ઉર્મિલા ખંડ ખવાય Mansi Desai Shastri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉર્મિલા ખંડ ખવાય

ઉર્મિલા 
ખંડકાવ્ય 
લેખિકા
Mansi Desai 
Desai Mansi 
Shastri 

મિથિલાની માટીમાં જન્મી કન્યા,
મૌનથી જેણે શબ્દોને જીતી;
રાજભવનમાં રહી ને પણ,
અંતરથી વૈરાગ્ય પીતી.

સીતા જેવી તેજસ્વી નહીં,
પણ છાંયડી બની રહી નિરંતર;
પ્રકાશે જે દીવો દેખાય સૌને,
અંધારામાં બળે — એ કોણ અવિરત?

લલાટે શાંતિનું ચિહ્ન ધરતી,
નેત્રોમાં નિદ્રા નહોતી;
હસતી હતી, પણ અંદરથી,
કોઈ પીડા કદી કહોતી નહોતી.

શું શબ્દોમાં જ જીવન વસે?
કે મૌનમાં પણ મહિમા છે?
જો બોલ્યા વિના સહન થાય,
તો એ તપ તુચ્છ કેમ માન્યા છે?

લક્ષ્મણ આવ્યો જીવનમાં,
ધર્મ, શૌર્ય, સંયમ સાથે;
પ્રેમ બોલ્યો ઓછા શબ્દે,
પણ વચન ગૂંથ્યા કર્મ સાથે.

ઉર્મિલાએ આંખે જોયું,
વનનો માર્ગ રચાતો જાય;
પ્રશ્ન ઊગ્યો નહોતો હોઠે,
હૃદયે જ સઘળું સમાઈ જાય.

પત્ની પૂછે નહીં — “હું શું?”
એનો ધર્મ મૌનમાં જ રહ્યો;
પતિ ચાલ્યો દેવસેવા પંથે,
પત્નીનો દેવ પતિ બની રહ્યો.

શું પ્રેમ પ્રશ્ન કરે ત્યારે જ સચ્ચો?
કે નિઃશબ્દ સ્વીકારમાં વસે?
જે ત્યાગે પોતાને ભૂલી જાય,
એ પ્રેમ શું નાનો ગણાશે?

અયોધ્યા ગુંજે, શંખનાદ,
પણ ઉર્મિલાનું ઘર સૂનું;
રામ વનમાં, લક્ષ્મણ સાથે,
અહીં દીવો પણ લાગ્યો જૂનું.

ચૌદ વર્ષનું લખાણ નહોતું,
પણ સમયનો શિલાલેખ;
દરેક દિવસ એક તપ બન્યો,
દરેક રાત — મૌન અભિષેક.

સીતાને વન મળ્યું ધરતી સાથે,
ઉર્મિલાને શું મળ્યું?
ઘરઆંગણું, સ્મૃતિઓ,
અને વિરહ — જે કોઈએ ન ગણ્યું.

શું દુઃખ દેખાય તો જ દુઃખ?
અદૃશ્ય વેદના કોને ગણે?
જો આંખ ન ભીંજે, તો શું હૃદય
વેદનાથી અસ્પર્શ રહે?

પ્રથમ રાત્રિ, દીવો બળે,
પણ સુહાગ સૂતો નથી;
શૈયા પર સ્મૃતિઓ બેઠી,
નિદ્રા નજીક આવતી નથી.

લક્ષ્મણનું નામ જાપ બન્યું,
શ્વાસે શ્વાસે એ જ વસે;
એક પત્ની — પણ વિના પતિ,
એ અવસ્થા કોણ સમજશે?

તેણે રડવાનું પણ ત્યાગ્યું,
કારણ રડવું સ્વાર્થ લાગ્યું;
જો પતિ વનમાં જાગે છે,
તો પત્ની સૂઈ — એ પાપ લાગ્યું.

શું સ્ત્રીને દુઃખનો અધિકાર
પતિની પરિસ્થિતિથી નક્કી થાય?
જો એ સહે — તો એની સહનશીલતા
ઇતિહાસમાં કેમ ખોવાઈ જાય?

વનમાં વૃક્ષો, નદી, મૃગ,
અહીં સ્મૃતિઓ અને સંયમ;
ત્યાં પાંદડાં ઝરે ઋતુએ,
અહીં સ્વપ્નો ઝરે નિશ્ચલ.

ઉર્મિલાનું વન દેખાતું નહીં,
પણ વધારે વિકરાળ;
કારણ ત્યાં કોઈ રામ નથી,
ને કોઈ લક્ષ્મણનો સાથ નથી હાલ.

તેણે વ્રત લીધું — ફરિયાદ નહીં,
કોઈ પ્રશ્ન નહીં, કોઈ આંસુ નહીં;
આંતરિક યજ્ઞ પ્રજ્વલિત રહ્યો,
પણ અગ્નિ દેખાય એવું નહીં.

શું અગ્નિ દેખાય ત્યારે જ યજ્ઞ?
કે અંદર બળે એ પણ પવિત્ર?
જો ન દેખાય તો શું તપ,
દેવીસમાન હોવા છતાં અયોગ્ય?

નિદ્રા દેવી પણ વંદન કરે,
એવી નિદ્રાવિહોણી નારી;
જાગી રહી ચૌદ વર્ષ,
પ્રેમની રક્ષા માટે સતત તૈયારી.

લક્ષ્મણ રામની છાયા બન્યો,
ઉર્મિલા લક્ષ્મણની આત્મા;
શરીર અલગ, શ્વાસ જોડાયેલા,
એવો સંબંધ ક્યાંય ન જોયા.

તેણે પતિ માટે શક્તિ સંચયી,
જેથી વનમાં ટકી શકે;
એક સ્ત્રી — પણ યુગોનો આધાર,
એવી શક્તિ કોણ નમન કરે?

શું તપ માત્ર વનમાં જ થાય?
કે ઘરના ચૂલા પાસે પણ?
જો સ્ત્રી સહે અને સૃષ્ટિ ચાલે,
તો એ તપ કેમ ન ગણાય સત્ય?

સ્ત્રી એટલે ફક્ત સહચર નહીં,
સ્ત્રી એટલે સંસ્કારની ધરી;
જે પોતે તૂટી ને પણ,
પરિવારને રાખે ખરી.

ઉર્મિલા કોઈ યુદ્ધ લડી નહીં,
પણ યુદ્ધ અટકાવ્યાં ઘણાં;
જો એ તૂટી હોત,
તો લક્ષ્મણનું શૌર્ય ટકતુ કેમ?

સ્ત્રીનું બળ તલવારમાં નહીં,
પણ સ્થિરતામાં વસે;
જ્યાં પુરુષ લડે બહારથી,
ત્યાં સ્ત્રી અંદરથી જીવે.

શું શક્તિનો અર્થ માત્ર આક્રમણ?
કે સહન પણ શક્તિ છે?
જો સહન ન હોત,
તો ધર્મની ધરા ટકતી ક્યાં છે?

રામ પરત આવ્યા, વિજય સાથે,
અયોધ્યા ફરી ગુંજી;
દીવો, ધ્વજ, આનંદ બધે,
પણ ઉર્મિલા ચૂપ રહી.

લક્ષ્મણ સામે આવ્યો ત્યારે,
શબ્દો ફરી ઓછા રહ્યા;
ચૌદ વર્ષ જે બોલાયા નહીં,
એ પ્રેમ નજરમાં સમાયા.

ન કોઈ ફરિયાદ, ન કોઈ ગણતરી,
ન “મેં આ સહન કર્યું”;
સ્ત્રી જે સહન ગણે નહીં,
એ જ સાચી સ્ત્રી — એણે બતાવ્યું.

શું વિજય પછી ગણતરી કરવી
એ ત્યાગને નાનું કરે?
જે પૂછ્યા વિના આપી દે,
એ જ મહાન કેમ ન ઠરે?

ઇતિહાસ લખાયો રામથી,
લક્ષ્મણ, સીતાથી ભરાયો;
ઉર્મિલાનું નામ પાનાંએ,
માત્ર સંકેતમાં રહ્યો.

પણ જે આધાર હોય પાયાનો,
એ નામે લખાતો નથી;
ઘર ટકાવે જે સ્ત્રી,
એ કથામાં આવતી નથી.

જો ઇતિહાસે ન લખ્યું,
તો શું એ ત્યાગ ખોટો?
કે ઇતિહાસની આંખ જ
સ્ત્રીના મૌનથી અંધ બની ગોઠો?

ધર્મ એટલે માત્ર વ્રત નહીં,
ધર્મ એટલે જવાબદારી;
જે પોતાનું સુખ બલિ ચઢાવે,
એ જ સાચી અધિકારી.

ઉર્મિલાએ ધર્મ જીવ્યો,
ગ્રંથ વિના, શ્લોક વિના;
એનું જીવન જ શાસ્ત્ર બન્યું,
પણ વિદ્વાનોએ વાંચ્યું નહીં.

જો ધર્મ જીવનમાં ન ઉતરે,
તો ગ્રંથો ખાલી શબ્દ;
અને જો જીવન ધર્મ બની જાય,
તો મૌન પણ બને શાસ્ત્ર.

 યુગો! હે સમાજ! હે ધર્મ!
એક પ્રશ્ન છે આજે પણ —
જો ઉર્મિલા ન હોત,
તો લક્ષ્મણ લક્ષ્મણ રહેત શું?

જો સ્ત્રી ન સહે,
તો પુરુષ શૂરવીર બને?
જો સ્ત્રી ચૂપ ન રહે,
તો ઇતિહાસ ટકી શકે?

#ખંડકાવ્ય
#ખંડકાવ્યભાગ3
#ગુજરાતીકાવ્ય #અનેરી
#ગુજરાતીસાહિત્ય
#ગુજરાતીભાષા #ગુજરાતીવાર્તા
#mansiદેસાઈશાસ્ત્રીનીકાવ્યો
#શિવા #શિવાખંડકાવ્ય
#ઉર્મિલાખંડકાવ્ય