અનાદિ અને અનંત એવા આ સંસારમાં જીવમાત્ર નિરંતર સુખને શોધે છે. કીડીને સાકરના ટુકડામાં સુખ લાગે છે. ફૂદાને મીણબત્તીના પ્રકાશમાં સુખ લાગે છે. ભૂખ્યા પ્રાણીને ખાવાનું મળતાં સુખ લાગે છે. અને મનુષ્યોને પાંચ ઇન્દ્રિયોના ભૌતિક સુખોમાં સુખ લાગે છે. સુખ મેળવવા માટે મનુષ્યએ ભૌતિક સાધનો જેવાં કે લક્ષ્મી, જમીન, ઘરબાર, મોટરગાડી, સંપત્તિ, સંબંધો, સંતાનો વગેરે પાછળ આંધળી દોટ મૂકી છે. પછી એમાંથી સુખ નથી મળતું તો અન્ય સાધનો જેવાં કે ખાણીપીણી, ગોસિપ, મ્યુઝિક, પાર્ટી, ડ્રિન્ક્સ, વ્યસન, ટી.વી. ચેનલો, ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયા દ્વારા સુખ મેળવવા ફાંફાં મારે છે. આ બધા સાધનો દ્વારા સુખ તો મળે છે, પણ શું એ સુખ કાયમ ટકે છે?
સહેજ વિચાર કરીએ, તો આ સાધનો દ્વારા મેળવેલું સુખ એકને સુખનો અનુભવ કરાવે છે, જયારે બીજી બાજુ એ જ સાધન બીજાને દુઃખનો અનુભવ કરાવે છે. જેમકે, એક વ્યક્તિને લાડવા ખાવામાં સુખ લાગતું હોય, જયારે બીજી વ્યક્તિને લાડવા ના ભાવતા હોય તો તેને સુખ નથી લાગતું. એકને પંખામાં ઠંડા પવનમાં સુખ લાગે, અને બીજાને એમાં જ શરદી થઈ જાય અને દુઃખ લાગે. તો પ્રશ્ન થાય કે જે સુખ સનાતન સુખ ના હોય, તેને સુખ કેવી રીતે કહેવાય?
ઉપરાંત, સુખ ભોગવવાના સાધનોમાં અતિરેક થાય તો એ જ સાધન દુઃખનું કારણ પણ બની જાય છે. ભજીયા ભાવતા હોય તેને ભજીયા ખાવામાં સુખ લાગે. પણ પ્રમાણથી વધારે ભજીયા ખવડાવે તો? પૈસા કમાવામાં આખી દુનિયાએ સુખ માન્યું છે. છતાં, જરૂરિયાત કરતા પૈસા ખૂટી પડે તોય દુઃખ, અને જયારે પ્રમાણ કરતા પૈસા વધી જાય તો તેને સાચવવાની ચિંતા વધી જવાથી પણ દુઃખ. તો વિચાર આવે કે જે સુખનું પ્રમાણ વધી જવાથી કે ઘટી જવાથી દુઃખ થાય. એ સુખ કહેવાય જ કેવી રીતે?
બાહ્ય સાધનોથી મેળવેલા સુખ અવલંબન વાળા સુખ છે. તમે કોઈ થ્રીલર નોવેલ કે ઇન્ટરેસ્ટિંગ પુસ્તક વાંચવામાં ગળાડૂબ હો અને કોઈ અચાનક આવીને પુસ્તક ઝૂંટવીને લઈ જાય તો? ટી.વી. ઉપર તમારો ફેવરિટ પ્રોગ્રામ જોવા બેઠા હો અને કોઈ ચેનલ બદલી નાખે તો? આ સુખ સાપેક્ષ સુખ છે. એક માણસ પોતાના ચાર રૂમના ફ્લેટમાં સુખેથી રહેતો હોય અને તેના મિત્રનો બંગલો જુએ તો એને અંદર થાય કે "મારી પાસે પણ બંગલો હોય તો કેવું સારું?". એટલું જ નહીં, ઘરે આવીને પત્ની કહે કે, "તમારા મિત્ર જેવો બંગલો મને પણ જોઈએ!" ત્યારથી એ ૪ બેડરૂમવાળો ફ્લેટ દુઃખ આપવા માંડે. અને બંગલાવાળા મિત્રને જોઈએ તો એના ઘરમાં એક ઘાટી, એક દરવાન, એક રસોઈયો અને પતિ-પત્નીનો પરિવાર હોય, પણ સુખનો છાંટો ન હોય. સતત અંતરદાહ ચાલુ જ હોય, રાત્રે ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય અને રોજ બ્લડ પ્રેશરની દવા ખાવી પડતી હોય. તો પ્રશ્ન થાય કે, જે સુખ અપેક્ષિત હોય, આધારવાળું હોય, તે સુખ કેવી રીતે કહેવાય?
હજુ વિચારીએ તો, સુખના દરેક સાધનો છેવટે તો અંતવાળા જ છે. બહાર ઈન્ટરનેશનલ ટ્રીપ ઉપર ફેમિલી સાથે ફરવા ગયા હોઈએ તેમાં સુખ લાગે, પણ પાછા આવીને ફરી એ જ રૂટિન જિંદગીની ચિંતા! સફળતા મળે તો સંતોષ થાય. પણ સફળતા મળ્યા પછી જમવાનું ના મળે, ઊંઘવાનું ના મળે તો ચાલે? એટલે સુખ એનું નામ કહેવાય કે જેનો અંત ના આવે. જો સુખની વ્યાખ્યા કરવી હોય તો સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે. ભૌતિક સુખ તો ઘણું ભોગવ્યું, જેનાથી ક્ષણિક સંતોષ થાય છે પણ તૃપ્તિ થતી નથી.
સંસારિક સુખો વધી જાય તો માણસ છકી જાય, અને સંસારિક સુખ કાલ્પનિક છે. લગ્ન થાય ત્યારે પતિ-પત્ની બેઉને ખૂબ સુખ લાગે છે, વરરાજાને આખી દુનિયાના રાજા હોય એવો અનુભવ થાય છે. પણ લગ્નના થોડા જ સમય પછી ખીટપીટ, ઝગડા અને ક્લેશ થવાથી એટલું જ દુઃખ પડે છે. છોકરાં જન્મે ત્યારે મા-બાપને બહુ સુખ લાગે છે, પણ છોકરાં મોટા થઈને સામા થાય ત્યારે એટલો જ દુઃખનો ભોગવટો આવે છે. પૈસા વધે તો પણ ખૂબ સુખ લાગે છે, પણ એ પૈસાને સાચવવાની ચિંતા, વધારે કમાવાની દોટ એટલા જ દુઃખદાયી નીવડે છે. જયારે આત્માનું સુખ એ શાશ્વત સુખ છે, કાયમનું સુખ છે. એ સુખ આવ્યા પછી જાય નહીં. એવું શાશ્વત સુખ તો જ્યારે પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, પોતાના સેલ્ફનું રીયલાઈઝ થાય ત્યારે ઉત્પન્ન થાય.