અંતે તું જ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતે તું જ


સવારનો સોનેરી તડકો ગામની ભોપા ની ચાની કીટલી પર રેલાઈ રહ્યો હતો. કીટલી પરથી ઉડતી ચાની વરાળ વચ્ચે મનન પોતાની આંગળીઓમાં કાચનો ગ્લાસ રમાડતો હવામાં કિલ્લા ચણી રહ્યો હતો. આંખોમાં બોલિવૂડના હીરો જેવા સપના અને ખિસ્સામાં માત્ર ચાલીસ રૂપિયા!
"અલ્યા ભુરા, તું લખી રાખજે..." મનને ચાની ચુસ્કી મારીને હવામાં નજર ફેરવી, "મારો પ્રેમ કોઈ સામાન્ય નહિ હોય. કલરફુલ હશે, મ્યુઝિકલ હશે!"
સામે બેઠેલો એનો બાળપણનો લંગોટિયો દોસ્ત ભુરો ખડખડાટ હસી પડ્યો. એણે મનનની પીઠ પર ધબ્બો માર્યો, "અલ્યા મનનિયા! ભગવાન દર યુગમાં નવો અવતાર લે છે કે નહિ એ ખબર નથી, પણ તારો પ્રેમ દર મહિને નવો અવતાર લે છે! ગયા મહિને પેલી પાયલ, એની પહેલાં નેહા... અને આ મહિને વળી કોઈ નવી?"
કીટલી પર બેઠેલા ડાયરામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
મનન જરાય ઓછપાયા વગર હસ્યો, "અરે એ તો હું પ્રેમની 'ટ્રાયલ' કરતો હતો. પણ એક દિવસ એવી છોકરી મળશે ને ભુરા, કે જેની સામે જોયા પછી આખી જિંદગી એની સાથે જ વિતાવવાનું મન થશે. માય અલ્ટીમેટ ડેસ્ટિનેશન!"
"તું પ્રેમમાં ઓછો અને કરણ જોહરની ફિલ્મોમાં વધારે જીવે છે. જાગતો થા, જાગતો!" ભુરાએ એને વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો.
પણ વાસ્તવિકતાનો અસલી ઝાટકો તો ઘરે જઈને લાગવાનો હતો. મનન જેવા ઘરે પહોંચ્યો કે ડેલીમાં જ પિતા હસમુખભાઈનો ગર્જના જેવો અવાજ સંભળાયો, "આવી ગયો નવરો નવાબ? કઈ જાગીર જીતીને આવ્યો?"
"પપ્પા, માણસે સપના જોવા જોઈએ. સપના જોવાની કોઈ ફી નથી હોતી," મનને હળવાશથી કીધું.
"સપના જોવાની ફી નથી હોતી, પણ પેટ ભરવા માટે રોટલો કમાવો પડે છે એની ફી હોય છે!" હસમુખભાઈએ હાથમાં રહેલી લાકડી ઓસરી પર પછાડી, "પૈસા બધું નથી હોતા, એવા ડાયલોગ ફિલ્મોમાં સારા લાગે."
"પણ પપ્પા, પ્રેમ અને શાંતિ પૈસાથી નથી મળતા."
"તો આજથી તને જમવાનું અને ઘરમાં શાંતિ પણ નહિ મળે! બહુ થયું. કાલે સવારે પહેલી બસે તું અમદાવાદ જાય છે. મારી ઓળખાણથી એક જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી છે. ત્રણ મહિનાનો સમય આપું છું, કંઈક ધંધો-રોજગાર કરીને બતાવ. નહિતર પાછો આવીને મૂંગા મોઢે ખેતીમાં જોડાઈ જજે."
મનન પહેલીવાર પિતાની આંખોમાં એક ચિંતા અને મક્કમતા જોઈ રહ્યો હતો. એણે અમદાવાદની ટિકિટ પકડી લીધી.
મોટું શહેર, મોટા રસ્તા અને એથીય મોટા લોકોના અહંકાર. અમદાવાદની સ્પીડ જોઈને મનન થોડો ગભરાયો ખરો, પણ એનું દિલ હજીય ફિલ્મી હતું. બે દિવસ સુધી ધક્કા ખાધા પછી, ત્રીજા દિવસે એ 'રોયલ ઇવેન્ટ્સ' નામની મોટી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરના ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યો.
ઑફિસ કાચની હતી—એટલી ભવ્ય અને લક્ઝુરિયસ કે ગામડાના મનન માટે આ એક નવો જ ગ્રહ હતો. તે અંદર ઘૂસ્યો અને ઓફિસની મોંઘી લાઈટ્સ, આલીશાન ઈટાલિયન ફર્નિચર અને દીવાલો પર લાગેલા સેલિબ્રિટીઝના મોટા-મોટા ફોટોગ્રાફ્સ જોવામાં એટલો બધો અંજાઈ ગયો કે ચારેયબાજુ ડાફોરિયા મારવા લાગ્યો.
એક મોટા ફોટો ફ્રેમ સામે ઊભા રહીને મનન મોં ફાડીને વિચારી રહ્યો હતો, ‘સાલ્લું, આવી ઓફિસ તો મેં ફિલ્મોમાંય નથી જોઈ!’
બસ, એ જ ક્ષણે એ આજુબાજુનું ભાન ભૂલીને, પાછળ જોયા વગર ડાફોરિયા મારતો-મારતો જેવો પાછળ હટ્યો, કે સામેથી ફાઈલો જોતી-જોતી આવી રહેલી એક યુવતી સાથે જોરદાર ભટકાયો! અથડાવાના કારણે યુવતીના હાથમાંથી બધી ફાઈલો હવામાં ઉડીને ફરસ પર વેરવિખેર થઈ ગઈ.
"વ્હોટ ધ હેલ...! આંખો છે કે બટન?!" એ યુવતી સિંહણની જેમ ત્રાડી.
મનન તો જાણે બધું જ ભૂલીને બસ એને જ જોઈ રહ્યો. મોટી અને તીખી આંખો, આત્મવિશ્વાસથી ચમકતો ચહેરો અને ગુસ્સામાં પણ કાતિલ લાગતું રૂપ. એના મગજમાં જાણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવા લાગ્યું!
"આઈ એમ સો સોરી... હું પેલું મોંઘું ફર્નિચર અને ફોટા જોવામાં..." મનને ગૂંચવાતા ગૂંચવાતા કીધું.
"તારી સોરીથી આ બધી ફાઈલો આપોઆપ ગોઠવાઈ જશે? નકામો નમૂનો!" યુવતીનો પારો સાતમા આસમાને હતો.
પણ મનન તો મનન હતો. એના હોઠ પર એક લુચ્ચું અને અદભુત સ્મિત આવી ગયું. એણે કાવ્યાની આંખોમાં સીધું જોઈને ધીમેથી કીધું:
"સાચું કહું મેડમ? હું ક્યારનોય આ આખી ઓફિસમાં ફરીને સૌથી સુંદર વસ્તુ શોધી રહ્યો હતો. પહેલાં મને લાગ્યું કે આ મોંઘું ફર્નિચર, લાઈટ્સ કે આ ફોટા સૌથી બેસ્ટ છે... પણ અત્યારે તમને જોયા પછી સમજાયું કે આખી ઓફિસમાં જોવા જેવું તત્વ તો 'અંતે તું જ' છે!"
"વ્હોટ?!" 
"એક્સક્યુઝ મી? તું પાગલ છે કે નમૂનો?"
એ યુવતી બીજી કોઈ નહીં, પણ એ જ કંપનીની બોસ 'કાવ્યા શાહ' હતી. કાવ્યા ખૂબ જ શિસ્તબદ્ધ, પ્રેક્ટિકલ અને બિઝનેસ-માઇન્ડેડ છોકરી હતી. એને મનન પહેલી નજરે જ એક અણઘડ નમૂનો લાગ્યો. પણ લગ્નોની સીઝન હોવાથી માણસોની સખત અછત હતી, એટલે મનને ઇન્ટરવ્યૂ આપવો ન પડ્યો અને નોકરી મળી ગઈ!
પણ મનન એટલે આફતનો જીવતો-જાગતો કિલ્લો. પહેલા જ અઠવાડિયે એણે એવો જોરદાર ભગો કાઢ્યો કે આખી ઑફિસ માથું પકડીને બેસી ગઈ!
એક અત્યંત હાઈ-પ્રોફાઈલ અને મોર્ડન લગ્નનો કોન્ટ્રાક્ટ હતો. કાવ્યાએ મનનને ખાસ જવાબદારી સોંપી હતી, "જો મનન, ક્લાયન્ટ બહુ વી.આઈ.પી. છે. દુલ્હા-દુલ્હનની રોયલ ગ્રાન્ડ એન્ટ્રી માટે વિદેશથી મંગાવેલા સ્પેશિયલ **'સ્મોક એન્ડ ફોગ મશીન'** (ધુમાડા અને વાદળ જેવી ઈફેક્ટ આપતા મશીન) અને કલરફુલ **'કોલ્ડ ફાયર ક્રેકર્સ'** (ધડાકા વગરના આતશબાજીના ફટાકડા) બુક કરવાના છે. ભૂલ ન થવી જોઈએ."
મનને હવામાં હાથ હલાવ્યો, "અરે મેડમ, તમે ચિંતા જ ન કરો. એવી એન્ટ્રી કરાવીશ કે જમાનો યાદ રાખશે!"
મનન બુકિંગ કરવા તો ગયો, પણ એના દેશી મગજે અલગ જ ગણતરી માંડી. એણે વિચાર્યું, *‘સાલ્લું, આ વિદેશી મશીનોના ધુમાડામાં શું મજા આવે? એના કરતાં તો આપણા દેશી ધૂપ, અગરબત્તી અને યજ્ઞના ધુમાડા પવિત્ર કહેવાય!’* વળી, સસ્તા બજેટમાં કામ પતાવવાના ચક્કરમાં એણે કોઈ ગિરીશભાઈ ફાયરવર્ક્સ વાળાને પકડીને ઓર્ડર આપી દીધો.
લગ્નનો દિવસ આવ્યો. આખું હોલ લાઈટોથી ઝગમગી રહ્યું હતું. અચાનક એનાઉન્સમેન્ટ થયું, "લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ ધ રોયલ કપલ!"
મોર્ડન, મોંઘી શેરવાની પહેરીને દુલ્હો અને ડિઝાઈનર લહેંગામાં સજ્જ દુલ્હને સ્લો-મોશનમાં એન્ટ્રી મારી. બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક સોંગ વાગ્યું. મનને ઈશારો કર્યો, "ચલાવો મશીન!"
અને... ભગો થયો!
કોલ્ડ ફાયર અને સોફ્ટ સ્મોકને બદલે આખા સ્ટેજ પરથી એવા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા કે જાણે હોલમાં અચાનક આગ લાગી હોય! ગિરીશભાઈએ મોંઘા મશીનની જગ્યાએ સસ્તા મચ્છર ભગાડવાના અને ખાટી અગરબત્તીના લોકલ ધુમાડા છોડી દીધા હતા. આખો સ્ટેજ બે જ સેકન્ડમાં ધુમાડાથી પેક થઈ ગયો. દુલ્હો અને દુલ્હન એકબીજાને જોઈ પણ નહોતા શકતા!
રોમેન્ટિક ગીતની વચ્ચે જ દુલ્હાને જોરદાર ઉધરસ ઉપડી, "ખોં... ખોં... આ શું છે? અરે, મારી આંખો બળે છે!"
દુલ્હનનો મોંઘો મેકઅપ આંસુઓ સાથે વહેવા લાગ્યો. મહેમાનો રૂમાલ આડા દઈને ભાગવા લાગ્યા. લગ્નનો આખો મંડપ જાણે કોઈ સ્મશાન કે યજ્ઞશાળા જેવો લાગવા માંડ્યો! હોલના ફાયર એલાર્મ વાગવા માંડ્યા અને છત પરથી પાણીના ફુવારા ચાલુ થઈ ગયા!
દુલ્હાનો બાપ ગુસ્સાથી લાલચોળ થઈને કાવ્યા પર ત્રાડ્યો, "મેડમ! આ રોયલ એન્ટ્રી છે કે અમને જીવતા સળગાવવાનો પ્લાન છે?!"
જોકે, આ ભગામાં પણ એક રમુજ થઈ. વરરાજાના ડાયાબિટીસ વાળા ૮૫ વર્ષના દાદાજી, જેમને વર્ષોથી શ્વાસની તકલીફ હતી, એ ધુમાડાની વચ્ચે બૂમો પાડવા લાગ્યા, "અરે વાહ! આ તો પવિત્ર લોબાન અને ગૂગળનો ધૂપ કર્યો છે! આજના છોકરાઓમાં સંસ્કાર છે હોં... નહિતર નકરા કેમિકલના ધુમાડા કરે!" એ તો ખુશ થઈને સ્ટેજ પર જઈ વર-વહુને આશીર્વાદ આપવા માંડ્યા!
​ઑફિસમાં આવીને કાવ્યાએ પોતાના વાળ ખેંચી લીધા. એ મનન સામે જોઈને થરથર ધ્રૂજતી હતી, "મનન પટેલ! તેં મારી આખી કંપનીનું બારમું કરી નાખ્યું! સ્મોક મશીનની જગ્યાએ મચ્છર મારવાના ધુમાડા કોણ લાવે, યુ સ્ટુપિડ?!"
​મનને કાન પકડીને માસૂમિયતથી કીધું, "મેડમ, એ તો વરરાજાના દાદાજી જલારામ બાપાના ભક્ત હતા, તે એમને સુગંધ બહુ ગમી ગઈ. વાતાવરણ પવિત્ર થઈ ગયું ને!"
​"મને પવિત્ર નથી થવું, મારે બિઝનેસ કરવો છે!" કાવ્યા રાડ પાડીને બેસી પડી. પણ મનનનો આ ભોળો અને વિચિત્ર અંદાજ જોઈને, એના રડમસ ચહેરા પર પણ અંદરખાને હસવું આવી ગયું.
ઑફિસમાં આવીને કાવ્યાએ ફાઈલ ટેબલ પર પછાડી, "મનન ! તારી આ હરકતથી આપણી કંપનીની આબરૂ ધૂળમાં મળી જાત! તને દુનિયામાં કોઈ કામ આવડે છે કે નહીં?"
મનને કાન પકડીને નિર્દોષતાથી કીધું, "હા, એક કામ બહુ સારું આવડે છે. રડતા લોકોને હસાવવાનું."
"પણ તું મને હસાવી નથી રહ્યો, રડાવી રહ્યો છે!" કાવ્યાએ કીધું, પણ મનનની આંખોની નિખાલસતા જોઈને એનો ગુસ્સો પીગળી ગયો અને એના હોઠ પર પણ નાનું સ્મિત આવી ગયું.
ધીમે-ધીમે દિવસો વીતતા ગયા. મનનની દેશી મસ્તી અને હાસ્ય આખી ઑફિસનો સ્ટ્રેસ ગાયબ કરી દેતા. કાવ્યા જે પહેલાં માત્ર લેપટોપ અને નંબર્સમાં જીવતી હતી, એ હવે મનનની વાતોમાં રસ લેવા લાગી હતી.
એક રાત્રે એક ભવ્ય કોર્પોરેટ ઇવેન્ટ પત્યા પછી બંને ઑફિસની ટેરેસ પર બેઠા હતા. નીચે અમદાવાદ શહેર લાઈટોના ઝબકારા સાથે જીવંત લાગતું હતું. ઠંડો પવન આવી રહ્યો હતો.
કાવ્યાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું, "મનન, એક વાત પૂછું? તું ચોવીસ કલાક આટલો ખુશ, આટલો પોઝિટિવ કેવી રીતે રહી શકે? તારી લાઈફમાં કોઈ ટેન્શન જ નથી?"
મનન થોડીવાર માટે શાંત થઈ ગયો. એની આંખોમાં પહેલીવાર એક ગંભીરતા દેખાઈ. એણે દૂર આકાશ તરફ જોયું, "કાવ્યા, હું ખુશ નથી રહેતો... બસ, લોકોને ખુશ રાખું છું જેથી એમને મારી પાછળનું દર્દ ન દેખાય."
કાવ્યા ચોંકી ગઈ, "એટલે?"
"હું દસ વર્ષનો હતો ત્યારે મારી મમ્મી કેન્સર સામે હારી ગઈ. મેં એને તડપતા જોઈ છે. ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ જિંદગી પાણીના પરપોટા જેવી છે, ગમે ત્યારે ફૂટી જશે. તો પછી જેટલા શ્વાસ મળ્યા છે, એ રડીને કે ગુસ્સામાં શું કામ બગાડવા? હસીને જીવી લેવાનું ને!"
કાવ્યા નિઃશબ્દ થઈ ગઈ. એ મનનના ચહેરાને જોતી રહી. જે માણસ આખી દુનિયાને હસાવતો હતો, એની અંદર આટલી મોટી ખોટ હતી. એ રાત્રે કાવ્યાના મનમાં મનન માટે માન અને પ્રેમ બંનેનો જન્મ થયો.
હવે ચાની લારીઓ પર કલાકો સુધી વાતો થવા લાગી, એસ.જી. હાઈવે પર મોડી રાત્રે લોન્ગ ડ્રાઈવ થવા લાગી.
એક સાંજ સાબરમતી રિવરફ્રન્ટ પર બંને બેઠા હતા. હળવો વરસાદ પડી રહ્યો હતો.
મનન કાવ્યાની નજીક સરક્યો અને બોલ્યો, "કાવ્યા, પહેલાં મને લાગતું હતું કે પ્રેમ એટલે કોઈ ફિલ્મનો સીન, વાયોલિન, પવન... પણ હવે સમજાયું."
"શું સમજાયું?" કાવ્યાએ એની આંખોમાં જોયું.
"હવે સમજાયું કે પ્રેમ કોઈ ફિલ્મ નથી. પ્રેમ એ વ્યક્તિ છે, જેની સાથે તમે કલાકો સુધી કશું જ ન બોલો, છતાં મૌન પણ એક સુંદર સંગીત જેવું લાગે. કાવ્યા, તું મારો એ સાથ છે."
કાવ્યાએ શરમાઈને મનનનો હાથ પકડી લીધો. એ ઓફિશિયલ હતું—તેઓ પ્રેમમાં હતા.
પણ સુખની સ્ક્રીપ્ટ લાંબી નથી ચાલતી.
એક દિવસ કાવ્યાની ઑફિસે ભુરો અચાનક મનનને મળવા આવ્યો. મનન સીટ પર નહોતો. ભુરાએ વાતો-વાતોમાં કેન્ટીન માં ઓફિસ બોય ની સામે મનનની જૂની પોલ ખોલી નાખી, "અલ્યા , અમારો મનનિયો તો સાચો આશિક છે હોં! આખા ગામમાં એણે ચાર-પાંચ છોકરીઓને પ્રપોઝ કરેલું. એ તો બધે દિલ ફેંકતો ફરે! જોજે, અહીં શહેર માં ય કોઈને પટાવી બેઠો હશે." 
ભુરાની આ વાત કેન્ટીન બહાર ઉભેલી કાવ્યા એ સાંભળી અને તેણે આ વાતને વિચાર્યા વગર ગંભીરતાથી લીધી.
ભુરાએ તો મજાકમાં કીધું હતું, પણ કાવ્યાના મનમાં વીજળી પડી. એ અત્યંત પ્રેક્ટિકલ છોકરી હતી. એના મનમાં શંકાનો કીડો જાગ્યો, 'શું મનન મારી સાથે પણ રમત રમી રહ્યો છે? શું હું પણ એની લિસ્ટમાં માત્ર એક નવું નામ છું?'
સાંજે કાવ્યાએ મનનને કેબિનમાં બોલાવ્યો અને એની સામે જૂની વાતોનો ઘા કર્યો.
"કાવ્યા, તું ખોટું સમજી રહી છે!" મનને એનો હાથ પકડવા કોશિશ કરી.
"હાથ ન લગાડીશ મને!" કાવ્યાની આંખોમાં ગુસ્સો અને આસુ બંને હતા, "તું દરેક છોકરીને આ જ ડાયલોગ મારતો હોઈશ ને? તારા માટે આ બધું એક રમત છે, મનન. હું તારા લિસ્ટની કોઈ નેક્સ્ટ છોકરી નથી બનવા માંગતી. ગેટ આઉટ ફ્રોમ માય લાઈફ એન્ડ માય ઑફિસ!"
મનનની આંખો ભીની થઈ ગઈ, "કાવ્યા, એક વાત સાંભળ. પહેલાં હું પ્રેમ 'શોધતો' હતો એટલે કદાચ ભટકતો હતો. પણ તને જોયા પછી મને મારો પ્રેમ 'મળી ગયો' છે. તું ફરક સમજ..."
"મારે કોઈ ફરક નથી સમજવો. બસ, ચાલી જા અહીંથી!"
મનનનું દિલ કાચની જેમ તૂટી ગયું. એ કશું બોલ્યા વગર ઑફિસમાંથી બહાર નીકળી ગયો અને એ જ રાત્રે અમદાવાદ છોડીને પાછો ગામડે આવી ગયો.
ગામની કીટલી પર મનન પાછો બેઠો હતો, પણ આ વખતે એના હાથમાં ગ્લાસ ધ્રૂજતો હતો અને આંખો શૂન્ય હતી.
ભુરાએ ગુનેગાર ભાવે પૂછ્યું, "ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. પણ તું આટલો કેમ તૂટી ગયો છે? પહેલાં તો તારું બ્રેકઅપ થતું તો તું બીજા દિવસે નવી છોકરી શોધતો હતો!"
મનન આકાશ તરફ જોઈને ફિક્કું હસ્યો, "ભુરા, જ્યારે પ્રેમ નકલી હોય ને, ત્યારે તૂટવાનો દર્દ નથી થતો. પણ આ વખતે ખરેખર પ્રેમ થઈ ગયો હતો. અને જ્યારે સાચો પ્રેમ અધૂરો રહે ને, ત્યારે માણસ અંદરથી ખાલી થઈ જાય."
બે મહિના વીતી ગયા.
એક દિવસ ભુરાએ દોડતા આવીને મનનને મોબાઈલ બતાવ્યો, "મનન, જો આ ન્યૂઝ! કાવ્યાની કંપનીને જીપીએલ (GPL) ઉત્સવનો કરોડો રૂપિયાનો સૌથી મોટો ગવર્મેન્ટ પ્રોજેક્ટ મળ્યો છે. પણ એમના મેઈન મેનેજરે છેલ્લી ઘડીએ દગો દીધો. આખી ઇવેન્ટ કેન્સલ થવાની અણી પર છે. જો આ લાઈવ ફૂટેજ, કાવ્યા રડી રહી છે."
ટીવી સ્ક્રીન પર કાવ્યાનો ચિંતાતુર અને આસુંભર્યો ચહેરો જોઈને મનન ઊભો થઈ ગયો.
"તું ક્યાં જાય છે મનન?" ભુરાએ પૂછ્યું.
"અમદાવાદ!"
"એણે તારું અપમાન કર્યું હતું, તને કાઢી મૂક્યો હતો!" ભુરાએ રોક્યો.
મનનની આંખોમાં એક અલગ જ ચમક હતી, "ભુરા, પ્રેમ ક્યારેય શરતો પર નથી હોતો. આ વખતે હું મારો પ્રેમ 'જીતવા' નથી જતો, મારો પ્રેમ 'નિભાવવા' જાઉં છું."
મનન સીધો અમદાવાદ ઇવેન્ટ ગ્રાઉન્ડ પર પહોંચ્યો. ત્યાં બધું વેરવિખેર હતું. કાવ્યા માથું પકડીને રડી રહી હતી. મનન કશું જ બોલ્યા વગર સીધો કામ પર લાગી ગયો.
ત્રણ દિવસ અને ત્રણ રાત... મનન એક મિનિટ પણ સૂતો નહીં. એણે ટેકનિકલ ટીમ સંભાળી, સિક્યોરિટી ગોઠવી, વેન્ડર્સ સાથે રાતોરાત ડીલ કરી. કાવ્યા આ બધું જોઈ રહી હતી, પણ એની પાસે બોલવાના શબ્દો નહોતા. મનનની મહેનત અને લીડરશીપના કારણે ઇવેન્ટ સુપર-ડુપર હિટ રહ્યો હતો. હજારો લોકો તાળીઓ પાડી રહ્યા હતા, લાઈટો ઝગમગી રહી હતી.
​સ્ટેજની પાછળ અંધારામાં, ત્રણ દિવસનો થાકેલો મનન ચૂપચાપ પોતાની બેગ પેક કરીને ચાલવા જતો હતો. એને એમ હતું કે કાવ્યા હજી પણ એનાથી નારાજ હશે. એ જેવો દરવાજા તરફ વળ્યો, ત્યાં જ પાછળથી કાવ્યાએ દોડીને એનો હાથ પકડી લીધો.
​એની આંખોમાંથી આસુ વહી રહ્યા હતા, પણ એ આંસુઓમાં આ વખતે ગુસ્સો નહીં, અપાર પ્રેમ હતો.
​"મનન! તું... તું પાછો કેમ આવ્યો? મેં તને કેટલું ખરાબ કીધું હતું, ઑફિસમાંથી કાઢી મૂક્યો હતો, તોય તું તારો જીવ રેડીને મારી આબરૂ બચાવવા દોડી આવ્યો?" કાવ્યાનો અવાજ ધ્રૂજતો હતો.
​મનન વળ્યો, એના ચહેરા પર એ જ જૂનું, પરિચિત અને નિખાલસ સ્મિત હતું. એણે ધીમેથી કીધું, "કારણ કે સાચો પ્રેમ કોઈ શરતો પર નથી હોતો, કાવ્યા. આ વખતે હું મારો પ્રેમ 'જીતવા' નહોતો આવ્યો, બસ મુશ્કેલીના સમયે તારો સાથ 'નિભાવવા' આવ્યો હતો."
"સાચો પ્રેમ એટલે, જ્યારે આખી દુનિયા તમારી સામે ઊભી હોય, ત્યારે કોઈ એક વ્યક્તિ ચૂપચાપ આવીને તમારી બાજુમાં ઊભી રહી જાય અને કહે કે તું ચિંતા ન કર, હું છું ને!"
​કાવ્યા મનનની આટલી ગંભીરતા અને નિઃસ્વાર્થ પ્રેમ જોઈને અંદરથી પીગળી ગઈ.કાવ્યા વધુ રોવા લાગી, "આઈ એમ સો સોરી મનન... પ્લીઝ મને માફ કરી દે."
 એણે મનનની બેગ હાથમાંથી નીચે ફેંકી દીધી અને એની સાવ નજીક આવી ગઈ. એણે મનનની આંખોમાં પોતાની ભીની આંખો પરોવી, એનો હાથ પોતાના હૃદય પર રાખ્યો અને ગળગળા અવાજે બોલી:
​"મનન, હું ખૂબ મોટી બિઝનેસવુમન હોઈશ, પણ સાચો પ્રેમ સમજવામાં હું સાવ ઠોઠ નીકળી. તારી જૂની વાતો સાંભળીને હું શંકા કરી બેઠી... પણ આ ત્રણ દિવસમાં મેં જોયું કે તું મારા માટે શું કરી શકે છે.
​તે દિવસે તેં ઑફિસમાં કીધું હતું ને કે તું આખી દુનિયામાં ભટકીને પ્રેમ શોધતો હતો? આજે હું બધાની સામે સ્વીકારું છું કે... આ અહંકારી અને ભાગતી દોડતી જિંદગીમાં હું પણ સાચો સાથ શોધતી હતી. પણ મારી શોધ, મારી મંઝિલ અને મારા દિલનો ધબકારો... અંતે તું જ છે, મનન... અંતે તું જ છે!"
મનને કાવ્યાના આંસુ લૂછ્યા, "મને પારાખવામાં તારી ભૂલ થઈ ગઈ કાવ્યા. સાચા પ્રેમમાં માફી જેવો કોઈ શબ્દ જ નથી હોતો."
"તો શું હોય છે?" કાવ્યાએ પૂછ્યું.
મનને કાવ્યાને પોતાની બાહોમાં લેતા, એની આંખોમાં આંખો પરોવીને ખૂબ જ ગંભીર અને ગળગળા અવાજે કીધું:"પ્રેમમાં બસ એક જ અહેસાસ હોય છે... કે જિંદગીની આ સફરમાં ભલે ગમે તેટલા વળાંકો આવે, ગમે તેટલા લોકો મળે, પણ મારા હૃદયની દરેક આશા, દરેક સપનું અને મારી મંઝિલ... **અંતે તું જ** છે!"
​આટલું બોલતા જ કાવ્યાએ દુનિયાની પરવા કર્યા વગર મનનને સજ્જડ આલિંગન આપી દીધું (હગ કરી લીધું). મનનની આંખોમાંથી પણ ખુશીના આસુ સરી પડ્યા. એણે કાવ્યાને પોતાની બાહોમાં ભરી લીધી. સ્ટેજ પર ફટાકડા ફૂટી રહ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં જાણે બંનેના દિલનું રોમેન્ટિક મ્યુઝિક વાગી રહ્યું હતું.
​ત્યાં જ પાછળથી વીઆઈપી પાસ લગાવીને ઉભેલા ભુરાનો મોટો અવાજ આવ્યો, "અલ્યા મનનિયા! બધું બરાબર, પણ આ વખતે તમારા લગ્નમાં પેલું મચ્છર મારવાનું સ્મોક મશીન ના લાવતો હો, નહિતર વહુના આંસુ રૂમાલથી નહિ, ધૂપના ધુમાડાથી નીકળશે!"
​આખું વાતાવરણ ફરી હાસ્યથી ગૂંજી ઉઠ્યું. કાવ્યા અને મનન એકબીજાનો હાથ પકડીને ખડખડાટ હસી પડ્યા.
​કારણ કે કાવ્યાના એ એક ડાયલોગે સાબિત કરી દીધું હતું કે, ગમે તેટલા લોચા થાય કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ એમના પ્રેમની મંઝિલ... "અંતે તું જ" હતી.