતું.

“રૂપા,” દેવાયતે વ્હીલચેરમાં બેસતા કહ્યું, અવાજમાં નવી ખનક હતી, “આ રાક્ષસ નથી. આ તો મારો સારથિ છે. કાલે સવારે વહેલા ઉઠાડજે, મારે આની ટ્રેનિંગ શરૂ કરવી છે.”

“ટ્રેનિંગ? પણ તમે... ચાલી તો શકતા નથી.”

દેવાયતે સારંગ સામે જોયું, જે હવે શાંતિથી ઘાસ ખાતો હતો.

“હું ચાલી નથી શકતો, પણ સારંગ ચાલી શકે છે. હવેથી સારંગ મારા પગ બનશે, અને હું સારંગનું મગજ.”

તબેલાના અંધારામાં સારંગે એક ધીમી હણહણાટી કરી, જાણે દેવાયતની વાતમાં સુર પુરાવતો હોય. પંચાળની ધરતી પર એક નવા ઈતિહાસના બીજ રોપાઈ ચૂક્યા હતા. એક અપંગ અસવાર અને એક ગાંડો ઘોડો – હવે બંને એક થઈ ગયા હતા.

(ક્રમશ: ભાગ-૭ માં જુઓ – પવન સાથે પંગે)