અ - પૂર્ણતા - ભાગ 46 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 46

રેનાએ ઘર છોડી દીધું અને સુર્યનગર સોસાયટીમાં આવી પહોંચી. એક ઘરની બેલ વગાડી. દરવાજો ખૂલ્યો એ જોઈ રેનાના ચહેરા પર સ્મિત હતું પણ સામે ઉભેલી વ્યક્તિ સ્તબ્ધ હતી. એ કંચનબહેન હતાં. રેનાના મમ્મી. 
         "રેના, તું આટલી વહેલી સવારે?" કંચન બહેનનાં ચહેરા પર ચિંતા હતી.
          "મમ્મી..." આટલું કહેતા જ રેના કંચનબહેનને ભેટીને રડી પડી. માના પાલવ જેવી હૂંફ જગતમાં ક્યાંય નથી. રેનાને પણ અત્યારે જાણે શાંતિ મળી ગઈ.
           "રેના...રેના...રડવાનું બંધ કર બેટા." કંચન બહેન રેનાની પીઠ પસવારી રહ્યાં. 
           "ચાલ, તું અંદર આવતી રહે." આમ કહી તેમણે રેનાને ઘરની અંદર લીધી અને દરવાજો બંધ કરી દીધો. અવાજ થતાં કિશોરભાઈ પણ બહાર આવી ગયાં. રેના પોતાના પપ્પાને જોઈને ફરી રડી પડી. 
           કંચનબહેન રેના માટે પાણી લઈ આવ્યા. રેના માંડ શાંત થઈ. 
           "મમ્મી, મે વૈભવનું ઘર છોડી દીધું છે." આટલું સાંભળતા જ કંચનબહેનના હાથમાંથી ગ્લાસ પડી ગયો.
           કિશોરભાઈ બોલ્યા, "તે એક પણ વાર ઘર છોડતાં પહેલા વિચાર ન કર્યો? પરીનું શું થશે? લોકો શું વિચારશે?"
           "પપ્પા, ક્યાં સુધી લોકોનું જ વિચારું? સમાજ આવે છે મારું ઘર ચલાવી દેવા માટે?" રેના ગુસ્સે થઈને બોલી.
           "ટીવી ચેનલ પર જે સમાચાર આવે છે એ, અને અત્યારે તું ઘર છોડીને નીકળી ગઈ એ, તારા પર વધુ કીચડ ઉછાળવા માટેનો મોકો બની જશે બધા માટે." કંચનબહેન બોલ્યા.
          "મમ્મી, તમે એમ કહેવા માંગો છો કે હું એ ઘરમાં રહીને અન્યાય સહન કર્યા જ કરું?" 
          "બેટા, ક્યારેક ગૃહસ્થી સંભાળી લેવા માટે ચૂપ થઈને જેમ ચાલે એમ ચાલવા દેવું પડે. અમે આવવાના જ હતાં તને મળવા માટે પણ..." કંચનબહેન અટકી ગયા અને કિશોરભાઈ તરફ જોયું.
          કિશોરભાઈએ એક ઊંડો શ્વાસ લીધો એને બોલ્યા, "રેના, મને નથી ખબર શું સાચું છે ને શું ખોટું, પણ આંગળી તારી તરફ ઉઠી છે તો એમજ તો નહિ ઉઠી હોયને?"
          "પપ્પા,તમે પણ મારી પર જ શંકા કરો છો? હું દીકરી છું તમારી. તમને આટલો પણ વિશ્વાસ નથી?" રેનાને કિશોરભાઈની વાતથી ખૂબ જ આઘાત લાગ્યો હતો.
         "અમારે પણ સમાજમાં રહેવાનું છે રેના. ક્યાં મા બાપને મંજુર હોય કે એની દીકરી સાસરેથી પાછી આવે. આ બે દિવસથી અમે ઘરની બહાર નીકળી નથી શક્યા. લોકોની નજર અમને વીંધી જાય છે." કિશોરભાઈ અકળાઈને બોલ્યા.
        "પપ્પા, ગામના ગળે ગરણું તો નહિ બંધાય ને? લોકો શું વિચારે છે મારા માટે એ મહત્વનું નથી પણ તમે શું વિચારો છો એ તો મહત્વનું છે મારા માટે. મે તમારા પર વિશ્વાસ કર્યો. તમે જે છોકરો પસંદ કર્યો , મે એની સાથે લગ્ન કરી લીધા. એ પણ કોઈ સવાલ પૂછ્યા વિના. જો હું વિશ્વાસ કરી શકું તો તમે કેમ નહિ? શું તમને ભરોસો નથી મારા પર?" રેનાની આંખમાંથી આંસુ વહી રહ્યા.
         "જો રેના, મે એક બાપની જવાબદારી પૂરી કરી હતી પણ શું તું એક દીકરીની જવાબદારી પૂરી કરી શકી? જો કરી હોત તો આજે આ દિવસો જોવાના ન આવ્યાં હોત." કિશોરભાઈ બોલ્યા.
          "પપ્પા, વૈભવનો સ્વભાવ જેવો પણ છે હું રહી છું એની સાથે. મે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. વાત જ્યારે સ્વમાન પર આવીને ઊભી રહી ત્યારે મારે નિર્ણય લેવો પડ્યો. અત્યારે હું તમારો સાથ નહિ માંગુ તો કોનો માંગુ?" 
          "દીકરી સાસરે જ શોભે બેટા. જો અત્યારે તારો સાથ આપશું તો સમાજ તો એમ જ કહેશે કે અમે જ દીકરીને માથે ચડાવી છે." કંચનબહેન બોલ્યાં.
          "સમાજ..સમાજ...સમાજ. તમને સમાજની પડી છે દીકરી ની નહિ? જે દિવસે તમે પણ સત્ય જાણશો તે દિવસે તમને પણ પસ્તાવો થશે પપ્પા કે મારી રેના રાડો પાડી પાડીને કહી રહી હતી પણ મે એની વાત ન માની. દીકરી હમેશા મા બાપનું વિચારીને ચૂપ રહે છે તો એ મા બાપની ક્યારેય ફરજ નથી આવતી કે એક વાર તો એને પૂછે ને કે બેટા તું ખુશ છે ને?" રેનાના દિલનો આક્રોશ શબ્દો બની વહી રહ્યો.
         કંચનબહેનને લાગ્યું કે બન્ને બાપ દીકરી વચ્ચે વાત વધી જશે એટલે તે બોલ્યાં, "બેટા, પછીનું પછી વિચારી લઈશું. અત્યારે આરામ કર અને પછી ફ્રેશ થઈ જા. કેટલા સમયે તો ઘરે આવી છે તું." 
        "હા મમ્મી, હું તો મારૂ ઘર સમજીને જ આવી હતી પણ તમે તો મને પારકી જ ગણી. જો પોતાની ગણી હોત તો મારા પર વિશ્વાસ કર્યો હોત. એક જ વાર પણ મારી પૂરી વાત સાંભળી હોત. સીધો નિર્ણય ન સંભળાવ્યો હોત કે દીકરી તો સાસરે જ શોભે." રેનાની આંખમાં પીડા સાથેનો ગુસ્સો હતો.
         "દીકરી બાપના માથાની પાઘડી હોય છે. હું મારી પાઘડી ઉતારીને પણ તને તારા ઘરે પાછી મૂકી જઈશ." કિશોરભાઈ બોલ્યા.
        "નહિ પપ્પા, જ્યાં સુધી હું હવે તમને બધાને મારી સચ્ચાઇ સાબિત કરીને નહિ બતાવું એ ઘરે તો નહિ જ જાવ. હું એ ઘર હમેશા માટે છોડીને નથી નીકળી પણ મારું સ્વમાન પાછું લેવા માટે નીકળી છું. દીકરી હમેશા બે ઘર વચ્ચે વહેંચાયેલી જ રહે છે. બે ઘરની આબરૂ સાચવવામાં એ પોતાની જિંદગી છે એ પણ ભૂલી જાય છે. આજે મને દુઃખ થયું પપ્પા કે મારા જ મા બાપ મારો વિશ્વાસ નથી કરતા તો આ કહેવાતા સમાજ પાસે શું અપેક્ષા રાખી શકાય." રેનાએ પોતાના આંસુ લૂછ્યા અને મન મક્કમ કરી ફરી પોતાની બેગ ઉપાડી.
          "ક્યાં જાય છે બેટા??" કંચનબહેન ગભરાઈ ગયાં.
           "મમ્મી, મારા લીધે તમને વધુ તકલીફ પડે એવું હું નથી ઈચ્છતી. હવે જ્યારે સમાજ તમને કઈ પણ મારા વિષે કહે તો પ્રેમથી કહી દેજો કે અમારા રેના સાથેના સંબંધો પૂરા થઈ ગયાં." આટલું કહી રેના સડસડાટ નીકળી ગઈ અને કંચનબહેન પાછળ રેના રેના કરતાં બૂમો  પાડતા રહ્યાં. એક આંસુ ક્યાંક કિશોરભાઈની પાંપણે આવીને પણ બેસી ગયું. તે મનોમન જ બોલ્યા, "બેટા, જો આજ મે તને આ કડવા શબ્દો કીધા ન હોત તો તું કદાચ તારી લડાઈ લડવા મક્કમ ન બની હોત. ક્યારેક મા બાપનો ટેકો દીકરીને મજબૂત બનાવવા કરતાં કમજોર વધુ બનાવે છે. હું મારી દીકરીને મજબૂત બનાવવા માંગતો હતો. તારો સાથ તારી જાણ વિના પણ આપતો રહીશ."
          તેમણે પોતાનો ફોન લીધો અને એક નંબર લગાડ્યો. "હેલ્લો..."
*******************************
         રેનાની આંખમાંથી આંસુ એમ વહી રહ્યા હતા જાણે આંખો રૂપી નદીમાં પુર આવ્યું હોય. અગ્નિપરીક્ષા હમેશા સ્ત્રીની જ કેમ લેવાય? યુગ ગમે તે હોય. સીતા અશોકવનમાં એકલા હતાં એ પણ રાવણની લંકામાં તો અહી રામ પણ એકલા જ હતા ને? તોય પરીક્ષા સીતાની જ કેમ લેવાઈ? રામની કેમ નહિ?
       રેના બેગ લઈને ચાલતી થઈ. કેટલું ચાલી એ પણ ખબર ન પડી. અંતે પુલ પાસે જઈને ઉભી રહી. નીચેથી તાપી નદીનો પ્રવાહ શાંત રીતે વહી રહ્યો હતો. તે એકીટશે વહેતા પાણીને જોઈ રહી. મન તો થયું કે નદીમાં કૂદીને જીવ આપી દે પણ પછી પોતાના જ મનને ટપાર્યું કે આત્મહત્યા તો કાયરતાની નિશાની કહેવાય. સ્ત્રી તો ક્યારેય કાયર ન હોય. જે સર્જન કરી શકે એ થોડી કાયર હોય. 
        રેનાએ એક ઊંડો શ્વાસ લીધો પછી મનોમન બોલી, "હું અગ્નિપરીક્ષા નહિ આપું. સત્ય તો સમાજ પણ જાણશે જ. ભલે એ માટે કઈ પણ કરવું પડે." તેણે બેગ ઉપાડી અને ફરી એક રીક્ષા રોકી.
                                   ( ક્રમશઃ)
શું પગલાં લેશે હવે રેના?
ક્યાં જશે હવે રેના?
કિશોરભાઈ કોને ફોન કરી રહ્યાં?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.