અ - પૂર્ણતા - ભાગ 45 Mamta Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ - પૂર્ણતા - ભાગ 45

વર્તમાનની કેડીએ.....       
     ભૂતકાળ. ચાર અક્ષરનો જ આ શબ્દ છે પણ જો ભૂતકાળ યાદ કરવા બેસો તો ક્યારેક ચાર જનમ પણ જાણે ઓછા લાગે. કઈક અવાજ આવતાં જ રેના પોતાના ભૂતકાળના સંસ્મરણોમાંથી બહાર આવી. જિંદગીના પાછળના વર્ષો યાદ કરતાં જાણે અઢળક થાક લાગી ગયો. જોયું તો પોતે બેડ પર જ ટેકો દઈને બેસેલી હતી. ઘડિયાળમાં જોયું તો સવારના ચાર વાગ્યાનો સમય બતાવી રહી હતી. બાજુમાં નજર કરી તો બેડ પર વૈભવ ન હતો. તેને યાદ આવ્યું કે એ તો રાતે જ ગુસ્સો કરીને બેડરૂમ છોડી ને જતી રહ્યો હતો.
        રેના ઊભી થઈ અને રૂમમાંથી બહાર આવી. ઘરમાં નીરવ શાંતિ હતી. ઉપરથી જ તેણે નીચે હોલમાં નજર કરી. હોલમાં રહેલી નાની ડીમ લાઈટના પ્રકાશમાં તેણે વૈભવને સોફા પર સૂતેલો જોયો. વૈભવને જોતાં જ રાતે કરેલું વૈભવનું વર્તન અને તેના શબ્દો યાદ આવી ગયાં અને ફરી એકવાર આંસુ વહી નીકળ્યાં.
      તે ફરી રૂમમાં આવી. પોતાના બેડની સામેની દીવાલ પર તેનો, વૈભવનો અને પરીનો એક હસતો ફોટો હતો. તેણે એ ફોટા પર પ્રેમથી હાથ ફેરવી લીધો. પછી પોતાના હાથે જ પોતાના આંસુ લૂછ્યા અને મન મક્કમ કર્યું. ડ્રેસિંગ ટેબલ પાસે રહેલા વર્ક ટેબલ પાસે જઈ ખુરશીમાં બેઠી અને બૂકમાંથી એક પાનું ફાડી કઈક લખવા બેઠી. આંખમાં રહેલા આંસુએ હવે મક્કમતાનું સ્થાન લઈ લીધું હતું. 
*******************************
        ફરી એક વાર આભ કેસરી રંગે રંગાઈને સૂર્યની સવારીને આવકારવા સજ્જ થઈ ગયું. પૂજા ઘરમાં રેવતીબહેનની ટંકોરીનો અવાજ ગુંજી ઉઠ્યો સાથે જ તેમના જ કંઠે ગવાતું ભજન પણ. અગરબત્તીની સુગંધથી પૂજા ઘરની સાથે ઘર પણ મહેકી ઉઠ્યું હતું. છતાંય એક ભાર હતો આખા ઘરમાં. ભજનમાં એ શ્રદ્ધા તો હતી પણ મીઠાશ ગાયબ હતી. રેવતીબહેન જાણે ભજન ગાઈ ભગવાનને વિનવી રહ્યા હતાં કે બધું જ સરખું થઈ જાય.
       રેવતીબહેનનાં ભજન અને ઘંટડીના અવાજથી હોલમાં સૂતેલા વૈભવની ઊંઘ ઊડી ગઈ. તેણે જોયું કે પોતે આજે સોફા પર જ ઊંઘી ગયો હતો. તે ઉભો થયો અને પોતાના રૂમમાં ગયો. તેણે જોયું તો રૂમ રોજની જેમ વ્યવસ્થિત હતો પણ રેના રૂમમાં ન હતી. તેણે વિચાર્યું કે એ રસોડામાં હશે. વૈભવ ફ્રેશ થવા જતો રહ્યો. ફ્રેશ થઈને તે નીચે પહોચ્યો.
        "મમ્મી, ફટાફટ ચા નાસ્તો આપી દો. મારે હોટેલ પહોંચવાનું છે." વૈભવે ડાયનીગ ટેબલ પર બેસતાં બૂમ પાડી. 
         રેવતીબહેને પૂજા ઘરમાંથી જ કહ્યું, "રેનાને બૂમ પાડ.નાસ્તો એ બનાવતી હશે."
         વૈભવે કમને જ રેનાને બૂમ પાડી, "રેના...રેના...જલ્દી નાસ્તો ને ચા લાવ. મારે મોડું થાય છે."
        બે વખત બૂમ પાડવા છતાં રસોડામાંથી કોઈ અવાજ ન આવ્યો એટલે વૈભવ ઊભો થઈ રસોડામાં જોવા ગયો પણ રેના ત્યાં ન હતી. વૈભવ તરત જ બહાર આવ્યો.
         "મમ્મી, રેના રસોડામાં નથી. ક્યાં ગઈ એ?"
          "અરે, મને શું ખબર. પરીના રૂમમાં જો, એ કદાચ એને જગાડવા ગઈ હશે." રેવતીબહેને બહાર આવતાં કહ્યું. વૈભવ પરીના રૂમ તરફ વળ્યો કે પાછળથી મનહર ભાઈનો અવાજ આવ્યો.
          "રેના, પરીના રૂમમાં પણ નથી. અરે, આખા ઘરમાં ક્યાંય નથી એટલે એને શોધવા જતાં જ નહિ."
          રેવતીબહેનને પેટમાં ફાળ પડી. "ક્યાંય નથી મતલબ? ક્યાં ગઈ રેના?"
          "રેના આ ઘર છોડીને જતી રહી છે. આ લેટર અહી હોલમાં જ ટેબલ પર પડ્યો હતો. મને પણ આ લેટર વાંચ્યો ત્યારે જ ખબર પડી." મનહરભાઈએ હાથમાં રહેલો લેટર બતાવતા કહ્યું. 
          "શું લખ્યું છે લેટરમાં?" એમ કહી વૈભવે લેટર ખોલીને વાંચવાનું શરૂ કર્યું.
        "પ્રિય વૈભવ અને મમ્મી પપ્પા,
                   સૌથી પહેલા તો સોરી. આ બે દિવસમાં મારા લીધે જે કંઈ પણ તકલીફ પડી એના માટે. બીજું સોરી કે હું તમને કહ્યા વિના જ આ ઘર છોડીને જાવ છું. શહેરમાં જ રહીશ અને તમને મળતી પણ રહીશ પણ ઘરે ત્યારે જ આવીશ જ્યારે તમારી બધાની નજરમાં મારું ખોવાયેલું સન્માન પાછું મળશે. હું કહી કહી ને થાકી છું કે મે કશું જ ખોટું નથી કર્યું. વૈભવ આ વાત સ્વીકારવા તૈયાર જ નથી. મે ન કરેલા કર્મની મને આ ઘરમાં સજા મળી રહી છે. હું મારી જાતને નિર્દોષ સાબિત કરીને જ રહીશ. ભલે એ માટે મારે કઈ પણ કરવું પડે.
           વૈભવ, મારે તને એક જ વાત કહેવી છે. લગ્નજીવન પ્રેમ કરતાં પણ વિશ્વાસના પાયા પર ટકેલું છે. તને મારા પરથી વિશ્વાસ જ ઉડી ગયો છે તો હું તારી સાથે માર ખાવા માટે જ રહું? નહિ, મને પણ મારું આત્મસન્માન ખૂબ જ વહાલું છે. તને ભલે મારા પર શંકા છે પણ જ્યારે તને સત્ય ખબર પડશે ત્યારે તારી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહિ વધે.
          મમ્મી પપ્પા, સોરી, તમને કહ્યા વિના જ જાવ છું. જો કહીને જાવ તો તમે મને જવા જ ના દેત. જાણું છું કે તમને નહિ જ ગમ્યું હોય પણ મારી પાસે આ સિવાય કોઈ જ રસ્તો બચ્યો નથી. પરીને ગમે તેમ સંભાળી લેજો. હું એને પણ મળતી રહીશ. બની શકે તો મને માફ કરી દેજો. 
                                તમારી રેના."
         લેટર પૂરો થતાં જ રેવતીબહેન રડી પડ્યાં. "વૈભવ, તું શાંતિથી પણ કામ લઈ શકતો હતો પણ નહિ તારે તો ફક્ત ગુસ્સો જ કરવો છે અને હાથ જ ચલાવવા છે. રેના ક્યાં ગઈ એ પણ એણે લખ્યું નથી. તને જરા પણ ચિંતા નથી થતી એની?"
        "મમ્મી, એ એની મરજીથી ઘર છોડી ને ગઈ છે. મે એને કાઢી નથી મૂકી. સારું થયું જતી રહી. મારે એનું મોઢું પણ નથી જોવું." વૈભવ મોઢું બગાડીને બોલ્યો.
        "હા, તો આપી દે છૂટાછેડા બીજું શું. એ પણ છૂટી જાય ને તું પણ." મનહરભાઈ બોલ્યા.
        "ક્યારેય નહી. સૂકુનની જીંદગી તો હું એને ક્યારેય નહી જીવવા દઉં. અહીંના કર્મો તો અહી જ ભોગવવા પડે." આમ કહી વૈભવ ફટાફટ ત્યાંથી જતો રહ્યો. રેવતીબહેન અને મનહરભાઈએ તેને જતાં જોઈ નિઃસાસો નાંખ્યો.
         આ બાજુ રેના ઘરેથી વહેલી સવારે બેગમાં જરૂરી થોડોક સામાન લઈને નીકળી ગઈ. મનમાં વિચારોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. લોકો વહેલી સવારે વોકિંગ કરવા નીકળતા હોય ને પોતે? રેનાએ રિક્ષા માટે નજર દોડાવી. વહેલી સવાર હતી એટલે રીક્ષા કે ટેકસી વાળા નહિવત હતાં. 
        થોડી વાર ઊભા રહ્યા પછી એક રીક્ષા ઊભી રહી અને તે રીક્ષામાં બેઠી. " ઘોડદોડ રોડ પર સૂર્યનગર સોસાયટી લઈ લો."
         રીક્ષા સડસડાટ ભાગી રહી હતી. તાપી નદી પરથી ઠંડો પવન આવી રહ્યો હતો પણ એ ઠંડક પણ રેનાના દિલને ટાઢક આપતી ન હતી. છતાં પણ રેનાએ આંખો બંધ કરી અને એ ઠંડકને મહેસૂસ કરવાની કોશિષ કરી. રીક્ષા સૂર્ય નગર પાસે આવીને ઊભી રહી. રેનાએ પૈસા ચૂકવ્યા અને સોસાયટીમાં ચાલવા લાગી. અમુક ઘરોમાં લાઈટ ચાલુ હતી. અમુક ઘરોમાં હજુ લોકો સૂતા હતાં. રેનાએ સોસાયટીના પાંચમા મકાન આગળ જઈ બેલ વગાડી. થોડી વાર થઈ છતાંય દરવાજો ન ખુલ્યો. રેનાએ ફરી વાર બેલ વગાડી. આ વખતે અંદર કઈક હલચલ થવાનો અવાજ આવ્યો અને ફટાક કરતો દરવાજો ખુલ્યો. સામે ઉભેલી વ્યક્તિને જોઈ રેનાના ચહેરા પર સ્મિત આવી ગયું પણ સામે ઉભેલી વ્યક્તિ સ્તબ્ધ હતી.
                               ( ક્રમશઃ)
ક્યાં પહોંચી રેના?
ઘર છોડવાનો નિર્ણય કેટલો સાચો છે?
જાણવા માટે મળીએ આવતાં ભાગમાં.