નવજીવન Sagar Mardiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવજીવન

નવજીવન 
                           (લઘુકથા)

ગૌતમનાં હાથ કામ કરતાં અટકી ગયા અને મગજમાં વિચારો દોડવા લાગ્યા. ફરી ફરીને એક સવાલ તેને મુંઝવી રહ્યો હતો. તેના ચહેરા પર છવાયેલી ઉદાસી જોઇને તેના બા બોલ્યાં,     “બેટા! શું વિસારે છે? કંઇ ચિંતામાં છો?”

  ગૌતમે માથું ઝાટકતા કહ્યું, “કઈં નહી બા, એ તો બસ એમ જ.” 
મા આગળ જુઠું બોલવામાં સફળ તો થઇ ગયો. પણ મનનું શું? 
   માથા પર આવી ગયેલા સૂર્ય સામે એક નજર ફેંકી કપાળે વળેલો પરસેવો લૂછ્યો. લાકડી લઈને ચાકડો ફેરવ્યો અને માથે મુકેલ માટીના પીંડને આકાર આપવા લાગ્યો.

  ગૌતમ તેના માબાપનો સાત ખોટનો એકનો એક દીકરો હતો. કેટકેટલી બાધા, આખરી, માનતા બધું કર્યું. મંદિરના પગથિયાં ઘસી નાખ્યા ત્યારે પ્રભુ રીઝ્યા. લગ્નના ચૌદ વરસે દીકરાનો જન્મ થયો. ગૌતમના પિતા ખૂબ જ ધાર્મિક. એટલે પુરાણોમાંથી જ દીકરાનું નામ રાખ્યું ગૌતમ.

    ગૌતમ ભણવામાં થોડો નબળો અને રમત-ગમતમાં જબરો. તેના પિતા ચાકડા પર વાસણ ઘડતા હોય ત્યારે સામે બેસીને એકીટશે જોયા રાખે. ક્યારેક તો થોડી માટી લઈને તેના પક્ષીઓ બનાવે. પક્ષીઓ પણ એવા અદ્ભુત બનાવે કે જાણે એમ લાગે કે ‘આમાં જાણે ખાલી પ્રાણ જ ખૂટે છે?!!...

   ગૌતમ હજુ સાતમાં ધોરણમાં આવ્યો ત્યાં જ તેના પિતાનું અચાનક નિધન થઇ ગયું. પિતાના અવસાન પછી તેનું મન ભણવામાંથી સાવ ઉઠી ગયું. તેની બા એ ઘણો સમજાવ્યો, મનાવ્યો કે, “તું ભણ. ભણીશ તો જીવનમાં સુખી થઈશ.” પણ ગૌતમ જાણતો હતો કે, ‘જો તે ભણવા જશે તેની બાને કાળીમજુરી કરવી પડશે.’ તેણે આખરે બાપિકો ધંધો સંભાળ્યો. 

      રોજ વહેલી સવારે માટી લાવી તેમાંથી માટલાં-માટલી, હાંડલા, તાવડી, દીવડા, કોડિયાં જેવા માટીના વાસણ બનાવે. ઘડાઈને તૈયાર થઇ ગયેલા વાસણો ગામની બજારમાં જઈને વહેંચી તેમાંથી ગુજરાન ચલાવે. 

   એક દિવસ અચાનક ગૌતમના બા ઓસરીના પગથિયાં ઉતરતા ગબડી પડ્યા. પગમાં અતિશય દુઃખાવો ઉપડ્યો. ગૌતમ કામથી શહેર ગયેલો. સાંજે ઘરે આવ્યો ત્યારે બાને ખાટલામાં કણસતાં જોઇને પૂછ્યું, “બા, શું થયું?”

  દીકરો નાહકની ચિંતા કરશે એમ વિચારી બાએ જવાબ ઘડી કાઢ્યો, “કઈં નથી થયું બેટા! એ તો જરા ઉંમરને લીધે પગમાં દુખાવો થાય છે.”

   બે ચાર દિવસ એમ જ વિતી ગયા. ધીમે ધીમે દુઃખાવો વધવા લાગ્યો. ગૌતમથી બાની આ પીડા ના જોવાતા ડોક્ટર પાસે લઇ ગયો. ડોકટરે તપાસી કહ્યું, “અત્યારે દુખાવામાં રાહત થાય એવી દવા આપી દઉં છું. પણ મારી સલાહ છે કે એકવાર શહેરમાં જઈને ચેકઅપ કરાવી જુઓ. શહેરમાં મારા એક જાણીતા ડોક્ટર છે.”  કહેતા તેનું એડ્રેસ લખી આપ્યું.

   અઠવાડિયું વિતી ગયું. છતાં હજુ ફેર પડ્યો નહિ એટલે બાને લઈને શહેરના ડોક્ટર પાસે ગયો. ડોકટરે ચેકઅપ કરી કહ્યું, “પડી જવાને લીધે પગમાં ફ્રેકચર થઇ ગયું છે. દિવસો પણ બહુ વિતી ગયા એટલે વહેલામાં વહેલી તકે ઓપરેશન કરાવવું પડશે.” 

    ગૌતમે અત્યારસુધી કરેલ બચત જોઈ તો હજુ ઘણા રૂપિયા ઘટતા હતા. એક તરફ આર્થિક તંગી અને બીજી તરફ બાનું ઓપરેશન. ગૌતમ બરાબરની મૂંઝવણમાં મૂકાય ગયો હતો. પિતાની માફક સ્વાભિમાની ગૌતમને કોઈ સામે હાથ લાંબો કરવો ગમતો નહિ એટલે નક્કી કર્યું કે તે હવે વધુ મહેનત કરીને રૂપિયા એકઠા કરશે.

     સાતમ-આઠમનો તહેવાર આવ્યો. ગૌતમે મેળામાં વ્યાપાર કરવાનો નિર્ધાર કર્યો. ગૌતમ એક ઘરાકને માટીના વાસણો બતાવી રહ્યો હતો ત્યાં એક નાનકડી છોકરી આવી.  તે જાણે કંઇક શોધી રહી હોય તેમ નજર ફેરવવા લાગી. ગૌતમે ધીમેથી પૂછ્યું, “બેટા, શું જોઈએ છે?”

“મારે...સરસ મજાનો માટીનો પોપટ જોઈએ છે.” એકદમ મીઠા સ્વરે બોલી.

ગૌતમે લાગણીસભર અવાજે કહ્યું, “આજે તો નથી લાવ્યો. પણ કાલે ચોક્કસ લાવીશ.”

    ગૌતમે અડધી રાત સુધી જાગીને અવનવા પક્ષીઓ બનાવ્યા. 
   બીજા દિવસે ગૌતમ પેલી છોકરીની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં સામેથી  આવતી જોઇને ગૌતમ એકદમ ખુશ થઇ ગયો. 

“માટીના મોર...પોપટ...ચકલી...કબુતર...”

પેલી છોકરી રમકડાં જોઇને એકદમ રાજી થઇ ગઈ. ગૌતમે તેને પોપટ આપતા કહ્યું, “લે બેટા.” છોકરીનાં ચહેરા પર આવી ગયેલ સ્મિત જોઇને ગૌતમ ઘડીભર પોતાનું દુઃખ ભૂલી ગયો. 

   સાંજના સમયે ગૌતમ ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યાં તેના કાને કોલાહલ સંભળાયો. પાસેથી પસાર થતા વ્યક્તિને પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘એક છોકરી ચકડોળમાંથી પડી ગઈ.’ ગૌતમને પેલી છોકરી યાદ આવી અને તેણે દોટ લગાવી. ટોળામાંથી જગ્યા કરી નજીક જઈને જોયું તો પેલી છોકરી ચતિપાટ પડી હતી. માથામાંથી એકદમ લોહી વહી રહ્યું હતું. અને તેનાથી દુર પેલો પોપટ...

    ક્ષણભરનોય વિલંભ કર્યા વિના ગૌતમ છોકરીને તેના ગરીબ માબાપ સાથે દવાખાને લઇ ગયો. ડોકટરે તપાસીને કહ્યું, “તાત્કાલિક લોહીની જરૂર પડશે.” 

  સંજોગે ગૌતમનું લોહી મેચ થઇ ગયું. ઓપરેશન સફળ થયું અને ગૌતમના ચહેરા પર ખુશી છવાય ગઈ.  ગૌતમે ભેગી કરેલી થોડી બચત વપરાય ગઈ, પરંતુ તેના લીધે એક છોકરીને નવજીવન મળ્યું.

                        *સમાપ્ત*