મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય દાદુ! તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. આમ તો તમે આખો દિવસ તમારા રૂમમાં જ બેઠા રહો છો, પણ આજે પ્લીઝ તમે એવું કરતા નહીં! તમે બહાર જજો અને મંદિરે દર્શન કરજો. ખૂબ બધી જગ્યાએ ફરજો અને મારા માટે ખૂબ બધી ચોકલેટ લાવજો. કારણ કે, આજે તમારો જન્મદિવસ છે ને! અને હા બીજી એક વાત તમને ખાસ કહું, આપણી સામે જે પેલી હવેલી બની રહી છે ને એ હવેલીમાં આજે તમારા માટે ખૂબ મોટી બધી સરપ્રાઈઝ છે, બધાએ મને તમને એ વાત કહેવાની ના પાડી છે પણ તમે તો મારા દાદુ જ નહીં બેસ્ટ ફ્રેન્ડ પણ છો ને? આજે હું તમને આ વાત બધાથી છુપાવીને કહી દઉં છું. એ હવેલીમાં તમારા માટે આજે ખૂબ મોટી બધી સરપ્રાઈઝ છે અને એ સરપ્રાઈઝ તમને સાંજે સાડા સાત વાગ્યે મળશે! હવે છેક સાંજના સાડા સાત વાગ્યા સુધી તમે બધી જગ્યાએ ફરીને આવો અને ખૂબ મજા કરીને આવો ઓકે દાદુ. હવે મારે સ્કૂલ જવા માટે ખૂબ મોડું થાય છે હવે હું કંઈ જ લખીશ નહીં સાંજે આપણે મળશું ત્યારે આપણે ખૂબ બધી વાતો કરશું બાય દાદુ લવ યુ સો મચ દાદુ!"અપૂર્વના નિખાલસ પ્રેમની રજૂઆત જોઈને હું ખૂબ ભાવુક થઈ ગયો! સાથો સાથ મનમાં એમ પણ થયું, આ હવેલી વાળી વાત, એ શું મને કહી રહ્યો છે? એ હવેલી સાથે ને મારી સરપ્રાઈઝ સાથે શું સંબંધ હોઈ શકે? અપૂર્વની કાલી ઘેલી વાતો એ મને વિચાર કરતો કરી દીધો હતો. મેં ઘડિયાળમાં જોયું પોણા સાત થવા આવી રહ્યા હતા. મેં મારા રૂમમાંથી જ એ હવેલી તરફ નજર કરી હતી. સાંજે જ્યારે હવેલી ને જોઈ રહ્યા હતા ત્યારે હવેલી પર આટલું બધું ડેકોરેશન કરેલું ન હતું. થોડી જ કલાકોમાં તો હવેલીને આખી ફુલોથી શણગારી દીધી હતી. કેટલી સરસ હવેલી દેખાઈ રહી હતી. હું હવેલી ને જોઈને ખૂબ જ અચરજ પામી ગયો! મને હવે થયું અપૂર્વ જે કહી રહ્યો છે એ મારી સરપ્રાઈઝ વિશેની વાત જરૂર સાચી હશે!
મને એ હવેલી જ્યાં૨થી ચણાઈ રહી છે ત્યારથી એના પ્રત્યે ખેંચાણ તો થઈ જ રહ્યું હતું, અને વળી આજે અપૂર્વના શબ્દો મને એ હવેલી પ્રત્યે વધુ રસપ્રદ રહસ્ય મારા મનમાં ખડુ કરી રહ્યા હતા.
મારા મનમાં પરિવાર માટે પણ વિચાર આવવા લાગ્યો, "આખો પરિવાર એ વિશે જાણે છે તો મારાથી એવું છુપાવવાનો શો મતલબ? કેમ બહારના લોકો માટેનું માન એટલું અગત્યનું થઈ ગયું કે મને આ વાતથી બધાએ સાવ અજાણ્યો જ રાખ્યો! ક્ષણિક આવા જ વિચારોથી મારા મનમાં ખૂબ જ દુઃખ ઉદ્દભવવા લાગ્યું હતું! આજે મને મારી પુત્રી ખૂબ જ યાદ આવી રહી હતી. જો દિપ્તી અહીં હોત તો એ મારી સાથે આવું ક્યારેય ન કરત! એ હંમેશા મને બધી જ વાત જણાવતી હતી. એકદમ તુલસી જેવી જ એની ટેવ હતી. ઝીણીમાં ઝીણી વાત પણ ઘરના બધા જ સભ્યોને જાણ કરવી એ સ્વભાવ એને તુલસી પાસેથી મળ્યો હતો. પણ આજે એની સાથે પણ મારે વાત થઈ નથી. નહીં તો એ સૌથી પહેલા જન્મદિવસની શુભેચ્છા દીપ્તિ જ આપતી હતી. હું મારા વિચારોના લીધે સહેજ દુઃખી થવા લાગ્યો હતો. મેં મારું મન વાળતા વિચાર્યું, કદાચ એ આજ કોઈ કારણસર મારી સાથે વાત કરી શકી નથી. શું ફેર પડે ચાલને હું જ એની સાથે સામેથી વાત કરી લઉં, એવું વિચારે મેં દીપ્તિને ફરી વખત ફોન કરી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દીપ્તિનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. હું દિપ્તી સાથે વાત કરી શક્યો નહીં. મારા ભીતરમનમાં આ હવેલીની ચર્ચાના લીધે કાકરી ચાળો થઈ રહ્યો હતો. મને એ વિશે શું સરપ્રાઈઝ હશે હું એ વિચારમાં હતો ત્યાં જ મારા ફોનમાં રીંગ વાગી હતી. આ નંબર મારે સેવ કરેલો ન હતો કદાચ તેજાએ જ મને ફોન કર્યો હોય એવું મને લાગ્યો મેં ફોન ઉપાડ્યો, "હેલ્લો."
"શું યાર તું તો ગયો તે ગયો ત્યાં જ રહ્યો. હવે નીચે ક્યારે આવે છે?" તેજાએ મને સહેજ મીઠો ઠપકો આપતા કહ્યું હતું.
હું ખુબ ઝડપથી તેજા પાસે પહોંચી ગયો હતો. એ એકલો જ ત્યાં બેઠો હતો. મેં કહ્યું, "અપૂર્વ ક્યાં?"
"અપૂર્વ એની મમ્મી સાથે બહાર ગયો, બસ હમણાં જ આવે છે એવું કહ્યું છે."
મને મનમાં થયું કે, આજે પૂજા પણ આખો દિવસ બહાર જ રહી અત્યારે ઘરે આવી તો પણ મને મળ્યા વગર બહારથી જ નીકળી ગઈ! દર વખતે બધા મારા જન્મદિવસે મારી આસપાસ જ રહેતા હતા આજ સવારથી હું અનુભવું છું, કે હું સવારથી સતત એકલો જ છું. કદાચ આજે તેજો ન આવ્યો હોત તો ખરેખર હું આખો દિવસ કેમ પસાર કરત..! ઘડીક મારા મનમાં એમ થઈ ગયુ કે ખરેખર તુલસી ખૂબ જ નસીબદાર હતી આથી કોઈ જ તકલીફ પામ્યા વગર એ અહીંથી જતી રહી, મારાથી હવે આ એકલપણું જરાય સહન થતું ન હતું. મનમાં દુઃખનો ડુમો ભરાઈ ગયો, પણ હવે આટલા સમય પછી તેજાને મળ્યા બાદ આવી રીતે એની સામે રડવું મને ઉચિત લાગતું ન હતું. પણ મન તો અંદરો અંદર ખૂબ દુઃખી થઈ ગયું હતું. કદાચ જાજુ દુઃખ તો દીપ્તિ સાથે વાત થઈ ન હતી એનું હતું પણ સરવાળે આખા દિવસનું બધાનું મારાથી દૂર રહેવું મારી નજર સામે આવવા લાગ્યું હતું.
"શું યાર તું શું વિચારમાં પડી ગયો? કેમ થોડી થોડી વારે અચાનક તું ચૂપ થઈ જાય છે તું શું વિચાર કરે છે?" મને ચિંતિત જોય તેજો સમજી ગયો હતો, હકીકત જાણવાના હેતુથી એણે મને પૂછ્યું હતું.
મેં વાતને ટાળવાનું ઉચિત સમજી એને કહ્યું, "અપૂર્વે લખેલ કાગળ વિશે હું વિચાર કરી રહ્યો છું. અપૂર્વ એ ખૂબ પ્રેમાળ કાગળ લખ્યો છે. મેં એ કાગળ તેજાના હાથમાં આપતા કહ્યું, લે તું પણ વાંચ!"
તેજાએ અપૂર્વએ લખેલ કાગળ વાંચ્યો હતો. એ કાગળ વાંચીને હળવું હસવા લાગ્યો હતો. એ તરત જ બોલ્યો, "અપૂર્વ તને ખૂબ પ્રેમ કરતો લાગે છે. ખુબ સરસ લખ્યું છે. એક એક શબ્દમાં તારા પ્રત્યેની લાગણી છલકી રહી છે."
"હા એ મને ખૂબ જ પ્રેમ કરે છે મારી સાથે આખો દિવસ ખૂબ સમય પસાર કરતો હોય છે. પણ આજ ખબર નહીં એ પણ..." હું આટલું બોલી અટકી ગયો. મને થયું મારાથી હમણાં રોવાઈ જ જશે આથી હું ચૂપ થઈ ગયો.
"તેણે આ હવેલી વાળી કંઈક વાત લખેલી છે એ શું કહેવા ઈચ્છે છે? તેજાએ હવે મારા મનનો પ્રશ્ન પૂછ્યો હતો.
"હું આ બાબતે કંઈ જ જાણતો નથી એણે કહ્યું કે સાડા સાત વાગ્યે તમને ત્યાં એક સરપ્રાઈઝ મળશે. સવા સાત થઈ ચૂક્યા છે અને હું એ હવેલી વિશે હજુ કંઈ જ જાણતો નથી. ખબર નહિ કેમ એણે આવું લખ્યું છે! પણ ખરેખર કંઈક તો રહસ્ય એ હવેલી સાથે જોડાયેલું જ છે એ હું ચોક્કસપણે અનુભવી રહ્યો છું." મેં મારા મનના ભાવો તેજા સામે રજૂ કર્યા હતા
વિવેકના જીવનમાં એ હવેલી સાથેનું શું રહસ્ય હશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏